વહાલું કોણ ? પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.
-મુન્નુ બેટા, તને કોણ ગમે, મમ્મી કે પપ્પા?
-મને તો માલી પુછી કેત ગમે. (મને તો મારી પુશી કેટ ગમે)
બહુ જ નાના બાળકો ( જેમના મા હજી પોલિટિક્સ નથી જાગ્યુ ) ને તમે ઉપર
મુજબનો સવાલ પૂછો તો તમને આવો જવાબ મળે. પછી તો જેમ જેમ બાળક મોટું થતું જાય અને
દુનિયાના વ્યવહારો ( કાવાદાવા ) શીખતું જાય એમ એમ એના જવાબો બદલાતા જાય.
મમ્મી પાસે કંઈ કામ કઢાવવાનું હોય, ત્યારે એનો જવાબ ‘મમ્મી ગમે’ એવો આવે અને પપ્પા પાસે ‘પોકેટ મની’ લેવાના
હોય ત્યારે ‘પપ્પા ગમે’ એવો આવે.
બાળક કિશોર બને ત્યારે એ જ સવાલનો જવાબ એ આયના માં જોઈને આપે, ‘મને તો હું જ બહુ ગમું’ અને એ જ કિશોર, યુવાન થાય
ત્યારે એ સવાલનો જવાબ ‘શેફાલી યા મોના યા સોનાલી કે કંગના
ગમે’ એવો આપે.
જો કોઈ વ્યક્તિ તમને અચાનક સવાલ પૂછે કે – ‘તમારા શરીર નું સૌથી વહાલું અંગ કયું?’ તો તમે પણ બે
ઘડી તો વિચારમાં પડી જાઓ કે નહીં? આ ‘બે
ઘડી’ લંબાઈને પછી બે મિનિટ, બે કલાક, બે અઠવાડિયા કે પછી બે મહિના પણ થઈ શકે.
તમારા અણુએ અણુમાં ‘વહાલું કોણ?’ નો પ્રશ્ન ગુંજી ઊઠે અને તમે એનો ઉત્તર શોધવા
માટે દિવસ રાતની પરવા કર્યા વિના મંડી
પડો. જવાબ શોધવા માટે તમે ખાવા પીવાની ય
પરવા ન કરો, કામ કાજની પણ પરવા ન કરો.તમારા મિત્ર મંડળ, સગા વહાલાઓ ને પણ નેવે મૂકીને
તમે બસ આ જ કામમાં લાગી પડો. આ પ્રશ્ન તમારા માટે પ્રાણ પ્રશ્ન બની જાય.
પરંતુ આ સવાલ (વહાલું કોણ?) એ કંઈ આટલો બધો સમય (વિચારવા માટેનો) લે એવો મને લાગતો નથી. શું કહ્યું
તમે? ‘આમે ય વિચારવાનું કામ સ્ત્રીઓની
પ્રકૃતિ સાથે સુસંગત નથી?’ ના ના, તમે આમ સાવ ઉતાવળે
સ્ત્રીઓ માટે કોઈ પણ નિર્ણય બાંધવાને બદલે આગળ વાંચો.
મને જો કોઈ પૂછે કે – ‘તમારા શરીરનું સૌથી વહાલું અંગ કયું?‘ તો હું ફટ
દઈને જવાબ આપું, ‘હાથ’ હા મારા શરીરનું સૌથી વહાલું અંગ હાથ છે. હવે તમને સવાલ થશે કે – ‘હાથ તે વળી શરીરનું સૌથી વહાલું અંગ શી રીતે હોઈ શકે?’ અરે ! શી રીતે હોઈ શકે શું, છે જ. અને એ સૌથી
વહાલું અંગ છે, તેના ઠોસ કારણો પણ મારી પાસે છે, એ કારણો તમને કહું પછી તો તમે મારી વાત માનશો ને?
જુઓ, પ્રથમ કારણ
તો એ છે કે જો મારા આ બે હાથ ન હોત તો હું તમને એટલે કે વાચકોને લખીને જણાવત શી
રીતે કે મારા શરીરનું સૌથી વહાલું અંગ કયું છે? બીજું મહત્વનું કારણ તો એ કે મારા આ હાથોએ જ મને
દરેક કામો (કરવા જેવા કે ન કરવા જેવા) માં હંમેશાં સાથ આપ્યો છે. અરે! એમણે તો અનેક
વાર કાળા કામો (જેવા કે વાળને હેર ડાઈ કરવી) વગેરે પણ મારા આ બે હાથોએ
જ તો વગર આનાકાનીએ કુરુપતાની પણ પરવા કર્યા વિના કર્યા છે.
મારા આ હાથ મને સૌથી વહાલા તો ત્યારે લાગ્યા
છે કે- જ્યારે કોઈએ મને મારવાનો પ્રયત્ન કર્યો હોય,
ત્યારે એમણે મને સ્વજોખમે (ફ્રેક્ચર થવાની પણ પરવા કર્યા વિના) બચાવી છે, અને જરૂર પડી ત્યાં વળતો હુમલો પણ કર્યો છે. અરે! કોઈવાર તો મને સકારણ કે
અકારણ મારવાનું મન થયું હોય, (છોકરાંઓને
અને તે ય ખાસ કરીને મારાં) ત્યારે મારા આ હાથોએ જ મને સારા – નરસાનો ભેદભાવ રાખ્યા
વિના સાથ આપ્યો છે. એટલે શરીરના સૌથી વહાલા અંગ તરીકે મારા આ બે હાથ જ સ્થાન પામી
શકે એ હકીકત તો જાણે નિર્વિવાદ છે.
આ આટલું લખાણ મેં લખ્યું ત્યાં તો મારી
બૉલપેનની રિફીલ ખલાસ થઈ ગઈ. બીજી ત્રણ – ચાર બૉલપેનો જે ઘરના ખૂણે ખાંચરે પડી હતી
તે મેં ટ્રાય કરી જોઈ, પણ એ બધી જ અસહકારના આંદોલન
પર ઊતરી હોય એમ લાગ્યું, એટલે નાછૂટકે બૉલપેનની રિફીલ લેવા
ચાર રસ્તે જવાનું નક્કી કર્યું. હું જવા માટે ઊભી થઈ ત્યારે મારી નજર મારા પગ પર
પડી.
નજર પગ પર પડતાં જ મને વિચાર આવ્યો કે, ‘પગ વગર તો ક્યાંય જવું શક્ય નથી.’ સ્કુટરને કીક મારવામાં પણ મારા પગે જ મને મદદ કરી. પેટ્રોલ ન હોવાથી
સ્કુટરે ચાલુ થવામાં લાચારી દર્શાવી. ત્યારે મેં કાર કાઢી. અને મારા બે પગોએ જે
રીતે સિફતથી ક્લચ,
બ્રેક અને એક્સિલેટરનું સંચાલન કરી બતાવ્યું તે જોઈને મને લાગ્યું કે – શરીરના
સૌથી વહાલા અંગ તરીકે હું મારા પગને ગણાવું તો પણ કંઈ ખોટું તો નથી જ.
‘ફટી એડીયાં’ વિનાના
મારા સુંદર સુંદર પગ! પૂર્વજોએ અકારણ જ ‘પોતાના પગ ઉપર ઊભા
રહેવા’ ની વાતો તો નહીં જ કરી હોય ને?
પેલાં રૂપાળા શીંગડાં’ ની વાર્તા માં સાબરને એના પગ જ તો
શિકારીથી બચાવે છે ને? પગની મદદથી જ તો આપણે કેટલીય લડાઈઓ
(લાતમલાતી કરી) જીતી શક્યા છીએ. એટલે પગ એ મારા શરીરનું સૌથી વહાલું અંગ છે એ વાત
તો ‘પથ્થર પર ખીંચી લકીર’ જેવી મજબૂત
છે.
થોભો, મહેરબાન તમે
જરા થોભો! મારા શરીરનું સૌથી વહાલું અંગ કયું, હાથ કે પગ? એ નક્કી કોણ્ર કર્યું? મારી આ સુંદર, નિર્દોષ અને નિર્મળ આંખોએ જ ને? આ આંખો છે તો મારી
દુનિયા ઊજાસમય અને રંગબેરંગી છે, અને આંખો વિના? કાળું કાળું અંધારું ઘોર! ‘યે આંખે મેરે દિલકી જુબાંન હૈં.’, ‘મેરી આંખોકે સિવા
દુનિયામેં રખ્ખા ક્યા હૈ?’ તો પછી?
શરીરના વહાલા અંગ તરીકે આ આંખો ફાઈનલ? લોક કર દિયા જાય? હાં, હાં, લોક કર દિયા જાય.
એટલામાં જ ડોરબેલ વાગી, કુરિયર વળો આવ્યો, કોઈકનો લેટર લાવ્યો. વાંચવાનો
પ્રયત્ન કરું છું પણ ઝીણા અક્ષરોને લીધે સ્પષ્ટ વંચાતું નથી. અક્ષરો છે કે રેતીના
કણ કે પછી કીડીનું ધણ? ચશ્મા ક્યાં?
એના વિના લેટર વાંચવો અસંભવ! અરે! મારા મનમાં આ વિચારનો ચમકાર કેવો? હેં? હેં નહીં હા. ‘જો મારા આ
બે કાન ન હોત તો હું ચશ્માની દાંડીઓ ક્યાં ટેકવત?’ ચશ્મા વગર
વાંચન નહીં અને વાંચન વગર નો મારો દિવસ? અક્લ્પ્ય!
રસહીન! કાન છે તો હું વાંચી શકું છું, સાંભળી શકું છું, એટલું જ નહીં પરંતુ સાચા હીરાના
બુટિયા પહેરીને વધુ સુંદર દેખાઈ શકુ છું, ને વટ મારી શકું
છું. તો પછી? શરીરના સૌથી વહાલા અંગ તરીકે આ બે કાન નું નામ
પાકું ને?
‘આ વટ બટ મારવાની વાત બધી ખોટી છે, સાચી સુંદરતા બાહરી દેખાવમાં નહીં પણ ભીતરી મુલાયમતા માં એટલે કે દિલમાં
છુપાયેલી છે.’ અરે!
આ કોણ બોલી રહ્યું છે? મારું દિલ? અરે એય દિલ, ચુપ, યુ શટ અપ! તારી સુંદરતા જોવા કોણ નવરું છે? આજના કઠોર યુગમાં તું તારી નાજુકાઈના લીધે ટકી શકે એમ નથી. તું તો વાત
વાતમાં તૂટે છે. સોરી! તું લાખ સુંદર ભલે રહ્યું પણ મારા શરીરના સૌથી વહાલા (સુંદર) અંગ તરીકે તને હું ધારું તો
પણ ગણાવી શકું એમ નથી. સોરી.તો પછી ફાઈનલી શરીરનું સોથી વહાલું અંગ કયું?
અહીં દલપતરામ કવિની પક્તિ જોઈએ તો-
‘ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા
ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની તો ડોક વાંકી,
પોપટની છે ચાંચ વાંકી, ભેંસના છે શીગ વાંકા, કૂતરાની છે પૂંછડી વાંકી, વાઘના છે નખ વાંકા....’ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક
વાંકુ, આપના અઢાર છે.’
હું પણ એ જ કહું છું, ‘અન્યને ભલે એમનાં શરીરના એક એક અંગ વહાલા હોય, મને તો મારા શરીરના એકેએક (બધાં જ) અંગો વહાલાં છે.
બિલકુલ સાચી વાત કરી. મસ્ત આર્ટિકલ છે.
ReplyDelete