Sunday, 8 November 2015

સુકેતુની દિવાળી.

સુકેતુની દિવાળી.                          પલ્લવી જે. મિસ્ત્રી.

-છે કોઇનો કાગળ? ઓફિસથી આવીને કપડાં બદલતા સુકેતુએ સ્નેહાને પૂછ્યું.
-હા, તમારા મોટા બહેન સુલુબહેન નો કાગળ છે.
-અચ્છા, શું લખે છે?
-પૂછાવ્યું છે કે આ વખતે દિવાળી મા તમારો શું પ્રોગ્રામ છે?
-લખી દેજે, અમારો મઠીયા ખાવાનો પ્રોગ્રામ છે.
-ડોન્ટ બી સીલી કેતુ, દિવાળી મા બધા મઠીયા જ ખાય.
-કોણે કહ્યું? કોઇ ઘુઘરા પણ ખાય અને કોઇ સુંવાળી પણ ખાય.
-વાત ને આડે પાટે ના ચઢાવ કેતુ, અને પ્લીઝ, મજાક બંધ કર.
-ઓ. કે. મેડમ. તો પછી તમારા હાથની એક ગરમાગરમ ચાય થઈ જાય?
-હં, એ વગર તારી ગાડી પાટે નહી ચઢે, ખરું?
-ઘણી સમજદાર છે તું સ્નેહા. અરે હા, તને કહેવાનું તો ભુલી જ ગયો કે આજે મારી ઓફિસ મા અમિત અને દીપક મળવા આવ્યા હતા.
-અરે વાહ! એ લોકો ઘણા દિવસે ભુલા પડ્યા ને કંઈ?
-હા. દિવાળીમા આબુ જવાનો પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે એ બન્ને જણ. આપણને પણ સાથે લઈ જવા માંગે છે. –તેં એમને શું જવાબ આપ્યો, કેતુ?
-મેં કહ્યું કે રાત્રે ઘરે આવો. અમારા હોમ મિનિસ્ટર સાથે ચર્ચા વિચારણા કરીને  નિર્ણય લઈશું.
-આપણે કેવી રીતે જઈએ? રજામા તો સુલુબેન અહીં આવવાના છે ને?
-એમને લખી દેવાનુ કે આ રજામા અમે બહારગામ જવાના છીએ, તમે નાતાલની રજામા આવજો.
-તો તો એમને ખોટું જ લાગી જાય, મોટા નણંદ ખરાંને પાછા.
-મોટાં એટલા જ ખોટાં છે. એમના વનેચર જેવા બન્ને છોકરાંઓને જરા પણ સારી ટ્રેનિંગ નથી આપી.ઘરમા આવતાંવેંત જ એવો આતંક ફેલાવે છે કે—તોબા! તોબા!.
-તારી વાત તો સાચી છે, કેતુ. ગયા વર્ષે આવેલા ત્યારે કેટલું બધું નુકસાન કરી ગયેલા. મારો તો જીવ પણ બહુ બળેલો. પણ શું કરીએ, એ આપણા સગા જો રહ્યા. જીજાજી નો ધાક ખરો, પણ એ તો સાથે આવે જ નહીં ને?
-ના જ આવે ને. જે થોડા ઘણા દિવસ એમને આ જંગલીઓથી છુટ્ટી મળે એટલા દિવસ એમને ત્યાં શાંતિ.
[સ્નેહા-સુકેતુ જમીને પરવારે છે અને અમિત-દીપક ઘરના દ્વારે દેખા દે છે.]
-દીપક: નમસ્તે ભાભીજી, ઘરમા આવું કે?
-સુકેતુ: અલ્યા, એ ના પાડે તો તું ઘરમા નહી આવે?
-દીપક: અરે, પણ ભાભી ના પાડે જ શું કામ? મારા જેવો સારો દિયર એમને ક્યાં મળશે?
-સુકેતુ: હવે વધુ આત્મપ્રશંસા કર્યા વિના ઘરમા પધારો જનાબ.
-દીપક: ભાભી, એક સરસ મજાની ચા થઈ જાય.
-અમિત: અલ્યા દીપુ, હમણાં જ તો તું મારા ઘરેથી ચા પીને આવ્યો. તો ય પછો ચા-ચા કરવા માંડ્યો?
-દીપક: જ્યાં સુધી આ સુકેતુ મને ચાચા કહેનાર કોઇને લાવે નહી, ત્યાં સુધી મારે જ ચા ચા કરવુ રહ્યું.
-સુકેતુ: હું તો ક્યારનો સ્નેહાને એ જ સમજાવી રહ્યો છું, કે કંઈ નહી તો આ દીપકીયાનો તો તુ ખ્યાલ કર, એના કાન ક્યારના ચાચા સાંભળવા તલસી રહ્યા છે.
-સ્નેહા: [શરમાઇને] હું તમારા લોકો માટે ચા બનાવી લાવું છું.
[સ્નેહા અંદરથી ચા લઈને આવે છે  અને બધાં ચા પીતા પીતા વાતો કરે છે.]
-અમિત: ભાભી, આ વખતે ક્યાં જવાનો પ્રોગ્રામ છે?
-સ્નેહા: શાક માર્કેટમા. આ તમારા ભાઇબંધને ભીંડા ખાવા છે.
-અમિત: જોયું, સુકેતુ ની સાથે રહી રહી ને ભાભી પણ  મજાક કરતાં શીખી ગયાં છે.
-દીપક: એ તો ગધેડા સાથે ગાય ને બાંધીએ, તો એ ભૂંકતા નહી તો ઉંચું ડોકું કરતાં તો શીખી જ જાય ને? 
-સુકેતુ: અલ્યા, દીપડા. તું મને ગધેડો કહે છે? માર ખાવાનો થયો લાગે છે.
-દીપક: હોતું હશે યાર? એવું હોય તો પણ મારાથી એ કેમ કહેવાય?
-સુકેતુ: તો ઠીક છે, નહીતર...........
-અમિત: અરે યાર, તમારા લોકોની રકઝકમા મૂળ પ્રશ્ન તો રહી જ ગયો. બોલો, દિવાળીની રજાઓમા આબુ જવું છે, ને?
-સ્નેહા: સોરી, અમિતભાઇ. અમારાથી અવાશે નહી. મારા મોટા નણંદ આવવાના છે.
-અમિત-દીપક: વ્હોટ? સુલુબેન આવવાના છે? ઓહ નો! મારી નાંખ્યા યાર.
-સુકેતુ: અલ્યાઓ, એ મારા ઘરે આવવાના છે, તમારા ઘરે નહી.
-દીપક: એમની હિંમ્મત છે કે એ મારા ઘરે પગ પણ મૂકે? હું તો બે કલાકમા જ એમને વળતી ટ્રેઇન પકડાવી દંઊ.
-સ્નેહા: એવું ના બોલાય, દીપકભાઇ. એ સુકેતુના મોટા બેન છે.
-દીપક: હા, અને મોટા એટલા જ ખોટા પણ છે. સોરી, ભાભી. પણ તમે લોકો જો અમારી સાથે આબુ ના આવવાના હોય તો અમને પણ મજા નહી આવે. આબુનો પ્રોગ્રામ કેન્સલ જ કરીએ.
 -અમિત: હા, ફરી કોઇ વાર જઈશું.
[ધનતેરસના દિવસે એક રિક્ષા સુકેતુના ઘર પાસે ઉભી રહે છે. એમાથી સુલુબહેન અને એમના બે બાળકો મોન્ટુ અને મીકી ઉતરે છે. સ્નેહા એમને આવકારે છે.]
-કેટલા રુપિયા થયા? ---સુલુબહેન રિક્ષાવાળાને પૂછે છે.
-બાણું રુપિયા.-- રિક્ષાવાળો કહે છે
-અલ્યા એટલા બધા? લૂંટવા જ બેઠો છે કે? –સુલુબહેન.
-ના માનતા હોય તો જુઓ,  આ કાર્ડ, બહેન.
-ઠીક છે, ઠીક છે. સ્નેહા, આને પૈસા આપી દે. મારી પાસે છુટ્ટા નથી.
-મારી પાસે છુટ્ટા છે, આપું બહેન? --- રિક્ષાવાળો પૂછે છે.
[સુલુબહેન કંઈ બોલે તે પહેલા સ્નેહા રિક્ષા ભાડાના પૈસા ચૂકવે છે. મોન્ટુ- મીકી ઘરમા દાખલ થાય છે. બન્ને  ટી.વી. ની સ્વીચ મરોડવા માંડે છે. સ્નેહા જલદી જલદી આવીને એમને ટી.વી. ચાલુ કરી આપે છે. બન્ને બૂટ-સેંડલ સહિત સોફા પર ચઢી જાય છે. સુલુબહેન ચીઢાઇને એમને બૂટ-સેંડલ કાઢવા કહે છે. બન્ને જણ બૂટ-સેંડલ કાઢીને આમતેમ ફેંકે છે. એક સેંડલ સ્નેહાને અને એક બૂટ સુલુબહેનને વાગે છે. સુલુબહેન ગુસ્સાથી  મીકીનો કાન આમળે છે. મીકી જોરથી   ભેંકડો તાણે છે.]
-સુલુબહેન: સ્નેહા, સુકેતુ ક્યાં છે? મને એમ કે અમને લેવા સ્ટેશન પર આવશે.
-મોન્ટુ: મમ્મી, તુ તો ટ્રેઇનમા કહેતી હતી ને કે, એ કુંભકર્ણનો અવતાર ઊઠશે તો લેવા આવશે ને.
-સુલુબહેન: વળી વચમા બોલ્યો? ચાંપલો. [મોન્ટુને એક ધોલ મારે છે.]
[મોન્ટુ-મીકી નુ કોરસમા રડવાનું ચાલે છે.સુકેતુ બહારથી ઘરમા આવે છે.]
-સુકેતુ: અરે, મોટીબહેન, હું તમને લેવા સ્ટેશન પર ગયો અને તમે ઘરે પણ પહોંચી ગયા? જીજાજી ના આવ્યા તમારી સાથે?
-સુલુબહેન: ના, એમને ઓફિસમાં ઘણુ કામ છે.
-મોન્ટુ: કામ બામ કશું નથી. પપ્પાએ તો મમ્મીને પણ અહીં આવવાની ના પાડી હતી. કહેતા હતા, સુકેતુ-સ્નેહાને પણ બહારગામ જવાનુ હોય કે નહી?’ તો મમ્મી કહે, કેતુડા અને સ્નેહાડી ને જવું હશે તો તેઓ નાતાલની રજામા જશે, પણ હમણા તો હું જવાની જ.
સુલુબહેન: પાછો વચમા બોલ્યો, વાંદરા? ડબડબ કર્યા વિના અંદર જા અને તારા કપડાં બદલ. સ્નેહા, મને ઘરમા પહેરવા તારી એક સારામાની સાડી આપ તો.
[મોન્ટુ કપડા બદલ્યા વિના જ ટેબલનુ ડ્રોઅર ખોલી, સુકેતુનુ કેલ્ક્યુલેટર કાઢી રમવા માંડે છે. મીકી કેલ્ક્યુલેટર ઝૂંટવવા જાય છે, સુકેતુ કંઈ કહે તે પહેલા કેલ્ક્યુલેટર મોન્ટુના હાથમાથી પડી જાય છે અને ટૂટી જાય છે. મીકી રેફ્રિજરેટર ખોલી, એમાં ઢાંકેલી તપેલી ઉઘાડી એમાં આંગળી બોળીને એમાંથી શ્રીખંડ ચાટે છે, અને હાથ ડ્રોઇંગ રુમના પરદાથી લુછે છે. જમ્યા બાદ મોન્ટુ એની બેગમાથી બોલ કાઢે છે અને બાથરુમમાથી કપડા ધોવાનો ધોકો લાવીને ક્રિકેટ રમવાનું ચાલુ કરે છે. કોઇ એને રોકે તે પહેલા તો એ સિક્સર મારે છે. બોલ શો-કેસના અધખુલા કાચમાથી અંદર પ્રવેશી જાય છે અને ડીનરસેટના બે બાઉલ ધડાકા સાથે જમીન પર પડીને આઘાત ના સહેવાતા ટુકડે ટુકડા થઈ જાય છે. મોંઘામાના ડીનરસેટની અવદશા નિહાળીને સ્નેહાની આંખોમા પાણી ઊભરાય છે, ગળે ડૂમો બાઝે છે. સુકેતુને મોન્ટુ પર ખુન્નસ ચઢે છે. સુલુબહેન ધોકાથી મોન્ટુની ધોલાઇ કરે છે. મોન્ટુ જોરથી ભેંકડો તાણે છે. આમ આખો દિવસ અશાંતિ અને ગમગીનીથી પસાર થાય છે.
કાળી ચૌદસના દિવસે સવારે  સ્નેહાના નામનો ટેલિગ્રામ (જ્યારે ટેલિગ્રામ આવતા હતા તે વખતની આ વાત છે.)  આવે છે. મધર ઇઝ   સિરિયસ, પ્લીઝ,કમ સુન.
સ્નેહા રડવા લાગે છે, સુકેતુ એને શાંત પાડવાની કોશિશ કરે છે. એટલામા દીપક ઘરે આવે છે.
-દીપક: અલ્યા કેતુડા, સપ્પરમા દિવસે ભાભીને કેમ રડાવ્યા?
-સુકેતુ: એના મધર સિરિયસ છે, હમણા જ ટેલિગ્રામ આવ્યો.
-દીપક: તો જોયા શુ કરે છે? જા, હમણાં જ જઈને ભાભીને પિયર મૂકી આવ.
-સુકેતુ: પણ સુલુબહેન?
-દીપક: એમની ચિંતા શું કામ કરે છે? હું બેઠો છું ને. સ્નેહાભાભી, તમે તમારે નચિંત મને જાઓ. રસોઇ માટેનો બધો સામાન, મીઠું-મરી-હળદર-  બધું હું સુલુબહેનને બતાવી દઈશ. બે દાદર ઉતરીને પીવાનુ પાણી નળમાંથી લાવવાનુ છે તે પણ સમજાવી દઈશ. હા,હા, મને ખબર છે કે કામવાળી કાલથી નથી આવવાની. પણ તમે ચિંતા ના કરો, સુલુબહેનને ઝાડુ-પોતા કરવાની બકેટ,સાબુ-બ્રશ  બધું જ બતાવીશ. સુલુબહેન, તમે જરા ય ચિંતાના કરતા, મને આ ઘરમા બધું જ ખબર છે. સુકેતુ, તુ જલદીથી તારી બેગ તૈયાર કર અને સ્નેહાભાભીને એમના ઘરે મૂકી આવ.
-સુલુબહેન: સુકેતુ, મને લાગે છે કે હું પણ આજે જ નીકળું. એક કામ કર. મને બસમા બેસાડી દે, ને પછી તું સ્નેહા ને લઈને જા.
-સુકેતુ: તમે રહોને મોટીબહેન, હું તો સ્નેહાને મૂકીને બે દિવસમા પાછો આવી જઈશ.
-સુલુબહેન: ના, સુકેતુ. મને ઘરના આવા બધા કામો જાતે કરવાના નહી ફાવે, હું તો આજે જ જતી રહીશ.
-દીપક: ચાલો સુલુબહેન, તમારો સામાન પેક કરી લ્યો. હું મારી ગાડી લઈને જ આવ્યો છું. તમને બસમા બેસાડીને હું આ લોકોની ટ્રેઇનની ટિકિટ લઈને પાછો આવુ છું. ત્યાં સુધીમા તમે લોકો તમારી બેગો તૈયાર રાખો ભાભી.
[સુલુબહેનને બસ મા બેસાડીને દીપક થોડીવારમા પાછો આવે છે, ત્યાં સુધીમા સુકેતુ-સ્નેહા એમની બેગ તૈયાર કરે છે.]
-સ્નેહા: દીપકભાઇ, કઈ ટ્રેઇનમા રીઝર્વેશન મળ્યું?
-દીપક: ટ્રેઇનને મારો ગોળી, ભાભી. આપણે તો કારમા જઈયે છીયે.
-સુકેતુ: અલ્યા, પાગલ થઈ ગયો છે, તું? મુંબઈ સુધી કારમા? અને તું પણ અમારી સાથે આવે છે?
-દીપક: ફક્ત હું જ નહી, અમિત પણ આવે છે. આપણે મુંબઈ નહી પણ આબુ જઈ રહ્યા છીયે.
-સ્નેહા: ના, દીપકભાઇ, મારી મમ્મી માંદી છે, તો હું તો મુંબઈ જ જઇશ.
-દીપક: માંદા પડે તમારા દુશ્મન, ભાભી. કોઇ માંદુ નથી. કોઇ સિરિયસ નથી. મેં તો સુલુબહેનને અહીંથી ભગાડવા માટે જ આ ટેલિગ્રામનું નાટક કર્યું હતું. ખાતરી ના થતી હોય તો ફોન કરીને મમ્મી સાથે વાત કરી લ્યો. પછી આપણે આબુ જવા નીકળીયે.
-સુકેતુ-સ્નેહા: હેં??
-દીપક: હેં નહી હા. દર વખતે સુલુબહેન દિવાળી વેકેશનમા એમના બે વનેચરોને લઈને આવે અને તમને હેરાન કરે તે મારાથી સહન ના થયું અને મેં.....
-સ્નેહા: તમે તો ખરા છો, દીપકભાઇ. સુલુબહેનને ભગાડવાની આબાદ યુક્તિ કરી.
-સુકેતુ: થેંક્સ, દીપક, પહેલીવાર તેં કોઇ સારું સમજદારીનુ કામ કર્યું.
-દીપક: હા, પણ ચાલો હવે, આપણે નીકળીએ. અમિતિઓ એના ઘરે આપણી રાહ જોતો હશે. 

2 comments: