Tuesday 31 January 2017

અવમૂલ્યન.

અવમૂલ્યન.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

પૌરાણિક કથામાં એક વાત આવે છે. મા પાર્વતી એકવાર નહાવા ગયા હતા ત્યારે બાળક ગણેશને ચોકી કરવાનું કહીને ગયા હતા. સંજોગવશાત તે જ સમયે ભગવાન શંકર તપ કરીને સ્વગૃહે પધાર્યા.માતૃભક્ત ગણેશે માતાની આજ્ઞા મુજબ એમને ઘરની અંદર જતા રોક્યા. 

આજના જમાનામાં તો નહાવા માટે એવી અધતન ઓરડીઓ હોય છે કે એમાંથી જલદી બહાર આવવાનું મન થતું નથી. પરંતુ તે જમાનામાં બાથરૂમ જેવી સ્પેશીયલ ઓરડીઓ નહોતી. તે વખતે તો બાળકોને સ્કુલ જવાનું પણ ફરજીયાત નહિ હોય, એટલે મા પાર્વતીએ  સોપેલું કામ ગણેશજીએ પૂરી વફાદારી પૂર્વક નિભાવ્યું હશે.

બાળક ગણેશે ભગવાન શંકરને રોક્યા, નવાઈની વાત કે અંતર્યામી ગણાતા ભગવાન શંકર પણ  પોતાના જ પુત્રને ઓળખી નહિ શક્યા. આજે પણ કયો બાપ પોતાના પુત્રને ઓળખી શકે છે? પણ  સામાન્યજન ગુસ્સે થાય તો પોતાના પુત્રને તમાચો લગાવી દે, ભગવાન ગુસ્સે થયા તો દીકરાનું ડોકું (તલવાર થી કે ત્રિશુળથી) ઉડાવી દીધું.

પાર્વતી નહાઈને આવ્યા ત્યારે પુત્રનું કપાયેલું ડોકું જોતા જ કલ્પાંત કરવા લાગ્યા. પુરુષની સૌથી મોટી નબળાઈ એ જ કે એ સ્ત્રીના આંસુ જોઈ ન શકે. પાર્વતીના આંસુ જોઇને શંકર ભગવાનનો ગુસ્સો વરાળ થઈને ઉડી ગયો. રહસ્યસ્ફોટ થતા એમને પોતાની ભૂલ સમજાઈ.

ભૂલ સુધારવા તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. સામે હાથી મળ્યો તો એનું ડોકું ઉડાવી દીધું ને તે લઇ આવીને ગણેશજીના ધડ પર લગાવી દીધું ને ગણેશજીને સજીવન કર્યા. ભગવાને ભૂલ કરી એની સજા નિર્દોષ પ્રાણી હાથીએ ભોગવવી પડી. આજે આપણા પ્રધાનો ભૂલ કરે એની સજા પ્રજાએ અને ડોકટરો ભૂલ કરે એની સજા દર્દીએ ભોગવવી પડે છે.

કહેવાય છે કે જમાનો બદલાઈ ગયો છે, પણ જમાનો ક્યાં બદલાયો છે? તે વખતે જે ચાલતું હતું તે જ આ વખતે પણ ચાલે છે. ખોટો તમાચો માર્યાની ખબર પડે તો બાપ દીકરાને કેડબરી અપાવે છે, પ્રભુએ ગણેશજીને આશીર્વાદ આપ્યા, ‘સૌ દેવોમાં સૌથી પહેલા તું પુજાઈશ.’
મને ન સમજાઈ હોય એવી એક જ વાત છે, ‘પ્રભુએ ગણેશજીને જીવંત કરવા હાથીનું ડોકું શા માટે લગાડવું પડ્યું? ખુદ ગણેશજીનું કપાયેલું માથું પણ લગાડી શક્યા હોત ને?’ ખેર ! કેટલાક પ્રશ્નોના કોઈ જવાબ નથી હોતા, આ પણ એમાંનો જ એક છે.
તમને થશે મેં આ વાર્તા શા માટે કરી, ખરુંને? તો વાત જાણે એમ બની કે એક ખુશનુમા સવારે મારા પતિદેવ નહાવા ગયા ત્યારે મને સૂચના આપતા ગયા, ‘કોઈ મને મળવા આવે તો બેસાડજે, થોડીજ વારમાં આવું છું.’ બરાબર એ જ સમયે એમના એક મિત્ર અનિલભાઈ એમને મળવા આવ્યા. એમને મેં ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસવા કહ્યું અને તેઓ આનાકાની વગર બેસી ગયા એટલે શંકરજી સાથે ગણેશજીને થયો હતો  એવો કોઈ અકસ્માત મારે એમની સાથે થયો નહીં. મારા પતિને મળવા આવેલા મિત્ર અનિલભાઈનું ગંભીર મુખવદન જોઇને મને ફાળ પડી. મેં સહાનુભુતિ પૂર્વક પૂછ્યું:

-અનિલભાઈ, શી વાત છે, કોઈ નજીકનું સગું વહાલું મારી ગયું  છે?
-ના.  એમને એકાક્ષરી જવાબ આપ્યો.
-એવું હોઈ તો સંકોચ ન રાખતા બોલી દેજો. તમારા ભાઈને કહું કે નહાવાનું બાકી રાખે, સ્મશાનથી આવીને એકવરા જ નહાવાનું રાખે. તમને તો ખબર જ છે કે આપણી સોસાયટીમાં પાણીની કેવી શોર્ટેજ છે તે.
-તમેય શું ભાભી, તમારી જ હાંક્યે રાખો છો. કહ્યું તો ખરું કે એવું કશું નથી.
-તો પછી આવું સાવ ઘુવડ જેવું મોં કેમ કરી નાખ્યું છે? નીલાબેન (એમના પત્ની) કઈ બોલ્યા તમને? એમણે તમને સવારની ચા નથી પાઈ? એમાં મૂંઝાવ છો શું મારા ભાઈ. આ દૂધ પડ્યું – અબઘડી ચા બનાવી લાવું. મૂવા દુધવાળા પણ કેવા થઇ ગયા છે, સારું દૂધ નથી આપતા, છોકરાઓ તો દૂધ પીવાની જ ના પાડે છે. લાવું ચા?
-ચા ને બા. મારે કઈ પીવું નથી.
-એમ શું કરો છો અનિલભાઈ, કહો નીલાબેન સાથે ઝઘડો થયો છે?
-ના, એ તો બે દિવસથી પિયર ગઈ છે.
-ઓહોહોહો! લો, તો પછી ચહેરો ઉતરેલો કેમ છે?
-તમે છાલ નહીં જ છોડો, ભાભી. ચાલો કહી જ દઉં, તમને ખબર છે ત્રણ દિવસમાં બે વખત રૂપિયાનું અવમૂલ્યન થયું.
-એમાં રડવા જેવું શું છે? હજી તો થોડું જ અવમૂલ્યન થયું છે, થોડું તો બાકી છે. ૧૦૦ ટકા અવમૂલ્યન થઇ જાય તો પણ શું ફરક પડે છે?
-એટલે?
-એટલે એમ કે રૂપિયો એ રૂપિયો જ રહે નહિ, માત્ર સિક્કો કે કાગળિયું જ થઇ જાય. જેનાથી બાળકો રમત રમે.
-પણ રૂપિયા વગર બજારમાંથી ચીજ વસ્તુઓ શી રીતે લાવીએ?
- બાર્ટર સિસ્ટમથી.
-એ વળી શું?
-તમે મને ઘઉં આપો, બદલામાં હું તમને ચોખા આપું. મતલબ કે જેની પાસે જે ચીજ હોય તે અદલા બદલી કરે. રૂપિયાની જરૂર જ ન પડે.
-પણ મારા રૂપિયા શેરબજારમાં ફસાયા છે, એનું શું?
-ખોટું ન લગાડતા અનિલભાઈ, પણ તમને નીલાબેને પહેલેથી જ ખુબ વાર્યા હતા, કે રૂપિયા શેરબજારમાં ન નાખો. પણ તમે માન્યા જ નહિ. વાર્યા ન વળે તે હાર્યા વળે. શેરબજારને બદલે નીલાબેનના કહ્યા મુજબ મકાનમાં રૂપિયા રોક્યા હોત તો આજે તમારું મજાનું ઘર હોત.
-તે અમે ક્યા ફૂટપાથ પર રહીએ છીએ? ઘરમાં જ રહીએ છીએ ને? પોતાનું ઘર નથી તો શું  થયું?
-શેરબજારમાંથી હાથ ખેંચો, નહિ તો ફૂટપાથ પર રહેવાનો વારો આવશે, અનુભાઈ.
-તમે ય શું આવી કાળવાણી ઉચ્ચારો છો, ભાભી?
-આ કાળવાણી નથી, ભવિષ્યવાણી છે. ત્રણ દિવસ પહેલા જ નીલાભાભી મળ્યા હતા, ખુબ રડતા હતા. મકાન માલિકના ટકટકારાની વાત કરતા હતા. તમે એમનું કઈ સાંભળતા નથી અને મનમાની કરો છો એવું પણ કહેતા હતા. હજીય સમય છે, ચેતી જાવ, અનુભાઈ.
-નીલાડીને મેં કેટલીય વાર કહ્યું કે ઘરની વાત બહાર ન કર, પણ એય માને તો ને? મકાનમાલિકની વાત તે ધ્યાન પર લેવાતી હશે? આંખ આડા કાન કરવાના.
-તમે કરો છો એમ જ, નહીં અનિલભાઈ?
-ચાલો ભાભી, હવે હું જાઉં.
-અરે, બેસોને. તમારા ભાઈ નાહીને આવતા જ હશે.
-ના ભાઈ ના. હવે જો હું અહીં વધુ વાર બેસીશ તો રૂપિયાની જેમ મારું પણ અવમૂલ્યન થઇ જશે.
-માણસોના મુલ્યો(નૈતિકતા) હવે ક્યા પહેલાના જેવા રહ્યા જ છે?
-એ વાત સાચી, અવમૂલ્યન થાય ત્યાં સુધી તો ઠીક પણ તમે તો નાબુદી સુધી પહોચી ગયા. હવે અહીંથી જવામાં જ મારી સલામતી છે. હું એમને ઓફિસમાં મળી લઈશ.
-જેવી તમારી મરજી, આવજો અનુભાઈ.

 -આવજો ભાભી.  

2 comments:

  1. અવમૂલ્યન વિશે બહુમૂલ્ય લેખ.

    ReplyDelete
  2. અવમૂલ્યન વિશે બહુમૂલ્ય લેખ.

    ReplyDelete