Wednesday, 11 April 2018

પરિપ્રશ્નેન સેવયા.


પરિપ્રશ્નેન સેવયા.              પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

સ્વ. શ્રી જ્યોતીંદ્ર દવે- પ્રખ્યાત હાસ્યલેખક- એમણે એમના એક લેખ,?”  અર્થાત પ્રશ્નાર્થચિહ્ન માં કહ્યું હતું,  “સર્વ વિરામચિહ્નો માં ભયંકરમાં ભયંકર ચિહ્ન પ્રશ્નાર્થચિહ્ન છે.”  એ લેખમાં એમણે જીવતાં-જાગતાં પ્રશ્નાર્થચિહ્ન સમા એમના એક સંબંધીના કપરા અનુભવની વાત લખી હતી. એ લેખ વાંચીને એમની કલ્પનાશક્તિ માટે મને માન ઉપજ્યું હતું. મને આવી કલ્પનાઓ કેમ નહીં થતી હોય?’ એ વિચારે હું દુ:ખી હતી. પણ અનુભવ માણસની  માન્યતા બદલી નાંખે છે. મને જ્યારે જીવનમાં આવા એટલે કે પ્રશ્નાર્થચિહ્ન જેવા જીવંત પાત્રનો અનુભવ થયો ત્યારે મેં માન્યું કે જ્યોતીંદ્રભાઈના લેખમાં આવતી વાત કલ્પના નહીં પણ હકીકત હતી.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, પરિપ્રશ્નેન સેવયા અર્થાત તું પ્રશ્ન પૂછીને તારી શંકાનું સમાધાન કર  અર્થાત  તારા જ્ઞાનમાં વૃધ્ધિ કર, ને સામાવાળાની ધીરજની કસોટી કર, એની સહનશીલતામાં વધારો કર. ભગવાને કદાચ આ વાત એટલા માટે કરી હશે કે જેથી જેમને  પ્રશ્નો પૂછાયા હોય તે પ્રશ્ન પૂછનારથી થાકી-હારીને છેવટે શ્રી કૃષ્ણના શરણમાં જાય. મારે પણ એકવાર આ રીતે શ્રી કૃષ્ણના શરણમાં જવા જેવું થઈ ગયું હતું, એની વાત હું તમને કહું છું.
કોલેજ અને કન્યાકાળ સુરતમાં વિતાવી, લગ્નજીવનનું પ્રથમ વર્ષ મુંબઈમાં ગાળી અમે અમદાવાદ રહેવા આવ્યાં. પડોશીઓની પંચાત વગર પણ અંગત જીવન ખૂબ જ આરામથી વિતાવી શકાય’, એ વાત મારા મુંબઈના એક વર્ષના વસવાટ દરમ્યાન મેં જાણી. અમારા જ બિલ્ડિંગમાં પાછળનાં ભાગે રહેતાં અને રાતપાળીની નોકરી કરતાં શશાંકભાઈને આઠ મહિનાપછી ખબર પડી કે જીતુ નામની વ્યક્તિ એટલે કે મારા પતિ નાં લગ્ન થઈ ગયા છે, અને હું એટલે કે પલ્લવી – જીતુની પત્ની- આઠ મહિનાથી આ બિલ્ડિંગમાં રહુ છું. જો કે મને પણ શશાંકભાઈ નામની વ્યક્તિ અમારા બિલ્ડિંગમાં જ વર્ષોથી રહે છે, તે વાત આઠ મહિના પછી ત્યારે જ ખબર પડી કે જ્યારે  અમારા બિલ્ડિંગના ગેટ પાસે એક રાત્રે એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું અને બધા ભેગાં થયા. મુંબઈમાં વ્યક્તિ સ્વાતંત્રનું મહત્વ ઘણું, લોકો એકબીજાની વાતમાં માથું ન મારે. રોજ જોયેલા લોકો પણ સાવ અજાણ્યા હોય એ વાત મોહમયી નગરી મુંબઈ માં જ શક્ય બને.
જીતુની જોબના કારણે અમારે મુંબઈ છોડીને અમદાવાદ આવવું પડ્યું.  અમદાવાદના ઘરમાં અમે સામાન ઉતાર્યા બાદ અડધા કલાકમાં ચાર પડોશીઓ આવીને મળી ગયા અને કહી ગયા, કંઈ કામકાજ હોય તો કહેજો, મૂંઝાતા નહીં એમને કઈ રીતે કહું કે તમારી આ વધારે પડતી પૃચ્છા અને પ્રેમના કારણે અમે મૂંઝાઈએ છીએ. અઠવાડિયામાં તો અમારી ગલીમાં આવેલા બારે બંગલાઓના રહીશોનો પરાણે પરિચય થઈ ગયો.. એમાં પણ અમારા ઘરની બાજુના ઘરમાં રહેતાં એક વૃધ્ધ માજી-કાશીબાએ તો આવી આવીને અને પ્રશ્નો પૂછી પૂછીને અમારા આખાય ફેમિલીનો ઈતિહાસ  જાણીને મોઢે કરી લીધો. એમના સવાલોના જવાબો આપતા આપતા  હું થાકી ગઈ પણ એ ન થાક્યાં. મને લાગ્યું કે હું આખી જિંદગી નહોતી બોલી એટલું કાશીબા સાથે બોલી. અતિ સર્વત્ર વર્જયેત,  એ હિસાબે આ લેડી પરેશ રાવળ એ મને અકળાવી મૂકી.
(એક હિંદી ફિલ્મમાં પરેશ રાવળ પોતાના સંસર્ગમાં આવતાં લોકોને એટલા બધા પ્રશ્નો પૂછે છે, કે એમાંની એક વ્યક્તિ તો પ્રશ્નોના આવા મારથી બેભાન થઈને ઢળી પડે છે.) મારી પણ કાશીબાના પ્રશ્નોથી આવી જ સ્થિતિ થઈ હતી. હું સાવ બેભાન તો નહોતી થઈ પણ અધમૂઈ તો જરૂર થઈ ગઈ હતી. તમને થશે કે એવું તે કદિ થતું હશે? ન માનતા હોય તો એમાંના નમૂનારૂપ કેટલાક પ્રશ્નો તમારી જાણકારી માટે અહીં મૂક્યા છે
-(ઘરે આવીને આમતેમ નજર દોડાવીને)  કેમ છોડી, સામાન ગોઠવી દીધો?
 -હા. (તમને દેખાતું નથી?)
-જીતુભાઇ ઓફિસ ગયા?
-હા. (એ ગયા ત્યારે તમે ઓટલે જ તો બેઠાં હતાં)
-રસોઈ થઈ ગઈ?
-હા. એ રોજ જમીને જ ઓફિસ જાય છે.
-તું જમી?
-ના, હવે જમીશ.
-શું  શાક બનાવ્યું છે, આજે?
-ભીંડા.
-શું ભાવ મળ્યા ભીંડા?
-વીસ રૂપિયે કિલો. (૧૯૮૦ ની સાલની વાત છે.)
-બહુ મોંઘા કહેવાય, નહીં? પણ સોસાયટીને નાકે તો પંદર રૂપિયે કિલો મળે છે.
-હા, પણ ત્યાં લેવા જવાનો ટાઈમ નહોતો.
-કેમ ટાઈમ નહોતો?
-આજે ઊઠતાં મોડું થઇ ગયું, એટલે.
-ઊઠતાં મોડું કેમ થયું?
-રાત્રે સૂતાં મોડું થઈ ગયેલું એટલે.
-રાત્રે સૂતાં કેમ મોડું થયેલું?
-ટી.વી. પર ફિલ્મ જોઇ એટલે.
-કઈ ફિલ્મ જોઈ? 
-અરે, બા.અમે કોઈ પણ ફિલ્મ જોઇ હોય, તમારે શું? જે વસ્તુ તમને કામની નથી એ શું પૂછ પૂછ કરો છો?
મને અકળાયેલી જોઈને તરત તો એ જતાં રહ્યાં. પણ પ્રશ્નો પૂછવાની ટેવ કંઈ એમ જતી રહે? એમના પ્રશ્નો ચાલુ જ રહ્યા. “  બપોરે કોણ ઘરે આવ્યું હતું? કેટલા દિવસ રોકાશે? સાંજે ક્યાં બહાર જવાના? કેટલા વાગ્યે પાછાં આવશો? જમવાનું ઘરે કે બહાર? આજે તમારો દૂધવાળો કેમ નહીં આવ્યો? પસ્તી શું ભાવે કાઢી? ચોખા ભર્યાં કે નહીં? ક્યાંથી લીધા? કયા લીધા? શું ભાવે આવ્યાં? કામવાળો શું કામ રાખ્યો છે? પંદર નંબરમાં કોની વચ્ચે ઝઘડો થયો? બાર નંબરવાળી નીતા કોની જોડે ભાગી ગઈ? સત્તર નંબર વાળાએ કારના પૈસા ક્યાંથી કાઢ્યા? આવા  હજારો- લાખો- કરોડો  પ્રશ્નો  ફણીધર નાગની જેમ ફેણ ફેલાવીને મારી સામે ડોલતાં હતાં. છેવટે મેં પ્રશ્નની સામે પ્રતિપ્રશ્ન નું હથિયાર કાશીબા ની સામે અજમાવી જોયું.
-કાશીબા, તમે આટલાં બધાં પ્રશ્નો શા સારુ પૂછો છો?
-હેં?  કંઈ નહીં, બસ, એમ જ.
-અરે, એમ જ તે કોઈ નકામા સવાલો પૂછે?
-પણ આ તો ખાલી બેઠાં હોઇએ એટલે એમ કે—
-પણ ખાલી બેસો છો શું કામ? માળા કરો, ભગવાનનું નામ લો, મંદિરે જાઓ, ભજન ગાઓ, સારાં પુસ્તકો વાંચો, સત્સંગમાં જાઓ.
-મારુ આવવું તને નહીં ગમતું હોય તો હવે નહીં આવું, બસ?
આમ મારાથી રીસાઈને તેઓ ચાલ્યા ગયા.
શોખ ખાતર શોખ અને કળા ખાતર કળા, તો વાંચેલું, પણ અહીં તો કાશીબાના ટાઈમપાસ માટે પ્રશ્નો હતાં. કહેવાય છે કે ઘડપણ એ બીજું બાળપણ છે. એ પરથી મને યાદ આવે છે કે મારો મોટો દિકરો જીગર પણ નાનો હતો ત્યારે ઘણા સવાલો પૂછતો. એમાંનો એક પ્રશ્ન મને હજી યાદ છે, મમ્મી ગોડની સરનેમ શું છે?’ એ વખતે એને શું જવાબ આપેલો તે યાદ નથી. અને મારી ભત્રીજી શ્વેતા જે હવે ફીઝીયોથેરાપીમાં માસ્ટર્સ છે, એ નાની હતી ત્યારે એણે એની મમ્મીને પૂછેલું, મમ્મી, પૃથ્વી પર જે લાસ્ટ માણસ મરશે એને સ્મશાને બાળવા માટે કોણ લઈ જશે?’ ભણતાં હોઈએ ત્યારે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે માનસિક રીતે સજ્જ હોઈએ પણ જિંદગીમાં પૂછાતાં આવા આવા વિકટ પ્રશ્નોનું શું કરવું?
ખેર, કાશીબાના પ્રશ્નોમાંથી મને તો મુક્તિ મળી હતી એટલે મને નિરાંત હતી. મેં લખવા-વાંચવામાં ધ્યાન પરોવ્યું. પણ વીસેક દિવસ પછી અમારી સોસાયટીમાં નવા રહેવા આવેલા મીનાબહેન મને મળવા આવ્યાં. થોડી પ્રારંભિક ઓળખાણ પછી એમણે કહ્યું, પલ્લવીબેન, આ કાશીબાથી તો તોબા તોબા. ગજબના પંચાતિયા છે. રોજ ઘરે આવી આવીને હજારો પ્રશ્નો પૂછી પૂછીને મને પરેશાન કરી મૂકી છે. સમજ નથી પડતી કે એમનાથી છૂટકારો શી રીતે થાય?’
એમના થી તો ભગવાન જ બચાવી શકે, શ્રી કૃષ્ણના શરણે જાવ.’,  હું મનોમન બોલી ઉઠી. 




No comments:

Post a Comment