Wednesday, 13 September 2017

કેટલીક ડોકટરી જાહેરખબરો.

કેટલીક ડોકટરી જાહેરખબરો.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.    
 
ડોક્ટર: તમારા બંને  પગે સોજા છે, પણ એમાં મને કંઈ ચિંતા કરવા જેવું લાગતું નથી.
દર્દી: ડોક્ટર સાહેબ, તમારા પગે સોજા હોય તો મને પણ ચિંતા કરવા જેવું કંઈ લાગે નહિ.  
થોડા સમય પહેલાં જ અમદાવાદ શહેરના નામાંકિત ડોક્ટરોની એક મીટીંગ શહેરના અગ્રગણ્ય અને નામચીન ગણાતા ડોક્ટર શ્રી ધ.બા.કો. એટલે કે ધનવંતરાય બાલુપ્રસાદ કોબાવાલાના કલીનીક પર યોજાઈ ગઈ. પેશન્ટની બીમારીની સાથે સાથે તેઓ પોતાની ગરીબી દૂર કરવામાં ઘણા પાવરધા હતા, તેથી પોતાની ભવ્ય હોસ્પિટલમા એક અતિ ભવ્ય કોન્ફરન્સ રૂમ બનાવ્યો હતો, પણ મીટીંગ તો લગભગ ઘરના સેમીનાર હોલમાં જ યોજાતી.
એમના ૬ બેડરૂમવાળા નાનકડા કોટેજમાં ત્રણ ઈમ્પોર્ટેડ કાર હતી.   કોટેજમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી તમામ સગવડો હતી. ધનવાનોની ઓલાદ હંમેશા સર્વગુણ સંપન્ન જ હોય છે, એટલે એમના સંતાનો વિષે કંઈ કહેવા જેવું નથી. એમણે ઉંચી ઓલાદના બે ઘોડા અને બે આલ્શેશિયન કૂતરા પણ રાખ્યા હતા, ‘ઊંચે લોગ ઊંચી પસંદ’  
ડોક્ટર હતા ખુબ રંગીન અને શોખીન મિજાજના, જેના ઘરે જાય ત્યાં એમને કોઈ ચીજ ગમી જાય તો એના પર હાથ મૂકીને બોલે, ‘વેરી ગુડ, એક્સેલન્ટ, બ્યુટીફૂલ.’ બીજે દિવસે એ ચીજ ડોક્ટરસાહેબના કોટેજમાં હોય જ. (મિત્રો ખાસ કાળજી લેતા કે ડોક્ટર સાહેબ પોતાની બીબી પર હાથ મૂકીને આવું કશું ન બોલે.)
ડોક્ટરાણી ભલા, ભોળા અને નિસ્પૃહી (?) જીવ હતા. પતિદેવ પૈસા આપે એટલે શોફર ડ્રીવન કાર લઈને શોપિંગ કરવા નીકળી પડતા. ફેશનેબલ કપડા, જ્વેલરી, ચપ્પલ-સેન્ડલ, કોસ્મેટીક્સ, હોમ ડેકોરેશનની ચીજો, બધામાં એમને રસ. દામ્પત્યજીવન સુખેથી ચાલતું. (જો એને દામ્પત્ય જીવન કહેવાય તો)
આજે પણ  ડોક્ટરાણી નોકરોની અને રસોઇયાઓની મદદથી મીટીંગની બધી વ્યવસ્થા ગોઠવીને ‘બ્યુટી પાર્લર’મા યંગ દેખાવા માટેની ટ્રીટમેન્ટ લેવા ચાલી ગયા. ડોક્ટર ધ.બા.કો.ના ઘરે મીટીંગ હોય એટલે આમંત્રણ મળ્યું હોય એ દરેક ડોક્ટર હાજર રહે જ.
ઓરીજીનલ વ્હીસ્કી, રમ, વાઈન ની સાથે ‘ચખના’ મા કદી જોઈ – સાંભળી કે ચાખી ન હોય એવી એવી વાનગીઓ ખાવા મળતી. આજની મીટીંગ ડોકટરી વ્યવસાય અંગેની જાહેર ખબરો માટે મળી હતી. બધા એકમત હતા કે મંદ પડતા જતા ડોકટરી વ્યવસાયને ટીવી, ન્યૂસપેપર, મેગેઝીન્સ, સિનેમાહોલ વગેરે જગ્યાએ જાહેરાત આપીને તેજ કરવો જોઈએ.
ડોક્ટર ધ.બા.કો. એ એમના પગારદાર માણસે લખી આપેલું પ્રવચન ડચકા ખાતા ખાતા વાંચી સંભળાવ્યું, બોર થયા હોવા છતાં બધાએ જ એને તાળીઓથી વધાવી લીધું. પછી જાહેરખબરોના સ્લોગનોનું કાગળિયું ત્યાં હાજર સૌને વહેચ્યું, જે વાચકોના જ્ઞાનની અભિવૃદ્ધિ ખાતર અહીં પ્રગટ કરું છું.  
જાહેરખબર નં. ૧ : તમને જમ્યા પછી સુસ્તી લાગે છે ? ચાલ્યા પછી પગ દુખે છે ?  મુવી જોયા બાદ માથું દુખે છે ? તો આજે જ અમારે ત્યાં આવો, અમે તમારા તમામ દુખો દૂર કરીશું.
-પરદુઃખભંજક ડોક્ટર દુખદુરાવકર.        
જાહેરખબર નં. ૨ : આજે જ અત્યારે જ આવો... વહેલો તે પહેલો... પહેલા દસ દર્દીઓને દવામાં વીસ ટકા ડિસ્કાઉન્ટ... બાકીનાનો રીજનેબલ ભાવે ઇલાજ કરી આપવામાં આવશે.
-ડોક્ટર રામબાણલાલ.    
જાહેરખબર નં. ૩ : આવો, અમારા દવાખાનાના કાયમી ગ્રાહકો બનો અને  ઇનામી કૂપન દ્વારા લકી ડ્રોમા લાખોના ઇનામો જીતો. બાકીનાને પણ આખા અઠવાડિયાની દવા ફ્રીમાં આપવામાં આવશે.
-ડોક્ટર ધંધાધાપાવાળા સ્વામી.
જાહેરખબર નં. ૪ : અમારા દવાખાનામાં લાઈફ મેમ્બરશીપ મેળવનાર વ્યક્તિના કુટુંબના અન્ય મેમ્બરની ટ્રીટમેન્ટ રીજનેબલ ભાવે કરવામાં આવશે. કુટુંબના સૌથી વડીલ મેમ્બરની દવા એ જીવે ત્યાં સુધી મફત આપવામાં આવશે. આ અદ્ભુત યોજનાનો લાભ જરૂરથી લો.
-ડોક્ટર કાતિલ મજબુર.
જાહેરખબર નં. ૫ : ‘દર્દે ડીલ ભગાવ યોજન’ ૫ મી ડીસેમ્બર સુધી આ યોજનાનો લાભ લેનારને આકર્ષક વળતર. ઓપરેશનમાં ૫ % અને દવામાં ૭ % ડિસ્કાઉન્ટ, ( ૧૫ મી થી ૨૦ ડીસેમ્બર દીકરીના લગ્ન હોવાથી દવાખાનું બંધ રહેશે.)
તા.ક. પેશન્ટોના અપૂર્વ ધસારાને ધ્યાનમાં રાખીને યોજના ૧૦મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. 
--ડોક્ટર દર્દેજીગર ભગાવકર.     
જાહેરખબર નં. ૬ : દર્દીઓ માટે ખુશખબર ! એમના હરએક દર્દની દવા અમારી પાસે ઉપલબ્ધ છે. એકવાર અમારા દવાખાનાની મુલાકાત લેશો પછી બીજે ક્યાંય (ઉપર સિવાય) જવાનું નામ નહીં લેશો. તમારી સાથે તમારા મિત્રને, પત્નીને, બાળકોને, સગાઓને લાવો. જેટલા વધુ પેશન્ટ લાવશો એટલું વધુ ડિસ્કાઉન્ટ મેળવશો. દોડો દોડો..જલ્દી કરો.
-ડોક્ટર તકલાદી સાધુ.
જાહેરખબર નં. ૭ : અમારે ત્યાં એક આંખના મોતિયાનું ઓપરેશન કરાવનારને બીજી આંખનું ઓપરેશન  ૫૦ % ડિસ્કાઉન્ટ થી કરી આપવામાં આવશે. ચશ્માની ત્રણ જોડ લેનારને એક જોડ ફ્રી આપવામાં આવશે. આ આકર્ષક યોજના માત્ર એક મહિના માટે જ છે, માટે જલ્દી આવો અને લાભ લો.
-ડોક્ટર સુનયનદીપ મોતીયાવાલા.       
અને છેલ્લે :
ડોક્ટર: બેટા, તું મારું  હાર્ટનું ઓપરેશન કરવા જઈ રહ્યો છે, ત્યારે મારે તને એક જ વાત કહેવાની છે, ( જે તારે યાદ રાખવાની છે) તે એ છે કે - જો આ ઓપરેશન ફેલ ગયું તો મારી પત્ની, એટલે કે તારી મા, (તારી પત્નીની સાસુ) કાયમ માટે તારા ઘરે રહેવા આવી જશે.


3 comments:

  1. That is True & 'Real Humor', indeed.As always: Lovely Writing.]
    In 1959 - I got suddenly sick with Fever & saw an M.D. in Navrangpura,Ahm. I said to Him as He wrote a prescription of a course of Antibiotic..That it was expensive [ & requested a cheaper alternative- Me, being a student.Doc got suddenly angry out of proportion - & told Me 'off' - Saying....Gam ma bija panchso Gadhedao che - Tame mari pase j kem Aiewa cho!? & [The Office was full of patients at That Time]!

    ReplyDelete
  2. કટાક્ષથી ભરપૂર લેખ થયો છે. સાંપ્રત સ્થિતિનો આબેહૂબ ચિતાર આપે છે. ડૉકટરોના નામો પણ સરસ પાડયાં છે. તેઓની લોકો પાસેથી પૈસા લેવા કેવી "વ્યપારી"યુક્તિઓ ઉપયોગમા લેવાય છે તે તમે બહૂ સહજતાથી આપ્યું છે. આખા લેખ દરમ્યાન મોં પર મંદ મંદ સ્મિત ફરકાવે તેવો સુંદર લેખ. અભિનંદન.

    ReplyDelete
  3. કટાક્ષથી ભરપૂર લેખ થયો છે. સાંપ્રત સ્થિતિનો આબેહૂબ ચિતાર આપે છે. ડૉકટરોના નામો પણ સરસ પાડયાં છે. તેઓની લોકો પાસેથી પૈસા લેવા કેવી "વ્યપારી"યુક્તિઓ ઉપયોગમા લેવાય છે તે તમે બહૂ સહજતાથી આપ્યું છે. આખા લેખ દરમ્યાન મોં પર મંદ મંદ સ્મિત ફરકાવે તેવો સુંદર લેખ. અભિનંદન.

    ReplyDelete