Friday, 19 November 2021

હું પણ આવું જ કહેત

 

હું પણ આવું જ કહેત.(હાસ્યલેખ)      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

‘આ વળી નવી નવાઈની વાત’ છાપું વાંચતી વખતે મારાથી મોટેથી બોલાઈ ગયું. ‘એમાં નવી નવાઈની વાત શું છે, શું હું મારી ફાઈલો કોઈવાર નથી ગોઠવતો ? કે મારું ટેબલ અને લેપટોપ કોઈવાર સાફ નથી કરતો કે ? તું તો જાણે એ રીતે વાત કરે છે, કે આ બધું મેં આજે પહેલીવાર જ કર્યું હોય.’ પોતાના ટેબલ અને લેપટોપની સફાઈ કરી રહેલા મારા પતિદેવે જરા ફરિયાદી સુરે મને કહ્યું. દિવાળી નજીક આવી રહી હતી, એટલે  હું ઘરના ફર્નીચરની ઝાપટઝૂપટ જેવી રોજબરોજની સફાઈ સિવાયની વધારાની સફાઈ – ઘરની દીવાલો લુછીને થાક ઉતારવા સોફામાં આરામથી બેઠી હતી, ત્યારે છાપું વાંચીને મારાથી ઉપર મુજબનું વાક્ય બોલાઈ ગયું, પતિદેવને  એવું લાગ્યું કે હું એમને કહી રહી છું.

‘એમ તમે બંધ બેસતી પાઘડી તમારે માથે ના પહેરી લો, મેં તમારા સફાઈ કામ માટે કંઈ  નથી કહ્યું’ મેં એમને શાંત પાડતા કહ્યું. ‘તો ઠીક, આ તો તું મારી સામે જોઇને બોલી એટલે મને એમ લાગ્યું કે....’ એમણે પોતાનો બચાવ કરતાં કહ્યું.  ‘મને એમ લાગ્યું કે.... આ ચાર શબ્દ જ પતિ પત્નીના જીવનમાં ઝઘડો કરાવે એવા છે’ મેં ફરિયાદી સૂરમાં કહ્યું. ‘તારી વાત તો સાચી છે, સોરી.’ એમ કહીને એમણે શરણાગતિ સ્વીકારી લીધી એટલે વાત અહીં પતી જવી જોઈતી હતી. પણ હું જે કહેવા માંગતી હતી તે મારી વાત અધુરી હતી, એટલે અધુરી રહેલી વાતનો તંતુ પકડીને મેં નવેસરથી વાતની શરૂઆત કરી.

‘હું તો આ છાપામાં આવેલા એક સમાચાર વિશે તમને કહી રહી હતી. સમાચાર એવા છે કે -ચાઇનીઝ કપલ્સ પાર્ટનરની વફાદારી જાણવા લવ ટેસ્ટરની મદદ લઇ રહ્યા છે’ ‘આ સમાચાર મને સંભળાવવા પાછળ તારો કોઈ ખાસ હેતુ છે,  કે પછી એમ જ...’ ‘ખાસ હેતુ તો વળી શું હોવાનો ?’ ‘ના ના, આ તો તને મારી વફાદારી પર શક આવ્યો હોય, અને તું મને આ સમાચાર દ્વારા કોઈ ચીમકી આપવા માંગતી હોય.’ ‘લગ્નના આટલા વર્ષો પછી હવે હું તમારી વફાદારી પર શું કામ શક કરું?’ ‘હાસ્તો, આટલા વર્ષોમાં તો તું જાણી જ ગઈ હશે ને કે – આ ખોટો રૂપિયો મારા સિવાય ક્યાંય ચાલવાનો નથી, બરાબરને ?’ ‘બરાબર, લગ્નજીવનના આટલા વર્ષોના સાથ પછી હું તમને સારી રીતે ઓળખી ગઈ છું, હોટલમાં જઈએ તો પણ તમે મેનુમાં નવી નવી આઈટમના નામ વાંચો એટલું જ, બાકી મંગાવો તો એ જ કાયમનું, ઈડલીસંભાર  અથવા મિક્સ (ઓનિયન – કોકોનટ) ઉત્તપમ વિધાઉટ ચીલી....’ ‘ચાલ, આપણી વાત જવાદે, ચાઇનીઝ કપલ્સની શું વાત છે એ કહે.’

‘પોતાનો પાર્ટનર પોતાને કેટલો વફાદાર છે (કે પછી કેટલો બેવફા છે) એ જાણવા માટે આજકાલ ચીનમાં કપલ્સ એક નવી ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. આ સર્વિસ ઘણી કંપનીઓ ગ્રાહકને પૂરી પાડી રહી છે. આ સર્વિસ જેમને જોઈતી હોય, એ કસ્ટમરે  લવ ટેસ્ટરને પોતાના લાઈફ પાર્ટનરનું  નામ, જોબ, હોબીઝ, મોબાઈલ નંબર અને સોશિયલ મીડિયા પર એના એકાઉન્ટ્સની વિગતો આપવાની હોય છે. એ પછી લવ ટેસ્ટર કસ્ટમરને જુદી જુદી ટ્રીક્સના થોડાક ઓપ્શન મોકલે છે. કસ્ટમર એમાંથી  ઓપ્શન/વિકલ્પ પસંદ કરી લે, પછી કંપનીના લવ ટેસ્ટરની અસલી સર્વિસ શરુ થાય છે.’  ‘વેરી ઈન્ટરેસ્ટીંગ. આવી સર્વિસ આપવા બદલ કંપની કસ્ટમર પાસે શું ચાર્જ લે છે ?’ ‘ચાર્જ તો ૨૦ થી માંડીને ૧૩૦૦ યુઆન લે છે.’ ‘ઓહો, એટલે લગભગ ૨૨૦ થી માંડીને ૧૪૩૦૦ રૂપિયા ? આ બીઝનેસ તો સારો કહેવાય’

‘પારકે ભાણે મોટો લાડુ, એ કહેવત મુજબ બીજાના બીઝનેસ આપણને કાયમ સારા અને ફાયદાકારક જ  લાગે, પણ એ ધંધો કંઈ સહેલો નથી. લવ ટેસ્ટર તરીકે કામ કરતી ૨૩ વર્ષની ચાઇનીઝ યુવતી ચેન મેન્ગયુઆન કહે છે કે ઘણા લોકોને પાર્ટનરની બેવફાઈ આમ સરેઆમ ખુલ્લી પાડવાની વાત ગમતી નથી, પણ એમાં કંઈ ખોટું પણ નથી એમ એ કહે છે’ ‘હાસ્તો, વરને કોણ વખાણે ? તો કહે વરની મા. એમ કોઈ પણ બીઝનેસ કરનાર પોતાનો  બિઝનેસને તો યોગ્ય જ ગણાવે, ખરું કે નહીં ?’  ‘ખરું જ સ્તો વળી. એ લોકો નકલી સેલ્ફીઝ અને લલચાવનારી – લોભાવનારી વાતો દ્વારા પોતાના શિકારને સોશિયલ મીડિયાની મદદથી ફસાવે’ ‘કોઈ મીઠી મીઠી વાતો કરે, સારા સારા ફોટા બતાવે અને પેલો ફસાઈ પણ જાય એમ તું માને છે? ‘બેવફા હોય તે ફસાઈ જાય, અને વફાદાર હોય તે ન ફસાય, વેરી સિમ્પલ’ ‘તું ધારે એટલું એ સિમ્પલ નથી, ખરેખર તો બેવકૂફ હોય તે ફસાઈ જાય, અને ચાલાક હોય તે ન ફસાય.’ સી.એ. થયેલા પતિદેવ પોતાના લોજીકલ જ્ઞાનનો ઉપયોગ કરીને બોલ્યા.

‘પણ છાપામાં તો લખ્યું છે કે જે પાર્ટનર સારા હોય તે સોશિયલ સાઈટ્સ પર લવ ટેસ્ટરની રિક્વેસ્ટ સ્વીકારતા જ નથી. જ્યારે બેવફા પાર્ટનર તરત જ રિક્વેસ્ટ સ્વીકારી લે છે, અને લવ ટેસ્ટર ને  મળવા તૈયાર થઇ જાય છે, એટલું જ નહિ, એ લોકો કમિટેડ હોવા છતાં ખોટું બોલે છે કે પોતાને કોઈ પાર્ટનર જ નથી, અને પોતે ઘણા સમયથી સિંગલ જ છે’ મેં દુઃખી સ્વરે કહ્યું. ‘એ લોકોને પાર્ટનર સાથે અણબનાવ રહેતો હશે, એટલે સાથે રહેવા છતાં સાથે નથી રહેતા એવું ફિલ કરતાં હશે.’ પતિદેવ હળવાશના મૂડમાં હતા. ‘અરે, આવું તે કંઈ જસ્ટિફિકેશન હોય ? અણબનાવ રહેતો હોય તો મનમેળ કરવાની ટ્રાય કરવી જોઈએ, પોતાનાથી ના થઇ શકે તો કાઉન્સેલરની મદદ લેવી જોઈએ, એ પછી પણ કોઈ પોઝીટીવ રીઝલ્ટ  ન મળે તો કાયદેસર રીતે છુટા થઇ જવું જોઈએ, પણ આવી બેવફાઈ તો ન જ કરવી જોઈએ.’ મેં જોશમાં આવીને દલીલ કરી. ‘તારી વાત સાચી છે, પણ મને લાગે છે કે કોઈ પણ બેવફા પુરુષ સહેલાઈથી પોતાની બેવફાઈ સ્વીકારતો નહી હોય, કેમ કે એમ કરતાં એનો ઈગો અને ડર બંને એને નડે.’ પતિદેવે વ્યવહારુ વાત કરી.

‘દરેક લવ ટેસ્ટર પોતાના ક્લાયન્ટને તેના બેવફા પાર્ટનર સાથે થયેલી રોમેન્ટિક વાતચીતની ચેટ હિસ્ટ્રી મોકલી આપે છે, પછી તો પેલાને સ્વીકાર્યે જ છૂટકો.’ ‘પછી, તો પેલો પત્નીને ઘૂંટણીયે પડતો હશે, નાકલીટી તાણતો હશે, હાથ જોડીને માફી માંગતો હશે, ખરું ને ?’ ‘અહીં ભારતમાં  જો કદાચ આવું થાય તો પત્ની પોતાનો સંસાર બચાવવા, કે સમાજમાં આબરૂ બચાવવા બેવફા પતિને મન મારીને માફ પણ કરી દેતી હશે. પણ ચાઈનામાં તો મોટેભાગે એનો અંજામ બ્રેકઅપ મા જ આવે છે. લવ ટેસ્ટર  ચેન મેંગયુઆને પોતે જાતે એક વેબસાઇટ પર ‘બોયફ્રેન્ડ લોયલ્ટી ટેસ્ટ’ નામની  આ સર્વિસની મદદ લીધી હતી.’ ‘અચ્છા ? પછી એનો બોયફ્રેન્ડ એમાં પાસ થયો કે નહીં?’ ‘એ તો એણે નથી જણાવ્યું, પણ એ પછી જ એણે લવ ટેસ્ટરની જોબ માટે એપ્લાય કર્યું હતું’

‘એમાં જણાવ્યું છે ખરું કે - આ લવ ટેસ્ટીંગ ની વાત ફક્ત પુરુષોને જ લાગુ પડે છે, કે પછી સ્ત્રીઓને પણ લાગુ પડે છે?’  ‘આ છાપામાં તો જણાવ્યું છે ને કે – યુવકો પણ ગર્લફ્રેન્ડની વફાદારીની તપાસ કરાવે છે. જો કે યુવતીઓનો ટેસ્ટ મુશ્કેલ હોય છે, કેમ કે તેમને ફસાવવાનું સહેલું નથી.’ મેં જરા ગર્વથી કહ્યું. ‘આવું છાપામાં લખ્યું છે કે પછી તું પોતે તારા ખીસામાંથી ઉમેરીને કહે છે?’ પતિદેવ આંખો ઝીણી કરીને બોલ્યા. મેં એમની સામે છાપું ધરતા કહ્યું, ‘છાપામાં જ લખ્યું છે, પણ ધારો કે છાપામાં એવું ના લખ્યું હોત તો પણ,  હું પણ આવું જ કહેત.’

(મિત્રો, આપ સૌને ખુશહાલ દિવાળી અને સમૃધ્ધિમય નવા વર્ષની મારી શુભકામના)

No comments:

Post a Comment