Sunday, 29 November 2015

સ્મરણશક્તિ:

સ્મરણશક્તિ:      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મીતા, આજે તને અનિલ મળ્યો હતો?
-અનિલ? કોણ અનિલ?
-અરે, અનિલ મહેતા, યાર.
-અનિલ મહેતા? એ વળી કોણ?
-અનિલ મહેતાને નથી ઓળખતી? ઊંચો, પહોળો, વાંકળિયા વાળ, ભૂરી આંખો. મારો કોલેજીયન ફ્રેન્ડ, અનિલ મહેતા, યાદ આવ્યું? કે હજી બીજી ટીપ્સ આપું?
અરે હા, રીતેષ. હું આજે ન્યૂઝ પેપર પ્રેસની ઓફિસે ગઈ હતી. ત્યાં રિસેપ્શન કાઉન્ટર પર તેં હમણા જેનું વર્ણન કર્યું એવા દેખાતા એક ભાઈ મને મળ્યા હતા ખરા.
-તો તેં એને બોલાવ્યો કેમ નહીં?
-સાંભળ તો ખરો. એમનો ચહેરો જોતાં મને લાગ્યું ખરું કે, આ ભાઈને મેં ક્યાંક જોયાં છે ખરાં. મેં એમનું નામ યાદ કરવા બહુ પ્રયત્નો કર્યા પણ એમનું નામ યાદ જ ન આવ્યું.
-હદ કરે છે, મીતા તું તો. તને યાદ હોય તો તારા હાસ્યલેખો છપાવવાની બાબતે જ આપણે એને મળ્યા હતાં. યાદ આવ્યું?
-હા, હા. હવે યાદ આવ્યું. આપણે એમને મળ્યા હતાં ખરાં, પણ એ વાતને તો ખાસા સાડા ત્રણ – ચાર વર્ષ થઈ ગયાં.
-તો શું થયું? ચાર વર્ષ પહેલાં જોયેલો ચહેરો યાદ ન રહે?
-આમ તો યાદ રહેવો જોઈએ. પણ મારો જરા એ બાબતે પ્રોબ્લેમ છે. મને નથી યાદ રહેતો. પણ હવે જ્યારે તેં યાદ કરાવ્યું ત્યારે મને યાદ આવ્યું, બરાબર યાદ આવ્યું. એમણે મારાં બે હાસ્યલેખો એમના છાપામાં છાપ્યા હતાં પણ એનો પુરસ્કાર નહોતો આપ્યો.
-ભૂલી જા હવે એ પુરસ્કારને.
-તું ય ખરો છે રીતેષ, પુરસ્કાર ને ભૂલી જવાનું અને પુરસ્કાર ન આપનારને યાદ રાખવાનું કહે છે.
-અરે ! તારે તો એ માટે એનો આભાર માનવો જોઈએ. તારા લેખો એના છાપામાં છાપ્યા એ જ ઘણું નથી?
-એટલે તું કહેવા શુ માંગે છે?
-હુંએટલું જ કહેવા માંગુ છું કે તું હવે તારી સ્મરણશક્તિ સુધાર, નહિતર એવું પણ થાય કે કાલે ઊઠીને અરીસા માં જોઈને તને થાય કે  આમને મેં ક્યાંક જોયાં લાગે છે.
-હા હા..બેડ જોક ! પણ તું ચિંતા ના કર, એવું ક્યારેય નહીં થાય.
-તું એટલી ખાતરીથી કેવી રીતે કહી શકે કે એવું નહીં જ થાય?
-ધાર કે કદાચ એવું થાય તો પણ વાંધો નહીં આવે, કેમ કે મેં મારો ફોટો ત્યાં ડ્રેસિંગ ટેબલ પર જ મૂક્યો છે.
-હા, પણ એ ફોટામાં કંઈ તારું નામ થોડું જ લખ્યું છે? ફોટામાંનો ચહેરો જોઈને પણ તને તારું નામ યાદ ન આવે તો? તું તને જ ભુલી જાય તો પછી મારું શું થાય?
-તું તો રીતસર નો મારી પાછળ જ પડી ગયો, રીતેષ.
-તારી પાછળ હું આજકાલ નો થોડો જ પડ્યો છું? એ વાતને તો વર્ષો થઈ ગયાં.
-હા, એ વાત તો ખરી. એ વાતને તો પૂરા બાર વર્ષ થઈ ગયાં.
-જો, એ કેવું યાદ રહ્યું?
-એવી વાત તો યાદ રહે જ ને? અનિલભાઈને ન ઓળખી શકી એ બદલ સોરી, યાર.
-ઈટ્સ ઓકે. પણ તેં અનિલને ન બોલાવ્યો એ વાતનું એને ઘણું જ ખોટું લાગ્યું છે. એ કહેતો હતો કે, ભાભી તો અમને ભૂલી જ ગયાં ને? હવે શું કામ યાદ રાખે? ગરજ સરી કે વૈધ વેરી.
-હજી ગરજ ક્યાં સરી છે? (લેખ ના પૈસા લેવાના તો બાકી જ છે.) પણ તે છતાં પણ એમને એવું લાગ્યું હોય તો હું ફોન કરીને સ્પષ્ટતા કરી લઈશ. તું મને એમનો ફોન નંબર આપજે.
-ભલે, પણ યાદ રાખીને એને ફોન જરૂર કરી દેજે.
આ વાત થઈ મારી નબળી સ્મરણશક્તિ ની. એ માટેની એક બહુ જ પ્રચલિત જોક છે, જે તમે સૌએ જરૂર સાંભળી જ હશે. પોતાના ભુલકણાપણા માટે પ્રખ્યાત(બદનામ) થયેલા એક પ્રોફેસરે જ્યારે એક દિવસ એમની પત્ની બજારમાં મળી ગઈ ત્યારે એને પૂછ્યું, બહેન, આપનો ચહેરો મને પરિચિત લાગે છે, મેં આપને ક્યાંક જોયાં હોય એમ લાગે છે.
મારી યાદશક્તિ એટલી બધી ખરાબ નથી, પણ વર્ષો પહેલા જોયેલા ચહેરા કે નામ મને સહેલાઈથી યાદ નથી આવતાં, અથવા તો મોડે મોડેથી યાદ આવે છે, એટલે કે વ્યક્તિ મળીને ચાલી જાય પછી યાદ આવે છે. અમુક વ્યક્તિનું નામ વાતોમાં આવે ત્યારે હું એના ચહેરાને યાદ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન પણ કરુ છું, પણ એમાં ભાગ્યે જ સફળ થાઉં છું. કોઈવાર ટેલિફોન કરનાર, બોલો, હું કોણ છું?’ કે પછી, મને ઓળખ્યો / ઓળખી કે નહીં?’ એવું ઉખાણું પૂછે છે ત્યારે હું ખરેખર મૂંઝાઈ જાઉં છું.
આમાં સામેની વ્યક્તિનું અપમાન કરવાનો મારો બિલકુલ ઈરાદો નથી હોતો.મારી સ્મરણશક્તિ નબળી છે એટલું જ. સાચુ કહું છું, મારો વિશ્વાસ કરો. મેં તો મારી આ ટેવને સાવ સ્વાભાવિકતાથી સ્વીકારી લીધી છે. પરંતુ મારા પતિદેવનું કહેવું છે કે, નબળી સ્મરણશક્તિને પ્રયત્ન પૂર્વક સુધારી શકાય છે.
એમની વાત સાચી છે. યાદશક્તિ વધારવાના કે કેળવવાના અમુક તમુક ક્લાસીસ ની, સો ટકાની ગેરંટી વાળી આકર્ષક જાહેરાતો રોજે રોજ ન્યૂઝપેપરમાં રેડિયો ઉપર, ટી.વી. પર કે મેગેઝીન્સમાં આવતી જ રહે છે. પણ સચ્ચાઈ પૂર્વક કે સરળતાથી  કહું તો સાડી, ડ્રેસ, પર્સ, ચપ્પલ, કોસ્મેટીક્સ કે ઘરેણાંની જાહેરાતો, ગેરંટી વગરની હોવા છતાં મને જેટલી આકર્ષે છે, તેટલી સ્મરણશક્તિ વધારવાની જાહેરાત આકર્ષતી નથી.
એક પ્રસિધ્ધ હાસ્યલેખક ને એમની સંગીત ક્લબનાં ૯૦% મેમ્બર્સના નામ ચહેરા સહિત યાદ રહે છે. પરંતુ એમના પત્નીનું કહેવું છે કે, એમને એમના લગ્નની તારીખ યાદ નથી રહેતી.(દુ:ખના દિવસને કોણ યાદ રાખે?) અમારા એક સંબંધીને લગભગ ૭૦% સગા- વહાલા- મિત્રોના ટેલિફોન નંબરો યાદ રહે છે. જે ૩૦% નંબરો યાદ નથી રહેતા તે એમના લેણદારોના હશે એવું મારું માનવું છે. પણ એમની પત્નીની ફરિયાદ છે કે, એક ની એક સાડી પાંચમી વાર પહેરી હોય તો પણ તેઓ પત્નીને પૂછે, આ સાડી નવી લીધી?’ કદાચ પત્નીને નવી સાડી અપાવવી ન પડે એટલા માટે તેઓ આવું નાટક કરતાં હશે?
પણ સ્મરણશક્તિ નું તો એવું ભાઈ. ઘણા  લોકો એવું પણ કહે છે કે, જે બાબતમાં તમને રસ હોય તે બાબત યાદ રહે છે. મને આ વાત એટલા માટે સાચી નથી લાગતી, કેમ કે મને કપડાં, ઘરેણાં તેમ જ કોસ્મેટીક્સમાં ઘણો રસ છે, છતાં મારા પતિદેવે એ બધું મને છેલ્લે ક્યારે અપાવેલું તે યાદ નથી.
મારા પતિનું આ બાબતે એવું કહેવું છે કે, સ્ત્રીઓને આ બધું અપાવવું નથી પડતું. જ્યારે જરૂરિયાત પડે ત્યારે, એની જાતે જઈને આ બધું એ ખરીદી લેતી હોય છે.અને એક મહત્વની વાત, એની પાસે આ બધું જ ગમે તેટલું પડ્યું હોય એને હંમેશાં નવું ખરીદવાની જરૂરિયાત પડતી જ રહેતી હોય છે.
પતિ ભલે પત્નીની ઘણી બધી વાતો, ખાસ કરીને એની વર્ષગાંઠ કે લગ્ન તારીખ ભૂલી જતો હોય, પત્નીને તો એની તમામ વાતો, ખાસ કરીને લગ્ન પહેલાં આપેલાં તમામ વચનો કાયમ યાદ રહેતાં હોય છે. અને એટલે જ પત્ની પતિને કહેતી હોય છે, લગ્ન પહેલાં તો આકાશમાંથી ચાંદ તારા તોડી લાવીને આપવાનું કહેતા હતા, હવે શું થયું? હવે તો ગેસની દુકાને થી એક સિલિન્ડર પણ  લાવી આપતા નથી.  પતિ પણ ચબરાક હોય તો વળતો જવાબ આ રીતે આપે છે, તેં કોઈ માછીમારને જાળમાં ફસાયેલી માછલીને ખોરાક આપતા જોયો છે?’





1 comment:

  1. વાહ ! દરેક વાતને દાખલા સાથે યાદ કરીને મૂકવાનું તમને સારુ યાદ રહ્યું તે બદલ આભાર.
    સરસ લેખ. મજા આવી.

    ReplyDelete