Monday 25 March 2024

 રામચંદ્ર કહ ગયે સીયાસે. (વિશ્વકર્મા વિશ્વ – દિવાળી - 2020)       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-હાશ ! દિવાળીની સાફસફાઈનું કામકાજ તો પૂરું થયું. મેં નેપકીનથી હાથ લુછતા લુછતા કિચનમાંથી બહાર આવીને ડ્રોઈંગરૂમની સોફાચેર પર ગોઠવાતા ત્યાં બેસીને મોબાઈલમાં માથું નાખીને સોફામાં બેઠેલા  મારા પતિદેવ જીતુને કહ્યું.

-શું વાત કરે છે, દિવાળીનું કામ આટલું જલદી પતી ગયું ? બરાબર યાદ કર કંઇક તો સાફ કરવાનું બાકી રહી જ ગયું હશે. જીતુએ માથું ઊંચક્યા વિના મોબાઈલમાં ક્રિકેટની ગેમ રમતા રમતા મને કહ્યું.

-હા, ઠીક યાદ આવ્યું, હજી એક ચીજ સાફ કરવાની બાકી છે, યાદ કરાવવા બદલ થેંક્યું, હોં.

-યુ આર મોસ્ટ વેલકમ. પણ એ તો કહે શું સાફ કરવાનું બાકી રહ્યું ?

-તમારું પર્સ. મારા મોબાઈલમાં બીબા, વેસ્ટસાઈડ, ફેબ ઇન્ડિયા, બ્રાન્ડ ફેક્ટરી, રિલાયન્સ જવેલ્સ, ઝવેરી જવેલર્સ વગેરે વગેરેની ભારે ડિસ્કાઉન્ટ આપતી અનેક ઓફરોના એસએમએસ આવ્યા છે, એકાદ આંટો મારી આવું ?

-અત્યારે કોવિડ-૧૯ ના અનલોક છતાં લોકડાઉન જેવા સમયમાં આપણે ક્યાંય બહાર ફરવા તો જઈ શકવાના નથી. કે નથી કોઈ સારા પ્રસંગમાં જવાનું. પછી કપડાં કે ઘરેણાં લેવાનો કોઈ મતલબ ખરો ?

-હં...વાત તો તમારી સાચી છે. તો પછી બી.એમ.ડબલ્યુ કારવાળાના ઘણા મેસેજ આવ્યા છે, ટેસ્ટ ડ્રાઈવ માટે બોલાવું?

-એ માટે તો માત્ર મારું પર્સ જ નહીં, મારું બેન્કબેલેન્સ પણ સાફ થઇ જશે અને તો પણ પૈસા ખૂટશે.  

-ઓહ !  તો પછી પ્રોપર્ટીવાળાના પણ એકાદ બે મેસેજ આવ્યા છે, એને તો ડીલીટ જ કરું, બરાબર ને ?

-બરાબર, ઘર તો સાફ થઇ ગયું, હવે તારા મનમાંથી શોપિંગ નામના કીડાને પણ સાફ કરી નાખ.

અમે પતિ પત્ની  ઉપર મુજબની મીઠી નોંક ઝોંક કરી રહ્યા  હતા, ત્યાં જ ....          

‘લે લેતી જા ....લે લેતી જા..’  અમારા પડોશી સતીશભાઈના ઘરમાંથી  અવાજ સંભળાયા.

‘આજે સતીશભાઈ બહુ ગુસ્સામાં લાગે છે, શીલાબહેનને મારી રહ્યા લાગે છે’ મેં ઘભરાઈને જીતુને કહ્યું.

‘તને લાગે છે કે ગાંધીજીની આવૃત્તિ સમા એકવડીયા સતીશભાઈ, ચ્યવનપ્રાશની જાહેરખબરમાં આવતી હ્રુષ્ટપૃષ્ઠ મહિલા જેવા શીલાબહેનને મારી શકે ?’ જીતુએ તાર્કિક દલીલ એટલે કે પોતાનો લોજિકલ પોઈન્ટ રજુ કર્યો. એક તો જીતુ કોમર્સના ગ્રેજુએટ અને ઉપરથી સી.એ. પણ થયેલા એટલે તાર્કિક દલીલમાં તો હું એમને પહોંચી ન શકું, આ વાત હું બરાબર જાણું એટલે મોટેભાગે તો હું આવી વખતે ચુપ જ થઇ જાઉં. પણ જીતુની  સાથે રહી રહીને મારું લોજીકલ માઈન્ડ પણ ક્યારેક કાર્યરત થઇ જતું અને મારું મોઢું ખુલી જતું. આ વખતે પણ એવું જ થયું. એટલે મેં જીતુની તાર્કિક દલીલના જવાબમાં કહ્યું,  

-ગાંધીજી પણ તો જોરજુલમ કરીને કસ્તુરબાની મરજી વિરુધ્ધ એમની પાસે ટોયલેટ સાફ કરાવતા જ હતા ને ?

‘પોતે વધારે દલીલ કરશે તો આ ક્યાંક મારી પાસે જ ટોયલેટ તો નહિ સાફ કરાવે ને ?’ એવા વિચારથી કે પછી રામ જાણે કેમ પણ જીતુ ચુપચાપ પોતાના કામમાં પરોવાઈ ગયા, અથવા એવો દેખાવ કર્યો.  અને હું પણ મારા કાનને બહારના અવાજથી અલિપ્ત રહેવાનું સમજાવીને મારા વાંચનના કામમાં પરોવાઈ.

ત્યાં જ ફરીથી અને પહેલા કરતા પણ થોડા ઉંચા અવાજે સતીશભાઈના અવાજમાં, ‘લે લેતી જા.. લે લેતી જા...’ સંભળાયું. અમે બંનેએ એકબીજાની સામે સૂચક રીતે જોયું. શહેરી પરામાં રહેવાને કારણે પડોશીના જીવનમાં ક્યારેય દખલગીરી નહીં કરવાનો અમારા બંનેનો વણલખ્યો નિયમ હતો. પણ આજે મને વળી દયા ઉપજી એટલે મેં જીતુને વિંનતી કરી, ‘તમે જરા જુઓ તો ખરા, પ્લીઝ, સતીશભાઈને સમજાવો અને શીલાબહેનને બચાઓ.’

આ દુનિયામાં ભાગ્યે જ કોઈ પતિ એવો હશે કે જે પત્નીની આગ્રહભરી વિનંતી, એટલે આમ તો  આજ્ઞા જ ગણાય, એને લાંબો સમય સુધી ટાળી શકે. જીતુ પરાણે સતીશભાઈની મદદે જવા તૈયાર થયા. ‘તું પણ મારી સાથે ચાલ, કદાચ શીલાબહેનને તારી મદદની જરૂર પડે.’ જીતુએ કહ્યું. મને લાગ્યું કે પાડોશીને સમજાવવામાં અત્યારે જીતુને મારી મદદની જરૂર છે,  એટલે હું એમની સાથે જવા તૈયાર થઇ. હું જરા કપડાં બદલી લઉં ? મેં મારા સાધારણ કપડા તરફ નજર નાખતા કહ્યું. ‘અરે ! આપણે પડોશમાં પતિપત્ની વચ્ચે સમાધાન કરાવવા જવાનું છે, કોઈ ટીવી સિરીયલના શુટિંગમાં નથી જવાનું.’ જીતુએ કહ્યું. તોપણ મેં મારા વસ્ત્રો પર  અને આડા તેડા થયેલા મારા વાળ પર જરા હાથ તો ફેરવી જ લીધો. 

અમે બંને પડોશીના ઘરે પહોંચ્યા. ઘરનો દરવાજો અધૂકડો ઢાંકેલો હતો, શિષ્ટાચાર ખાતર અમે બારણે ટકોરા મારીને પછી ઘરમાં દાખલ થયા. અને અમે જે જોયું તેનાથી અમને આશ્ચર્ય થયું.  શીલાબહેન  તો એકદમ સહીસલામત હતા, એમના એક હાથમાં વેલણ અને બીજા હાથમાં સાણસી હતા, એમના મોં પર ગુસ્સો હતો, અને  સતીશભાઈના હાથે ઉઝરડા થયા હતા, એમના ઝભ્ભાનું ખીસું ઉખડી ગયું હતું, અને માથે નાનકડું ઢીમણું ઉપસી  આવ્યું હતું. અમને જોઇને બંને પતિપત્ની ખાસિયાણા પડી ગયા, ‘હું જરા ઝભ્ભો બદલીને આવું’ કહીને સતીશભાઈ એમના બેડરુમમા  સરકી ગયા અને શીલાબહેન ‘ગેસ પર દાળ ઉકાળવા મૂકી છે, જરા કડછી હલાવતી આવું’ એમ કહીને  રસોડામાં જતા રહ્યા. ’હવે આપણે શું કરવું ?’ ની અવઢવમાં અમે એકબીજાની સામે જોયું, અને પછી  ઘરે પાછા ફરવાનું મુનાસીબ માન્યું.

પછી એકવાર સતીશભાઈ અમારા ઘરે છાપું લેવા આવ્યા, અમે બંને જણ ચા પી રહ્યા હતા, સતીશભાઈને મારા હાથની મસાલા ચા ભાવતી હતી એટલે મેં એમને પણ ચા પીવાની ઓફર કરી. એ બેઠા ત્યારે જીતુએ ‘લે લેતી જા...’ બનાવ વિષે પૂછ્યું તો એમણે કહ્યું, ‘યાર, હું  પત્નીના હાથનો માર ખાઉં છું, એ વાત લોકો જાણે તો મારી આબરૂ શું રહે ? એટલે એ મને મારે ત્યારે હું  ‘લે લેતી જા...લે લેતી જા...’  ના પોકાર કરું છું. ‘સતીશભાઈ, આ તો સંસાર છે, ચાલ્યા કરે.’ મેં એમનો ક્ષોભ ઓછો કરવા ચીલાચાલુ વાક્ય કહ્યું. તો એ બોલ્યા, ‘હા, ભાભી. તમારી વાત સાચી છે. અમારે લડાઈ થાય ત્યારે એ મને વાસણો  છુટ્ટા મારે, હું નિશાન ચૂકવી દઉં તો હું ખુશ થાઉં, અને નિશાન બરાબર લાગે તો એ ખુશ થાય. આમ વારાફરતી અમે બંને ખુશ રહીએ, સમજ્યા ?’

ગંવાર...શુદ્ર... પશુ... ઔર નારી, સબ તાડનકે અધિકારી... એટલે કેગમાર, નીચી જાતનો માણસ, પશુ અને નારી ... બધા માર ખાવાને લાયક છે  આવું આપણા ધર્મગ્રંથોમાં કહેવાયું છે, એમ મેં ક્યાંક વાંચ્યું હતું. ઉપરાંત મેં એવું પણ વાંચેલું કે  બુધે નાર પાંસરીમતલબ કે સ્ત્રીને માર મારવાથી સીધી ચાલે. આવું બધું વાંચવાથી મારો નારીજીવ કોચવાતો. મને તો -  કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે ! એ  શ્રી મુકુલ ચોકસીના મુક્તક જેવું મુક્ત મજાનું દામ્પત્ય જીવન ગમે. પણ આપણને ગમતું બધું ક્યાં થાય છે ? તે છતાં  જેમ જેમ સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેમ તેમ જૂની માન્યતાઓ છેક જડમૂળથી ગઈ તો નહીં પણ બદલાઈ છે જરૂર એનો મને આનંદ  છે.

વાત આજે મને એટલા માટે યાદ આવી કે, ભારતમાંડોમેસ્ટિક વાયોલન્સના કાયદા હેઠળ પત્નીને મારતા પતિને સારી એવી સજા થાય છે, તે છતાં પત્ની પતિના હાથનો માર ખાય, એવી ફરિયાદો સામાન્ય થઇ ગઈ છે. પણપતિને મારનારી મહિલાઓ પણ ઓછી નથીએવા નવાઈ ભરેલા સમાચાર થોડા સમય પહેલા  દિવ્યભાસ્કર નામના અખબારમાં મેં વાંચ્યા. હું મારામારીની તરફેણમાં નથી તે છતાં સમાજમાં આવું બેલેન્સ હોય મને આવકાર્ય લાગ્યું. મને વાંચીને એક  જોક  યાદ આવી :  તમે આટલા લોહીલુહાણ હાલતમાં છો, ચાલો તમને ઘરે મૂકી જાઉંએક વ્યક્તિને ઘાયલ દશામાં રસ્તા પર જતી જોઇને રાહદારીને દયા આવવાથી એણે કહ્યું. ઘરેથી ચાલ્યો આવું છું, તમને બહુ દયા આવતી હોય તો કોઈ ડોક્ટરને ત્યાં લઇ જાવવ્યક્તિએ રાહદારીને કહ્યું.

જોકની વાત જવા દઈએ અને છાપાના સમાચાર ‘પતિને મારનારી મહિલાઓ પણ ઓછી નથી’ એ સમાચાર પ્રત્યે ધ્યાન આપીએ. આવું ને આવું  જો વધારે સમય ચાલ્યું તો એ દિવસ દુર નથી જ્યારે નીચે મુજબનો બનાવ બનશે.

-માયા, આપણા તન્મય માટે જે  છોકરી તન્વીનું માંગુ આવ્યું છે. એ એમ.બી.એ. થયેલી છે, મલ્ટીનેશનલ કંપનીમાં ઉંચી પોસ્ટ પર જોબ કરે છે, વર્ષે ૧૮ લાખનો પગાર મેળવે છે, સોનામાં સુગંધ જેવી વાત તો એ છે કે તન્વી દેખાવડી છે, સારા કુટુંબમાંથી આવે છે, અને એના માબાપની એકની એક દીકરી છે. દીવો લઈને શોધવા જઈએ તોપણ આવી છોકરી આપણી નાતમાં બીજી મળે નહીં. વળી તન્વીનો ફોટો તન્મયને પસંદ પણ આવ્યો છે. સારા કામમાં સો વિઘ્ન આવે, એટલે તન્મયને પૂછીને તન્વીને ક્યારે મળવાનું ગોઠવવું છે તે નક્કી જ કરી દઈએ.પતિ મયંકે કહ્યું.

-ડેડ, તન્વી ક્યાં રહે છે ? તન્મયે પૂછ્યું.

-ઇન્દોર રહે છે.

-ઇન્દોર ? એમ. પી. વાળું ઇન્દોર ?

-હા જ તો. ભારતમાં ઇન્દોર વળી  કેટલા છે ? એમ.પી. વાળું ઇન્દોર જ.

-મારે તન્વી સાથે લગ્ન નથી કરવા.

-અરે પણ એને મળ્યા વિના, વાતચીત કર્યા વિના આમ અચાનક ના પાડવાનું  કંઈ કારણ ? તન્વી દેખાવડી છે, આટલું ભણેલી છે, સારા કુટુંબમાંથી છે, બધી રીતે તને લાયક છે.

-એ સર્વગુણસંપન્ન હોય તો પણ મારે એની સાથે લગ્ન નથી કરવા, એટલે નથી કરવા. એન્ડ ધેટ ઈઝ ફાઈનલ. 

-તેં એના વિશે કંઈ ખરાબ વાત જાણી કે વાંચી, બેટા ?

-ના, પણ ઇન્દોર વિષે જે વાંચ્યું, એ જાણ્યા પછી તમે બંને પણ ફરીથી વિચારતા થઇ જશો.

-અચ્છા, એવા તે શું સમાચાર છે, અમને જણાવીશ ? માયાએ પૂછ્યું.

-મધ્ય પ્રદેશની જ વાત છે. ભોપાલમાં પોલીસ ફરિયાદ અનુસાર દર મહીને ૧૩ મહિલાઓ પોતાના પતિને ફટકારે છે. ઇન્દોરમાં  ચાર મહિનામાં બાવન (પચાસ વત્તા બે) પતિદેવો પત્નીની મારપીટનો ભોગ બન્યા. એવા તો કેટલાય પતિદેવો હશે જે પત્નીના ડરના કારણે પોલીસ ફરિયાદ નહીં નોધાવતા હશે, એટલે આ આંકડો હજી પણ વધવાની શક્યતા છે. તન્મય બોલ્યો.

-પત્ની મારતી નહીં હોય, પણ ડારતી  હોય તો એવા કેસમાં ફરિયાદ નોંધાવી શકાય કે નહીં ? મયંક હસીને બોલ્યો.

-મયંક, તમે વચ્ચે ન બોલોને, પ્લીઝ. તન્મય, તું ઈન્દોરની શું વાત કહેતો હતો ? માયાએ પૂછ્યું.

-મમ્મી, અત્યાર સુધી ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ ની વાત આવે તો આપણને પતિનો માર ખાતી પત્ની જ યાદ આવે છે, પણ મધ્યપ્રદેશમાં પત્નીના હાથનો માર ખાતા પુરુષોના કિસ્સા એટલી હદે વધી ગયા છે કે, ‘ડાયલ ૧૦૦’ ટીમે ‘બીટિંગ હસબંડ ઇવેન્ટ’ ની નવી કેટેગરી તૈયાર કરવી પડી છે.

-હાય હાય, આ તે કેવો કળિયુગ કહેવાય ? છોકરીઓની આટલી બધી હિંમત ? અને છોકરાઓ આટલા બધા બાયલા ?

-માયા, હવે રામચંદ્રવાળો સતયુગ નથી રહ્યો, આ કળિયુગમાં તો કંઈ પણ અશક્ય નથી. તેં પેલું ભજન તો સાંભળ્યું જ હશે ને, ‘હે રામચંદ્ર કહ ગયે સીયાસે, ઐસા કલિયુગ આયેગા, હંસ ચુગેગા દાન દુનકા કૌઆ મોતી ખાયેગા.’

-હા રે હા. હવે તો એ કળિયુગ આવી જ ગયો છે, જેમાં હંસના બદલે કાગડા મોતી ખાય. માયા બોલી.

-અને પત્નીના બદલે પતિ માર ખાય. મયંક બોલ્યો અને ત્રણે જણ હસી પડ્યા.     

No comments:

Post a Comment