પૌલોમીએ બહુ ખોટું કર્યું.
પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-પલ્લવીબહેન, તમે રામા શંકરનું ઘર જોયું છે?
-હા, જોયું છે ને.
-તો જરા મારી સાથે
આવીને મને બતાવોને.
- જવા દો ને, સુલુબહેન,
એનું ઘર કંઈ જોવા જેવું નથી. ઐતિહાસિક કહી શકાય એવી જૂની-પુરાણી ગંદી ચાલમાં એક
ઓરડી, એમાં તૂટેલી-ફૂટેલી એક ખાટલી,
એના પર જૂનુ-પુરાણુ-ગંધાતું એક ગોદડું અને એના પર પાથરેલી ડાઘ-ડુઘવાળી એક ચાદર.
ખૂણામાં જૂનો ભંગાર સમ એક ખખડધજ સ્ટવ,
બે-ચાર કાળા-બળેલાં એલ્યૂમિનિયમનાં વાસણો,
રંગ વિનાની દિવાલમાં એક નાનકડી ગોખલી અને એમાં ભગવાન શંકરનો એક જૂનો ફોટો.
-બસ, બસ,
બસ.
-હું પણ એ જ કહું
છું, બસ, એટલું જ,
એ સિવાય કશું નહીં. ક્યાં ભગવાન શંકરનું ઘર..રમણીય અહ્લાદક પર્વત કૈલાસ અને ક્યાં
આપણા રામા શંકરનું ઘર! મને તો એને માટે કોઈ ઉપમા પણ જડતી નથી.
-નહીં જડે તો વાંધો
નહીં, હમણાં તમે એની શોધ પડતી મૂકો, અને મને હમણાં ને હમણાં એનું ઘર બતાવો.
-તમને એનું ઘર
જોવાનો શોખ ક્યાંથી જાગ્યો, સુલુબહેન? તમે
રામાઓના જીવન પર કોઈ ‘માહિતી લેખ’ લખી રહ્યા છો? કે પછી ‘નવલકથા’? કે પછી રામાઓ માટેની કોઈ ‘આવાસ-યોજના’ તૈયાર કરી રહ્યા છો?
-એવું
કશું નથી,
અત્યારે તો એની વાત જ વાર્તા થઈ ગઈ છે.
-અરે
વાહ! મને કહો તો ખરા, સારી વાર્તા સાંભળ્યે કેટલા વર્ષો થઈ ગયાં અને મને તો વાર્તા સાંભળવાનો
અને લખવાનો બહુ શોખ છે. પ્લીઝ, સુલુબહેન, શંકરની વાર્તા કહો ને.
-વાર્તા
કહેવાનો અત્યારે ટાઈમ નથી, એટલે પછીથી કહીશ. અત્યારે તો તમે મને એનું સરનામું આપી દો.
-જુઓ, ગામમાં ‘રામ મંદિર’ છે ને? એની બાજુમાં
એક નાનકડી ગલી છે. એમાં ડાબી તરફ એક, બે અને ત્રણ છોડીને
ચોથી છે એ શંકરની ઓરડી. પણ વાત શું છે એ કહો તો ખરા.
-આ
આજકાલની છોકરીઓ....તમે વાત જ જવા દો યાર.
-ના, ના. વાત જવા દેવી એ
વાત બરાબર નથી. એમાંય આ તો કોઈ સસ્પેન્સ સ્ટોરી હોય એમ લાગે છે. પ્લીઝ સુલુબહેન, મને માંડીને વાત કહોને.
-માંડીને
વાત કરવાનો માહોલ નથી. તમને ટૂંકમાં કહું, સાભળો, અમારાં પડોશી ખરાંને?
-કયાં, ત્રણ નંબરવાળાં?
-ના, પાંચ નંબરવાળાં, સુનિતાબહેન. ઓળખોને?
-હા, હા.
પેલાં બટકાં અને જાડાં પણ રૂપાળાં. એમની શી વાત છે? શંકર એમને ત્યાંથી ચોરી કરીને ભાગી ગયો કે શું?
-સમજી લો ને, કંઈક એવું જ થયું છે.
-ઓહ માય ગોડ, સુલુબહેન,
મારું શું થશે?
-કેમ, તમારું તે વળી શું થવાનું?
-આજે બપોરે મારે
મારી એક ફ્રેન્ડ સાથે ‘સેલ’ માં જવાનું હતું, કેમ કે ભારી ડીસ્કાઉન્ટનો આજે છેલ્લો દિવસ છે. વળી સાંજે પણ મેં કીટ્ટી
પાર્ટી રાખી છે. હવે શંકર વગર ઘરનું બધું
કામકાજ કોણ કરશે? આ શંકરિયાએ તો
મારા બન્ને પ્રોગ્રામ ફ્લોપ કરી નાંખ્યા,
આવવા દો એને, એની બરાબર ખબર લઉં
છું.
-લ્યો, અહીં તમે તમારા
પ્રોગ્રામને રડો છો અને ત્યાં સુનિતાબહેનને કોઈને મોં બતાવવા જેવું નથી
રહ્યું.
-કેમ? રામો ઘરમાંથી ચોરી કરી જાય એમાં સુનિતાબહેનનો શો
વાંક? શરમાવું હોય તો શંકરિયો શરમાય, એ કોઈને મોં ન બતાવે, સુનિતાબહેનને એમાં શું?
-ઊંહ ! તમે પૂરી
વાત જ હજી સમજ્યાં નથી, પલ્લવીબહેન.
-તમે પૂરી વાત મને
હજી કહી છે જ ક્યાં?
--જુઓ, સુનિતાબહેનની પૌલોમી ખરી ને?
-હા, બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ, ઈન્ટેલિજન્ટ એન્ડ ચાર્મિંગ ગર્લ.
-એ જે હોય તે, પણ એ આજે સવારે શંકર સાથે ભાગી ગઈ.
-આર યૂ જોકીંગ? સાંભળો તમને શેફાલીની વાત કહું:
“શેફાલી ઘણા વખતથી
પૈસા બહુ ઉડાવતી હતી એટલે એની મમ્મીએ એકવાર કંટાળીને કહ્યું, ‘હવે જો તું તારી
ઉડાવગીરી બંધ નહીં કરે ને તો હું તને કોક ભિખારી જોડે પરણાવી દઈશ.’ થોડીવાર રહીને એક ભિખારીનો બહારથી અવાજ આવ્યો, ‘શેઠાણીબા, હું ઊભો રહું [રાહ જોઉં] કે જતો રહું? ‘
-તમને આવા સમયે જોક
સૂઝે છે, પલ્લવીબહેન?
-જીવનમાં આવતી દરેક
મુસીબતોને હસતાં હસતાં સહેવી જોઈએ. પણ એ તો કહો કે પૌલોમી શંકર સાથે ભાગી ગઈ છે
એવી ખબર શી રીતે પડી?
-આઠ નંબરવાળા
મીનાબહેન સવારે સાત વાગ્યે દૂધ લેવા ઊઠ્યા હતાં ત્યારે એમણે પૌલોમીને બેગ સહિત
શંકર સાથે સોસાયટીની બહાર જતાં જોઇ હતી.
-તો એમણે પૌલોમીને રોકી
કેમ નહિં? કે સુનિતાબહેનને
ચેતવ્યાં કેમ નહીં?
-મીનાબહેન એવું
સમજ્યા હતાં કે પૌલોમી બહારગામ જઈ રહી છે અને શંકર એને બસ-સ્ટોપ પર મૂકવા [બેગ ઉંચકવા] એની સાથે જઈ રહ્યો છે.
-પછી સાચી વાતની
ખબર ક્યારે અને કઈ રીતે પડી?
-નવ વાગ્યે કામ
કરવા આવનાર શંકર જ્યારે દસ વાગ્યા સુધી આવ્યો નહીં ત્યારે સુનિતાબહેને મીનાબહેનને
પૂછ્યું અને સાચી વાતની ખબર બન્નેને પડી.
-ત્યાં સુધી પૌલોમી
ઘરમાં નથી એ વાતની જાણ સુનિતાબહેનને થઈ જ નહીં?
-પૌલોમી તો દરરોજ
સવારે સાત વાગ્યે કોલેજમાં જાય છે, તે દસ-સાડાદસ વાગ્યા પછી જ આવે છે. એટલે સુનિતાબહેનને એમ કે
પૌલુ કોલેજમાં જ ગઈ છે. ચાલો હવે આપણે ગામમાં જઈએ?
-પણ એ શંકર-પાર્વતી
તો... આઈમીન શંકર-પૌલોમી તો ક્યાં ના ક્યાંય નીકળી ગયાં હશે. એ લોકો થોડાં જ આપણી
રાહ જોઈને ઘરમાં બેસી રહ્યાં હશે? આપણે પોલીસમાં
ફરિયાદ નોંધાવવી જોઈએ.
-પૌલોમીના પપ્પા
પોલીસ ચોકીએ જ ગયા છે. સુનિતાબહેને મને ગાડી લઈને ગામમાં તપાસ કરી આવવાનું કહ્યું
છે.
-તો ચાલો આંટો મારી
આવીએ. બિચારો શંકર ! પૈસાદાર પૌલોમી શેઠાણીને પાળશે-પોષશે ત્યારે જ એને પરસેવો
ઊતરશે અને એને સમજાશે કે આ કંઈ લોકોના
ઘરનાં કામ કરવા જેટલું સહેલું નથી. હવે એને કેટલા વીસે સો થાય છે એનું ભાન થશે.
-લ્યો, તમે તો પૌલોમીની દયા ખાવાને બદલે શંકરની દયા ખાવા
લાગ્યા.
-પૌલુને તો જલસા
જલસા થવાના, એને તો વરની સાથે
મફતિયા નોકરનું વરદાન જો મળ્યું.
-પણ શંકરની કમાણી
કેટલી? આર્થિક સમસ્યા નહીં નડે?
-રામો હોય કે
રઈસજાદો, પરણ્યા પછી આર્થિક
સમસ્યા કોને નથી નડતી? તમે પેલી વાત તો સાંભળી જ હશે, ‘પત્ની ખર્ચી શકે
એટલું ધન કમાઈ લાવે તે સફળ પતિ, અને એવો પતિ પોતાને માટે શોધી શકે તે સફળ
પત્ની.’ ખેર એમની વાત છોડો, પણ ખરી સમસ્યા તો હવે આપણને નડવાની છે.
-એ કઈ રીતે?
-શંકર જેવો
વિશ્વાસુ અને કામગરો રામો હવે આપણને ક્યાં મળવાનો?
-વાત તો તમારી સોળ
આના સાચી, પલ્લવી બહેન.
-આ પૌલોમીએ બહુ
ખોટું કર્યું.