Wednesday, 19 July 2017

ચૂકશો તો પસ્તાશો.

ચૂકશો તો પસ્તાશો.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-રોનકભાઈ, તમારે ત્યાંથી લાવેલી કુર્તી તો પહેલીવાર પહેરતામાં જ ફાટીને લીરા લીરા થઇ ગઈ.
મેં જ્યાંથી કુર્તી લીધી હતી એ ‘રીવાજ’ સ્ટોર ના માલિક રોનકભાઈને ફરિયાદ કરતા કહ્યું.
રોનકભાઈ: હા, તો ? તમે કુર્તી જોઇ તપાસીને જ લીધી હતી ને ? એમણે ઠંડા અવાજે કહ્યું.
-જોઇને તો લીધી હતી, પણ મને શું ખબર કે એનું કપડું કોહવાયેલું છે, અને એ પહેલીવારમાં જ ફાટી જશે, એટલીસ્ટ ચાર પાંચ વાર પહેરાય અને પછી કંઈ થાય તો ય સમજ્યા, પણ આ તો પહેલી જ વારમાં કપડું ફાટી જાય, એ તે કેવી વાત કહેવાય ? તમારે ત્યાંથી લીધેલા માલની કંઇક તો ગેરન્ટી હોવી જોઈએ ને ?
 -તમે અમારું બિલ જુવો, એના પર ચોખ્ખું લખ્યું છે કે –‘વેચેલા માલની કોઈ ગેરન્ટી નથી’
રોનકભાઈએ પોતાના હાથ અધ્ધર કરી દેતા કહ્યું. મેં બે ચાર ઉગ્ર દલીલો કરી જોઈ, પણ ‘પથ્થર પર પાણી’ ની જેમ એમને કોઈ  અસર ન થઇ, એથી મેં બે ચાર મનોમન (??) ચોપડાવીને મન વાળ્યું.
આમાં વાંક કોનો ? આમાં વાંક હોય તો આપણા માનવ સહજ સ્વભાવનો છે. અહીં મને એક પંક્તિ યાદ આવે છે:
‘ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો એ સિતારા નહોતા ઉગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.’
એનો અર્થ એ કે, એક તો જાહેરાત પણ ઓછી આકર્ષક નહોતી, અને અમે પણ અમારી વિવેકબુદ્ધિ ગુમાવી દીધી હતી, જાહેરાત જોઇને લેવા દોડી ગયા અને પરિણામે છેતરાયા, પસ્તાયા.
જાહેરાતો વાંચીને – સાંભળીને આપણે ખરીદી કરવા દોડીએ છીએ, અને ઘણીવાર પસ્તાઈએ છીએ. જાહેરાત કરનાર વ્યક્તિએ તો એની પ્રોડકટનું માર્કેટિંગ કરવું જ પડે, નહીતર એનો માલ ખરીદે કોણ ? આજકાલ જમાનો પણ માર્કેટિંગનો જ છે, ‘બોલે એના બોર વેચાય’ જેવું.
એવું કહેવાય છે કે - ‘જો તમે નહીં જોઈતી વસ્તુઓને ઘરમાં આવતી રોકશો નહિ, તો તમારે જોઈતી વસ્તુઓ ઘરમાંથી કાઢવી પડશે.’  પણ હાય રે આપણો સ્વભાવ ! ‘રોકા કઈ બાર મૈને દિલ કી ઉમંગકો, ક્યા કરું મૈ અપની નીગાહોકી પસંદ કો..’
કોઈ યુવાન અને સુંદર સ્ત્રી, બની ઠનીને રસ્તે જતી હોય અને યુવાનો એના પર નજર સુધ્ધાં ન માંડે, કે કોક રસિક યુવાન સીટી પણ ન મારે, તો એ યુવતીને પોતાના રૂપનું, પોતાની યુવાનીનું અપમાન થયેલું લાગે છે. જો કે યુવાનો એવું કરે જ નહીં (આ બાબતે ૬૦ – ૭૦ વર્ષ સુધીના પુરુષો પણ યુવાન જ ગણાય)
એ જ રીતે કોઈ પણ વસ્તુની જાહેરાત સાથે ‘મફત’ કે ‘તદ્દન ફ્રી’ એવું લખ્યું હોય અને આપણી (ખાસ કરીને સ્ત્રીઓની) નજર એના પર ન પડે એવું તો બને જ નહીં. આ ‘મફત’ શબ્દ લોભામણી લલના જેવો આકર્ષક અને ચિત્તચોર છે. કેટલીક વાર  ખરીદવા માટેની ઓરીજીનલ વસ્તુ કરતા આપણને એની સાથે મળતી ‘તદ્દન ફ્રી’ વસ્તુમાં વધારે રસ પડી જાય છે, ‘મૂડી કરતા વ્યાજ વહાલું લાગે’ એમ જ.    
 ‘બજારમાં  કેટલીય નવી વસ્તુઓ  દરરોજ ઠલવાય છે, જેમની હોય એમણે તો વેચવાની હોય એટલે જાહેરાત કરવી પડે, પણ આપણે કેટલી વસ્તુઓ ખરીદતા રહીશું ?’ -  એવું ઘરે સ્વામીનાથ સાથે બેસીને નક્કી કર્યું હોય, પણ બજારમાં મુકેલી આકર્ષક અને અવનવી ચીજો, આ અબળા નારી પર આક્રમણ કરીને એને લેવા મજબુર કરી દે છે.
જેમને પાન, બીડી, તમાકુ કે દારૂનું વ્યસન હોય તે કહેશે, ‘કોણ કહે છે કે વ્યસન છૂટતું નથી, મેં જ કેટલીય વાર છોડ્યું છે.’ તેમ કોણ કહે છે કે અમે  આવી જાહેરાતથી આકર્ષાઈને વસ્તુઓ ખરીદીએ છીએ ? અમે તો કેટલીય વાર જાહેરાતથી આકર્ષાઈને વસ્તુઓ ન ખરીદવાના સોગંદ લીધા છે, (અને તોડ્યા છે.)
કેટલીક આકર્ષક જાહેરાતના નમૂના અહીં પેશ કરું છું :
*એક રેસ્ટોરાં ની જાહેરાત : એક પંજાબી થાળી સાથે એક પંજાબી થાળી ફ્રી.
(જાણે પત્ની સાથે સાળી ફ્રી)
*Pay 50% Avail 100% -  મતલબ કે - અડધા પૈસા ચૂકવીને પૂરો ફાયદો મેળવો.
[સરકારી કર્મચારી જેવું, ચૂકવે ૫૦% (અડધું કામ કરીને) મેળવે ૧૦૦% પૂરા (પગારના)]
*ફક્ત એક હજાર રૂપિયામાં ફ્રીજ ઘરે લઇ જાવ, સાથે આકર્ષક ભેટ મફત.
(પછી એમાં મૂકવાના શાકભાજી, ફળ, દૂધ, દહીં, ઘી, માખણ  લેવાના પૈસામાંથી એના હપ્તા ચૂકવાઈ  જાય એટલો સમય ફ્રીજ ભલેને ખાલી રહે.)
*૫૦%  સુધીનું ક્લીયરન્સ સેલ:
(૫૦% સુધીનું ક્લીઅરન્સ ખરું પણ એ તમારા પગારની આવકનું.)
*માત્ર ૩૬ કલાક બાકી, ૩૬ ઈંચનું કલર ટીવી મફત મેળવવાની છેલ્લી તક,ચૂકશો તો પસ્તાશો.
(ખરેખર તો તમે તક ચૂકો તો અમારે પસ્તાવું પડે એમ છે, તમને લપટાવવાનો આ લાસ્ટ ચાન્સ છે અમારી પાસે.)
*આજે જ ખરીદો ફ્લેટ અકલ્પ્ય ભાવે.
(અકલ્પ્ય ઓછા કે અકલ્પ્ય વધારે ?)
*ચિનગારી કોઈ ભડકે...પ્રસ્તુત કરે છે, કૂકર સાથે લાઈટર ફ્રી.
(પત્ની કૂકર લેવા જીદ કરે, પતિ ના પાડે, અને ચિનગારી કોઈ ભડકે..)
*જીતો – ૨૪ કેરેટનું ૩.૫ કિલો સોનું અને ૧૦ કિલો ચાંદી – અમારે ત્યાંથી રોકડેથી કે લોનથી સ્કૂટર ખરીદો, જૂનાની સામે નવું ખરીદો, ડબલ ફાયદો, પ્રત્યેક દસમાંથી બે ગ્રાહકને ઇનામ પાકું.
(વેચનાર દાનવીર કર્ણનો અવતાર છે, કે દેવાળું ફૂંકવા નીકળ્યો છે ?)
*જુના ટીવી, વોશિંગ મશીન, કોમ્પ્યુટર ની સામે નવા મેળવો, નજીવા ભાવે.
(જૂના પતિની સામે નવો કે જૂની પત્નીની સામે નવી મળે, એવી જાહેરાત ક્યારે આવશે?)
*સર્ટિફાઈડ ગ્રહોના રત્નો ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ...
(સર્ટિફાઈડ ગ્રહો કે સર્ટિફાઈડ રત્નો ? ભાઈ,  ગ્રહોને કોણે સર્ટિફાઈડ કર્યા ?)
*હવે સમય છે ઘર સજાવવાનો.. રૂપિયા ૧૫૦૦ ની ખરીદી પર મેળવો રૂપિયા ૬૦૦ કેશ બેક.
(તો વસ્તુના સીધે સીધા ૯૦૦ રૂપિયા  જ લેતા શું ચૂંક આવે છે ?)
*શું ઈંગ્લીશભાષા તમારી કમજોરી છે ? હવે ફિકર નોટ, ઈંગ્લીશ સ્પીકિંગ ૧૦૦% ખાતરી -૧૦૦% રીઝલ્ટ.
(‘ફિકર નોટ..’ એટલે કે – ‘બોથ ઓફ યુ થ્રી, ગેટ આઉટ’,  કે - ‘ઓપન ધ ડોર ઓફ ધ વિન્ડો’  ....જેવું ઈંગ્લીશ શીખવશો કે ?)  
આ ઉપરાંત....
એક સાડીની સાથે બે સાડી ફ્રી, ત્રણ શર્ટ પર એક શર્ટ ફ્રી, જુના પેન્ટ શર્ટ ની સામે નવા પીસ મેળવો, સ્કૂટરની સર્વિસ કરાવો અને ઓઇલના ત્રણ પાઉચ ફ્રી મેળવો, મોટરસાઈકલ સાથે ગોગલ્સ ફ્રી, હેરઓઈલ સાથે દાંતિયો ફ્રી, કેચપ સાથે ટીબેગ્સ ફ્રી, સાબુ સાથે શેમ્પુ પાઉચ ફ્રી, ઘડિયાળ સાથે બેલ્ટ ફ્રી, ટોય કાર સાથે બેટરી ફ્રી, કાર સાથે પાંચ લીટર પેટ્રોલ ફ્રી, ફ્લેટ સાથે ફર્નીચર ફ્રી – ફ્રી – ફ્રી – ફ્રી....
હવે ખુરસી(પ્રધાનપદ) સાથે કૌભાંડ ફ્રી, દહેજ સાથે કન્યા ફ્રી, ડોનેશન સાથે સ્ટુડન્ટ ફ્રી, લાંચના રૂપિયા સાથે રબર બેન્ડ ફ્રી, પત્ની સાથે સાસુ ફ્રી, પતિ સાથે દાદાગીરી ફ્રી, બાળકો સાથે તોફાનો ફ્રી, હાસ્યલેખ સાથે કંટાળો ફ્રી અને છેલ્લે...
આજે જ લઇ જાવ, ‘ગૂર્જર ગ્રંથાલય’ – ગાંધી રોડ, માંથી અમારું ઇનામ વિજેતા પુસ્તક ‘હાસ્યપલ્લવ’ – જેમાં કોરા પેપર સાથે પ્રિન્ટીંગ ફ્રી, - પેપર્સ સાથે આગળ અને પાછળના પૂંઠા ફ્રી, - પુસ્તક સાથે એક પ્લાસ્ટીકની કેરી બેગ ફ્રી, એક સાથે ત્રણ ત્રણ લાભ -  જલ્દી કરો - વહેલો તે પહેલો - વિચારવા રહેશો તો રહી જશો -  ચૂકશો તો પસ્તાશો. 


2 comments:

  1. મસ્ત લેખ બન્યો છે. અભિનંદન.આપના લેખોથી મને આજના ગુજરાતનું ચિત્ર મળે છે.

    ReplyDelete
  2. આ બધું અમદાવાદમાં? હજી સેલ ચાલુ છે? અમે આવીએ જ. મજા પડી.

    ReplyDelete