જો મને લોટરી લાગે તો? પલ્લવી જીતેંદ્ર
મિસ્ત્રી.
‘કંઈ લાખો નિરાશામાં
એક અમર આશા છુપાઈ છે’ આ પંક્તિ કે વાક્ય લખનાર માણસ આશાવાદી જણાય છે. મને આશાવાદી માણસો ખુબ ગમે છે, કેમ કે હું પણ આશાવાદી જ છું. હું તો માનું છું
કે દરેક માણસ મૂળે તો આશાવાદી જીવડો જ હોય છે, પણ એને જીવનમાં થતાં રહેતાં કેટલાંક કડવા
અનુભવોને લીધે એ નિરાશાવાદી બની જાય છે.
માણસને પરિશ્રમ
દ્વારા મળેલી સંપત્તિ કરતાં, મફતમાં, ઈનામમાં,
વારસામાં કે લોટરીમાં મળેલી સંપત્તિ વધારે વહાલી લાગે છે. પેલી જાણીતી કહેવત, ‘મૂડી કરતાં વ્યાજ
વહાલું’ (દિકરા કરતાં
પૌત્ર વહાલો) માણસના આવા સ્વભાવને ધ્યાનમાં રાખીને જ બનાવી હશે. આપણા ભૂતપૂર્વ
મુખ્યમંત્રી ઈંદિરા ગાંધી ભલે કહી ગયા હોય,
કે- ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.’ પણ ધન કમાવવા માટે શ્રમ ઉપરાંત ઘણા વિકલ્પો છે.
‘લોભિયા હોય ત્યાં
ધૂતારા ભૂખે ન મરે’ એવી એક કહેવત મુજબ કેટલાક ધૂર્ત લોકો લોભિયા
લોકોને મૂરખ બનાવીને, શારિરીક પરિશ્રમ
કર્યા વિના ધન કમાય છે. એમાં સૌથી સરળ રસ્તો છે, ‘એક ના બે (ડબલ) કરી
આપવાનો’ ઘણી કંપનીવાળા
આમાં પૈસા રોકનારને ઠગી જાય છે. બીજો રસ્તો, ‘સોનાના દાગીના
ચમકાવી આપવાનો’ આમાં ઠગ લોકો
સોનાના અસલી ઘરેણાંને ચાલાકીથી નકલીમાં ફેરવી નાંખી ઘરેણાના બદલે એના ભોળા માલિકને ચમકાવી (રડાવી) નાંખે છે.
કેટલાક ઠગ લોકો
નકલી લગ્ન કરીને જીવનસાથીને છેતરીને એનું ધન પડાવી જાય છે. સુંદર છોકરીઓ પૈસાદાર
મૂરતિયા સાથે લગ્ન કરીને પછી છુટાછેડા લઈને ભરણ પોષણના નામે રૂપિયા પડાવીને શ્રમ
વગર ધન કમાય છે, તો સરકાર માઈ-બાપ ઇન્કમટેક્ષ દ્વારા ખુલ્લમ ખુલ્લા લોકો પાસે ધન
પડાવે છે.
ચોર લોકો
ચોરીછુપીથી અને લુંટારા લોકો ધાક-ધમકીથી લોકોના રૂપિયા પડાવી પોતાનો ગુજારો કરે
છે.
ઠગ : તમે રસ્તાની
પેલે પાર જઈ રહ્યા છો ?
રાહદારી : ના, કેમ
?
ઠગ : તો પછી મારે તમને અહીં લુંટવાનું જોખમ ઉઠાવવું પડશે.
જો કે આ બધી રીતે
ધન કમાવવામાં ભલે ઝાઝો શ્રમ ન પડે, પણ એના માટે
હિંમ્મત જોઈએ, બુધ્ધિ જોઈએ, કુશાગ્રતા જોઈએ, જોખમ ઉઠાવવાની હિમ્મત જોઈએ, ધન કંઈ એમ રસ્તામાં રેઢું થોડું જ
પડ્યું હોય? નસીબ વાંકા હોય તો ક્યારેક તો આ
રીતે કમાવા જતાં વળી ‘ધન’ ના બદલે ‘જેલ’ પણ મળી શકે છે.
‘ઈનામ’
મેળવવા તો જાણે
કે થોડી ઘણી મહેનત પણ કરવી પડે છે, ૧૯૯૭ ના વર્ષમાં મને મારા હાસ્યલેખના પ્રથમ પુસ્તક ‘હાસ્યપલ્લવ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી, હાસ્ય વિભાગનું બીજું ઈનામ પ્રાપ્ત થયું. અને પહેલું ઈનામ શ્રી રતિલાલ
બોરીસાગરને એમના પુસ્તક ‘એંજોયગ્રાફી’
માટે મળ્યું. બિમારીનું વર્ણન કરીને લોકોની સહાનુભૂતિ મેળવી શકાય, પણ ઇનામ પણ
મેળવી શકાય, એ જોઈને મને ખુબ આનંદ થયો,
એટલું જ નહીં પણ પ્રેરણા અને પ્રોત્સાહન પણ મળ્યું જેના થકી મેં આખું પુસ્તક તો
નહીં પણ એક લેખ, ‘માંદગી અને હાસ્ય’ લખ્યો. (જે મારા થોડામાંના થોડા વાચકોને ગમ્યો પણ ખરો)
ઇનામ
વિતરણ પછીના ભોજન સમારંભમાં રતિલાલભાઈને
મળીને મેં પૂછ્યું, ‘રતિલાલભાઈ,તમે ઈનામમાં મળેલી
આ રકમમાંથી શું લેવા ધારો છો?’ એમણે કહ્યું, ‘મેં હજી કંઈ વિચાર્યું નથી.’
આ સાંભળીને મને નવાઈ લાગી, કેમ કે મને તો જે દિવસથી ઈનામ
મળ્યાની જાહેરાત થઈ એ દિવસથી જ વિચારો આવવા માંડ્યા હતાં. ‘ઇનામની
રકમ આવશે ત્યારે હું એમાંથી શું લઈશ? સાડી લઉં? કે પંજાબીસૂટ લઉં?
કાનના સોનાના બુટિયાં લઉં? કે પછી જે ઈનામે મારા નાકની શોભા
વધારી છે, તે નાક માટે હીરાની ચૂંક/ જળ
લઉં?’ એક હરખ પદૂડી હું અને એક આ સ્થિતપ્રજ્ઞ રતિલાલભાઇ....
થોડીવાર
ની ધીરજ પછી મેં રતિલાલભાઈને ફરી પૂછ્યું, ‘રતિલાલભાઈ, હવે તો કહો, તમે
શું લેશો?’ ‘હું ઊંધિયું લઈશ.’ એમણે જવાબ આપ્યો. ‘હેં, તમને ઊંધિયું એટલું બધું ભાવે છે, કે -, ઇનામની રકમમાંથી તમે ઊધિયું લેશો?’ મેં નવાઈથી એમને પૂછ્યું. ‘ના, ના. હું તો અત્યારે જમવામાં ઊધિયું લેવાનું વિચારતો હતો’ કહીને તેઓ ઊધિયું
લેવા ગયા,લઈને પાછા મારી પાસે આવ્યા અને બોલ્યા, ‘પલ્લવીબહેન, ઘણા સમયથી હું
અમુક પુસ્તકો લેવાનું વિચારતો હતો, પણ મેળ પડતો નહોતો. હવે આ
ઈનામનાં નાણા મળ્યાં છે, તો તેનાથી હું પુસ્તકો લઈશ.’
મને
એમનો આ વિચાર ખુબ જ ઉમદા લાગ્યો, પણ એક અમદાવાદી જીવ તરીકે પુસ્તકો ખરીદીને વાંચવાની વાત મારા ગળે ન ઉતરી.
જો કે મેં પોતે પણ મારા પુસ્તકની મને મળેલી ફ્રી કોપીઓ ઉપરાંત બીજી ઘણી કોપીઓ ખરીદીને
મિત્રો અને સગા- સંબંધીઓમાં વહેંચી છે, પુસ્તકની રોયલ્ટીની
રકમ તો એમાં જ વપરાઈ ગઈ એટલું જ નહીં, એ ઉપરાંતની રકમ પણ ખિસ્સામાંથી જોડવી પડી. એટલે
આ અણધારી મળેલી ઇનામની રકમ કયા શોખ માટે વાપરું તે હું વિચારી રહી હતી.
આ તો
ઈનામની રકમ, થોડીઘણી મહેનતનું પરિણામ. પણ ધારો કે કોઈ રકમ મફત મળે તો? તમને ગમે કે નહીં? ચાલો, સાવ
મફત નહીં, પણ ધારો કે ૧૦૦૦ રૂપિયાના રોકાણમાં દસ કરોડ રૂપિયા
મળે તો? તો તમને મજા પડી જાય કે નહીં?
મેં પણ એકવાર દસ કરોડ રૂપિયાનું ઇનામ મેળવવા ૧૦૦૦ રૂપિયાની લોટરીની ટિકીટ ખરીદી.
એનો નંબર ડાયરીમાં નોંધી લીધો. પછી એ ટિકીટને પ્લાસ્ટિકના ટ્રાસ્પેરન્ટ કવરમાં પેક
કરીને તિજોરીના ખાનામાં સંભાળીને મૂકી દીધી. બસ, પછી તો મને
દિવસ અને રાત એના જ સ્વપ્ન આવવા માંડ્યા.
જો
મને દસ કરોડ રૂપિયાની લોટરી લાગી જશે, તો હું કરોડપતિ બની જઈશ. આ કરોડ રૂપિયા મૂકવા એક સ્ટ્રોંગ તિજોરી લેવી
પડશે. પણ એમાંથી હું બીજું શું શું લઈશ? પહેલાં તો એક
નાનકડો મજાનો બગીચાવાળો, સેન્ટ્રલી એ.સી. હોય એવો બંગલો ખરીદીશ, એમાં સાદું પણ આધુનિક ફર્નિચર કરાવીશ, એ બંગલાનું નામ હું ‘લોટરી વીલા’ રાખીશ. પછી એક એસયુવી કાર ખરીદીશ, શોફરડ્રીવન
કારમાં બેસીને હું આશ્રમ રોડ પર શોપિંગ કરવા જઈશ. ‘આસોપાલવ’ માંથી હું સિલ્કની સાડીઓ ખરીદીશ, ‘જોયા લુક્કાસ’ માંથી હું ઘરેણાં ખરીદીશ, ‘લીબર્ટી’ માંથી હું એ બધાંની મેચિંગ ચપ્પલ, સેંડલ ખરીદીશ, ‘હોલમાર્ક’ માંથી મનગમતું પર્ફ્યુમ ખરીદીશ, ’સફારી’માં થી એના મેચિંગ પર્સ લઈશ, ‘અંબિકા’ માંથી બેંગલ્સ અને
હેરપીન લઈશ, ’સુરભિ’ માંથી કોસ્મેટીક્સ લઈશ.
આ
બધું સોહાવીને હું જ્યારે ટી.વી. પર ઈન્ટરવ્યુ આપવા જઈશ, ત્યારે કેવી સોહામણી
લાગીશ! (મણી કેવી સોહામણી! વાહ વાહ !)
મારી બધી બહેનપણીઓ મારાં કપડાં, ઘરેણા, ચપ્પલના વખાણ કરશે, અને આ બધું ક્યાંથી લીધું એ
બાબતે પૂછપરછ કરશે. જયલલિતાજી હવે આપણી વચ્ચે રહ્યા નથી, નહીતર મારું કલેક્શન
જોઇને, એમને એમના કલેક્શન માટે ‘ઇન્ફીરીઓરીટી કોમ્લેક્સ’ થઈ જાત.
હું
તો પછી મારા સમગ્ર પરિવારને લઈને ‘વર્લ્ડટુર’ પર જઈશ, અને પછી પ્રસિધ્ધ હાસ્યલેખક સ્વર્ગસ્થ
શ્રી તારક મહેતાની ‘આહ
અમેરિકા વાહ અમેરિકા’ ની જેમ, મારી ‘આહ દુનિયા વાહ દુનિયા’ એ નામે, રસપ્રદ અનુભવોનું પ્રવાસ વર્ણન કરતી બુક લખીશ. એ
બુકને જે ઇનામ મળશે,એમાંથી હું અન્ય લેખકોના પુસ્તકો ખરીદીને
વાંચીશ, આમ ભૌતિક સુખ સંપત્તિની સાથે સાથે હું મારી જ્ઞાનસંપત્તિને પણ સમૃધ્ધ
કરીશ.
કેટલાક
લોકો કહે છે, કે- ‘પૈસો જ સર્વ દુ:ખોનું મૂળ છે’ અને કેટલાક લોકો કહે છે, કે- ‘પૈસો જ સર્વ દર્દની દવા છે.’ આ બે માંથી સાચું શું
છે, એની માથાકૂટમાં પડ્યા સિવાય હું જરૂરિયાત વાળા લોકોને
પૈસાની મદદ કરતી રહીશ. અને હા, હાસ્યલેખો લખવાનું તો હું
મારા વાચકોના હિત ખાતર પણ ચાલુ રાખીશ, અને એના પુરસ્કારમાંથી મળતાં પૈસામાથી (જો
પૈસા મળશે તો) હું કાયમ લોટરીની ટિકીટો ખરીદતી રહીશ. મારી વાત છોડો, વાચકમિત્રો,
તમને દસ કરોડની લોટરી લાગે તો તમે શું કરશો ?
No comments:
Post a Comment