Thursday, 26 September 2024

 

તારું તને અર્પણ : હાસ્યલેખ(જનકલ્યાણ એપ્રિલ-2024 અંક) પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. (9-3-2024)

કહુ  છું, સાંભળો છો ?’ મારાથી થોડે  દૂર ડાઈનિંગ ચેરમાં બેસીને ડાઈનિંગ ટેબલ પર મૂકેલા લેપટોપમાં પોતાનું મોં ખોસીને બેઠેલા પતિદેવને મેં સોફામાં બેસીને છાપું વાંચતા વાંચતા  પુછ્યું.

સાંભળ્યા વિના મારે કંઇ છૂટકો છે ?’(લાચારી)  ડિયર, આટલા વર્ષોથી તને જ તો સાંભળી રહ્યો છું. (બનાવટ),  એ સિવાય મારે બીજું કરવાનું પણ શું હોય ?’(કટાક્ષ ?)  જે કંઇ કહેવું હોય તે જલદી કહે, પાંચ મિનિટમાં મારે વેબિનાર શરૂ થવાનો છે.’(વાત ટાળવાનો બાલિશ પ્રયત્ન) 

શ્રીમાનનો જેવો મૂડ હોય એ પ્રમાણે ઉપર પૈકીનો કોઈ પણ એક જવાબ મને મળી શકે. પણ જવાબમાં મૌન આવ્યું,  ત્યારે મેં એમની તરફ જોયું. એ પોતાનાં બંને કાનમાં હેન્ડસ ફ્રી – બ્લ્યુ ટુથનાં ડટ્ટા ખોસીને બેઠા હતા. એટલે મારો અવાજ એમના કાન સુધી પહોંચ્યો નહતો.  

મેં એમની બરાબર સામે જઇને મારો હાથ એમની દ્રષ્ટિ સમક્ષ ઊંચો-નીચો કર્યો. ધ્યાનભંગ થવાથી એમણે જરાક અણગમા સાથે  લેપટોપમાં વિડીયો પોઝ કર્યો, એક કાનમાંથી ડટ્ટો કાઢીને પુછ્યું, શું છે ?’

આજકાલ આવાં ડટ્ટા કાનમાં ખોસીને  ટી.ડી. (ટેમ્પરરી ડેફ – અસ્થાયી બહેરાં) બનેલા રાહદારીઓ શહેરનાં રસ્તા પર એકલા બબડતા બબડતા ચાલ્યા જતા બહુ જોવા મળે છે. એમને જોઈને મને ઘણાં વર્ષો પહેલાંનો અમારા ગામનો અમથો યાદ આવી જાય છે. અમથો આમ જ એકલો એકલો બબડતો બબડતો ગામના રસ્તા પર ચાલ્યો જતો હોય, અને ગામનાં નાના છોકરાંઓ એની પાછળ અમથો ગાંડો, અમથો ગાંડો બોલતા એનો પીછો કરતાં ચાલ્યા જતાં હોય. ફરક જોવા જઈએ તો એટલો જ કે અમથો ફાટેલ-કપડે ચીંથરેહાલ દશામાં હોય, અને શહેરીજનો અપટુડેટ કપડામાં હોય. 

મોબાઈલમાં મોં ખોસીને રસ્તો ક્રોસ કરવા જતાં રાહદારીઓ ક્યારેક ટી.બી. (ટેમ્પરરી બ્લાઇન્ડ – અસ્થાયી આંધળા) ની જેમ વર્તે છે, અને રસ્તા પર ખોદેલા ખાડામાં પડીને કે પછી કોઈ પૂરઝડપે આવી રહેલા વાહન સાથે ટકરાઇને અકસ્માતનો ભોગ પણ બને છે. કારમાં બેસીને ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર હેન્ડસ ફ્રી કે બ્લ્યુટુથ વાપરે તે થોડું ઓછું ખતરનાક લાગે છે, પણ સ્કૂટર કે બાઇક ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી એ ઘણું ખતરનાક પુરવાર થઈ શકે છે.

શું છે ?’ શ્રીમાને સવાલ દોહરાવ્યો એટલે હું વિચાર વમળમાંથી બહાર આવી.

તારું તને અર્પણ હું બોલી.

તું શું કહી રહી છે મને કંઇ સમજાયું નહીં.  મારું ચસકી તો નથી ગયું ને ? એવો સવાલ કદાચ એમને થયો હશે,  એટલે એ મને સાશંક તાકી રહ્યા.

-આજનાં ન્યૂઝ પેપરમાં આવ્યું છે, તારું તને અર્પણ એ યોજના હેઠળ આપણા અમદાવાદમાં પોલીસને મળી આવેલો કે પછી પોલીસે ચોર પાસેથી કબજે લીધેલો ચોરાયેલો આપણો માલ આપણને પાછો આપશે.

આપણું કંઇ ખોવાયું છે ?’ એમણે પાયાનો પ્રશ્ન કર્યો. પછી એમની યાદદાસ્ત તાજી થઈ હશે એટલે એમણે પુછ્યું, આપણા ખોવાયેલાં શેર્સ ભરેલી બેગ તો આપણને ઓલરેડી મળી જ આવી હતીને, હવે શું બાકી છે?’

ચાર પાંચ વર્ષ પહેલાં ખોવાયેલી એ બેગ માટે આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયેલાં, ત્યારે પોલીસે આપણને કેવા  કેવા અને કેટલી ખરાબ રીતે સવાલો પૂછેલા.  જાણે આપણે ખોટી ફરિયાદ નોંધાવવા ન ગયા હોઈએ ! આપણી ઊલટતપાસ પણ એવી રીતે લીધી હતી જાણે આપણે ફરિયાદી નહીં પણ આરોપી  હોઈએ.  

એ બધી વાતો ભૂલી જા ને હવે, બેગ મળી ગઈ એટલે બસ.

હા, એ વાત સાચી. એ બેગ કોઈ રાહદારીને મળી હતી. અને એ જ દિવસે એને ડાકોર જવાનું થયેલું. એટલે એક અઠવાડીયા પછી,  ડાકોરથી પાછા  આવ્યા બાદ એ બેગ આપણને પાછી આપી ગયો હતો. એ બદલ આપણે એનો આભાર વ્યક્ત કર્યો હતો અને બદલા પેટે થોડા રૂપિયા પણ આપ્યા હતાં, પણ....

હજી કંઇ બાકી છે ?’ અધૂરો મૂકેલો વિડીયો સાંભળવાની તાલાવેલી હશે એટલે મારાં પિષ્ટપેષણથી અકળાયેલા એમણે અધીરાઈથી પુછ્યું.

હા, ઘણા વર્ષો પહેલાં આપણાં રૉ-હાઉસનાં સાતઆઠ ઘરોનાં વાડામાંથી એક રાત્રે સામૂહિક ચોરી થયેલી. પાડોશીઓનાં વાસણોની સાથે સાથે આપણી સ્ટીલની મોટી  ડોલ,વાસણ મૂકવાનું સ્ટીલનું કન્ટેનર જેમાં બે મોટા સ્ટીલનાં ડબ્બા પણ હતા અને એલ્યુમિનિયમનું ટબ ચોરાયેલા. અમે બહેનોએ આ ચોરી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.  પણ મુદ્દામાલ મળ્યો નહોતો. તે હવે આ તારું તને અર્પણ યોજના અંતર્ગત મળશે કે નહીં?’

હે ભગવાન ! ખરેખર ફુરસદના સમયે તેં આ અજબ જેવી સ્ત્રીઓને ઘડી લાગે છે. કેટલા બધા વર્ષો પહેલાં ચોરાઇ ગયેલી ઘરની  સામાન્ય ચીજોને પણ નથી ભૂલી શકતી.

તમારા માટે સામાન્ય હશે, અમારા માટે તો ઘરની નાની મોટી સૌ ચીજો સ્પેશિયલ જ હોવાની, સમજ્યા ?’

હા, સમજી ગયો.  હવે  હું મારું કામ કરી શકું ?’

ભલે હું ના કહીશ તો પણ એ થોડા જ માનવાના છે મારી વાત ? એમ સમજીને એમને કામ કરવાની રજા આપીને તારું તને અર્પણ વિષય અંગે મારું મનન, ચિંતન આગળ વધાર્યું. 

આપણને જન્મદિવસ, એંગેજમેંટ, લગ્નદિવસ, ગૃહપ્રવેશ, મુંડન...  જેવાં શુભ પ્રસંગોમાં મહેમાનો તરફથી  ઘણી ગિફ્ટ મળતી હોય છે. કેટલીક કામ લાગે એવી હોય છે, કેટલીક નકામી. નકામી એટલે ખરાબ નહીં, ગિફ્ટ તો બધી સારી જ હોય પણ આપણને કામ લાગે એવી ન હોય. અથવા આપણી પાસે અગાઉથી એવી ચીજ પડી જ રહી  હોય. તો આપણે એ ચીજ બીજાને ત્યાં શુભ પ્રસંગે ભેટ તરીકે પધરાવી દઈએ છીએ. એક રીતે જોઈએ તો એમાં કંઇ ખોટું પણ નથી.

પણ ધારો કે તમે કોઈને ભેટમાં આપેલી ચીજ એમની એમ જ તમને  કોઈ પાછી  ભેટમાં આપે તો ? તમે કહેશો જાવ જાવ, ભેટ આપવામાં આવું  તારું તને અર્પણ જેવું અયોગ્ય કામ કોઈ કરતું હશે ?’ અરે ! કરતું હશે નહીં, કરે જ છે. અને આ વાત મારાં પાડોશી સોનલબહેન સાથેની વાતચીત દ્વારા મને જાણવા મળી હતી. આ વાત જો મારા શ્રીમાન સાંભળે તો એમ જ કહે, તમારું સ્ત્રીઓનું ગોસીપ ગજબનાક હોય છે. પુરુષો ગમે તે કહે, પણ આપણને સ્ત્રીઓને તો એવી ગોસીપમાં પણ આનંદ આવે, એટલું જ નહીં આવી અવનવી વાત જાણવા મળે, ખરું કે નહીં ?  

પલ્લવીબહેન, જુઓને મારાં જેઠાણીને મેં એમનાં ઘરનાં વાસ્તુ વખતે આપેલો તેનો તે જ ડિનરસેટ એમણે મારી દીકરીનાં એંગેજમેંટ પ્રસંગે પાછો અમને જ ભેટમાં આપ્યો. 

સોનલબહેન, કદાચ ભૂલથી આવું થયું હશે. એમને યાદ નહીં હોય કે આ સેટ તમે જ એમને આપ્યો  હતો.

હા, હોં. તમારી વાત કદાચ સાચી પણ હોય, પલ્લવીબહેન. કેમ કે  એમનાં દીકરાનાં લગ્નમાં અમે સોનાની ચેન ભેટમાં આપી હતી. પણ એમણે એ ચેન મારી દીકરીનાં લગ્નમાં ભેટ તરીકે પાછી આપી નથી.

આ જોતાં એવું લાગે છે કે  તારું તને  અર્પણ કાર્યક્રમ સફળ કરવામાં તમે કઈ ચીજ સામેવાળાને આપી છે, તે અગત્યનું છે. આ તારું તને અર્પણ  એ કંઇ અત્યારની નવીસવી યોજના નથી. આ રીતરસમ તો વર્ષોના વર્ષો પહેલાંથી,  મહાભારત કાળથી ચાલી આવે છે. તમે નહીં માનો તો તમને જણાવું કે મહાભારતમાં દ્રૌપદી એમના પ્રિય સખા એવા ભગવાન શ્રીક્રુષ્ણને કહે છે,

ત્વદિયમસ્તિ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ! મતલબ તારું આપેલું ગોવિંદ, તને જ સમર્પિત કરું છુ જ્યારે દ્રૌપદી જેવી વિદુષી મહિલા આ યોજનાને  અનુસરે તો આપણાં જેવી સામાન્ય મહિલાઓ આ યોજનાને અનુસરે  તો  એમાં ખોટું શું ? અને  ભગવાન શ્રીક્રુષ્ણ  જેવા સમર્થ વ્યક્તિ  દ્રૌપદીની આ વાત/ભેટ  સ્વીકારે છે. તો આપણે તો સામાન્યજન કહેવાઈએ, આપણે તો આ વાત હોંશે હોંશે સ્વીકારવી જોઈએ.

ચીજવસ્તુઓનું તો  એવું છે, કે  આજે છે અને કાલે નથી. પણ ધારો કે આ યોજના તારું તને અર્પણ અંતર્ગત પ્રેમના બદલામાં પ્રેમ’, કાળજીના બદલામાં કાળજી લાગણીના બદલામાં લાગણી હુંફના બદલામાં હુંફ વગેરે વગેરે  આપવાનું શરૂ થાય તો તમે જ કહો આ ફાયદાનો સોદો કહેવાય કે નહીં ? 

 

No comments:

Post a Comment