Sunday, 20 March 2016

તેજુનો તુલસી ક્યારો (બાળવાર્તા)

તેજુનો તુલસી ક્યારો (બાળવાર્તા)  પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

નામ તો હતું એનુ તેજલ, પણ મમ્મી પપ્પા એને વહાલથી તેજુ કહીને જ બોલાવતા. તેજુના પપ્પા એક મોટા સરકારી અધિકારી હતા. એમને ઓફિસે માંથી લેવા અને મૂકવા સરકારી ગાડી આવતી. ડ્રાઈવર ગાડીનો દરવાજો ખોલીને સલામ કરીને અદબભેર ઊભો રહેતો. તેજુના પપ્પા પ્રમાણિક અને શિસ્તપ્રિય અધિકારી હોવાથી ઓફિસમાં એમનું ઘણું માન હતું.  
આ ઓફિસમાં એમને પાંચ વર્ષ પૂરાં થયાં હતા એટલે સરકારી નિયમ પ્રમાણે એમની  બદલી બીજા શહેરમાં થઈ. તેજુને આ વાતની જાણ થઈ એટલે એણે એની મમ્મીને પૂછ્યું, મમ્મી બદલી એટલે શું?’ એની મમ્મીએ હસીને એને સમજાવ્યું, બદલી એટલે ટ્રાન્સફર. આપણે હવે બીજા શહેરમાં સુંદરપુર જઈશું. ત્યાંની નવી ઓફિસમાં તારા પપ્પા હોદ્દો સંભાળી લેશે.  તો પછી એમની આ ઓફિસમાં એમનું કામ કોણ કરશે?’ તેજુએ પૂછ્યું. જવાબમાં મમ્મીએ કહ્યું,  અહીં કોઈ બીજા ઓફિસર ને મૂકશે.
પણ મમ્મી,  આપણે સુંદરપુર જઈશું તો મારી અહીંની ફ્રેન્ડનું શું? એ બધી તો અહીં જ રહેશે ને? હું તો ત્યાં સાવ એકલી જ પડી જઈશ ને?’ તેજુએ રડમસ અવાજે પૂછ્યું. અરે ! ત્યાં તને બીજી નવી બહેનપણીઓ  મળશેને? ક્યારેક ક્યારેક આપણે અહીં તારી ફ્રેન્ડ્સને મળવા પણ તો આવીશું ને?’ મમ્મીએ તેજુને સમજાવતાં કહ્યું. તેજુને સ્કુલે જવાનો સમય થયો હતો એટલે એ સ્કુલે ગઈ પણ મમ્મીની વાતથી એનું મન ન માન્યું.  
એણે જ્યારે એની ફ્રેન્ડ્સ વૈશાલી, પલક, તનયા અને મૃગાને પપ્પાની બદલી સુંદરપુર થઈ છે અને પોતે ત્યાં જવાની છે એ વાત કરી ત્યારે બધી જ ફ્રેન્ડ્સ ઉદાસ થઈ ગઈ. તેજુ એરાત્રે એના પપ્પાને પુછ્યું, પપ્પા,આ બદલી રોકી ન શકાય? પપ્પાએ એને પ્રેમથી કહ્યું, ના બેટા, બદલી એ સરકારી નોકરીના એક ભાગ રૂપે જ હોય છે, એને સ્વીકારવી જ પડે. પણ તું કેમ આવું પૂછે છે?’
પપ્પા,  મારે બીજે રહેવા નથી જવું, મારે અહીં જ રહેવું છે, મને બીજે ગમશે નહીં. તેજુ બોલી.  શરુઆતમાં કદાચ ન ગમે,  પણ ધીમે ધીમે ગમી જાય, બેટા. જેમ અહીં ગમી ગયું હતું એમ. પપ્પાએ એને વહાલથી ટપલી મારી અને મમ્મીએ એને પ્રેમપૂર્વક પાસે ખેંચીને કહ્યું, બેટા,પરિવર્તન એ કુદરતનો નિયમ છે. આપણા જીવનનો એક ભાગ છે,’ તેજુને મમ્મીની વાત બરાબર સમજાઈ નહીં, એ ભારે હૈયે જૂની બહેનપણીઓને બાય બાય કહીને નવી જગ્યાએ રહેવા આવી ગઈ.
પણ નવા શહેર સુંદરપુરમાં તેજુ એકલી પડી ગઈ. નવી સ્કુલમાં તો એની ઉંમરના ઘણા છોકરા છોકરીઓ હતા, પણ  એના ઘરની આસપાસ એની ઉંમરની કોઈ બહેનપણી નહોતી. એને બિલકુલ ગમતું નહોતું એથી એ ઉદાસ રહેતી હતી. એક દિવસ એના પપ્પા છોડના ઘણા બધા રોપાઓ લઈ આવ્યા. પછી તેજુને લઈને ઘરની આસપાસની ખાલી જગ્યામાં જમીન સાફ કરીને ખોદીને માટીમાં આ રોપાઓ વાવ્ય, ખાતર નાંખ્યું, પાણી પાયું.
એક દિવસ કડિયાને બોલાવીને તુલસીના છોડની આસપાસ ઈંટોથી  ક્યારો બનાવડાવ્યો. મમ્મીએ તેજુને લઈને એ ક્યારાને ગેરુથી રંગ કર્યો અને એના પર  તેજુ પાસે સૂરજ –ચંદ્ર અને વેલના મજાના ચિત્રો દોરાવડાવ્યા. તેજુને આ કામમાં ખુબ મજા પડી, એણે ચિત્રોમા રંગ પણ પૂર્યા.
શરૂઆતમાં તેજુને જમીન ખોદવી , છોડ રોપવા, ખાતર નાંખવું, પાણી પાવું, નકામા પાંદડા અને કચરો દૂર કરવો જેવા કામો ફાવતા નહીં. પણ મમ્મી પપ્પાની મદદથી પછી એને એ કામ ગમવા માંડ્યું. પછી તો રોપાઓ મોટા થવા માંડ્યા, અંકુર ફૂટવ્વા માંડ્યા, એના પર રંગબેરંગી ફૂલો ખીલવા માંડ્યા અને સુંદર પતંગીયાઓ પણ આવવા માંડ્યા. એક મજાનો બાગ તૈયાર થઈ ગયો. હવે એની ઉંમરના બાળકો રમવા આવવા માંડ્યા.
તેજુને આ બધું જોઈને ખુબ ખુશી થઈ. એ વધારે કાળજીથી છોડને ઉછેરવા માંડી. હવે એને એકલું નહોતું લાગતું. આજુબાજુના ઘરોમાંથી એના જેવડા બાળકો એને કામમાં મદદ કરવા લાગ્યા. એની સાથે રમવા લાગ્યા. આજુબાજુના ઘરોમાંથી સ્ત્રીઓ વારે તહેવારે  તુલસી ક્યારે પૂજા કરવા આવતી. અને તેજુને અભિનંદન આપતી. થોડા સમયમાં તો એ સ્થળ તેજુનો તુલસી ક્યારો નામ પ્રખ્યાત થઈ ગયું.


No comments:

Post a Comment