Tuesday 17 January 2017

હવે ચંદ્રની ખેર નથી.

હવે ચંદ્રની ખેર નથી.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

મગન: યાર, જોને પેલી બ્લ્યૂ સાડીવાળી બ્યુટીફુલ લેડી અત્યાર સુધી મારી સામે જોઇને મીઠું મીઠું મુશ્કુરાતી હતી, અને હવે મારી સામે જોઇને ઘૂરકવા માંડી છે. ખરેખર સ્ત્રીઓને સમજવી અત્યંત અઘરી છે.
છગન: તારી વાત એકદમ સાચી છે, દોસ્ત. એ બ્લ્યૂ સાડીવાળી મારી પત્ની છે.  લગ્ન પછી દસ વર્ષ એની સાથે રહેવા છતાં હજી પણ હું એને ઓળખી શક્યો નથી.
‘એવું નથી કે વર્ષોથી પાસે રહેતી સ્ત્રીઓ જ આપણા માટે અકળ છે,  દૂર રહેતો ચંદ્ર પણ આપણા માટે એટલો જ, બલકે એનાથી વધુ અકળ છે.’ એવું વૈજ્ઞાનિકો ચંદ્ર સાથેના અનેક પ્રયોગો બાદ માને છે. ‘સ્ત્રીઓને સમજો નહિ, માત્ર એમને ચાહો.’ એવી સુફિયાણી સલાહ તત્વજ્ઞાની પુરુષો આપે છે. પણ સામાન્ય પુરુષો આ વાત સહજતાથી સ્વીકારતા નથી. તેઓ સ્ત્રીઓને ચાહવાને બદલે તેમને વધુ ને વધુ સમજવાનો પ્રયત્ન કરે છે અને અંતે અસફળતા અને નિરાશા પામે છે. એવું જ વલણ આપણા ખગોળશાસ્ત્રીઓ નું છે. તેઓ સદીઓથી ચંદ્રને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમને સંપૂર્ણ સફળતા મળી નથી.
ઘણા વર્ષો અગાઉ અમેરિકાએ ‘કેલેમેન્ટઈન’ નામના સેટેલાઈટને ચંદ્ર પર મોકલ્યો હતો.  જંગલમાં રહેતા પ્રાણીઓને દુશ્મન એટલે કે શિકારી પ્રાણીના હુમલાની જાણ અગાઉથી થઇ જાય છે, માણસ પણ આવી વિશેષતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. એટલે દુશ્મનના હુમલાની જાણ થઇ જાય એવા સેન્સર્સ (ગંધપારખુ) યંત્રોની ચકાસણી કરવા એમને આ સેટેલાઈટને ચંદ્ર પર મોકલ્યો હતો. પણ એણે એ કામ કરવાને બદલે ‘ચંદ્ર પર પાણી છે’  એ શોધી કાઢવાનું કામ કર્યું.
જેમ મા-બાપ પોતાના છોકરાને ડોકટર કે એન્જીનીયર બનાવવા માંગતા હોય અને એ બની જાય ચિત્રકાર કે સંગીતકાર, યાનની બાબતમાં પણ આવું જ બન્યું. પોતાનું કામ ભૂલીને એણે શોધી કાઢ્યું કે ‘ચંદ્ર પર પુષ્કળ પાણી છે.’  એની આ વાત વૈજ્ઞાનિકોને ગળે ઉતરી નહિ. એમને લાગ્યું કે ક્યાં તો ચંદ્ર કેલેમેન્ટઇન ને ઉલ્લુ બનાવે છે અથવા તો કેલેમેન્ટઇન આપણને ઉલ્લુ બનાવે છે. એટલે આ ઉલ્લુપણા ની ચકાસણી કરવા એમણે ‘લ્યુનાર’ નામનું બીજું યાન ચંદ્ર પર મોકલ્યું. તો માલુમ પડ્યું કે ચંદ્ર પર ખરેખર પુષ્કળ પાણી છે.
મને તો આ વાત જાણીને ખુબ ખુશી વ્યાપી ગઈ કે ‘ચાલો, અછતના આ જમાનામાં ક્યાંક અને કંઈક તો પુષ્કળ છે.’  આજે એકવીસમી સદીમાં પાણીની શોર્ટેજ છે. વધતી જતી વસ્તી અને પાણીના બેફામ વપરાશને ને લીધે  થોડા વર્ષોમાં આ સમસ્યા વિકટ બનવાની છે. ત્યારે આ પાણીની રેલમછેલ વાળા સમાચારથી મારા જેવા ઘણા ઘેલા લોકો ગેલમાં આવી ગયા છે.
ધનવાન લોકો ચંદ્ર પર જમીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. ભવિષ્યમાં ચંદ્ર પર ચંદ્રનિવાસ, ચંદ્રસદન, ચંદ્રવિલા, ચંદ્રભુવન જેવા હાઈરાઈઝ બિલ્ડિંગ બનશે તો નવાઈ નહિ લાગે. ચન્દ્રની જમીનના ભાવ ઉંચકાવાની પૂરી શક્યતા લાગે છે. જેમની પાસે વધારાની આવક હોય તેમણે અહીં ઇન્વેસ્ટ કરવા જેવું ખરું. અમે તો ભાડે મળતું થશે પછી રહેવા જઈશું.
ચાલો એ રીતે તો ઓછો થશે આ ભાર પૃથ્વીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.
આ પંક્તિ લખનારની કલ્પના સારી છે. ધનપતિઓ ચંદ્ર પર રહેવા કદાચ નહિ જાય, તો પણ તેઓ લગ્ન બાદ ચંદ્ર પર હનીમુન (હની ની સાથે મુન પર) કરવા તો જઈ શકશે. પરંતુ આ બધાની સાથે સાથે મારા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે:
૧-સાંભળ્યું છે કે ચંદ્રની કલાને લીધે પૃથ્વી પર રહેતા કેટલાક લોકોને પૂનમની રાતે ‘મુન મેડનેસ’ આવે છે. ચંદ્ર પર રહેનારને અમાસની રાત્રે ‘અર્થ મેડનેસ’ આવશે ખરી?
૨-જેમ પૃથ્વીવાસીઓને  ‘સૂર્યગ્રહણ’ અને ‘ચંદ્રગ્રહણ’ નડે છે, એમ ચંદ્રવાસીઓને ‘પૃથ્વીગ્રહણ’ નડશે ખરું?
૩-આપણે અહી નાના બાળકોને ચંદ્ર દેખાડીને ‘ચાંદામામા’ કહીને પટાવીએ છીએ, તેમ ત્યાંના બાળકોની મા તેમને ‘પૃથ્વીમાસી’ કહીને પટાવશે ખરી?
૪-જેમ ચંદ્ર પૃથ્વીવાસીઓને ‘હેન્ડસમ’ લાગે છે, તેમ પૃથ્વી  ચંદ્રવાસીઓને ‘બ્યુટીફૂલ’ લાગશે ખરી?
૫-ચન્દ્રમાં કલંક છે, તેમ પૃથ્વીમાં પણ કલંક હશે ખરું?
ચાલો, આ બધી તો હજી દૂરની વાત છે, પણ મુખ્ય અને મજાની વાત તો એ છે કે ‘ચંદ્ર પર પુષ્કળ પાણી છે.’ એટલે ત્યાં ‘પાણી બચાઓ’ એવું સૂત્ર તો નહિ જ વહેતું થાય. વૈજ્ઞાનિકો કહે છે કે, ચંદ્ર પર હજારો વર્ષ સુધી કેટલીય માનવ વસાહતોને પૂરું પાડી શકાય એટલું (૨ કરોડ ૩૦ લાખ ટન)  પાણી છે.’
જો અમારી વસાહત એટલે કે સોસાયટીનો પાણીનો વપરાશ આ વૈજ્ઞાનિકોએ જોયો હોત તો તેઓ આવું (ઉપર મુજબનું) વિધાન કરવાની હિંમત જ ન કરી શક્યા હોત. ‘હજારો વર્ષ’ ના બદલે એમણે ‘થોડા દિવસો સુધી ચાલે એટલું પાણી છે.’ એમ કહ્યું હોત ‘
આજની જોક:
ચંપા: લીલી, તેં કંઈ  હામ્ભર્યું, લોકો તો કંઈ ના કંઈ ઠેઠ ચાંદ લગણ પુગી જ્યાં.

લીલી: બુન, મી હો હામ્ભર્યું તો ખરું. પણ આપણા ને ઘરના કામકાજ માંથી ફુરસત મલે તો આપણે કયોંક જઈએ ને?   

2 comments:

  1. બહુ મજા આવી. મને તો વિશેષ.કારણકે મારા પુત્રનું નામ ચંદ્રમૌલિ છે અને તેને સૌ ચંદ્ર કહીએ છીએ.પાણી ખૂબ હશે જ કારણ કે તે શીતળ લાગે છે.મુદ્દાઓને બહુ જ સહજતાથી ચગાવ્યા છે.

    ReplyDelete
  2. બહુ મજા આવી. મને તો વિશેષ.કારણકે મારા પુત્રનું નામ ચંદ્રમૌલિ છે અને તેને સૌ ચંદ્ર કહીએ છીએ.પાણી ખૂબ હશે જ કારણ કે તે શીતળ લાગે છે.મુદ્દાઓને બહુ જ સહજતાથી ચગાવ્યા છે.

    ReplyDelete