Wednesday, 22 July 2015

સ્ટેટસ સિમ્બોલ .

સ્ટેટસ સિમ્બોલ .         પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

ત્રણ અમીર મિત્રો જમ્યા બાદ રાત્રે અગિયાર વાગ્યે મુંબઈમાં પાર્લા ઈસ્ટની શિવસાગર રેસ્ટોરન્ટમાં ઘણા સમય બાદ મળ્યાં. ત્રણે જણ ડબલ ચીઝ પીઝા, તીખી તમતમાટ પાંવ-ભાજી ઇન બટર અને ડીપ ફ્રાય ઓનિયન પકોડા નો ઑર્ડર આપીને  વાતોએ વળગ્યા.

અંધેરીથી ઔડીમાં આવેલા અમિતે કહ્યું, મેં તો અંધેરીમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લાસ્ટ મંથ જ બાયપાસ કરાવી, પાંચ-સાત લાખ ખર્ચ ભલે થયો, પણ હોસ્પિટલ એટલે જાણે ફાઇવસ્ટાર હોટેલ!

મુલુંડથી મર્સીડીઝમાં આવેલા મનિષે  કહ્યું, હું તો ચેન્નઈ જઇને બાયપાસ કરાવી આવ્યો. ખર્ચ ભલે દસ-બાર લાખ થયો પણ હાર્ટ જેવા નાજુક ઓપરેશનમાં તો સ્પેશિયાલિસ્ટ પાસે જ જવાય.

તમે બન્ને  દેશી ના દેશી જ રહ્યા,’ બાંદ્રા બેન્ડસ્ટેન્ડથી બી એમ ડબલ્યુમાં આવેલો બિમલ બોલી પડ્યો, હેલ્થની બાબતમાં નો કોમ્પ્રોમાઈઝ. વીસ-પચીસ પેટી ભલે ખર્ચાઈ ગઈ, પણ ટ્રીટમેન્ટ તો યુ એસ થી જ કરાવી.

મિત્રો,  આમ જમ્યા બાદ પણ અખાધ એવા ફસ્ટફુડ આરોગતાં  અને પૈસાનું ખોટું પ્રદર્શન કરતા આવાં સ્ટેટસ સિમ્બોલ ધરાવતા લોકો તમને પણ જોવા મળ્યાં જ હશે, ખરું ને?

અમદાવાદના નવરંગપુરામાં એક બંગલોમાં લેડીઝ મેમ્બર્સ [શેઠાણીઓ] ની કીટી પાર્ટીનું એક દ્રશ્ય:
શેફાલી: બધાં આવી ગયાં કે કોઇ બાકી છે, હજી?
મોના: બધાં તો આવી ગયાં પણ દીપિકા મેડમ બાકી છે હજી. બ્યુટી પાર્લરમાં ટાપટીપ કરાવીને આવશે એટલે વાર લાગશે ને?
દીપિકા: બોલોને મોનામેડમ, હું તો આવી ગઈ છું, પણ બ્યુટી પાર્લરમાંથી નહીં, નર્સિંગ હોમમાંથી.
અમીષા: નર્સિંગ હોમમાંથી કેમ? શું થયું?
દીપિકા: થાય શું, બ્લડપ્રેશર છે, હાઈ બ્લડપ્રેશર.
મોના: આપણને ચિંતાઓ કંઈ ઓછી થોડી જ છે? જુઓને મનેય ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે.
શેફાલી: અને મને હાર્ટવાલ્વનો પ્રોબ્લેમ છે. સુનય તો કહેતો હતો કે અમેરિકા જઈને ટ્રીટમેંટ કરાવીશું.
અમીષા: હાસ્તો, હેલ્થની મેટરમાં નો કોમ્પ્રોમાઈઝ. થોડા સમયથી તો મને પણ બેચેની જેવું લાગતું હતું, ભૂખ પણ બરાબર લાગતી નથી. ડૉક્ટરને બતાવ્યું તો કહે, તમારે બધું નોર્મલ છે, સવાર-સાંજ ચાલવાનું રાખો. મોના: કોઈ બોગસ ડૉક્ટર લાગે છે. બાકી આપણને આટલા ટેન્શન વચ્ચે બધું નોર્મલ હોય એવું બને?
શેફાલી: મોના સાચું કહે છે. કોઈ સારા ડૉક્ટરને બતાવવું. હું તો ડૉક્ટરને સામેથી કહું કે તમે તમતમારે જે કંઈ [ઓપરેશન પણ] કરવા જેવું લાગે તે કરો, પૈસાની ચિંતા કરશો નહીં.
દીપિકા: હાસ્તો, આપણા વર કમાય છે શેના માટે? પણ પ્રીતિ હજી કેમ ન આવી?
અમીષા: પ્રીતિની તો વાત જ ન કરશો. સાવ મુફલીસવેડા કરે છે. મોટા બંગલામાં રહે છે, પણ રસોઈ બનાવવી, કપડાંને ઈસ્ત્રી કરવી, કરિયાણું- શાકભાજી લાવવાં, છોકરાંને ભણાવવાં વગેરે બધાં કામો જાતે કરે છે. સવાર-સાંજ વોક કરીને, એક્સસાઈઝ કરીને હેલ્થ કોંશીયસ હોવાનો ડોળ કરે છે. સાવ કંજૂસડી છે.
મોના: સોસાયટી સ્ટેટસ શું હોય છે, તે બિચારીને ખબર જ નથી. એસિડીટી, ડાયાબિટીશ, બ્લડપ્રેશર, કેન્સર વગેરે માંથી એક પણ રોગ એને નથી બોલો.

બિમારી પણ હવે તો  હાઈ સોસાયટીનું સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. તમે નોર્મલ છો? તો તમે બિચારાં છો. બિમારી જેટલી ભારી- ઇલાજ એનાથી ભારી. જેટલો મોંઘો ઈલાજ એટલું તમારું સ્ટેટસ ઊંચું.
જ્યારે પહેલ વહેલું રેફ્રીજ્રેટર આવ્યું ત્યારે ઘરમાં ફ્રીજ હોવું સ્ટેટસ સિમ્બોલ ગણાતું. પછી ટી.વી., વી.સી.આર., ડીવી.ડી. પ્લેયર હોવું સ્ટેટસ સિમ્બોલ ગણાતું. એક વખત એવો હતો જ્યારે ઘરમાં ટેલીફોન હોવો એ ગર્વની વાત ગણાતી. પછી આવ્યા મોબાઈલ. મોબાઈલ નવો આવ્યો હતો ત્યારનો એક કિસ્સો કહું.

મદનલાલ શેરબજારનાં રાજા ગણાતા. કોઈનીય ઓફિસમાં જઈને બેસે પછી પ્યૂનને કહે, ઉમેશ, નીચે મારી મર્સીડીઝમાંથી ડ્રાયવરને કહેજે મારો મોબાઈલ આપે. પછી મોબાઈલ પરથી બે-ચાર કોલ કરી લે અને એને ટેબલ પર પ્રદર્શનમાં મૂકે. શેરબજારની મંદીની ઝપટમા આવી ગયા પછી મદનલાલનો જુસ્સો ઓગળી ગયો છે, એમણે બાપ-દાદાનો કાપડનો ધંધો સંભાળી લીધો છે.

આજકાલ લાંબી, મોટી, ખાસ કરીને ઈમ્પોર્ટેડ કાર હોવી એ સ્ટેટસ  સિમ્બોલ ગણાય છે. ઉદય પાસે ઔડી છે, મોનલ પાસે મર્સીડીઝ છે,બિમલ પાસે બીએમડબલ્યુ છે,  ફેનિલ પાસે ફેરારી છે, લલિત પાસે લીમોઝીન છે, વગેરે વગેરે. તમારી પાસે નાની અને ઈંડીયન કાર છે? તો તમારું કંઈ સ્ટેટસ નથી.

વસ્તુઓની વાત તો છોડો, આજકાલ મા-બાપ, ખાસ કરીને મમ્મીઓ પોતાના બાળકોને પણ આ સ્ટેટસ સિમ્બોલ મેનિયાનો શિકાર બનાવી રહી છે. તારો છોકરો ફલાણી સ્કુલમાં ભણે છે? મારો છોકરો તો એનાથી વધારે સારી સ્કુલમાં ભણે છે. તારો છોકરો ફલાણા બોર્ડમાં છે, મારો છોકરો તો એનાથી હાયર બોર્ડમાં છે. તારો છોકરો સ્વીમીંગ ક્લાસમાં જાય છે? મારો છોકરો તો સ્વીમીંગ ઉપરાંત ડ્રોઈંગ અને પર્સાનાલિટી ડેવલેપમેન્ટ ક્લાસમાં પણ જાય છે.

સ્ટેટસ સિમ્બોલ દ્વારા સામેવાળાને ઇમ્પ્રેસ કરવા લોકો જાતજાતની ટેકનિક અજમાવતાં જોવા મળે છે. પૈસાદરોની વાત જવા દઈએ, ક્યારેક તો સાધારણ આર્થિક પરિસ્થિતિ વાળા લોકો પણ સ્ટેટસ સિમ્બોલની માયા છોડી શકતાં નથી.  હેમાએ એની બેબીને આ માટે સારી રીતે તૈયાર કરી હતી. 

એકવાર એના ઘરે મોંઘેરા મહેમાનો આવ્યા અને મમ્મી-બેબીનું નાટક શરૂ થયું.
-બેબી, મહેમાનો માટે નાસ્તો લાવજે.
-મમ્મી, ચંદ્રવિલાસના ફાફડા લાવું, હેવમોરની ટમટમ લાવું કે શેરબજારનું ચવાણું લાવું?
-બેબી, ડિસાઈડ યોરસેલ્ફ. હા, સાથે શરબત પણ લાવજે.
-મમ્મી, શરબત કયું લાવું? વૈભવનું રૂહ અબઝા લાવું, મૌસમનું કેસર-બદામ લાવું કે રસનાનું શાહી ગુલાબ લાવું?
-તને જે પસંદ હોય તે લાવ, બેબી. પછી મુખવાસ પણ લાવજે.
-મુખવાસમાં માણેક ચોકની મીઠી વરિયાળી લાવું, કાનપુરની કતરી સોપારી લાવું કે પાલનપુરની પાનચુરી વરિયાળી લાવું?
-ઓહો બેબી, ઘરમાં એટલું બધું પડ્યું  છે કે શું લાવવું અને શું ન લાવવું એવી વિમાસણ થાય છે, નહીં?  વાંધો નહીં તું તારી મેળે તને જે ગમે તે લાવ.
એવામાં ટેલિફોનની રીંગ વાગે છે, હેમા ફોન લે છે, થોડીવાર વાત કરે છે અને પછી બેબીને કહે છે:
-બેબી, ત્યાંથી તારો કોર્ડલેસ ફોન લેજે, તારા પપ્પાનો ફોન છે.
-મમ્મી, કયા પપ્પાનો ફોન છે, સિંગાપોરવાળા, અમેરિકાવાળા કે પછી  લંડનવાળા પપ્પાનો?

2 comments: