અક્ષરો અને વ્યક્તિત્વ. પલ્લવી જીતેંદ્ર
મિસ્ત્રી.
એક કોર્ટમાં
ન્યાયમૂર્તિએ આરોપી પ્રત્યે દયા દાખવતાં કહ્યું, ‘જો તમે લખી આપો કે
આવો ગુનો ફરીથી તમે નહીં કરો, તો તમારી સજા હું
માફ કરીશ.’ આરોપીએ તરત જ પેન
લઈને પેપર પર લખી આપ્યું. ન્યાયાધીશે એ
પેપર જોયો, ઊંધો ચત્તો કર્યો,
આંખો ખેંચી ખેંચીને વાંચવાની ટ્રાય કરી,
પણ એમાંનો એક પણ અક્ષર એમને ઊકલ્યો નહીં. એટલે આરોપીને એમણે પૂછ્યું, ‘ મોડર્ન આર્ટનું
ચિત્ર હોય એવું તમારું આ લખાણ કઈ ભાષામાં લખાયેલું છે? જરા
વાંચી તો સંભળાવો.’ આરોપી દયામણા અવાજે બોલ્યો, ‘સાયેબ, મને તો ખાલી લખતાં જ આવડે સે, વાંચતા આવડતું નથ.’
જેમને વાંચતા તો
આવડતું જ હતું, પણ હાસ્યલેખો
લખતાં પણ ઘણું સારું આવડતું હતું, એ પ્રસિધ્ધ સ્વર્ગસ્થ
હાસ્યલેખક શ્રી બકુલ ત્રિપાઠી નો ‘ખરાબ અક્ષરો’ ની બાબતે લખાયેલો એક લેખ જન્મભૂમિ પ્રવાસીની
રવિવારની પૂર્તિમાં વાંચ્યા પછી, મારા પોતાના ખરાબ
અક્ષરો પ્રત્યેની મારી અપરાધ ભાવના ઓછી થઈ છે. હું જ્યારે નાની હતી, (આમ તો હજી પણ હું નાની જ છું, એવું મને પોતાને, મારા વડીલો વિશે વિચારું તો અને ત્યારે લાગે છે)
અને સ્કુલમાં ભણતી હતી, ત્યારે મારા
અક્ષરો, આજના મારા અક્ષરોના પ્રમાણમાં ઘણા જ ખરાબ હતા.
મારા ખરાબ અક્ષરો
જોઈને મારા દાદા કહેતા,’આ છોકરી મોટી થઈને
ચોક્કસ ડૉક્ટર થશે.’ પણ મારા દાદા સાથે
મારા પપ્પાને ચોક્કસ કોઈ વેર હશે, તેથી એમની ભવિષ્ય
વાણી ખોટી પાડવા એક વેકેશનમાં મારા પપ્પા મારા અક્ષરો સુધારવા મારા માટે એક સુલેખન
પોથી લઈ આવ્યા. લાવ્યા એનો તો મને જરા પણ વાંધો નહોતો, પણ એ પોથીનો મારા દ્વારા બરાબર ઉપયોગ થાય છે કે
નહીં, એ જોવાની એમણે ઝીણવટ ભરી કાળજી રાખી.
વેકેશનમાં જ્યારે
મારાં બધાં બાલ સખા – સખીઓ ફરવા જતાં હોય,
ટી.વી. જોતાં હોય, રમત રમતાં હોય અથવા કશું જ ન કરતાં હોય, ત્યારે મને આ ‘અક્ષર સુધારણા અભિયાન’ માં પરાણે જોતરવામાં આવી તે જરા પણ ગમ્યું નહીં. મેં મારા
નાના ભાઈને લખોટીઓ, છીપલાં, રંગીન પેન્સિલ, રબર,
ગ્રીટિંગ કાર્ડ્સ, અને ચોકલેટ સહિતની
અનેક વિધ ખાવાની વસ્તુઓની લાલચ (લાંચ) આપી, અને પપ્પા ઘરે ન હોય ત્યારે મને સુલેખન પોથી લખી
આપવાનું કહ્યું.
એક ક્ષણ તો એ પણ
લાલચમાં લપેટાઈને લખી આપવા તૈયાર થઈ ગયો. પણ પછી ‘પપ્પાનો માર પડશે તો?’ એવા વાહિયાત છતાં વાસ્તવિક વિચારે એણે લાલચ જતી
કરી. છતાં હું નિરાશ ન થઈ. ‘આવો જ તું મરદનો બચ્ચો કે?’ કહીને
મેં એને ઉકસાવ્યો, છતાં પણ એ એના નિર્ણયમાં મક્કમ રહ્યો અને મને સુલેખન
પોથી ન લખી આપી. મને લાગ્યું કે આપણી સરકાર પાસે મારા પપ્પા જેવા સ્ટ્રીક્ટ, વધુ નહીં ને
થોડા પણ માણસો હોય તો બાકીના બધા લોકો લાંચ લેવાનું ભૂલીને સીધા દોર થઈ જાય
અને દેશમાંથી ભ્રષ્ટાચાર સાવ નાબુદ નહીં
થાય, તો પણ નહીવત તો થઈ જ જાય.
‘જો મારા અક્ષરો
સુધરી જશે તો પછી હું ડૉક્ટર નહીં બની શકું અને દાદાની ભવિષ્ય વાણી ખોટી પડશે’ એમ મેં પપ્પાને સમજાવવાની ટ્રાય કરી, અને ભાર
પૂર્વક જણાવ્યું કે ‘મારે તો ડોક્ટર જ
થવું છે.’ પણ પપ્પાએ મને કહ્યું, ‘ તારે ડૉક્ટર થવું
હોય તો થા અને ન થવું હોય તો ન થા. પણ આવા કાળી શાહીમાં ઝબોળાયેલા મંકોડા પેપર પર
ચાલી ગયા હોય એવા ગંદા તારા અક્ષરો ચલાવી લેવા હું હરગિજ પણ તૈયાર નથી’ ‘પણ તમારે ક્યાં એ ચલાવવાના
છે, એ તો મારા ટીચરનો પ્રોબ્લેમ છે’ એવું વાક્ય હું મનોમન બોલીને અટકી ગયેલી.
પપ્પા ન માન્યા
તેથી મેં દાદાજીનું શરણું શોધ્યું. ‘દાદાજી, તમે જ તો મારા અક્ષરો જોઈને કહ્યું હતું, કે આ
છોકરી ડૉક્ટર બનશે. તો પછી તમે પપ્પાને કેમ કંઈ સમજાવતાં નથી કે મારા અક્ષરો
સુધારવાની જીદ છોડી દે?’
દાદાજીએ કહ્યું, ‘બેટા, એને હું એમ કરવાનું કહી શકું તેમ નથી.’
‘પણ કેમ દાદજી?, એ મારા પપ્પા છે, તો કેવા મને લડીને કહે છે, તો તમે
પણ તો એમના પપ્પા છો, તમે કેમ એમને
લડીને કહેતા નથી?’
‘બેટા, વાત જાણે એમ છે કે એ તારી સાથે જે કરી રહ્યો છે, તે જ કાર્ય મેં એની સાથે એ નાનો- તારા જેવડો હતો
ત્યારે કર્યું હતું.’
‘વ્હોટ ડુ યુ મીન –
અક્ષર સુધારણા, દાદાજી?’
‘યેસ, માય ડાર્લિંગ ડોટર’
‘ઓહ નો દાદાજી!, આઈ કાન્ટ
બીલીવ ઈટ. તમે આવું કર્યું? મારાપપ્પા સાથે? તમે જાણો છો દાદાજી, ઇન્ડાયરેક્ટલી તમે આવું કરીને ભારત દેશને બબ્બે ડોક્ટરોથી વંચિત રાખ્યો.’
‘હા બેટા, જાણું છું. પણ હજી પણ આ દેશને એક ડૉક્ટર મળી શકે
એવી આશા મેં છોડી નથી.’
‘એટલે?, દાદાજી તમે
મારા પપ્પાને સમજાવશો કે મારી અક્ષર સુધારણા ઝુંબેશ પડતી મૂકે?’
‘નો માય ડીયર ગર્લ, હું તો એવું નહીં કરું, પણ તું
મોટી થાય અને પરણે, પછી તારા ઘરે
દિકરો કે દિકરી થાય, અને એના અક્ષરો પણ
ગંદા હોય, તો તું એને સુધારવાનો
પ્રયત્ન કરીશ નહીં, તો ભારત દેશને એક
ડૉક્ટર જરૂર મળશે.’
‘ઓહ દાદાજી! એનો મતલબ તો એમ જ થયો ને કે, આ વેકેશનમાં તો મારે અક્ષર સુધારવાની મજૂરી
કરવાની નક્કી જ છે.? ‘
‘સાંભળ, છોકરી. ખરાબ
અક્ષરોને લીધે થતા ગેરફાયદા નો એક કિસ્સો તને સંભળાવું, જેનાથી તારો વિષાદ પ્રમાણમાં જરૂર ઓછો થશે.
વાત છે, ઓડેસા – ટેક્સાસની. ત્યાં રહેતા એક ડૉક્ટર
રામચંદ્ર કોલ્લુરે એના રેમન નામના દર્દીને પોતાના હસ્તાક્ષરોમાં એંજીના (હ્રદયરોગ)
ની સારવાર માટેની દવા – ‘આઈસોરડીલ’
લખી આપી હતી. ત્યાંની દવાની એક દુકાનના ફાર્માસીસ્ટ મી. આપડાઈકે
એ ડૉક્ટર ના અક્ષરો ખોટી રીતે ઉકેલીને એને
બ્લ્ડપ્રેશરની દવા ‘લેન્ડીન’ આપી. હ્રદયરોગને બ્લડપ્રેશરની દવા માફક ન આવવાથી
રેમન સાજો થવાને બદલે સ્વર્ગે સીધાવ્યો. રેમનના સ્વજનોએ ડૉક્ટર, ફાર્માસીસ્ટ અને દવાની દુકાનના માલિક પર કેસ
કર્યો, અને સાડાચાર લાખ ડૉલર મેળવ્યા.
'બોલ, હવે તારે ડૉક્ટર બનવું છે?’
‘ના, દાદાજી,
હું આ સુલેખન પોથી મારી જાતે જ આખી લખી
નાંખીશ.’
‘ધેટ્સ લાઈક અ ગુડ
ગર્લ, ઓલ
ધ બેસ્ટ.’
‘થેંક્સ, દાદાજી.’
દાદાજીની આ વાત
સાંભળ્યા પછી મને લાગ્યું કે હવે પછી મેડિકલના અભ્યાસ ક્રમમાં પણ ‘સુલેખન’નો એક સબ્જેક્ટ ફરજિયાત દાખલ
કરવો જોઈએ. એની એન્ટરન્સ એક્ઝામમાં પચ્ચીસ ટકા માર્ક્સ અક્ષરોના રાખવા જોઈએ. મેડીકલ
સ્ટુડન્ટની ‘અક્ષરલેખન સ્પર્ધા’ દર મહિને યોજવી જોઈએ. અને સારા
અક્ષરો વાળાને પ્રોત્સાહન મળી રહે તે માટે ચંદ્રકો આપવા જોઈએ. સારા અક્ષરોને ‘મોતીના દાણા’ સાથે સરખાવીને, જેના અક્ષરો સુંદર અને સુઘડ હોય એને ‘હૈદ્રાબાદી
મોતીની માળા’ ભેટ આપવી જોઈએ.
મેડીકલમાં
યા ફાર્મસીમાં રોજનો એક પીરીયડ એવો હોવો
જોઈએ કે ડૉક્ટરો પ્રીસ્ક્રીપ્શન લખે અને કેમીસ્ટો તે સાચી રીતે વાંચી સંભળાવે. જેમ
દ્રષ્ટિની ખામીવાળા પાયલટ ન બની શકે, તેમ અક્ષરોની ખામીવાળા એટલે કે ખરાબ અક્ષરો વાળા ડૉક્ટર ન બની શકે એવો
કાયદો લાગુ પાડવો જોઈએ.
હસ્તાક્ષર
નિષ્ણાંતો કહે છે, કે ‘અક્ષરો એ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.’ પણ ગાંધીજીના ખરાબ અક્ષરો અને એમનું
પ્રતિભાશાળી વ્યક્તિત્વ જોતાં તો એ હકીકત
ફલિત થાય છે, કે –
‘અક્ષરોને
વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી.’
મને તમારા ખરાબ અક્ષરો સામે કોઇ વાંધો નથી :)
ReplyDeleteમને તમારા ખરાબ અક્ષરો સામે કોઇ વાંધો નથી :)
ReplyDeleteમને તમારા ખરાબ અક્ષરો સામે કોઇ વાંધો નથી :)
ReplyDelete
ReplyDeleteઆ લેપટોપના જમાનામાં અક્ષરો લખવાની કાંઈ જરૂર નથી. એમ અમેરિકાની સ્કુલોમાં શિખવાય છે.