Wednesday, 15 July 2015

માંદગી અને હાસ્ય.

માંદગી અને હાસ્ય.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પ્રસિધ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીંદ્ર દવે જ્યારે એકવાર માંદગીના બિછાને હતા, ત્યારે એમના એક મિત્ર એમની ખબર કાઢવા આવ્યા. જ્યોતીંદ્રભાઇએ એમને આવેલા જોઇને, ખાટલામાંથી ઊભા થઈને, રૂમની ખીંટી પર લટકતો કોટ પહેરવા માંડ્યો. આ જોઈને એમના મિત્રે પૂછ્યું, “તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો?”  જ્યોતીંદ્રભાઈએ કહ્યું, “ ના રે ના. આ તો હું ખાટલામાં સૂતેલો તમને બરાબર દેખાઉંને એટલે મેં કોટ પહેર્યો.”
શ્રી જ્યોતીંદ્ર દવે તો હાસ્યલેખક હતા, એટલે એમને માંદગીમાં પણ હાસ્ય સૂઝે એ સ્વાભાવિક છે. પરંતુ મારું માનવું છે કે સામાન્ય માનવીને પણ માંદગીમાં હાસ્ય સૂઝી આવે છે. દાખલા તરીકે-
ડૉક્ટર:[દર્દીને] તમને કોઈ બિમારી નથી. માત્ર ભયાનક ચિંતા તમારી પાછળ પડી છે.
દર્દી: શી...શ! ડૉક્ટર સાહેબ, જરા ધીમેથી બોલો. એ રૂમની બહાર જ બેઠી છે.
આમ માંદગીમાં મનુષ્યની હાસ્યવૃત્તિ ખીલે છે અને એના વડે એ લાંબુ જીવી શકે છે. એનેટોમી ઓફ ઈલનેસ પુસ્તકના રચયેતા શ્રી નોર્મન કઝીન્સ કે જેમણે હાસ્યોપચાર વડે જ ગંભીર માંદગી અને મૃત્યુને દૂર હડસેલ્યાં હતાં.  હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે માંદગી અને સારવાર પરનું સ્વાનુભવ પર આધારિત હાસ્યનું પુસ્તક એંજોયગ્રાફી લખ્યું, અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એને  શ્રેષ્ઠ હાસ્યકૃતિ ઘોષિત કરીને ઈનામ પણ આપ્યું. એ જ બતાવે છે, કે માંદગીમાંથી નીપજતું હાસ્ય શ્રેષ્ઠ અને ઈનામપાત્ર હોય છે.
માંદગીની જ વાત નીકળી છે તો આજુબાજુ નજર કરશો તો કેટલાક લોકો હરતીફરતી હોસ્પિટલ જેવા માલૂમ પડશે. હોસ્પિટલમાં જેમ અનેક રોગીઓ વસે છે, તેમ આવા લોકોના દેહમાં અનેક રોગો વસેલા હોય છે. આવા લોકોને વળી એ વાતનો ગર્વ પણ હોય છે. યોગ્ય શ્રોતા મળી જાય તો તેઓ ખૂબ રસપૂર્વક પોતાના રોગોનું વર્ણન પણ કરે છે.દુનિયાભરનાં ડૉક્ટરો અને દવાઓનાં નામ આ લોકોને કંઠસ્થ હોય છે. આવા લોકોને શરદી થઈ હોય તો ન્યુમોનીયા અને ખાંસી થઈ હોય તો ટી.બી. થયાનો ભ્રમ હોય છે. દવાખાનાની મુલાકાત એમને મન બગીચામાં લટાર મારી આવવા જેવી સાધારણ ઘટના હોય છે. પછી ડૉક્ટરનું બીલ આવે ત્યારે –
દર્દી: ડૉક્ટર સાહેબ, હવે મને સમજાયું કે સાધારણ ખાંસી પણ કેવી ખતરનાક હોય છે.
ડૉક્ટર: એ શી રીતે?
દર્દી: તમારું બીલ જોઈને.
આજે હું તમને મારી એક આવી જ ફ્રેંડ હર્ષા વિશે મજેદાર વાત જણાવીશ.
-ચાલ હર્ષા,’દીપકલામાં સાડીઓનું મસ્ત સેલ લાગ્યું છે, ત્યાં જઈએ.
-ના બાબા ના. આ ઘૂંટણનાં દર્દે તો મને પરેશાન કરી મૂકી છે.
-દવા લીધી?
-હા, દવા ચાલે જ છે.
-અચ્છા, દવા ચાલે છે પણ તું નથી ચાલી શકતી એમ ને? ચાલ, તને કારમાં બેસાડીને લઈ જાઉં.
-અહીં મારી ટાંગ બેકાર થતી જાય છે, અને તને કારમાં ફરવાનું સૂઝે છે?
-સાંભળ હર્ષા, તને એક જોક કહું, -
ઘૂંટણના દર્દમાંથી સાજા થયેલા એક દર્દીને ડૉક્ટરે પૂછ્યું, “કેમ છો? હવે તમે બરાબર ચાલતા થઈ ગયાં ને?”  દર્દીએ ડૉક્ટરને કહ્યું, “હા, સાહેબ. તમારું બીલ ભરવા મારું સ્કૂટર વેચવું પડ્યું.”
-તું તે કેવી ફ્રેંડ છે? અહીં મારો જીવ જાય છે અને તને આવી જોક સૂઝે છે?
-યાર, હું તને હસાવવાનો પ્રયત્ન કરું છું, જેથી તું જલ્દી સાજી થાય.
-આજ સુધી ત્રણ ડૉક્ટર, બે વૈધ અને એક હોમિયોપેથની દવા કરાવી ચૂકી છું. તે પહેલાં ઘરગથ્થુ અનેક ઉપચારો પણ કર્યા. પણ ગુંદરિયા મહેમાન જેવો આ ઘૂંટણનો દુખાવો મટતો જ નથી.
-તો પછી તું એનો ઇલાજ કરવાનું જ માંડી વાળ ને.
-અચ્છા!  તો હવે તું મારી એક જોક સાંભળ.:
“ડૉક્ટર: [દર્દીને] તમારા પગે સોજા છે ખરા, પણ મને એમાં ખાસ ચિંતા કરવા જેવું કશું લાગતું નથી.
દર્દી: ડૉક્ટર સાહેબ, તમારા પગે સોજા હોત તો મને પણ ચિંતા કરવા જેવું કશું ન લાગત.”
-વાહ ! વાહ ! ક્યા ખૂબ કહી, માન ગયે જનાબ આપકો. જોયું હું નહોતી કહેતી કે- માંદગીમાં મનુષ્યની હાસ્યવૃત્તિ ખીલે છે?’
-હાસ્તો, ગધેડા સાથે ગાયને બાંધીએ તો ભૂંકતાં નહીં તો કમ સે કમ ઉંચું ડોકું કરતાં તો શીખે જ.
-એય, હર્ષાડી, વોટ ડુ યુ મીન? તું મારી સરખામણી ....
-ટેક ઈટ ઈઝી માય ડીયર ફ્રેંડ, તું હાસ્યલેખિકા છે અને પુસ્તકો લખે છે, તો હું તારી ખાસ દોસ્ત, એકાદ જોક તો ફટકારું ને?
-હા, હા. ફટકાર, ફટકાર. હું ય જોઈ લઇશ.
-રહેવા દે હવે. તારે જ્યારે દાંતમાં દુખતું હતું ત્યારે તો કેવી કૂદાકૂદ કરતી હતી? હર્ષા પ્લીઈ..ઝ , કંઈ કર...નહીંતર આ દાંતના દુખાવામાં હું ગાંડી થઈ જઈશ. અચ્છા, એ તો કહે તે વખતે તું ગાંડી થઈ ગયેલી તે પાછી ડાહી થઈ કે નહીં?
-જો હર્ષાડી, તું હવે મારા હાથનો માર ખાવાની થઈ લાગે છે.
-માર-બાડ છોડ. હું તો આમ પણ આ ઘૂંટણનાં દુખાવાથી અધમૂઈ થઈ જ ગઈ છું. તારી ઓળખાણમાં કોઈ સારો ડૉક્ટર કે વૈધ હોય તો જણાવ.
-એક બહેન છે, આયુર્વેદવાળા, ખાસ ઓળખીતાં. બોલ જવું છે?
-આજે જવાતું હોય તો કાલ નથી કરવી.
-ઠીક છે. એ સાંજે પાંચ વાગ્યે  દવાખાને આવે છે, ત્યારે જઈ આવીએ.
અમે સાંજે પાંચ વાગ્યે આયુર્વેદીક ડૉક્ટર મીતાબહેનનાં દવાખાને ગયાં. કમ્પાઉંડરે કહ્યું, બહેન સાડા-પાંચે આવશે. એટલે ટાઈમ પાસ કરવા અમે એ શોપિંગ સેન્ટરમાં આંટો મારવા નીકળ્યાં. મેં હર્ષાને કહ્યું, ચાલ,પાણીપુરી ખાઈએ.” તો એણે કહ્યું, ના, મને એમાંની આમલીની ચટણીની ખટાશ નડે છે. મને તો ઓફિસમાં બૉસ અને ઘરમાં નોકર સિવાય કંઈ નડતું નથી. પણ એકલાં એકલાં ખાવાની શી મજા આવે?
થોડે આગળ ગયાં ત્યારે ગરમાગરમ પાંઉવડાની દુકન જોઈને મેં હર્ષાને કહ્યું, ચાલ,પાંઉવડા ખાઈએ. તો એણે કહ્યું, એમાંના બટાકા મને વાયડા પડે છે. મેં સેંડવીચ ખાવાનું કહ્યું તો એણે કહ્યું કે બ્રેડ આથાના લીધે એને માફક આવતાં નથી. આમ હર્ષાડીને લીધે સાવ કોરોકટ આંટો મારીને અમે પાછા ક્લીનીક પર આવ્યાં ત્યારે મીતાબહેન આવી ગયાં હતાં.અમે એમની કેબિનમાં ગયાં.
મીતાબહેન: આવો, આવો.બોલો શું પ્રોબ્લેમ છે?
હું:મીતાબહેન, આ મારી ખાસ ફ્રેંડ હર્ષા છે. એને ઘૂંટણમાં દુખાવા નો પ્રોબ્લેમ છે.
મીતાબહેન: અચ્છા, કેટલા વખતથી દુખાવો છે? કંઈ દવા બવા કરો છો?
હર્ષા: લગભગ ચાર મહિનાથી દુખે છે, દવા ચાલુ જ છે.
મીતાબહેન: ઘૂંટણના દુખાવા સિવાય કોઈ તકલીફ ખરી?
હું: એને કઈ તકલીફ નથી એ પૂછો, મીતાબહેન.
હર્ષા: પ્લીઝ, તું મને બોલવા દઈશ? મીતાબહેન, મને છાતીમાં ફાઈબ્રોઈડની ગાંઠ છે. ક્યારેક દાંત અને પેઢામાં દુખે છે. હું કામ કરતાં થાકી જાઉં છું. ઉભડક કે પલાંઠી વાળીને બેસી શકતી નથી. ક્યારેક ચક્કર આવે છે. પેટમાં બળતરા થાય છે. ક્યારેક ઊલટી થવા જેવું લાગે છે. દાદર ચઢ-ઉતર કરતાંમારા ધબકારાં વધી જાય છે. ડૉક્ટર, મને હાર્ટની તકલીફ તો નહીં હોય ને?
મીતાબહેન: તમે બ્લડ્સુગર ચેક કરાવો, કદાચ તમને ડાયાબિટીશ હોય. કે કદાચ એસિડિટી હોય.  તમે તીખું અને તળેલું ખાવાનું ઓછું કરી દો. ભૂખ્યાં નરહેશો.
હર્ષા: ક્યારેક માથું દુખે, બેચેની લાગે, વાંચું તો વંચાય નહીં.
હું: એ તો ઘણું જ ખરાબ. તું મારી આટલી ક્લોઝ ફ્રેંડ અને તારાથી વંચાય નહીં તો મારાં હાસ્યલેખો કોણ વાંચશે?
હર્ષા: એનાથી મને કે તને ખાસ કશો ફેર નહીં પડે, સમજી?
મીતાબહેન: તમે ચશ્માનો નંબર ચેક કરાવી લો. રોજ એક લિટર દૂધ અને ૩-૪ કેળાં લો. હું લખી આપું છું તે શક્તિ અને વિટામિનની ગોળીઓ લેજો. રોજ ૩-૪ કિલોમીટર ચાલવાનું રાખો.
અમે ત્યાંથી નીકળીને કેમિસ્ટની દુકાને ગયાં, હર્ષાની દવા લઈ અમે ઘરે આવવા નીકળ્યાં. વળી પાછી હર્ષા એને ભૂતકાળમાં થયેલાં, વર્તમાનમાંચાલુ રહેલાં અને ભવિષ્યકાળમાં થવાની સંભાવના વાળા રોગો બાબતે વાત કરવા લાગી. મેં મજાક કરતાં કહ્યું, હર્ષા, એવો કોઇ રોગ હશે ખરો કે જે તને ક્યારેય નહીં થયો હોય?’ હર્ષાએ મલકીને કહ્યું, હા, પ્રોસ્ટેટગ્લેંડનો રોગ જે  મને આજ સુધી થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં.
આજની જોક:
ડોક્ટર: હવે તમારી તબિયત સારી લાગે છે. મારી સૂચના મુજબ દવા બરાબર લીધી હતી કે?
દર્દી: હા સાહેબ, દવાની શીશી પર લખેલી સૂચનાનું બરાબર પાલન કર્યું હતું.
ડોક્ટર: એમ, શું લખ્યું હતું શીશી પર?
દર્દી: શીશીના ઢાંકણને ચુસ્તપણે બંધ રાખો.  


No comments:

Post a Comment