Wednesday 11 October 2017

પુરુષોના દેખાવ અને પગાર.

પુરુષોના  દેખાવ અને પગાર.               પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

ભારતમાં પ્રોફેસરો માટે ભુલકણા શબ્દ અને એને લગતી એક જોક બહુ જ પ્રચલિત છે.
એક ભુલકણા પ્રોફેસરને એમની પત્ની બજારમા મળી ગઈ, તો એને જોઇને માથું ખંજવાળીને પ્રોફેસર બોલ્યા, માફ કરજો મેડમ, મને અત્યારે તમારું નામ નથી યાદ આવતું, પણ મેં  તમને ક્યાંક જોયા હોય એમ લાગે છે. એ મેડમ પત્નીએ એના ભુલકણા પ્રોફેસર પતિને માફ કર્યા કે નહી તે જાણવા નથી મળ્યું. પરંતુ ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર એંડ્રુએ પુરુષોના દેખાવ અને એમના પગાર વિશે જે રસપ્રદ સંશોધન કર્યું છે તે જાણીને ઘણા દેખાવડા પુરુષો પ્રસન્ન થયા છે.
ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટી ખાતે ઇકોનોમિક્સના ભૂતપૂર્વ પ્રોફેસર એંડ્રુ લેહ અને યુનિવર્સિટી મેલબોર્નના જેફ બોર્લેન્ડે એક રસપ્રદ સંશોધન કર્યું છે, અને તે એ છે કે, સામાન્ય કરતા દેખાવડા પુરુષો  ૨૨% વધુ કમાણી કરે છે. આ પ્રોફેસરે મહિલાઓ માટે કહ્યું કે,’દેખાવડા પુરુષોની ૨૨% વધુ કમાણીવાળું ગણિત દેખાવડી મહિલાઓ માટે કામ કરતું નથી.
પર્સનલી મારું માનવું છે કે, મહિલાઓ માટે માત્ર દેખાવનું ગણિત જ નહીં, કોઇ પણ ગણિત કામ કરતું નથી. અરે! માત્ર ગણિત જ શું કામ, મહિલાઓ માટે તો કોઇ પણ શાસ્ત્ર [ઇતિહાસ- ભૂગોળ-નાગરિક] અને કોઇ પણ શસ્ત્ર [શામ-દામ-દંડ-ભેદ] કામ નથી કરતાં. અને એટલે જ કોઇક ડાહ્યા માણસે કહ્યું છે કે, પુરુષોને તમે પ્રેમ નહી કરશો તો ચાલશે, તમે માત્ર એમને સમજો. પરંતુ સ્ત્રીઓને તમે માત્ર પ્રેમ કરો, સમજવાની કોશિષ ક્યારેય કરશો નહીં.
પંદર વર્ષના લગ્ન જીવન પછી એક સ્ત્રીએ એના પતિને પૂછ્યું, હું કેવી લાગું છું તેનુ વર્ણન તમે મને જોઇને કરો. આ સાંભળીને પતિ  આશ્ચર્યથી અને અપલક નેત્રે એની પત્નીને તાકી રહ્યો અને પછી એકશ્વાસે બોલી ગયો,’ ABCDEFGHIJK…’  પત્ની પહેલા તો નવાઇથી એને જોઇ રહી, પછી બોલી, તમે કહેવા શું માંગો છો?’ પતિ બોલ્યો,’ Adorable, Beautiful, Cute, Delightful, Elegant, Fashionable, Great, Hot.’  પત્ની પતિના જવાબથી અત્યંત ખુશ થઈ અને  બોલી, અને IJK  શું?’  પતિ બોલ્યો, ‘I am Just Kidding.’ [આ શબ્દો પછી એ દ્રશ્ય પરથી  પર્દો પડી ગયો એટલે પછીથી સંસાર નામના સ્ટેજ પર કયું દ્રશ્ય ભજવાયું તે જાણી શકાયું નહીં. પરંતુ જે કંઇ હશે તે કરુણ જ હશે એમ કલ્પના કરવાથી જાણી શકાય છે.]
બધી સ્ત્રીઓ કંઇ સુંદર લાગતી નથી હોતી.પણ બધી જ સ્ત્રીઓને સુંદર દેખાવાનું ગમે છે, તે હકીકત નિર્વિવાદપણે સત્ય અને સ્વીકાર્ય છે,  કેમ કે  પુરુષોને સુંદર સ્ત્રીઓ જોવી વિશેષ ગમે છે.
 વિદ્વાનોના મત મુજબ માત્ર ૧૦% સ્ત્રીઓ જ,  ના કજરે કી ધાર, ના મોતીઓં કે હાર, ના કોઇ કિયા શિંગાર ફિર ભી કિતની સુંદર હો.(મધુબાલા ટાઇપ) એવી સુંદર Natural Beauty એટલેકે નૈસર્ગિકરુપે સુંદર હોય છે. બાકીની ૯૦% સ્ત્રીઓ તો જાતમહેનતે સુંદર બનેલી હોય છે. એમને આ કામમાં બ્યુટીપાર્લરવાલા ખાસ મદદ કરે છે. આ કળામા માહેર(Expert)  બ્યુટીપાર્લરવાળા  સ્રીઓ પર એવી તો કમાલ કરે છે કે, મેકઅપ બાદ તમે તમારી જ સ્ત્રીને પણ ના ઓળખી શકો. એક બ્યુટીપાર્લરની બહાર બોર્ડ લગાવ્યું હતું, અમારે ત્યાંથી નીકળતી સુંદર યુવતિને જોઇને સીટી મારશો નહી, કેમ કે એ તમારી દાદીમા પણ હોય શકે છે.
પ્રોફેસર એંન્ડ્રુ કહે છે કે, પુરુષોના દેખાવની અસર ૨૨% વધુ કમાણીમા દેખાય છે, તે શ્રમિક શ્રેણીના કામદારોથી લઈને ઉચ્ચ પગાર ધોરણ ધરાવતી પ્રોફેશનલ કારકિર્દી જેવી તમામ પ્રકારની નોકરીમા થાય છે. અહીં મને ફિલ્મજગતની એક અભિનેત્રી યાદ આવે છે, જે પોતાના ડ્રાયવર તરીકે દેખાવડા અને યુવાન વ્યક્તિને જ પસંદ કરે છે.
પ્રોફેસરના સર્વેમા ભલે જાહેર થયું હોય કે સ્ત્રીઓના સુંદર દેખાવની અસર એમની કમાણી પર નથી થતી. પણ એની અસર પુરુષોની કમાણી પર ડાયરેક્ટ અથવા ઇન્ડાયરેક્ટ થાય જ છે અને તે પણ નેગેટીવ અસર થાય છે. જો સુંદર દેખાવાનો પ્રયત્ન પુરુષની પોતાની સ્ત્રીએ એટલે કે એની પત્નીએ કર્યો હોય તો  એ સૌંદર્ય પ્રસાધનોની ખરીદીને કારણે પતિને એની ખરાબ અસર થાય છે. અને જો એવો પ્રયત્ન બીજાની પત્નીએ કર્યો હોય તો એનુ ધ્યાન પોતાની તરફ દોરવા, એને રાજી કરવા---Flowers, Cards, Perfume, Jewelry-- જેવી ભેટ આપવી, ફરવા લઈ જવી, ડિનર પર લઈ જવી, વગેરેમા પુરુષની કમાણી ઉપર એની નેગેટીવ અસર થાય છે.
એક ક્લબના સ્વીમીંગપુલના સાઇડના ચેંજીંગ રુમમા મોબાઇલની રીંગ વાગે છે. ત્યાં હાજર ત્રણ-ચાર પુરુષોમાથી એક જણ મોબાઇલ ઉપાડે છે.
-હલ્લો, મોલમા છું, મોબાઇલ સરસ છે, ફક્ત ૫૦ હજારનો છે, લઇ લઊં?
-હા, લઈ લે ને.
-અને હા, એક ડાયમંડ સેટ ગમ્યો છે, ૨ લાખનો છે, લઈ લઊં?
-જે જોઇતું હોય તે લઇ લે.
-થેંક્સ ડીયર. બાય બાય.
મોબાઇલ પાછો મૂકતા એ પુરુષ પૂછે છે, આ મોબાઇલ કોનો છે?’
પ્રોફેસર એંડ્રુના સર્વેમા ભલે એ વાત પુરવાર નથી થતી કે સુંદર દેખાતી મહિલાઓને પણ વેતન વધારે મળતું હોય છે. પણ એ પોતે પર્સનલી માને છે કે એ વાત સાચી છે. સુંદર મહિલાઓ સૌના-ખાસ કરીને પુરુષોના આકર્ષણનું કેંન્દ્ર બને છે. ઘણા પુરુષો માને છે, કે મહિલાઓમા સુંદરતાની સાથે સાથે બુધ્ધિમતા એટલે કે ‘Beauty with Brain.’ ભાગ્યે જ જોવા મળે છે. પણ આજકાલ સુંદર યુવાન મહિલાઓ જે રીતે દેખાવડા કરતાં પણ ધનવાન પુરુષોને લગ્ન માટે પસંદ કરે છે, તે જોતાં લાગે છે, કે યુવતિઓમા પોતાની બ્યુટીની વેલ્યુ સમજવાની અને એને યોગ્ય રીતે વટાવવા જેટલી બુધ્ધિમતા તો છે જ.  જ્યારે સુંદર સ્ત્રીઓને જોઇને  ઘણા પુરુષો જે બબૂચકવેડા કરે છે, તે જોતાં એમની બુધ્ધિમતા કે વિવેકબુધ્ધિ પર શક થયા વગર રહેતો નથી.
સુંદર સ્ત્રીને જોઇને જ્યારે કોઇ  પુરુષ ગીત ગાય,
સુંદર હો ઐસી તુમ જંહા ચલો એક્બાર....રાહોમે ગલીઓમે ખીલે બસંતબહાર...કી ઇંન્સા ક્યા,  દેવતા ક્યા સભી કો તુમ સે પ્યાર....
હે સુજ્ઞજનો, જરા વિચારો, કે જેના એકવાર ચાલવાથી બસંત-બહાર આવતી હોય તો  ભારત-સરકાર  એને વિકાસખાતામા જ ઉંચા પગારે ભરતી ના કરી દે? પછી તો દુકાળગ્રસ્ત વિસ્તારમા એને મોકલે ને એ ય ને બધે  લીલાલ્હેર લીલાલ્હેર!  થોડી બુધ્ધિ ઠેકાણે રાખીને જો ગાતા પહેલા વિચારે તો ખ્યાલ આવે કે અત્યારે જે તું ગાઇ રહ્યો છે,  સભી કો તુમ સે પ્યાર..  તે એવું સાચ્ચે જ જો  થાય તો તું પાગલ થઈ જાય કે નહિં? પણ લગ્ન પહેલાં સ્ત્રીને જોઇને પુરુષ જે ખીલે છે, જે ખીલે છે..વચનેષુ કિં દરિદ્રતાં? બોલવામા વળી શી કંજુસી?’ અને લગ્ન પછી...?
પત્ની: લગ્ન પહેલાંતો તમે બહુ વચનો આપેલા. તારા માટે આકાશમાંથી  ચાંદ-તારા લઈ આવું. અને હવે ગલીને નાકેથી બટેટા મંગાવુ છું તો ય લાવી આપતા નથી.
પતિ: તેં કોઇ માછીમારને જાળમાં સપડાયેલી માછલીને દાણા નાંખતો જોયો છે?

પ્રોફેસર એંન્ડ્રુ નો સર્વે ભલે ગમે તે તારણ કાઢે. પણ માનવ સહજ સ્વભાવ કહે છે કે,  દેખાવડા પુરુષોની જેમ જ દેખાવડી સ્ત્રીઓને પણ નોકરી જલ્દી મળે છે, પગાર સારો મળે છે, બોનસ વધુ મળે છે, પ્રમોશન પણ ફટાફટ મળે છે, એટલું જ નહીં પણ સુંદર સ્ત્રીઓને જીવનસાથી પણ જલ્દી અને સારો મળે છે.

1 comment:

  1. પલ્લવી બહેન,આપના લેખ મેઇલ દ્વારા મળતા રહે છે.હળવી પણ અભ્યાસપૂર્ણ વાતો વાંચવી ગમે છે. પહેલી વાર જ પ્રતિભાવ પાઠવી રહ્યો છું. ધન્યવાદ. વાચતો રહીશ.
    પ્રવીણ શાસ્ત્રી.

    ReplyDelete