Monday, 3 November 2025

 

હું અને મારા '' (હાસ્યલેખ)     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મારાં સુખ-દુખનાં સાથી, જીવનની રોલર કોસ્ટરનાં ચઢાવ-ઉતારનાં સાક્ષી, મારી સફળતા-નિષ્ફળતાનાં સહભાગી, અમારો સથવારો વર્ષો જૂનો. એકવાર અમારાં લગ્નની છેતાળીસમી એનીવર્સરી પર મેં મારા એટલે કે મારા પતિદેવને સવાલ પૂછ્યો :

તમે મને શા માટે પરણ્યા ?’   

 મારી જેમ તને પણ આશ્ચર્ય થાય છે ખરું ને - કે - હું શા માટે પરણ્યો ?’ 

 “ના. જરા પણ નહીં. મારો સવાલ તો એ હતો કે તમે મને શા માટે પરણ્યા ?”

પરંપરા ને કારણે.’

પરંપરા ને કારણે ? એ કઈ રીતે ? મને કંઈ સમજાયું નહીં.’

હું સમજાવું. મારા પપ્પા મારી બાને પરણ્યા. મારા દાદા મારી દાદીને પરણ્યા. મારા પરદાદા મારી પરદાદીને પરણ્યા...

બસ, બસ, બસ.

બસ તો પછી. વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા સાચવવા જ હું તને પરણ્યો.’

એ તો તમે મારા બદલે કોઈને પણ પરણ્યા હોત તો આ પરંપરા સચવાઈ જ હોત ને ? પણ લગ્ન માટે મને જ પસંદ કરવાનું કોઈ ખાસ કારણ?’

કારણ તો - મારી બાએ તારા માટે કહ્યું કે- આ છોકરી તારા માટે સારી છેએટલે હું તને પરણ્યો.”

આ તે કેવી વાત છે ? તમારાં બાએ કહ્યું અને તમે માની લીધું ? ધારો કે તમારાં બાએ કહ્યું એથી  વિપરીત  હું સારી ન હોત અને તમને મારી સાથે ના ફાવ્યું હોત તો ?’

તો હું બાને એમનાં સજેશન બદલ બ્લેઇમ કરી શકત ને ?’

ઓહહ ! ઘણું ખતરનાક લૉજિક છે તમારું તો

અરે ! હું તો બે ઘડીની ગમ્મત કરતો હતો. લગ્નજીવનમાં પતિ-પત્નીએ એકબીજા સાથે મજાક કરતાં રહેવું જોઈએ. નહિતર  લાંબા ગાળે લગ્નજીવન બોરિંગ થઈ જાય.

વાત તો તમારી સાચી છે.

ચાલ, મારી વાત છોડ. તું કહે – તું મને શા માટે પરણી ?’

તમારું સારું એજ્યુકેશન (સી.એ.), તમારાં બા-પપ્પાનો સારો સ્વભાવ અને ઘરનું હળવાશભર્યું વાતાવરણ જોઈને હું તમને પરણી.

લે, તારી પાસે તો પરણવા માટે મારા કરતાં સારા કારણો હતાં.

આમ પણ પુરુષો કરતાં સ્ત્રીઓ પાસે પરણવા માટે સારા કારણો  હોય જ છે.

તું  આ આખીય વાતને આમ જનરલાઇઝ ન કર.

સારું, નહીં કરું બસ ? પણ તમે એ તો સ્વીકારો છો ને કે મારી સાથેનાં આટલાં - ૪૬ વર્ષનાં લગ્નજીવનમાં તમે સુખી તો છો ?’

મારી વહાલી જીવનસંગિની, તું જરા ધ્યાનથી સાંભળ. સુખી લગ્નજીવન એક મીથ એટલે કે ભ્રમણા છે. અને એ વાત તારા જેવી એક  સફળ હાસ્યલેખિકા...

એક મિનિટ. આ સફળ હાસ્યલેખિકા વાળી વાત પણ એક મીથ એટલે કે ભ્રમણા છે ?”

અરે હોય કાંઇ ? હાસ્યલેખોની તારી પ્રકાશિત થયેલી  છ બુકમાંથી ત્રણ બુકને તો સાહિત્ય અકાદમી નું પહેલું - બીજું ઈનામ મળ્યું  છે ને ?  એટલે એ કોઈ મીથ એટલે કે ભ્રમણા તો નથી. હા, એ વાત સાચી કે તેં લખવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં હું આ વાત  નહોતો માનતો.

એમાં તમારો કંઇ વાંક નથી. મોટે ભાગે તો બધે જ - ઘર કી મુરગી દાલ બરાબર જેવું જ  હોય છે. પણ તમે આટલા વર્ષે મને હાસ્યલેખિકા તરીકે સ્વીકારી એનો મને ઘણો ઘણો જ આનંદ છે.

અરે ગાંડી ! તારા આનંદથી વધીને મારા માટે બીજું કંઇ જ નથી. ફક્ત તારા આનંદ માટે જ તો હું ખાઉં છું, પીવું છું, હરુ છું, ફરું છું અને જીવું છું.

એ માટે હું તમારી તહે દિલ સે આભારી છું.

તારી આભાર વિધિ પૂરી થઇ હોય તો હવે તું જમવાનું બનાવી દે, પ્લીઝ.  

કેમ, તમને બહુ ભૂખ લાગી છે ?’

એ તો જમવામાં તું શું બનાવવાની છે તેના પર આધારિત છે. તેં પેલી જોક સાંભળી છે ?”

પત્ની : જમવામાં હું શું રાંધુ ? 

પતિ : કંઇ પણ રાંધ. તારા હાથનું તો ઝેર પણ હું ખાઈ લઇશ.

પત્ની : પણ મને ઝેર રાંધતાં આવડતું નથી.

પતિ :  તું જે રાંધે છે તે કંઇ ‘’  કમ છે ?

આ જોક સંભળાવીને તમે મને શું કહેવા માંગો છો ? મારી રસોઈ સારી નથી હોતી ? લગ્નનાં છેતાલીસ વર્ષ પછી તમે મને કહો છો કે મારી રસોઈ સારી નથી ?’

માણસમાં ક્યારેક તો સાચું બોલવાની હિમ્મત આવે કે નહીં ? એ વાત સાચી છે કે મને જરા મોડી આવી છે. પણ તું જ તો કહેતી હોય છે કે - લેટ ઈઝ બેટર ધેન નેવર’”

હું તો એવું ઘણું બધું કહેતી હોઉ છું. પણ તમને સાંભળવાની ક્યાં ફુરસદ  હોય છે જ ?’

લે, હું તો અમસ્તી - મસ્તી કરી રહ્યો હતો અને તું તો સિરિયસ થઈ ગઈ.

હું પણ મસ્તી જ કરી રહી હતી.એટલું મધુરું લગ્નજીવન આપણું, જાણે શિયાળે ઊનું ઊનું તાપણું’”

તેં તો મને કવિ શ્રી મુકુલ ચોક્સીની કવિતા યાદ કરાવી દીધી : 

કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ ના સુખી થયાનો છે.

પલ્લુ તારી તરફ નમ્યા નો તને, અને મને આનંદ ઉચે ગયાનો છે.’”

ચાલો, એ જ નામ પર આજે તમારી કોઈ ફેવરિટ વાનગી થઈ જાય, બોલો શું ખાવું છે ?’

કંઇ પણ બનાવી દે, હું તો માત્ર જમવાની વિધિ પતે એટલે જ જમતો હોઉ  છું.

ઠીક છે. તો પછી કિચનમાં જઈને જોઉં કે ત્યાં અને ફ્રીઝમાં શું શું પડ્યું છે. એ મુજબ કંઇ પણ (ઝેર સિવાય) બનાવી દઉં છું, ઓકે ?’  

મારા વહાલાં વાચક મિત્રો,

રણુજાનાં રાજા, અજમલજીનાં બેટા, વિરમદેવનાં વીરા, રાણી નેત્રાનાં ભરથાર.....મારો હેલો સાંભળો હો ઓ ઓ જી. ગુજરાતી સુપરહિટ ફિલ્મ- રણુજાના રાજા રામદેવ પીર નું આ સુપરહિટ ગીત તો તમે સાંભળ્યુ જ હશે. એ મુજબ વિવિધ નામધારી - તમારા ભાઈ’,  મારી નણદી પ્રતિમાબહેનનાં વીરા,’ મારાં સાસુમા નંદુબહેનનાં દીકરા’,  મારા દીકરાઓ જિગરનાં બાપુ એમ અને સાકેતનાં પપ્પા’, મોટી પુત્રવધૂ ભાર્ગવીનાં પપ્પા’,  નાની પુત્રવધૂ પૂજાનાં ડેડ અને મારા પૌત્ર કવીશ અને આયાંશનાં દાદુ, મારા એટલે કે  મારા પતિદેવ ઉપનામ ભલે ગમે તેટલાં  હોય – નરસિંહ મહેતાનાં એક ભજન  મુજબ  –. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ  હોયે.

એવી જ રીતે મારા  શ્રી જિતેન્દ્ર મિસ્ત્રી  પણ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર.... અલગ અલગ રોલમાં અલગ અલગ ભૂમિકા ભજવે. પણ અંતે તો  હેમનું હેમ  એટલે કે સોના સરીખા વ્યક્તિત્વવાળા ખરા. લગ્નજીવનની યાત્રામાં અમે બંને એકબીજાનાં પૂરક. મારાં વ્યક્તિત્વ વિકાસમાં એમનો ડાયરેકટ - ઇનડાયરેકટ ઘણો મોટો ફાળો. એક ઉદાહરણ આપું :વર્ષો પહેલાં હું ડ્રાયવિંગ સ્કૂલમાં જઈને કાર ચલાવતાં શીખી હતી.આવડી ગઈ હતી, પણ પ્રેકટિસની જરૂર હતી. ઉદારદિલ એવા એમણે મારું પાકું લાયસન્સ આવ્યું કે તરત જ નવીનકોર ફિયાટકાર મને એકલીને (સાથે કોઈ નહીં) પ્રેકટિસ કરવા માટે લઈ જવાની રજા આપી. ફક્ત આ જ નહીં આવી અનેક બાબતો માટે મારા પર વિશ્વાસ મૂકવા બદલ એમની દિલથી આભારી છું. આખરે લગ્નજીવનનો પાયો જ તો વિશ્વાસ અને વફાદારી છે.   

જો કે – ‘Men are from Mars and Women are from Venus’ પુસ્તકનાં  લેખક ‘John Gray’ નાં મત મુજબ પુરુષ અને સ્ત્રી બંને અલગ અલગ ગ્રહનાં રહેવાસી હોવાથી બંનેમાં સ્વભાવમાં સામ્ય કરતાં અસામ્ય ઘણું. એટલે ઉત્તર અને  દક્ષિણ ધ્રુવ જેટલું ભલે ન હોય પણ એનાથી થોડું ઓછું, પણ  હોય છે ખરું. દાખલા તરીકે –“ મને ગળ્યું ભાવે તો મારા ને ખાટું ભાવે. મને ઠંડકમાં મજા આવે, એમને સમશીતોષ્ણ હવામાન જોઈએ. મને કામકાજ કર્યા વિના બેસી રહેવું ભાગ્યે જ ફાવે, એમને... જોજો પાછા તમે એમને માટે કશું ખોટું ધારી લેતા. અમારા આળસુ જરાય નહીં.”

મને કંઇ ચા પીવાની આદત-બાદત નથી. ચા પીવા જોઈએ જ એવું આપણને કંઇ નહીં એવું (કાયમ નિયત સમયે ચા મળી જતાં) અમારાં સગાં-વહાલાં અને મિત્રોને મારા કહેતા રહેતા.  પણ મને કોઈવાર ચા બનાવવામાં  મોડું થાય તો એ કહે,

બપોરના સાડા ત્રણ થયા, ચાલ ને હવે ચા બનાવવાની હોય તો બનાવી દે ને

અને ન બનાવવાની હોઉ તો ?’ એમની કહેવાની રીતથી અકળાઈને એવો સવાલ  હું પૂછું. એ કંઇ જવાબ ન આપે એટલે હું કહું,

એમ કરો, આજે ચા તમે બનાવો.  

મારી પાસે એટલો ટાઈમ નથી, મારે બહુ કામ છે

અચ્છા ! અને મને તો કોઈ કામ જ નથી કેમ ? હું નવરી જ બેઠી છું એમ ?’

ના, એવું નહીં. પણ તારા જેવી સરસ ચા મારાથી બને નહીં, એટલે હું તને કહું છું.  

ઓળખું તમને. વખાણ કરીને મારી પાસે કામ કઢાવવાની આ તમારી એક રીત જ છે.

એવું બોલીને હું  જે કોઈ પણ કામ કરી રહી હોઉં તે તત્પૂરતું  બાજુ પર મૂકીને ચા બનાવી દઉં છું. લગ્નજીવનમાં આટલા બધાં વર્ષો સાથે પસાર કર્યા પછી બંનેમાંથી કોને, ક્યારે, શું જોઈશે અથવા કોણ, કયારે શું કહેશે એ અમને બંનેને સારી રીતે ખબર. હા, કોઈવાર એના લીધે ટેકન ફોર ગ્રાન્ટેડ જેવું  થઈ જાય ખરું.

મને શોપિંગ પર જવું ખૂબ ગમે. (ભાગ્યે જ કોઈ સ્ત્રી આમાં અપવાદ રૂપ હશે.) મારા ને શોપિંગમાં જવાનો સખત કંટાળો. (ભાગ્યે જ કોઈ પુરુષ આમાં અપવાદ રૂપ હશે)  એટલે મોટેભાગે તો એ મારી સાથે આવવા તૈયાર થાય જ નહીં. પસંદગીની  બાબતમાં મારી નિર્ણયશક્તિ થોડી નબળી અને એનો અપયશ હું તારીખ પ્રમાણે આવતી મારી રાશિ  લિબ્રા એટલે કે તુલા ને આપું છુ. શોપિંગમાં જેટલાં ઓપ્શન વધારે એટલી હું વધારે કંફ્યૂઝ થાઉં.

મારા તો મારી સાથે આવે નહીં. એટલે મેં એક ઉપાય શોધી કાઢેલો. દુકાનમાં મને ગમતી સાત-આઠ કુર્તિઓના ફોટા પાડીને પતિદેવને વોટ્સ એપમાં મોકલી આપું. એ કહે,

પિંકવાળી અને યલોવાળી સારી છે.  

પણ એ તો કોસ્ટલી છે.

કેટલાંની છે ?’  

આટલાં....ની છે.

હંઅ... મોંઘી તો છે, પણ તને ગમી તો  લઈ લે  

એમનાં આવા જ જવાબની અપેક્ષા મને હોય. ક્યારેક એ કહે,

આ બહુ સારી નથી લાગતી તો પછી મને ગમી હોવા છતાં એ ખરીદવાનો આગ્રહ હું છોડી દઉં. પણ હા, છેતાળીસ વર્ષ પહેલાં મુરતિયાની પસંદગી વખતે હું પસંદગીમાં મક્કમ રહી હતી અને એ કારણે અમે જીવનસાથી બન્યા. લગ્નજીવનની શરૂઆતમાં અને વચ્ચે થોડો આર્થિક સંઘર્ષ વેઠયો, પણ હવે સ્થિતિ સંતોષપૂર્વકની  છે. આ ઉમ્મરે સૌથી વધુ આનંદ (ખરેખર તો રાહત) તબિયત સારી છે અને બંને છોકરાઓ એમનાં જીવનમાં બધી રીતે સેટ છે એનો છે. જો કે હવે જમાનો બદલાઈ રહ્યો છે. પહેલાં ના જમાનામાં છોકરો-છોકરી લગ્ન કરીને સેટ થતાં, હવે પહેલાં સેટ થઈને પછી લગ્ન કરે છે. બંને ઓપ્શન સારાં જ છે.   

રજનીગંધા ફિલ્મનું એક ગીત છે. અધિકાર યે જબ સે સાજન કા હર ધડકન પર માના મૈંને. મૈ જબ સે ઉન કે સાથ બંધી  યે ભેદ તભી જાના મૈંને. કિતનાં સુખ હૈ બંધન મેં.  લગ્નજીવનનાં નૈતિક - સામાજિક નીતિ-નિયમોનાં બંધનમાં રહીને હું મારી પૂરેપૂરી સ્વતંત્રતા (સ્વચ્છંદતા નહીં) માણું છું.

હું ઈચ્છું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે “અમારો ઇંદ્રધનુષ જેવો સપ્તરંગી (ખાટ્ટો-મીઠો, ગળ્યો-તીખો, કડવો-તૂરો, ચટપટો) સથવારો કાયમ રહે.”

મારા વિષે લખું તો પાનાના પાનાઓ ભરાય. પણ અત્યારે આટલું જ. મારે તો મારાં વાચકમિત્રોની ધીરજનો પણ ખ્યાલ રાખવાનો કે નહીં ?

આ હાસ્યલેખ છે તો એનું સમાપન પણ હળવાશપૂર્વક એક  જોકથી કરું.   

પત્ની: (પતિને) : જુવો, આ રેશમની સાડી હું આજે જ ખરીદી લાવી છું. કેટલી સુંદર છે નહીં? દુકાનદાર કહેતો હતો કે, એક કીડાની આખા વર્ષની મહેનતનું આ પરિણામ છે.

પતિ: (પત્નીને) : ડાર્લિંગ, એ કીડો બીજો કોઈ નહીં, પણ હું જ છું.  

(અમારા એ જેવા છે તેવા : ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી સંપાદિત પુસ્તકમાં મારો હાસ્યલેખ. 2-11-2025)

 

                                  

 

ફિંગરપ્રિન્ટકી તો ઐસી કી તૈસી. (હાસ્ય લેખ)             પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. 

તમારું આઈડી પ્રૂફ આપોબેંકમાં ખાતું ખોલાવવા જવાનું થયુંત્યારે ઓફિસરે મને કહ્યું. મેં મારું આધારકાર્ડ આપ્યું.

એમણે પહેલાં આધાર કાર્ડ તરફ જોયુંપછી મારી તરફ જોયુંપછી કહ્યું, ‘આ નહીં ચાલે.’ 

કેમ નહીં ચાલે ?’ મને આશ્ચર્ય થયું.

આ ફોટામાં તમે ઓળખાતાં નથી.’ 

એમાં મારો શું વાંક એ તો ફોટો પાડતી વખતે એ લોકોએ જોવાનું હોય ને ?’ મેં કહ્યું.

મેડમતમારી પાસે બીજું કોઈ આઈડી પ્રૂફ હોય તો આપો.’ (‘મારો ટાઈમ ખોટી ન કરો) પાછળનું વાક્ય એ મનોમન બોલ્યા હોય એવું મને લાગ્યું.

ટાઈમ તો ફક્ત તમારો જ ખોટી થતો હશે નહીં ? અમે તો જાણે નવરાંધૂપ જ રહેતાં હોઈશું ?’ એવું કહેવાનો મને વિચાર આવ્યોપણ પછી મારામાં  છુપાઈને બેઠેલું ડહાપણ બહાર આવ્યુંએટલે મેં ચૂપચાપ મારું પાનકાર્ડ આપીને કામ ચલાવી લીધું.

મારી ઓળખાણનાં આધાર સમ મારું આધારકાર્ડ જ નિરાધાર સાબિત થયું ?’ મેં નિસાસો નાખ્યો.

આપણે દિવાળીમાં બહારગામ જવાનું છે એ પહેલાં તારે તારું નવું આધારકાર્ડ  બનાવડાવી લેવું જોઈએ’ પતિદેવે સલાહ આપી.

નવું આધારકાર્ડ કઈ બેંકમાં બની શકે એની માહિતી અમારી  બેન્કના R.M.(રિલેશનશિપ મેનેજર) પાસે લીધી. પછી ફોટો સારો આવે એ માટે મેં સરસ કપડાં પહેર્યાં, હળવો મેક અપ કર્યો. બરાબર તૈયાર થઈને અમે એ બેંકમાં ગયાં. બેંકમાં પ્રવેશતાંની સાથે જ ‘અંધેરા કાયમ રહે’ એવો અનુભવ થયો.

થોડીવાર પહેલાં જ ઇલેક્ટ્રિસિટી જતી રહી  છે’  બેન્કનાં કર્મચારીએ જણાવ્યુ.

ટોરેન્ટ કંપની તો એની ઇલેક્ટ્રિસિટી સપ્લાય સર્વિસ માટે કાબિલે તારીફ છે કહીને મેં એની તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિ ફેંકી.

બિલ ભરવાનું ભુલાઈ ગયું છેએટલે કંપનીએ ઇલેક્ટ્રિસિટી કાપી નાખી છે.’ કર્મચારીએ મારી નવાઈ દૂર કરતાં કહ્યું.

હું બરાબર તૈયાર થઈને નીકળી હતી એટલે વીજળીદેવીની રાહ જોવા તૈયાર હતી. પણ બેન્કનાં સ્ટાફે કહ્યું,

મેડમ લાઇટ ક્યારે આવશે તે કહેવાય નહીં.’  

હું ‘ટાઈમ મેનેજમેંટમાં માનતી હોવાથી (સાફ શબ્દોમાં કહું તો ‘સમયની ગુલામ’  હોવાથી) ‘લાઇટ આવવાની રાહ જોઈને બેસી રહેવું એના કરતાં નજીકમાં આવેલાં સ્ટાર બજારમાં જઈને  શોપિંગ કરવું સારું.’ મેં પતિદેવને કહ્યું. એમનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળ્યો.    

ઘરમાં જોઈતી ચીજવસ્તુઓ લેવાની થઈ છે. શાક અને ફ્રૂટ્સ બિલકુલ નથી.’ મેં એવું કહ્યું એટલે પતિદેવ પરાણે મારી સાથે આવ્યા. પણ કારમાંથી નીચે ઉતર્યા નહીં. ‘આપકે પૈર બહુત હસીન હૈ ઉસે જમીં પર મત ઉતારીએગામૈલે હો જાયેંગે.’  મને પાકિઝા ફિલ્મનો આ ડાયલોગ યાદ આવ્યો.

ભલે બેસો ત્યારે’  એમ મનોમન બબડીને હું સ્ટારબજારમાં પ્રવેશી ગઈ. ખરીદી કરીને બિલ માટેની લાઇનમાં ઊભા રહી પૈસાની ચુકવણી કરીએમાં એક કલાક થયો. પછી બેન્કમાં ફોન કરી જોયો તો ખબર પડી કે ‘વેરણ થયેલી વીજળી હજી આવી નથી.

અમે થોડે દૂર આવેલાં પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ ભરાવવા ગયાં. પછી ત્યાંથી ઘણે દૂર આવેલા ગૃહઉધોગ સ્ટોરમાં નાસ્તો લેવા ગયાં. આ બધામાં બે કલાક તો સહેજે થઈ ગયા. છતાં બેંકમાં પાવર સપ્લાય ચાલુ નહોતો થયો,  તે જાણીને મને ઘણી નવાઈ લાગી. બેન્કની આ બ્રાન્ચ મોટી અને પ્રખ્યાત હતીછતાં એમાં પણ આવી સમસ્યા આવી શકે,  તો પછી આપણા આવડા મોટા ભારતદેશમાં નાનીમોટી સમસ્યાઓ આવે તો એને સ્વાભાવિક ગણીને આપણે -પ્રજાજનોએ આટલો બધો ઉહાપોહ શા માટે કરવો જોઈએખરું કે નહીં ?

હીરો ઘોઘે જઇ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો’ જેવી લાગણી સાથે હું  વીલા મોંએ ઘરે આવી. કપડાં બદલી નાખ્યાં અને મેકઅપ પણ ધોઈ નાખ્યો. 

બીજે દિવસે બેંકમાં ફોન કરીને ઇલેક્ટ્રિસિટી છે’, અને આધારકાર્ડ માટેનું સર્વર પણ ચાલે છે તેની ખાતરી કરી. ફરીવાર હું સજીધજીને અને પતિદેવ સાદાઈથી તૈયાર થઈને બેંકમાં ગયાં. એક સિનિયર સીટીઝન ઓલરેડી આધારકાર્ડની પ્રોસેસ માટે બેઠા હતા. એમનું કામ પૂરું થયા પછી પણ બેન્ક કર્મચારી બહેન સાથે સવાલ-જવાબમાં એમણે અર્ધો કલાક ખપાવ્યો. બહેનનાં મોં પર કંટાળાનાં ભાવ વર્તાતા હતાં. મને ત્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે યંગસ્ટર્સ સિનિયર સીટીઝનથી શા માટે દૂર ભાગે  છે.

છેવટે એ ગુંદરિયા ભાઈ મેનેજરની કેબિનમાં ગયા અને મારો વારો આવ્યો. મેં  જૂનું આધાર કાર્ડ આપતાં કહ્યું,

મારે નવું આધાર કાર્ડ જોઈએ છે જેમાં ફોટો જોઈને લોકોને ખબર પડે કે આ ફોટામાં જે બેન છે એ હું જ છું.’  

એણે સ્માઇલ કરીને પ્રોસીજર શરૂ કરી. દૂરબીન જેવું એક ડબ્બુ જેમાં ફક્ત બે આંખો જ સમાઈ શકેએ મારાં ચહેરા પર મૂક્યું અને બંને આંખો પહોળી કરવા કહ્યું. મેં એ પ્રમાણે કર્યું પણ એનાથી એને સંતોષ ન થયો. એણે કહ્યું, આંખો હજી પહોળી કરો.

મારી સામે ડોળા કાઢતી હોય એમ આ મશીનમાં જો.’ પતિદેવ બોલ્યા. મેં એમ કર્યું અને તરત જ એમાં સફળતા મળી. ડોળા કાઢવાનું કામ તો સારી રીતે પતી ગયું.

પછી એણે ફિંગરપ્રિન્ટ લેવા માટે બીજા એક મશીનની સ્ક્રીન પર મારા ડાબા હાથની ચારે આંગળીઓ મુકાવી. ઇમેજ બરાબર ન આવતી હોવાથી એણે પોતાનાં હાથેથી મારી આંગળીઓ સ્ક્રીન પર જોરથી દબાવી. તે છતાં જોઈએ એવી પ્રિન્ટ ન આવી. એટલે મારાં જમણા હાથની ચારે આંગળીઓ મુકાવીતો પણ ઇમેજ ન આવી. એટલે સેનિટાઇઝરથી હાથ સાફ કરાવીને ફરીવાર ટ્રાય કરીછતાં મારી ફિંગરપ્રિન્ટ ન આવી.

મેં કહ્યું, તમે ફિંગરપ્રિન્ટ લેવાનું માંડી વાળોમારો ફોટો લઈ લો. મારે તો ફક્ત ફોટો સરખો આવશે તો પણ ચાલશે.’ 

એણે લાચારી વ્યક્ત કરતાં કહ્યું,‘જ્યાં સુધી ફિંગરપ્રિન્ટ બરાબર ન આવે ત્યાં સુધી  પ્રોસેસ આગળ ન થઈ શકે.’ પછી ઉમેર્યું, ‘મોટી ઉમ્મરે ફિંગરટિપ્સ ઘસાઈ જવાનાં કારણે કોઈવાર આવો પ્રોબ્લેમ આવી શકે.’ આ સાંભળતાં જ ‘એક તો મારી ઉમ્મર મોટી થઈ ગઈ છે ઉપરથી મારી ફિંગરટિપ્સ ઘસાઈ ગઈ છે એ બંને વાતનો  મને આઘાત લાગ્યો.

પછી મને એક મજાકીયા વિચાર આવ્યો, ‘હવે હું મારા આ હાથો વડે કોઈ ગુનો કરું તો પોલીસ મને ફિંગરપ્રિન્ટનાં આધારે પકડી ન શકે.’ 

 લે મારું ગળું. એ દબાવી એનાથી શરૂઆત કર.’ પતિદેવે મારો વિચાર જાણી પ્રોત્સાહન આપતાં કહ્યું.

પણ હવે- ‘બહોત ગઈ ઔર  થોડી રહી’ એવા જિંદગીનાં પડાવ પર આવીનેઘસાયેલી ફિંગરપ્રિન્ટનો ફાયદો લેવા હું એક નખશિખ ‘સન્નારી’,  એક ‘દુન્નારી’ એટલે કે ક્રિમિનલ શું કામ બનું ? આધારકાર્ડ બાબતે મને નિરાશ થયેલી જોઈને બેંક કર્મચારીએ આશ્વાસન આપતાં કહ્યું, ‘તમે કોઈપણ સીવિક સેન્ટર પર જઈને આધારકાર્ડ કઢાવી શકશો.

ચાલો ફરી પાછા સ્ટાર બજાર’ મેં કહ્યું અને પતિદેવ ભડક્યા,

કાલે તો ત્યાં જઈને કલ્લાક કાઢી આવ્યા. હજી શું લેવાનું બાકી રહી ગયું ? હવે હું ત્યાં નથી આવવાનો’ 

સ્ટારબજાર એટલે એકઝેટ સ્ટારબજારમાં નથી જવાનું. એની  સામે સિવિક સેન્ટર આવેલું છેત્યાં જઈએ એમ કહું છું.’ 

તો એમ બોલને. તું તો મને ગભરાવી મૂકે છે.’ 

કોઈને પણ ગભરાવવાનું મને ગમતું નથી. પણ માત્ર ગેરસમજનાં કારણે કોઈ ગભરાઈ જાય તો એમાં હું શું કરી શકું ? અમે સિવિક સેન્ટરમાં ગયાં. ‘હું આધાર કાર્ડ માટે આવી છું’  તે જાણીને એ  વિભાગમાં ફોર્મ આપવા બેઠેલા ભાઈએ  નારાજગી વ્યક્ત કરતાં  કહ્યું, ‘ટોકન લેવાનો સમય સવારે ૧૦ થી ૧૨ નો જ છેઅને અત્યારે સાંજના પાંચ થવા આવ્યા છે’ 

મારું આજનું તૈયાર થયેલું પણ નકામું જશે ?’ એ વિચારે મેં એમને વિનંતી કરતાં પૂછ્યું, ‘ટોકન વગર ફોર્મ ન મળે ? અમે દૂરથી આવ્યાં છીએ અને સિનિયર સીટીઝન પણ છીએ’ 

અહીં આવનારાઓ માં મોટે ભાગેનાં સિનિયર સિટીઝન જ હોય છે.’ એમનો બોલવાનો ટોન સાંભળીને મને લાગ્યું કે આ ભાઈ પણ સિનિયર સીટીઝન્સથી કંટાળેલા લાગે છે. મારું પડી ગયેલું મોં જોઈને એમને દયા આવી હશેએટલે અંદર બેઠેલા એક ભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘એ ઓફિસરને પૂછી જુઓ, જો એ હા પાડે તો ફોર્મ આપું.

મેં આશાભર્યા અવાજે ઓફિસરને પૂછી જોયુંએમણે કડક અવાજે  કહ્યું, ‘ફોર્મ લઈ લોપણ કલાક બેસવું પડશે. અને એ પછી પણ વારો નહીં આવે તો કાલે પાછું પણ આવવું પડેપછી કહેતાં નહીં કે મેં તમને કહ્યું નહોતું.

ભલેનહીં કહીએ.’  ‘કાલે પાછું તૈયાર થઈને આવવું એ કરતાં આજે મોડે મોડે પણ કામ થઈ જતું હોય તો પતાવી દઈએ’ એવું મને લાગ્યું. એટલે ફોર્મ ભરીને મારો વારો આવે એની રાહ જોતી હું ખુરશીમાં બેઠી. તે વખતે મારાં માટે મને એક કહેવત યાદ આવી, ‘ગરજવાનને અક્કલ ન હોય’ મોબાઈલનાં વધારે પડતાં ઉપયોગ માટે કાયમ ટોકતી એવી મેં આજે  કંટાળેલા પતિદેવને મોબાઇલમાં ગેમ રમીને ટાઈમ પાસ કરવાનું કહ્યું.

છેવટે મારો વારો આવ્યો. ફરીથી મશીનમાં જોઈને મેં ડોળા કાઢવાની પ્રોસેસ કરી. પહેલાં પ્રેકટિસ કરેલી એટલે એ  કામ તો સારી રીતે  થઈ ગયું. પછી વારો આવ્યો ફોટો પાડવાનો. કંટાળેલી હોવા છતાં મેં સ્માઇલ આપ્યું એટલે ફોટો તો સારો આવ્યો,  તૈયાર થવાની મહેનત એળે ન ગઈ એટલું બસ. પછી વારો આવ્યો ચાર આંગળીઓની ફિંગરપ્રિન્ટ લેવાનો. ડાબા હાથની આંગળીઓએ તો ત્યાં પણ સહકાર ન આપ્યો. બંને હાથના અંગૂઠા તો હડતાલ પર જ ઉતરેલા હશે એટલે એમણે જરાપણ મચક ન આપી. એ તો ભલું થજો જમણા હાથનું કે એની ફિંગરપ્રિન્ટ બરાબર આવી અને એનાથી  કામ ચાલી ગયું. મારૂ નવું આધાર કાર્ડ તૈયાર થઈને આવી ગયું.

આ ઘટના નાં થોડા સમય પછી દિવાળી પ્રસંગે અમારે અમારા નાના દીકરા પાસે મસ્કત (ઑમાન)  જવાનું થયું. ત્યાં ઇમિગ્રેશન ઓફિસરે બાયોમેટ્રિક ટેસ્ટ માટે મશીન પર હાથ મૂકવાનું કહ્યું. ઘભરાટમાં ડાબો હાથ મુકાઇ ગયો. પછી યાદ આવ્યું કે એની ફિંગરપ્રિન્ટ તો ઘસાઈ ગઈ છે હું હાથ બદલીને જમણો હાથ મૂકું તે પહેલાં મારો પાસપોર્ટ જોઈને એમણે પુછ્યું,

ફ્રોમ ઈન્ડિયા ?’ 

યસ યસ’ મેં કહ્યું.

યુ મે ગો’  કહીને પાસપોર્ટમાં સિક્કો મારીને એમણે એમનાં દેશમાં જવાનો દરવાજો મને ખોલી આપ્યો.

ફિંગરપ્રિન્ટકી તો ઐસી કી તૈસીમેરા ભારત મહાન’ એવું  મનોમન બોલીને હું ગૌરવપૂર્વક  વિદેશમાં પ્રવેશી ગઈ. અને બાળકો સાથે અમારી દિવાળી તો મજાની ગઈ

વાચક મિત્રો.

તમારી સૌની  દિવાળી પણ સરસ મજાની જાય એ માટે અનેક અનેક શુભેચ્છાઓ ! અને નુતન વર્ષના અભિનંદન !

(વિશ્વકર્મા વિશ્વ - દીપોત્સવી વિશેષાંક - ૨૦૨૫ માં પ્રકાશિત હાસ્યલેખ) 

 

કલર જાય તો પૈસા પાછા. (હાસ્યલેખ)       પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

નીમાબહેન, હું માર્કેટ જાઉં છું. તમારા માટે કંઇ લાવવાનું છે ?’ નિમાબહેનનાં પાડોશી આરતીબહેને પુછ્યું.

આરતીબહેન, દિવાળી નજીક આવી રહી છે. તો સાથીયા પૂરવા માટેનાં રંગો માર્કેટમાં આવી ગયાં હોય તો તે લેતાં આવશો પ્લીઝ ?’

એમાં પ્લીઝ શું કહેવાનું ? ચોક્કસ લઈ આવીશ. કયા કયા અને કેટલાં રંગો લાવવાનાં છે તે જણાવો.

કાળા  સિવાયનાં જેટલાં પણ રંગો મળે એ લેતાં આવજો.

કાળા સિવાયનાં કેમ ?’

કાળો રંગ અશુભ ગણાય. દિવાળી જેવાં શુભ પર્વ માં એનો ઉપયોગ કરીને અપશુકન શા માટે કરવાં જોઈએ ?’

કાળો રંગ અશુભ ગણાય  ખોટી માન્યતા છે, નીમાબહેન. જુઓને, આપણી આંખની કીકી પણ તો કાળી હોય છે. આપણાં માથાનાં વાળ પણ કાળા (ઉમ્મર મોટી થતાં એ ગ્રે કે સફેદ થાય એ વાત જૂદી છે) હોય છે. આકાશમાં છવાતાં અને સમૃધ્ધિ લાવતાં, વરસાદ આપતાં વાદળો પણ કાળા હોય છે. કવિઓ તો એ જોઈને કહે પણ છે, વરસો ક્યાં વિખરાઓ ! વળી કોલસો પણ તો કાળો હોય છે, છતાં એ પોતે બળીને આપણને કેટલી ઉર્જા પ્રદાન કરે છે. અરે ! જગત નિયંતા ક્રુષ્ણ ભગવાન પણ તો ખુદ કાળા હતા. તમે આ ગીત તો સાંભળ્યું જ હશે, યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી મૈં ક્યું કાલા ?’ તમે જરા વિચારો કે સાથીયામાં  કાળા રંગથી કેટલું સરસ બેકગ્રાઉંડ બનશે. એનાથી કદાચ સાથીયા હરીફાઈમાં પહેલો નંબર તમને જ મળે એવું પણ થાય 

તમારી શુભેચ્છા બદલ આભાર, આરતીબહેન. એમ તો હું પણ મારા નાના પૌત્રને કોઇની નજર ન લાગે એટલે માટે એના કપાળે મેશનું કાળું નાનું ટપકું કરું છું. પણ સાથીયામાં કાળો રંગ ? ના બાબા ના.

આરતીબહેન  કદાચ નીમાબહેનને હજી પણ વધુ વિસ્તારથી સમજાવીને કાળા રંગ  માટેની એમની આ ગેરમાન્યતા દૂર કરત. પણ એમને  જેમની સાથે માર્કેટ જવાનું હતું તે લીનાબહેને  બૂમ પાડીને કહ્યું,

આરતીબહેન, જલદી કરો. મોડું થશે તો માર્કેટમાં ગિરદી વધી જશે એટલે આરતીબહેન ત્યાંથી જતાં રહ્યાં

એવું નથી કે આરતીબહેન ની જેમ કાળો રંગ મારો પ્રિય રંગ છે. ફક્ત કોઈ  વસ્તુ કે કોઈ વ્યક્તિનાં બળી જવાથી થયેલો  કાળો રંગ મને ભયાવહ લાગે છે, એ વાત સાચી છે. પણ મને તો સફેદ, ગુલાબી, લીલો વગેરે મેઘધનુષમાં આવતાં અને એ સિવાયનાં કોઈ હોય તો તે બધાં જ રંગ ગમે છે. કોઈક વાર  બીજી બધી બાબતો અનુકૂળ હોય ત્યારે કાળો રંગ ચલાવી લેવામાં આવે છે. દાખલા તરીકે :

પ્રિયા (એક પાર્ટીમાં) : પેલો કાળો, જાડો અને કદરૂપો પુરુષ કોણ છે ?

નેહા : એ મારો હસબન્ડ છે.

પ્રિયા: સૉરી યાર, તેં લગ્ન કરી લીધા એ વાતની મને ખબર નહોતી.

નેહા : ઇટ્સ ઓકે. તેં નીચે પાર્કિંગ એરિયામાં એક લાલ કલરની મર્સિડિઝ કાર પાર્ક થયેલી  જોઇ ?

પ્રિયા  : હા યાર. મસ્ત ચકચકિત લક્ઝુરિયસ કાર છે.

નેહા : એ કાર, ઉપરાંત  જુહુમાં 4 BHK ફ્લેટ અને વિરારમાં કેમિકલની ફેક્ટરીનો માલિક છે, મારો હસબન્ડ.

પ્રિયા : વાવ ! હાવ લકી યૂ આર ! કોંગ્રેચ્યુલેશન્સ !

નેહા : થેન્કયુ .  

કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે, અને નીચેવાળા એનું સેટિંગ કરે છે. છોકરી લગ્નને લાયક થાય, ૨૨ થી ૨૫ વર્ષની સુંદર અને નમણી નાગરવેલ જેવી હોય, ત્યારે એની અને એનાં માબાપની  એવી ડિમાન્ડ હોય છે કે છોકરો એટલે કે લગ્નોત્સુક યુવાન  ભણેલો ગણેલો હોવો જોઈએ, સારી જોબમાં હોવો જોઈએ, સમૃધ્ધ કુટુંબનો હોવો જોઈએ, પોતાનું ઘર અને ગાડી હોવાં જોઈએ, એનાં ભાઈ- બહેનોનો વસ્તાર બહુ લાંબો નહીં હોવો જોઈએ, એકનો એક હોય તો તો બેસ્ટ (ના હોય તો ય વાંધો નહીં - લગ્ન પછી એને એકલો - પોતાનો કરતાં આપણને ક્યાં નથી આવડતું ?)  ઘરમાં ડસ્ટબિન (ડોહાં-ડગરાં) ઓછામાં ઓછા અથવા નહીં હોવા જોઈએ, છોકરો ગામડામાં નહીં પણ શહેરમાં રહેતો હોવો જોઈએ.  વગેરે વગેરે...  જેમ જેમ છોકરીની ઉમ્મર વધતી જાય, તેમ તેમ તેઓની ડિમાન્ડ એક પછી એક ઓછી થતી જાય છે. જ્યારે  કન્યા ચાલીસીમાં પ્રવેશની નજીક આવી જાય, વાળમાં સફેદીની છાંટ આવી રહી હોય અને  છોકરી માટે કુંવારા છોકરાનો  મેળ પડતો ન હોય તો એ  છેવટે બીજવરને પરણવા પણ તૈયાર થઈ જાય છે.

જ્યારે છોકરો ૨૫ થી ૨૭ વર્ષનો થાય અને એને માટે છોકરીની શોધ શરૂ થાય ત્યારે એની અને એનાં માબાપની   ડિમાન્ડ એવી હોય છે કે  છોકરી સુંદર હોવી જોઈએ, ભણેલી ગણેલી, એટલિસ્ટ ગ્રેજ્યુએટ થયેલી હોવી જોઈએ, સારી જોબમાં હોવી જોઈએ (જેથી પોતાને ઇન્કમમાં ટેકો થાય),  છોકરી સમૃધ્ધ ઘરમાંથી આવેલી હોવી જોઈએ (દહેજ સારું લાવે એ માટે), સ્માર્ટ હોવી જોઈએ.  ટૂંકમાં છોકરી સર્વગુણસંપન્ન - ગોરી, સુંદર, સુશીલ, ગુણવાન, ચારિત્રવાન, સુશિક્ષિત હોવી જોઈએ.  છોકરાની ઉમ્મર જેમ જેમ વધતી જાય, માથે વાળ ઓછા થતાં જાય, પેટ ધીમે ધીમે બહાર નીકળવા માંડે, તેમ તેમ એની ડિમાન્ડ પણ ઓછી થવા માંડે. ચાલીસીમાં પ્રવેશનાં ભણકારા વાગવા માંડે પછી તો માબાપ પોતાના છોકરાના, છોકરી સાથે ૩૬ માંથી ૩૬ ગુણ ન મળે અને માત્ર ૬ ગુણ મળે તો પણ ઠીક, કે કુંવારી ન મળે તો ડિવોર્સી મળશે તો પણ ચાલશે પર આવી જાય.

મોડર્ન યુગનાં માબાપ તો હવે પોતાનાં છોકરાને છોકરી મળે અને છોકરીને છોકરો મળે તો ય ગનીમત છે એમ માને છે. છૂટાછેડાનાં કેસ આજકાલ જે રીતે વધવા માંડ્યાં છે, તે જોઈને આજકાલ  માબાપ પોતાનાં છોકરા-છોકરીનાં લગ્ન લાંબા ટકી જાય તો ગંગા નાહયા એવો રાહતનો  શ્વાસ લે છે.  

એક રાજાનાં દરબારમાં રાજાને જાણવાનું મન થયું કે દરબારમાં હાજર પરિણીત પુરુષોમાંથી  કેટલા પતિ જોરુકા ગુલામ છે રાજાનાં આદેશથી મંત્રીએ દરબારમાં હાજર પતિઓને કહ્યું,

તમારામાંથી જે પોતાની પત્નીનાં કહ્યામાં છે તે જમણી બાજુની લાઇનમાં ઊભા રહો અને બાકીનાં ડાબી બાજુની લાઇનમાં આવી જાઓ.

જમણી બાજુની લાંબી લાઇન ચાતરીને, ડાબી બાજુએ એક પુરુષને ઊભો રહેલો જોઈને રાજા ખુશ થયો. એને શાબાશી આપતાં પુછ્યું,  તું તારી પત્નીનો ગુલામ નથી ?’

પુરુષ નીચું જોઈને બોલ્યો, હું છું પત્નીનો ગુલામ, હુઝૂર. પણ મારી પત્નીએ કહી રાખ્યું છે, કે આ વાત મારે ક્યારેય જાહેર ન થવા દેવી.

એક કહેવત મુજબ તો એમ પણ કહેવાય છે કે  સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ. તે છતાં પણ લગ્નજીવનનાં ઘણાં કેસમાં સ્ત્રી એટલે કે પત્ની – પુરુષને એટલે કે પતિને પોતાની આંગળીનાં ટેરવે નચાવે છે. આ વિષય પર કોઈ પીએચડી કરે તો આવા કેસનો આંકડો કેટલો મોટો છે તે ખબર પડે. મારું માનવું છે કે લગ્ન પહેલાં ભલે કદાચ સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ રહેતી હશે, પણ લગ્ન પછી સ્ત્રીની બુધ્ધિ પાછી ઓરિજિનલ જગ્યાએ - મગજમાં આવી જાય છે. અને લગ્ન પછી પુરુષની બુધ્ધિ  ?.   જવા દો એ વાત જ, મારે અહીં એનાં વિષે વધુ કહીને ભાઈઓને નારાજ કરવા નથી. 

મોટે ભાગેના પુરુષ વાદ- વિવાદ (ઝઘડા) નાં  કાયર હોય છે, એટલે પત્નીની ઘણી બાબત પોતાને ન ગમતી હોવા છતાં પણ અને ઘણી બધી બાબતોમાં પત્ની સાથે એ સહમત ન હોવા છતાં પણ  કજિયાનું મોં કાળું એમ વિચારીને  એ પત્નીને સરેન્ડર થઈ જાય છે. જે સરેન્ડર નથી થતા એ દુ:ખી થાય છે અથવા એમનાં છૂટાછેડા થાય છે. હવે આ આડવાત છોડીને વળી પાછા આપણે ઓરિજનલ વિષય શ્યામ રંગ સમીપે ન જાવું પર આવીએ.     

સુમનલાલ (લગ્નોત્સુક એવા એક યુવાનને) : તમે મારી દીકરીને પરણશો તો એક નવીનકોર બી.એમ.ડબલ્યુ. કાર હું તમને ભેટમાં આપીશ.

પ્રિયાંક (લગોત્સુક ઉમેદવાર) : હું તમારી  દીકરીને પરણું તો ખરો, પણ પછી અમારે ઘરે દીકરી જન્મે અને તે પણ જો તમારી દીકરી જેવી જ  ભીનેવાન (કાળી)  હોય તો મારે તો એને દહેજમાં એરોપ્લેન આપવાની તૈયારી રાખવી પડે. અને મારી એવી હેસિયત નથી. એટલે સૉરી. હું તમારી દીકરી સાથે પરણવાની હા પાડી શકું એમ નથી. 

ઉપરની રમૂજ છોકરીનાં શરીરનાં કાળા રંગથી પ્રેરિત છે. બોલવામાં ભલે “ક્રુષ્ણ પણ તો કાળા જ હતા ને ?’ એમ કહીને કાળા રંગનું મહાત્મય દર્શાવવામાં આવતું  હોય, પણ જીવનસાથીની પસંદગી વખતે રૂપને (ખાસ કરીને છોકરીનાં) વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, એ વરવી વાસ્તવિકતા છે, જેને સ્વીકાર્યે જ છૂટકો. હવે જમાનો થોડો બદલાયો છે, એટલે છોકરીઓની ડિમાન્ડમાં પણ છોકરો  ગોરો અને રૂપાળો - એટલે કે હેન્ડસમ હોય  એ વાત ઉમેરાઈ ગઈ છે.

ચોથા ધોરણનાં એક  ક્લાસમાં ટીચરે વિધાર્થીઓને પૂછ્યું: ‘મોટા થઈને તમે શું બનવા માંગો છો?’

સચિને કહ્યું, ’હું મોટો થઈને સચિન તેંદુલકર જેવો ક્રિકેટર બનવા માંગુ છું.’

સુનીલે કહ્યું, ’હું મોટો થઈને એન્જિનિયર બનવા માંગુ છું.’ 

અસીતે કહ્યું, ‘હું મોટો થઈને બીઝનેસમેન બનીશ.’

મીરાએ કહ્યું, ’હું મોટી થઈને પાયલટ બનવા માંગુ છું.’

ધારાએ કહ્યું, ’હું મોટી થઈને ડૉકટર બનવા માંગુ છું.’

અમીએ કહ્યું, હું મોટી થઈને બેન્કમાં મેનેજર બનવા માંગુ છું.’ 

અલેલટપ્પુ અનિલ કઈ બોલ્યો નહીં એટલે ટીચરે એને પુછ્યું, અનિલ તું મોટો થઈને શું બનવા માંગે છે?’

અનિલે કહ્યું, હું મોટો થઈને બ્લેકમની એટલે કે કાળુ નાણું બનવા માંગુ છું.”  

અનિલની વાત સાંભળી સૌ અચરજથી એની સામે તાકી રહ્યા.  ટીચર પણ નવાઈ પામી ગયા અને પૂછ્યું, ‘અનિલ, આવો વિચિત્ર વિચાર તને ક્યાંથી આવ્યો ?  અને તારે શા માટે કાળુનાણું બનવું છે ?’

અનિલ બોલ્યો, મેડમ, મારા પપ્પા આજે સવારે મારી મમ્મીને ન્યુઝપેપર વાંચીને કહેતા હતા, ‘સરકારનું જાદુ જોયું ? બધું કાળુ નાણું સફેદ થઈને બેન્કમાં જમા થઇ ગયું.’

હું રંગે કાળો છું, બધા મારા કાળા કલરને લીધે મારા પર હસે છે, આ સુનીલીયો તો મને ‘કલર જાય તો પૈસા પાછા’ એમ કહીને બહુ ચીઢવે છે. એટલે જો હું કાળુનાણું બનું તો સરકાર મને સફેદ કરીને બેન્કમાં મોકલી આપે ને ? એટલે મને તો ડબલ ફાયદો  થાય, એક તો મારો કલર ઉજળો થાય, અને ભણ્યા વગર બેન્કમાં દાખલ થઇ જવાય.”

આ લેખની સમાપ્તિ હળવાશથી કરું :

ગ્રાહક : આ કાળી ટી શર્ટ છે તો સરસ, પણ એનો કલર તો નહીં જાય ને ?

દુકાનદાર : સાહેબ, કલર જાય તો પૈસા પાછા ! મારી ગેરંટી છે.

('અખંડ આનંદ' દીપોત્સવી વિશેષાંક, ઓક્ટોબર-નવેમ્બર-૨૦૨૫ માં પ્રકાશિત હાસ્યલેખ)