Wednesday, 22 April 2015

બાબાનું લેસન.

બાબાનું લેસન.    પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-બાબા, એ બાબા. પુનવ...પુ..નવ..ચાલ જલદી, તને લેસન કરાવી લઉં.
-ના આ આ... દાદીમા, મારે લેસન નથી કરવું. મા, મા. જો, જો...વરસાદ આવ્યો.
-તારે વરસાદમાં નથી પલળવાનું, શરદી થઈ જશે તો તારી મમ્મી મને ખીજવાશે, ચાલ, અંદર આવ.
-નહીં આવું. વરસાદમાં નહીં પલળું, બસ?
-તું લેસન કરી લે, બાબા. બોલ, વન, ટુ, થ્રી...
-નથી બોલવું. જો, જો..મા. હેએએએ.... પુશીકેટ. પુશીકેટ નીલુભાઇના ઘરમાં ગઈ.  પુશીકેટ, પુશીકેટ વેર હેવ યુ બીન, આઇ હેવ         
   બીન લંડન ટુ  લુક એટ ધ ક્વીન. 
-પુનવ, ભઇલા.  લેસન કરી લે. નહીતર તારી મમ્મી આવશે તો મને લડશે.
-મમ્મી તને લડશે? તો તો બહુ મજા પડશે. તું મને કેમ લડે છે?
-જો બેટા, આટલું લેસન કરી લે, તો તને ચોકલેટ આપીશ.
-ચોકલેટ? મોટ્ટી કેડબરી અપાવશે, મા?
-તારી મા મને મોટ્ટો દલ્લો આપી દે છે ને તે તને હું મોટ્ટી કેડબરી અપાવું.
-મા, દલ્લો એટલે શું? દલ્લામાંથી કેડબરી મળે?
-તું મારું માથું ના ખા. સીધી રીતે લેસન કરી લે, નહીંતર...
-મા, મારા ટીચરે કહ્યું છે કે વેકેશનમાં રમવાનું, લેસન નહીં કરવાનું.
-એ વાત તું તારી મમ્મીને સમજાવજે. હમણાં તો એ કહી ગઈ છે એટલું લેસન કરી લે. બોલ, વન, ટુ, થ્રી.
-વન, ટુ, થ્રી, ફોર. હે મા. જો, જો. કાચીંડો. જો આ ઝાડ પર.
-કાચીંડાને છોડ, આ લેસન કરી લે.
-મા, હું સાઇકલ ફેરવું?
-આખી જિંદગી સાઇકલ જ ફેરવજે. જા, જલદી થી બે આંટા લઈ આવ.
-એ પુનવ...પુનવીયા... તારા બે આંટા પત્યા કે નહીં? તારાથી તો તોબા, બાપા. આના કરતાં તો તારી મા તને ભણાવે અને હું નોકરીએ જાઉં તો સારું પડે.
-હેં મા, તું નોકરીએ જશે? મને તારી સાથે લઈ જશે?
-મારા ભોગ લાગ્યા છે કે ત્યાં પણ તને સાથે લઈ જાઉં. ચાલ, બોલ. વોટ ઇસ ધીસ?
-એ. એ ફોર એપલ.
-વેરી ગુડ. એન્ડ વોટ ઇસ ધીસ?
-બી. બી ફોર બૉલ. મા, મારે બૉલ જોઇએ છે.
-તારી મમ્મી તને લાવી આપશે.
-ના, ના. મા, તું જ લાવી આપ.
-જીદ ના કર. પહેલાં લેસન કરી લે. બોલ, આ કયો કલર છે?
-પીંક.
-અને આ?
-ગ્રીન.
-ગ્રીન નથી બાબા, એ બ્લ્યુ છે.
-બ્લ્યુ નથી ગ્રીન છે. મા, તને કંઇ આવડતું નથી. તારી પાસે નહીં ભણું.
-નહીં શું ભણે, તારી મા પણ ભણશે. ચાલ બેસ અહીં.
-જા, જા. તું જ બેસ.
-સામું બોલે છે? એક લાફો મારી દઈશ.
-હું મમ્મીને કહી દઈશ કે મા મને લાફો મારે છે.
-અરે, અરે! પણ મેં તને ક્યાં માર્યું જ છે? ચાલ, મારો ડાહ્યો દિકરો છે, ને? મમ્મીએ કહ્યું છે એટલું ભણી લે પછી તને હું કોલ્ડકોફી
  બનાવી આપું.
-મારે નથી  પીવી કોફી, મારે નથી ભણવું.
-ભણશે નહીં તો શું કરશે, મજુરી?
-મજુરી શું હોય, મા?
-કંઇ નહીં. તારે તારા પપ્પાની જેમ મોટા માણસ બનવું છે, ને? મોટી કાર લેવી છે, ને?
-હા. મારે કાર લેવી છે.
-તો ડાહ્યો થઈને ભણી લે, ચાલ.
-ભણી લઉં તો કાર મળે?
-હાસ્તો. મળે જ ને વળી.
-કાલે મેં ભણ્યું હતું, તો મને કાર ક્યાં મળી?
-હે ભગવાન! આને મારે હવે કેમ સમજાવવો?
-તું જુઠ્ઠાડી છે, મા. મારે નથી ભણવું જા.
-તું ભણશે નહિં તો સારા માર્ક્સ નહીં આવે. અને સારા માર્ક્સ નહીં આવે, તો સારી સ્કુલમાં એડમિશન નહીં મળે, સમજ્યો?
-મારે સ્કુલમાં જવું જ નથી ને.
-સારું, ના જતો. પણ હમણાં તો લેસન કરી લે, મારા બાપ. તારી માવડી આવશે અને તેં લેસન નહીં કર્યું હોય તો તારી સાથે સાથે
  એ મારી પણ ધૂળ કાઢી નાંખશે, સમજ્યો?
-તું ફર્નિચરમાંથી ધૂળ કાઢે છે એમ,  મા?
-હા, એમ જ.
-તો તો બહુ મઝા પડશે.
-પુનવ, તું લેસન કરે છે, કે નહીં?
-મા, તું જ લેસન કરી લે ને.
-તારી સાથે માથાઝીંક કરવી નકામી છે.
-તો હું રમવા જાઉં, મા?
-હા, જા. તું રમવા જા. મારું તો જે થવું હશે તે થશે.

-હુર્રર્રર્ર, હુર્રર્રર્ર , હુર્રર્રર્ર. 

4 comments:

 1. હુર્રર્રર્ર...મજાનો લેખ. નાટક ભજવાય એવો. અભિનંદન.

  ReplyDelete
 2. આભાર કલ્પનાબેન.
  પલ્લવી.

  ReplyDelete
 3. આજ કાલ ના બાળકો નો સરસ ચિતાર

  ReplyDelete
  Replies
  1. આભાર ચંદ્રવદનભાઇ.
   પલ્લવી

   Delete