Wednesday 13 May 2015

ભગવાન બચાવે આવાં...


ભગવાન બચાવે આવાં...    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-નીલુ, આપણે આ રવિવારે હાર્દિકના ઘરે જમવા જવાનું છે.
-કોણ હાર્દિક?
-હાર્દિક વળી કેટલા છે? મારો ફ્રેંડ હાર્દિક, હાર્દિક ચતુર્વેદી.
-તારી કંઈ ભૂલ થતી લાગે છે, અમર.
-હાર્દિકના ઉચ્ચારમાં ભૂલ થાય છે કે ચતુર્વેદીના?
-બન્નેના ઉચ્ચાર બરાબર છે.
-તો ઠીક. મને થયું કે ઉચ્ચારની ભૂલની બાબતમાં તું ઘણીવાર છોકરાંઓને પણ ધમકાવે છે, તેથી..
-ગુજરાતી થઈને માતૃભાષાના ઉચ્ચારો જ ખોટાં કરે, એનું ભવિષ્ય શું?
-એનું એટલે કોનું? બાબાનું કે ગુજરાતી ભાષાનું?
-બન્નેનું. પણ મને હજી હાર્દિકભાઇએ જમવા બોલાવ્યાં એ વાત પર વિશ્વાસ નથી બેસતો.
-નથી બેસતો તો ઊભો રહેવા દે, એમાં શું?
-એમણે અમસ્તાં પણ આપણને કદી ઘરે બોલાવ્યાં નથી.
-અમસ્તાં બોલાવે ક્યાંથી? મોનાભાભીએ હાર્દિકને કહી રાખ્યું છે, કે તારા આલતુ-ફાલતુ મુફલિસ મિત્રોને ઘરે બોલાવવા નહીં.
-હાય હાય. એ મોનાડીએ આપણે માટે એવું કહ્યું?
-જેવું લાગ્યું એવું કહ્યું. એમાં આપણે શું?
-એ મોનાડીએ આપણને ચા-પાણી માટે પણ કદી બોલાવ્યાં નથી.
-તો બોલાવ્યા વિના જવાનું, એમાં શું?
-જાય મારી બલારાત, હુ તો એનાં ઘરનાં પગથિયા પણ ના ચઢું.
-હા, હોં. આમ પણ તને પગથિયાં ચઢવાની તકલીફ તો છે જ ને?
-એવું વળી તને કોણે કહ્યું?
-કેમ, તે દિવસે મારાં મોટાબેન તને બોલાવવા આવ્યા, ત્યારે તેં જ તો કહ્યું હતું.
-હે મારા ભોળાશંકર, એ તો એમની સાથે ન જવાનું બહાનું હતું. કહો તો આઠ માળ પણ હું એકીશ્વાસે ચઢી જાઉં. હજી મારી ઉંમર વળી કેટલી?
-કેટલી? બસ, સોળ વર્ષ, નહીં?
-બે-પાંચ આમ કે તેમ વળી.
-આવતાં વર્ષે આપણો અનુ બાર વર્ષનો થશે.
-લો, તું તો મારી ઉંમરના ગણિત ગણવા બેસી ગયો. પણ હું કહેતી હતી કે આ મોનાડી આપણને એમ ને એમ તો જમવા ન જ બોલાવે.
-તો આપણે એમ ને એમ જમવા નહીં જઈએ. કંઇક ભેટ લઈને જઈશું.
-એય અમર, તને શું લાગે છે?
-દિવસ.
-એ તો મને પણ દેખાય છે.
-ત્યારે તને શું દેખાતું નથી?
-મને એ સમજાતું નથી કે મોનાડીએ આપણને જમવા શા માટે બોલાવ્યા હશે
?
-ગઈ કાલની ઘણી રસોઇ વધી હશે, તો એને થયું હશે કે ફેંકી દેવી એ કરતાં..
-મજાક ન કર, અમર. જરુર એની પાછળ કંઇ કારણ હોવું જોઇએ.
-કંઇ કારણ-બારણ નથી. ખોટી શંકા ન કર.
-એય અમર. હાર્દિકભાઇએ હમણાં હમણાં કંઇ ખરીધું છે? ટી.વી., ફ્રીજ, વી.સી.આર, વોશિંગ મશીન કે...સોનાનો સેટ?
- ના જી ના. એણે એવું કંઇ જ ખરીધું નથી. હા એક કૂતરો લીધો છે.
-જોયું? જોયું? હું નહોતી કહેતી કે આપણને જમવા બોલાવે છે તો એની પાછળ જરુર કંઇ કારણ હોવું જ જોઇએ.
-અરે! કૂતરો લીધો એ તે કંઇ જમવા બોલાવવાનું  કારણ હોય?
-કેમ નહીં? એ મોનાડી અમસ્તી તો આપણને પાણીના પવાલાનુંય પૂછે એવી નથી. તમને ખબર નથી અમર, પેલાં સમીર-સલોનીને ત્યાં કૂતરો આવ્યો ત્યારની મોનાડી જલી ગઈ હતી. આખરે એ જિદ્દિ અને ઘમંડી બાઇએ હાર્દિકભાઇ પાસે કૂતરો લેવડાવ્યો ત્યારે જ જંપી.
-હશે. ભેંસનાં શિંગડા ભેંસને ભારી. આપણને શું?
-બોલ્યા આપણને શું? આપણને જમવા બોલાવીને એ મોનાડી આપણી આગળ એનાં કૂતરાનાં ભરપેટ વખાણ કરશે ને આપણું નીચાજોણું કરશે.
-લે, એમાં વળી આપણું નીચાજોણું ક્યાં થયું?
-કેમ નહીં, તારા બધાં મિત્રોના ઘરે કૂતરાં આવી ગયાં. અરે આ મુફલિસ મોનાડીને ઘરે પણ કૂતરો અને આપણે ત્યાં જ નહીં? અમર આપણે આજે જ એક કૂતરું ખરીદી લઈએ.
-શું???
-હ, અમર, મારે કૂતરો જોઇએ, જોઇએ અને જોઇએ જ.
-અરે, એમ કંઇ કૂતરાં પળાતાં હશે? કેટ કેટલી સંભાળ લેવી પડે.
-હું લઈશ. પણ કૂતરો લાવો.
-ખોટી જીદ ના કર, નીલુ. તારી પાસે કૂતરાંની પળોજણ કરવાનો સમય જ ક્યાં છે?
-તો નોકર રાખી લઇશું, પણ મારે કૂતરો તો જોઇએ જ.
-કૂતરા માટે નોકર? તારું મગજ ઠેકાણે તો છે ને? મને કૂતરાંથી ભયંકર સૂગ છે.
-તો થોડા સમય પછી આપણે કૂતરો વેચી દઈશું.
-હું કૂતરો નથી લાવવાનો, સમજી?
-સમજી. તને હવે મારાં માટે પહેલા જેવો પ્રેમ જ નથી રહ્યો. મને મારાં પિયર મૂકી આવ.
-હે ભગવાન, મારા ભોગ લાગ્યા તે મેં તને કૂતરાની વાત કરી.
-એ મોનાડી સમજે છે શું? એ એકલી જ કૂતરો વસાવી શકે છે? આપણે પણ કંઇ કમ નથી અમર. રવિવાર પહેલાં આપણે ત્યાં પણ કૂતરો આવી જવો જોઇએ, સમજ્યો?
-સમજી ગયો મેડમ, ભગવાન બચાવે આવાં...
-કૂતરાથી?
-ના, બૈરાંથી.
 
 
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment