Tuesday, 27 December 2016

અમલદાર.

અમલદાર.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ટેબલ પર ચશ્માં પડ્યાં ને ખુરશી ઉપર તું, ટગર ટગર જોયા કરે ભાઈ ઉતાવળ શું?
કાગળ તું કરમાં ગ્રહી એકાદો તો વાંચ, શું દેખે ઘડિયાળમાં હમણાં થાશે પાંચ.
હળવી શૈલીમાં લખાયેલી આ પંક્તિ મને ખૂબ જ પ્રિય છે. આ પંક્તિ લખનારને જરૂર કોઈ આરામપ્રિય એવા સરકારી કર્મચારી કે અમલદારનો જીવનમાં ભેટો થયો જ હશે, જેવો કે પ્રસિદ્ધ ચિન્મય મિશનના સ્વામી શ્રી અનુભવાનંદને કલકત્તામાં થયો હતો. એમનો અનુભવ જાણવા જેવો છે એટલે તમને જણાવું છું.
એમને એકવાર કોઈ કામ અંગે કલકત્તાની સરકારી કચેરીમાં જવાનું થયું. ત્યાં જઈને એમણે જે કર્મચારી કે અમલદારનું કામ હશે તેમને સંબોધ્યા, ‘બાબુમોશાય!’ પણ અધિકારી પોતાની બેઠકમાં જરાય સળવળ્યા નહીં. સ્વામીજીએ એમને ફરી બોલાવ્યા, ‘સરજી!’ તો પણ અમલદારની સ્થિતપ્રજ્ઞતામાં ભંગ થયો નહીં. અધિકારીને એમ જ ખુરશીમાં આંખો મીંચીને ધ્યાન ધરતા જોઇને સ્વામીજીએ પૂચ્છ્યું, ‘મહાશય, આજ આપકા મૌનવ્રત હૈ ક્યા?’
અમલદારે હળવેથી આંખો ખોલી સ્વામીજી સામે જોયું, પછી સ્લો મોશનમાં બંધ પડેલા સીલિંગફેન તરફ અંગુલી નિદર્શન કર્યું અને પાછા આંખો મીંચીને સમાધિસ્થ થઈ ગયા.  સ્વામીજી મૂંઝાયા, આમતેમ જોયું, ત્યાં પટાવાળો નજરે ચઢ્યો એટલે આખી ઘટના વર્ણવી એનું અર્થઘટન પૂચ્છ્યું, ત્યારે પટાવાળાએ ઘટસ્ફોટ કર્યો, ‘સ્વામીજી, અભી ઇલેક્ટ્રીસિટી ચાલી ગઈ હૈ, જબ તક બીજલી નહીં આયેગી ઔર ફેન ચાલુ નહીં હોગા તબ તક હમારે સર કોઈ કામ નહીં કરેંગે.’
સ્વામીજીને ભારે આશ્ચર્ય થયું, એમણે કહ્યું, ‘In Kolkatta, there is Chetarjee, there is Benarjee,  there is Mukharjee,   but…No Energy.’
પર્સનલ આસીસ્ટન્ટ : સર, આપ ઓફીસ આતે વક્ત દેરસે આતે હૈ, પર જાતે વક્ત જલ્દી ઘર ચાલે જાતે હૈ, ઐસા કયું?
અમલદાર: વો ઈસલીયે કિ દોનો વક્ત લેટ હોના મુજે અચ્છા નહિ લગતા.
અમલદાર લોકોની આ ટાઈપની ‘Punctuality’  મને ગમી. અમલદાર પણ આખરે તો એક માણસ જ છે, જેને ઘર-બાર છે, બૈરી-છોકરાં છે, એને  વટ-વ્યવહાર સાચવવાના છે અને સમાજમાં રહેવાનું છે. લોકોએ એમની સામે ફરિયાદ શા માટે કરવી જોઈએ  કે, ‘એ લોકો પૈસા લઈને (કે નહીં લઈને) સમયસર (કે સમયસર નહીં) કામ કરતાં નથી?  
અમલદારોની આ વિશિષ્ઠ (નિષ્ક્રિય) કાર્યપદ્ધતિ અંગે કેટલાક સક્રિય કાર્યકરોએ રસમય સર્વેક્ષણો  પણ કર્યા છે. પી.ઈ.આર.સી. (પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક રિસ્ક કન્સલ્ટન્સી) દ્વારા એશિયાના મુખ્ય ૧૨ (એક ડઝન પૂરા) દેશોમાં ‘અમલદારોની કાર્યક્ષમતા’ અંગે સર્વેક્ષણ થયું, ગર્વ લેવા જેવી બાબત એ છે કે, આ તારણમાં ભારતદેશના અમલદારો બિનકાર્યક્ષમતામાં અવ્વલ નંબરે છે.
બિનકાર્યક્ષમતા એ આળસનું જ બીજું રૂપ છે,  અને આ આળસ એટલે કે Laziness શું છે?
‘Laziness  is  nothing  more  than  the  habit  of  resting  before  you  get  tired.’
કહેવાય છે કે તદ્દન નકામી ચીજ પણ ક્યારેક તો કામ લાગે. એ જ રીતે બિનકાર્યક્ષમ અમલદાર પણ જ્યારે એની ‘સત્તામાં કે પગારમાં કાપ’ મૂકવાનો પ્રસ્તાવ આવે ત્યારે એનો વિરોધ કરવાના કાર્યમાં એકદમ કાર્યક્ષમ પુરવાર થાય છે.
પી.ઈ.આર.સી. ના સર્વેક્ષણ મુજબ સિંગાપોરના અમલદારોએ હેટ્રિક કરી છે, સતત ત્રીજીવાર તેઓ વધુ કાર્યક્ષમ પુરવાર થયા છે. એમની પત્નીઓ ગાતી હશે, ‘સુબહ ઔર શામ કામ હી કામ, કયું નહીં લેતે પિયા પ્યારકા નામ?’ જોકે આ અમલદારો પણ ક્રાઈસીસ વખતે ઓછા કાર્યક્ષમ પુરવાર થયા છે. જ્યારે  થાઈલેન્ડના અમલદારો આ બાબતે ‘બેલેન્સ્ડ’ પુરવાર થયા છે. તેઓ હર પરિસ્થિતિ(ચઢાવ-ઉતાર)માં પોતાની કામગીરી સફળતાથી નિભાવે છે.
ભારતમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરકારી અધિકારીઓ ‘સત્તાના કેન્દ્ર’ સમાન છે. આ વાત સારી રીતે જાણતા હોવાથી તેઓ સત્તાનો પૂરેપૂરો (દૂર)ઉપયોગ કરે છે. તેઓ પ્રજા (સગા-વહાલાઓ)નું થઇ શકે એટલું કલ્યાણ કરે છે. કદાચ ભારતના નેતાઓ અને રાજકારણીઓ પાસેથી તેઓ પ્રેરણા મેળવે છે. એમની પ્રાર્થના આ મુજબ હોય છે, ‘હે ભગવાન ! સૌનું કલ્યાણ કરજે, શરૂઆત મારાથી કરજે.’
સર્વેક્ષણ કરનારા કહે છે, ‘ભારતના અમલદારો સાથે કામ કરવાની પ્રક્રિયા અત્યંત ધીમી અને પીડાદાયક હોય છે.’ ઈતિહાસ કહે છે કે – ‘આજ સુધીમાં જેટલા પણ પરિવર્તનો કે નવસર્જનો થયાં છે, તે અત્યંત ધીમી અને પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થઈને જ તો થયા છે.’ દાખલા તરીકે- ‘વાનરમાંથી માનવનું સર્જન.’ જોકે કેટલાક લોકોને જોઇને માનવું પડે છે કે –‘આ નર  હજી સુધી વાનર જ છે.’
ચિંતકો અને ફિલસૂફો કહે છે કે – ‘સરળતાથી મળેલી સિદ્ધિ કે પ્રસિદ્ધિ નું એટલું મહત્વ નથી હોતું જેટલું કે વિકટ સ્થિતિમાંથી પસાર થઈને મેળવેલી સિદ્ધિ  કે પ્રસિદ્ધિ.’
ભગવાન રામને એટલા માટે લોકો આજે પણ પૂજે છે, કેમ કે તેઓ જંગલમાં રહ્યા, મુશ્કેલીઓ વેઠી, રાવણ નો સામનો કર્યો અને સીતાને પાછી લાવ્યા, એટલા માટે નહીં કે તેઓ રાજા દશરથના પુત્ર હતા. આમ ભગવાનનું જીવન પણ યાતનાઓથી ભરેલું હોય તો ઈન્સાનની તે શી વિસાત?
તારીખ ૯ મી જૂન, ૨૦૦૯, ના ન્યૂઝપેપરમાં ન્યૂઝ વાંચ્યા હતા કે - ‘ઉચ્ચ અધિકારીઓ (આઈ એ એસ  અને આઈ પી એસ) ને રાજકીય દબાણથી મુક્ત કરવા અને રાજકીય હસ્તક્ષેપથી દૂર રાખવા’ નું નવું બિલ રજૂ કરવાની તૈયારી કેન્દ્ર સરકારે કરી છે. આ બિલ જો પાસ થાય અને કાયદો બને તો અમલદારોને વધારાની સત્તા મળે અને ત્રણ વર્ષ સુધી એમની બદલી નહીં થઇ શકે.
‘એક તો કડવી કારેલી અને પાછી લીમડે ચઢી?’ જો કે આ બિલમાં ઉચ્ચ અધિકારીઓ ના ‘દેખાવ’ પર નજર રાખવા માટે પબ્લિક સર્વિસ કોડ તથા કડક નિયમોની જોગવાઈ રાખી હતી. એટલે અધિકારીઓએ પોતાના દેખાવ વિશે ગાફેલ રહેવું પોસાય એમ નહોતું. તે છતાં ‘કાયદા એટલા છીડાં’ એવી કહેવત પણ હતી જ. જે આજ સુધી સાચી પુરવાર થઇ રહી છે.  છેલ્લે એક હળવા જોકથી લેખનું સમાપન કરું: 
સરકારી અમલદાર પતિ: મારી આટલી ઊંચી પોસ્ટ છે અને આપણે આટલા મોટા ફંકશનમાં જવાનું છે, ત્યારે મારો આ ચોળાયેલો સૂટ જોઇને લોકો મારા વિશે શું ધારશે?
પત્ની: તમે નાહકનું ટેન્શન ન લો, હું તમારી સાથે જ છું, પછી તમારા ‘દેખાવ’ પ્રત્યે કોની નજર જવાની છે?


    

Tuesday, 20 December 2016

દૂધવાલા ભૈયાને પત્ર.

દૂધવાલા ભૈયાને પત્ર.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પંડિતરાજ જેસંગ દૂધવાલા ભૈયાજી,
જે રામજી કી! તમને કરેલ ‘પંડિતરાજ’ ના સંબોધનથી તમને અચરજ થયું હોય તો કહી દઉં કે આ બિરુદ મેં તમને અમસ્તું જ નથી આપ્યું, પણ બરાબર સમજી-વિચારીને જ આપ્યું છે. ગાય, ભેંસ, વાસીદું, તગારું, બોઘરણું, ઘાસ, ગંજી, ખાટલો...વગેરે શબ્દોએ તમારા શબ્દકોશમાં પૂરેપૂરી જગ્યા રોકી લીધી છે એટલે તમને ‘પંડિતરાજ’  નો અર્થ ન સમજાય એ સ્વાભાવિક વાત છે.   
પણ તમે સાચા અર્થમાં પંડિત એટલે કે મહાન સંત છો,  કેમ કે તમે સમયના બંધનથી ‘પર’ છો. રજાના દિવસે જ્યારે અમે સવારની મીઠી નિદ્રાની લહેજત લઇ રહ્યા હોઈએ છીએ ત્યારે તમે સવારના પાંચ વાગ્યામાં આવીને પહેલા સાઈકલની ઘંટડી અને પછી મારા ઘરની ડોરબેલની ઘંટડી જોર જોરથી વગાડીને અમને જાગૃત થવાની ફરજ પાડો છો. આ દુનિયામાં સંતજન જ સૂતેલા માણસને જગાડવાનું કામ કરે છે.
રોજ છોકરાઓને સ્કુલે જવાનું હોય છે ત્યારે તમે એટલા મોડા આવો છો કે છોકરાઓ દૂધ પીધા વિના જ જતા રહે છે. જો કે છોકરાઓ તો તમે આપેલ દૂધ પીવા ક્યારેય રાજી નથી હોતા, કહે છે ‘મમ્મી, એ કરતા અમે ઠંડુ પાણી પી લઈએ તો ચાલે કે નહીં?’ એ તો હું એમને સમજાવીને દૂધમાં કૉફી, બોર્નવિટા, હોર્લિક્સ, કોકો, ચોકલેટ વગેરે ઉમેરીને આપું અને પટાવીને દૂધ પીવડાવું છું.
રજાના દિવસે તમારે પાછા વહેલું જ આવવું એવું પણ નક્કી નથી હોતું. ગયા રવિવારે સવાર સવારમાં અચાનક જ બહારગામથી મહેમાન આવ્યા. ચા મૂકવા દૂધની જરૂર હતી ત્યારે તમારી રાહ જોઈ જોઇને થાક્યા, છેવટે પાડોશીને ત્યાંથી જરુર પુરતું દૂધ લઈને કામ ચલાવ્યું. છેવટે બપોરે અમે જમવા બેઠા ત્યારે તમે આવ્યા. હું ખીજવાઈ તો તમે કહ્યું, ‘બોન, અમારી પાહે તમાર લોકની જેમ ઘડીયાલ ની મલે.’
મને વિચાર આવ્યો કે તમને એક ઘડિયાળ ભેટ આપું, પણ પતિદેવે કહ્યું, ‘તું ઘડિયાળ આપશે તો પણ એ એનો ઉપયોગ કરશે નહીં, છેવટે ગુસ્સો તને જ આવશે એના કરતાં જેમ ચાલતું છે એમ ચાલવા દે.’  મને એમની વાત સાચી લાગી અને હું એમની સાથે સહમત પણ થઇ. હવે તમે ખરેખર સંત થયા કે નહીં?  કે સદા વિરુદ્ધ રહેતા પતિ પત્ની પહેલી વાર કોઈ મુદ્દે એકમત તો થયા.
સવારના ઘરમાં બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હોય એટલે દૂધ તો મારે જ લેવાનું એવો વણલખ્યો નિયમ બની ગયો હતો. ગમે તે સમયે આવીને તમે મને - રસોઈ કરતાં, ઈસ્ત્રી કરતાં, ગાતાં, ખાતાં, નહાતાં કે રસોઈ બનાવતાં કેટલીય વાર ડીસ્ટર્બ કરી છે. કોઈ પણ કામ કરતી હોઉં, ‘જલ્દી કર પેલો મૂવો ગમે ત્યારે ટપકી પડશે.’ એ જ મારો તો જીવનમંત્ર જ થઇ ગયો છે. જો કે તમને આ કહેવાનો કોઈ અર્થ નથી એટલે હું ભગવાનને  પ્રાર્થના કરું છું કે મને સવારમાં માત્ર અર્ધો કલાક એવો આપે જ્યારે હું શાંતિથી એનું નામ લઇ શકું.
તમે ‘ક્વોલિટી કોન્શિયસ’ છો એ તો જાણે મારી આપેલી ફાટેલી, સાંધેલી નોટો તો ઠીક પણ સહેજ જૂની થયેલી નોટો પણ લેવાની  આનાકાની કરો છો એના પરથી જણાઈ આવે છે. પણ મને એ તો કહો કે તમે ભેંસના દૂધમાં ગાયનું દૂધ કે ક્યારેક પાણી મિક્સ કરીને આપો છો ત્યારે તમારી ‘ક્વોલિટી કોન્શિયસનેસ’ ક્યાં જાય છે? જો કે આટલા વર્ષે અમે તો એનાથી પણ  ટેવાઈ ગયા છીએ.
એક તો તમે અમારી સોસાયટીમાં આવો છો પણ ખુબ વાજતે-ગાજતે. સાઈકલની જોરદાર ઘંટડીના અવાજથી અમારા પડોશીઓ પણ જાગી જાય છે અને અમને ઘણીવાર ફરિયાદ પણ કરે છે. જો કે એમની ફરિયાદનું તો ઠીક છે એ તો કર્યા કરે, પણ પછી ક્યારેક તેઓ ઊછીનું દૂધ માંગવા આવે છે ત્યારે અમારાથી બહાનું નથી કાઢી શકાતું કે ‘આજે અમારો દૂધવાળો નથી આવ્યો.’ 
બાળકોને પરીક્ષામાં બેસવા સ્કુલમાં ૭૦% હાજરી આવશ્યક હોય છે. પણ તમારે તો આવી ય કોઈ ઝંઝટ જ નથી. મનફાવે એ દિવસે આવો અને મનફાવે એ દિવસે રજા પાડો. તમારાથી કંટાળીને મેં એકાદ બે વાર તમારી પાસે દૂધ લેવાનું બંધ કરીને અન્ય દુધવાલા પાસે લઇ જોવાનો પ્રયત્ન પણ કરેલો. પણ એ બીજા દૂધવાલા બે ચાર દિવસ દૂધ આપીને રફુચક્કર થઇ ગયેલા. શું કામવાળાની જેમ તમારું પણ કોઈ યુનિયન છે કે?
આ તમારી ‘દાદાગીરી’ અમારે ક્યાં સુધી સહન કરવાની એ તો રામ જ જાણે. મેં તો મારી તમામ હૈયા-વરાળ આ પત્રમાં ઠાલવી છે, તમે પત્ર નથી જ વાંચવાના તે જાણ્યા છતાં. આશાના એકમાત્ર કિરણરૂપ જો તમે આ પત્ર વાંચો તો તમારી ઉત્તમ સેવાનો લાભ હવે બીજા કોઈને આપો એવી મારી વિનંતી કમ પાર્થના છે. ભગવાન તમને અને તમારી ભેંસને લાંબી આવરદા આપે એજ શુભેચ્છા!
એજ લિખિ(તંગ) 
આપની સેવાથી અતિ પ્રભાવિત થનાર,
પલ્લવી.   



Tuesday, 13 December 2016

કૂતરું કરડ્યું.

કૂતરું કરડ્યું.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-હલ્લો, હલ્લો. સાંભળો છો?
-આટલા વર્ષોથી એ જ તો કરતો આવ્યો છું.
-સાંભળો, આપણા બાબાને કૂતરું કરડ્યું.
-હેં? કેમ...કેમ?
-શું કેમ..કેમ?
-કૂતરું કેમ કરડ્યું?
-કેમ કે શેરીમાં કૂતરું જ હતું, વાઘ – સિંહ નહોતા.
-એમ ગુસ્સે ન થા, મારો પૂછવાનો મતલબ કે કૂતરું શી રીતે કરડ્યું?
-અમે શોપિંગ કરવા માણેકચોક ગયેલાં.
-તે તમને વળી રહી રહીને કૂતરાનું શોપિંગ કરવાનું ક્યાંથી સુઝ્યું? હું  પપી લાવવાનું કહેતો હતો ત્યારે તો,  ‘એવી પળોજણ કોણ કરે?’ કહીને મને  કૂતરું લાવવાની તેં ચોખ્ખી ના પાડી હતી.
-તે હજી પણ હું ઘરમાં કૂતરું લાવવાની ચોખ્ખી ના જ કહું છું, પહેલા તમે મારી પૂરી વાત તો સાંભળો, અમે કૂતરું ખરીદવા નહોતા ગયા, અમે તો બજારમાં કાપડ ખરીદવા ગયા હતા.
-અચ્છા! કાપડના વેપારીઓ ક્યારથી કૂતરા રાખતા થઇ ગયા?
-કૂતરું વેપારીની દુકાને નહોતું, એ તો શેરીમાં બેઠું હતું.
-નવાઈ ની વાત લાગે છે, કૂતરું શેરીમાંથી દુકાનમાં આવીને બાબાને કરડ્યું?
-ઓહો! એ દુકાનમાં નહોતું આવ્યું, અમે શેરીમાં ગયેલા.
-લો, શહેરમાં ગયા તે ઓછું હતું કે પાછા તમે શેરીમાં જવાના થયા?
-પણ શેરીમાં થઈને જ બજારમાં જવાય એમ હતું.
-ઠીક છે, ટૂંકમાં વાત પતાવ, પછી શું થયું?
-અમે શેરીમાંથી પસાર થતા હતા ત્યારે બાબાનો પગ એક ઊંઘતા કૂતરા પર પડી ગયો.
-શું? આવો ઘોર અપરાધ?
-બાબાએ પગ કઈ જાણી જોઇને થોડો મુકેલો?  એ તો ભૂલથી એવું થઇ ગયું.
-ઓકે, પણ કૂતરાને લાગ્યું હશે કે આ ‘અળવીતરા’ એ જાણી જોઇને મને સતાવવા જ મારી પૂંછડી પર પગ મુક્યો હશે.
-તમે પણ શું? આપણા બાબા માટે આવા શબ્દો વાપરો છો?
-સાચું બોલવા બદલ સોરી. પણ કૂતરું હોંશિયાર, તે બાબાને જોતાવેંત ઓળખી ગયું.
-એટલે કઈ બચકું ભરી લેવાતું હશે?
-નહિ સ્તો વળી. એનામાં ક્ષમાભાવનો અભાવ કહેવાય, પછી શું થયું?
-પછી કૂતરું જોર જોરથી ભસવા લાગ્યું.
-પણ ‘ભસતા કૂતરા કરડે નહિ’ એવું મેં તો સાંભળેલું.
-કૂતરાએ એ નહિ સાંભળ્યું હોય, અને ‘કરડતા કૂતરા ભસે નહિ’ એવું તો ક્યાંય લખ્યું નથી ને?
-ઠીક છે, પછી તમે લોકોએ  શું કર્યું?
-પછી અમે એક સરકારી હોસ્પીટલમાં ફોન કર્યો. 
-ફોન ઉપાડ્યો કોઈએ?
-હાસ્તો, કેમ આમ પૂછો છો?
-એમ જ, સરકારી હોસ્પીટલમાં કોઈ ફોન ઉપાડે તો નવાઈ તો લાગે ને? ફોન પર શું વાત થઇ?
-મેં કહ્યું, બાબાને કૂતરું કરડ્યું છે, શું કરીએ? તો કહે, મ્યુનીસીપાલીટીને ફોન કરો, એ લોકો કૂતરાને પકડી જશે, અમે કૂતરા પકડવાનો ધંધો કરતા નથી.
-હં, બરાબર. હવે મને લાગ્યું કે સરકારી હોસ્પિટલ છે, પછી?
-પછી શું? એના જવાબથી મને  હોસ્પિટલવાળા પર ખુબ ગુસ્સો ચઢ્યો. આપણને પણ ખબર છે, કે એ લોકો શ્મશાન સળગતું રાખવા સિવાય કોઈ ધંધો કરતા નથી, તો  પણ એ લોકો આવો ઉડાઉ જવાબ આપે તે ચાલતું હશે?
-એ તો ઠીક, પણ તે પછી શું કર્યું?
-ત્યાં ટોળામાં એક ડોક્ટર પણ હતા, એમણે અમુક ઇન્જેક્શનનું નામ લખી આપ્યું. કહ્યું, ‘તમારા કેમિસ્ટ પાસેથી આ પાંચ ઇન્જેક્શન લઈને ઘરે જાવ અને તમારા ફેમીલી ડોક્ટર પાસે બાબાને ઇન્જેક્શન મુકાવી દેજો’  ૫૦૦ રૂપિયાનું એક એવા પાંચ ઇન્જેક્શન તો હું લઇ આવી છું.
-માય ગોડ! કૂતરું તો બહુ મોંઘુ પડ્યું, આટલામાં તો કદાચ આખું કૂતરું ખરીદી શકાય.
-એ વિચાર પછી કરજો, હમણા તો તમે તરત ઘરે આવો અને બાબાને ડોક્ટર પાસે લઇ જઈને ઇન્જેક્શન મુકાવી આવો.
-ભલે. હમણા જ નીકળું છું, આ આવ્યો જ સમજ.




Tuesday, 6 December 2016

આ પુસ્તક (હાસ્યપલ્લવ) ની આત્મકથા.

આ પુસ્તક  (હાસ્યપલ્લવ) ની આત્મકથા.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

દરેક મહાન વ્યક્તિ આત્મકથા લખે છે, તેથી મને થયું લાવ હું પણ આત્મકથા લખું. લોકોને અન્યના અંગતજીવન વિશે જાણવાની જીજ્ઞાસા હોય છે, તેથી એમને મારી આ વાત પણ ગમશે એવી શ્રદ્ધા  છે.
મારો જન્મ આટ ...લા વિલંબથી થયો એનું કારણ મારી રચયેતા–જનેતાની આળસ નહીં પરંતુ અજ્ઞાન હતું. પોતે આટલા સરસ (અહીં સરસ એ સાપેક્ષ બાબત છે તેથી એની ચર્ચા વિદ્વાનો પર છોડી દઈશું.) લેખો લખે છે એ વાત એને ખૂબ મોડે મોડે સમજાઈ. ખેર ! Late is better than never. એને આ વાત સમજાઈ એટલે મારો જન્મ થયો  અને તમને આ પુસ્તક વાંચવા મળ્યું.
‘સંદેશ’ ન્યુઝપેપર ના ‘સંસાર-દર્પણ’ મા એકવાર હાસ્યલેખોની હરીફાઈ યોજાઈ. મારી જનેતાને આમ કોઈ હરીફાઈમાં ભાગ લેવાનો ખાસ  ઉત્સાહ નહીં, પરંતુ એમાં ઇનામ મળતું હોય તો એમાં ભાગ લેવાનો કશો વાંધો પણ નહીં. એની નજર આ હરીફાઈની જાહેરાત પર ગઈ અને લેખ માટે પહેલું, બીજું અને ત્રીજું એમ ત્રણ ઇનામો હતા એટલે એનું મન ભાગ લેવા લલચાયું.
‘હાસ્યલેખ લખવા એમાં વળી શું કરવાનું, એ તો સાવ સહેલું કામ છે.’ એવી માન્યતાને આધારે એણે એક લેખ લખીને મોકલી આપ્યો. પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલી મારી જનેતાએ રવિવારનું છાપું બે ત્રણ વાર ઉથલાવી ઉથલાવીને જોયું, પણ ક્યાંય એના લેખનું નામોનિશાન નહોતું.
‘કરતાં જાળ કરોળિયો...’ વાળી કવિતા એણે વાંચી હશે, અથવા ઇનામની લાલચ વધુ હશે એટલે એણે બીજા અઠવાડિયે બીજો લેખ લખીને મોકલી આપ્યો. એના સાનંદાશ્ચર્ય વચ્ચે એ લેખને પ્રથમ ઇનામ મળ્યું. આ હતી મારા બંધારણના પાયાની પ્રથમ ઈંટ. એના પછીના બે લેખોને બીજું અને ત્રીજું સ્થાન મળ્યું અને બીજા ત્રણ લેખો ‘ગણનાપાત્ર’ કૃતિ તરીકે છપાયા. ત્યારે એને લાગ્યું કે, ‘લોકો ક્યારેક તો સાહિત્યકારની કદર કરે જ છે અને પોતે લખવાનું ચાલુ રાખે તો હાસ્યલેખિકા બની શકે છે.’ આમ મારા જન્મના પ્રથમ પ્રકરણની શરૂઆત થઇ.
‘સારા કામમાં સો વિઘ્ન. આવે. મારી જનેતાએ એની એક ખાસ ફ્રેન્ડને કહ્યું, ‘હું હાસ્યલેખો લખી રહી છું, તું વાંચીશ?’ ત્યારે ફ્રેન્ડે કહ્યું, ‘યાર, આવા રવાડે તું ક્યાંથી ચઢી ગઈ? તું કોઈ સીરીયસ ટોપિક પર લખ, આધ્યાત્મ પર લખ, તો હું જરૂર વાંચીશ.’ આ સાંભળીને જનેતા ‘લખું કે ન લખું?’ ના વિચારમાં પડી. એ તો સારું થયું કે આ જગતમાં ઉગતા કલાકારોને પ્રોત્સાહન આપનારા  કેટલાક સારા લોકો પણ વસે છે.
‘ગુજરાત સમાચાર’ ના લોકપ્રિય હાસ્યલેખક શ્રી અશોક દવેએ મારી માતાને પ્રોત્સાહન આપ્યું, અને ‘સમભાવ’ ન્યુઝપેપરના તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયા સાથે એનો પરિચય કરાવ્યો.  ભૂપતભાઈએ એમના ન્યૂઝપેપરમાં મારી માતાને પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી તારક મહેતાની પાડોશણ બનાવી જોડાજોડ લેખો છાપ્યા. મારી માતાનો લખવાનો ઉત્સાહ જળવાઈ રહ્યો.
જ્યારે ખૂબ જ જાણીતા લોકપ્રિય હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ મારી જનેતાના લેખના વખાણ કરતાં  (આવું ક્યારેક જ બનતું છતાં પણ)  ત્યારે મારી જનેતાનો ઉત્સાહ બેવડાઈ જતો. એકવાર મારી જનેતાના પિતાના ખાસ મિત્ર કુશળ ચિત્રકાર જય પંચોલીએ મારી માતાને કહ્યું, ‘તું આટલા બધા હાસ્યલેખો (લગભગ ૨૦૦) લખી ચૂકી છે તો એકાદ પુસ્તક બહાર પાડ ને.
મારી માતાને તો ‘ભાવતું’તું ને વૈદે કહ્યું.’ જેવું થયું. એણે ખૂબ જ મહેનત કરીને ૨૮ લેખો પસંદ કરી, ફરી ફરી સુધારીને “ગૂર્જર’ માં મનુભાઈને મોકલ્યા. એને હતું બે ત્રણ લેખો કેન્સલ થાય તો પણ ૨૫ લેખોનું પુસ્તક થાય. પણ રોહિતભાઈ (સ્વ. રોહિતભાઈ કોઠારી) ને લેખો ગમ્યા અને એમણે બીજા પચાસેક પાનાની મેટર મંગાવી.
મારી જનેતાએ બીજા નવ નેવ લેખો લખીને મોકલ્યા. મારી નાજુક કમર જે ૨૮ લેખોની હતી તે હવે ભરાવદાર- ૩૭ લેખોની થઇ. દરેક મા-બાપને થાય છે એવી દ્વિધા મારી માતાને પણ થઇ. મારું નામ શું રાખવું ? એણે આ બાબતે શ્રી વિનોદ ભટ્ટની સલાહ માંગી. હાજર જવાબી બીરબલ જેવા ગણાતા શ્રી વિનોદભાઈએ તરત જ  મારું નામ ‘હાસ્યપલ્લવ’ સૂચવ્યું, જે મારી માતાને ખૂબ જ ગમ્યું, કેમ કે એમાં એનું નામ અને કામ બન્નેનો સમાવેશ થતો હતો.
સંતાનોને પિતાનું નામ મળે છે એમ મને માતાનું નામ મળ્યું. મારા માટે સુંદર વસ્ત્રો(કવર પેજ) તૈયાર કર્યા ચિત્રકાર શ્રી જય પંચોલીએ. જેમણે જેમણે મારા ઘડતરમાં સીધો કે આડકતરો ભાગ ભજવ્યો છે, એ સર્વનો હું હ્રદયપૂર્વક ‘ઋણસ્વીકાર’ કરું છું.
મારી માતાના બે અન્ય સર્જનો-દીકરાઓ આ રીતે મારા પર રમૂજ કરતા હતા:
જિગર(મોટો દીકરો) :  મમ્મી, તારી બુક છપાઈ જશે પછી એક મૂંઝવણ મટી જશે.
સાકેત (નાનો દીકરો) : કઈ મૂંઝવણ જિગર?
જિગર : સગાઓ અને મિત્રોને વર્ષગાંઠ કે એનીવર્સરી પર શું આપવું એ વિચારની મૂંઝવણ.
સાકેત : કેમ ભાઈ એવું?
જિગર : મમ્મીની બુક છપાશે એની બધી નકલો જે ઘરમાં પડી રહી હશે તે જ ભેટ આપી દેવાની ને.
સાકેત : તો તો લોકો આપણને પાર્ટીમાં બોલાવવાનું બંધ કરશે, ભાઈ.
જિગર : કોઈ વાંધો નહીં, આપણી બર્થડે પર આપણે ક્લાસમાં ગીફ્ટ કે ચોકલેટ આપવાને બદલે મમ્મીની બુક્સ જ વહેંચીશું.
તો વળી મારી જનેતાના પતિ જીતેન્દ્ર મિસ્ત્રીએ આ રીતે મશ્કરી કરી.
-પલ્લવી, તારી ચોપડીના કવર પેજ પર લખજે કે ‘આ હાસ્યલેખોની ચોપડી છે.’
-હાસ્યલેખોને ગમે તે નામ આપો, તેથી એ હાસ્યલેખ છે એ હકીકત થોડી જ બદલાઈ જવાની છે?
-અને ગમે તે લેખને હાસ્યલેખનું લેબલ મારો તેથી એ હાસ્યલેખ થોડો જ થઇ જવાનો છે?
-તમને તો મારી કદર જ નથી. વિનોદભાઈએ ચોખ્ખું કહ્યું છે કે ‘હાસ્યલેખ લખવા બુદ્ધિની જરૂર પડે છે.’
-આમ કહીને તું શું સાબિત કરવા માંગે છે?
-એ જ કે વિનોદભાઈ કદી ખોટું ન બોલે.
-તો હું ક્યાં  કહું છું કે વિનોદભાઈ ખોટું બોલ્યા?
-તમે પુરુષો અમસ્તા જ કહો છો કે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ એક સ્ત્રી હાસ્યલેખ લખી શકે છે એનો મતલબ જ એ કે એનામાં બુદ્ધિ છે.
-પણ એ તો તારા લખેલા લેખો ‘હાસ્યલેખો’  છે એવું સાબિત થાય ત્યારે ને?
-તમને બડી વાતે મશ્કરી સૂઝે છે પણ મારા પુસ્તકને પારિતોષિક મળશે ત્યારે તો માનશો ને?
-થોડા રૂપિયા લાં...બી મુદત માટે ફિક્સ ડિપોઝિટમાં મૂકું?
-કેમ, શાના માટે?
-આપણા છોકરાઓના સૂટ સીવડાવવા માટે. તારા પુસ્તકને પારિતોષિક મળશે ત્યારે આપણે બંને તો આ દુનિયામાં હોઈશું નહીં. પણ આપણા છોકરાઓ પારિતોષિક લેવા જશે ત્યારે સૂટ પહેરીને જશે તો સરસ લાગશે ને?
-હેં ???.
[આ પુસ્તક ‘હાસ્યપલ્લવ’ ને ‘સાહિત્ય અકાદમી’ ના હાસ્ય વિભાગનું બીજું ઇનામ(૧૯૯૭) પ્રાપ્ત થયેલ છે.]