Sunday 3 April 2016

સત્ય હંમેશા કડવું હોય છે.

સત્ય હંમેશા કડવું હોય છે.   પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

શિક્ષક: માણસની પ્રગતિ કે અધોગતિનો આધાર શેના ઉપર રહેલો હોય છે?
વિધાર્થી: એના સ્વભાવ અને  પરિસ્થિતિ ઉપર.

જો કે કેટલાક લોકોનું માનવું છે કે માણસની પ્રગતિ કે અધોગતિનો આધાર એના નસીબ પર પણ રહેલો છે, નસીબ ગાંડુ તો ક્યા કરેગા પાંડુ?
પણ મારું માનવું એવું છે કે માણસની પ્રગતિ કે અધોગતિનો આધાર એની જીભ ઉપર રહેલો છે. પડે ચઢે જીભ વડે જ માનવી.  જીભ વડે  ભોજન સ્વાદિષ્ટ લાગે ત્યારે વધુ પડતુ ખવાઈ જવાના લીધે માણસ પડે (માંદો)  છે. અને એને ચઢે (આફરો)  છે.

આ જીભનો બીજો ઉપયોગ બોલવા માટે થાય છે. પોતાને કોઈ નુકસાન થતું ન હોય તો માણસને સાચું બોલવામા ખાસ વાંધો આવતો નથી. શાસ્ત્રોમાં પણ સાચું જ બોલવું જોઈએ એવો આગ્રહ રખાયો છે. લોકોને ડરાવવા જુઠ બોલે કૌઆ કાટે  એવો ડર પણ બતાવવામાં આવ્યો છે. પણ કોઇ કાગડો કોઈ માણસને જુઠું બોલવાને કારણે કરડ્યો હોય એવું હજી સુધી જાણવામાં આવ્યું નથી.

સંસ્કૃતમાં તો કહેવાયું છે કે –  સત્યં વદ પ્રિયં વદ  અર્થાત  સાચું બોલ  અને મીઠું બોલ પણ મને આ વાત વિરોધાભાસી વિધાન જેવી લાગે છે. જેમ હસવું અને લોટ ફાકવો એ બે ક્રિયાઓ એક સાથે શક્ય નથી એમ જ – સાચું બોલવું અને મધુરું બોલવું એ બે વસ્તુ એક સાથે શક્ય નથી. 

હા – અસત્યં વદ પ્રિયં વદ (અસત્ય બોલ – પ્રિય બોલ) કે પછી – સત્યં  વદ અપ્રિયં વદ (સત્યબોલ – અપ્રિય બોલ)  શક્ય છે. જો કે સંસ્કૃત દેવોની ભાષા છે, અને દેવો આ અશક્ય લાગતી વાત –સત્યં વદ પ્રિયં વદ (સાચું બોલ –પ્રિય બોલ)  શક્ય કરી શકતા હોય તો મને ખબર નથી. બાકી કોમન મેન  એટલે કે આપણા જેવા સામાન્ય માણસો માટે તો એ શક્ય નથી, નથી અને નથી જ.

પરંતુ ધારો કે આપણી સરકારને એક તુક્કો સૂઝે – વારંવાર ઘણાય તુક્કા સૂઝતા હોય છે, દાખલા તરીકે – દિલ્હીમાં “એકી”  અને બેકી  નંબરની કાર અને વન દિવસોએ વારાફરતી ચલાવવાની.  એમ માણસોએ હવે પછીથી સાચું જ બોલવું, જુઠું બોલનારને ફાંસીની સજા થશે (આપણા કાયદાઓ હમેશા કોમન મેન માટે જ હોય છે, નેતાઓ અને પૈસાદારોને એમાંથી બાકાત ગણવા).

માની લો કે આવો કડક કાયદો અમલમાં આવે, તો જુદા જુદા વ્યવસાયમાં રહેલી વ્યક્તિઓ સાચું જ બોલે, કઈ રીતે તે અહી  ઉદાહરણ આપીને તમને સમજાવું છું.  અને એનું પરિણામ શું આવે  એ વાચકોની કલ્પના શક્તિ ઉપર છોડું છું.

ઉદાહરણ – ૧ :

દર્દી: ડૉકટર સાહેબ, સાત દિવસથી શરદી થઈ છે, પણ મટવાનું નામ જ લેતી નથી. કોઈ સારી દવા આપોને.
ડોક્ટર: ભલા માણસ, તમે થોડા થોડા સમયે શરદીનું બહાનું કરીને દવા લેવા દોડી આવો છે, અને દવા લીધા બાદ પણ કલાકો સુધી મારા એરકન્ડિશન્ડ દવાખાનામાં બેસી રહો છો. ઉપરથી વાહિયાત સવાલો પૂછી પૂછીને મારું માથું ખાધા કરો છો તે મને જરાપણ પસંદ નથી. તમે પેલી કહેવત નથી સાંભળી કે –દવા લેવાથી શરદી સાત દિવસે મટે અને દવા વગર એ અઠવાડિયે મટે?’

મને ખબર છે કે મારી ના છતાં તમે ફ્રીઝનું ઠંડુ પાણી પીઓ છે અને બહારના વાસી-તળેલા-મસાલેદાર પદાર્થ ખાઓ છો. વહેલી સવારે જંગે બહાદુર બનીને સ્વેટર –મફલર  વગર ચાલવા નીકળી પડો છો. અને આ શું? આ પાતળા  શર્ટની નીચે ગંજી કેમ નથી પહેર્યું? પોતાને પહેલવાનસમજો છો કે? મારી દવા પણ તમે રેગ્યુલર લેતાં નથી. ત્રણ દિવસની દવા સાત દિવસ ચલાવો છો.

આ રીતે જ કરવાના હોય તો તમને સ્ટેમ્પ પેપર પર લખી આપું કે તમાર શરદી કદી પણ મટવાની નથી. તમે મટશો પણ શરદી નહીં. આમ બાઘાની જેમ મારી સામું ડોળા ફાડી ફાડીને શું જોયા કરો છો?  લાવો મારી ફી અને દવાના રૂપિયા ૪૨૦ અને હવે અહીંથી ફૂટો.. મતલબ સિધાવો તમારા ઘરે.

ઉદાહરણ -  ૨:

અસીલ: વકીલ સાહેબ, તમે મને નિર્દોષ છોડાવી તો લેશો ને?
વકીલ: ભલા માણસ, તમે ખૂન કર્યું  છે અને ખૂનની સજા ફાંસી હોય છે તે જાણો છો ને? તમે ખૂન કરીને ત્યાં પુરાવા શું લેવા છોડી આવ્યાં? તમારી પોતાની અક્કલ ન ચાલતી હોય તો અમારી સલાહ લો ને, અમે કંઈ મરી ગયાં છીએ? હવે પૂછો છો, બચવાના ચાન્સ કેટલા? સાચુ કહું તો તમારા કેસમાં બચવાના ચાન્સ વીસ ટકા અને ફાંસીના ચાન્સ એંસી ટકા છે .
અસીલ: કંઈ પણ કરો વકીલ સાહેબ, પણ મને બચાવી લો.
વકીલ: હું કંઈ ભગવાન થોડો જ છું કે તમને બચાવી લઉં? હવે તો ભગવાન જ તમને બચાવી શકે.
અસીલ: તમે કહો એટલા રૂપિયા આપવા તૈયાર છું સાહેબ.
વકીલ: અચ્છા? આ વાત પહેલા કેમ ન બોલ્યા? હું છું પછી તમારે કોઈ વાતની શી ચિંતા? સો એ સો ટકા બચી જ જશો તમે. કાલે રુપિયા લઈ આવો પછી આગળ શું કરવું તે વિચારીએ. અને હાં, રોકડા લાવજો, આમાં ચેક બેક ન ચાલે, સમજ્યાં?

ઉદાહરણ -૩:

નેતા: (પ્રજાને ચૂંટણી પહેલાં) - : તમે મને ચૂંટણીમાં ચૂંટી કાઢશો તો મારું તમને વચન છે કે ગામમાં નળ નંખાવી દઈશ અને વીજળીના થાંભલા પણ ખોડાવી દઈશ.
શ્રોતા: સાયેબ, અમને લાઈટ ને પાણી ક્યારે મલશે?
નેતા: એ કંઈ કહેવાય નહીં.
શ્રોતા: તંયે અમે તમને હું કામ મત આલીએ? જે અમને લાઈટ અને પૉણીઆલે ઈને જ મત નો આલીએ?
નેતા: તમે જો ધારતા હશો કે મને નહીં અને બીજા કોઈને મત આપવાથી કે ચૂંટી કાઢવાથી રાવણરાજ  જશે ને રામરાજ આવશે તો એ તમારી મોટી ભૂલ હશે. દરેક રામ નેતાની ખુરશીમાં બેઠા પછી ઑટોમેટીકલી  રાવણ જ બની જતો હોય છે. એટલે તમે મને ચૂંટશો કે કોઈ ભગલાભાઈને’, તમારે માટે તો બધું સરખું જ રહેવાનું. દુનિયા તો જૈસી થી વૈસી કી વૈસી હી રહેગી. હું કમ સે કમ નળ અને થાંભલા તો નંખાવી આપીશ. એ હશે તો ભવિષ્યમાં પાણી અને વીજળી પણ આવશે.

ઉદાહરણ- ૪ :

ગ્રાહક: સાહેબ, મકાન મજબૂત તો હશે ને?
બિલ્ડિંગ કોંટ્રાક્ટર: અમારે તો શું કે ટેન્ડર સાવ નીચાભાવે ભરવું પડે, તો જ એ પાસ થાય. પણ  પછી અમારે અમારા રોટલા કાઢવા સિમેન્ટની જગ્યાએ રેતી વાપરવી પડે. પરિણામે મકાનની મજબૂતી વિશે અમે કોઈ ખાતરી નથી આપતા. તેમ છતાં હું તો વળી સારો છું કે મકાનની એક વર્ષની ગેરેન્ટી આપું છું, બીજા તો છ મહિનાની પણ નથી આપતાં.

ઉદાહરણ – ૫:   

ગ્રાહક: આ વોટર જગ સાથે જે બે ગ્લાસ ફ્રી આપો છો તે ખરેખર તમારા કહેવા પ્રમાણે અન બ્રેકેબલ છે?
સેલ્સમેન: ના, એની કોઈ ગેરેન્ટી નથી. ઈવન જગની કોઈ ગેરેન્ટી નથી. પડી જાય તો કદાચ તૂટી પણ જાય.
ગ્રાહક: તો પછી શું જોઈને તમે એ વેચવા આવ્યા? જગના કલર્સ પણ એટ્રેક્ટીવ નથી.
સેલ્સમેન: તમારી વાત સાવ સાચી છે. જગના કલર્સ એટ્રેક્ટીવ નથી, ગ્લાસ પણ અનબ્રેકેબલ નથી. બન્ને પ્રોડક્ટ ક્વૉલિટીના નામે મીંડું છે. પણ અમારે તો પાપી પેટકા સવાલ હૈ એટલા માટે અમારે વેચવું પડે છે.


તો વાચકો, આપણે વાત કરતાં હતાં, સત્યં વદ પ્રિયં વદ ની. ઉપરના સત્યના પ્રયોગો માંથી તમને કેટલા કિસા પ્રિયં લાગ્યા? એક પણ નહીંને?  અરે, આ તો ઠીક છે, પણ એકાદવાર તમારા બૉસ વિશેનો સાચો મત એમની આગળ બોલજો, તમને ખાતરી થઈ જશે કે , સત્ય કેવું અને કેટલું કડવું હોય છે.  એકાદવાર કોઈક માથા ભારે તત્વને મોઢા પર એના વિશેનો તમારો સત્યમત પ્રગટ કરી જોજો – સત્ય તમને માત્ર કડવું જ નહીં, પરંતુ તીખું  અને તમતમતું – આંખમાં પાણી લાવી દે  તેવું જોરદાર લાગશે. 

1 comment:

  1. મસ્ત મઝા આવી ગઈ.
    કડવું સત્ય....
    જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રુરતા શું , એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે. સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પુર્ણ વીરામ મુકવું કે કેમ તેવું તમે વીચારતા થઈ જાઓ છો.
    https://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/

    ReplyDelete