Wednesday, 30 September 2015

બાપુની બકરીની આત્મકથા.

બાપુની બકરીની આત્મકથા.   પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

હું છું બાપુની બકરી, સત્યા મારું નામ. બાપુએ જ્યારથી ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જોઈ, ત્યારથી એમણે  સાચું જ બોલવાની પ્રતિજ્ઞા કરી. એમની આ જ્યાં ને ત્યાં અને જ્યારે ને ત્યારે પ્રતિજ્ઞા કરવાની રીત મને જરા પણ ગમતી નહીં. જે કરવું હોય તે આપણે મનોમન નક્કી કરી લેવું એની વળી જાહેરાત શું કરવાની?,  મારો તો એવો મત.  કહેવાય  છે કે - પ્રતિજ્ઞા એક જાતનું બંધન છે, મારા ગળામાં બાંધેલી દોરીના જેવું. સો ટકા સાચી વાત!  તમે જ કહો, આવું બંધન કોને ગમે?

એક દિવસ આશ્રમના ઓટલા પર બાપુ બેઠા બેઠા રેંટિયો કાંતતા હતા અને હું એમની બાજુમાં સૂઈ રહી હતી, ત્યારે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ બાપુને મળવા આવ્યા. સાથે  એક નાનકડી સુંદર છોકરી પણ હતી. એની સુંદરતા અને નજાકત જોઈ મને એને વહાલ કરવાનું મન થયું. પણ જેવી હું એની નજીક ગઈ કે એ દોડીને નહેરુજીની પાછળ સંતાઈ ગઈ. ત્યાં જ મેં બાપુને કહેતા સાંભળ્યા, કે – આ છોકરી પ્રિયદર્શિની, એટલે કે ઈંદિરા એક દિવસ આખા દેશનું સુકાન સંભાળશે, દુશ્મનોના દાંત ખાટા કરી નાંખશે અને ભલભલા હરિફોને હંફાવશે.

મને તો બાપુની આ વાત સાંભળીને ખુબ હસવું આવ્યું અને કહેવાનું મન થયું, જે છોકરી એક બકરીથી બીએ એ બીજાને શું ડરાવવાની હતી?’ પણ એ સમયે હું ચુપ રહી અને કશું બોલી નહીં. કેમ કે બાપુએ જ કહ્યું હતું, કે – બીજાને દુ:ખ પહોંચે એવું કંઈ પણ આપણે  કહેવું કે કરવું નહીં.  જો કે ઈંદિરાની બાબતે તો પાછળથી બાપુ બહુ સાચા પડ્યા.

એ દિવસે બાપુ સાથેની મુલાકાત પતાવીને નહેરુજી મારી પાસે આવ્યા. અને મને દૂર એક તરફ લઈ જઈને કહે, સત્યા, મારી પોતાની અને ભારતની આમ જનતાની અંત:કરણ પૂર્વકની ઈચ્છા છે, કે તું તારી આત્મકથા લખીને અમને આપે, જેમાંથી અમને કોઈ પ્રેરણા મળે. હું તો આ સાંભળીને ફૂલી ન સમાઈ.  પણ મેં મારી ખુશી પ્રગટ થવા દીધા વિના, ભાવ ખાવા ખાતર, મારા શીંગડાં હલાવી, માથું ધુણાવી આનાકાની કરી. ત્યાં જ સરદાર પટેલ આવ્યા અને બોલ્યા, સત્યા, તને તારા અતિ પ્રિય એવા ગાંધી બાપુના સમ, આત્મકથા તો તારે આપવી જ પડશે.

આ સાંભળીને હું તો ખુબ જ મૂંઝાઈ ગઈ. પણ મારા બુધ્ધિશાળી મગજે તરત જ એક ઉપાય શોધી કાઢ્યો. મેં કહ્યું, ભલે, હું મારી આત્મકથા તો લખી આપું, પણ મારી એક શરત છે. અમને તે મંજૂર છે. શરત સાંભળ્યા વિના જ નહેરુજી અને સરદાર બન્ને એક સાથે બોલી ઊઠ્યા. તો પહેલા બાપુ એમની આત્મકથા લખી આપે,પછી હું મારી આત્મકથા લખી આપું. આ સાંભળીને બન્ને ઢીલા પગલે અને વીલાયેલા મોંએ બાપુ પાસે પહોંચ્યા અને એમની આત્મકથાની માંગણી કરી. બાપુએ ત્યારે તો જોઈશ  આમ કહીને બન્નેને વિદાય કર્યા.

તે દિવસે સાંજે બાપુ મને નદીએ ફરવા લઈ ગયા અને કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી મને કાનમાં પૂછ્યું, સત્યા, નહેરુ અને સરદાર, બન્ને મારી આત્મકથા માંગે છે, અપાય?’ બાપુ જ્યારે જ્યારે મૂંઝાતા ત્યારે ત્યારે મને આમ જ નદીએ ફરવા લઈ જઈને મારી સલાહ પૂછતાં. મેં કહ્યું, બાપુ, એમાં આટલું બધું વિચારવાનું શું વળી? જ્યારે લોકોને તમારામાં રસ હોય ત્યારે તો ખાસ આત્મકથા આપવી જોઈએ. જેમ બને એમ જલ્દીથી તમારી આત્મકથા લખીને એમને આપો.

બાપુ પોતાનું માથું ખંજવાળતાં બોલ્યા, પણ મારું જીવન તો ઉઘાડી કિતાબ જેવું છે, એમાં લોકોને શું રસ પડશે?’ તો મેં કહ્યું, કંઈ વાંધો નહીં બાપુ, તમ તમારે તમારા સત્યના પ્રયોગો લખીને રવાના કરો, લોકો તો એમાંથી પણ અસત્ય શોધવાના પ્રયત્નમાં લાગી જશે. બાપુએ મારી સામે એવી રીતે જોયું જાણે હું એમની મજાક ન કરતી હોઊં? પણ પછી મને એકદમ સીરીયસ જોઈને મારી વાત એમના ગળે ઊતરી ગઈ.

આત્મકથા લખવા મેં બાપુને મનાવી તો લીધા પણ સારા કામમાં સો વિઘ્નો આવે  એમ બાપુની આત્મકથા, સત્યના પ્રયોગોનું એકાદ પાનું માંડ લખાયું હશે, ત્યાં બાપુને મુંબઈનું તેડું આવ્યું. પછી બાપુ યરવડા જેલની મહેમાન ગતી માણવાના લોભમાં પડ્યા. તેમાં એક બકરીની- બાપુની બકરીની- આત્મકથા વિલંબમાં પડતી ગઈ. ત્યાં વળી સ્વામી આનંદે બાપુને નવજીવન સામયિકમાં એમની આત્મકથાને નવું જીવન આપવાનો અનુરોધ કર્યો અને બાપુએ એ સ્વીકાર્યો. બાપુના કેટલાક સાથીઓએ ઉશ્કેરાઈ જઈને એમને આવું કરતાં રોક્યા. પણ બાપુએ જ્યારે એમને એવી ધરપત આપી કે, પોતે કદી પણ પોતાની આત્મકથા એ બધાંને વંચાવવા દુરાગ્રહ નહીં કરે  ત્યારે સૌ માની ગયાં.

સત્યના પ્રયોગો અક્ષર દેહ ધારણ કરે તે પહેલાં બાપુ ફરી એકવાર મારી પાસે આવ્યા,  અને અનેક ચર્ચા વિચારણાઓ કરી. મેં બાપુને એકવાર પોરબંદર આંટો મારી આવવાની સલાહ આપી જે બાપુએ સહર્ષ સ્વીકારી. બાપુએ મને પણ સાથે પોરબંદર લઈ જવાની ઓફર મૂકી, પણ મેં તે સ્વીકારી નહીં. કેમ કે ત્રીજા વર્ગમાં ટ્રેનમાં ગંદા ગોબરાં લોકો જોડે  મુસાફરી કરવાનું મને જરા પણ મન નહોતું. હા, પ્લેનમાં એક્ઝીક્યુટીવ ક્લાસમાં જવાનું હોત તો વળી વાત જુદી હતી.

બાપુએ ત્યાંથી આવીને સત્યના પ્રયોગો ના બે પ્રકરણ જન્મ અને બચપણ વિશે લખ્યાં જે ઠીક ઠીક રહ્યાં. ત્યાર પછીના પ્રકરણો બાળ વિવાહ, ધણીપણું, હાઈસ્કુલમાં... થી માંડીને અંતિમ પ્રકરણ પૂર્ણાહુતિ લખ્યાં અને એમાં જે સત્યના પ્રયોગો કર્યા તે વાંચીને હું તો ચોંકી જ પડી. બાપુએ મારો આ બાબતે અભિપ્રાય માંગ્યો ત્યારે મેં કહ્યું, બાપુ જેટલું લખો તે સત્ય જ લખો ત્યાં સુધી બધું બરાબર છે, પણ જેટલું સત્ય છે, એ બધું જ લખો તે જરૂરી નથી.


બાપુ મારી સામે આશ્ચર્યથી  જોઈ રહ્યાં. મેં કહ્યું, હજી પણ સમય છે. આ બધું લોકો સમક્ષ મૂકો તે પહેલાં બદલી નાંખો. પણ બાપુએ મારી આ પહેલી અને છેલ્લી જ વાત ન માની તે ન જ માની. એ તો બધું લખતાં લખી ગયાં પણ લોકો એમના સત્યના પ્રયોગો માંથી કેટલું શીખ્યાં અને શું શું શીખ્યાં એ જાણવાની એમણે કદી દરકાર ન કરી.મારું દિલ આ વાતથી ખાટું થી ગયું. અને પછી તો  નહેરુજી અને સરદારજીના લાખ મનામણા છતાં મેં મારી આત્મકથા ન લખી તે ન જ લખી.         હે રામ!

3 comments:

  1. હજુ થોડું વધુ લખાયું હોત તો મજા આવત.

    ReplyDelete
  2. મજા પડી. એક કડવું સત્ય !!!

    ReplyDelete
  3. Saras. Maja aavi gai. Kataksh ane vyang banne saras rite vani levaya che.

    ReplyDelete