Wednesday, 27 September 2017

તફાવત માત્ર એટલો જ.

તફાવત માત્ર એટલો જ.        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-તેં આજનું છાપું વાંચ્યું?
-હા, વાંચ્યું ને.
-એમાં એક ઘણા જ અગત્યના અને પ્રેરણાદાયક ન્યૂઝ છે, તે વાંચ્યા?
-હાસ્તો. જે ન્યૂઝ અગત્યના હોય, ઉપરાંત પ્રેરણાદાયક પણ હોય તે વાંચ્યા વગર હું રહું કે?
-અચ્છા? વેરીગુડ. કહે,  તેં કયા સમાચાર વાંચ્યા, અને એમાંથી તને શું પ્રેરણા મળી?
-જુઓ, આજના છાપામાં મેં વાંચ્યું કે સોનાના ભાવમાં નરમાઈ છે, દસ તોલાએ હજાર રુપિયાનો કડાકો. છેલ્લા છ મહિનામાં આ ભાવમાં ખાસ્સો છ હજારનો કડાકો બોલ્યો છે. એમાંથી મને પ્રેરણા મળી કે આપણે સોનું વસાવીએ. નરમ થયેલું સોનું વસાવવાનું મને બહુ ગમે.
-પણ મને નહીં ગમે.
-કેમ, હજી ગઈ કાલે જ તો તમે મને કહ્યું હતું કે- જે તને ગમે તે મને ગમે!અબી બોલા અબી ફોક?
-તારી વાત સાચી છે, પણ સોનું વસાવવા આપણી પાસે પૈસા ક્યાં છે?
-કેમ, આ મહિને વરસ ભરના દાળ-ચોખા અને તેલ ભરવાના થાત તો તમે પૈસાની સગવડ કરત કે નહીં?
-અરે, પણ  એટલા પૈસામાંથી વળી આવી આવીને કેટલું સોનું આવે?
-ભલેને એકાદ વીંટી, બુટ્ટી, પેંન્ડ્ન્ટ કે નાની ચેન આવે. હું તો એટલામાં પણ રાજી.તમે પેલી કહેવત નથી સાંભળી, ટીપે ટીપે સરોવર ભરાય?’ 
-સાંભળી છે ને. પણ પછી તેલનાં ટીપા માટે ટળવળવું પડશે એનું શું? આ મહિને નહીં તો આવતા મહિને  દાળ-ચોખા-તેલ ભરવાં પડશે કે નહીં?
-તમે જ તો કાયમ કહ્યા કરો છો કે, ‘The Past is History, The Future is Mistery and the Present is Gift.’ તો પછી એ ગીફ્ટ ને એંજોય કરીએ ને. કલ કી બાત કલ સોચેંગે.
-તને તો કંઇ કહેવા જેવું જ નથી.
-હું પણ તો એ જ કહું છું ને. કુછ ન કહો...કુછ ભી ન કહો...  બોલો, ચેન લેવા ક્યારે જવું છે?
-જ્યારે સોનું એક હજાર રુપિયે તોલો થશે ત્યારે.
-હે પતિદેવ! તમે કઈ સદીમાં જીવી રહ્યા છો?  આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂક્યાં છીએ. આજે સોનું એક હજાર રૂપિયે તોલો વિચારવું એ પણ એક સ્વપ્ન છે.
-તો પછી તું સ્વપ્નમાં જ સોનાની ચેન ખરીદી લેજે. તારી અવનવી કે નિતનવી માંગણીઓ સાંભળીને હું ઓફિસે ચાલ્યો જાઉં તે પહેલાં એક અગત્યની વાત સાંભળી લે. આજના છાપામાં ત્રીજા પાને એક મહાન પણ સાદગીપૂર્ણ વ્યક્તિના જીવન વિશે સમાચાર છપાયાં છે તે વાંચજે.
-હવે આટલું સંભળાવ્યું છે, તો એ સમાચાર પણ તમારા સ્વમુખે સંભળાવતાં જાવ, સ્વામીનાથ!
-તેં ઈન્ફોસીસ ટેકનોલોજિસ નું નામ તો સાંભળ્યું જ હશે.
-હા, છાપામાં અનેકવાર વાંચ્યું છે.
-એમ? શું વાંચ્યું છે છાપામાં?
-એ જ કે મંદીના ટ્રેન્ડમાંપણ નફો કરતી કંપનીઓમાં એનુ સ્થાન મોખરાનું છે. એના શેરના ભાવ ઘણાં ઉંચા છે. એ પણ લખ્યા હતાં, પણ મને એ યાદ નથી.
- યાદ રાખવા જેવું ભૂલી જાય છે. અને ન યાદ રાખવા જેવું યાદ રાખે છે.
-આપણી પાસે એના શેર પડ્યાં છે?
-ના.
-તો પછી એના શેરના ભાવ દસ હજાર હોય કે દસ લાખ, આપણને શું ફરક પડે છે? તમે શેરબજારના સારા એવા મોટા બ્રોકર છો પણ આવી સારી કંપનીના શેર રાખતા નથી અને પસ્તીના ભાવે પણ કોઈ લેવા તૈયાર ન થાય એવી એવી કંપનીઓ ના શેર લઈને રાખી મૂકો છો. તમારી જગ્યાએ જો  હું હોત ને તો મસ્ત મસ્ત કંપનીના સારી એવી સંખ્યામાં  શેરો લઈ રાખ્યા હોત.
-અચ્છા?  તો હવે પછી હું તને પૂછી પૂછીને જ શેરોની લે-વેચ કરીશ, બસ? એમ કરને, મારે બદલે તું જ ઓફિસ જવાનું રાખ.
-તમને તો ખોટું લાગી ગયું. પણ મને જો એમાં સમજ પડતી હોત તો આ....કઈ કંપની?  હા, ઈન્ફોસીસના શેરો જ ન લઈ રાખ્યા હોત? જે વેચીને આજે સોનું તો ખરીદી શકાત.
-સોનું, સોનું, સોનું.... તને સોના સિવાય કંઈ દેખાતું નથી?
-દેખાય છે ને. પ્લેટિનમ અને ડાયમંડ.
-અરે, અસલી હીરા જેવા સાદગીપૂર્ણ માણસ છે આ ઈન્ફોસીસના સ્થાપક શ્રી નારાયણમૂર્તિ. એમની અંગત મિલકત હાલ ૧.૮૭ બિલીયન ડોલર્સ (કેટલા રૂપીયા થાય તે પછી તને ગણીને કહું છું.)  ગણાય છે. બેંગલોરમાં  નાનકડા મકાનમાં રહે છે, જાતે કાર ડ્રાઈવ કરીને ઓફિસે જાય છે અને દિવસના તેર તેર કલાક કામ કરે છે.
-અરરરર! બહુ કહેવાય. ભગવાન તું આવી દશા કોઈ પણ  પૈસાદાર માણસની કરતો નહીં.
-ભગવાનનો વાંક ન કાઢ. સ્ટાર ઓફ એશિયા  નું બિરુદ મેળવનાર આ વ્યક્તિએ જાતે જ આવી સાદગીભર્યું જીવન પસંદ કર્યું છે.
-એમ? પણ એમની પત્નીને તો જલસા જ ને? જ્યારે સોનું ખરીદવું હોય ત્યારે ખરીદી શકે ને? અરે, સોનું જ શા માટે? કપડાં, ચપ્પલ, પર્સ, પર્ફ્યુમ જે કંઇ ખરીદવું હોય ખરીદી શકે. શેર વેચ્યા કે પૈસા હાજર.
-એમ ખુશ ન થઈ જા. તેઓ ધારે ત્યારે એમ કંઇ કંપનીના શેર વેચી ન શકે.
-અરે, એ તે કેવું? પોતાની કંપની અને પોતાની માલિકીના શેર વેચવા એમણે તે વળી કોની પરમિશન લેવા જવાનું?
-એ વાત તને કહું છું. પહેલાં એક કપ સરસ મસાલાવાળી ચા પાઇ દે.
-લો આ તમારી ગરમાગરમ મસાલાવાળી ચા. હવે અધૂરી વાત પૂરી કરો. મી. મૂર્તિ ધારે તો પણ પોતાના શેર વેચી કેમ ન શકે?
-કેમ કે બજારમાં ખબર પડે કે મી.મૂર્તિ શેર વેચી રહ્યા છે, તો એના ભાવ ગગડી જાય.
-ઘણું વિચિત્ર છે, આ તમારું શેરબજાર.
-જેવું છે એવું છે, એની વાત છોડ.
-ભલે. પણ  મી. મૂર્તિની વાત તો કહો.
-એ તો બહુ સાદા માણસ છે. ઘરનું કામ પણ તેઓ જાતે જ કરે છે.
-કેમ? એમના પત્નીની કચકચથી કોઈ નોકર-ચાકર ઘરમાં ટકતાં નથી?
-એવું નથી.એમના પત્ની સુધાજી પણ  સાદગીપૂર્ણ અને સ્વાવલંબી છે. પોતાનું કામ પોતે કરવામાં માને છે.
-ઓહ, અને મને તો કામવાળીબાઈ  પંદર દિવસ માટે ગામડે  જાય તો પણ અઘરું પડી જાય છે.
-મી. મૂર્તિ પોતાના સંતાનોને સાદગી અને શિસ્ત શીખવવા આ કામો જાતે કરે છે.
-તો તમે પણ એમની પાસેથી પ્રેરણા લઈ હવેથી ઘરના કામમા મદદ કરવાનું રાખો.
-આપણાં સંતાનો તો હવે મોટાં થઈ ગયાં.
-બાય ધ વે, સુધાબેન શું ભણ્યા છે? અને હવે શું કરે છે?
-સુધાબેન એમ.ટેક. ની એક્ઝામમાં ફર્સ્ટ આવ્યા હતા અને ગોલ્ડમેડલ મેળવ્યો હતો.
-અને મી.મૂર્તિ?
-શ્રીમાન મૂર્તિ દસમાં નંબરે આવ્યા હતાં.
-હું નહોતી કહેતી કે હવે સ્ત્રીઓ પુરૂષોને પાછળ પાડતી થઈ ગઈ છે.
-હા, એ વાત તારી સાચી. મી.મૂર્તિ સુધાબેનની પાછળ જ પડેલા,એમનો હાથ માંગવા, લગ્ન કરવા માટે.  હું પણ એમની જેમ જ માનું છું કે, “Every man needs a woman to motivate him and to give him a reason to Live.”   
-પછી? સુધાબેને એમને લગ્ન માટે હા પાડી?
-હાસ્તો. It’s a Power of Love. મી. મૂર્તિના સાદગી, નિખાલસતા અને પ્રામાણિકતા સુધાબેનને ખુબ પસંદ આવ્યા. એમણે લગ્ન માટે હા પાડી. એટલું જ નહીં પતિને બીઝનેસમાં આગળ આવવાની પ્રેરણા આપી, સાથ અને સહકાર આપ્યો.
-ખરેખર સુધાબેન એક આદર્શ પત્ની કહેવાય, મને એમના માટે ખુબ માન છે.
-સાંભળ તો ખરી. જ્યારે એમની કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પતિ અથવા પત્ની, બે માંથી એકે જ રહેવું એવું સૂચન મળ્યું ત્યારે સુધાબહેને સ્વેચ્છાએ એ પદ જતું કર્યું.
-એમ તો હું પણ તમે જમવા આવો છો ત્યારે તમારી ડાઈનીંગ ચેરવાળી જગ્યા સ્વેચ્છાએ  ખાલી નથી કરી આપતી?
-હા ભાઇ હા. યૂ આર ગ્રેટ. સુધાબેને સ્વેચ્છાએ ઘર સંભાળ્યું છે
, ટેલિફોન રીસીવ કરે છે, કોમ્પ્યૂટરના પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે, કોમ્પ્યૂટરના પ્રોગ્રામ્સ બનાવી આપે છે.
-પ્રોગ્રામ્સ તો હું પણ કેટ્કેટલાં બનાવું છું, પણ....જવા દો. હું પણ તમે નહાવા જાઓ છો ત્યારે તમારા ફોન રીસીવ કરું છું. અને જો તમે મને જણાવો તો તમારાં પ્રોબ્લેમ તો હું પણ સોલ્વ કરી આપું.
-રહેવા દે, તું જેટલું કરે છે, એટલું પણ મારા માટે તો ઘણું છે. અને હા, સુધાબેન પુસ્તકો પણ લખે છે, અને તે ઘણી બધી ભાષામાં પ્રકાશિત પણ થયાં છે.
-એમ તો મારાં પણ હાસ્યલેખોનાં ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે, એમાંથી બે ને ઈનામ પણ મળ્યાં છે અને પાંચમાં પુસ્તક માટે હું તૈયારી પણ કરી રહી છું. હા, તફાવત એટલો છે કે મારાં પુસ્તકો માત્ર ગુજરાતીમાં જ પ્રકાશિત થયાં  છે.
-હા. એ રીતે તું ક્રીએટીવ છે ખરી.ગપ્પાં મારવાં કરતાં એ પ્રવૃત્તિ સારી છે.આઇ લાઇક ઇટ.
-થેંક્યુ. સુધાબેન બીજુ શું શું કરે છે?
-સુધાબેને બેંગલોરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટેનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. એ માટે એમને મહિનામાં લગભગ વીસેક દિવસ પ્રવાસ ખેડવો પડતો હતો.
-બાપરે! મને તો ટ્રાવેલિંગનો બહુ જકંટાળો છે.
-સુધાબેનને તો કદાપિ હતાશા થઈ નથી કે તેઓ કદાપિ નિરુત્સાહી થયા નથી કે એમને કદી કંટાળો આવતો નથી.
-માણસ હોય એને કદી કંટાળો ન આવે, હતાશા-નિરાશા ન થાય એ વાત આમ તો માનવામાં આવે એવી નથી. છતાં તમે કહો છો તો હું માની લઊં છું. પણ તેઓ કોઇવાર ફિલમ બિલમ જોવા જાય કે નહીં?
-હા. મૂડ આવે ત્યારે તેઓ કોઈ સારું પિક્ચર જોઈ નાંખે છે.
-લ્યો, આ વાત તમે બહુ સારી કરી. મારો પણ મૂડ આજે ફિલ્મ જોવા જવાનો છે. જઈશું ને?
-આજે તો મારે એક અગત્યની મીટીંગમાં જવાનું છે. સાંભળ. તેઓ ચાલે ત્યાં સુધી જુની કાર જ વાપરે છે. અને તને દર વખતે નવી કાર લેવાનું મન થાય છે.
-એ તો આપણી કાર જુની થઈ ગઈ છે, ખખડી ગઈ છે, એટલે.
-તો પણ હજી બીજા બે-એક વર્ષ તો નીકળી જશે. હા, હું કહેતો હતો કે મી. મૂર્તિ તો હવે ઈન્ફોસીસમાંથી નિવૃત્ત થઈ ગયા છે.પણ  મૂર્તિ પરિવારની હોબી વાંચન છે.
-એ તો આપણા પરિવારની હોબી પણ વાંચન છે. એમના વિશે આ બધું સાંભળીને મને તો લાગે છે કે  મી.મૂર્તિ  અને આપણી  લાઈફ સ્ટાઈલમાં ઝાઝો તફાવત નથી.
-અચ્છા, અને એમની સંપત્તિ જે ૧.૮૭  બિલીયન ડોલર્સ છે, તે...
 -હા, માત્ર એ એક તફાવત છે, કે એમની પાસે ૧.૮૭ બિલીયન ડોલર્સ ની સંપત્તિ છે જે આપણી પાસે નથી. બાકી તો બધું સરખે સરખું જ લાગે છે.
-એમ ને? તો હવે?
-તો હવે શું. તમે આજે જતાં જતાં દાળ-ચોખા-તેલનો ઓર્ડર આપી દેજો.
-અને સોનું ખરીદવાનો વિચાર?
-પડતો મૂક્યો.
-થેંક્યુ. તો હવે હું જાઉં ઓફિસે?
-હા, ખુશીથી અને નચિંત મને  જાઓ. હું પણ હવે ઘરકામમાં લાગું. 

આજની જોક:
એક શિક્ષક: જો મને તાતા-અંબાણીનો બિઝનેસ મળી જાય તો હું એમના કરતાં વધારે રુપિયા કમાઉં.
બીજા શિક્ષક: એ કઈ રીતે?
પહેલા શિક્ષક: હું બિઝનેસ ઉપરાંત ટ્યુશન પણ કરું ને.



2 comments:

  1. આ લેખની ખાસિયત એ છે કે પતિપત્નીની વાતચિતમાં કટાક્ષ ભાગ્યે જ છે છતાં "નોંકજોંક" તો છે જ.બેન ગમે ત્યાંથી એમનો સોનું ખરીદવાનો કક્કો ખરો કરી લે છે.મૂર્તિ પરિવાર સાથેની સરખામણી અદ્ભૂત કરી છે.

    ReplyDelete
  2. આ લેખની ખાસિયત એ છે કે પતિપત્નીની વાતચિતમાં કટાક્ષ ભાગ્યે જ છે છતાં "નોંકજોંક" તો છે જ.બેન ગમે ત્યાંથી એમનો સોનું ખરીદવાનો કક્કો ખરો કરી લે છે.મૂર્તિ પરિવાર સાથેની સરખામણી અદ્ભૂત કરી છે.

    ReplyDelete