Sunday 13 December 2015

મુમ્બઈગરી મિતાલીની ડાયરી.

મુમ્બઈગરી મિતાલીની ડાયરી.              પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

સેક્રેટરી: બૉસ, બેંકના ક્રેડિટ કાર્ડના એજન્ટને મળવાનો સમય જોઈએ છે.
બૉસ: આવતી કાલે બપોરે ૪.૧૩ થી ૪.૨૪ નો સમય આપી દો.
મિત્રો, તમને થશે કે આટલો બધો એક્યૂરેટ ટાઈમ આપનાર માણસ સમય પાલનનો ચુસ્ત આગ્રહી હશે. અને એ મોટો અને સફળ બીઝનેસમેન હશે, જેની પાસે મિનિટે મિનિટના સમયનો હિસાબ રહેતો હશે, અને એ માણસ પોતાના સમયની  મિનિટે મિનિટનો સદઉપયોગ કરતો હશે. અથવા એ કોઈ મોટો નેતા, અભિનેતા કે ખુબ જ ઊંચી પોસ્ટ પર બિરાજમાન કોઈ વ્યક્તિ હશે. પણ તમે જરા થોભો, એ માણસ મુંબઈગરો માણસ પણ હોય શકે છે.
ભારતીય વ્યક્તિઓ સમય પાલનના આવા ચુસ્ત આગ્રહી નથી હોતા, અને એટલે જ કોઈ ભારતીય વ્યક્તિ કોઈને મળવાનો વાયદો કરતી વખતે સમય આપે છે, ત્યારે એમાં વ્યક્તિ અનુસાર થોડી કે ઘણી છુટ છાટ મૂકવામાં આવે છે. આ રીતે પાળવામાં આવતા સમયને ઈંડિયન ટાઈમ કહેવામાં આવે છે.
પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી અશોક દવે પણ સમય પાલનના આવા ચુસ્ત આગ્રહી છે. એમની સંગીત ક્લબ ફરમાઈશ ના કાર્યક્રમ શરુ થવાનો સમય તેઓ ૮.૩૩ નો આપે છે, અને સમય આપ્યા મુજબ તેઓ પ્રોગ્રામ સમયસર શરૂ કરે છે પણ ખરા. હું પોતે પણ સમય પાલનમાં માનું છું, અને મારી જેમ તમારા માંથી ઘણા મિત્રો પણ આપેલા વાયદા પ્રમાણે સમયનું પાલન કરતાં જ હશો. પણ સમય પાલનની બાબતે આખા ભારતમાં મુંબઈગરાઓ ને કોઈ ન પહોંચી શકે.
કુદરતે દિવસની રચના કામ કરવા માટે કરી છે, અને રાતની રચના આરામ કરવા માટે કરી  છે.  આ વાત સામાન્ય દ્રષ્ટિએ વિચારતા મનુષ્યો સહિત તમામ પ્રાણીઓ માટે સાચી લાગે છે.  પણ મુંબઈગરા મનુષ્યોને જ્યારે હું દિવસ રાત  કામ કરતાં  જોઉં છું ત્યારે મને લાગે છે કે, કુદરતે દિવસ ની નહીં,  પણ માણસ ની રચના કામ કરવા માટે કરી છે. મુંબઈ માત્ર રાત્રે ૨ થી ૪  જ વિરામ લેતું હશે, બાકીના સમયે તો હમેશા ધમધમતું જ હોય છે.
તમે એક આ પંક્તિ તો સાંભળી જ હશે, રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે લઈશું હરિનું નામ?’  ઇલેક્ટ્રીસિટી નહોતી શોધાઈ ત્યારે આ વાત (રાત્રે નિદ્રા – દિવસે કામ)  કદાચ શક્ય બની હશે. પણ હવે તો  દિવસે કામ પોસીબલ છે, પણ રાત્રે નિદ્રા કાયમ શક્ય  નથી લાગતી. ઈંટરનેટ ના આવિષ્કાર અને વોટ્સેપ અને ફેસબુક ના આ જમાનામાં આબાલ- વૃધ્ધ સૌની નિદ્રા ડુલ કે ગુલ  થઈ ગઈ છે.
અને રહી વાત હરિનું નામ લેવાની, તો મુંબઈવાસીઓ ક્યારેક week ends માં કે છુટ્ટીઓમાં મુંબઈની આજુબાજુના મંદિરો ગણેશપુરી, વજેશ્વરી, ટીટવાડા, નાસિક કે ત્ર્યંબકેશ્વર જઈને હરિનું નામ લઈ આવે છે ખરાં. મુંબઈવાસીઓ નો ખરો ચિતાર તમને મુંબઈગરી મિતાલીની ડાયરી વાંચશો એટલે આવશે.
“રોજ ની જેમ આજે પણ મારે ૭.૩૨ ની ટ્રેન પકડવાની હતી, એટલે ૫.૪૦ નું એર્લામ મૂક્યું હતું. એર્લામ તો એના ટાઈમે જ વાગ્યું હતું, પણ રાત્રે ફ્રેંડ્સ જોડે વોટ્સ એપ પર ના ચેટિંગના કારણે હું મોડી સૂતી હતી. એટલે મારા કાનોએ એર્લામનો અવાજ સાંભળવાનો અને મારી આંખોએ ખૂલીને એર્લામ ની સામે જોવાનો ધરાર ઈન્કાર કર્યો.
આ બન્નેને સપોર્ટ કરવા અને કાનમાં આવતા એર્લામાનાઅવાજ ને રોકવા માટે,  મારા બન્ને હાથોએ માથા નીચેથી તકિયો લઈ મારા કાને ધર્યો. થોડીવાર તમાશો જોયા પછી મારી આ હરકતથી ટેવાયેલી મારી રૂમ મેટ ગીતાએ મને લેટ થઈ જવાની ચેતવણી આપી મને ઊઠવા આગ્રહ કર્યો. (હું સમયસર પરવારું તો મારા પછી એ પણ સમયસર પરવારી શકે- અમારો બાથરૂમ કોમન હતો) ન છૂટકે,  આલસ્ય તજ કર આત્મ ઉન્નતિ કે લિયે આગે બઢો, હૈ જ્ઞાન શક્તિ કા ભરા ભંડાર તુમ ગીતા પઢો.  એ વાત યાદ કરતા કરતા હું ગીતાની વાત સાંભળીને ઊઠી અને યંત્રવત રૂટિન વર્ક પતાવી, ૭.૩૨ ની ટ્રેન પકડવા ના  અભિયાન પર નીકળી પડી.
અંધેરી રેલ્વે સ્ટેશન પર મારા રોજના સાથીદારો ઉષા, હિના, રીમા, શેફાલી, અમર, હિતેન અને સાહિલ ઊભા હતા. મીરાં ન દેખાઈ એટલે મેં પ્રશ્નાર્થ દ્રષ્ટિ હિના પર માંડી. મારી આંખોમાં  રહેલો પ્રશ્ન વાંચી લઈને એ બોલી, મીરાંનો કઝીન – એની ફોઈનો છોકરો ગઈ કાલે રેલ્વે લાઈન ક્રોસ કરવા જતાં ટ્રેન સાથે અથડાઈને એક્સપાયર્ડ થઈ ગયો, એટલે મીરાં ત્યાં ગઈ છે.
ઓહ, ગોડ! વેરી સેડ!  મારા મોંમાથી ઉદ્દગાર સરી પડ્યા. અને તરત જ મેં શેફાલી ની સામે જોઈને કહ્યું, લુક શેફાલી, કંઈ સાંભળ્યું તેં? તું પણ ઘણીવાર વોકમેન સાંભળતાં સાંભળતાં પાટા ક્રોસ કરતી હોય છે. હિતેન બોલ્યો, અરે, ગયા વીકમાં સોમવારે જ મેડમ એ રીતે લાઈન ક્રોસ કરવા જતી હતી અને ટ્રેન એકદમ નજીક આવી ગઈ હતી. એ તો સારું થયું કે સમય સર મારું ધ્યાન એની તરફ ગયું અને મેં એને સમયસર ખેંચી લીધી. નહીંતર એના બધા જ વર્ષો ત્યાં જ પૂરા થઈ ગયાં હોત! 
શેફાલી જરા ખચકાઈ અને પછી ખીજાઈને બોલી, હા, હા. ખબર છે હવે. પણ યાર, ત્યારથી મેં પાટા ક્રોસ કરતી વખતે વોકમેન સાંભળવાનું બંધ કર્યું છે ને. ઉષા બોલી, તું નસીબદાર છે, એટલે બચી ગઈ. બાકી મુંબઈમાં તો આ રોજનું થયું. રોજ કેટલાય લોકો પાટા ક્રોસ કરવા જતા કે ચાલુ ટ્રેનમાં ચઢવા  કે  ઉતરવા જતાં પડે છે, અને કપાઈ મરે છે, અથવા અપંગ થાય છે. અહીં જાન કરતાં પણ નોકરીની અને એનો સમય સાચવવાની કિંમત વધી ગઈ છે.  
રીમા બોલી, સાંભળો બધા, અમે શનિવારે દહીસર રહેવા જવાના છીએ. બે રૂમ કીચનનો ફ્લેટ પરચેઝ કર્યો છે. અહીં અંધેરીનું ઘર બહુ નાનું પડતું હતું. ગેલેરી બંધ કરીને બેડરૂમ બનાવ્યો હતો, પણ પીંજરે પુરાયા હોઈએ એવું લાગતું હતું. બધા એક સાથે બોલી પડ્યા, સાચી વાત છે, યાર.મુંબઈમાં ખાવા માટે રોટલો મળી રહે પણ રહેવા માટે ઓટલો મળવો મુશ્કેલ છે. તને નવા ઘર બદલ કોંગેચ્યુલેશન્સ
૭.૩૨ ની ટ્રેન અંધેરી સ્ટેશને પ્લેટફોર્મ પર આવી એટલે એમાં ચઢવા બારણે ટોળું લાગી ગયું. ટ્રેનમાં ચઢનારા, હેઈ,  હેઈ, લવકર કરા, લવકર કરા (જલ્દી કરો – જલ્દી કરો) અને ટ્રેનમાંથી ઉતરનારા ઘાઈ કરુ  નકો બાઈ    ( ઉતાવાળ ન કરો બાઈ) ના અવાજો સાથે ઉતરનારા ઉતર્યા અને અમે ચઢનારા ચઢ્યા.
મુંબઈની એક ખાસિયત છે, પીક અવર્સમાં તમારે લોકલ ટ્રેનમાં જાતે ચઢવું કે ઊતરવું નથી પડતું, પાછળથી આવતા લોકોના ધક્કાથી વિના પ્રયાસે જ આ કામ થઈ જાય છે. અને આ અનાયાસ પ્રવૃત્તિ થી મુંબઈગરા સહજ પણે ટેવાઈ ગયા છે.  મુંબઈગરાઓ ની બીજી ખાસિયત લોકલ ટ્રેન માટે નિયત કરેલી ટ્રેન, નિયત કરેલો ડબ્બો અને નિયત કરેલી સીટ. એ સીટ મળી એટલે દિવસ સફળ.
અમારા મળતિયાઓ એટલે કે અમારા દોસ્તોએ અમારી જગ્યા રાખી હતી એટલે, જેમ ડબ્બામાં અનાજ ભરો પછી જરા ઠમઠોરો એટલે વધારાનું અનાજ વ્યવસ્થિત ગોઠવાઈ જાય, એમ અમે પણ કાચી સેકંડમાં અમારી જગ્યા પર ગોઠવાઈ ગયા. ડબ્બામાં આઠ દસ જણ મોબાઈલ પર બીઝી હતા. મેં પુસ્તક કાઢી જ્યાંથી અધૂરું હતું ત્યાંથી વાંચવા માંડ્યું. ઉષાએ એનું સ્વેટર ગૂંથન શરું કર્યું,  શેફાલી એણે લીધેલી એજન્સીની બ્યૂટી પ્રોડક્ટ લોકોને બતાવી એના ફાયદા વિશે સમજાવવા લાગી.
 હિતેન, અમર, સાહિલ અને રીમા પત્તા રમવા માંડ્યા. ચાંદલા – બુટ્ટી – પર્સ - બેલ્ટ અને બુક્સ વેચતા ફેરિયાઓ વારા ફરતી આંટા મારી ગયા. મેલાઘેલા કપડામાં ટ્રેનની રોક સ્ટાર એવી એક છોકરી માટીના બે ઠીકરા (ટુકડા) અથડાવીને કોઈ લેટેસ્ટ ફિલ્મનું લેટેસ્ટ ગીત ગાઈને લોકો પાસે પૈસા માંગવા લાગી. બુટ પોલિશ કરનારો છોકરો બુટધારી લોકોને પોલિશ કરાવવાની વિનંતિ કરતો એક આંટો મારી ગયો.
અમારું સ્ટેશન આવતાં અમે ડબ્બામાંથી કોઈ સામાનની જેમ બહાર ઠલવાઈ પડ્યા ને પછી કાચી સેકંડમાં સૌએ પાછળ જંગલી કૂતરો પડ્યો હોય એ રીતે ઝડપથી પોતપોતાને પંથે પ્રયાણ કર્યું. હું પણ ઓફિસમાં પહોંચી ને મારી ડેસ્ક પર બુક્સ અને લંચબોક્સ મૂકીને પર્સ લઈને, મોબાઈલને સાયલન્ટ મોડ પર મૂકીને, મોર્નિંગ મિટિંગ માટે કોન્ફરન્સ હોલમાં પહોંચી. મિટિંગ પતાવીને મારી સીટ પર આવીને જોયું તો મોબાઈલમાં ૩ થી ૪ મીસકોલ હતા. એમાં એક ફોન મારી અમદાવાદની ફ્રેન્ડ પૌલોમીનો હતો. મેં એને ફોન જોડ્યો.
-હલ્લો પૌલોમી !
-હાય મિતાલી, ક્યાં છે યાર?
-સ્વિત્ઝરલેંડમાં.
-હેં? શું વાત કરે છે? ત્યાં ક્યારે પહોંચી ગઈ તું? જતાં પહેલાં  મને જણાવ્યું પણ નહીં? તું તે કેવી દોસ્ત છે?
-શાંત થઈ જા અને સાંભળ. હું તો મજાક કરું છું. અહીં મરવાનો ય ટાઈમ નથી ત્યાં સ્વિત્ઝરલેન્ડ જવાનો તો ટાઈમ જ ક્યાંથી હોય? અને આ ટાઈમે તો ઓફિસ સિવાય બીજે ક્યાં હોવાની હું?
-તો ફોન કેમ નહોતી ઉપાડતી? કેટલી ટ્રાય કરી.
-હું મોર્નિંગ મિટિંગમાં હતી, એટલે ફોન સાયલન્ટ મોડ પર રાખ્યો હતો. બોલ હવે, તું ક્યાંથી બોલે છે? અમદાવાદથી કે મુંબઈથી?
-મુંબઈથી. કઝીનના મેરેજમાં આવી છું. અને પાંચ દિવસ રોકાવાની છું, બોલ ક્યાં અને ક્યારે મળવું છે? તું ફ્રી હોય તો આજે મળી શકાય.
-આજે તો મળવાનું પોસીબલ નથી, યાર. લગભગ ૯ વાગ્યે મારી રુમ પર  પહોંચીશ, પછી એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો છે. એટલે ૧૧, ૧૨ તો વાગી જ જશે. 
-કાલે તો છુટ્ટી જ હશે ને? આંબેડકર જયંતિની?
-અરે! છુટ્ટી કેવી ને વાત કેવી. કાલે તો એક ક્લાયન્ટ સાથે મિટિંગ છે. ને શુક્રવારે દિલ્હી જવાનું છે તેની તૈયારી કરવાની છે. બોસની સ્ટ્રોંગ ઇંસ્ટ્રક્શન છે, એમને રિપોર્ટ આપવાનો છે.
-અરે યાર! આ તો તારી નોકરી છે કે ગુલામી?
-નોકરી, ગુલામી કે ગધ્ધા મજુરી, જે ગણવું હોય તે ગણ. પણ જે છે તે આ છે. અને જેમની પાસે નથી તે લોકો આ મેળવવા તડપી રહ્યા છે. ખરુ કહું તો ટાંપીને જ બેઠા છે. દિવસ રાતની ખબર નથી પડતી એટલું બધું કામ રહે છે.
-હં ! મિતુ,  કોઈવાર કોલેજમાં સબમિશન વખતે રાત્રે લેટ થઈ જતું ત્યારે તું મને જે પંક્તિ સંભળવતી તે તને યાદ છે કે?
-બરાબર યાદ છે, પૌલુ!  રાત્રે વહેલા સૂઈને વહેલા ઊઠે વીર, બળ બુધ્ધિ ને ધન વધે સુખ માં રહે શરીર!  એ જ ને?
-વાહ વાહ! તારી યાદશક્તિ તો સારી છે, પણ હવે એ પંક્તિનું શું થયું?
-યાર, આ મંદી, મોંઘવારી અને કોમ્પિટિશનના જમાનામાં, બૉસ નામની વ્યક્તિ કે જે અમારાં કરતાં બળ, બુધ્ધિ અને ધનમાં વધારે છે (એવું તે માને છે) એને સુખમાં (ખુશ) રાખવા અમારે સવારે વહેલા ઊઠીને અને રાત્રે મોડે સુધી જાગીને કામ કરવું પડે છે . હાલમાં તો અમારો બૉસ જ રાત્રે વહેલા સૂઈને વહેલા ઊઠી શકે એવો એક માત્ર વીર દેખાય રહ્યો છે.
-પણ બૉસની આવી દાદાગીરી તમે લોકો શા માટે સહન કરો છો?
-છૂટકો જ નથી, યાર. તેં એક વાત તો સાંભળી જ હશે, લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. આખા ઈંડિયામાં બોમ્બે મોંઘામાં મોંઘું શહેર છે. મારે ભાડાની રૂમમાંથી પોતાના ઘરમાં જવું છે. ઘર નોંધાવ્યું છે અને એ માટે મેં પોતે હોમલોન લીધી છે, જે ચૂકવવા મારે પૈસાની જરૂર છે, પૈસા માટે પગાર અને પગાર માટે નોકરીની જરૂર છે. પગાર સારો મળે છે, અને બીજી સારી નોકરી મળી જાય એની કોઈ ગેરન્ટી નથી. એટલે બૉસ જેમ કહે એમ અને જેટલું કહે એટલું કામ કરવું પડે છે.    
-ઓકે ઓકે, સમજી ગઈ. બસ, એટલું કહે કે તારી નોકરીને ઊની આંચ પણ ન આવે એ રીતે તું મને ક્યાં અને ક્યારે મળે છે?
-હું તને કાલે ફોન કરીને જણાવું છું, બાય બાય.
-ઓકે, પણ બહુ ઉજાગરા કરતી નહીં, તારી તબિયત સાચવજે, બાય.
અમદાવાદા થી મુંબઈ આવેલી મારી સહેલી પૌલોમીને મારું ડેઈલી રૂટિન જાણ્યા પછી  મારી હેલ્થની ફિકર થઈ. પુરાણકાળ ની કહેવત, પહેલું સુખ તે જાતે નર્યા.  મુંબઈગરાઓ ને લાગુ પડતી નથી. વ્યક્તિનું આરોગ્ય સારું છે, કે ખરાબ તે એને પહેલી નજરે જોતાં માલૂમ પડતું નથી. એટલે મુંબઈગરા યુવકો, બોલિવુડના એક્ટરોને રોલ મોડેલ બનાવી,  ‘GYM’ માં જઈને  ‘Six Pack’ બનાવવામાં પડ્યાં છે. અને યુવતિઓ એક્ટ્રેસ ખાસ કરીને કરીના કપૂર ને જોઈને ઝીરો ફિગર બનાવવામાં વ્યસ્ત છે. 
પુરાણ કાળની પાતળી પરમાર ઘરનાં તમામ કામકાજ (ઝાડુ, પોતું, કપડા, વાસણ, કૂવેથી પાણી લાવવું ) કરવા સક્ષમ હતી. અને આજની સાગના સોટા જેવી ઝીરો ફિગર માનુનીઓ સેટ પર કામ કરતા કરતા બેભાન થઈ જાય છે.
મુંબઈ શહેરને સપનાઓ નું શહેર કહેવાય છે. પણ અહીંના લોકોને સપના જોવા માટે ઊંઘવાનો પૂરતો સમય નથી હોતો. તેથી તેઓ દિવસે સપના જૂએ છે, અને એને સાકાર કરવા દિવસ રાત મહેનત કરે છે. જો કે મુંબઈગરાઓ માત્ર કામ કરવા જ રાત્રે ઉજાગરા નથી કરતા પણ મનોરંજન (નાટક, મૂવી, ડાન્સ બાર, પબ)  માટે પણ  ઉજાગરા કરે છે.
મારા જ મિત્રો સાહિલ અને અમરને રાત્રે બાર વાગ્યે શોધવા હોય તો તેઓ બાંદ્રા બેન્ડસ્ટેંડ પર મળે, અને ૧ થી ૨ તેઓ ટી.વી. ની સામે ચોંટ્યા હોય. અને છતાં સવારે ૭.૩૨ ની ટ્રેન તેઓ અચૂક પકડે જ. શનિ રવિ કે રજાઓમાં તેઓ મુંબઈની બહાર અલીબાગ, માથેરાન, મહાબળેશ્વર કે મઢ આઈલેન્ડ જેવી જગ્યાએ મળે.
મુંબઈના વિધાર્થીઓ રાત્રે જાગીને Exam ની તૈયારી કરે. અને સવારે ૬.૩૦ ટ્યુશન પર જાય. ઘણા ઘરોમાં રાત્રે ૧૨ વાગ્યે કે સવારે ૪ વાગ્યે નળમાં પાણી આવે. એટલે મુંબઈની ગૃહિણીઓ નળરાજાના વ્રતના જાગરણ કરે.
ઉજાગરા અને અતિ વ્યસ્તતાને લીધે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, હાઈપર ટેંશન અને ડિપ્રેશન જેવી બિમારી લાગુ પડે છે, પાચનશક્તિ ઘટે છે, આયુષ્ય ઘટે છે, લગ્નજીવન અને સામાજિક જીવન ખોરવાય છે. આ બધી જ વાત મુંબઈગરા માણસને ખબર છે. એટલે એને એ બધું યાદ કરાવીને કે એના વિશે ફિકર કરીને બીજાઓને પોતાનું બ્લડ્પ્રેશર વધારવાની જરૂર નથી.
રાત્રિના સાડાબાર થયા છે. પૌલોમીને ક્યારે મળાશે એ વિચારવું પડશે, એ પાછી અમદાવાદ જતી રહે એ પહેલા મળવું પડશે.  હજી ફેસબુક પર ની પોસ્ટ અને વોટ્સએપની ૧૦ વાગ્યા પછીની પોસ્ટ જોવાની બાકી જ છે. પણ કાલે સવારે પાછુ વહેલુ ઉઠવાનું છે, ૭.૩૨ ની ટ્રેન પકડવાની છે, સવારનું ૫.૪૦ વાગ્યાનું એર્લામ મૂકીને સૂવાનું છે. એટલે હાલ પૂરતી તો આ વાંચવા લખવાની મારી દુકાન આજ પૂરતી બંધ કરું છું. સૌને મારા એટલે કે મિતાલીના ગુડનાઈટ, સ્વીટ ડ્રીમ.


No comments:

Post a Comment