Sunday, 10 April 2016

ઉપવાસ.

ઉપવાસ.        પલ્લવી  જિતેંદ્ર મિસ્ત્રી. 

ઉપવાસ કરવાની બાબતમાં સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણા ડગલાં આગળ હોય છે. એ દિવસમાં દસ વખત તિથિતોરણ કે કાલનિર્ણય નામનું કેલેંડર જોતી હોવાથી, આજે તો બેસતો મહિનો છે , આજે તો કેવડા ત્રીજ છે , આજે તો નાગ પાંચમ છે’,  ક્યાં તો આજે તો શીતળા સાતમ છે’.  એવું શોધી નાંખીને ઉપવાસ ખેંચી કાઢે છે. આ ઉપરાંત ગોકુળ આઠમ, નોળી નેમ, પ્રદોષ, પૂનમ, દેવસૂતી કે દેવઊઠી અગિયારસ વગેરે અનેક બહાનાં સ્ત્રીઓને એકટાણું કરવા માટે જડી આવે છે.
કશું ન હોય ત્યારે પણ એ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર કે શનિવારનો ઉપવાસ કરે છે. કદાચ રવિવારને ખોટું પણ લાગતું હશે કે – આ બધામાં મને તો કોઈ ગણતું જ નથી.  સ્ત્રીઓને તો અલૂણા કે જયા પાર્વતી ના વ્રત કે નોરતા ના લાંબા ઉપવાસ કરવાનું પણ બહુ ગમે છે.

આ બધા ઉપવાસ કરવા પાછળનો હેતુ શો?,’  એવું જો  સ્ત્રીઓને પૂછવામાં આવે તો તો તેઓ સામાન્ય પણે કહેશે, પુણ્ય કમાવા માટે. પુરુષો પૈસા કમાય તો સ્ત્રીઓ પુણ્ય કમાય. કેટલીક ભરાવદાર શરીરવાળી સ્ત્રીઓ સ્લીમ થવા ઉપવાસ કરે, તો કેટલીક પાતળી સ્ત્રો જાડી ન થઈ જાય તે માટે ઉપવાસ કરે. કેટલીક સ્ત્રીઓ માત્ર રૂઢિ પાળવા ઉપવાસ કરે તો કુમારિકાઓ સારો વર મળે  એ માટે સોળ સોમવાર  ના વ્રત કરે.

આમાં બહેનોનો ઉદ્દેશ ભલે નિર્દોષ કે વેરભાવના વગરનો હોય, પણ કુંવારો પુરુષ તો બિચારો વગર વાંકે ઝડપાઈ (દંડાઈ) જાય ને? કારણ કે નથી તો એ સારી પત્ની મળે એ માટે વ્રત કરતો કે નથી તો એ ખરાબ પત્ની લમણે લખાઈ ન જાય એ માટે ઉપવાસ કરતો. એને તો પછી પડ્યું પાનું નિભાવવું જ રહ્યું ને?

ઉપવાસ કરવાની પણ પાછી અનેક રીત છે. કેટલાક ઉપવાસ નકોરડા (એક પણ વાર જમવાનું નહીં) કરવાના, તો કેટલાક એકટાણા (એક વાર જમીને) કરવાના. કોઈ ઉપવાસમાં વ્રતની વાર્તા કહીને (સાંભળનારનો શો વાક?) પછી જ જમવાનું , કેટલાક ઉપવાસમાં ફૂલ સૂંઘ્યા પછી જમવાનું તો કેટલાક ઉપવાસમાં ચાંદના દર્શન કરીને દૂધપૌઆ ખાવાના.
ઉપવાસીઓને પૂછવા માટેના અનેક પ્રશ્નો મારા મનમાં જાગે છે. જો ઉપવાસ કરવાથી જ પુણ્ય મળતું હોય (કે ન કરવાથી પાપ મળતું હોય) તો ભગવાને આટલા વિવિધ ફળ – ફળાદિ – અનાજ – કઠોળ શા માટે બનાવ્યાં?  માણસે આટઆટલી અવનવી વાનગીઓની શોધ શા માટે કરી? પંડિતોએ આહાર – વિહારના બધા નિયમો શા માટે ઘડ્યા? ખાવા માટે આટલું બધું આ પૃથ્વી પર ઉપલબ્ધ હોય તો આપણે શા માટે ભૂખ્યા મરવું જોઈએ?

મને લાગે છે કે – મનુષ્યનું પેટ ખાલી હોય છે, ત્યારે એનું મગજ અનેક વિચારોથી ભરાઈ જાય છે, જેમાં નેવું ટકા વિચારો ખાવા વિશેના હોય છે. આજે તો મારો ઉપવાસ છે, કશું ખાવાનું નથી’,  એ વિચાર માત્રથી આપણી ભૂખ વધુ પ્રદિપ્ત થાય છે અને જઠારાગ્નિ વધુ તેજ થાય છે.

ઉપવાસના દિવસે ફરસાણની દુકાનેથી પસાર થતી વખતે સ્કૂટરને આપોઆપ બ્રેક લાગી જાય છે અને પાછળના સ્કૂટરવાળો  આપણા સકૂટર સાથે અથડાઈ પડે છે. ફરસાણ તો ખાવા મળતું નથી ને પેલાની ગાળ ખાવા મળે છે. પડોશમાં રંધાતા (કે ન રંધાતા) ભાતભાતના પકવાનોની ભ્રામક સુગંધ આવ્યા કરે છે.

આપણી પાસે અક્ષયપાત્ર છે અને એમાંથી આપણને ભાવતી અવનવી વાનગીઓ બહાર આવી રહી છે. આપણે હાથ લંબાવીએ છીએ એમ અક્ષયપાત્ર દૂર ને દૂર ખસતું જાય છે. છેવટે તરાપ મારવાથી વાનગીઓની એક ડીશ આપણા હાથમાં આવે છે, એમાંથી એક પકવાન લઈને આપણે મોંમા મૂકવા જઈએ છીએ, ત્યાંજ કોક વચ્ચે આવી જઈને હાથમાંથી કોળિયો અને ડીશ બન્ને ઝૂંટવી લે છે અને આપણે મોઢું વકાસીને જોઈ રહીએ છીએ.  

આવા ભયાનક સ્વપ્નો ઉપવાસી મનુષ્યોને આવે છે. તેથી હું દઢપણે માનું છું કે – ઉપવાસ મનુષ્યને શારીરિક અને માનસિક – બન્ને રીતે નુકસાનકારક અને બાધક છે, ઉપવાસ તંદુરસ્ત થવા માટે બિલકુલ ઉપયોગી નથી. બ્રાહ્મણો કહે છે કે – શ્રાવણ મહિનામાં ઉપવાસ કરો તો સ્વર્ગમાં જવા મળે છે. જો બધા જ પૃથ્વી વાસીઓ આવું કરે તો સ્વર્ગમાં કેટલી બધી ભીડ થઈ જાય? પછી તો ત્યાંપણ ખાવાનું ખૂટી પડે અને ઉપવાસ કરવાનો વારો આવે. એના કરતાં અહીં રહીને જ જે મન થાય એ ખાવું શું ખોટું?  વાચકમિત્રો, તમે શું કહો છો?

એક દિવસ સવાર સવારમાં મારી એક ખાસ ફ્રેન્ડનો ફોન આવે છે –
-એય શું કરે છે?
-રોજ સવારે જે કરું તે જ, રસોઈ કરું છું.
-આજે વળી કેવી રસોઇ?
-કેમ, એમાં વળી આટલી નવાઈ શાની? તું જાણે તો છે કે રોજ સવારે આ સમયે હું રસોઈ જ બનાવતી હોઉં છું.
-હા આ આ આ... પણ આજે તો સોમવાર છે અને તે પણ શ્રાવણ મહિનાનો.
-તો?
-તો  શું, આજે રાંધવામાંથી છુટ્ટી,  નવરાશનો  ટાઈમ જ ટાઈમ છે.
-એ તને હશે, મને નહીં. મને તો રોજ સવારે સાડા દસ કે અગિયાર વાગ્યે જમવાનું જોઈએ.
-સાવ નાસ્તિક છે તું તો.
-વખાણ બદલ આભાર, ફોન મૂકું?
-અરે ના ના, સાંભળ, તારી રસોઈને મૂક ઉંચી, ચલ આજે સાડીના સેલમાં જઈએ.
-ખાધા વિના મારી બેટરીના સેલ ડાઊન થઈ જાય છે.
-સાવ ભૂખાળવી છે તું તો – છપ્પનિયાના દુકાળમાંથી આવેલી.
-જે છું તે છું, કામ બોલ.
-ચાલને સેલમાં જઈએ, ત્યાં જ કશું ખાઈ લેજે ને.
-એક તો એ કે મને બહારનું જલદી પચતું નથી, બીજું મારા શ્રીમાન પણ જમવાના છે અને ત્રીજું – મારી અડધી રસોઈ થઈ ગઈ છે.
-ઠીક છે, મહામાયાદેવી, તમે રાંધીને , જમીને, જમાડીને આવો, ઠીક છે?

અમે બન્ને બપોરના સમયે સાડીના સેલમાં ગયા. સાડીઓ ઉપરાંત બાજુની દુકાનમાંથી ડ્રેસ મટિરીયલ્સ, અને સામેની દુકાનેથી મેચિંગ ચપ્પલ – પર્સ- રૂમાલ- બંગડીઓ- ચાંદલા- લિપસ્ટિક- નેલપોલિશ વગેરે ખરીદ્યાં. વળતી વખતે મેં એને કહ્યું, અલી, ઉપવાસના લીધે તારા ફાજલ પડેલા સમયમાં આપણે કેટલા બધા રૂપિયા ખર્ચી નાંખ્યા. મને લાગે છે કે આવા બીજા બે –પાંચ ઉપવાસમાં આવું કરીએ તો આપણે મહિનાના બાકીના દિવસે એકટાણાં કરવાના આવે, ખરું ને?’ ( આ વખતે એ કશું બોલી નહીં માત્ર સ્માઈલ આપ્યું. ) 
4 comments:

 1. મસ્ત ફિનિશિંગ સ્ટ્રોક.

  ReplyDelete
 2. મસ્ત લેખ. ભૂખ્યા હોઈએ ત્યારે ચિત્ત ખાવામાં જ હોય.

  ReplyDelete
 3. ઉપવાસ કરવાની બાબતમાં સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણા ડગલાં આગળ હોય છે.

  પલ્લવીબેનની વાત સાચી છે.દરેક પુરુષને એનો અનુભવ હશે જ . સ્ત્રીઓ સાથે કદમ મિલાવવા પુરુષોને પણ ઘણીવાર ઉપવાસ કરવા પડે છે, ઈચ્છા ના હોવા છતાં.પછી બહાર હોટલમાં જઈને ખાઈ લે એ જુદી વાત છે. પત્ની તો ખુશ રહે !

  ReplyDelete
 4. મોડા મોડા આ લેખ વાંચી મજા પડી ગઈ! એ સાથે મારા પુસ્તકનો લેખ "ઉપવાસ કે ઉપહાસ?" યાદ આવી ગયો જે હું તમને ટૂંક સમયમાં મોકલવીશ. ભાવિમાં મારા ઈ-મેલપર મોકલવા વિનંતિ; chiman_patel@hotmail.com. G-mail generally I don't open as Hotmail. Thanks.

  ReplyDelete