Wednesday, 3 June 2015

યસ બૉસ.

યસ બૉસ.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મીનુ, ઑફિસે જાઉં છું. સાંજે ઘરે આવતી વખતે કંઈ લેતા આવવાનું છે?
-મનીષ, સાંજે ઘરે આવો ત્યારે તમારા બૉસની જન્મકુંડળી લેતા આવજો.
-વ્હોટ?  શું કહ્યું તેં?  શું લેતો આવું?
-જન્મકુંડળી. તમારા બૉસની.
-બૉસની જન્મકુંડળી? શું કરવી છે તારે એ ધૂર્તમહાશયની જન્મકુંડળીને?
-એ બધી વાત પછી. પહેલા એકવાર એમની કુંડળી લાવી તો આપો.
-ફોર યોર કાઇન્ડ ઇન્ફરમેશન, મેડમ. મારો બૉસ પરણેલો છે.
-કંઈ વાંધો નહિ.
-અરે, પણ એ બે બાળકોનો બાપ છે.
-ચાલશે.
-ચાલશે? મીનુ, તારું ફરી તો નથી ગયું ને? તું કોની સાથે એનું ચોકઠું બેસાડવાનું વિચારી રહી છે? તારી ફોઈની વિધવા દીકરીનું તો નહિ ને?
-તમે પહેલા એકવાર કુંડળી લાવી તો આપો. પછી બધું જ કહીશ તમને.
-પાગલ થઈ ગઈ છે તું મીનુ? હું બૉસની જન્મકુંડળી માગું તો એ મને પૂછશે નહિ કે તમારે મારી કુંડળીનું શું કામ પડ્યું?
-કંઈ બહાનું બતાવી દેજો.
વ્હોટ રબ્બીશ આર યુ સેઈંગ! બૉસ મને પાગલ માની બેસશે.
-ઓ.કે.  ઓ.કે. એમાં આટલા એક્સાઈટ થઈ જવાની જરૂર નથી. ન માંગતા એમની કુંડળી, બસ? પણ વાતવાતમાં એમને જન્મતારીખ, વરસ અને સમય તો પૂછી જ  શકો ને?
-તું શું કરીશ એ જાણીને?
-એ માહિતીના આધારે હું કોઈ સારા જ્યોતિષી પાસે તમારા બૉસની જન્મકુંડળી બનાવડાવી લઈશ.
-ઓહ, પ્લીઝ, મીનુ. મને તું એ કહીશ કે તારે એમની જન્મકુંડળી શા માટે જોઈએ છે?
-મારે તમારી કુંડળીને એમની કુંડળી સાથે મેચ કરવી છે.
-વ્હોટ? શા માટે પણ?
તમારે રોજે રોજ તમારા બૉસ સાથે ઝઘડા થાય છે. તમને બન્નેને “બારમો ચંદ્રમા” છે. રોજ તમે ઘરે આવીને, “મારો બૉસ તો આવો નપાવટ છે અને મારો બૉસ તો આવો નાલાયક છે.” ની કથા માંડો છો. ઘણીવાર તો તમે ઘરે આવીને વાત કરવા જેટલી ધીરજ પણ નથી રાખી શકતા અને ઑફિસમાંથી  ઑફિસના ફોન દ્વારા જ તમારા બૉસની પારાયણ શરૂ કરી દો છો. તમારા બૉસ સાથેના તમારા સંબંધો  સાસુ-વહુના સંબંધો કરતાં પણ બદતર છે.
-હા છે.  તો?
-તો હું તમારી કુંડળી તમારા બૉસની કુંડળી સાથે મેચ કરાવડાવીશ. અને પછી તમને નડતા-રંજાડતા-કનડતા બૉસના ગ્રહોને શાંત કરવા જ્યોતિષી જે કહેશે તે પૂજા કરાવડાવીશ. આમ તો હું ચપ્પલ પહેરીને પણ ચાલવાનું પસંદ નથી કરતી. પણ જ્યોતિષી કહેશે તો ગ્રહોની શાંતિ માટે [ખરેખર તો તમારા મનની શાંતિ માટે] મંદિરમા ખુલ્લા પગે, ચાલીને દર્શન કરવા જઈશ. અરે! તમારા જોબ સેટિસફેક્શન માટે તો હું ચર્ચ, ગુરુદ્વારામાં જવા કે ઇવન દરગાહ પર જઈ ચાદર ઓઢાડવા તૈયાર છું. તમારા બોસ સાથેના તમારા સંબંધો સુધરતા હોય તો મારાથી થઈ શકે તે તમામ પ્રયત્નો કરવા હું તૈયાર છું.
-તારી આ ભલી ભાવના બદલ હું દિલથી તારો આભારી છું. પણ તને એક વાત કહી દઉં છું. આ બધાથી સિચ્યુએશનમાં કંઈ ફરક પડવાનો નથી. કેમ કે અમારો બૉસ ટીપીકલ પેલી ટી.વી. માં આવતી એડનો  HARISADU  જ છે. H for Hitlor,  A for  Arrogent,  R for Rascal,  I for Idiot…. 
-બસ, બસ. એ બધું તો બરાબર, પણ રોજની આ હૈયાહોળી ઠારવા કંઈક તો કરવું પડશે ને?
-તું ચિંતા ન કર. હું જ કરવાનો છું ઉપાય.
-મને કહો તો ખરા, તમે શું કરવા ધારો છો?
-હું થોડા સમયમાં બૉસ જ બદલી નાખવાનો છું. ૪-૫ જગ્યાએ જોબ એપ્લિકેશન આપી છે. એમાંની બે જગ્યાએ તો ઈંટરવ્યૂ પણ આપી આવ્યો છું.
-મારી એક વાત માનશો?
-બોલ.
-તમે જોબ બદલવાના હો તો બીજે જ્યાં પણ જોઈન કરો, ત્યાં એપોઈન્ટમેન્ટ લેટર લેતાં પહેલાં બૉસની જન્મકુંડળી અચૂક- ભૂલ્યા વિના લેજો. અને બધા ગ્રહો મેચ થતા હોય ત્યાં જ જોબ જોઈન કરજો.
-તને તો હવે શું કહેવું મારે? જો આ બધા નકામા ડિસ્કશનમાં તેં મને ઑફિસે જવાનું મોડું કરાવી દીધું. આજે મારા પર ફરીથી Hitlor  તપશે. ચાલ જાઉં છું, બાય બાય.

પ્રિય વાચકો! ઉપરનો પતિ-પત્નીનો સંવાદ કેટલાકને અતિશયોક્તિ ભર્યો લાગશે, પણ કેટલાક કબૂલશે કે, “બૉસના બાણ વાગ્યા હોય તે જાણે.” ઘણા બોસપીડિતો કબૂલ કરશે કે “બૉસિઝમ” ની જૂની સિસ્ટમમાં હવે ધરમૂળથી ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે.   અહીં હું કેટલાક સજેશન્સ આપું છું. એ સિવાય તમને પણ ઉપાય સૂઝે તો જણાવવા વિનંતી છે. આપણે સૌ સાથે મળીને આ બૉસિઝમ ની સમસ્યાનો અંત લાવીશું.

નોકરી માટેનો વર્ષોથી વણલખ્યો નિયમ ચાલી આવે છે, કે કોઇ પણ જગ્યાએ ઉમેદવારને નોકરીએ રાખતા પહેલા એની અરજી મંગાવવામાં આવે છે. જેમાં એણે પોતાની લાયકાત જણાવવાની હોય છે. અને પ્રમાણપત્રો આપીને એ લાયકાતની સાબિતી આપવાની હોય છે. પછી એને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઈન્ટરવ્યૂ ઉપરાંત ઘણીવાર ઓરલ કે રીટન ટેસ્ટ લેવાય છે. ગ્રૂપ ડિસ્કશન રખાય છે. આટલી ભારે પરીક્ષાઓમાંથી પસાર થયા પછી જે અન્ય ઉમેદવારોના મુકાબલે ઉત્તમ સાબિત થાય તેને કંપની અથવા બૉસની શરતોને આધીન નોકરીએ રખાય છે.નોકરીના કામના કલાકો બૉસ નક્કી કરે છે. એને આપવામાં આવતા પગારની રકમ પણ બોસ નક્કી કરે છે. અહીં એક જોક મને યાદ આવે છે.

“ એક નવા નોકરીએ જોડાયેલા ઉમેદવારને પગાર અપાયો ત્યારે પે-સ્લીપ પર લખવામાં આવ્યું હતું, તમરો પગાર એ પ્રાઈવેટ મેટર છે, અન્ય કર્મચારીઓ સાથે એની ચર્ચા કરવી નહિ. ઉમેદવારે પે-સ્લીપમાં સહી કરીને લખ્યું, આપ જરાપણ ચિંતા કરશો નહીં. કેમ કે આ માટે હું પણ એટલો જ શરમિંદો છું જેટલા કે આપ!”

આમ “ભારે કામ” અને હળવો પગાર” એ બેઝ પર બૉસ કર્મચારીને નોકરીએ રાખે છે. કર્મચારીને રજા જોઈતી હોય તો એ માટેનું ઠોસ કારણ એણે બૉસને આપવું પડે છે. બૉસને જો એ કારણ યોગ્ય લાગે [મોટાભાગેના કિસ્સામાં બૉસને કારણ અયોગ્ય જ લાગે] તો બૉસ ઉપકાર કરતા હોય એ રીતે એની રજા મંજૂર કરે છે. રજાને દિવસે જો અરજન્ટ કે ઈમ્પોર્ટન્ટ કામ આવી પડે તો બૉસ કર્મચારીને ઑફિસે બોલાવે છે. ત્યારે કર્મચારીએ થાક, કંટાળો, શોખ, ફેમિલી બધું છોડીને ઑફિસમાં હાજર થવું પડે છે. “ રામ રાખે તેમ રહીએ”  કહેવત હવે બદલાઇને “ બૉસ રાખે તેમ રહીએ” થઈ છે. બૉસના આવા ત્રાસવાદ સામે આ લેખ લખનારનાં કેટલાંક સુંદર સૂચનો છે, જેના પ્રત્યે વાચકોએ ધ્યાન આપવા વિનંતી છે.

હવે પછી નોકરીમાં રહેતા દરેક ઉમેદવારને એના બૉસની લાયકાત જાણવાનો હક્ક રહેશે. એનો બોસ સ્વભાવે કેવો છે‌ - એ કટકટિયો છે કે ઉદાર છે, એ કજિયાળો છે કે આનંદી છે, એ  ઑર્થોડોક્સ છે કે પ્રગતિ પ્રત્યે મૉડર્ન અભિગમ ધરાવે છે, તે જાણવાની તક, હક્ક અને સત્તા નોકરીના દરેક ઉમેદવારને મળવી જોઇએ. સૌથી સફળ અને લોકપ્રિય બૉસની સ્પર્ધા દર વર્ષે યોજાવી જોઇએ. અને એમાં જીતનાર બૉસને તાતા, અંબાણી કે બીરલા એવૉર્ડ મળવો જોઇએ. ભંગાર-બેકાર-નકામો સ્વભાવ  ધરાવતા બૉસને દર વર્ષે નોટિસ મળવી જોઇએ. સતત ત્રણ વર્ષ નોટિસ મેળવનાર બૉસના ધંધાનું સર્ટિફિકેટ ઝૂંટવી લેવું જોઇએ. અથવા એવા બૉસને એના હોદ્દા પરથી બરતરફ કરીને નવા મજાના બૉસ એપોઈન્ટ કરવા જોઇએ.

નોકરી પર લેઈટ આવતા કર્મચારીઓને ઘણીવાર બૉસ અપમાનિત કરી મૂકે છે. પણ હવે એવું ચલાવી નહિ લેવાય. બૉસે હવે સમજવું પડશે કે ઘરની જવાબદારીઓ નિભાવ્યા બાદ, બસ કે ટ્રેનની ચિક્કાર ગિરદીમાં અને ભયંકર ટ્રાફિકને પાર કરીને બિચારો કર્મચારી ઑફિસે આવ્યો છે.ઑફિસે આવવાની પોતાની ભયંકર અનિચ્છાને દબાવીને, પોતાના મનને માંડમાંડ સમજાવીને કર્મચારી ઑફિસે આવ્યો છે. તો બૉસે એના આ સાહસ બદલ એને દિલથી અભિનંદન આપવા જોઇએ. હું પોતે તો ઑફિસે નથી જતી, પરંતુ ઑફિસે જતા ઘણાખરા કર્મચારીઓ સાથેના મારા સંવાદ બાદ મને ખ્યાલ આવ્યો છે, કે  ઑફિસનાં કામો અત્યંત કપરાં, જવાબદારી ભર્યા અને કંટાળાજનક હોય છે. આવાં કામો કરવા વ્યક્તિનું  દ્ઢ મનોબળ હોવું જરૂરી છે. વ્યક્તિ આવાં કામો કરતાં સ્ટ્રેસ અને ટેંશન અનુભવે છે. એટલે દરેક ઑફિસમાં કર્મચારીઓના સ્ટ્રેસ હળવા કરવાની, એમના મનોરંજન માટેની કેટલીક સગવડ હોવી જોઇએ.

દરેક ઑફિસમાં A.C.Rest Rooms હોવા જોઇએ. જેથી કર્મચારી આરામ કર્યા બાદ કામ વધુ સારી રીતે કરી શકે. મનોરંજન માટે ઑફિસમાં કાર્ડરુમ, ટેબલટેનિસરુમ, કેરમરુમ અને સ્વિમિંગપૂલ હોવા જોઈએ.

ફ્રી ઈંટરનેટ ચેટિંગ અને ટેલિફોન ટોક ની વ્યવસ્થા હોવી જોઇએ. GYM, મસાજરુમ અને સોનાબાથની સગવડ હોવી જોઈએ. હોમ થીયેટર્સ અને લાયબ્રેરી હોવાં જોઇએ. ટૂંકમા કહું તો દરેક ઑફિસ “રીક્રીએશન ક્લબ” જેવી બનાવવી જોઈએ, જેથી કર્મચારીઓને ઑફિસમાં આવવાની હોંશ થાય. વીકએન્ડમાં ઑફિસમાં પિકનિક, પાર્ટી, નાટક-ચેટક-હાઉસીના પ્રોગ્રામ રાખવા જોઈએ.આ ઉપરાંત ફરજિયાત પણે દરેક ઑફિસમાં સુંદર, યુવાન અને મૉડર્ન યુવતિઓને નોકરીએ રાખવી જોઈએ. જેથી પુરુષ કર્મચારીઓને ઑફિસમાં આવવા મોટિવેશન મળી રહે. યુવતિઓના મોટિવેશન માટે ઑફિસમાં બ્યૂટિપાર્લર ની સગવડ રાખી શકાય.

આજકાલનાં માં-બાપ જેમ હવે પોતાનાં બાળકોના સરમુખત્યાર બનવાને બદલે  મિત્ર બનવા તરફ પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે હવે બૉસોએ પણ પોતાના બિહેવિયરમાં ધરમૂળથી  પરિવર્તન કરવાની તાતી જરૂરિયાત છે. બોસે  પોતાની  ‘HARISADU’  ઇમેજ બદલવી જ જોઈએ. બૉસે હવે સ્ટ્રીક્ટ, નિષ્ઠુર, દયાહિન બનવાને બદલે નરમદિલ, સમભાવી, દયાવાન, સજ્જન અને સહિષ્ણુ બનવાના દિવસો આવી ગયા છે. એ દિવસ હવે મને દૂર નથી લાગતો કે જ્યારે બૉસ પોતાની ઑફિસમાં પહોંચ્યા બાદ પોતાના સ્ટાફમેમ્બર્સને વારાફરતી ફોન કરીને કહેશે, “મિ. શાહ. ઑફિસમાં એક અરજન્ટ કામ આવ્યું છે, તમને અનુકૂળતા હોય તો પ્લીઝ જરા આવી જાઓને.”

પંચલાઇન:
એવું શા માટે બને છે, કે તમે જ્યારે પણ પગાર વધારો માંગો છો, ત્યારે બૉસને તમારું કામ, “ટચલી આંગળીનો ખેલ” લાગે છે. અને જ્યારે તમે રજા માંગો છે, ત્યારે તમારું કામ, ઑફિસનું સૌથી અઘરું કામ” લાગે છે?










-


2 comments:

  1. બહુ સરસ. લેખ બન્યો છે. જો તમે અમેરિકન લાઈફ જઆણતા હો તો આ લેખ લખાય જ નહીં.
    મને બોસે બોલાવીને પ્રમોશન આપ્યું છે. તેવી તો ઘણી વાતો છે. કે બોસ તમારી પાસે આવે અને કહે કે–મિસ્ટર થેન્ક યુ ફોર ધ જોબ વેલ ડન. આ વાત પર મેં ગુજરાતમિત્રમાં મારી કોલમ પણ લખી છે.
    પરંતુ તમારી લખવાની ટેકનિક અદભૂત છે. મઝા અઅવી.

    ReplyDelete
  2. બોસની ગરદન પર તલવાર મૂકવાનો કે બોસને સકંજામાં લેવાના વિચારમાત્રથી રોમાંચિત થઈ જવાય ! ખરો સમાજવાદ ત્યારે જ આવશે જ્યારે આવા બોસ પાકશે. સરસ લેખ. મજા પડી.

    ReplyDelete