કાશ ! આપણી સરકાર પાસે એકાદ ડાહ્યો માણસ હોત ! પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-પલ્લવીબેન, તમે કંઈ સાંભળ્યું ?
-શું, ગીરાબેન ?
-આપણા પાડોશી
અવનીબેન મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યાં એમનું સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર ચોરાઈ
ગયું?
-કેવી રીતે ?
-અવનીબેન હજી
તો દર્શન કરીને મંદિરમાંથી બહાર જ નીકળ્યા
હતા, અને ગલીમાંથી બે છોકરાઓ સ્કુટર પર આવ્યા, અવનીબેન કંઈ સમજે તે પહેલા સ્કુટરની પાછળ
બેઠેલા છોકરાએ એમના ગળામાંથી મંગળસૂત્ર આંચકી લીધું અને બંને છોકરા સ્કુટર પર ભાગી
ગયા.
-ઓહ ! બહુ ખોટું
થયું.
-હા, હજી ગયા મહીને
જ એમના હસબંડ જૈમિનભાઈ મોર્નિંગ વોક લઈને આવતા હતા, કોઈનો ફોન આવતા એ મોબાઈલ પર
વાત કરી રહ્યા હતા, ત્યારે ગાર્ડનની બહાર આવી રીતે જ સ્કુટર પર ડબલ સવારી આવી
રહેલા છોકરાઓ એમનો એપલનો મોંઘો ફોન આંચકી ગયા હતા.
-એનો અર્થ તો એ થયો
કે આપણે ચાલતા જતા હોઈએ ત્યારે સ્કુટર પર
ડબલ સવારીમા આવતા છોકરાઓથી ચેતતા રહેવું.
-કહેવાય છે ને કે -
‘સાચવનારની બે અને ચોરનારની ચાર.’ આપણે સાચવી સાચવીને કેટલું સાચવીએ?
એના કરતાં સરકારે જ
કાયદો કરીને સ્કૂટરની ડબલ સવારી પર પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ, શું કહો છો તમે આ
બાબતમાં ?
ગીરાબેનની આ વાત
સાંભળીને મને વર્ષો પહેલાની એક સવાર યાદ આવી ગઈ.
-હે ભગવાન !
-કેમ શું થયું? આજે
કંઈ ઊઠતાંની સાથે ભગવાનને યાદ કર્યા?
-જો ને આ આપણી
સરકાર, ભલભલા ચમરબંધીઓને ભગવાન યાદ કરાવી દે.
-અચ્છા ! જાણું તો
ખરી કે સરકાર તમને ક્યાં નડી ?
-છાપું વાંચ્યું તે
આજનું ?
-ના, મેં તો એમ ને
એમ જ ભગવાનને યાદ કરી લીધા છે. બોલો, ભગવાનને યાદ કરવા પડે એવા શું સમાચાર છે ?
-સમાચાર છે,
‘દ્વિચક્રી વાહનો પર ડબલ સવારીનો પ્રતિબંધ’
-પણ પ્રતિબંધ
લગાડવાનું કંઈ કારણ ?
-આ તોફાનોના સમયમાં
અસામાજિક તત્વો સ્કુટર પર ડબલ સવારીમાં આવે છે અને લોકોને ખંજર હુલાવીને પલાયન થઇ
જાય છે.
-પણ આ તો ‘પાપડી
ભેગી ઈયળ બફાય’ એવી વાત થઇ ને ? એ લોકોને લીધે જનતાએ તકલીફ ભોગવવાની ?
-તને પેલા ધૂની
રાજાની વાર્તા તો ખબર છે ને ? એક દિવસ એણે
શું ધૂન ચઢી તે મહેલમાંથી પાલખી કે રથમાં જવાને બદલે ચાલતો નીકળી પડ્યો. પગે ધૂળ
લાગી અને માથે તડકો, તેથી તપી જઈને એણે હુકમ કર્યો, ‘આખી પૃથ્વીને ચામડે મઢી દો
અને આખા આકાશને મંડપથી ઢાંકી દો.’ એ તો એનો વજીર ડાહ્યો હતો તે રાજાને આવું
અવિચારી પગલું ભરતા અટકાવ્યો અને એના માટે પગના જોડા અને શિરછત્ર બનાવી એનો
પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો.
-કાશ ! આપણી સરકાર
પાસે એકાદ આવો ડાહ્યો માણસ હોત !
-રાજકારણમા તો
ભલભલા ડાહ્યા માણસો ગાંડા બની જાય. રશિયાની એક જોક છે: ત્યાંથી કટ્ટર સામ્યવાદી
(ભગવાનમાં ન માનનારા) લોકોનું એક જૂથ એક મહિના માટે ભારતમાં રાજકારણના અભ્યાસ માટે
આવ્યું. એ લોકો રશિયા પાછા ગયા ત્યારે પાક્કા આસ્તિક થઇ ગયેલા. એમને રશિયામાં
પૂછવામાં આવ્યું કે એવો તે શું ચમત્કાર થયો કે તમે ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા થઇ ગયા ?
જૂથના લીડરે કહ્યું, ‘ભારતનું રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે, તે જોઇને લાગે છે
કે ઈશ્વરનું અસ્તિત્વ છે જ, એ સિવાય આટલો મોટો દેશ ટકી રહે શી રીતે ?’
-તમારી વાત સાચી
છે, પણ મને તો સ્કુટર પર ડબલ સવારી પ્રતિબંધથી ફાયદો થઇ ગયો.
-એ શી રીતે ?
-ઓફિસે જતી વખતે
મારી બહેનના નણંદ નીલાબેનને મારે રોજ સ્કુટર પર લઇ જવા પડે છે, સાથે એમનો બાબો
હોય, રસ્તામાં એને સ્કુલે ઉતારવાનો, રડતો હોય તો એને મનાવવાનો, પછી એમને એમની
ઓફિસે ઉતારવાના, એમાં મને ઘણીવાર ઓફિસે જતા મોડું થઇ જતું હતું, ડબલ સવારી
પ્રતિબંધથી હવે એ ઝંઝટ મટી.
-બહુ ખુશ ન થઇ જા,
મહિલા અને બાળકો માટે પ્રતિબંધ નથી.
-ઓહ ! તો પછી આવા
કાયદાનો શું ફાયદો. ‘ કાશ ! આપણી સરકાર પાસે એકાદ ડાહ્યો માણસ હોત !’
-મારે તો ગેરફાયદો
જ છે. હવે હું અનંતભાઈ સાથે સ્કુટર પર ઓફીસ નહિ જઈ શકું. મારું પોતાનું સ્કુટર લઇ જાઉં તોપણ ઘણીવાર પાર્કિંગ નથી મળતું,
અને રસ્તા પર પાર્ક કરતા ટોઈંગ થઇ જવાનો ડર રહે છે. તું જ કહે, એક બાજુ સરકાર કહે
છે પેટ્રોલ બચાવો અને બીજી બાજુ આવા ફતવા બહાર પાડે તો પેટ્રોલ બચે કેવી રીતે?
-એક ઉપાય છે, કાલથી
તમે ચાલતા ઓફિસે જાવ.
-તારે મને સીધો
હોસ્પિટલ ભેગો જ કરવો છે એમ કહેને.
-ચાલવાથી કોઈ સાજો
માણસ માંદો થઇ ગયો હોય એમ સાંભળ્યું નથી.
-કેમ, તારા સગ્ગા
કાકા જ તો ચાલવા ગયા પછી દોઢ મહિનો
ખાટલામાં રહ્યા હતા.
-એ તો પગ નીચે
કેળાની છાલ આવી ગયેલી એટલે. માણસે હંમેશા નીચું જોઇને ચાલવું જોઈએ.
-નીચું જોઇને ચાલવા
જતા તારી બહેન ભેંસ સાથે અથડાઈ નહોતી પડી ?
-હા, એ તો સારું
થયું કે ભેંસે એને શીંગડું ન માર્યું.
-બહેન કમ બહેનપણીને
ભેંસ પણ ઓળખે તો ખરી ને ?
-એટલે, મારી બહેન
ભેંસ જેવી છે ?
-આમાં ‘જેવી’ શબ્દ
વાપરવાની ક્યા જરૂર છે ? તું વાતચીતમાં નકામા શબ્દ પ્રયોગ બહુ કરે છે.
-મને ખબર છે, મારા
પિયરીયા તમને દીઠા ગમતા નથી.
-કાશ ! આ વાતની ખબર
તારા પિયરીયાને હોત ! પણ જવા દે એ વાત, અત્યારે આપણે ડબલ સવારી પ્રતિબંધ ની ચર્ચા
કરી રહ્યા છીએ.
-ચાલવાના ઘણા ફાયદા
છે. ચરબી ઘટે છે, ડાયાબીટીશ ઘટે છે, બ્લડપ્રેશર નોર્મલ રહે છે, શરીર નીરોગી બને
છે, પૈસા બચે છે.
-એ બધા ફાયદા હું
તારા માટે અનામત રાખવા માંગુ છું, પણ હવે મારે ઓફિસે જવાનું શું ?
-એક ઉપાય છે, તમે
અનંતભાઈની સાથે સ્કુટર પર પાછલી સીટ પર સાડી પહેરીને ઘૂંઘટ ઓઢીને અથવા બુરખો
પહેરીને બેસો તો કેમ રહે ?
-મને લાગે છે કે
આપણે ‘પૂરી એક અંધેરી ને ગંડુ રાજા’ ના
જેવા વિચારો છોડીને એ કામ સરકાર પર છોડી દેવું જોઈએ.
-સાચી વાત છે, ટીવી
પર એકાદ હિન્દી સીરીયલ કે ગુજરાતી મુવી
જોઈ નાખીને મગજને રીલેકસ કરીએ, અને પછી સુઈ જઈએ.
No comments:
Post a Comment