Thursday, 2 February 2023

 

એક હળવું પ્રવાસ વર્ણન.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

હું પાંચમાં ધોરણમાં હતી  ત્યારે અમારાં  ટીચરે ‘મારો પગપાળા પ્રવાસ’ એ વિષય પર નિબંધ લખવા જણાવ્યુ. મેં લખ્યું :  

‘મારા પપ્પાજી  સરકારી ઓફિસર છે,  એટલે સરકારે એમને  જીપકાર વાપરવા માટે આપી છે. જેના કારણે  ‘પગપાળા પ્રવાસ’ કરવા  જેવો  દુખદ પ્રસંગ મારે હજી સુધી આવ્યો નથી, અને નજીકના ભવિષ્યમાં આવે એવું હું ધારતી પણ નથી. તેમ છતાં પણ  આવો કોઈ પ્રસંગ આવશે તો, તે વખતે હું આ વિષય ‘મારો પગપાળા પ્રવાસ’ પર નિબંધ જરૂરથી લખીશ.’ 

મારાં ટીચર મારી ‘સેન્સ ઓફ હ્યુમર’ સમજી શક્યાં નહીં. અને મને શિક્ષા કરી. જો એ વખતે એમણે મને આ બાબતમાં પ્રોત્સાહન આપ્યું હોત, તો હાસ્યસાહિત્યમાં મારું સ્થાન ખુબ જ આગળનું – કદાચ પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવે પછી તરતનું હોત. ખેર, જો બિત ગઈ સો બાત ગઈ.

આપણે પાછા મૂળ વિષય પર આવીએ. પ્રવાસ માટેનાં ઝડપી સાધનો જેવાં કે કાર, બસ, ટ્રેન, એરોપ્લેન વગેરે શોધાયાં પછી, ‘પગપાળા પ્રવાસ’ કરવાનું ચલણ ઓછું ઇ ગયું છે, જો કે સદંતર બંધ  નથી થયું.  કવિ શ્રી ઉમાશંકર જોશીનું  કાવ્ય  ‘ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા...’ એમના સમયમાં કદાચ એક્સાઇટિંગ લાગતું હશે. પણ  આજકાલ તો પ્રવાસની સંપૂર્ણ માહિતી લઈને - રિઝર્વેશન કરાવીને નીકળવું હિતાવહ છે. અને  જ્યાં જરૂર હોય ત્યાં ભોમિયો એટલે કે ગાઈડની મદદ લેવી પણ જરૂરી  છે.  

પ્રવાસની યાદગીરી સચવાઈ રહે તે માટે ફોટા- વિડીયો જરૂરી છે. પણ ડીજીટલ કેમેરા અને સ્માર્ટ ફોનના આવી ગયા પછી ફોટાની હસ્તી ભારત દેશની વસ્તીની જેમ અનલિમિટેડ થઈ ગઈ છે.

‘એન્જોઇન્ગ એટ કુલુમનાલી વિથ ધ હોલ ફેમીલી.’ એવી પોસ્ટ ફેસબુક પર મુકનાર અમારાં એક મિત્ર ઘરે આવ્યાં ત્યારે જોયું તો ઘરમાંથી રૂપિયા – પૈસા –ઘરેણા બધું ચોરાઇ ગયેલું. પોલીસસ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયાં તો પોલીસે ઊલટાના એમને જ ધમકાવ્યાં, ‘બહારગામ જાવ તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરીને મઝા તમે લોકો લુંટો છો, અને પછી સામાન ચોરાઇ જાય ત્યારે ફરિયાદ અમને કરવા આવો છો.’

સમ્રાટ અશોકે તો ધર્મનો સંદેશ ફેલાવવા ‘શિલાલેખો’ કોતરાવ્યાં હતા. પણ ગુજરાતી પ્રવાસીઓ કયા હેતુથી  ‘પહાડોના પથ્થરો’ પર પોતાના નામો લખી આવે  છે, તે રહસ્ય આજ સુધી અકબંધ જ રહ્યું છે. ‘પીન્કી અને પ્રકાશ’, જીનીતા અને જીગ્નેશ’, ‘રમીલા અને રોશેશ’,  વગેરે નામો પહાડો પર એટલી ઊંચાઈએ લખાયેલા હોય છે, કે એ જોઇને આપણને એમ થાય  કે આટલી મહેનત જો ભણવામાં કરી હોત તો આ પ્રકાશ, જીગ્નેશ કે રોશેશ એટલિસ્ટ ગ્રેજ્યુએટ તો થઇ શક્યા હોત.

એવું કહેવાય છે કે પ્રવાસમાં ઓછામાં ઓછો, બને તો એક બેગપેક જેટલો જ સામાન  રાખવો જોઈએ. પણ ગુજરાતી પ્રવાસીઓના સામાનમાં એક બેગ તો  થેપલાં, ખાખરા, જેવી ખાધસામગ્રીથી જ ભરેલી હોય છે.

અમારા પાડોશી શેફાલીબેન અને સમીરભાઈ કાશ્મીરના પ્રવાસે જઈ આવ્યા. અમે પુછ્યું,  તમારો કાશ્મીરનો પ્રવાસ કેવો રહ્યો? અરે,ખ્ખત મઝા આવી. સમીરભાઈ બોલ્યા. અમદાવાદીઓને તો મઝા પણ ‘સખ્ખત’ આવે’   સૌથી સારું શું હતું?’ એવા સવાલના જવાબમાં શેફાલીબેને કહ્યું, સૌથી સારું તો એ હતું કે અમારો ટુરવાળો ગુજરાતી રસોઈયાને સાથે લઈને આવ્યો હતો.  સવારમાં ચા કોફીની સાથે બટાકાપૌવા – ઉપમા – ઇડલીસંભાર જેવો ગરમાગરમ નાસ્તો હાજર! લંચમાં સૂપથી માંડીને ડેઝર્ટ સુધી બધું જ. સ્વાદ તો એવો કે આંગળા ચાટી જઈએ. તમે નહીં માનો પણ  અગિયાર દિવસમાં એણે એક પણ ઈટમ કે શાક રીપીટ નથી કર્યા. હું તો કહું છુ કે પ્રવાસની ખરી મજા લેવી હોય તો આવા  ટુરવાળા સાથે જ જવું જોઈએ.

 

No comments:

Post a Comment