ટંડુરંગ ટકટક [બાળ વાર્તા] પલ્લવી
જીતેંદ્ર મિસ્ત્રી.
. [દાદાજીની
વાતો પર આધારીત]
એક નાનકડી નદીને કિનારે એક મજાનું જંગલ હતું. એની બાજુમા એક નાનકડું ગામ
હતું. આ ગામમા મોહન અને સોહન નામના
બે મિત્રો રહેતા હતા. બન્ને સાથે
રમે, સાથે હરે-ફરે અને સાથે જ નિશાળે જાય. સોહનના પિતાની કપડાંની
દુકાન હતી. મોહનના પિતા જંગલમા જઈ લાકડાં
કાપી લાવે. એ લાકડાં બાજુના શહેરમા વેચવા જાય. એમાથી જે પૈસા આવે એનાથી ચોખા, દાળ, લોટ વગેરે લઈ આવે.
જે દિવસે વધારે પૈસા મળે એ દિવસે મીઠાઇ લાવે. મોહનની સાથે સાથે સોહનને પણ મીઠાઇ
આપે. મીઠાઇ ખાવા મળે એ દિવસે બન્ને મિત્રો ખુબ ખુશ થાય.દિવાળીના દિવસોમા સોહનના
પિતા મોહન અને એના માતા-પિતાને નવા કપડાંની ભેટ આપે. બન્ને કુટુંબ વચ્ચે ખુબ મન
મેળ હતો.
એક દિવસ મોહનના પિતા જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે એમને ઝેરી સાપ કરડી
ગયો. એમને શહેરમા ડોક્ટરના દવાખાને લઈ ગયા.પણ ત્યાં સુધીમા ઝેરના કારણે મોહનના
પિતાનું અવસાન થયું. મોહન અને એની માતા દુ:ખી થઈને ખુબ રડ્યા. થોડા દિવસ મોહન નિશાળે પણ નહી ગયો.
ઘરમા ખાવાનું પણ ખુટી ગયું. થોડા દિવસ સોહનના ઘરેથી મોહનના ઘરે ખાવાનુ
આવ્યું. પણ પછી મોહનની માતાએ કહ્યું, ‘હું લોકોના ઘરના
કામકાજ કરીને પૈસા કમાઇ લાવીશ.’ મોહને એની માતાને કહ્યું, ‘હવે મારા પિતાજી રહ્યા નથી એટલે પૈસા કમાવાની
જવાબદારી મારી ગણાય. હું જંગલમા જઈને લાકડાં કાપી લાવીશ. શહેરમા લાકડાં વેચીને
પૈસા કમાઇ લાવીશ. અને આપણા માટે ખાવાનું લઈ આવીશ.’
મોહનની માતા આ સાંભળીને બોલી, ‘બેટા, તું હજી નાનો છે. જંગલમા
હિંસક પ્રાણીઓ હોય. હું તને જંગલમા નહી જવા દઉં.’
મોહને કહ્યું, ‘હું બહાદુર છોકરો છું.
જંગલના પ્રાણીઓથી ડરું એવો નથી. મા, તું મને આશીર્વાદ આપ.’ મોહનની માતાએ એને આશીર્વાદ આપ્યા, ‘ મારા બહાદુર બેટા, ભગવાન હમેશા તારું રક્ષણ કરે. પણ તારે મારી એક વાત માનવી પડશે. રાત પડે
અને અંધારું થાય એ પહેલાં તારે ઘરે આવી
જવાનું.’ મોહન હસીને બોલ્યો, ‘મા, તારી વાત મને મંજુર છે. હું રાત પડે તે પહેલા
ઘરે પાછો આવી જઈશ.’
અને આમ મોહને ઘરની જવાબદારી ઉપાડી લીધી. એણે
નિશાળ જવાનું છોડીને જંગલમા લાકડાં કાપવા જવાનું શરુ કર્યું. એક તો મોહન હજી નાનો
હતો. અને એને આ કામનો અનુભવ નહોતો. એટલે પહેલે દિવસે બહુ થોડા લાકડાં એ કાપી
શક્યો. એમાથી માત્ર લોટ જ આવ્યો. માંએ આ લોટમાથી રાબ બનાવી અને બન્ને જણે ખુબ જ આનંદથી
રાબ પીધી.
બીજે દિવસે મોહન થોડા વધુ લાકડાં કાપી શક્યો.
એ દિવસે એને વધારે પૈસા મળ્યા. દાળ અને ચોખા બન્ને આવી શક્યા. મા એ ખીચડી બનાવી.
મોહનને ખીચડી ખુબ ભાવે. મોહન નિશાળે નહી જઇ શકે એનુ દુ:ખ મોહન અને એની માતાને
હતું. મોહન ને રાત્રે સમય મળે ત્યારે સોહનના પુસ્તકો લઈને વાંચતો. આમ દિવસો પસાર
થવા લાગ્યા. એક દિવસ મોહન જંગલમા લાકડાં કાપવા ગયો હતો. ત્યાં દૂરથી એને સિંહની
ગર્જના સંભળાઇ. મોહન ડરીને એક ઝાડ પર ચઢી ગયો.
સિંહ ઝાડ નીચે થોડીવાર આંટા મારીને
પછી જંગલમા દૂર દૂર જતો રહ્યો.
મોહન ઝાડ પરથી નીચે ઉતરવા જતો હતો. ત્યાં એને
દૂરથી ઘોડાઓના પગલાનો અવાજ સંભળાયો. મોહન પાછો ઝાડ પર છુપાઇને બેસી ગયો. ત્રણ
ઘોડેસવાર લોકો ઝાડ નીચે આવીને ઘોડા પરથી નીચે ઉતર્યા. એમની પાસે ત્રણ નાના પોટલા
હતા. એ પોટલામા સોનુ, ચાંદી અને હીરાના ઘરેણાં અને
રુપિયા હતાં. એ લોકો ચોર હતા અને એમની પાસે ચોરીનો માલ હતો. ત્રણે ચોર ઝાડ નીચે
બેઠા. એમાનો એક ચોર બોલ્યો, ‘બહુ ભુખ
લાગી છે. પહેલા આપણે કંઇ ખાઇ લઈએ. પછી ચોરીના માલના ભાગ પાડીએ.’ બીજા ચોર પાસે એક જાદૂઇ લાકડી હતી. એણે લાકડી જમીન પર ત્રણ વાર પછાડી અને
કહ્યું, ‘ટંડુરંગ ટકટક, અમારા માટે જલેબી
આવી જાય.’ એના બોલવાની સાથે જ ત્યાં એક મોટી ડીશ ભરીને જલેબી
આવી ગઇ.’
મોહન તો આ જોઇને નવાઇ પામી ગયો. જલેબી ખાઇ
લીધા પછી ચોરોએ જાદૂઇ લાકડી પાસે સમોસા મંગાવ્યા. મોહનના મોઢામાં પાણી આવી ગયું.
એને પણ ખુબ ભુખ લાગી હતી. એ અખરોટના ઝાડ પર હતો. એણે ધીરેથી એક અખરોટ તોડી અને
દાંત વચ્ચે દબાવીને તોડી. અખરોટ તૂટવાથી ‘કડ ડ ડ ‘એવો અવાજ આવ્યો. અવાજ સાંભળીને ચોરો ખુબ
ઘભરાયા. એમને લાગ્યું કે નક્કી આ ઝાડ પર ભુત રહે છે. ‘ભુત
આપણને ખાઇ જશે,’ એમ બોલીને ત્રણે ચોરો માલ સામાન મૂકીને ઘોડા
પર બેસીને ભાગી ગયા.
ચોર ગયા એટલે મોહન ઝાડ પરથી નીચે આવ્યો. એ બધો
સામાન અને જાદૂઇ લાકડી લઇને ઘર તરફ આવવા
નીકળ્યો. મોડી રાત હતી, અંધારું હતું, ડર તો લાગતો હતો, પણ મોહન બહાદુર છોકરો હતો. એ ભગવાન રામનું નામ બોલતા બોલતા ઘરે આવી ગયો. મોહનની
માતા ઘરના દરવાજે મોહનની રાહ જોતી ઉભી હતી. મોહનને આવતો જોઈને એ દોડીને મોહનને
વળગી પડી. બોલી, ‘બેટા, કેટલુ મોડું કર્યું તેં આવવામા? હું તો રાહ જોઇ જોઇ
ને થાકી ગઈ. મને તારી કેટલી ચિંતા થતી હતી. હવે હું તને જંગલમા નહી જવા દઉં.’
મોહન પણ માતાને વળગીને વહાલ કરતો બોલ્યો, ‘મા, મને માફ કર. મેં તને બહુ
રાહ જોવડાવી.’ મા
બોલી, ‘પણ તને આટલુ બધુ મોડું કેમ થયું? અને તારા હાથમા લાકડાં ને બદલે આ બધું શું છે?’ મોહને ઘરમા જઇને માને જંગલમા શું બન્યું એ બધી
વાત કરી. માને પણ મોહનની વાત સાંભળીને ખુબ નવાઇ લાગી. મોહને માતાને પુછ્યું, ‘મા, ખરેખર ભુત હોય છે ખરું?’ મોહનની માતા બોલી, ‘ના, બેટા. . ભુત એ તો આપણા મનનો વહેમ જ છે. આ દુનિયામાં ભુત જેવું કશું જ
હોતું નથી. તારે કદિ પણ ભુતથી ડરવું નહી. અને ડર લાગે તો ભગવાન રામનું નામ લેવું’
મા એ મોહનને કહ્યું, ‘બેટા તને ભુખ લાગી હશે, પણ
આજે તો ઘરમા રાબ સિવાય કંઇ ખાવાનું નથી.’ મોહન હસીને બોલ્યો, ‘મા, હવે તુ મારો જાદૂ જો.’ મોહને જાદૂઇ લાકડી ત્રણ વાર જમીન પર પછાડીને કહ્યું, ‘ટંડુરંગ ટકટક,એક ડીશ જલેબી અને એક ડીશ સમોસા લાવી
દે.’ અને આમ બોલતાં જ ત્યાં જલેબી અને સમોસા આવી ગયા. બન્ને
એ આરામથી અને મજાથી ખાધું. પછી મોહને પાછી
જાદૂઇ લાકડીને જમીન પર પછાડીને કહ્યું, ‘ટંડુરંગ ટકટક, આ ઝૂંપડીની જગ્યાએ સરસ મજાનું ઘર બની જાય.’ અને
તરત જ ઝુંપડીની જગ્યાએ એક સરસ મજાનું ઘર બની ગયું.’ મોહન અને
માતા બન્ને જણ એ રાત્રે આરામથી સુઇ ગયા.
બીજે દિવસે મોહન તૈયાર થઈને નિશાળે જવા
નીકળ્યો. સોહન એને રસ્તામા જ મળ્યો. એ પણ નિશાળે જવા જ નીકળ્યો હતો. સોહને મોહનને
પુછ્યું, ‘મોહન,તારી પાસે નવા કપડાં, નવું દફતર અને નવું ઘર કઈ રીતે આવ્યું?’ મોહન ખુબ
સીધો સાદો છોકરો હતો. એણે સોહનને જંગલમાં શું બન્યું હતું તે બધી જ વાત કરી. આથી સોહને પણ મનમાં નક્કી કર્યું
કે એ પણ મોહનની જેમ જંગલમાં લાકડાં કાપવા જશે, અને ચોરો
પાસેથી માલસામાન અને જાદૂઇ લાકડી લઈ આવશે.
સાંજે નિશાળેથી ઘરે આવીને સોહન તો તરત જ
જંગલમા જવા નીકળી ગયો. માતા-પિતાને કહ્યું કે એ મોહનના ઘરે ભણવા માટે જાય છે. પણ એ
દિવસે કોઇ ચોર આવ્યા જ નહી. બીજે દિવસે અને ત્રીજે દિવસે પણ સોહન જંગલમાં ગયો, પણ ચોર આવ્યા નહી. સોહને નક્કી કર્યું કે ચોર આવે નહીં ત્યાં સુધી રોજ એ
જંગલમા જશે. ચોથા દિવસે સોહન જંગલમા ગયો. અખરોટના ઝાડ પર ચઢીને બેઠો. રાત પડી અને
દૂરથી ઘોડાના પગલાના અવાજો સંભળાયા. સોહન ખુબ ડરી ગયો પણ ચુપચાપ ઝાડ પર બેસી
રહ્યો.
ચોર આવ્યા, માલસામાન
બાજુ પર મૂક્યો. જાદૂની લાકડી લીધી જમીન પર ત્રણ વાર પછડીને બોલ્યા, ‘ટંડુરંગ ટકટક, જલેબી અને
સમોસા લાવો.’ સોહનને પણ ભુખ લાગી હતી.ખાવાનુ જોઇને એના મોઢામા પાણી આવ્યું. એણે ઝાડ પરથી અખરોટ
તોડી. પણ અખરોટ ખાવા જતાં ડરના માર્યા એના હાથમાંથી અખરોટ નીચે પડી. ચોરોએ ઉપર જોયું તો સોહન દેખાયો. ચોર લોકોએ સોહનને ઝાડ પરથી નીચે આવવા
કહ્યું. સોહને ડરના માર્યા નીચે આવવાની ના પાડી. ચોરોએ સોહનને ધમકી આપી,’ જો તું નીચે નહી આવે તો અમે તને આ જાદૂઇ લાકડીથી કાગડો બનાવી દઈશું.’
સોહન આ સાંભળીને ઝાડ પરથી નીચે આવ્યો અને ડરનો માર્યો ચુપચાપ ઉભો
રહ્યો. એક ચોર બોલ્યો, ‘તો તું
છે અમારો માલસામાન અને જાદૂઇ લાકડીનો ચોર.’ સોહન હાથ જોડીને
બોલ્યો, ‘ તમારો માલસામાન અને જાદૂઇ
લાકડી મેં નથી લીધા. એ તો મારો મિત્ર અને પડોશી મોહન લઈ ગયો છે.’ ચોરો સોહનની વાત સાચી માનવા તૈયાર નહોતા. ‘જુઠું
બોલે છે, કેમ? તને એની સજા જરુર મળશે. ચાલ તારું મોઢું ખોલ.’ સોહને મોઢું ખોલ્યું. એક
ચોરે જાદૂઈ લાકડી એના તરફ કરીને કહ્યું, ‘ટંડુરંગ ટકટક, આ છોકરાની જીભ વીસ ફુટ જેટલી લાંબી થઈ
જાય. અને સોહનની જીભ વીસ ફુટ જેટલી લાંબી થઈ ગઈ.
ચોર લોકો તો પોતાનો માલસામાન લઈને જંગલમા જતા
રહ્યા. સોહન રડતો રડતો નદી કિનારે આવ્યો. ‘આટલી લાંબી
જીભને લઈને હવે ઘરે કેવી રીતે જાઉં?’ એવું વિચારતો બેઠો. એને
જીભમા ખંજવાળ આવી એટલે એણે જીભ લાંબી કરી તો નદી પર જીભનો પુલ બની ગયો. નદીની સામે
કિનારે એક ભરવાડ બકરીઓ ચરાવતો હતો.એને આ નવો પુલ જોઈને નવાઇ લાગી. નદીના સામેના
કિનારેથી પુલ પરથી આ બાજુના કિનારે આવવા લાગ્યો. એના હાથમા સળગતી બીડી હતી. બીડી પીને છેલ્લો વધેલો સળગતો ભાગ એણે પુલ પર એટલે કે સોહનની જીભ પર
નાંખ્યો. સોહન ગરમ બીડીથી જીભે દાઝ્યો. એણે જીભ હલાવી એટલે ભરવાડ નદીમા પડી ગયો.
ભરવાડ કિનારે આવીને સોહનને મારે તે પહેલા સોહન
પોતાના ઘર તરફ ભાગ્યો. ઘરે આવેલા સોહનની લાંબી જીભ જોઇને એના માતા-પિતા નવાઇ
પામ્યા. સોહનથી એની લાંબી જીભના કારણે બોલી નહોતુ શકાતુ. એટલે એણે કાગળ અને પેન લઈ લખીને માતા-પિતાને બધી વાત
કરી. સોહનની વાત વાંચીને એના માતા-પિતા
એના પર નારાજ થયા. એને જુઠું બોલવા બદલ, લાલચ કરવા
બદલ અને મોહનની નકલ કરવા બદલ ઠપકો અને શિખામણ આપી. સોહને પણ પોતની ભુલ કબુલ કરી
અને હવે આવી ભુલ કદી નહી કરે એમ લખીને જણાવ્યું. સોહનની માતા મોહનના ઘરે ગઇ.
મોહનને બધી વાત કરી અને સોહનની જીભ હતી એવી કરી આપવા કહ્યું. મોહન તરત જ પોતાના
મિત્રને મદદ કરવા તૈયાર થયો.
મોહન જાદૂઇ લાકડી લઈને સોહનના ઘરે આવ્યો. જમીન
પર ત્રણ વાર લાકડી પછાડીને એણે કહ્યું, ‘ટંડુરંગ ટકટક, સોહનની જીભ પહેલા હતી એવી પાછી થઈ
જાય.’ સોહનની જીભ પાછી હતી એવી થઈ ગઇ. સોહને અને એના
માતા-પિતાએ મોહનનો ખુબ ખુબ આભાર માન્યો. મોહને સોહનનું ઘર પણ જાદૂઇ લાકડીથી પોતાના
ઘર જેવું સરસ બનાવી આપ્યું. સોહનના માતા-પિતાએ મોહનને આશિર્વાદ આપ્યા, ‘બેટા, ખુબ સુખી થજે અને ઘણું
ઘણું ભણજે.’ મોહને જાદૂઇ લાકડીથી ગામમાં નિશાળ અને દવાખાનું
બનાવ્યા.ગામના લોકો આ જોઇને ખુબ ખુશ થયા અને
બધા આનંદથી રહેવા લાગ્યા.
No comments:
Post a Comment