Wednesday, 14 October 2015

આમને તો હવે શું કહેવું?

આમને તો હવે શું કહેવું?       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-એ ય ઊઠો હવે, આઠ વાગી ગયા.
-રોજ આઠ વાગે છે, અને તે પણ દિવસમાં બે વખત,  પણ તેનું શું છે?
-તેનું એ છે કે તમે ઊઠો હવે, ભાઈ સાબ.
-હું તારો ભાઇ પણ નથી અને અત્યારે ઘરમાં છું એટલે કોઈનો સાહેબ પણ નથી, માટે તું જા, તારું કામ કર અને મને મારું કામ કરવા દે.
-તમે વળી શું કામ કરી રહ્યા છો? ખાસા ઊંઘી તો રહ્યા છો. હવે ઉઠોને.
-શું કામ ઊઠું?
-એટલા માટે કે હવે ઊઠવાનો સમય થઈ ગયો છે.
-કોણે કહ્યું?
-મેં કહ્યું.
-તું કોણ?
-હું તમારી પત્ની. હવે મહેરબાની કરીને હવે એવું ન પૂછશો કે – કોણે કહ્યું કે  તું મારી પત્ની?
-ભલે, એવું નહીં પૂછું, બસ? પણ એ તો કહે તું મારી પત્ની કેમ?
-કેમ તે એમ કે તમે મને પરણ્યા.
-ભારે ભૂલ કરી બેઠો હું.
-ભૂલ કરી તો હવે ભોગવો. ચાલો ઊઠો તો.
-પણ નાની અમથી ભૂલની આવી ભારે સજા હોય?
- હમણાં જ તો તમે કહ્યું, કે – ભારે ભૂલ કરી બેઠો હું. તો ભારે ભૂલની સજા પણ તો ભારે જ હોય ને?
-આ નાચીઝ પર કંઈ દયા કરોને, જજસાહેબા.
-અરે, તમારે તો કંઈ જવાબદારી નથી, લહેર છે. આરામથી આઠ વાગ્યા સુધી ઘોરી શકો છો. બાજુવાળા બકુભાઈએ તો રોજ સવારના છ વાગ્યામાં ઊઠીને દૂધ લેવા  જવું પડે છે.
-એમના કર્યા એ ભોગવે, પણ મને તું હવે શાંતિથી સૂવા દે.
-હજી ક્યાં સુધી સૂવું છે? આ સૂરજ ક્યારનોય ઊગી ગયો છે.
-સૂરજને ઊગવા સિવાય બીજું કામ પણ શું છે?
-કેમ વળી, સૂરજનું કામ છે, દુનિયાના લોકોને પ્રકાશ આપવાનું. એના પ્રકાશમાં જ  તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ લઈને આપણને ઓક્સિજન આપે છે. સૂરજ છે તો આ દુનિયા છે, અને આ દુનિયા છે તો આપણે છીએ.
-આપણે છીએ તો ઊંઘવાનું છે, અને ઊંઘવાનું છે તો આ દુનિયામાં સુખ જ સુખ છે.
-સાંભળો, આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે, કે –
રાત્રે વહેલા સૂઈને વહેલા ઊઠે વીર,
બળ, બુધ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
-એમ કરવાથી શરીર કદાચ સુખમાં રહેતું હશે, એ પણ તું કહે છે એટલે હું માની લઉં છું, પણ મન દુખી થાય છે એનું શું? જો કે તું ખુશ થતી હોય તો હું એ પણ ચલાવી લઉં. પણ તને સાચી વાત કહું તો હું તારા આ ઋષિ મુનિઓ ના કારણે જ તો મોડો ઊઠું છું.
-કંઈ પણ? એ કઈ રીતે મને સમજાવો તો જરા.
-જો. ઋષિ મુનિઓ કહી ગયા છે, એટલે કે લખી ગયા છે, તે વાતો – ગ્રંથો  વાંચતા મને રાત્રે સૂવાનું મોડું થાય છે, અને એટલે જ સવારે ઊઠવાનું મોડું થાય છે.
-એ લોકો કહી ગયા તે વાત તમારે માનવી નહીં હોય તો એ વાંચીને ફાયદો પણ શું?
-એક વાત સમજ. ઋષિ મુનિઓના જમાનામાં ઇલેક્ટ્રીસીટી નહોતી. તેથી મોડી રાત સુધી જાગીને તેઓ કરે પણ શું? નહોતું ટી.વી. કે નહોતી રમાતી ક્રિકેટ મેચ. તેમને તો વળી છોકરાંઓ પણ નહોતાં, કે જેમને ભણાવતાં મોડું થાય. આ બધાં કારણોને લીધે તેઓ રાત્રે વહેલા સૂઈ શકતા હતાં અને તેથી જ સવારે વહેલાં ઊઠી શકતા હતાં.
-પણ તમને રાત્રે મોડે સુધી જાગવાનું કહે છે, કોણ? છોકરાંઓને  તો હું ભણાવું છું.
-એ માટે હું તારો આભારી છુ. અને મને કોઈ મોડે સુધી જાગવાની ફરજ નથી પાડતું. પણ આ તો હું રાત્રે મોડે સુધી જાગીને વાંચુ તો મારા જ્ઞાનમાં વધારો થાય, જે હું તમને વહેંચી શકું તો તમને લોકોને પણ લાભ થાય. આખરે આ ઘર પ્રત્યે, તમારા લોકો પ્રત્યે મારી કોઈ જવાબદારી ખરી કે નહીં?
-જવાબદારીનો એટલો જ ખ્યાલ હોય તો ઊઠો, અને બાબાને સ્કુલે મૂકી આવો.
-એમ કર ને. આજે એ લહાવો તું જ લઈ લે. તને પણ જવાબદારી નિભાવ્યાનો આત્મસંતોષ થાય.
-હે ભગવાન! ઊઘવામાં તો આ કુંભકર્ણને પણ હરાવી દે એવા છે. પણ સાંભળો, તમારી જેમ ભગવાન પણ જો દિવસ – રાત ઊઘ્યા કરતા હોત તો આ દુનિયાનું સુપેરે સંચાલન શી રીતે કરત?
-તને વળી કોણે કહ્યું કે ભગવાન જાગતા હોય તો જ આ દુનિયાનું સંચાલન સારી રીતે થાય?
-આવી સાદી સમજ તો સૌ કોઈને હોય.
-ત્યાં જ તારી ભૂલ થાય છે. જો તને એક જોક કહું એનાથી તને મારી વાત સમજાઈ જશે.
ડૉક્ટર: (દર્દીને) કેમ ભાઈ, કાલે દવા નહોતો લેવા આવ્યો?
દર્દી: ડૉક્ટર સાયેબ, કાલે મારો પડોશી ધનિયો ગુજરી ગયો.
ડૉક્ટર: એમ? એ શું મારી દવા લેતો હતો?
દર્દી: ના સાયેબ, એ તો એમ જ ગુજરી ગયો.
એટલે – હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ  શ્વાન તાણે. સમજી ગઈ?
બળ્યો તમારો જોક અને બળ્યો તમારો શ્લોક. નવરા લોકોએ ઘડી કઢેલી વાત. બાકી ભગવાન જો આ દુનિયાની સંભાળ ન લેતા હોત તો આ દુનિયાનુ સત્યાનાશ થાત.
-હજી ય તું માનવા તૈયાર નથી? ઠીક છે, જો તને બીજી જોક કહું.
-મારે નથી સાંભળવી તમારી જોક ફોક. હવે તમે ભગવાનને ખાતર પણ ઉઠો તો સારું.
-ભગવાન પોતે જ અત્યારે સૂતા છે, તો હું શા માટે ઊઠું?
-શું કહ્યું તમે? ભગવાન સૂતા છે, એમ?
-હાસ્તો, બોલ કાલે તેં કયો ઉપવાસ કરેલો?
-અગિયારસ.
-કઈ અગિયારસ?
-દેવસૂતી અગિયારસ.
-બરાબર, એ દિવસે ભગવાન શું કરે?
-કહેવાય છે કે ભગવાન એ દિવસે સૂઈ જાય છે.
-અચ્છા, પછી ભગવાન ઊઠે ક્યારે?
-દેવઊઠી અગિયારસે.
-એક્ઝેટલી. આવડી મોટી દુનિયાનું સંચાલન કરનારા ભગવાન પણ જો આટલું લાંબુ.... (એ ય, કેટલા દિવસો એ તું જ ગણી કાઢજે) સૂઈ શકતા હોય, તો હું તો સામાન્ય જણ! હું  માત્ર નવ વાગ્યા સુધી કેમ ઊંઘી ન શકું? માટે હવે તું જા સખી, અને મને નિરાંતે ઊઘવા દે.
-હે ભગવાન! આમને તો હવે શું કહેવું?1 comment:

  1. રે’વા દો ને, નકામું માથું દુખવવાનું !

    ReplyDelete