Sunday, 21 June 2015

મારી યોગસાધના.

મારી યોગસાધના.                 પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

જ્યારથી મારા પતિદેવ શ્રી જીતેંદ્ર મિસ્ત્રીએ એસ. એસ. વાય. [સિદ્ધ સમાધિ યોગ] નો કોર્સ કર્યો, ત્યારથી તેઓ મને પણ આ કોર્સ કરી લેવા માટે આગ્રહ કરી રહ્યા હતા. જ્યારે એમણે અતિ આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું,:

-મેં એસ.એસ.સી. તો કર્યું હતું, હવે એસ.એસ.વાય. કરવાની શી જરૂર છે?
-એસ.એસ.સી. અને એસ.એસ.વાય. માં જમીન-આસમાન નો ફરક છે.
-એસ.એસ.સી. તો મેં જમીન પર રહીને કર્યું હતું. જો એસ.એસ.વાય. આસમાન માં રહીને કરી શકાય તો મજા પડે. બાય ધ વે, આ બે માં ફરક તો માત્ર છેલ્લા અક્ષરનો જ છે ને? “C” ના બદલે  “Y” જેટલો.
-એ તો તું એસ.એસ.વાય. કરશે એટલે તને સમજાઈ જશે કે બે માં ફરક શો છે, કરીશ ને?
- સારું, સારું. પણ શા માટે? [ S=સારું,   S= સારું.  Y= WHY=  શા માટે?]
-એટલા માટે કે એસ.એસ.વાય. કરવાથી તારો ‘EGO’,   તારો અહમ ઓગળશે.
-તમારો ઓગળ્યો?
-ઓલમોસ્ટ.  મોટાભાગનો.
-હવે એ ફરી પાછો ઉત્પન્ન નહીં થાય ને?
-એ તો ખબર નથી.
-તો પછી શા માટે કચુંબર ખાઈને મારી પાછળ એસ.એસ.વાય. નો દંડો લઈને પડ્યા છો? એક તો ત્યાં જઇએ એટલે ચા-કોફી છોડી દેવાના અને ઉપરથી કાચું-કોરું ખાવાનું.
-કુછ પાનેકે લિયે કુછ ખોના પડતા હૈ, મેડમ.
-પણ અહીં તો બન્ને બાજુની ખોટ છે. અહમ પણ ખોવાનો અને સારું સારું ખાવાનું પણ ગુમાવવાનું.
-સાધના કરે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય.
-પણ મારે તો સિદ્ધિ કે પ્રસિદ્ધિ કશું નથી જોઈતું. મુજે મેરે હાલ પે છોડ દીજીયે.
-એઝ યુ વીશ. હવે તો તને ઈચ્છા થશે તો જ હું તારું ફોર્મ ભરીશ.
-થેંક યુ. તમે મારી વાત માની તે બદલ.

-કોઇકે સાચું જ કહ્યું છે,Marriage is a relationship, in which one person is always right and another is Husband.”

આમ એ દિવસે એ  ચર્ચા તો મારા પતિદેવના  ઉપરના વાક્ય સાથે સમાપ્ત થઇ ગઈ. પણ થોડા દિવસ બાદ મારી એક ખાસ સહેલી હર્ષા મને મળવા મારા ઘરે આવી ત્યારે અમારી વચ્ચે આ મુજબનો સંવાદ થયો. એણે મને પૂછ્યું,

-હેય, શું કરે છે, આજકાલ?
-બસ, જલસા.
-લાગતું તો નથી.
-વોટ ડુ યુ મીન? શું લાગતું નથી?
-તું જલસા કરતી હોય એવું નથી લાગતું.
-કેમ?
-કેમ શું? સુકાઈને શેકટાની શીંગ જેવી થઈ ગઈ છે, કંઈક કર ને.
-કરું તો છું. ઘરનું-બહારનું કામ કરું છું, મારાં છોકરાંઓને ભણાવું છું, ન્યૂઝપેપરમાં મારી હાસ્યની કોલમ લખું છુ.
-ઠીક છે હવે એ બધું તો. પ્રવૃત્તિ તો એવી કરવી જોઈએ કે ક્યાં તો પૈસા બને અને ક્યાં તો તબિયત બને.

આમ કહીને એ તો ચાલી ગઈ અને મને વિચાર કરતી કરીને ગઈ. “તબિયત બનાવવા કરતાં પૈસા બનાવવા સારા” એમ લાગવાથી મેં  એ માટેના રસ્તાઓ વિચારી જોયા. પણ મને તો હાસ્યલેખ લખવા સિવાય એકેય અનુકૂળ રસ્તો ન દેખાયો.પણ એ રસ્તો પૈસા બનાવવાના કામમાં આવે એવો નહોતો. તો પછી શું કરવું? તબિયત બનાવવી?  એસ.એસ.વાય. કરવું? ના, ના. એમાં તો કાચું-કોરું ખાવાથી તબિયત ઔર ઊતરી જાય. ત્યાં જ મેં ક્યાંક વાંચ્યું, “યોગથી રોગ જાય.” અને રોગ જાય તો તબિયત અલમસ્ત બને. જો કે મને તો કોઈ રોગ છે જ નહીં તો જવાનું કશું જ નથી. છતાંય કશુંક તો કરવું જ છે, એમ વિચારીને મેં યોગસાધના કરવાનો વિચાર કર્યો અને પતિ જીતુને કહ્યું,

-સાંભળો, તમે દર વર્ષે શિયાળામાં યોગના ક્લાસ કરો છો ને? આ વર્ષે હું પણ તમને સાથ આપીશ.
-અરે વાહ! આવો શુભ વિચાર ક્યાંથી પ્રગટ્યો? એ ખુશ થયા.
-આપણા સેટેલાઈટ રોડ પર શિવાનંદ આશ્રમમાં સ્વામી શ્રી આધ્યાત્માનંદજીની આગેવાની હેઠળ, મતલબ કે એમના નિદર્શનમાં ૫૧૭ માં યોગશિબિરના આયોજનની વાત જાણી એટલે મને વિચાર આવ્યો.
-ગુડ, કાલે જ ત્યાં તપાસ કરી આવીએ.

અમે બન્ને તપાસાર્થે આશ્રમમાં ગયાં.પૂછપરછ કરતાંખબર પડી કે દસ દિવસના ક્લાસના એક જણના બસ્સો રૂપિયાચાર્જ છે. જીતુએ અમદાવાદી આત્માના અવાજને અનુસરીને પૂછ્યું, બે જણની ફી સાથે ભરીએ તો કંઈ કન્સેશન મળે કે?” ત્યાંના કર્મચારી પ્રતાપભાઇએ કહ્યું,
-તમે ફી ચૂકવી દો તો ફોર્મના પાંચ રૂપિયા બાદ મળે.
અમે બન્ને વિચારમાં પડ્યાં તે જોઈને પ્રતાપભાઇએ કહ્યું,
-વિચાર કરવા રોકાશો તો રહી જશો. ફુલ થઈ જશે તો જગ્યા નહીં મળે.
-ના, ના. આપણે રહી નથી જવું. આ ક્લાસ તો કરવા જ છે. મેં કહ્યું.

“સુખી થવું હોય તો પત્નીની વાત માની લેવી” એમ સમજીને જીતુએ  અમારી બન્નેની ફીના ૨૦૦રૂપિયા+૨૦૦રૂપિયા ચૂકવ્યા.આમ મારી ભવ્ય યોગસાધનાના પગરણ મંડાયા,  શ્રી ગણેશ થયાં. “આશ્રમની વિશાળ લૉન પર સવારે ૪.૩૦ વાગ્યે લગભગ સાતસો જણ એકસાથે પ્રાર્થના અને ઓમકાર સાથે યોગાસન કરતાં હશે એ દ્શ્ય કેવું અદભુત હશે.”  એ વિચારથી  હું રોમાંચિત થઈ ઊઠી.
૧૧ મી ફેબ્રુઆરી, ૧૯૯૮ અમારા જીવનના ઇતિહાસમાં સુવર્ણમય અક્ષરોએ લખાય એવો આ દિવસ. મારી યોગસાધનાનો પ્રથમ દિવસ! અહીં અમદાવાદની અતિશય ઠંડીના દિવસો હતા, છતાં હું અને જીતુ બન્ને જણ સવારે ૪.૧૫ વાગ્યે ઊઠી ગયાં. સામાન્યપણે ટ્રેન  પકડવાની હોય તો જ અમે આટલાં વહેલાં ઊઠીએ. પણ આજની વાત જુદી હતી.અમે બન્ને મજબૂત મનનાં માનવી હતાં.

શકુંતલા સાસરે જવા નીકળી ત્યારે એને વળાવવા કણ્વઋષિ અને પેલું નાનકડું હરણું હાજર હતું. હરણાંએ શકુંતલાનો પાલવ મોંમા પકડી રાખી એને સાસરે જતાં રોકી હતી. પણ વહેલી સવારે પાંચ વાગ્યે અમે યોગસાધના માટે આશ્રમ જવા પ્રસ્થાન કર્યું ત્યારે અમને વળાવવા માટે કોઇ હાજર નહોતું તો અમને પાછા વળવા આગ્રહ કરે એવું તો કોઈ હાજર હોય જ ક્યાંથી? અમારા ઘરનાં તમામ સભ્યો, અમારી સોસાયટીના તમામ સભ્યો, અરે,  માણસોની વાત તો છોડો, કૂતરાં સુધ્ધાં નિદ્રાદેવીના ગાઢ  આશ્ર્લેષમાં સમાઈને પોઢી રહ્યાં હતાં. તે જોઈને મને એમની મીઠી ઈર્ષ્યા થઈ. “ આપણે જ એવો તે શું ગુનો કર્યો તે મજાની મીઠી નિંદર ત્યજીને આમ નીકળી પડવાનું?” “અર્ધો કલાક લેટ જઈએ તો શું ખાટું-મોળું થઈ જવાનું?”  “ત્યાં તો હજી હવાય નહીં ફરકતી હોય.” જેવા વિચારોનું વાવાઝોડું,  જીતુના એક જ શબ્દ “જઈશું?” થી શમી ગયું અને અમે આશ્રમના પંથે  સંચર્યા.

અમારા આશ્ચર્યની વચ્ચે આશ્રમના ગાર્ડનની લૉનમાં લાઈટના ઝગમગ પ્રકાશમાં લગભગ ૨૦૦ થી ૨૫૦ જણ પાથરણાં પાથરીને બેસી ગયા હતાં. “ ઓમ નમો નારાયણાય...” ની મસ્ત ધૂન કેસેટ પ્લેયર પર વાગી રહી હતી. સાડા-પાંચ સુધીમાં તો આખી લૉન લોકોથી ભરાઈ ગઈ, વાહ ભાઈ! બરાબર સાડા-પાંચ વાગ્યે યોગાચાર્ય આધ્યાત્માનંદજી ભગવા રંગના હાફપેન્ટ-ટીશર્ટ માં સજ્જ થઈ આવી પહોંચ્યા. થોડીવારમાં અમદાવાદના કમિશ્નર ઓફ પુલિસ શ્રી બી.કે.સિંહા સાહેબ આવ્યા.જેમના વરદ હસ્તે શ્રી શિવાનંદ મહારાજનાં ફોટા આગળ દીપ પ્રગટાવીને શિબિરનો શુભારંભ કરવામાંઆવ્યો. સિંહા સાહેબે નાનકડું પ્રવચન કર્યું અને પછી શિર્ષાસન કરી બતાવ્યું. સ્વામીજીએ એમના પગ સરખાં કરતાં કહ્યું,” મોટા માણસનાં પગ પકડવાં, ક્યારેક કામ લાગે.” સિંહાસાહેબે સ્વામીજીને ચા પીવા આવવાનું આમંત્રણ આપ્યું તો સ્વામીજીએ કહ્યું, “ આપ ચાહે લિપ્ટન-ટી  લીજીયેગા, પર મેં તો સિર્ફ ચેરી-ટી હી લેતા હું.”

સ્વામીજીની “ સેન્સ ઓફ હ્યુમર” થી પ્રભાવિત થઈને મેં એમને મારા હાસ્યલેખોનું ઈનામ વિજેતા પુસ્તક “હાસ્યપલ્લવ” ભેટ આપ્યું. સ્વામીજીએ કાર્યક્રમની શરુઆત એક પંજાબી બહેનના ઉચ્ચાર વિશે કોમેન્ટ કરીને કરી.”હું જ્યારે પદ્માસન શીખવતો ત્યારે એ બહેન, સ્વામીજી,યે બદ્માસન મુજસે નહીં હોતા.  એવું કહેતા.”  યોગસાધનામાં સૌથી પહેલા ઓમ” [અ,,]  ઓમકાર આવે. એ મને ખુબ ગમે. કેમ કે એમાં ત્રણ ત્રણ કાર [ અકાર=અઉડી, ઉકાર= ઉનો અને મકાર= મર્સીડીઝ] આવે. મર્સીડીઝને જેમ હાઇવે પર ફુલ સ્પીડે ભગાવવાની મજા આવે એમ જ ઓમકાર ને અંતરના ભીતરી રોડ પર ભગાવવાની મજા આવે. અજબ શક્તિનો તન-મનમાં સંચય થઈ જાય.

એ પછી આવે પ્રાણાયામ. “ભ્રમરી પ્રાણાયામ”  એટલે કાનમાં આંગળી દબાવી, મોં બંધ રાખીને ભમરાની જેમ હમીંગ [ઓમકાર]  ગુંજન કરવાનું. સ્વામીજીએ કહ્યું, “ રાત્રે સૂતી વખતે ભ્રમરી પ્રાણાયામ કરો તો ઉંઘ સરસ આવી જાય.” એ રાત્રે ઘરે સૂતી વખતે આ પ્રયોગ મેં પાંચ-દસ મિનિટ પણ નહીં કર્યો હોય ત્યાં ઘરનાં બીજા સભ્યોએ વિરોધ નોંધાવ્યો. સૌનો એક જ સૂર હતો, તને ઉંઘ આવી જાય પણ અમારી ઉંઘ ઊડી જાય એનું શું? એટલે ન છૂટકે મેં એ પ્રયોગ પડતો મૂક્યો.

સ્વામીજીએ હાસ્યને પણ યોગનો જ એક પ્રકાર ગણાવ્યો. એ હિસાબે મારી યોગસાધના તો ઘણા સમય પહેલાંથી શરૂ થઈ ચૂકી હતી. શિબિરનાં દસ દિવસ યોગસાધના કરતાં અને હસતાં-હસાવતાં પસાર થઈ ગયા. એક બહેન શવાસનની તાલીમ દરમ્યાન ઊઘી ગયા. એમને ઊઠાડતાં સામીજીએ એક જોક કહી,
શિક્ષક: [ઉંઘતા વિધાર્થીને] તમે મારા ક્લાસમાં ઉંઘી જ શી રીતે શકો?
વિધાર્થી: સર, આપ થોડું ધીમેથી બોલો તો હું ઉંઘી શકું.

અમે શિબિરમાં  ઓમકાર, પ્રાણાયામ અને યોગ ના વિવિધ આસનો જેવા કે- પદ્માસન, વજ્રાસન, મત્સ્યાસન, હલાસન, સર્વાંગાસન, શીર્ષાસન, વગેરે શીખ્યાં. પણ  મને તો સૌથી વધારે ગમ્યાં બીજા બે આસનો, એક તો સુખાસન [પલાંઠી વાળીને બેસવું] અને શવાસન. [નિશ્ચેતન થઈને સૂઇ રહેવું] આ બે આસનની પ્રેકટિસથી મને ખુબ ફાયદો થતો હોય એમ લાગે છે. એનાથી તન-મનને ખુબ આરામ મળે છે, જીવને આનંદ મળે છે. મારી તબિયત તો એનાથી નથી બની, પણ ભવિષ્યમાં કદાચ બને પણ ખરી. આ છે મારી યોગસાધનાની રસ મધુર કહાણી. આશા છે કે એમાંથી  પ્રેરણા લઈને  તમે પણ યોગસાધના કરી પૂરેપૂરો લાભ-આનંદ મેળવશો. તો  શુભ શરૂઆત કરો આજના વિશ્વ યોગ દિવસ થી જ.આપ સૌને ખુબ ખુબ શુભકામના!
No comments:

Post a Comment