Wednesday, 12 August 2015

ચાલતો રે’ જે [૨]

ચાલતો  રે જે [૨]         પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ચાલતો રે જે...  એ વિષય પર ગીતકારોએ જે ગીતો લખ્યા છે, તેમાં એક ગીત આવું પણ છે – ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા... આમ રીપીટેશન દ્વારા કવિએ એકલા ચાલવા ઉપર ભાર મૂક્યો છે. કદાચ મૃત્યુ પછીની સફર આત્માએ એકલા જ કરવાની હોવાથી કવિએ દૂરંદેશી વાપરી, પ્રેકટિસ થાય એ માટે એકલા ચાલવાની હિમાયત કરી હશે.  અથવા તો કોઈની સાથે ચાલવા જવામાં કવિને ગેરફાયદો જણાયો હશે, એટલે એકલા ચાલવા જવાનું કહ્યું હશે. પરંતુ એકલા ચાલવા જવામાં તો એનાથી ય મોટો ગેરફાયદો છે, અને તે છે – જાત સાથેનો સંવાદ’,  જે નર્યો બકવાસ હોય છે.

એક ગીતકારે એમ પણ કહ્યું છે કે –ચલના હિ જિંદગી હૈ, રૂકના હૈ મૌત તેરી... આ વાત કદાચ ૯૯% સાચી હશે, પણ એક ટકો ખોટી છે. મારી ફ્રેંડનો ભત્રીજો એક સવારે ચાલવા ગયો હતો.  સુરા પાન કરીને ટ્રક ચલાવી રહેલા એક ડ્રાઇવરે એને ટ્રક દ્વારા ધક્કે ચઢાવ્યો. ભરયુવાનીમાં એને પૃથ્વીના રસ્તેથી પળભરમાં સ્વર્ગના રસ્તે ચઢાવી દીધો. આમ આપણી મરજી વિરુધ્ધ  કોઈ આપણો રસ્તો બદલાવી નાંખે, તે પસંદ ન હોવાથી હું નજીકની શાકની દુકાને પણ ચાલતા જવાને બદલે સ્કુટર પર જવાનું વધુ પસંદ કરું છું.

હવે તો મારા દિકરાઓ પણ મારું જ અનુસરણ કરીને, મમ્મી, મને  બસ સ્ટોપ સુધી મૂકી જા ને એવી માંગણી નજીકના બસસ્ટોપ પર જવા માટે કરે છે, ત્યારે હું એમને હોંશથી સ્કુટર પર અથવા કારમાં બેસાડીને બસસ્ટોપ પર મૂકી આવુ છું. આજકાલ રસ્તા પર ચાલીને જઈ રહેલી બહેનોના ગળામાંથી મોટરસાઈકલ પર આવેલા ગઠિયાઓ, મંગળસૂત્ર- ચેઇન એવું તોડીને લઈ જાય છે. આવા બનાવો જ સૂચવે છે કે, ચાલતા જવામાં નુકસાન છે અને વાહન પર જવામાં ફાયદો છે.

ચલ રે નૌજવાન, ચલ ચલ રે નૌજવાન... વાળા ગીતમાં તો મારે ચાલવાનું છે જ નહીં, કેમ કે ગીતકારે નૌજવાનોને ચાલવાનું કહ્યું છે, નૌયૌવનાઓને નહીં.  ચલો સજના જહાં તક ઘટા ચલે… માં આપણે માત્ર આપણી બુધ્ધિને જ ચલાવીએ તો પણ ખબર પડી જાય છે કે ઘટાઓ કોઈ દિવસ ચાલતી નથી, હા, ઘેટાંઓ ઊંધુ ઘાલીને ચાલતાં રહેતાં હોય છે. આમ ગીતકારે ચાલવું જ ન પડે એવો ચબરાકી ભર્યો પ્રસ્તાવ આ ગીતમાં મૂક્યો છે.

એક ગીતકારે ચલકર દેખે ફૂલ રંગીલે, ફૂલ રંગીલે નીલે પીલે... એવો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગીતકારની જેમ હું પણ ફૂલો જોવાની ચાહક હોવાથી, એ માટે ચાલવું પડે તો ચાલવા પણ તૈયાર છું. પણ... અમારી સોસાયટીના ગાર્ડનમાં ઊગેલાં ફૂલો નીલાં, પીળાં, લાલ, ગુલાબી, સફેદ... અમારા બેડરૂમની ગેલેરીમાં બેઠાં બેઠાં જોઈ શકાય છે. એટલું જ નહીં, અમારા ઘરની પાસે ઊગેલ ગુલમહોરનાં લાલ લાલ ફૂલો તો હું ગેલેરીમાંથી હાથ વડે સ્પર્શી શકું એટલા નજીક ઊગ્યાં છે. આમ કુદરતને પણ હું ચાલતી રહું એ વાત કદાચ મંજૂર નથી.

ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો... જેવી એક્સાઈટીંગ ઓફર જિંદગીમાં જવલ્લે જ મળતી હોવાથી, હમ હૈ તૈયાર ચલો ઓ ઓ ઓ..’,  કહીને સ્વીકારી લેવાનું મન થાય છે. કારણ કે આપણને  ખબર છે કે, પછી બહુ બહુ તો ચાંદની રેસ્ટોરન્ટમાં ડીનર –બીનરની ઓફરથી  વધુ કંઈ મળવાની આશા નથી. વળી બીજું કારણ એ પણ કે ચાંદકે પાર જવાનું થાય તો નેચરલી ટાંટિયાતોડ કરીને જવાનું તો થાય નહીં, ત્યાં તો અવકાશયાન જ ભાડે કરવું પડે. એટલે આ ઓફર સ્વીકારાય, પણ...

વખત છે ને અવકાશી ચાંચિયાઓ મારું અપહરણ કરી જાય (???) અને મારા બદલામાં ભારતનાં પી.એમ. પાસે અમુક-તમુક ત્રાસવાદીઓને છોડી મૂકવાની માંગણી મૂકે તો? મને ખાતરી છે કે પી.એમ. સાહિત્યપ્રેમી હોવા છતાં, અપહરણ કર્તાઓની માંગણી નહી જ સ્વીકારે. (આના કરતાં તો આતંકવાદીઓ સારા) જો આવું થાય તો એક હાસ્યલેખિકાના જવાથી ભારત દેશને પડેલી ખોટ પૂરતાં કેટલા યુગો જાય? આથી દેશને ખાતર હું આ ઓફર પણ જતી કરું છું.

ચલો એકબાર ચલકર, અજનબી બન જાયેં હમ દોનોં... આ ગીત કોઈ દેણદારે પોતાના લેણદારને ઉદ્દેશીને લખ્યું હશે. બેઠાં બેઠાં અજનબી બનવાની ઑફર મૂકતાં એને સંકોચ થયો હશે કે અવિનય જેવું લાગ્યું હશે તેથી એણે ચાલીને (ચલકર...) આ કામ કરવાનું મુનાસિબ માન્યું હશે. મારો લેણદાર આ ઑફર સ્વીકારવા તૈયાર થાય તો, એ માટે જેટલું ચાલવું પડે તેટલું, ચાલી નાંખવાની મારી તૈયારી છે.
શ્રી મનહર મોદીનો એક શેર છે : મુસાફર થવાનું પ્રલોભન થશે, આ રસ્તાઓ એવાં ચમકદાર છે. અમદાવાદના રસ્તાઓ જો પોતાની ધૂળદાર સ્થિતિ બદલીને આવા ચમકદાર થશે, તો હું મારો ઘરે બેસી રહેવાનો નિર્ણય બદલીને ચાલવા જઇશ.

એકવાર બિહારના મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવે બિહારના રસ્તાઓ અભિનેત્રી હેમા માલિનીના ગાલ જેવા લીસ્સા બનાવીશ એવી જાહેરાત કરી  હતી, ત્યારે મેં નિર્ણય કર્યો હતો, ભલે લપસી પડાય, હું બિહારના રસ્તાઓ પર ચાલવા જઈશ પણ ન તો એ રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા લીસ્સા થયા, ન તો મારે એના પર ચાલવા જવાનો સવાલ ઊભો થયો. કદાચ આમ ને આમ વર્ષો વિતી જશે, અને હેમા માલિનીના ગાલ બિહારના રસ્તાઓ જેવા થઈ જશે.

આદિલ મનસૂરીનો એક શેર છે, ચાલતા સાથે નીકળતાં યાદ છે, શહેરના એક એક રસ્તા યાદ છે એમાં એક જ શબ્દનો ફેર કરીએ તો મને આ શેર લાગુ પાડી શકાય. સ્કુટર પર સાથે નીકળતાં યાદ છે, શહેરના એક એક રસ્તા (ખાડા-ટેકરા સહિત) યાદ છે 

પંડિતોની એક ઉક્તિ છે, ચાલે તેનું નસીબ ચાલે છે, બેસે તેનું બેસે છે અને સૂતેલાનું નસીબ સૂઈ જાય છે શાંતિથી વિચારીએ તો લાગે છે કે, આ કોઈ ઉક્તિ નથી, પરંતુ કહેવાતા પંડિતોની જનતાને ઉલ્લુ બનાવવાની યુક્તિ છે, પ્રયુક્તિ છે. આપણે ચાલીએ તો નસીબ ચાલે, આપણે બેસીએ તો નસીબ બેસે અને  આપણે સૂઈ જઈએ તો નસીબ સૂઈ જાય, આ તે કંઈ નસીબના ડહાપણની વાત થઈ? નસીબને પોતાના સ્વતંત્ર અસ્તિત્વ જેવું પણ કંઇ હોય કે નહીં? અને ન હોય તો, આવા પોન ઓરીએન્ટેડ , અધર રેફરલ એવા નસીબને લઇને આપણે કરવાનું શું?

ચાલનારા કહે છે કે, ચાલવું એ ઉત્તમ વ્યાયામ છે’, તરનારાઓ સ્વીમીંગને, યોગીઓ યોગને, સંતો ધ્યાનને અને કસરતબાજો કસરતને ઉત્તમ વ્યાયામ ગણાવે છે. જ્યાં સુધી ઉત્તમ વ્યાયામ કયો?’ એ નક્કી ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ જાતનો શારીરિક કે માનસિક વ્યાયામ શા માટે કરવો જોઇએ? હું તો ત્યાં સુધી કહું છું કે તમારે આવા લેખો  વાંચવાનો અને મારે આવા લેખો લખવાનો વ્યાયામ પણ શા માટે કરવો જોઇએ?

ગ્રીક ફિલસૂફો ગૂઢ પ્રશ્નોની ચર્ચા ચાલતાં-ચાલતાં કરતા, અને સંગીત સમ્રાટ મોઝર્ટને અટપટી સંગીત રચનાની ગૂંચનો ઉકેલ ઘરની બહાર ખુલ્લામાં લટાર મારવાથી મળી જતો. મને તો આ રીતે લટાર મારતાં એક રૂપિયાના સિક્કાથી વધુ કોઈ દિવસ કંઈ મળ્યું નથી.

ચલના હી જિંદગી હૈ, રૂકના હૈ મૌત તેરી નો વિચાર કરું તો હું જીવનમાં જીવિત કરતાં મૃત અવસ્થામાં વધુ  સમય ગાળું છું’, એ હકીકત પૂરવાર થાય છે. જો કે મને એ વાતનો જરા પણ અફસોસ નથી, કેમ કે જીવનમાં સૌએ એકવાર તો મરવાનું છે જ.

મહાન નેતા શ્રી અબ્રાહમ લિંકનનું એક પ્રસિધ્ધ વાક્ય છે, આઇ વૉક સ્લોલી, બટ આઇ નેવર વૉક બેક. હવે જો આવા મહાન નેતા પણ પાછા ફરતી વખતે ચાલતા નહીં આવતા હોય, તો- એમના સિધ્ધાંતને વધુ દ્રઢપણે અનુસરતાં, એટલે કે જતાં તેમ જ આવતાં   હું ચાલતી આવવાને બદલે વાહનનો ઉપયોગ કરું, તો- એમના વાક્યમાં રજમાત્રનો ફેરફાર કરી હું મારા માટે આજે તો એટલું ક કહીશ :

આઇ વૉક સ્લોલી, બટ આઇ નેવર વૉક.

No comments:

Post a Comment