Wednesday, 4 December 2024

 

હા પસ્તાવો વિપુલ ઝરણું…..(હાસ્યલેખ)  પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

જજ: (આરોપીને) : તો તમે તમારો ગુનો કબુલ કરો છો ?

આરોપી: ના, સાહેબ.

જજ: તમને ખબર છે ને કે ગુનો કબુલ ન કરવાથી તમને શું સજા થઈ શકે ?

આરોપી: હા, સાહેબ. ગુનો કબુલ ન કરું તો કદાચ હું નિર્દોષ છૂટી જાઉં, પણ ગુનો કબુલ કરવાથી મને જેલ થશે એની મને  પાકી ખબર છે.

આજે મને આ જોકની એટલા માટે યાદ આવી કે આજનું છાપું  ખોલીને વાંચતાં જ એક સમાચાર પર મારી નજર પડી. ચોરી બાદ ચોરને હાથે લકવો લાગ્યો, તબિયત સારી થતાં ચોરેલા નાણાં પરત મૂકી ગયો.

ચોર ચોરીથી જાય પણ સીનાજોરીથી નહીં. એ કહેવતને ખોટી પાડતાં આ સમાચાર વિગતવાર જોઈએ તો બનાવ કંઇ એવો બન્યો હતો કે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ નામના ગામે શેણલનગર સોસાયટીમાં આવેલા ધરણીધર  ભગવાન અને શેણલમાતાના મંદિરમાં લગભગ એક અઠવાડિયા પહેલાં  કેટલીક રોકડ રકમની ચોરી થઈ હતી.  ભંડારામાં થયેલી ચોરીના એક અઠવાડિયા બાદ આ ચોરાયેલો સામાન પરત આવવાની ઘટના બનતાં ભકતોમાં કૌતુક સર્જાયું હતું. રોકડ રકમની સાથે ચોરના હસ્તાક્ષરમાં માફીપત્રએ અખબારનાં  સમાચાર વાચકોમાં ખાસ રસ ઉત્પન્ન કર્યો હતો.

ભગવાનકે ઘર દેર હૈ અંધેર નહીં હૈ એ કહેવત મુજબ ચોરી થયાના અઠવાડિયા બાદ ચોર પોતે મંદિરમાંથી ચોરેલા મુદ્દામાલ ઉપરાંત પ્રસાદમાં શ્રીફળ અને પેંડા મંદિરમાં મૂકી ગયો હતો. સાથે સાથે પોતાના ગરબડિયા અક્ષરોમાં એક ચિઠ્ઠી પણ મૂકી હતી. જેમાં લખ્યું હતું, શામળીયાની જય હો. મંદિરનુ  તાળું તોડતાં મને હાથે લકવો થઈ ગયો હતો, પણ મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમારા પૈસા પાછા મોકલાવું  છું, અને આજથી જ નક્કી કરું છું કે  ફરીથી ક્યારેય પણ હું ચોરી નહીં કરું. મને એકવાર માફ કરો. મારો હાથ સારો થતાં જ હું પ્રસાદ સાથે બધું પાછુ આપું છું. શામળીયાની જય જય જય હો.

આ પ્રસંગથી હું નાની હતી ત્યારે મેં જેસલ તોરલ નામની ગુજરાતી ફિલ્મ જોઈ હતી એ વાત મને યાદ આવી.  એમાં જેસલ નામનો એક અપરાધી લુંટારો તોરલ નામની સતી નારી સાથે નદીમાં હોડીમાં બેસીને સફર કરી રહ્યો  છે. આ સફર એટલે પેલું અંગ્રેજી વાળું suffer નહીં, પણ ગુજરાતીવાળું સફર એટલે કે પ્રવાસ કરે છે. દરમ્યાન એમની હોડી નદીમાં હાલક ડોલક થાય છે, અને નદીમાં ડૂબી જવાય એવું જોરદાર તોફાન આવે છે.

નદીમાં ડૂબી જવાના ડરને કારણે જેસલ જેવો હિમ્મતવાળો માણસ પણ ગભરાઈ જાય છે, પણ તોરલ તો એકદમ સ્વસ્થ હોય છે. પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, જાડેજા રે... એમ તોરલ કહે છે જી.  આવું  ગીત ગાઈને તોરલ, જેસલને એનાં પાપોની કબૂલાત કરવા મનાવે છે, અને બદલામાં એનાં પ્રાણ બચાવવાની બાહેંધારી આપે છે. જેસલ એણે ભૂતકાળમાં કરેલાં એક પછી એક પાપોની કબૂલાત કરતો જાય છે. છેલ્લે તોરલ પોતાના વચન મુજબ નદીના તોફાનને  શમાવીને જેસલનાં અને સાથે સાથે પોતાના પણ પ્રાણ બચાવે છે. (એક પંથ દો કાજ ?) 

હું ત્યારે નાની હતી, એટલે  આ વાત મારા મગજમાં ઉતરી નહોતી, અને આજે મોટી થઈ છું તો પણ આ વાત મારા ગળે નથી ઉતરતી. પણ ન્યૂઝ પેપરમાં આવેલો થરાદના મંદિરનો કિસ્સો જાણ્યા પછી મને લાગે છે કે આ જેસલ – તોરલનો કિસ્સો પણ કદાચ સાચો હોઈ શકે. આ દુનિયામાં ચમત્કાર તો બનતાં જ રહેતાં હોય છે. પણ  આપણી સાથે બને તો આપણને એમાં વધુ શ્રધ્ધા બેસે એ વાત સાચી. એમ તો નાનપણમાં ભણવામાં આવતી પંક્તિ, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તે આ બાબતે જ છે ને ?

આ તો પાપીઓએ કરેલા ગુનાઓની વાત થઈ, પણ કેટલાક લોકો તો નથી કર્યા એ ગુનાઓ પણ કબુલ કરે છે. દાખલા તરીકે -  એક સુંદર યુવતીએ પોતાના ફોટા સાથે પોતાનું  પર્સ ચોરી થયાની વાત એક સોશિયલ મીડિયા પર મૂકી, અને જેણે એ પર્સ લીધું  હોય એણે પાછું  આપી જવું. એવી અપીલ કરી. એક અઠવાડિયા સુધીમાં તો  એને ત્યાં નવયુવાનો દ્વારા જાતજાતનાં ઘણાં બધાં પર્સનો ઢગલો થઈ ગયો. એ યુવતીને પર્સ આપનાર કદાચ બધા અપરિણીત યુવાનો હશે એમ હું માનું છું. પણ....  અપરિણીત યુવાનોની વાત જવા દઈએ અને ફક્ત પરિણીત પુરુષોની વાત કરીએ તો .....

સવાલ જ નથી પ્રિયે, મારો તો એ દિવસથી ફક્ત આ એક જ ઉસૂલ  છે. તારી સાથે જે નથી કર્યા એ સઘળા ગુનાઓ પણ મને કબુલ છે.  લગ્નજીવનના અનુભવે ભલભલા ચમરબંધીઓને સમજાઈ જાય છે કે... આની સાથે મગજમારી કરવા કરતાં આત્મસમર્પણ કરવાનું વધુ સરળ છે. થોડા દિવસો પહેલાંની જ વાત છે. મારા પતિદેવે  WA દ્વારા મને એક મેસેજ મોકલ્યો, જેમ જેમ સમજતા થયા તેમ તેમ સમજાયું કે – સમજાવવા કરતાં સમજી લેવું સારું છે. એ વાંચીને મને ખૂબ આનંદ થયો. કાશ ! બધા પતિદેવો આ વાત સમજી લે તો અમારા દાંપત્યજીવનની જેમ બધાનું દાંપત્યજીવન  કેવું મજાનું બની રહે, ખરું કે નહીં ?  

વળી પાછા મૂળ વાત પર આવીએ ?

-ચોરના મનમાં પણ ક્યારેક પ્રામાણિકતા પ્રવેશ કરી જતી હોય છે. એક સવારે છાપું વાંચતાં મેં કહ્યું.

-એમ તું શેના પરથી કહી રહી છે ? મારી વાત સાંભળીને પાસે બેસીને ચા પી રહેલા મારા પતિદેવે પુછ્યું.

-મહારાષ્ટ્રનાં રાયગઢ જીલ્લામાં આવા એક ચોરનો  કિસ્સો  જાણવા જેવો છે. ઘણાં દિવસથી બંધ પડી રહેલા એક ઘરમાંથી ચોરે ટી.વી. સહિતનો ઘણો સમાન ચોરી લીધો.

-પછી ?

-પછી એ ઘર પદ્મશ્રી કવિ-લેખક શ્રી નારાયણ સુર્વેનું હોવાની જાણ થતાં જ પસ્તાવો થવાથી ચોર પોતે ચોરેલી તમામ વસ્તુઓ પાછી એ ઘરમાં મૂકી ગયો, સાથે સાથે એક માફીપત્ર સુધ્ધાં મૂકી ગયો.

-એ જોઈને કવિશ્રી ખુશ થયા હશે, ખરું ને ?

-ના.

-કેમ ના ?

-કેમ કે કવિશ્રી તો ઘણાં વર્ષો પહેલાં 86 વર્ષની વયે સ્વર્ગસ્થ થયા હતા. હા, એ ઘરમાં રહેતાં એમનાં પુત્રી અને જમાઈ (સુજાતા અને ગણેશ) જે થોડા દિવસ માટે ઘર બંધ કરીને પોતાનાં બે પુત્રોને મળવા વિરાર ગયા હતા, તેઓ પાછા ફર્યા ત્યારે ઘરની દીવાલ પર લાગેલી ચિઠ્ઠી – માફીપત્ર અને ઘરનો સામાન સહી સલામત જોઈને એમને સાનંદાશ્ચર્ય થયું.  

-ચાલો, સૌ સારું જેનો અંત સારો.

-હાસ્તો. એક લેખિકા હોવાને નાતે મને પોતાને આ  કિસ્સો ગર્વનો અહેસાસ કરાવી ગયો.

--ભલે તું એમ ખુશ થતી હોય તો મને શું વાંધો હોય ?  

-પણ આપણાં ઘરના વરંડામાંથી ઘણા  વર્ષો પહેલાં ચોરાયેલ સામાન - સ્ટીલના ડબ્બાઓ, વાસણો, ટબ અને થોડાં કપડાં પાછા નહોતા આવ્યા એનો મને આજે પણ અફસોસ છે.

-એ બિચારા ચોરને ખબર નહીં હોય કે તે એક મહાન લેખિકાના ઘરમાંથી ચોરી કરી રહ્યો છે.

-એને એ વાતની ખબર હોત તોય કંઇ ફરક ન પડત.

-કેમ ? તારાં  હાસ્યનાં છ પુસ્તકોમાંથી ત્રણ પુસ્તકો સાહિત્ય અકાદમી દ્વારા પુરષ્કૃત થયાં છે, ઉપરાંત તારી વાર્તાઓનાં પણ બે પુસ્તકો પ્રકાશિત થયાં છે. લેખિની’, માતૃભારતી  અને મમતા મેગેજીનમાં તારી વાર્તાઓને ઈનામ પણ મળ્યું છે. વળી અવારનવાર મેગેઝિનોમાં તારાં લેખ – વાર્તાઓ – કવિતાઓ – ઇન્ટરવ્યુ વગેરે પણ તો છપાય છે ને ?.

-તમારી એ બધી જ વાત સાચી છે. પણ મને હજી સુધી ક્યાં કોઈ પદ્મશ્રીનો પુરસ્કાર મળ્યો છે ?

-તો હવે તું એ પુરસ્કાર મેળવવા માટે તનતોડ, ના, ના. તનતોડ નહીં,  મનતોડ મહેનત કરવા માંડ.

જો હુકમ મેરે આકા કહીને.... હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ પંક્તિ મનમાં યાદ કરતાં કરતાં  એ જ શીર્ષક પર હું હાસ્યલેખ લખવાના કામમાં ડૂબી ગઈ.

મને આ લેખનકાર્યનાં દરિયામાં ડૂબવામાંથી કોઈ સતી તોરલ આવીને ઉગારે,  એ પહેલાં મારાં તમામ વાચકમિત્રોને....  એટલે કે તમને સૌને કહી દઉં....આપ સૌને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નુતન વર્ષનાં અભિનંદન ! આપનું આખું વર્ષ હસતાં - રમતાં મજેથી પસાર થાય એવી શુભકામનાઓ !