Tuesday, 24 January 2017

મફતમાં બોલતા વક્તાને તો માઈક પણ નથી સાંભળતું.

મફતમાં બોલતા વક્તાને તો માઈક પણ નથી સાંભળતું.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જે વસ્તુની કિંમત ઊંચી ન હોય, એની ક્વોલિટી શી રીતે ઊંચી હોવાની? સસ્તામાં મળતી કે સહેલાઈથી ઉપલબ્ધ થતી ચીજ પ્રત્યે લોકોને ખાસ આકર્ષણ હોતું નથી. સસ્તામાં કે મફતમાં મળતી ચીજવસ્તુની ક્વોલિટી પ્રત્યે લોકોને આશંકા થાય એ સાવ સ્વાભાવિક છે.
કોઈ પણ વસ્તુની કેવી અને કેટલા પ્રમાણમાં પ્રશંસા કરવી એનો આધાર એની કિંમત અથવા એ કોણે ખરીદી છે એના પર રહેલો છે. દાખલા તરીકે – બેંકનો કોઈ કલાર્ક કે પટાવાળો મારુતિકાર ખરીદે તો એની પ્રશંસા કરતાં પહેલાં આપણને એ વિચાર આવે કે ‘આટલા પૈસા એ ક્યાંથી લાવ્યો હશે?’ એની પ્રમાણિકતા પર આપણને શક થાય. જ્યારે કોઈ ધનવાન વર્ષોપુરાણું કારનું જૂનું ખખડધજ મોડલ ખરીદે તો પણ આપણે કહીએ ‘વાહ! શું ક્લાસિક મોડેલ છે, બહુ ઊંચી ચોઈસ છે.’
ગુજરાત સમાચારની લોકપ્રિય કૉલમ ‘બુધવારની બપોરે’ ના પ્રખ્યાત લેખક શ્રી અશોક દવે કહે છે, ‘હું જ્યારે મફત પ્રવચન આપવા જતો ત્યારે મને આમંત્રણ આ રીતે મળતું – તમારું પ્રવચન અમુક દિવસે, અમુક સમયે, અમુક  હોલમાં રાખ્યું છે. બની શકે તો કલાકેક વહેલા આવી જજો.’ હવે જ્યારે હું  પ્રવચન કરવાના પણ પૈસા (અને તે પણ રીસ્પેકટેડ એમાઉન્ટ) લઉં છું, ત્યારે આયોજકો તરફથી આમંત્રણ આ પ્રકારે મળે છે, ‘સાહેબ, આપનું પ્રવચન રાખવાનો વિચાર છે, પુરષ્કાર આપ કહો તે, આપને  કયો દિવસ - કયો સમય ફાવશે? સ્થળ તમે કહેશો તે રાખીશું. મૂકવા લેવા ગાડી મોકલશું અને પ્રવચન બાદ ડીનર પણ રાખ્યું છે.’
વિદ્વાન હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ કહે છે, ‘ચાર્લ્સ ડિકન્સ અને માર્ક ટ્વેઈન જેવા સધ્ધર હાસ્યલેખકોએ  પોતાના પ્રવચનમાંથી જ પોતાનું જંગી દેવું ચૂકવ્યું હતું.’ ભારતના હાસ્યલેખકો માટે તો એ શક્ય જ નથી.  માત્ર એટલા માટે નહિ કે તેમને પ્રવચનોમાથી  એટલી આવક નથી, પરંતુ એટલા માટે પણ કે તેઓ ધારે તો પણ આવાં જંગી દેવાં-ફેવાં એમને કરવા જ કોણ દે?
હું નિવેદન કરું છું કે પ્રવચન કર્તાઓનું એટલે કે વક્તાઓનું એક યુનિયન હોવું જોઈએ. જે વ્યક્તિ સૌથી વધુ બોલી શકે તેને યુનિયનની લીડરશીપ મળે. યુનિયનના દરેક સભ્યે યુનિયનના દરેક નિયમો પાળવાના સૌગંદ લેવા પડે. નિયમો માટે મારા સૂચનો નીચે મુજબ છે:
૧-વક્તાએ ક્યારેય ક્યાંય પણ મફતમાં પ્રવચન કરવા ન જવું. જો પ્રવચન કરવાનું ઘણું જ મન થયું હોય અને ક્યાંય મેળ ન પડ્યો હોય તો અરીસા સામે, બાથરૂમમાં કે ઘરના કોઈ ખાલી ખૂણામાં જઈને બોલી લેવું.
૨-વક્તાએ પ્રવચનનો તમામ ખર્ચ (આવવા-જવાનું-ચા-નાસ્તો-ભોજન) આયોજકો પાસેથી લેવો.
૩-વક્તાએ આયોજકો પાસેથી પ્રવચન કરવાની સાઈનીંગ એમાઉન્ટ – ‘પ્રવચન રદ થાય તો પણ પાછી નહિ મળે‘ એ શરતે એડવાન્સમાં લઇ લેવી.
૪-ઓડિયન્સ લાવી આપવાથી માંડીને, તેને પ્રવચન દરમ્યાન શાંત રાખવાની અને પ્રવચન પૂરું થાય ત્યાં સુધી બેસાડી રાખવાની જવાબદારી આયોજકો લેતા હોય તો જ પ્રવચન આપવા જવું.
૫-વક્તાને પ્રવચન માટે જોઈતી તમામ સામગ્રી (પેન-પેપર-રેફરન્સબુક-સીડી)આયોજકોએ આપવાની રહેશે. વક્તા ધારે તો ચશ્માં – ચપ્પલ – લાકડી –છત્રી નો ખર્ચ પણ માગી શકે.
૬- વક્તા સારું જ બોલે એ માટે આયોજકો ધારે પણ કઈ કરી શકતા નથી. પણ વક્તા સારો દેખાય એ માટે અપ-ટુ-ડેટ કપડાં તો આપી જ શકે છે. આ ઉપરાંત વક્તા બ્યુટી-ટ્રીટમેન્ટ (બ્લીચ-ફેસિયલ-હેરકલર-ક્લીન શેવ) નો ખર્ચ પણ ધારે તો આયોજકો પાસેથી લઇ શકે છે, આનાથી વક્તા ‘માણસ’ જેવો લાગશે. 
૭-જો કોઈ વક્તાના પ્રવચનની નોંધ કોઈ ન્યૂસપેપર વાળા છાપવા માંગતા હશે તો વક્તાની લેખિત પરવાનગી અને માગેલી  કિંમત આપીને છાપી શકશે.  
મેં અહી ઉપર જે મુદ્દાઓ બતાવ્યા છે તે દરેક વક્તાઓ પાળશે તો જ એમની હાલની પરિસ્થિતિ સુધારવાના ચાન્સ છે. બાકી તો - મફતમાં બોલતા વક્તાને તો માઈક પણ નથી સાંભળતું. 
આજની જોક:
રમેશ: રવિવારે મારી બુકનું ઉદઘાટન છે, લે આ બે પાસ, તું ભાભીજીને લઈને આવજે.
મહેશ અમદાવાદી: રીક્ષા ભાડાના પૈસા કોણ આપશે?

     


4 comments:

 1. WORDS ARE VERY SMALL. DIFFICULT TO READ

  ReplyDelete
 2. શબ્દો કિંમતી હોય છે એ અમેરિકામાં હિલરી ક્લીન્ટન જેવા રાજકરણીઓને એક લેકચરના મીલીયન ડોલર જેટલી જંગી રકમો મળે છે એના પરથી લાગે છે.

  આની સામે ભારતમાં મફતમાં માત્ર નામ ખાતર બોલનારા વ્યક્તિઓ પણ મળી આવે ખરા .
  સરસ હાસ્ય લેખ. ગમ્યો.

  ReplyDelete
 3. જે વિષયની લાંબા સમયથી રાહ હતી તે વાંચીને મને પ્રવચન કર્યા જેટલો આનંદ થયો.

  ReplyDelete
 4. જે વિષયની લાંબા સમયથી રાહ હતી તે વાંચીને મને પ્રવચન કર્યા જેટલો આનંદ થયો.

  ReplyDelete