એની માએ એને કંઇ શિખવાડ્યું જ નથી. પલ્લવી જીતેંદ્ર મીસ્ત્રી.
મુન્ની:
-મુન્ની, એ મુન્ની.
ચાલ ઊઠ. સવારના નવ વાગી ગયા
-અરે! સુવા દો ને. બિચારી ગઈ કાલે રાત્રે મોડે સુધી વાંચવા માટે જાગી હતી
-અચ્છા! મને બધી ખબર છે. બેનબા શું વાંચવા માટે જાગ્યા હતા તે. એના
મોબાઇલમા SMS અને
ઇંટરનેટ ચેટિંગ ચાલતું હતું.
-તમે તો મારી દિકરીની પાછળ જ પડી ગયા છો.
-ઊઠાડ તારી દિકરીને. ક્લાસમા જવાનુ મોડું થશે તો મારે મૂકવા દોડવું પડશે.
-ઓ.કે. ઊઠાડું છું. મુન્ની, બેટા મુન્ની. ચાલ ઊઠ તો. જો ટુથપેસ્ટ લગાડીને
તારું બ્રશ બાથરુમમા વોશબેસીન પર મૂક્યું
છે. તું બ્રશ કરી લે ત્યાં સુધી હું તારા માટે બોર્નવીટા બનાવી દઊં છું. પછી તું
નાહી લે ત્યાં સુધીમા હું તારા કપડાને ઈસ્ત્રી કરી દઊં છું.
-એ કઇં નાની કીકલી નથી. સોળ વરસની થઈ છે.
થોડાક કામો એની જાતે પણ તો કરવા દે. ક્યાં સુધી એના કામો તું કરી આપીશ?
-સાસરે જઈને બધું કરવાનું જ છે ને? અહીં તો હું છું તો લાડ લડાવી લઊં.
-પીયરમા કઈં કામ શીખી હશે તો સાસરે જઈને કરશે
ને?
પીંકી:
-પીંકી, તેં દૂધ પી ને
ગ્લાસ ત્યાં જ કેમ મૂકી રાખ્યો છે? ઊપાડ તો.
-એને બૂમ ના પાડો. હું ઊપાડી લઊં છું ને?
-કેમ? એના
હાથમાં મહેંદી મૂકી છે તે તું કામ કરી આપે છે. આપણા ઘરમા આપણે રૂલ બનાવ્યો છે કે
સૌએ પોતાનુ કામ પોતે જ કરવું. તું, હું અને
સૌમિલ, આપણે ત્રણે આ રૂલ
ફોલો કરીએ જ છીએ ને? એક આ પીંકી જ એવી છે જે પોતાનું
કામ પોતે નથી કરતી. નથી તો એની એંઠી થાળી ઊપાડતી કે નથી તો એ એના વાસણ સાફ કરતી.
-ભાઇસા’બ, તમે પણ શું સવાર સવારમા પાછી આ રામાયણ લઈને બેસી ગયા. એ બારમા મા છે.
બોર્ડ્ની એક્ઝામ નજીકમા છે. સ્કુલમા ભણવાનુ, ક્લાસમા જવાનુ
અને ઘરે આવીને વાંચવાનુ. બિચારી થાકી જાય છે.
-બોર્ડમા તો એ આ વર્ષે આવી પણ એને તો પહેલેથી
જ કામ કરવાનું ગમતું નથી. નહિતર સૌમિલે પણ ગયા વર્ષે બોર્ડની એક્ઝામ આપી જ ને? છતાં ય એ એના કામો જાતે કરતો જ હતો ને.
-જવા દો ને હવે આ વાત. એના વતીથી હું કામ કરી
જ લઊં છું ને?
-તેં જ ખોટા લાડ લડાવીને એને બગાડી મૂકી છે.
બેબી:
-બેબી,
ડી-હાઇડ્રેશનને કારણે આવતી કાલે તારી મમ્મીને બે ત્રણ દિવસ માટે હોસ્પિટલમા દાખલ
કરવાની છે. તારે ઘર સંભાળી લેવું પડશે.
-પપ્પા, તમે આજે
રાત્રે નાનીમાને ઘરે બોલાવી લ્યો ને.
-અરે! બેબી. તું આવડી મોટી વીસ વરસની છોકરી
થઈને બે ચાર દિવસ ઘર ના સંભાળી શકે? તારા એ સિત્તેર વર્ષના નાનીમા ને શું કામ તકલીફ આપવી? ઘરમા સર્વંટ તો છે જ. જે કપડાં, કચરા-પોતા, વાસણ તો કરી જ જશે. તારી મમ્મીએ શાક-ભાજી, ફ્રુટ્સ
પણ ભરી રાખ્યું છે. તારે તો ફક્ત ચા-પાણી ને બે ટાઇમ રસોઇ જ બનાવવાના ને?
-રસોઇ? આઇ ડોન્ટ
લાઇક ટુ કુક પપ્પા. કિચનમા હિંગ-મરચાંની વાસ! ઓહ, પપ્પા.
સાચું કહું તો એક્ચુયલી મને તો કિચનમા જવાનું જ ગમતું નથી.
-તે ક્યાંથી ગમે? માય ડિયર ડોટર, તારી મમ્મીએ તને નાનપણથી ‘હજી નાની છે.’ કહીને રસોડામા ધકેલી જ નહોતી ને. અહીં
તો ઠીક છે, અમે ચલાવી લઈએ છીએ, પણ
સાસરે જઈને શું કરીશ?
-યુ ડોન્ટ વરી, માય
ડિયર ડેડ, હું અહીંથી રસોઇઓ લઈને જ જઈશ.
૧-પીંકીની મમ્મી [મુન્નીની સાસુમા]:
અરેરે! હું ફક્ત ચાર દિવસ બહારગામ ગઈ, ત્યાં આ વહુ
મીનલ [મુન્ની] એ તો ઘરના રંગઢંગ જ ફેરવી નાખ્યા.ઘર તો જાણે કબાડીખાનામા ફેરવાઇ
ગયું. બૂટ-ચપ્પલના ખાનામા પસ્તીના પેપરો મૂક્યાં અને બુકકેસના ખાનામા બૂટ-ચપ્પલ
મૂક્યાં. નાસ્તાના ડબ્બા ડ્રોઇંગરુમમા મૂક્યા છે ને સાબુ- શેમ્પૂની બોટલ્સ કીચનમા
મૂકી છે. ઘરની એકેય ચીજ ઠેકાણે નથી અને આ ગંદકી? હે ભગવાન!
બધું ક્યારે સરખું કરીશ. એની માએ એને કઇં શીખવાડ્યું જ નથી.
૨-મુન્નીની મમ્મી [બેબીની સાસુમા]:
અરેરે! આ વહુ બીન્ની [બેબી] ની પાસે બજારમાથી રતાળુ કન મંગાવ્યો તો એ
સુરણ લઈ આવી અને પાલકની ભાજી મંગાવી તો એ મેથીની ભાજી લઇ આવી. કાલે એને રોટલીનો
લોટ બાંધવા કહ્યું તો એણે ઘંઊના બદલે ચણાનો લોટ કાઢ્યો અને ભજીયાનું ખીરું બનાવવા
ઘંઊનો લોટ લીધો. ખબર નથી પડતી આનુ શું કરવું? એની માએ એને કંઈ શીખવાડ્યું જ નથી.
૩-બેબીની મમ્મી [પીંકીની સાસુ]:
આ વહુ પંક્તિ [પીંકી] ને તો મારે શું કહેવું? કાલે કઢીમાં ઘી-જીરુ ને બદલે
તેલ-રાઇનો વઘાર કર્યો અને આજે દાળમાં ઘી-અજમાનો વઘાર કર્યો. વોશિંગ મશીનમા સફેદ
કપડાંની સાથે એણે ટાઇલ્સ પર પોતુ મારવાનુ ફિનાઇલ વાળુ કપડું પણ ધોવા નાંખ્યું.
આનાથી તો તોબા તોબા! એના એકેય કામમા ભલીવાર ના મળે. એની માએ એને કંઇ શીખવાડ્યું જ
નથી.
રોજિંદા જીવનમાં ભજવાતું ને ભજવી શકાય એવું નાટક. સરસ ચલકચલાણું.
ReplyDeleteઅભિનંદન.