Wednesday 10 June 2015

ઘેર ગયું તારું અથાણું.

ઘેર ગયું તારું અથાણું.       પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-પછી તને પેલા પૂડલાં ભાવ્યા કે નહીં? મારી ફ્રેંડ હર્ષાએ મને પૂછ્યું.
-કયા પૂડલાં?
-કેમ, મેં તને પરમ દિવસે ચોખાના લોટના પૂડલાં નહોતા મોકલ્યાં?
-એ ને? હા, હા. ભાવ્યા ને, ખુબ ભાવ્યા.
-તમે બન્ને એ ખાધા હતાં કે?
-હા, હા. એ બન્ને એ ખાધા હતાં.
-મસાલો તો બરાબર હતો ને?
-એ તો માળુ પૂછવાનું જ રહી ગયું.
-શું પૂછવાનું રહી ગયું? કોને?
-કોઈને નહીં, કંઈ નહીં. બધું બરાબર હતું. હા, ખૂબ સરસ.
-સરસ કેમ ન હોય, મેં કેટલાં પ્રેમથી તારા માટે પૂડલાં બનાવ્યા હતાં.
-એ તો દેખાઈ જ આવતું હતું.
-શું?
-તારો પ્રેમ. પૂડલાંના નીતરતા તેલમાં એ ચોખ્ખો તરી આવતો હતો.
-મારા હાથે જરા તેલનો વપરાશ વધુ હોં. પણ પૂડલાં બળેલાં તો નહોતા લાગ્યાં ને?
-અરે હોય કંઈ? મારા પ્રત્યેનો તારો પ્રેમ જેટલો ગાઢ એટલો જ એ પૂડલાંનો રંગ ગાઢ હતો.
-સાચું કહે છે? પૂડલાં કડક તો નહોતા લાગ્યાં ને?
-મનુફોઈના સ્વભાવ જેટલા કડક તો નહોતા જ.
-કોણ મનુફોઈ?
-પાલડીવાળા. એ પરમ દિવસે જ ઘરે આવ્યા હતાં.  તેં મોકલેલા પૂડલાંમાંથી બે પૂડલાં એમને ખાવા આપ્યા તો કહે: વહુ,આ કોલસાની રાખમાંથી બનાવ્યા હોય એવા પૂડલાં શાના છે? લઈ લે, લઈ લે. તારી માની રસોઈ તો આખા ગામમાં વખણાય છે ને તારી રસોઈ આવી સાવ નાખી દીધા જેવી કેમ છે? ન આવડે તો ન બનાવીએ અથવા તો કોઈને પૂછીને બનાવીએ, પણ આમ વસ્તુઓનો બગાડ તો ન જ કરીએ. આમ ને આમ તો તું મારા ભત્રીજાનું દેવાળું ફૂંકાવશે, સમજી?
-અરરર! પછી?
-પછી શું, પૂડલાં પાછા લઈ લીધા અને ફોઈને મસાલાવાળી પૂરી અને ચા બનાવી આપ્યાં.
-જીજાજીએ તો ચોક્કસ મારા બનાવેલાં પૂડલાં ખાધા જ હશે, ખરું ને?
-એમને વળી કયા દિવસે કોઈ પણ પૂડલાં ભાવ્યા જ છે. એમણે તો તારો ડબ્બો ખોલીને જોયું અને પછી મને પૂછ્યું, “આ શું છે?’
-“પૂડલાં છે, હર્ષાએ મોકલ્યા છે.”  મેં કહ્યું.
-તો એમણે શું કહ્યું?
-કહ્યું કે, “તને પૂડલાં બહુ ભાવે છે ને, તો તું જ ખાઇ જજે.
-અચ્છા. તેં તો પૂડલાં ખાધા જ હશે.
-થોડો ચાખ્યો પછી હિંમત ભાંગી ગઈ. ત્યાં જ મને યાદ આવ્યું કે કામવાળીને પણ તો ચા સાથે કંઇ આપવું પડશે ને.
-એટલે? મેં આટલી મહેનતે બનાવેલા પૂડલાં તેં કામવાળીને આપ્યા?
-શું કરું યાર, ફેંકી દેતાં જીવ ન ચાલ્યો.
-કામવાળીએ તો પૂડલાં ખાધાં ને, ચાલો કોઈકને તો કામ લાગ્યાં.
-પૂડલાં જોઇને એણે કહ્યું, “ બુન, આ હું [શું] મેઈલું [મૂક્યું]  સે?
-“ચોખાના લોટના પૂડલાં છે, મારી બહેનપણીએ મોકલ્યા છે. ખા બેન.” મેં એને કહ્યું.
-“મારે તો આજે અપ્પાહ [ઉપવાસ] સે, બુન તમે જ ખાઇ લો.” એણે ડીશ મારી તરફ ખસેડતાં કહ્યું.
-પણ મને ખબર છે, હર્ષા, કામવાળી જુઠ્ઠું બોલતી હતી. એને કોઇ ઉપવાસ-બુપવાસ નહોતો. એ કપ-રકાબી ધોતાં-ધોતાં બબડતી હતી, આવા પૂડલાં ખાવા કરતાં તો અપ્પાહ હારો. બઈરાં [બળ્યાં]  સાણા [છાણા] જેવા તે પૂડલાં હોતા હશે? આનાથી તો અમારા સાણા હો ઊજરાં [ઊજળાં] હોય.”
-અરરરરર! અરરરર!
-અરે, મારો જીવ તો બહુ જ બળતો હતો. કે હર્ષાએ આટલા પ્રેમથી મોકલેલા પૂડલાં ફેંકવા પડશે કે શું?
-પછી?
-ત્યાં જ સોસાયટી વાળવા આવેલી કચરાવાળી બાઇ પર મારી નજર પડી. મેં એને બોલાવી તો એ તરત આવી. એને મેં પૂડલાં આપ્યા તો એ પૂડલાં લઈને ચાલતી થઈ.
-ચાલો, અન્નનો દાણો કોકના મોઢે તો લાગ્યો.
-હાસ્તો, ગાય અને કૂતરુ, બંનેએ પૂડલાં ખાધા.
-ગાય અને કૂતરાએ? તું તો કહેતી હતી કે કચરાવાળી...
-કચરાવાળીએ મારી પાસેથી પૂડલાં લઈ સોસાયટીના નાકે જઈ ગાયને પૂડલાં નાખ્યાં. ત્યાં જ ક્યાંકથી એક કૂતરુ આવીને ગાયને ભસવા લાગ્યું. છતાં ગાય બે પૂડલાં ખાઇને જ ત્યાંથી હઠી. બાકીના પૂડલાં કૂતરાએ ખાધાં.
-તું જુઠ્ઠું કેમ બોલી? તમે બંને એ પૂડલાં ખાધાં એમ કેમ કહ્યું?
-અમે બંને એ પૂડલાં ખાધાં એમ મેં કહ્યું જ નથી. મેં તો એમ કહ્યું કે બંને એ પૂડલાં ખાધાં, મેં કંઇ ખોટું કહ્યું?
-તો પછી પૂડલાં ભાવ્યા એમ કેમ કહ્યું?
-અરે, તો ભાવ્યા વગર ગાયે અને કૂતરાએ પૂડલાં ખાધા હશે? બંને પૂડલાં ખાવા માટે કેવું ઝઘડતા હતાં. હું તો એ એ દ્શ્ય જોઇને ભાવવિભોર બની ગઈ.
-તું જુઠ્ઠી છે, હું તારી સાથે નથી બોલતી. હું જાઉં છું.
-અરે હર્ષા, સાંભળ તો ખરી. રવિવારે તો આવીશ ને? અથાણું બનાવવા?
-ઘેર ગયું તારું અથાણું.


No comments:

Post a Comment