Sunday 25 October 2015

વેચવાની છે.

વેચવાની છે.        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-પાંચસો એક, પાંચસો બે, પાંચસો ત્રણ, પાંચસો...
-પલ્લવી...
-પાંચસો ચાર, પાંચસો પાંચ, પાંચસો..
-પલ્લવી ઈ ઈ ઈ..
-ઓહ! કેમ આમ બૂમો પાડો છો? શું થયું?
-હું ક્યારનો તને બોલાવું છું, તારું ધ્યાન ક્યાં છે?
-હું અક્ષરો ગણતી હતી, તમે બૂમ પાડીને ભુલાવી દીધું.
-શેના અક્ષરો ગણે છે તું?
-ન્યૂઝ પેપરની ટચુકડી જાહેર ખબરોના. એક પાના પર  કેટલા અક્ષરો છપાયા છે, તે મારે જાણવું છે.
-પાગલ થઈ ગઈ છે?
-કેમ, પાગલો એવી ગણતરી કરતા હોય છે?
-એ તો ખબર નથી, પણ તું જો આટલા ઝીણા અક્ષરો છાપેલા આ બે ફૂલસ્કેપના અક્ષરો ગણશે, તો પૂરું કરશે (પૂરું કરી શકશે તો )  ત્યાં સુધીમાં તું પાગલ થઈ જશે.
-તો પછી ગણતરી કર્યા વગર મારે એ સંખ્યા જાણવી શી રીતે?
-આજ સુધી માણસોની વસ્તી ગણતરી કરતાં કેટલાંક માણસોને મેં જોયા છે. પણ આ રીતે અક્ષર ગણતરી કરનારી તું કદાચ એકલી જ હશે. એની વે, તારે એ ગણતરી કરવાની જરૂર કેમ પડી?
-જુઓ, આ પાના પર એક અક્ષર છાપવાના દસ રૂપિયા (૧૯૯૪ મા) છાપાંવાળા લે છે. એ હિસાબે આખા પાના પર જેટલા અક્ષરો છે, તેને દસે ગુણો તો કેટલી રકમ થાય?
-આ પ્રશ્ન કોઈ ઈનામી ક્વીઝમાં પૂછાયો છે?
-ના રે ના, આ તો મારે પોતાને જાણવું છે.
-તને વળી અંકગણિત માં ક્યારથી રસ પડવા માંડ્યો?
-જ્યારથી મેં જાણ્યું કે આ છાપાંવાળાઓ એક એક અક્ષર છાપવાના દસ રૂપિયા લે છે ત્યારથી. જુઓ, ભાઈ કે બહેન લગાડ્યા વિનાનું મારું આખું નામ, પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી  છાપવાના સો રૂપિયા થાય. અને તમારૂં નામ...
-એ ગણતરી તું રહેવા જ દે, આજકાલ આપણા નામની કોઈ કિંમત રહી નથી.
-કોણ કહે છે કે નામની કિંમત રહી નથી? જ્યારે કોરા ચેક પર તમે તમારું નામ (એટલે કે સહી ) લખો છો, અને હું એમા એક મનગમતી રકમ લખું છું, ત્યારે બેંકવાળા મને આખા મહિનાનો ઘરખર્ચ નીકળી જાય એટલી રકમ આપે છે.
-હા હોં, તારી એ વાત તો સાચી છે.
-પણ ગણતરીમાં હું ક્યાં સુધી આવેલી?
-ચાલ, મજાક છોડ. અને કહે વાત શી છે?
-જુઓ, આ ટચુકડી. આપણી ફિઆટ- પ્રીમીયર-પદ્મીની, કાર ની વેચવાની છે એવી જાહેરાત છપાઈ છે.
-અરે વાહ! આ એક કામ તેં સારું કર્યું.
ટ્રીન..ટ્રીન..  ત્યાં જ ટેલિફોનની ઘંટડી વાગે છે. અને હું ફોન ઉપાડું છું.
-હલ્લો, તમારે ફિઆટ વેચવાની છે?
-હા, વેચવાની છે ને.
-એની વિગતો આપો.
-ભલે, લઈ લો વિગતો. કોસ્મિક-ગ્રે કલર છે, નેવું નુ મોડેલ છે,  બેટરી નવી નંખાવી છે,  કુલન્ટ સિસ્ટમ અને ઓલ્ટિનેટર નવું નખાવ્યું છે.
-આ કુલન્ટ સિસ્ટમ શું છે?
-ફિઆટના મગજને આઈ મીન એના રેડિયેટરને ઠંડુ રાખવા ગ્રીન કલરનું એક પ્રવાહી આવે છે, જેને કુલન્ટ કહેવાય છે. જેમ પેશન્ટને શક્તિ આપવા માટે ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવે છે, તેમ ગાડીને ઠંડક આપવા (ગરમ થતી અટકાવવા ) કુલન્ટનો બાટલો એક બાજુ લટકાવી એમાંથી એક નળી રેડિયેટરમાં રહે એમ રાખવામાં આવે છે. જેથી રેડિયેટરમાં પ્રવાહી કાયમ રહે અને રોજ રોજ પાણી નાંખવાની ઝંઝટ ન રહે અને ગાડી ઠંડી રહે.
-અરે વાહ ! આ તો સરસ સિસ્ટમ છે. અને ઓલ્ટિનેટર શું છે?
-કેટલાક સજાગ માણસો એક બૂમથી ઉંઘમાંથી જાગી જાય છે, પણ કેટલાક અડિયલ માણસોને હડદોલા મારીને ઉઠાડવા પડે છે. એમ કેટલીક ગાડીઓને સવાર સવારમાં ચલાવવા માટે ધક્કા મારવા પડે છે. ગાડીના આવા અડિયલવેડા દૂર કરવા એમાં ડાયનેમો ની જગ્યાએ ઓલ્ટિનેટર બેસાડવામાં આવે છે, જેથી ગાડી સહેલાઈથી સ્ટાર્ટ થઈ જાય.
-ઘણું સરસ. બીજું શું શું છે ગાડીમાં?
-ટેપ રેકોર્ડર છે.
-વાગે છે ખરું?
-કેસેટ નાંખીને ચાલુ કરવું પડે, તો વાગે.
-ગાડી કેટલા કિલોમીટર ચાલેલી છે? ચાલુ કંડીશનમાં તો છે ને?
-ત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે. બિલકુલ ચાલુ કંડીશનમાં છે.
-એમ? તો પછી શા માટે કાઢી નાંખવા માંગો છો?
-તમે ગાડી શા માટે લેવા માંગો છો?
-મને એની જરૂર છે માટે.
-તો મને  એની જરૂર નથી એટલે કાઢી નાંખવી છે.
-ઠીક છે, સાંજે ૪ વાગ્યે ગાડી જોવા આવીશ.
એ ભાઈ સાંજે ગાડી જોવા આવ્યા. ગાડીની પરિક્રમા કરીને ચારે બાજુથી એને ધ્યાનથી જોઈ. એમાં બેસીને ટેસ્ટ ડ્રાઈવ પણ લીધી,  પછી ઘરે આવીને બોલ્યા.
-તમારી ગાડીનું એંજિન બેસી ગયેલું છે.
-એ ના બેસી ગયું હોત તો જ મને નવાઈ લાગત.
-કેમ તમે એવું કહો છો?
-તમે આ પહેલાં કોઈ વાર ગાડી ચલાવી છે, ખરી?
-તમે ગાડી ચલાવવાની વાત કરો છો? હું તો એના લે-વેચનો ધંધો કરું છું.
-હું તમારા ધંધા વિશે નહીં, તમારા રફ ડ્રાઈવિંગ વિશે વાત કરું છું.
-એમ કહીને તમે મારું ઈન્સલ્ટ કરી રહ્યા છો.
-માફ કરજો, તમારું ઈન્સલ્ટ કરવાનો મને કોઈ શોખ નથી, કે મારો કોઈ એવો ઈરદો પણ નથી. પણ મારી વાત સાંભળો. એકવાર હું બપોરે એક કરિયાણા વાળાની દુકાને ગઈ હતી. માણસો બધા ભોજન કરી રહ્યા હતા એટલે  દુકાનના ગલ્લે માલિક શેઠ બેઠા હતા.  મેં એમની પાસે સાકર અને જીરુ માંગ્યા તો શેઠે મને ફટકડી અને અજમો આપ્યા.  એટલે મારી તમને સલાહ છે કે તમે એકવાર થોડા સમય માટે,  પધ્ધતિસર નું ડ્રાઈવિંગ શીખી લો તો સારું.
-હું તમારી  સલાહ નહીં, ગાડી લેવા (ખરીદવા) આવ્યો છું.
-ગાડીની સાથે સલાહ તો ફ્રી માં આપું છું.
-મને તે જોઈતી નથી. મને ગાડી ચલાવતાં આવડે છે.
-એવું તમે માનો છો. સૌથી પહેલી વાત તો એ છે કે તમને ડોરલોક ની ચાવી કઈ અને સ્ટિયરીંગની ચાવી કઈ તેની ખબર નથી.તમે વારાફરતી બન્ને  ચાવી ત્રણ વાર ડોરલોકમાં લગાવી છતાં લોક ન ખૂલ્યું.
-એ તો કોઈ કોઈ વાર ઉતાવળમાં એવું થઈ જાય.
-તમે સ્ટિયરીંગ લોક પણ માંડ માંડ ખોલી શક્યા.
-તમારુ સ્ટિયરીંગ લોક કંઈ અલગ પ્રકારનું છે.
-આ ગાડી સાથે એ જન્મજાત આવ્યું છે, અમે કોઈ સ્પેશિયલી નથી નંખાવ્યું.
-હશે, મને એની સાથે શી નિસબત?
-પણ કાર સ્ટાર્ટ કરીએ પછી એને ચલાવવા ગીયરમાં નાંખતી વખતે ક્લચ દબાવવી પડે એ તો તમને ખબર જ હશે ને?
-મેં ક્લચ દબાવેલી, પણ...
-એ ક્લચ નહીં, બ્રેક હતી. બ્રેક અને ક્લચ માં ફેર હોય એ તો તમને જાણ હશે જ.
-તમે નાહક ચોળીને ચીકણું કરી રહ્યા છો.
-હજી તો મારે તમને ઘણું કહેવાનું છે. સાંભળો, તમે ગાડી ફર્સ્ટ ના બદલે થર્ડ ગીયરમાં ઉપાડી, પછી ગાડી ડચકા ખાય કે નહીં? જ્યારે તમને સેકન્ડ માં લેવાનું કહ્યું  ત્યારે તમે ન્યૂટ્રલમાં નાંખી, પછી ગાડી આગળ વધે શી રીતે? થર્ડમાં લેવાનું કહ્યું ત્યારે તમે રિવર્સમાં  લીધી તો ગાડી આગળના બદલે પાછળ જ જાય ને? ગાડીને પોતાના નિયમો હોય અને આપણે તે પાળવા પડે. આ તો સારું થયું કે સોસાયટીમાં છોકરાંઓ બહાર નહોતાં રમતાં, નહીંતર તમે તો બે-ચારને પાડી દીધા હોત.
-હવે તમે વધુ પડતું બોલી રહ્યા છો.
-ગાડી અબોલ છે, તેથી તેના પર થયેલા અત્યાચાર વિશે હરફ પણ ઉચ્ચારી શકે એમ નથી. તેથી મારે બોલવું પડે એમ છે. તમે એમ કહ્યું કે, ગાડીનું એંજિન બેસી ગયેલું છે, જ્યારે ત્રણ મિકેનિકે કહ્યું કે ગાડીની બોડી જુની થઈ ગઈ છે પણ ગાડીનું એંજિન ખુબ જ સરસ છે. થોડો ખર્ચ કરો તો ગાડી અપ ટુ ડેટ થઈ જાય એમ છે.
-હું પણ એમ જ કહેતો હતો, તમે બરાબર સાંભળ્યું નહીં.
-મેં ભલે બરાબર ન સાંભળ્યું, પણ તમે મારી વાત બરાબર સાંભળો. ગાડી હોયકે સ્ત્રી- બન્નેને ડેલિકેટલી હેંડલ કરવી પડે, તો જ એ બરાબર ચાલે. ધડાધડ- રફલી હેન્ડલ કરો તો બન્ને રિસાઈ જાય, સમજ્યા?
-સમજી ગયો. ચાલો હું જાઉં છું.
-પણ તમારે આ ગાડી લેવી છે કે નહીં તે તો કહ્યું જ નહીં.
-પછી ફોન કરીને જણાવીશ.
એ ભાઈ ગયા, પછી ન એ આવ્યા ન એમનો ફોન આવ્યો. હું સમજી ગઈ કે આ ગાડી લેવામાં એમને ઈન્ટરેસ્ટ નથી.
જો કે અમારી ગાડી તો પછી અમારી સોસાયટીના જ એક છોકરાએ પોતાના હાથ સાફ કરવા (ડ્રાઈવિંગ શીખવા) ખરીદી લીધી. એના પછી એના નાના ભાઈએ અને બહેને પણ એના પર જ હાથ સાફ કર્યા. એના મમ્મી અને કાકી તથા કાકાના છોકરાઓ પણ હાથ સાફ કરવા વાળાની લાઈનમાં ઉભા હતાં. મને લાગે છે કે, બધા આ ગાડી પર હાથ સાફ કરી લેશે પછી એની હાલત કોઈ મ્યુઝિયમમાં મૂકવાના એન્ટિક પીસ જેવી થઈ જશે. પછી તો કદાચ કોઈ ભંગારવાળો  એને ભંગારના ભાવે ખરીદી લેશે. પછી એને વેચવા માટે કોઈ ન્યૂઝપેપરમાં વેચવાની છે. એવી જાહેરાત નહીં આપવી પડે.



1 comment:

  1. Sau pahela to " Vechvani chhe" e shirshak pachhi tarat tamaru naam aave chhe tene thodu dur karsho.(1) fiat na magaj ne sorry ena rediater ne.....fine, (2) sakar ane jiru...fatakdi ane ajmo.......saras comparision (3) break ane cluch ma fer hoy....(4) stri ane car banne ne sachvine.....e jagae ladi ane gadi evu muki shakay. aa badha muddao bahu gamya.

    ReplyDelete