Wednesday 25 October 2017

માય ફેમિલી.

 માય  ફેમિલી.                    પલ્લવી. જીતેંદ્ર મિસ્ત્રી.

-માય બેબી, માય સ્વીટહાર્ટ, મારુ વ્હાલુ વ્હાલુ બેટુ, સ્કુલેથી આવી ગયું?
સોસાયટીના નાકે સ્કુલ બસ ઉભી રહી એટલે અંદરો-અંદર વાતો કરી રહેલી બે-ત્રણ મમ્મીઓ આગળ વધી અને પોતપોતાના સંતાનોને લઈ લીધા. સ્વાતિએ પણ એના દિકરા સની (સૌમિલ) ને લેતા ઉપર મુજબનુ વાક્ય કહ્યું. એક ક્ષણ તો મમ્મીની પ્રેમવર્ષા (લટુડા-પટુડા) થી સની ખુશ થયો, પણ પછી એના દોસ્તોની હાજરીના કારણે જરા અચકાયો અને થોડી નારાજગી દર્શાવી, ધીરે રહીને મમ્મીના કાનમા કહ્યું, ડોન્ટ ટેલ મી બેટુ બેટુ મોમ. આઇ એમ એ બીગ બોય નાવ.’
પેન્ટ-ટી-શર્ટમા સજ્જ, સ્ટેપ કટ વાળ, હાઇ હીલના સેંડલ પહેરેલી આ મોર્ડન મમ્મીએ એના નર બચ્ચા (દિકરા) ને નાન્યતર જાતિ (બેટુ) ના સંબોધનથી આવકારી, પોતાની સો કોલ્ડ ઊભરાઇ જતી ફિલીન્ગ્સને દિકરા પર ઢોળી, તેથી નારાજ થયેલા દિકરાએ મમ્મીને જાહેરમા ખાનગી રીતે ટોકી. સામાન્ય સંજોગોમા, નાના-મોટાનુ ભાન રાખ્યા વગર,  ફટાકડાની જેમ ફૂટતી, વાઘણની જેમ ગર્જતી, આ સબળા નારી, ના જાણે કેમ દિકરા આગળ નરમ પડી. (જેને કોઇ ના પહોંચે, એને એનુ પેટ પહોંચે) એણે ધીરેથી કહ્યું,
-     ઓહ! સોરી માય સન. આઇ ફરગેટ ધેટ યુ આર એ બીગ બોય નાવ.
-     ઇટસ ઓકે મોમ.
ઉદાર  દિલ દિકરાએ મમ્મીને તરત માફી પણ આપી દીધી. મમ્મીએ દિકરાની સ્કુલબેગ અને વોટરબોટલ ઉંચકી લીધી. દરેક મા (પછી તે અભણ-ગામડીયણ હોય કે ભણેલી-ગણેલી શહેરી હોય)  પોતાના સંતાનો નાના હોય ત્યારે એમના ભારને શક્ય હોય એટલો ઓછો કરવાની ટ્રાય કરે જ છે. પણ કેટલા સંતાનો મોટા થઈને મા-બાપનો ભાર હળવો કરવાની ટ્રાય કરે છે?
-સની, બેટા. આજે ટીચરે શું હોમવર્ક આપ્યું છે?  મમ્મીએ ઘરે જઈને પૂછ્યું.
-મમ્મી, આજે મારા ગુજરાતીના ટીચરે, મારું કુ..કુ...કુ...
-મારુ કુ... કુ... કુ... એ શું?
-જો ને મોમ, નોટમા આ શું લખ્યું છે?
-કુટુંબ. મારુ કુટુંબ.
-હા, એ જ સબ્જેક્ટ પર મારે શોર્ટ એસે લખવાનો છે.
-ફાઇન, હાથ-પગ ધોઇ લે. નાસ્તો કરી લે અને પછી હોમવર્ક કરી લે.
-પણ, મોમ. મને તો એ લખતા નથી આવડતું. તું લખાવીશ ને? 
-બેબી, તું ગુજરાતીના ક્લાસમા પણ જાય છે, અને સારા માર્ક્સ પણ તો લાવે છે. તને ગુજરાતી લખતાં આવડે  તો છે.
આ મોર્ડન મમ્મી પોતાના ઇંગ્લીશ મીડીયમમા ભણતાં દિકરાને વીકમા બે દિવસ ગુજરાતીના ક્લાસમા મોકલતી. ગુજરાતીઓ ગુજરાતીનું મહત્વ સમજે અને પોતાના સંતાનોને સમજાવે તે સારી વાત છે. પણ અહીં તો ચડસા-ચડસી જામી છે.  ભલા, ઉસકી કમીઝ, મેરી કમીજ સે સફેદ કૈસે?’ ની જેમ એનો દિકરો મારા દિકરા કરતા સ્માર્ટ કેમ?’ એ હિસાબે બધી  મોર્ડન મમ્મીઓ પોતાના સંતાનોને સ્કુલ ઉપરાંત ડ્રોઇંગ, સ્વીમીંગ, ડાન્સ, મ્યૂઝિક,  પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા ક્લાસીસમા મોકલે. સંતાનો જાણે પ્રદર્શનનું માધ્યમ ના હોય? અને એમના બાળપણની તો ઐસી કી તૈસી. છોકરાઓ એમનામા બીઝી અને મા-બાપ પોત-પોતાનામા બીઝી.  (ફેસબુક-વોટ્સ-અપ-ટ્વીટર)   નો ટાઇમ, આઇ એમ વેરી બીઝી, યુ નો?’
-પણ, મમ્મા. મને કુ..કુ..કુ..
-કુટુંબ.
-હા. એટલે શું તે નથી ખબર ને? (તો અહીં તારી મોમને ય ક્યાં ખબર છે, દિકરા?)
-ડાર્લિંગ, કુટુંબ એટલે ફેમિલી. મારુ કુટુંબ એટલે માય ફેમિલી. ચાલ હું તને લખાવું?
-નો મોમ..આઇ એમ એ બીગ બોય, નાવ.એ તો હું લખી નાંખીશ. હમણા હું નીચે સોસાયટીમા  રમવા જાઉં?
-જા. પણ જલ્દી આવી જજે. આવીને હોમવર્ક કરી લેજે. કાલે સવારે તારે ડ્રોઇંગના ક્લાસમા જવાનુ છે.
-ઓકે, મોમ.
સની નો મારુ કુટંબ એટલે કે માય ફેમિલી. નો નિબંધ નીચે મુજબ :
માય ફેમિલી:
મારુ નામ સૌમિલ છે પણ મોમ-ડેડ  પ્યારથી મને  સની કહે છે. મોમ-ડેડ મને બહુ જ લવ કરે છે અને હું પણ મોમ-ડેડને બહુ જ લવ કરું છું. મારા ફેમિલીમા અમે થ્રી પર્સન છીએ. મોમ-ડેડ અને સની એટલે કે હું. જો કે આમ તો આ ફેમિલી મારા ડેડનું કહેવાય. ડેડ પોતે, એમના વાઇફ એટલે કે મમ્મી અને સની એટલે કે હું. મારુ ફેમિલી તો હું મેરેજ કરીશ ત્યારે થશે. અત્યારે તો હું નાઇન ઇયર્સ (૯ વર્ષ ) નો છું. પણ હું  ટ્વેંટીફાઇવ ઇયર્સ (૨૫ વર્ષ ) નો થઈશ એટલે હું મેરેજ કરીશ. મેરેજ પછી મને પણ સન થશે અને પછી મારું ફેમિલી (હું, મારી વાઇફ અને મારો સન.)  હશે.
હા, તો ડેડના ફેમિલીમા અમે ત્રણ જણ. અમે બધ્ધા એક-બીજાને બહુ લવ કરીએ. મારા ડેડી સવારે વહેલા ઓફિસમા જાય તે રાત્રે મોડા ઘરે આવે. આખો દિવસ ખુબ મહેનત કરે. કોઇ વાર તો સંડેના પણ ઓફિસ જાય અથવા ઘરેથી લેપટોપમા ઓફિસનું કામ કરે અને અમારા માટે ખુબ બધા પૈસા લાવે. મારી મોમ કહેતી હતી કે, ‘‘તારા ડેડી ખુબ જ બ્રીલિયંટ અને હાર્ડવર્કિંગ છે. આ બીગ ફ્લેટ, ફર્નિચર, બીગ કાર્સ, ઓરનામેંટ્સ વગેરે એમણે  જાત-મહેનતથી મેળવ્યું છે. તારા ડેડી તો સેલ્ફમેઈડ છે.’’ હું પણ મારા ડેડીની જેમ જ મોટો થઈને મહેનત કરીશ, ખુબ બધા પૈસા કમાઇશ અને સેલ્ફમેઈડ બનીશ. ડેડી જેમ એમના ફેમિલીને હેપ્પી રાખે છે, એમ જ હું પણ મારા ફેમિલીને હેપ્પી રાખીશ.
મારા ડેડ કહેતા હતા કે, તારી મમ્મી બહુ હોંશિયાર છે, સ્માર્ટ છે. હું મારા માટે મમ્મી જેવી જ વાઇફ લાવીશ. મોમ અમારા થ્રી સર્વન્ટની હેલ્પથી આખા ઘરનું મેનેજમેન્ટ સંભાળે છે, એમની પાસે કામ-કાજ કરાવે છે.  અને એક કૂકની મદદથી અમારા માટે બ્રેકફાસ્ટ-લંચ-ડીનર બધું બનાવે છે. મોમ- મને ને ડેડને બહુ લવ કરે છે, એટલે અમારુ ભાવતુ ખાવાનુ બનાવે છે. મારી વાઇફ પણ મારા અને મારા સનને બહુ લવ કરશે અને અમારા બન્ને માટે ખાવાનુ બનાવશે. જેમ મોમ ડેડના ફેમિલીને સાચવે છે, તેમ જ મારી વાઇફ પણ મારા ફેમિલીને સાચવશે.
મોમ કહેતી હતી કે મારા મોમ-ડેડ, એ બન્ને એ એકબીજાને જાતે પસંદ કરીને લવમેરેજ કરેલા. હું અને મારી વાઇફ પણ એકબીજાને જાતે પસંદ કરીને લવમેરેજ કરીશું. અત્યારે જેમ અમારા ઘરે મારા મમ્મીના મમ્મી-પપ્પા (નાના-નાની)  અને મારા ડેડીના મમ્મી-પપ્પા (દાદા-દાદી) થોડા દિવસ માટે અમારા ઘરે આવીને રહે છે, અને મને ખુબ મઝા પડે છે, એમ જ મારા ઘરે મારી વાઇફના મમ્મી-પપ્પા કે મારા મમ્મી-પપ્પા થોડા દિવસ માટે રહેવા આવશે ત્યારે મારા સનને ખુબ મઝા પડશે. 
ડેડ એમના ફેમિલી (મોમ અને હું) ને લઈને, પ્લેનમા બેસાડીને ઇંડિયા કે ઇંડિયાની બહાર ફરવા લઈ જાય છે, ફાઇવસ્ટાર હોટેલમા રાખે છે અને બહુ બધું શોપિંગ કરાવે છે, તેમ હું પણ મારા ફેમિલી (મારી વાઇફ અને મારો સન) ને બહુ જ મઝા કરાવીશ. મારા મોમ-ડેડ એમના અને મારા માટે   બ્રાન્ડેડ  વસ્તુઓ જ ખરીદે છે. મારી પાસે આખું કપ-બોર્ડ ભરીને ટોય્ઝ અને કપ-બોર્ડ ભરીને કપડાં છે. એવું જ બધું મારા સન પાસે પણ હશે.
મારા ડેડ તો બહુ બીઝી રહે છે અને સાયલન્ટ પણ રહે છે. પણ મારી મોમ તો એની  ફ્રેંડ્સ સાથે, એના રીલેટીવ્સ સાથે બહુ બધી વાતો કરે છે. મોમ તો વોટ્સ-એપ પર અને ફેસબુક પર અમારા પીક્સ પણ શેર કરે. નાના-નાની અને દાદા-દાદી એ જોઇને બહુ ખુશ થાય અને  લાઇક  પણ કરે. હું તો મોટો થઈને ડેડીની જેમ બહુ બીઝી અને સાયલંટ થઈશ. પણ મારી વાઇફ મોમની જેમ અમારા ફોટા શેર કરશે અને એના મોમ-ડેડ અને મારા મોમ-ડેડ એ જોઇને ખુશ થશે અને લાઇક પણ કરશે.
મારા મોમ-ડેડ પાસે ન્યુ મોબાઇલ્સ , ન્યુ બીગ હાઉસ અને મસ્ત બીગ કાર્સ છે. મારી અને વાઇફ પાસે પણ એ બધું હશે. પણ  મારા નાના-નાની અને દાદા-દાદી  પાસે  તો જુના મોબાઇલ્સ, જુનુ સ્મોલ હાઉસ  અને જુની સ્મોલ કાર છે. મોમ કહેતી હતી કે- એ  તો દાદા હવે રિટાયર્ડ થઈ ગયા અને એમને હવે ઓફિસમા જવાનુ નહી એટલે એમને નવાની શું જરુર?’. મારા ડેડી પણ રિટાયર્ડ થશે, એમને પણ ઓફિસમા જવાનુ નહી હોય ત્યારે એમને પણ નવાની જરુર નહી પડે, એટલે  એમની પાસે પણ બધી વસ્તુ  સ્મોલ અને ઓલ્ડ હશે.
મારા ડેડી એમના ફેમિલીને બહુ લવ કરે છે, બહુ કેર કરે છે, તેમ જ હું પણ મારા ફેમિલીને બહુ બહુ બહુ  લવ કરીશ. અને બહુ બહુ બહુ કેર કરીશ. આફ્ટર ઓલ, ઇટ વીલ બી માય ફેમિલી.

 મોમ-ડેડ અને મારા મોમ-ડેડ એ જોઇને ખુશ થશે અને લાઇક પણ કરશે.
મારા મોમ-ડેડ પાસે ન્યુ મોબાઇલ્સ , ન્યુ બીગ હાઉસ અને મસ્ત બીગ કાર્સ છે. મારી અને વાઇફ પાસે પણ એ બધું હશે. પણ  મારા નાના-નાની અને દાદા-દાદી  પાસે  તો જુના મોબાઇલ્સ, જુનુ સ્મોલ હાઉસ  અને જુની સ્મોલ કાર છે. મોમ કહેતી હતી કે- એ  તો દાદા હવે રિટાયર્ડ થઈ ગયા અને એમને હવે ઓફિસમા જવાનુ નહી એટલે એમને નવાની શું જરુર?’. મારા ડેડી પણ રિટાયર્ડ થશે, એમને પણ ઓફિસમા જવાનુ નહી હોય ત્યારે એમને પણ નવાની જરુર નહી પડે, એટલે  એમની પાસે પણ બધી વસ્તુ  સ્મોલ અને ઓલ્ડ હશે.
મારા ડેડી એમના ફેમિલીને બહુ લવ કરે છે, બહુ કેર કરે છે, તેમ જ હું પણ મારા ફેમિલીને બહુ બહુ બહુ  લવ કરીશ. અને બહુ બહુ બહુ કેર કરીશ. આફ્ટર ઓલ, ઇટ વીલ બી માય ફેમિલી.



No comments:

Post a Comment