Monday, 4 February 2019

સાસ ભી કભી બહુ થી.


સાસ ભી કભી બહુ થી.    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘પલ્લવીબેન, અમારી પૌલુ(પૌલોમી) નું નક્કી કરી દીધું છે, આ રવિવારે સાંજે ૬ વાગ્યે સગાઇ અને પછી  સ્વરુચિ ભોજન રાખ્યું છે, તમે બંને જણ આવી જજો.’ ‘ખુબ ખુબ અભિનંદન સરલાબેન. તમે જેવું શોધતા હતા એવું સાસરિયું મળ્યું ને પૌલુને?’ ‘અરે હા રે પલ્લવીબેન, કુંડળી મેળવીને જ કર્યું છે, તમે માનશો નહિ પણ બંનેના ૩૬ માંથી ૩૨ ગુણાંક મળતા આવે છે.’ ‘શું વાત કરો છો, સરલાબેન ? છોકરા–છોકરીના આટલા બધા ગુણાંક મળતા આવે તે તો ઘણી જ સારી વાત કહેવાય.’ ‘તમને ખબર નહિ હોય પલ્લવીબેન, પણ હવે છોકરા-છોકરીની કુંડળી મેળવવાનો રીવાજ રહ્યો નથી, હવે તો સાસુ-વહુની  કુંડળી મેળવાય છે, પૌલુની કુંડળી એની સાસુની કુંડળી સાથે સરસ મેચ થાય છે, એટલે જ તો ત્યાં નક્કી કર્યું.’ 
સાસુ-વહુની કુંડળી મેળવીને લગ્ન કરવાની સરલાબેનની આ વાત મને બહુ ગમી. મારા લગ્ન થયા એ વખતે આવો ટ્રેન્ડ નહોતો એનો અફસોસ પણ થયો. ખેર ! Late is always better than never. સમાજમાં સુધારો મોડો મોડો થાય તો પણ આવકાર્ય તો છે જ. મારા સાસુએ એક વખત મારી તરફ એમની બંધ મુઠ્ઠી લંબાવતા કહ્યું, ‘લે પલ્લવી, આ બદામ ખા.’ મને થયું કે સાસુજીએ આપેલી કોઈ સુચનાનું પાલન કરવાનું હું ભૂલી ગઈ હોઈશ, એટલે જ તેઓ મને બદામ ખાવાનું (બદામ ખાઈને  યાદશક્તિ વધારવાનું)  કહે છે. હું એ સુચના શું હશે તે યાદ કરવા મથી રહી હતી, ત્યાં જ એમણે એમની મુઠ્ઠીમાની ચીજ મારા હાથમાં થમાવી દીધી.
‘આ તો ખારી શીંગ છે, બદામ ક્યાં છે?’ ખાવાની એ ચીજ જોઇને મેં  કહ્યું.  તો એમણે કહ્યું, ‘એક વાત સમજી લે, શીંગને પણ જો બદામ સમજીને ખાઇએ તો બદામ જેવી જ મજા આવે.’  તમને થશે આ વાત અત્યારે અહીં કહેવાનો મતલબ શું છે ? તો તમને કહું, કે  એનો મતલબ છે, તમે આગળ વાંચશો એટલે તમને મારી વાત સમજાઈ જશે. લગ્નની પહેલી જ રાત્રે માતૃભક્ત એવા પતિએ પોતાની નવોઢા પત્નીને કહ્યું, ‘તું મારી મમ્મીને તારી જ મમ્મી સમજીને એમની સાથે એવો  વ્યવહાર કરજે કે જેવો તારી મમ્મી સાથે કરે છે.’ ‘ભલે’ પત્નીએ જરાય વિરોધ કર્યા વિના સહજતાથી આ વાત સ્વીકારી લીધી એટલે પતિ ખુબ ખુશ થયો. સવારે પત્નીએ બેડરૂમમાંથી સુતા સુતા જ જોરથી બુમ પાડીને કહ્યું, ‘મમ્મીજી, મારા માટે આદુ-ફુદીના વાળી દોઢકપ ચા અને બે મસાલા પરોઠા બનાવજો, અને થઇ જાય એટલે મને ઉઠાડજો.’ આમ સમજ સમજમા સમજફેર ન થાય તે ખાસ જોવું પડે. એટલે મારું તો માનવું છે કે સાસુને સાસુ જ અને વહુને વહુ જ રહેવા દેવી જોઈએ, સાસુ-વહુ ને મા-દીકરી બનાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો જોઈએ. ‘કુછ રિશ્તે અપને આપમેં હી ખુબસુરત હોતે હૈ’ 
જ્યોતિષવિદ્યા કે કુંડળીમાં માનવું ન માનવું એ દરેક વ્યક્તિની પોતાની માન્યતા અને એના ઉછેર પર આધાર રાખે છે. ક્યારેક એ સાચું પડે પણ ખરું અને ક્યારેક એ સાચું નપણ પડે. એક વહુએ જ્યોતિષને પોતાનો હાથ બતાવીને પૂછ્યું, ‘મારે મારી સાસુનો ત્રાસ હજી કેટલો સમય સહન કરવાનો છે ?’ જ્યોતિષીએ ધ્યાનથી એનો હાથ જોઇને કહ્યું, ‘બસ, હવે માત્ર છ જ મહિના તમને સાસુનો ત્રાસ છે.’ વહુ તો ખુશ થઈને ઘરે ગઈ, પછી તો સાસુ કંઈ પણ વાંકુચુકું કહે કે કરે  તો એ એમ સમજીને ચુપ રહે  કે હવે આ બધું છ જ મહિના છે ને ? વહુનું સાસુ તરફનું વલણ બદલાઈને સારું થઇ ગયું, તો સામે સાસુએ પણ વહુનું સારું વર્તન જોઇને પોતાનું વલણ સુધારી નાખ્યું. તમે પૂછશો પછી સાસુ છ મહિનામાં મરી ગયા કે નહિ ? તેની તો મને પણ  ખબર નથી, પણ આ રીતે જ્યોતિષી ના લીધે સાસુ-વહુ વચ્ચે સહિયરપણું થાય તો એમાં ખોટું શું છે, ખરું કે નહીં ?
હું જ્યોતિષ વિદ્યામાં માનું છું, અને લગભગ રોજ રાશિ ભવિષ્ય વાંચું છું. જે રાશિનું ભવિષ્ય સારામાં સારું હોય, એ દિવસ પૂરતી હું મારી રાશિ એ રાખી લઉં છું. આમ રોજ મારી રાશિ બદલાયા કરે છે, પણ એને લીધે મારા બધા  દિવસ સરસ જાય છે. જ્યોતિષ જાણનારી મારી ફ્રેન્ડ હર્ષા મારા આ વલણને અતાર્કિક કહીને એનો વિરોધ કરે છે, પણ હું એનો વિરોધ  લક્ષમાં લેતી નથી, એટલે અમારી દોસ્તી ટકી રહી છે. હર્ષાનું કહેવું છે કે છોકરીની કુંડળીમાં સાતમું સ્થાન પતિનું સ્થાન છે (જો કે મારા જીવનમાં તો પહેલું જ સ્થાન પતિનું છે), અને એના કહેવા મુજબ કુંડળીમાં દસમું સ્થાન સાસુનું સ્થાન છે. જો આ સ્થાનમાં રાહુ-કેતુ-શનિ-મંગળ જેવા અમંગળ ગ્રહો બિરાજમાન હોય તો સાસુ વહુને હેરાન પરેશાન કરી મૂકે  છે. મારું માનવું છે કે કોઈ ગ્રહ કોઈ દિવસ કોઈને હેરાન પરેશાન કરતો નથી, માત્ર પૂર્વગ્રહ નામનો ગ્રહ જ બધી જાતની હેરાનગતિનું કારણ હોય છે. 


સાસુ-વહુ વચ્ચેનો સંબંધ સાપ-નોળિયા વચ્ચેના સંબંધ જેવો છે, એવું હું નથી કહેતી, પણ મેં ક્યાંક આવું વાંચ્યું છે.  હિન્દી ટી. વી. સીરીયલ જોનારાને તો આ વાત શીરાની જેમ ગળે ઉતરી જાય એવી છે. એક લોકગીતમાં તો એવું પણ આવે છે ને કે – ‘મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં (ગાય -ભેંસ રાખવાની જગ્યા?) દીવો મેલ, મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં (સાસુની) દીવો મેલ.’ આમ ભોળપણમાં વહુથી કોઈ ભૂલ થઇ જાય તો સાસુએ મોટું મન રાખીને તે માફ કરવી જોઈએ. સારી સાસુઓએ તો હંમેશા આ વાત યાદ રાખવી જ  જોઈએ કે ‘સાસ ભી કભી બહુ થી’
દહેજના કારણે સાસુ – નણંદ – કે પતિના ત્રાસથી આપઘાત  કરનારી પરિણીતાના સમાચાર રોજેરોજ  ન્યૂસ પેપરમાં વાંચવા મળે છે, ત્યારે હાસ્ય સાહિત્યમાં જેને ‘બ્લેક હ્યુમર’ કહેવાય છે (એ બહુ ધારદાર હોય છે, સીધી હૈયા સોંસરવી ઉતરી જાય છે) એનો સચોટ દાખલો સ્વર્ગસ્થ હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટએ ખુબ સરસ આપ્યો હતો. પત્ની:(પતિને) તમે આપણી દીકરીના કરિયાવરમાં બધું મુક્યું છે ને, કંઈ વિસરાય તો નથી ગયું ને ? નાહકની આપણી દીકરી હેરાન ન થવી જોઈએ.’ પતિ: તું ચિંતા ન કર, બધું જ મુક્યું છે, છેલ્લે છેલ્લે યાદ આવ્યું તો એક કેરોસીનનો ડબ્બો ય મૂકી દીધો છે.    
એમ પણ કહેવાયું છે કે સાસુ – વહુના સંબંધોમાં સાસુના દીકરાની એટલે પત્નીના પતિની સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થાય છે. માતા અને પત્ની સાથેના સંબંધોમાં બેલેન્સ રાખીને ચાલવાનું કામ એ ખાંડા(તલવાર)ની ધાર પર ચાલવા જેવું અઘરું કામ છે. આવું અઘરું કામ સફળતા પૂર્વક કરનારાઓ આ જગતમાં બહુ ઓછા છે, પણ છે તો ખરાં જ. વળી આજકાલની સાસુ પહેલાની સાસુ (હિટલર) જેવી નથી રહી, એ ઘણી સુધરી ગઈ છે, તો આજકાલની વહુ પણ પહેલાની વહુ (ગરીબ ગાય) જેવી નથી રહી, એ પણ સુધરી ગઈ છે. તે છતાં પણ  જ્યોતિષવિદ્યામાં વિશ્વાસ કરનારાઓએ લગ્ન કરતા પહેલા ‘સેફર સાઈડ’ તરીકે સાસુ – વહુની કુંડળી મેળવી લેવી, એમાં આપણું શું બગડી જવાનું છે, ખરું ને ? ચેતતો નર/નારી  સદા સુખી.   

આપણે ‘તે’ નથી શું ?


આપણે ‘તે’ નથી શું ?                      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

છેલ્લા છએક વર્ષથી ખૂબ પ્રસિદ્ધ નહીં એવા એક છાપામાં નિયમિતપણે, અને મેગેઝીનોમાં અનિયમિતપણે જેમની વાર્તાઓ છપાતી હતી, એવા એક કટાર લેખકમિત્ર એક સાંજે અમારા ઘરે મળવા આવ્યા. સમયવર્તીને સાવધાન થઇ ગયેલા મારા પતિ ‘કમ્પ્યુટરનું  થોડું કામ છે તે પતાવીને આવું છું’ કહીને ડ્રોઈંગરૂમમાંથી અદ્રશ્ય થઇ ગયા.
-તમે જ કહો ભાભી, આ તે ક્યાંનો ન્યાય છે ? એમણે પ્રશ્નાર્થથી વાતની શરૂઆત કરી.
-એમાં એવું છે ને પ્રકાશભાઈ, કે આપણને હમણાં આ અન્યાય લાગે, પણ પછી વિચારીએ તો લાગે કે એની પાછળ ભગવાનનો નવસર્જનનો હેતુ હોય,  એવું પણ બને. 
-ભગવાન ? નવસર્જન ? હેતુ ? તમે આ બધી શેની વાત કરી રહ્યા છો , ભાભી ?
-ભૂકંપની જ સ્તો વળી.
-ભૂકંપની ? આપણી વાતમાં વચ્ચે ભૂકંપ ક્યાંથી આવી ગયો ?
-આજકાલ તો જે કોઈ મળે છે તે ભૂકંપની જ વાતો કરે છે. વચ્ચે શું, વાતોની  શરૂઆત પણ ભૂકંપથી થાય છે, અને અંત પણ ભૂકંપથી જ આવે છે. ભૂકંપ આવ્યો ત્યારથી બધાં જ ભગવાનના અન્યાય વિશે બળાપા કાઢે છે.
-પણ, હું ભૂકંપ કે ભગવાનના અન્યાય વિશે નહીં, છાપા અને મેગેઝીનોના તંત્રીઓના અન્યાય વિશે વાત કરી રહ્યો છું. બધા જ તંત્રીઓ પોતાના લેખકો સાથે ઓરમાયું વર્તન કેમ કરતા હશે ?
-જુઓ પ્રકાશભાઈ, પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ આ બાબતમાં કહી ગયા છે કે – છાપામાં કટારલેખક તરીકે ચાલુ રહેવું હોય, અને આદરથી જીવવું હોય તો તંત્રીઓ સાથે ‘દૂરના સંબંધો’ રાખવા જ સારા. લેખકે તંત્રીને જરૂર પડે તો જ મળવું, અને શક્ય હોય એટલું સલામત અંતર જાળવી રાખવું. તંત્રીઓને લેખકોની નિકટતા પોસાય જ નહીં – ઘોડા અગર ઘાસસે યારી કરેગા તો ખાયેગા ક્યા ?
-અરે ! પણ કામ અંગે આપણે ક્યારેક તો  તંત્રીઓને મળવું પડે કે નહિ ? પણ એ લોકોના તેવર તો જુઓ, આપણી સાથે એવી રીતે વર્તે જાણે આપણે એમના ‘ખરીદેલા ગુલામ.’
-પ્રકાશભાઈ, આમ જુઓ તો તંત્રીઓની એ વાત ખોટી નથી, આપણે ‘તે’ નથી શું ? પણ એ વાત જવા દો.  ચિત્રલેખાની કોલમ  ‘તારક મહેતા ના ઉલટા ચશ્મા’ ના સર્જક હાસ્યલેખક  શ્રી તારક મહેતા શું કહી ગયા છે તે સાંભળો, ‘નવો હાસ્યલેખક ગમે તેટલું સારું લખી લાવ્યો હોય, તોપણ તંત્રીઓને એ બધું વાંચવાની ફૂરસદ નથી હોતી. તંત્રીઓને પોતાના વર્તમાન પત્રોની જાહેરખબરમાં અને એને  લગતી સામગ્રીમાં જ રસ હોય છે. મફતિયા કટાર લેખકો તો એક માંગો હજારો મિલતેં હૈ. હૈયાફૂટયા વાચકો તો જે કચરો પીરસો, તે ચાટી જાય છે, તગડી જાહેરખબરો પર જ છાપાં ચાલે છે.’  આવું હું નથી કહેતી, હોં. તારકભાઈ કહી ગયા છે.
-જાહેરખબરોનું મહત્વ તો હું પણ સમજુ છું, ભાભી. એની સામે મારે કંઈ કહેવાનું નથી. મારો વિરોધ તો આપણા લેખો મંગાવ્યા બાદ એની અવગણના  કરે તેની સામે છે. સમયસર વાર્તા લખાય અને તંત્રીને પહોંચાડાય તે ખાતર હું રાતભર જાગી-જાગીને, વિચારી-વિચારીને, નવા પ્લોટો શોધી-શોધીને મરી જાઉં છું. લેખ આપવાનો હોય તે આગળના બે દિવસો  મિત્રો સાથે મૂવી જોવા નથી જતો, પત્ની સાથે ફરવા નથી જતો, બાળકો વાત કરવા આવે તો એમને ધમકાવીને રૂમની બહાર કાઢી મૂકું છું, પાર્ટીઓમાં પણ ખાસ નથી જતો, કેમ તે જાણો છો તમે ?    
-ના.
-કેમ કે સાહિત્યક્ષેત્રે હું નામ કમાવા માગું છું, પ્રગતિના સોપાનો સર કરવા માગું છું, સર્જનશીલ કહેવડાવવાનો આનંદ ઊઠાવવા માગું છું. પણ અહીં કયા ‘ભગલાભાઈ’ ને એની કદર છે ? આપણે લેખકો એટલે સાવ મફતિયા ?
-સાવ એવું નથી, પ્રકાશભાઈ. હવેના તંત્રીઓ ‘ફૂલ નહીં ને ફૂલની પાંખડી’ તો લેખકોને આપે જ છે. હા, એ આપતા મોડું જરૂર થાય છે, પણ... ‘ભગવાનકે ઘર દેર હૈ અંધેર નહીં હૈ.’
-એ લોકો લેખકોને ‘ફૂલ’ (મુર્ખ) બનાવે છે, ભાભી. લેખ તો ન  છાપે અને ઉપરથી એવા બહાના બતાવે કે ‘તમારો લેખ ક્યાંક મૂકાઈ ગયો હતો એટલે ન છાપી શકાયો, પછીના વીકમાં ચોક્કસ છાપીશું’ અથવા ‘મુખ્યમંત્રીની નાદુરસ્ત તબિયતના સમાચાર છાપવા પડ્યા એટલે તમારો લેખ ન સમાવી શકાયો.’ સા... જુઠ્ઠાડાઓ..
-તમારા ગુસ્સાને શાંત કરો અને સાહિત્યક્ષેત્રે હાસ્યના ઇન્દ્રસમા જ્યોતીન્દ્રભાઈ દવે શું કહી ગયા છે તે સાંભળો,  ‘સાહિત્યધામની તીર્થયાત્રાના ત્રીજા વર્ગના ઉતારુસમા એક પરિચિત ગૃહસ્થ દિવાળીના દિવસોમાં મને રસ્તામાં મળી ગયા. એટલે મેં સ્વાભાવિકતાથી એમને પૂછ્યું, ‘કેમ, લેખો લખી નાખ્યા ?’ તેમણે કહ્યું, ‘લખ્યા તો ઘણા પણ જ્યાં મોકલું છું, ત્યાંથી પાછા આવે છે.’ ‘લેખ સાથે ટિકિટ બીડતાં હશો ?’  એવા મારા સવાલના જવાબમાં પેલાભાઈએ કહ્યું, ‘જો હું લેખોની સાથે ટિકિટ ન બીડું તો લેખો પાછા ન આવે ?  એ લોકો મારા લેખો છાપે ?’ મેં હસીને કહ્યું, ‘છાપવાની કોઈ ગેરંટી નહીં, પણ લેખો પાછા ન આવે એની ગેરંટી, કેમ કે એવા લેખો તંત્રીઓ કચરાપેટીમાં જ પધરાવે.’
-હવે તો ભાભી, ટપાલમાં કોઈ ભાગ્યે જ લેખો મોકલતું હશે, ઈન્ટરનેટ આવી ગયા પછી હવે તો  ઈમેલથી જ લેખો મોકલાય છે, પણ એનોય જવાબ લખવાની તંત્રીઓને ફુરસદ નથી. તંત્રીઓ આવું કેમ કરતા હશે ?
-આવું એટલે કેવું પ્રકાશભાઈ ?
-જુઓ, મારા તંત્રીની જ વાત કરું તો એ પોતે પોતાના ભવ્ય મહાલય સમા બંગલાના પોર્ચમાં આવેલા વૈભવી હિંચકા પર પહોળો થઈને પથરાય છે, વિશાળ કમ્પાઉંડમા બે લક્ઝુરિયસ કાર એની સમૃધ્ધિની ચાડી ખાતી ઉભેલી હોય છે, અડધો ડઝન નોકરો એના ઘરે કામ કરે છે, એને એક  હાર્ટએટેક આવી ચૂક્યો છે,  ડાયાબિટીશ પણ છે, ડોકટરે ખાવાની લિમિટ આપી છે, છતાં એના ડાઈનિંગ ટેબલ પર દેશી- વિદેશી વાનગીઓનો ઢગલો પથરાવે છે.
-પણ એ તો એમની પર્સનલ બાબત થઈ, ખરું કે નહીં, પ્રકાશભાઈ ? ‘ભેંસના શીંગડા ભેંસને ભારી’ આપણે શું ?
-તમારી વાત સાચી છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે આટઆટલા પૈસા હોવા છતાં અમારા જેવા લેખકોને મામૂલી પુરસ્કાર આપતી વખતે એનો જીવ તાળવે ચોંટે છે. એક નાનકડી રકમના ચેક માટે કેટલાય ધક્કા ખવડાવે છે, ત્યારે એમ થાય છે કે આ નાણા મારી બુદ્ધિ કે મારી મહેનતના નથી, પણ ભીખના છે.
-તમારી વાત સાંભળીને મને એક જોક યાદ આવે છે, એક રસ્તા પર એક માણસ ભીખ માંગતા કહે છે, ‘આ લેખકને કોઈ રૂપિયો બે રૂપિયા આપતા જાવ, માઈબાપ’ એ સાંભળીને એક સજ્જને કહ્યું, ‘તમે લેખક છો ? તમે કયું પુસ્તક લખ્યું છે ?’ ‘પૈસા કમાવાની સો તરકીબ’ ‘અચ્છા, તો પછી ભીખ શા માટે માંગો છો ?’ ‘આ એમાંની જ એક તરકીબ છે.’
-અરે ભાભી, તમને શું કહું ? તંત્રીઓ છ છ મહિના સુધી લેખકને પેમેન્ટ કરતા નથી. અને કરે છે ત્યારે ઉપરથી કહે છે, ‘તમે તો લકી છો કે પેમેન્ટ છ મહિનામાં મળી ગયું, ઘણાને તો બે બે વરસથી પેમેન્ટ બાકી છે.’ મામૂલી પુરસ્કાર માટે આવા ભવાડા ?
-પ્રકાશભાઈ, જાણીતા હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર પુરસ્કાર વિષે શું કહે છે, તે સાંભળો. ’લેખકોને પુરસ્કાર આપવાની મુખ્ય જવાબદારી પ્રકાશકો અને છાપાના માલિકોએ અદા કરવાની હોય છે.આ લોકોમાંથી કેટલાંક - લેખકોને કંઇક આપવું  જોઈએ એમ માનતા હોય છે. પરંતુ આ ‘કંઈક’ એમની દ્રષ્ટિએ ‘પૂરતું’ હોય છે, કેટલીકવાર તો ‘વધારે’ પણ હોય છે. પરંતુ લેખકોને તે ‘ઓછું’ લાગે છે. વળી પ્રકાશકો પોતાનો ભાગ ભલે રૂપિયામાં રાખતા હોય, લેખકો માટે પૈસામાં પણ ભાગ રાખે  છે, એ ઉદારતાની નોંધ ન લેવા જેવા લેખકોથી નગુણા ન થવાય.’   
-તમે મને નગુણા ન થવાની સલાહ આપો છો પણ આજ સલાહ તમારે તંત્રીઓને, સંપાદકોને, પ્રકાશકોને આપવાની જરૂર છે, એમ તમને નથી લાગતું, ભાભી ?
-ના, નથી લાગતું. સલાહ ભલે મફતમાં અપાતી હોય, પણ એ કોને અપાય અને કોને નહિ એટલી સમજદારી લેખનજગતમાં ઘણા વર્ષોના અનુભવ પછી મારામાં આવી ગઈ છે. માલિકોને માન અપાય, વોટ અપાય, સેવા અપાય, સલાહ કદાપિ નહીં. શું કામ જાણી જોઇને આપણે  સોનાની જાળને પાણીમાં ફેંકવી ?
-આમ કહીને તમે લેખકોને તુચ્છ બનાવી રહ્યા છો.  
-મારા બનાવવા, ન બનાવવાથી શું ફર્ક પડે છે ? રતિલાલભાઈ પોતે જ કહે છે, ‘હાસ્યકારો સાહિત્યના  શૂદ્રો ગણાય છે, શૂદ્રોની માંગ બહુ હોય છે, પણ મહેનતાણું ઓછું હોય છે. હાસ્યકારોને મળતું મહેનતાણું  એમને કરુણરસનો અનુભવ કરાવે એવું હોય છે.’
-ઠીક છે, આ તો તમારા હાસ્યલેખકોની વાત થઇ. પણ અમારા જેવા નવલકથાકારોને તો યોગ્ય મહેનતાણું એટલે કે યોગ્ય પુરસ્કાર મળવો જોઈએ કે નહીં ? કે પછી સરસ્વતીપુત્રોએ હંમેશા એ લક્ષ્મીનંદનો પાસે હાથ લંબાવ્યા જ કરવો પડશે ?
-પ્રકાશભાઈ, ‘પુરસ્કારનો ખ્યાલ પશ્ચિમમાંથી આવ્યો છે, એટલે સ્વદેશીના હિમાયતી એવા આપણને તે બરાબર નથી લાગુ પડતો. વળી સાહિત્યસર્જન એ સરસ્વતી સેવા છે. તમે સેવા સરસ્વતીની કરો અને કૃપા લક્ષ્મીની માંગો એ કોઈ રીતે યોગ્ય નથી. લક્ષ્મીજી તો આ સારસ્વતોની  ફક્ત માસી થાય. અને માસી પાસે ભાણેજ રાખી રાખીને કેટલી અપેક્ષાઓ રાખી શકે ?’ આ બધું હું નથી કહેતી હોં, રતિલાલભાઈ જ કહે છે.
-આ રતિલાલભાઈ બહુ પૈસાદાર માણસ છે ?
-હું એવું ધારતી નથી. એકવાર એમને મળેલ પુસ્તકનો પુરસ્કાર ઓછો લાગતાં એમના એક લેખકમિત્ર પાસે તેમણે આ લાગણી વ્યક્ત કરી ત્યારે એમને જાણવા મળ્યું કે તે મિત્રને તો તેમનું પુસ્તક છપાવવા પ્રકાશકને સામેથી પૈસા આપવા પડ્યા હતા.
-હું પુસ્તકોની વાત નથી કરતો, લેખોની વાત કરું છું. જૂના પણ ફેમસ લેખકોના જૂના અને છપાઈ ગયેલા  લેખો છાપવા માટે થઈને આપણા જેવા લેખકો (નવોદિતો) ના નવા અને તાજા લેખોને બાજુ પર મૂકી દે તે વલણ કેટલી હદ સુધી યોગ્ય છે ?
-સુપરફાસ્ટ ટ્રેનને આગળ જવા દેવા માટે લોકલ ટ્રેનોને થંભાવી દેવામાં આવે છે, એ તો સર્વસ્વિકૃત નિયમ છે. એ સ્વિકારશો તો જ સર્જનશીલતાનો આનંદ માણી શકશો.
સાંભળ્યું છે કે પ્રકાશભાઈ હજી પણ કોઈ એવા પ્રકાશકની શોધમાં છે, કે જે એમના લેખો પર પ્રકાશ પાડી શકે (યોગ્ય રીતે પુરસ્કૃત કરી શકે)


પ્રેમ કે ઝનુન ?


પ્રેમ કે ઝનુન ?  પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘આજે પ્રીતિબેન અને પરિમલભાઈને ડીનર પર બોલાવ્યા છે, તો મેનુમાં શું બનાવશે ?’ પતિદેવે પૂછ્યું.
‘શીરો, પૂરી - શાક અને દાળ - ભાત બનાવીશ’ પત્નીએ જવાબ આપ્યો.
‘હા, અને ફરસાણમાં બટાકાવડા બનાવજે, તારા બટાકાવડા  એમને બહુ ભાવે છે.’
‘ભલે, હું રસોઈની તૈયારી શરુ કરું છું, તમે મને જરા માર્કેટમાંથી એક કિલો બટાકા લાવી આપશો ?’
‘બટાકા તું જ લઇ આવને, પ્લીઝ. એ લોકો આવી જાય તે પહેલાં મારે મારી ઓફિસનું થોડું અરજન્ટ પેન્ડીંગ કામ છે, તે પૂરું કરવાનું છે, માર્કેટમાં જવાનો ટાઈમ નથી મારી પાસે.’
‘ઘરના કોઈ પણ કામ માટે તમારી પાસે ટાઈમ જ નથી હોતો. રોજ ઓફિસનું કામ ઘરે લઈને આવો છો, ગામ ગપાટા મારવાને બદલે ઓફીસનું કામ ઓફિસમાં જ પૂરું કરીને આવતા હોય તો ?’
‘બટાકા જેવી રોજ બરોજના કામમાં આવે એવી અને અઠવાડિયું થાય તો પણ બગડી ન જાય એવી સામગ્રી તું પહેલાથી જ અને કાયમ ઘરમાં રાખી મુકતી હોય તો.’
‘હવે તમે મને કહેશો કે મારે ઘરમાં શું કરવું જોઈએ અને શું નહિ ?’
‘અને તું મને કહેશે કે મારે ઓફિસમાં શું કરવું જોઈએ અને શું નહિ ?’
‘તમને કહીને શું ફાયદો ? લગ્ન પહેલાં તો માગ્યા વિના મારી મનગમતી વસ્તુઓ હોંશે હોંશે લાવી આપતા હતા, પણ હવે તો તમારે ગરજ સરી કે વૈધ વેરી.’  
‘સાવ એવું તો નથી હોં,  હજી પણ તને તારા જન્મદિવસે સાડી, ડ્રેસ, પરફ્યુમ વગેરે લાવી આપું છું કે નહિ ? અને મેરેજ એનીવર્સરી પર બહાર ડીનર પર લઇ જાઉં છું, ક્યારેક મૂવી તો ક્યારેક ડ્રામા જોવા પણ લઇ જાઉં છું કે નહિ ?’
‘એની હું ક્યાં ના પાડું છું, પણ મને જોઈતી હોય ત્યારે મદદ ના કરો એનો શું ફાયદો ?  અને મદદમાં પણ માત્ર સોસાયટીના નાકેથી  બટાકા જ તો મંગાવ્યા છે ને ? તો પણ તમે કામના બહાના કાઢો છો. જવા દો, તમારી પાસે કોઈ કામની  આશા રાખવી જ નકામી, હું જ કંઈ મેનેજ કરી લઉં છું.’
‘અભાર.’
‘નથી જોઈતો તમારો આભાર મને. આજના ન્યુઝ પેપરમાં તમે પણ આ સમાચાર તો વાંચ્યા તો હશે જ, કે પત્ની તોસ્યાએ ઘરના બેઝમેન્ટમાં બટાકા મૂકવા માટે પતિ અરકેલ્યાનને એક રૂમ બનાવવા કહ્યું, તો પતિએ ૨૩ વર્ષ સુધી ૩૦૦૦ ચોરસ ફૂટ ખોદકામ કરીને આખો મહેલ બનાવી દીધો, આને કહેવાય સાચો અને પ્રગાઢ પ્રેમ, સમજ્યા ?’
‘સાચો અને પ્રગાઢ પ્રેમ કોને કહેવાય એ વિષે ઘણા મતમતાંતરો અને માન્યતાઓ છે. આગ્રાના તાજમહાલની જ વાત લઈએ, તો લોકો તાજમહાલને શાહજહાંના એની પત્ની મુમતાઝ પ્રત્યેના પ્રેમની અમર નિશાની ગણે છે. એક ગીતકારે તો એના પર ગીત પણ રચ્યું છે, - એક શહેનશાહને બનાવાકે હંસી તાજમહાલ, સારી દુનિયાકો મુહાબ્બત કી નિશાની દી હૈ.....અને કેટલાક બુદ્ધિમાન ગણાતા લોકોએ શોધી નાખ્યું છે કે – શાહજહાંની સાત પત્નીઓમાં મુમતાઝ એની ચોથી પત્ની હતી, મુમતાઝ સાથે લગ્ન કરવા શાહજહાંએ એના પતિને મારી નાખ્યો હતો, મુમતાઝ એની ચૌદમી ડીલીવરીમાં મરી ગઈ હતી અને મુમતાઝના મૃત્યુ પછી શાહજહાં મુમતાઝની બહેનને પરણ્યો હતો.’
‘તોસ્યા અને અરકેલ્યાન ની વાતમાં શાહજહાં અને મુમતાઝ ક્યાંથી ઘુસી ગયા ? લાગે છે તમે એ  સમાચાર ધ્યાન થી વાંચ્યા જ નથી, અને  એટલે જ મારી વાત સમજ્યા નથી.’     
‘મેં એ સમાચાર વાંચ્યા છે, અને હું તો આખી વાત  સમજી ગયો, પણ તું જ વાત નથી સમજી.’
‘હું શું વાત નથી સમજી, સમજાવશો મને ?’
‘સમજાવું, યેરેવાન એજન્સીએ જણાવેલા સમાચાર મુજબ, આર્મોનિયાના આરિન્જ ગામમાં રહેતા લેવોન અરકેલ્યાનને એની  પત્ની તોસ્યા ઘારીબિને, ઘરના બેઝમેન્ટમાં બટાકા મૂકવા માટે એક રૂમ બનાવવાનું કહ્યું હતું. પણ લેવોને ૩૦૦૦ ચોરસ ફૂટ જમીન ખોદી, ૬૦૦ ટ્રક ભરીને માટી અને પથ્થરો કાઢ્યા. એ માટે એણે ૨૩ વર્ષ સુધી રોજ ૧૮ કલાક ખોદકામ કરીને આખો મહેલ બનાવી દીધો.’
‘હું તમને એ જ તો કહી રહી છું, આવા - પાણી માંગો તો દૂધ હાજર કરે - એવા એટલે કે લેવોન જેવા પતિદેવ આ ધરતી પર કેટલા ?’
‘પણ તું પૂરી વાત સાંભળ તો ખરી. ૨૦૦૮ માં આ મહેલની એક દીવાલ તૂટી ગઈ હતી, જેના લીધે પતિ લેવોનને હાર્ટએટેક આવ્યો અને ૬૭ વર્ષની વયે એનું અવસાન થયું.’
‘હા, એ સમાચાર જાણીને મને દુખ તો થયું, જો કે પત્નીએ એને આ કામ કરતા રોકવાનો પ્રયત્ન તો કર્યો હતો, પણ તેઓ રોકાયા નહિ, પત્ની પ્રત્યે એમને ગજબનાક પ્રેમ હતો.’
‘એને પ્રેમ નહિ ઝનુન કહેવાય. હું ઓફિસનું કામકાજ છોડીને આવું ખોદકામ કરું તો પહેલી તારીખે તારા હાથમાં મૂકું છું, એ પગાર મૂકી ન શકું. અને એવું થાય તો પછી, આપણી પાસે બટાકા મૂકવાના તો છોડ, બટાકા લાવવાના પૈસા પણ રહે નહિ.’
‘હા, તમારી એ વાત તો સાચી છે, હોં.’
‘અને બીજી વાત – આપણે ફ્લેટમાં રહીએ છીએ, માત્ર ફ્લેટની માલિકી આપણી છે, જમીનની નહિ, એટલે મારે ખોદકામ કરવું હોય તો પણ જમીન ક્યાંથી લાવવી ?’
‘એ વાત પણ સાચી.’
‘અને ત્રીજી વાત, લેવોને તો બિલ્ડીંગ બાંધકામની ટ્રેનીગ લીધી હતી, એટલે એણે જમીન ખોદીને મહેલ બનાવ્યો, એને મધ્યયુગની  ઈમારતની શકલ આપી.એમાં ગુફાઓ અને નહેરો બનાવ્યા, ગોળાકાર દરવાજા બનાવ્યા, દીવાલો પર મોટા મોટા શિલ્પો બનાવ્યા.’
‘હા, પત્ની તોસ્યા અહીં આવતા પર્યટકોને મહેલના તમામ ૭ રૂમ બતાવીને કહે છે, કે -  તે તેમના પ્રેમની નિશાની છે, લેવોન ૨૩ વર્ષ સુધી રોજના ૧૮ કલાક ખોદકામ કરતા હતા, કેમ કે તેમને વિશ્વાસ હતો કે ઈશ્વર તેમને મદદ કરી રહ્યો છે.’
‘અને હું જો અહી ફ્લેટમાં ૨ કલાક પણ ખોદકામ કરું તો આપણી નીચેના માળવાળા પટેલભાઈ એમના ફ્લેટની છત તોડી પાડવાના ગુનાસર પોલીસને કમ્પ્લેન કરીને મારી ધરપકડ કરાવડાવે. અને સોસાયટીના બગીચામાં ખોદકામ કરું તો ચેરમેન મને સોસાયટી નિકાલ કરે, સોસાયટીની બહાર જઈને રસ્તા પર ખોદકામ કરું તો નગર નીગમવાળા મને પકડીને પાગલખાનામાં મૂકી આવે.’
‘એ બધું તો ઠીક પણ મૂળ વાત તો એ છે કે, આપણી પાસે એક રૂમમાં મૂકવા જેટલા બટાકાની તો નથી જ, પણ  મહેમાનો આવે ત્યારે બટાકાવડા બનાવાય એટલા બટાકા પણ ઘરમાં નથી.’
‘તો પછી હું ખોદકામ કરીને મારો પ્રેમ સાબિત કરવાને બદલે મારી ઓફિસનું પેન્ડીંગ કામ પતાવી લઉં, પ્લીઝ  ?
‘હા, પતાવો. અને  હું બટાકાવડાને બદલે મેથીના ગોટા બનાવી લઉં છું.’