Tuesday, 12 April 2022

 

લગ્ન અને વફાદારી.(હાસ્યલેખ)(મોરપીંછ-હોળી-૨૦૨૨-હાસ્ય વિશેષાંક)(Shopizen)પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું ‘સિલસિલા’ ફિલ્મનું ગીત, ‘સોયે ગોરીકા યાર બલમ તરસે રંગ બરસે...’ સાંભળીને કેટલાક ચંચળ પુરુષોમાં પ્રબળ પ્રેમીનો આત્મા પ્રવેશી જાય છે. એમાં પણ ‘બુરા ન માનો હોલી હૈ’ એ સૂત્રનો અનુચિત ફાયદો ઉઠાવનારા ઘણા અસામાજિક તત્વો હોળીધૂળેટી ના પર્વ પર પોતાની જાતને રોમિયો- ફરહાદનો અવતાર સમજી બેસીને રૂપાળી યુવતિઓની શાબ્દિક કે શારીરિક છેડછાડ કરી લેતા હોય છે. એક તો હોળીનું પર્વ છે અને એમાં પણ આ ‘હાસ્ય વિશેષાંક’ છે એટલે આજે આ વિષય ‘લગ્ન અને વફાદારી’ પર લખવાનું મન થયું છે.

મિલન: પપ્પા, મોટાભાઈએ તમારી મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા છે, તમે હવે એમને શું સજા કરશો?

પપ્પા: દંડિત માણસને વળી શું સજા કરવાની ?

મિલન: એટલે ? હું સમજ્યો નહિ પપ્પા.

પપ્પા: કંઈ વાંધો નહીં બેટા. તું લગ્ન કરશે ત્યારે તને આપોઆપ સમજાઈ જશે.

આ જોકની  અત્યારે એટલા માટે યાદ આવી કે –  થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો  હતો કે – ‘એડલ્ટરી એટલે કે લગ્નેતર સંબંધ હવે ગુનો નથી’  અને આવો ચુકાદો આપવાનું કારણ કોર્ટે એ આપ્યું છે, કે – ‘લગ્નેતર સંબંધોને લીધે લગ્ન ખરાબ થતાં નથી, પણ ખરાબ લગ્નને લીધે એડલ્ટરી  એટલે કે લગ્નેતર સંબંધો  થાય છે, એટલે તેને ગુનો માનીને સજા આપવાનો અર્થ એ થાય કે - દુઃખી લોકો (ખરાબ લગ્નથી દુઃખી થયેલા) ને વધારે કરવા.’ જે લોકોના સુખી લગ્ન છે, એમને આ વાત લાગુ પડતી નથી. જો કે કહેવાયું છે કે  ‘સુખી લગ્નજીવન એક મીથ એટલે કે ભ્રમણા છે.’ સાચું ખોટું રામ જાણે પણ  આ ભ્રમણામાં ઘણા લોકોના  જીવન  સુખેથી પસાર જતાં મેં જોયા છે.

ફોર્ડ મોટર કંપનીના માલિક હેન્રી ફોર્ડની પચાસમી લગ્નગાંઠે કોઈએ પૂછ્યું, તમારા સુખી લગ્ન જીવન અને સફળ બીઝનેસમેનશીપનું રહસ્ય શું ?’ એમણે હસીને જવાબ આપ્યો, ‘જીવનભર એક જ મોડેલ.’ આ સાંભળીને ત્યાં હાજર રહેલા સૌએ તાળી પાડીને એમની વાતને વધાવી લીધી. હેન્રી ફોર્ડના જમાનામાં ભલે આ વાત ગૌરવરૂપ ગણાતી હશે, પણ હવે આ વાત આજના જમાનાને અનુરૂપ ગણાતી નથી, કેમ કે આજકાલ તો મોડેલ બહુ ફાસ્ટ બદલાય છે, પછી તે કોઈ વસ્તુના હોય કે સંસ્થાના.  હમેશા મોબાઈલ લીધા પછી અને લગ્ન કર્યા પછી કેટલાકને એવું થાય છે, ‘હજી થોડી  રાહ જોઈ હોત તો આનાથી વધારે સારું મોડલ મળ્યું હોત!’ અહી મને એક અજ્ઞાત કવિની મજાની પંક્તિ યાદ આવે છે, ‘પરણ્યા પછી માંગુ આવ્યું, દિલ તો હરખભેર ઉછળવા લાગ્યું, માંડમાંડ એને સમજાવ્યું’

એક વખત અમારા ડ્રોઈંગરૂમની ટ્યુબલાઈટ બગડી ગઈ. મેં ઈલેક્ટ્રીશિયનને બોલાવ્યો, અને લાઈટ રીપેર કરી આપવા કહ્યું. તો એણે કહ્યું, ‘આ ટાઈપની લાઈટ હવે આઉટ ઓફ ઓર્ડર થઇ ગઈ છે, એના પાર્ટ્સ મળતા નથી, એટલે એ રીપેર કરી શકાશે નહિ.’ ‘તો હવે આનું શું કરવું?’ એવા મારા સવાલના જવાબમાં એણે મને કહ્યું, ‘ફેંકી દો, હવે તો એલ.ઈ.ડી. આવી ગઈ છે, એ નખાવી દો.’ હવે જમાનો ‘યુઝ એન્ડ થ્રો’  – ‘વાપરો અને ફેંકી દો’ નો આવ્યો છે. મનુષ્યના સ્વભાવની ઓળખ આપતું બીજું એક વાક્ય મને યાદ આવી રહ્યું છે, ‘વરાયટી ઈઝ અ સ્પાઈસ ઓફ લાઈફ’ મતલબ કે ‘વિવિધતા એ જીવનના મરીમસાલારૂપ છે.’ માંદો માણસ જ મસાલા વગરનું સાદું અને બાફેલું ભોજન ખાય, બાકી તંદુરસ્ત માણસને તો મસાલાવાળું, ચટપટુ અને વિવિધતાથી ભરેલું ભોજન જ જોઈએ.

સમયની સાથે સાથે બધું બદલાય છે’ એ કહેવત મુજબ સમયની સાથે સાથે ‘પરિણીત મહિલા સાથે પરપુરુષના સંબંધને ગુનાહિત ગણાતી કાયદાની કલમ આઈ.પી.સી.= ઇન્ડિયન પીનલ કોડ  નંબર ૪૯૭ ને હવે ગેરબંધારણીય ગણવામાં આવી છે. આ ૧૫૮ વર્ષ જૂની કલમને રદ કરતા દીપક મિશ્રાએ કહ્યું કે  “બંધારણની સુંદરતા જ એ છે કે તેમાં ‘હું, મારું અને તમે‘ બધું જ સામેલ છે.” 

આ વાક્ય સાંભળીને મારા દિમાગની બત્તી થઇ નહિ, એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે મેં મારા પતિદેવને પૂછ્યું, ‘આ દીપક મિશ્રા કોણ છે ?’  ‘મને ખબર નથી, કદાચ સુપ્રીમ કોર્ટના ચીફ જજીસમાથી એકાદ  હશે’ પતિદેવે જવાબ આપ્યો.’  એમણે કહ્યું કે – “બંધારણની સુંદરતા જ એ છે કે તેમાં  હું, મારું અને તમે – બધું જ સામેલ છે,”  એનો અર્થ શું થાય ?’  મેં બીજો પતિદેવને બીજો સવાલ કર્યો. ‘મને નથી ખબર‘  એમણે ટૂંકો જવાબ આપતા કહ્યું. આમ પણ સામાન્યજન માટે વકીલની, જજની, કે કોર્ટની ભાષા સમજવી ઘણી અઘરી હોય છે. દાખલા તરીકે ‘હું તમને સંતરું આપું છું’ એવા આપણા સામાન્ય જનના વાક્યને વકીલ આ રીતે કહેશે,  ‘આ ગોળ આકારનું, નારંગી રંગનું  ફળ કે જેનું નામ સંતરું છે, એ હું તમને એની છાલ, એની પેશીઓ, એના રસ  અને એમાં રહેલા બીજ સહીત સંપૂર્ણપણે  તમને સોંપું છું. આજથી મારો એના પર કોઈપણ પ્રકારનો હક્કદાવો  રહેશે નહીં, હવે એનો સંપૂર્ણ કબજો આપનો છે, આપ ચાહો એ મુજબ એને કાપીને, એનો જ્યુસ કરીને કે અન્ય કોઈપણ પ્રકારે એનો ઉપયોગ કરવા સ્વતંત્ર છો, એમાં મારી કોઈપણ જાતની  દખલગીરી રહેશે નહીં.’

‘તમારું આ બાબતે શું માનવું છે ?’ મેં પતિદેવ સાથેની વાતચીતનો દોર ચાલુ રાખવાના ઈરાદે કહ્યું.  ‘કઈ બાબતે?’ એમનું ધ્યાન ટી.વી. પર ચાલી રહેલી ક્રિકેટ મેચમાં હતું, મારી વાતોમાં નહોતું. સ્વાભાવિક છે, લગ્નના ૪૩ વર્ષ પછી કયા પતિને પોતાની પત્નીની વાતમાં રસ હોય ? અને તે પણ ટી.વી. પર લાઈવ ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે ? ‘કઈ તે અત્યારે આપણે જેની વાત કરી રહ્યા છે તે, એડલ્ટરીના સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની બાબતે.’ મેં અકળાઈને જરા ભારપૂર્વક કહ્યું. ‘એમાં આપણા માનવા ન માનવાથી શું ફેર પડે છે ?’ એમણે ખુબ સંયત સ્વરે જવાબ આપતા કહ્યું.

શાંતિથી વિચાર કરતા મને પણ એમની વાત સાચી લાગી, આમ જુઓ તો ‘કાયદો હતો તો પણ આપણને (વફાદાર જીવનસાથીને) એનાથી શું ફેર પડતો હતો ?’ પણ  કાયદો અમલમાં હતો ત્યારે પરિણીત મહિલા સાથે પરપુરુષનો સંબંધ ગુનો ગણાતો, અને દોષિત પુરુષને પાંચ વર્ષ સુધીની જેલ થઇ શકતી હતી, જ્યારે મહિલા ઉપર આ બાબતે કોઈ કાર્યવાહી થતી નહોતી. એનાથી ઘણા પુરુષોને એવું લાગતું કે ‘આ તો અમને ઘોર અન્યાય જ કહેવાય.’ હવે તમે જ કહો વાચકમિત્રો, કે લગ્ન જીવનને જ જીવનભરની જેલ ગણનાર બિચારા પુરુષને પાંચ વર્ષ જેલ ની સજાની શું વિસાત ?   બીજી રીતે વિચારીએ તો પરિણીત મહિલા સાથે સંબંધ રાખવાનું કામ કોઈ કાચાપોચા પુરુષ તો કરી જ ન શકે, એ તો કોઈ વીરપુરુષ જ કરી શકે. કેમ કે એમ કરતા પકડાઈ જવાય બે રીતનું જોખમ, એક તો કાયદાકીય કાર્યવાહી થાય તો પાંચ વર્ષની  જેલ થાય, અને બીજું એ કે - ક્યારેક એ મહિલાના પતિના હાથનો મરણતોલ માર ખાવો પડે, આ ઉપરાંત પોતે પરણેલો હોય તો પત્ની ખોવાનો વારો પણ આવી શકે. હવે કાયદો બદલાવાથી એટલીસ્ટ જેલની સજાની બીક તો ઓછી થઇ.

એક દિવસ એક છાપામાં જાહેરાત આવી, ‘જોઈએ છે પત્ની...’  બીજે દિવસે એને એકસોવીસ (૧૨૦) સંદેશા મળ્યા, ‘મારી લઇ જાવ.’ આવા ઉદારદિલ પુરુષો માટેની આ વાત જોક તરીકે સારી લાગે પણ હકીકતમાં હવે એવું નહિ થઇ શકે, કેમ કે પાંચ જજની બંધારણીય બેન્ચે એવું પણ કહ્યું કે ‘પતિ તેની પત્નીનો માલિક નથી.’ એટલે જે ચીજના તમે માલિક ન હો એ ચીજ તમે બીજાને કઈ રીતે આપી શકો ? હા, ઘણા વર્ષો પહેલાના જમાનાની વાત અલગ છે, ત્યારે પુરુષો શતરંજમાં બધું જ હારી જાય તો પછી પોતાની પત્નીને પણ દાવ પર મૂકી શકતા હતા.  

ન્યુઝપેપરમાં ‘વૈચારિક પ્રયોગ’ ના મથાળા હેઠળ ઉજ્જૈનના રાજા ભર્ત્રુંહરિની વાર્તા ટાંકીને ચેતવણી પણ આપવામાં આવી છે કે – ‘આ ચુકાદો લગ્નસંસ્થા માટે અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે.’ વ્યભિચાર એટલે કે એડલ્ટરીએ  ભર્ત્રુંહરિને રાજામાંથી  સન્યાસી બનાવી દીધા હતા, શૃંગારશતક લખનાર રાજાને વૈરાગ્યશતક લખવું પડ્યું હતું. આ બધી વાત બરાબર છે, છતાં પણ લગ્નસંસ્થા આજે પણ  અસ્તિત્વમાં છે, અને આવતી કાલે, પરમ દિવસે અને એ પછીના દિવસે....વર્ષોવર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે એવું મારું આશાવાદી મન કહી રહ્યું છે, અને એનું કારણ એ છે કે એમાં એક જાતની સ્થિરતાની, રાહતની અને હુંફની લાગણી જોડાયેલી છે. કોરોના ને કારણે માર્ચ, ૨૦૨૦ પછી  લાગુ પડેલા લોકડાઉન ભોગવ્યા પછી મારી વાતના સમર્થક ઘણા મળી આવશે એની મને ખાતરી છે.  

‘લગ્ન તો લાકડાના લાડુ છે, ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય ‘ એવું ભલે કહેવાયું હોય, પણ કુંવારા લોકો એ ખાવાની એટલે કે લગ્ન કરવાની લાલચ રોકી શકતા નથી. અને હું નથી ધારતી કે આ લાલચ (લગ્ન કરવાની) એમ સહેલાઈથી મનુષ્યના સ્વભાવમાંથી નષ્ટ થશે. એટલે જેમણે આ કાયદાથી  લગ્નસંસ્થા નાબુદ થવાનો ડર હોય એમણે આ ડર મનમાંથી કાઢી નાખવો. એ જ રીતે એકવાર આ લગ્નસંસ્થામાં જોડાયા પછી પચાસ ટકાથી વધુ લોકો એમાં થોડું ઘણું કમ્ફર્ટેબલ પણ ફિલ કરે છે (આવું સામાજિક ક્ષેત્રના સંશોધનકર્તાઓ કહે છે.)  એ કંઈ ઓછા આનંદની વાત છે ? કેટલાક લોકોને ભય છે કે આ કાયદો (વ્યભિચાર માટેની સજા) ખતમ કરવાથી ભારતીય સંસ્કૃતિ પર એની ખરાબ અસર પડશે. પણ મારું માનવું છે કે સાચી સંસ્કૃતિ ખરાબ અસરોથી ક્યારેય નષ્ટ થતી નથી. છતાં જેમણે ભારતીય સંસ્કૃતિને બચાવવી છે, એમણે પોતાનો મત યોગ્ય વ્યક્તિને આપવો એવી મારી ભલામણ છે.

દુનિયાના ૬૦ થી વધુ દેશો લગ્નેતર સંબંધની સજા અંગેનો કાયદો નાબૂદ કરી ચુક્યા છે, ભારતે એમાં પોતાનો સમાવેશ કર્યો છે. ‘તુંડે તુંડે મતિર્ભીન્ના’ ની જેમ દરેક દેશમાં ‘એડલ્ટરી’ અંગેના  જુદા જુદા કાયદા અને જુદી જુદી સજા છે. કેટલાક ઇસ્લામિક દેશોમાં તે હજુ પણ એ ભયંકર ગુનો ગણાય છે, અને એની સજા આજીવન કેદ કે મૃત્યુદંડ પણ થઇ શકે છે. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ જ દરેક કાયદાની પણ બે બાજુ હોય છે. હોળી ધૂળેટીના આ પર્વ  પર હળવાશ જાળવી રાખવી અત્યંત આવશ્યક છે, એટલે આ લેખનું સમાપન હળવાશથી કરીએ –

મહેશને જ્યારે ખબર પડી કે એનો મિત્ર રમેશ પોતાની પત્ની મીનાને ચાહે છે અને મીના પણ રમેશને ચાહે છે, ત્યારે મહેશે ઉદારતાપૂર્વક મીનાને છૂટાછેડા આપીને રમેશ સાથે પરણાવી આપી. કમનસીબે રમેશ સાથેના લગ્નના એક જ વર્ષમાં મીના મૃત્યુ પામી. પત્નીના અવસાન પર ચોધાર આંસુથી  રડતા રમેશને આશ્વાસન આપતા મિત્ર મહેશ બોલ્યો, ‘રડવાનું બંધ કરીને હવે તું શાંત થા, કેમ કે  હું થોડા જ સમયમાં ફરી વાર પરણવાનો છું.’          

No comments:

Post a Comment