Wednesday 28 March 2018

તૂંડે તૂંડે મતિર્ભિન્ના.


તૂંડે  તૂંડે મતિર્ભિન્ના.               પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-અરે, સાંભળ તો  જરા.
-બોલો, સાંભળું જ છું.
-પણ તું તો કપડાંની ઘડી કરી રહી છે.
-તો શું થયું ? મારા કાન તો ખુલ્લાં જ છે ને ?
-એમ નહીં, તું બરાબર એકાગ્ર થઈને મારી વાત સાંભળ.
-કેમ, તમારી વાત એટલી બધી અગત્યની છે ?
-હા, એટલે જ તો કહી રહ્યો છું કે ધ્યાનથી સાંભળ.
-ભલે, સંભળાવો નાથ, તમારા ખડૂસ બૉસની બદલી થઇ ? તમારો પગાર વધ્યો ? તમારો સ્ટાફ સુધર્યો ? કે પછી મોંઘવારી ઘટી ?
-તને આવા વાહિયાત અને અશક્ય  વિચારો આવ્યા શી રીતે ?
-આવ્યા હવે.પણ વાતમાં મોણ નાંખ્યા વિના જલદી કહોને જે કહેવું હોય તે.
-જરા ધીરજ રાખતાં શીખ. સાંભળ્યું છે ને કે, ધીરજના ફળ મીઠાં ?’
-સાંભળ્યું છે શું , મેં તો અનુભવ્યું પણ છે. મહિનાઓ સુધી મેં ધીરજના ફળ ચાખ્યાં - ચાખ્યાં જ નહીં ખાધાં અને તમને સૌને ખવડાવ્યાં પણ છે.  પણ હવે...
-પણ હવે શું ?
-પણ હવે ધંધામાં ખોટ જવાને કારણે ધીરજે ફળો વેચવાનું બંધ કર્યું છે, એ હવે માત્ર શાકભાજી જ વેચે છે.
-તું  હવે તારી આવી  મજાક બંધ કરીને મને સીરીયસલી સાંભળશે ?
-ફરમાવો હુજુર.
-તેં આજનું ન્યૂઝપેપર વાંચ્યું ?
-ના, નથી વાંચ્યું.
-હજી તેં પેપર નથી વાંચ્યું ? સવાર સવારથી તું કરે છે શું ? મેં તને કેટલીવાર કહ્યું છે કે બીજા કામોની જેમ ન્યૂઝપેપર વાંચવાનું પણ એટલું જ અગત્યનું છે. બધા સમાચારથી માહિતગાર રહેવું  ખુબ જ જરૂરી છે.
-તમારી વાત સાચી છે. પણ પેપરમાં રોજે રોજ આપણા મગજને ભમાવી દે અને મૂડને ખરાબ કરી નાંખે એવા એવા સમાચારો છપાય છે. રાજકારણીઓના કૌભાંડો, બાળાઓ પર બળાત્કાર, આતંકવાદીઓના ઉપદ્રવ, ઓફિસરોના ભ્રષ્ટાચાર, એક્ટર-એક્ટ્રેસના અફેર, ક્યાંક વરસાદે વરસાવેલો કાળો કેર અને ઠેકઠેકાણે પડેલા ભૂવાઓ (મોટા ખાડાઓ.) તો ક્યાંક દુકાળ, હજી તો ઉનાળો શરુ પણ નથી થયો ત્યાં સર્વત્ર પાણી પાણી...ના પોકાર..  
-બસ, બસ, બસ. તને ખબર છે હવે તો એક દિવસનું પેપર નો નેગેટીવ ન્યૂઝવાળું પણ આવે છે ?
-સો ચૂહે મારકર બિલ્લી હજ કો ચલી હા.. હા.. હા..
-હસ નહીં. વાંચવા જેવું વાંચતી નથી અને ન વાંચવા જેવું વાંચે તો એવું જ લાગે ને ?
-અચ્છા. તમે એમ શા ઉપરથી કહો છો ?
-જો, આજના છાપામાં ન્યૂઝ છે. અર્ધાંગિનીના અર્થને ચરિતાર્થ કરતી રેણુકા : પતિ કે જેની બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી,  તેને પોતાની એક કિડની આપીને નવજીવન આપ્યું. બોલ, આમાં તારે કંઈ કહેવાનું છે ?
-આમાં મારે શું કહેવા જેવું હોય ?
-કાશ! બધી પત્નીઓ આવી સમજદાર અને ઉદાર હોય.
-ના હોય.
-કેમ, કેમ ના હોય ?
-તમારા હાથની બધી આંગળીઓ સરખી છે ? નથીને ? બસ, તો પછી બધી પત્નીઓ સરખી શી રીતે હોય ? અરે, પત્નીઓ જ શું કામ,  બધાં પતિઓ પણ સરખાં નથી હોતા. તમે જે છાપામાં પત્નીની ઉદારતાના સમાચાર વાંચ્યા એ જ છાપામાં એક સીધા સાદા પતિને જેલ ભેગો કરવાની દાદ માંગતી પત્નીના સમાચાર ન વાંચ્યા ?
-ના, પેપર વાંચતો હતો ને ફોન આવ્યો એટલે વાંચવાનું બાકી રહી ગયું. પણ એની વિગત શું છે એતો કહે.
-તમે પણ શું ? વાંચવા જેવા સમાચાર તો વાંચતા નથી.
-વાયડી થયા વિના કહેને હવે કે શું સમાચાર છે ?
-સાંભળો. અમદાવાદમાં ગોમતીપુરમાં રહેતી શાલિની દવે એ એના પતિ સુનિલ દવેની સામે લગ્નના હક્કો માટે  તથા પોતાના પુત્ર અને પુત્રીના ભરણ પોષણ માટે કોર્ટમાં કેસ કર્યો હતો. અને જજને વકિલ મારફતે અરજી મોકલી એમાં લખ્યું  હતું, જો સુનિલ ભરણ પોષણ ન આપી શકે તો એને આજીવન કેદની સજા કરવી.” બોલો હવે તમને મારી વાત સાચી લાગે છે ?
-હા ભાઈ હા. હાથની પાંચે આંગળી સરખી ન હોય એ તારી વાત સાચી તો ખરી, હોં. હું હવે સમજ્યો,   કે - ‘તૂંડે તૂંડે મતિર્ભિન્ના.’



Wednesday 21 March 2018

ફિલમ: એડમિશનની.


ફિલમ: એડમિશનની.           પલ્લવી જીતેંદ્ર  મિસ્ત્રી.

-હલ્લો, આશિષ?
-હા પ્રણવ, બોલ શું કહે છે?
-આજે ૨.૩૦ વાગ્યે રૂપમ થીયેટર આગળ આપણા કાયમના અડ્ડે, એટલે કે આપણી ફીક્સ જગ્યાએ પહોંચી જજે,  ફિલ્મ જોવા જઈશું.
-કોણ કોણ આવવાનું છે?
-રાજેશ, તન્મય, અલ્પેશ, મનન, પ્રમોદ, અરુણ, હું અને તું.
-અરે વાહ! આપણી આખી ગેંગ જ આવી રહી છે ને કંઈ.
-એક્ઝામ  પછી તો જલસા જ કરવાના હોય ને? ફિલ્મ જોઇને પછી રિવરફ્રન્ટ પર ફરવા જઈશું અને પછી ત્યાંથી હેવમોરમાં ડીનર. તું દર વખતની જેમ મોડું ન કરતો, ટાઇમસર આવી જજે.
-મારાથી નહીં અવાય, યાર. સોરી.
-શું? તારાથી નહીં અવાય? પણ કેમ? તું-આશિષ-તું,  ફિલ્મ જોવા આવવાની ના પાડે છે? આજે સૂર્ય પૂર્વ ને બદલે પશ્ચિમમાં ઊગ્યો કે શું?
-સૂરજની વાત છોડ, એને ઊગવું જ્યાંથી હોય ત્યાંથી ઊગે, અને જ્યાંથી આથમવું હોય ત્યાંથી આથમે, પણ અહીં તો હું જ આથમી રહ્યો છું.
-કંઇ સમજાય એવું તો બોલ, યાર. એવી તો શું વાત બની કે તું ફિલ્મ જોવા આવવાની ના પાડી રહ્યો છે?
-અરે યાર, અહીં તો મારી જ ફિલમ ઊતરી રહી છે.
-હવે તું સીધે સીધું કહેશે કે વાત શું છે?
-આ એડમિશનની રામાયણ. આજે મારે મારા કાકા સાથે એક સ્કુલમાં એડમિશન માટે જવાનું છે.
-અરે, હજી તારા એડમિશનનું પત્યું નથી? ઓલમોસ્ટ બધી સ્કુલો તો ચાલુ થઈ ગઈ.
-મને તો બધી જ સ્કુલોને તોપગોળા થી ઊડાવી દેવાનું મન થાય છે.
-ઓ દુર્વાસાજી! તમારા ક્રોધને શાંત કરો. અને વિગતવાર કહે કે વાત શું છે?
-અરે યાર, દસ દિવસથી હું અને મારા પપ્પા, આ સ્કુલથી પેલી સ્કુલ, એડમિશન માટે ધક્કા ખાઇએ છીએ. પપ્પાની કેટલી રજાઓ પડી, એમના બોસ બગડ્યા અને અલ્ટીમેટમ આપ્યું. આજે હવે મારી સાથે મારા કાકા આવવાના છે. ૮૦ ટકાએ કોઈ સારી સ્કુલમાં એડમિશન મળતું નથી, હદ થઈ ગઈને યાર.
-મારી વાત સાંભળ આશિષ, કોઇ સારી સ્કુલમાં એડમિશન ન મળે તો કોઇ પણ,  રેંજી-પેંજી સ્કુલમાં, જેમાં મળે એમાં એડમિશન લઈ લે. પછી કોઇ સારા સરનું પ્રાઈવેટ ટ્યુશન રાખી લેવાનું. અગિયારમામાં તો કોઈ પણ સર ચાલે. પછી બારમામાં કોઇ  સારા ક્લાસમાં ભણીને સારા ટકા લાવીએ,એટલે સારી કોલેજમાં એડમિશન મળી જાય, ખરું ને?
-પ્રણવ,  અત્યારે જે હાલત છે, તે જ બે વર્ષ પછી પણ હશે, ફરક એટલો કે અત્યારે સ્કુલોના ધક્કા ખાઇએ છીએ, ત્યારે કોલેજોના ધક્કા ખાવાના થશે. યાર, રેંજી-પેંજી સ્કુલો વાળાના તેવર પણ આસમાને ચઢી ગયા છે. રોજ કલાક- બે કલાક બેસાડી રાખે છે, અને પછી આપણો  વારો આવે ત્યારે કહે છે, કાલે તપાસ કરજો. આપણને તો એમ જ ફીલ થાય કે, આપણે ભિખારી છીયે અને સ્કુલવાળા કહે છે, અહીં જગ્યા નથી- આગળ જાવ. અલ્લાકે નામ પે દે દે બાબા જેવી સ્થિતિ છે. મને તો એટલો બધો ગુસ્સો આવે છે ને કે-
-પણ એમની પાસે સીટ હોય ૨૦૦, અને અરજી આવી હોય ૧૦૦૦, સ્કુલવાળાય બિચારા શું કરે?
-બિચારા? તું હજી એમને ઓળખતો નથી.બધા ડામીસ – ૪૨૦ ભેગા થયા છે. આગળ આપણને એંસી ટકાવાળાને કહે, સીટ નથી  અને પાછળથી પચાસ ટકાવાળાને સીટ આપી દે.
-એ લોકો એવું શા માટે કરે? એનાથી તો એમની સ્કુલનું રીઝલ્ટ બગડે અને રેપ્યુટેશન ખરાબ થાય.
-લે, તને ખબર નથી? એ લોકોને રેપ્યુટેશન કરતાં રૂપિયામાં વધારે રસ હોય છે. ઓછા ટકા વાળાની પાસે  પચાસ હજારથી માંડીને એક લાખ સુધી રૂપિયા પડાવે છે અને તે પણ ડોનેશનના નામે. હું તો કહું છું એક એક ને ગોળીએથી ઉડાવી દેવા જોઈએ, શિક્ષણના નામે વેપાર કરે છે આ લોકો.
-ઓહ! તારી વાત પરથી મને લાગે છે કે આ ધંધો તો  બહુ સારો  છે, યાર.
-બોલ, ખોલવી છે, આપણે પણ આવી એકાદ સ્કુલ?
-સીરીયસલી, ગ્રેજ્યુએટ થઈને આવી એકાદ સ્કુલ ખોલી કાઢીએ પછી જલસા જ જલસા.
-હા, પણ ગ્રેજ્યુએટ થવા માટે પણ એકાદ સ્કુલમાં એડમિશન તો લેવું પડશે ને? એની જ તો બબાલ છે.
-આર.જે. માં ટ્રાય કર ને, ત્યાં તને એડમિશન મળવાના પૂરા ચાન્સીસ છે.
-કાલે ત્યાં જ ગયા હતાં.  એક કલાક બહાર તડકામાં ઊભા રહ્યા. સ્કુલનો આગળનો  હોલ ખાલી હતો તો પણ પટાવાળાએ કોઇને બેસવા ન દીધા. પ્રીંસીપાલ કરતાં પટાવાળનો રૂઆબ ભારી.
-ચા કરતાં કીટલી ગરમ જેવું.
-એક્ઝેટલી એવું જ. સદાય શાંત રહેતા મારા પપ્પા પણ તો એવા અકળાઇ ગયાં અને પૂછ્યું, અમે તો વાલી છીએ કે મવાલી એજ સમજાતું નથી.
-અલ્યા, અત્યારે આવી હાલત છે, તો આપણે વાલી બનીશું ત્યારે કેવી હાલત હશે?
-અરે યાર, તું તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવું બોલ્યો. આપણે વાલી બનીશું ત્યારની વાત ત્યારે. અત્યારે તો આપણું વિચારીએ. તને કંઈ ખબર છે કે પેલા પ્રમોદને એડમિશન મળ્યું કે નહીં?
-એની સ્ટોરી તો બહુ ઈન્ટરેસ્ટીંગ છે. એને એસ.કે. માં એડમિશન મળતું હતું અને ફી ભરવા પણ ગયેલાં. પણ સ્કુલવાળાએ ફી કરતાં બે હજાર રૂપિયા વધારે માંગ્યા અને એના પ્રમાણિક પપ્પાએ વિરોધ કર્યો તો પ્રીન્સીપાલે એમને બે દિવસ પછી બોલાવ્યા. બે દિવસ પછી ગયા તો કહે,’ જગ્યા ખાલી નથી પાછળથી આડકતરી રીતે ખબર પડી કે પ્રમોદને બાય પાસ કરીને  એ સીટ પચાસ હજારમાં કોઈ ચાળીસ ટકાવાળાને પધરાવી દીધી હતી.
-માય ગોડ, પછી શું થયું?
-પછી શું થાય, ન્યૂ શરણ જેવી થર્ડ ક્લાસ સ્કુલમાં આઠ હજાર ફી ભરીને એડમિશન લઈ લીધું. પ્રમોદનું મોં તો એવું થઈ ગયું હતું , બસ જાણે રડવાનું જ બાકી હતું.
-અચ્છા! પણ તેં ક્યાં લીધુ એડમિશન?
-એ  વાત પણ જાણવા જેવી છે. મેં તન્મ્યાનંદ  માં ફોર્મ ભર્યું  હતું. એમાં પહેલો ચાન્સ સ્વામિનારાયણ વાળાનો, બીજો ચાન્સ બેકવર્ડ ક્લાસનો, ત્રીજો ચાન્સ એ જ સ્કુલના સ્ટુડન્ટનો, ચોથો ચાન્સ સ્પોર્ટસવાળનો અને પાંચમો એટલે કે  છેલ્લો ચાન્સ આપણા જેવા મેરિટ વાળાનો- ૮૦% થી ઉપર વાળાનો.
-ઓહ! આ બેકવર્ડ વાળાની તો તું વાત જ ન કરીશ, એવો ગુસ્સો આવે છે ને. તને યાદ છે, આપણા મેથ્સના સર. મને આશિષ ના બદલે આસીસ કહેતાં. અને આવ્યો છું ના બદલે આઇ ગીયો સું બોલતાં?
-બરાબર યાદ છે મને. આપણે શાહ સરનું ટ્યુશન ન રાખ્યું હોત તો એ વર્ષે ફેઈલ જ થઈ જાત.
-હા, પણ  પછી ફાઈનલી તને ક્યાં મળ્યું એડમિશન?
-તન્મ્યાનંદ ને પડતી મૂકીને પપ્પાએ ઓળખાણ લગાવીને,  ડોનેશન આપીને  અર્જુન જેવી સાધારણ સ્કુલમાં એડમિશન કરાવી લીધું, એટલે મને તો શાંતિ થઈ ગઈ છે. 
-અચ્છા! અને આપણા બીજા બધા ફ્રેન્ડ્સ? એમણે ક્યાં લીધું એડમિશન?
-બધા ટ્રાય કરી રહ્યા છે.  બે ત્રણ જણ તો બેકવર્ડ ક્લાસમાં જવા માટેની અરજી પણ કરી ચૂક્યા છે, જેથી સ્કુલમા નહીં તો કોલેજમાં આવે ત્યારે એમને ઓછા ટકે સારી કોલેજમાં એડમિશન મળી જાય.
-હા, યાર. આ આઈડીઆ સારો છે, હું પણ પપ્પાને કહીશ કે ઓબીસી માટે ટ્રાય કરે. હમણા તો મારે જવાનું છે, પછી શાંતિથી વાત કરીશું, ઓકે?
-તો તું ફિલ્મ જોવા નથી જ આવતો?
-ના, હમણાં તો મારી જ એડમિશનની ફિલમ ઉતરી રહી છે, યાર.   







Wednesday 14 March 2018

પંદર વત્તા છ.


પંદર વત્તા છ.           પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

-     બોલો, પંદર વત્તા છ કેટલા થાય ?
-     શું ?
-     હું પૂછું છું કે પંદરમાં છ ઉમેરો તો કેટલા થાય ?
-     આજે તેં સવાર સવારમાં ભાંગ પીધી છે કે શું ?
-     ના જી. આજે નથી તો શીવરાત્રી કે નથી તો  હોળી. અને મેં કોઇ  ભાંગ બાંગ નથી પીધી. હું સંપૂર્ણપણે  હોશમાં છું. આવડતો હોય તો તમે મારા સવાલનો જવાબ આપો. મેરે સવાલોં કા જવાબ દો, દો ના...
-     પણ  આવો સવાલ મને પૂછવાનું કારણ શું? લાગે છે ટીનુની એક્ઝામ આવી રહી છે, અને એને પૂછવા ધારેલો સવાલ ભુલથી તું મને પૂછી રહી છે, ખરું ને?
-     ના, જનાબ. આ સવાલ ભુલથી નથી પૂછ્યો. બરાબર પૂછ્યો છે, અને તમને જ પૂછ્યો છે, આપો જવાબ.
-     પણ આવો વાહિયાત સવાલ મને, એક ચાર્ટર્ડ એકાઉનટન્ટને પૂછવાનું કારણ ?
-     કારણ છે, અને તે છે આજના ન્યૂઝપેપરના એક સમાચાર:
કાનપુરના રસુલાબાદ ગામની આ એક  રસપ્રદ ઘટના છે. અહીંની એક કન્યાને પરણવા દુલ્હારાજા વાજતે ગાજતે જાન લઈને આવ્યા. સામાન્ય પણે લગ્ન પછી આખી જિંદગી પત્ની દ્વારા પતિની પરીક્ષા થતી રહે છે. પણ અહીં વરરાજાની પરીક્ષા લગ્ન પહેલાં જ થઈ ગઇ. દુલ્હારાજાની ગણિતમા કેટલી પકડ છે, તે ચકાસવા દુલ્હને એક સાધારણ લાગતો સવાલ એને પૂછ્યો, પંદર અને છ (૧૫ વત્તા ૬)  કેટલા થાય ?’ હવે આ સવાલનો ખરો જવાબ તો પહેલા ધોરણમાં ભણતો બાળક પણ આપી શકે. પણ વરરાજાએ ખોટો જવાબ આપ્યો, સત્તર (૧૭).  દુલ્હન આ જવાબ સાંભળીને ભડકી ગઈ અને દુલ્હારાજા પર આક્ષેપ મૂક્યો, આ શખ્સ મને પરણવા માટે પોતાના ભણતર વિશે ખોટું બોલ્યો. એણે કહ્યું હતું કે હું તો ભણેલો ગણેલો માણસ છું. પણ આ તો સાવ જ   લાગે છે. હું આ અંગૂઠાછાપ માણસને હરગીઝ નહીં  પરણું. 
પહેલા ના સમયમાં છોકરીઓ સાવ ન ભણતી તો ચાલતું. કેટલાક કેસમાં લગ્ન પછી પત્નીને અક્ષર જ્ઞાન પતિદેવો આપતા. પણ ધીરે ધીરે ભણતરનું મહત્વ વધ્યું અને સરકારે પણ છોકરીઓને ભણાવવા મા બાપને પ્રોત્સાહિત કર્યા એટલે છોકરીઓમાં ભણતરનું પ્રમાણ વધ્યું. એના કારણે છોકરીઓ ભણેલા છોકરાઓને પસંદ કરતી થઈ. પણ આ કેસમાં તો વરરાજાએ પ્રાથમિક જ્ઞાન પણ ન મેળવ્યું હોય એમ લાગ્યું.  
વરરાજાના મા-બાપ-સગા-સંબંધીઓએ દુલ્હનને ઘણું સમજાવી કે તું આ નાદાનને માફ કર. પણ દુલ્હન આ ડીફેક્ટીવ પીસ ને સ્વીકારવા તૈયાર ના થઈ. વરરાજા જરા કાચો પડ્યો.  નહીંતર એ કહી શક્યો હોત કે, ગાંડી, તેં મને આવો બાલીશ સવાલ કર્યો એટલે મેં પણ મશ્કરીમાં ખોટો જવાબ આપ્યો. બાકી આ સવાલનો જવાબ તો પહેલા ધોરણમાં ભણતાં બાળકને પણ આવડે. ખેર! દુલ્હન કોઇની વાત સાંભળવાના મૂડમાં નહોતી અને પોતાની વાતમાં મક્કમ હતી, એટલે એના પિતાએ પોલીસને બોલાવી ફરિયાદ કરી, આ માણસે અમને એના અભ્યાસ અંગે ખોટી માહિતી આપી છેતર્યા છે, એને મારી દિકરી પરણવા માંગતી નથી.’ પોલીસમા સેન્સ ઓફ હ્યુમર સારી હોત તો કહેત, ભાઇ, તારા સુખના દિવસો હજી બાકી છે, એટલે તારા લગ્ન રદ થાય  છે. પણ એને બદલે પોલીસે કહ્યું, બન્ને પક્ષો એકબીજાની ભેટ-સોગાદો પાછી આપી દો અને વાત અહીં જ પતાવો.  આમ એક નિર્દોષ લાગતા સવાલ- પંદર વતા છ ની ઝપટમા આવી ગયેલા, ગણિતમા કાચા એવા મૂરતિયાએ લીલા તોરણે જાન સાથે પાછા ફરવું પડ્યું.
-     અચ્છા, તો આ કારણસર તેં મને પંદર વત્તા છ કેટલા થાય એવો સવાલ પૂછ્યો ? માની લે કે મને આ સવાલનો જવાબ ન આવડ્યો તો તું શું કરશે? મને છુટાછેડા આપશે ?
-     ના.
-     જો પેલી દુલ્હને એના દુલ્હાના અજ્ઞાનને કારણે પરણવાની ના પાડી. આપણે તો હવે પરણી ચુક્યા છીએ, એટલે તને  એવી તક તો ના મળે. પણ, હા. તું ઇચ્છે તો મને આ કારણસર છુટાછેડા આપી શકે છે.
-     બહુ ખુશ ના થશો, હું તમને એટલી સહેલાઇથી છટકવા નહીં દઉં.
-     તો પછી શું ફાયદો ?
-     એ તો મને નથી ખબર. પણ મને એ ખબર છે, કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા પ્રખર વિજ્ઞાની પણ એક સાદી વાત સમજી નહોતા શક્યા, અને એમણે ઘરની દિવાલમાં નાની બિલાડીને જવા માટે નાનું કાણું અને મોટી બિલાડીને જવા માટે મોટું કાણું બનાવ્યા હતાં.
-     વાત તો તારી સાચી છે.મને પણ એ મહાન વ્યક્તિનો એક રમૂજી કિસ્સો યાદ આવે છે. એ આઇન્સ્ટાઇન એમની ટ્રેનની મુસાફરી દરમ્યાન એકવાર પેંન્ટ્રીકારમાં નાસ્તો કરવા ગયા. ચશ્મા ભુલથી ડબ્બામા ભુલી આવ્યા. એટલે એમણે બાજુની  સીટમા બેઠેલા મુસાફરને મેનુકાર્ડ વાંચી આપવા  વિનંતિ કરી. ત્યારે એ મુસાફરે આઇન્સ્ટાઇનને કહ્યું, માફ કરજો જનાબ, હું પણ આપના જેવો અભણ માણસ જ છું.
-     ગુડ જોક. લેટેસ્ટ સમાચાર પ્રમાણે આ જ આઇન્સ્ટાઇન નો પ્રેમપત્ર ૪ લાખ રૂપિયામાં વેચાયો. પણ એ બધી વાત જવા દો, પણ તમે હજી મારા સવાલ  નો જવાબ નથી આપ્યો. મેરે સવાલોં કા જવાબ દો, દો ના....
-     અરે ! તું પહેલા મારી વાત સાંભળ તો ખરી. તને નથી લાગતું કે  દર વત્તા છ જેવો મામૂલી સવાલ પૂછીને પેલી માનુનીએ એના ભાવી ભરથારને મૂંઝવવો ના જોઇએ ?
-     અને તમને નથી લાગતું કે પોતાના અભ્યાસ વિશે ખોટી માહિતી આપીને એ માણસે પોતાની ભાવી પરણેતર સાથે વિશ્વાસઘાત ના કરવો જોઇએ ? એ તો સારું થયું કે સમયસર એને આવો યોગ્ય સવાલ પૂછવાનું સુઝ્યું અને હકીકત બહાર આવી, નહીંતર એને તો બિચારીને આખી જીંદગી પસ્તાવાનો વારો આવત ને?  તમે ભલે ગમે તે કહો, હું તો આ બાબતમાં  માનું છું કે એનો સવાલ યોગ્ય જ હતો.
-     પૂછનારને તો પોતાનો સવાલ  યોગ્ય જ  લાગે ને? જો તને એક કિસ્સો કહું. એક્વાર એક પોસ્ટમેનની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારને ઇન્ટરવ્યુ લેનારે એવો સવાલ પૂછ્યો, પૃથ્વીથી ચાંદ સુધીનું અંતર કેટલું છે ?’
-     ઓહ! આવો વિચિત્ર સવાલ ?  આવા સવાલ ને અને પોસ્ટમેનની નોકરીને વળી શું લાગે વળગે ?
-     તું સાંભળ તો ખરી કે ઉમેદવારે શું જવાબ આપ્યો ?
-     અચ્છા! કહો, પછી ઉમેદવારને એનો  જવાબ આવડ્યો ?
-     ના, એ ઉમેદવારે ઇન્ટરવ્યુ લેનારને કહ્યું, જો મારે ચાંદ પર પોસ્ટ પહોંચાડવાની હોય તો મારે આ નોકરી નથી જોઇતી.
-     હા હા હા. ગુડ જોક. પણ જોકની વાત જવા દઇએ તો પણ હકીકત એ છે કે, આધુનિક ઉપકરણોના વધુ પડતા ઉપયોગને કારણે લોકોની યાદશક્તિ ઘટી છે. ક્રીએટીવીટી ઘટી છે અને સામાન્ય જ્ઞાન પણ ઘટ્યું છે.. પણ પંદર વત્તા છ જેવા સામાન્ય સવાલનો જવાબ તો પહેલા ધોરણમાં ભણતો આપણો ટીનુ પણ સહેલાઇથી આપી શકે.
-     ટીનુને સંભાળીને રાખજે. ક્યાંક એનો સાચો જવાબ સાંભળીને પેલી દુલ્હન એને દુલ્હા તરીકે  પંસંદ ના કરી લે.
-     શું તમે પણ. હમણા હમણા તમે બહુ જોક કરવાના મુડમાં લાગો છો.
-     મને તો લાગે છે કે આજકાલની છોકરીઓ પરણતાં આવા નખરાં કરે છે, તો ટીનુ પરણવા જેવો થશે ત્યારની તો વાત જ શું હશે ? એને સ્માર્ટ બનાવજે જેથી આપણે એની જાન લીલા તોરણે લઈ પાછા ના આવવું પડે.
-     પડશે તેવા દેવાશે. તમે ટીનુની વાત છોડો અને મેં પૂછેલા સવાલનો જવાબ આપો.
-     કયો સવાલ ?
-     પંદર વતા છ  કેટલા થાય ?

Wednesday 7 March 2018

બસ – યાત્રાની મજા.


બસ – યાત્રાની મજા.            પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

રિક્ષા, કાર, ટ્રેન કે એરોપ્લેનની મુસાફરી કરતાં બસની મુસાફરીની મજા જ કંઈ અનેરી હોય છે. બસ અને તે પણ કોઇ પ્રાયવેટ કંપનીની લક્ઝરી બસ નહીં, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટની અને “સોનેપે સુહાગા” ની જેમ અમદાવાદ શહેરની એ.એમ.ટી.એસ. (અમદાવાદ મ્યુનિસીપલ ટ્રાન્સપોર્ટ સર્વીસ)  ની બસમાં એટલીસ્ટ એકવાર તો બેસી જોવા જેવું ખરું. બેસવા માટે જગ્યા ન મળે તો ઊભા ઊભા પણ એકવાર તો બસમાં મુસાફરી જરૂર કરવી.
અમદાવાદમાં બસની મુસાફરી કરવા માટે આપણે સર્વ પ્રથમ તો બસ-સ્ટોપ પર પહોંચીએ, એટલે ત્યાં ઊભેલા બધાં બે-પગાંઓની નજર આપણા તરફ મંડાય. અરે, બે-પગાંજ શું કામ, ત્યાં આસપાસમાં ઘાસ ચરતી ગાયો પણ એકવાર તો આપણી સામું જુએ અને પછી પાછી ઘાસ ચરવામાં મગ્ન થઈ જાય. જાણે સરકસના  તંબુમા કોઇ  નવતર પ્રાણી પ્રવેશ કરતું હોય તેમ સૌ કોઈ આપણી તરફ જોઇ રહે. આપણે પણ જો  એક સર્વગ્રાહી નજર એ બધાં પર દોડાવીએ તો બધાં પોતપોતાની નજર બીજે વાળી લે, જાણે આપણી તરફ જોવાની એમને કંઈ પડી જ નથી એવું બતાવે.
પરંતુ જો એમની સામે જોવાને બદલે સંકોચવશ આપણી નજર મા-ભોમ તરફ  નીચી રાખીને તડકાથી બચવા ક્યાંક છાંયડો દેખાય તો શોધીએ અને બસ-સ્ટોપની પાછળ જઈને ઊભા રહીએ તો ત્યાં સુધી એ બધાંની નજર “આપણે ડીસેક્શન ટેબલ પર પડેલા દેડકા” હોઈએ એમ આપણી સામે તાકતી રહે. પછી આપણે  આપણી કાંડા ઘડિયાળમાં જોઇએ એટલે બે-ચાર જણ અનુકરણ કરીને પોત-પોતાની ઘડિયાળમાં જુએ. આપણે બસ આવવાની દિશામાં નજર કરીએ એટલે બે-ચાર જણ પણ એ દિશામાં જુએ. એટલે આપણને લાગે કે બસની પ્રતીક્ષામાં ઊભેલાં આ ટોળાએ આપણો પણ એમનામાં સમાવેશ કરી લીધો છે. 
આપણે જરા સેટલ થયા હોઈએ ત્યાં જ બીજા કોઈ શખ્સ બસ-સ્ટોપ પર આવે અને આપણો ચહેરો અનુકૂળ લાગે તો પૂછે, “૪૫ અંદર ગઈ?” અહીં  “અંદર” નો અર્થ “જોધપુર ગામમાં” એમ કરવાનો. આપણે જો કહીએ કે, “ખબર નથી” તો આપણે જાણે અભણ-ગમાર હોઈએ એવું એનું મોઢું થાય.અને જો કહીએ કે, “હા, ક્યારની  અંદર ગઈ છે.” તો એ પ્રસન્નવદને કહેશે, “તો તો હમણાં  આવવી જ જોઈએ.” દૂરથી લાલ રંગનું વાહન આવતું દેખાય એટલે બધાં “સાવધાન” ની સ્થિતિમાં આવી જાય.
બસને આવતી જોઇને બસ-સ્ટોપની પાછળ ઊભેલાઓ આગળ આવી જાય,  મમ્મી ત્યાં રમી રહેલા એના બાળકનો હાથ પકડી લે, બસ-સ્ટોપના પાટિયા પર બેસીને બીડી પી રહેલા ગામડીયા જેવા લાગતા ભાઇ બીડી ફેંકીને એના પગ નીચે પડેલા જોડામાં ઉતારે. બસ નજીક આવે અને નંબર વંચાય ત્યારે, “ હત્તારીની, આ તો ૪૫ ના બદલે ૪૯ નીકળી.”  અને પાછા ૪૫ મા જનારા “વિશ્રામ” ની સ્થિતિમા આવી જાય. અને ૪૯ માં જનારા લોટરી લાગી હોય એવા ઉત્સાહમાં આગળ આવી વિજયી મુદ્રામાં  બસમાં આરોહણ કરે.
કોઈ વાતોડિયા ભાઇ કે બહેન પૂછે, “ આ ૪૯ તો પાલડી થઈને કાલુપુર સ્ટેશન  જવાની,  નહીં?” આપણે ફક્ત ડોકું હલાવીએ તો પણ “તમારે ક્યાં જવાનું?” એમ પૂછે. આપણે જવાબ આપીએ, “લાલ દરવાજા.” એટલે એ આગળ ચલાવે, “ મારે તો અપના બજાર જવાનું છે.  ૪૪ કે ૪૫ આવે તો આપણું કામ થાય.” એવામાં ૪૫ નંબરની બસ આવે એટલે જાણે રાહ ભટક્યા મુસાફરને મંઝિલ મળી ગઈ એમ બધાં ઉત્સાહપૂર્વક એમાં ચઢી જાય.
અમદાવાદની બસોમાં “આ બેઠકો સ્ત્રીઓ માટે ખાલી કરવી.” એવું લખ્યું હોવા છતાં ત્યાં પુરુષો (યુવાનો પણ)  આરામથી બેસી ગયાં હોય છે, જાણે એમને વાંચતાં જ નથી આવડતું. અને કોઇ  સ્ત્રી (વૃધ્ધા સહિત) એ સીટ પોતાના માટે ખાલી કરાવવાનો આગ્રહ નથી રાખતી, જાણે એમણે પણ વાંચ્યું જ નથી. કંડક્ટરો પણ આ બાબતે અલિપ્ત જ રહે છે. ઘણાં કંડક્ટરો મુસાફરોની ટિકીટના પૈસા લીધા પછી બાકીના પૈસા પાછા આપવાનું ભૂલી જાય છે. કોઈ પેસેંજર આ પૈસા પાછા માંગે તો તેઓ  મોઢું બગાડીને વિના રકઝકે મનોમન બબડીને પૈસા આપી દે છે.
અમદાવાદની જનતા જરા અનોખી છે. બીજું કોઇ પણ ક્ષેત્ર હોય “પેલા કરતાં હું કેમ પાછળ રહી જાઉં?” એ વિચારીને પેલાને ગબડાવીને પણ આગળ નીકળી જાય. પણ એ જ વ્યક્તિ અહીં બસમાં ચઢ્યા પછી, કંડક્ટરના વારંવાર આગળ વધો’, આગળ જાવ  કહેવા છતાં આગળ વધવાનું નામ જ ન લે. જાણે આગળ ઊભા રહેવાના વધારે પૈસા આપવાના ન હોય. મુંબઈની લોકલ ટ્રેનમાં અંધેરીથી ચર્ચગેટ જનારો, બેઠક મળતાં બીજી જ પળે આરામથી આંખો મીંચી દે એટલે કે સૂઈ  જાય. પણ એ.એમ.ટી.એસ.ની બસમાં બેસનારો ભલેને  કાલુપુર સ્ટેશનથી ઠેઠ બોપલ સુધી કેમ ન જવાનો હોય, અર્ધો પોણો કલાક ભલે થાય પણ આંખનું મટકુંય નહીં મારે. “ ન જાણે કેમ દિકરી પરણાવવા જતો હોય અને દાગીના લુંટાય જવાના ના હોય!” જો કે બસમાં કેટલાક ગાફેલ લોકોના દાગીના ખરેખર લુંટાય ગયાના કિસ્સા પણ બન્યા છે એની ના નહીં પડાય.બસની ભીડમાં  ઘણાના ખીસ્સા કપાયા છે અને કેટલાકના પર્સ, મોબાઈલ છીનવાઈ ગયાના કિસ્સા પણ બન્યા છે ખરા,  એટલે ચેતતો નર સદા સુખી એ વાત તો સાચી.
ઘણાં આયોજનવાળા માણસો બસમાં ચઢતાં પહેલાં જ ટિકીટના પૈસા કાઢી રાખે છે. તો ઘણાં સાહસિકો બસમા ચઢ્યા પછી, ભીડમાં, ચાલુ બસે, સરકસનો ખેલ કરતાં હોય એમ, પૈસા કાઢે છે. પૈસા કાઢવા કોઈવાર એમણે પકડેલું હેંડલ છોડવું પડે છે, અને એમ કરતાં કોઇ વાર કોઇ પેસેંજર પર પડે (કોઇ સ્ત્રી પર પડે તો ખાસ) “ સ્વસ્તિ વચનો “  સાંભળવા પડે છે.  “ઊતરવા માટે આગળ જાવ” એમ નિશાન સાથેનું લખાણ વાંચ્યા છતાં પણ કોક વિરલા બસના પાછળના બારણેથી ઊતરવાનો આગ્રહ રાખે છે, પરિણામે ચઢનારા અને ઉતરનારા પેસેંજરો વચ્ચે ઘર્ષણ થાય છે. ઘણાં શાંત જીવવાળા બસ એના સ્ટોપ પર આવીને ઊભી રહે,  પછી સીટ પરથી ઊભા થાય છે, અને ગર્ભવતી મહિલાની માફક ધીરે ધીરે ચાલીને નીચે ઊતરે છે. એવામાં બસ જો ફરી ચાલુ થઈ જાય તો આ મહાનુભવો બૂમ પાડે છે, “ આસ્તે આસ્તે” અને કંડક્ટરના જલ્દી ઉતરો ની સાથે તેઓ વટ પૂર્વક નીચે ઉતરે છે.
બસમાં બેઠા પછી કેટલીક બહેનો એક-બીજાની સાડીઓ-પર્સ- બંગડી-બુટ્ટી વગેરેનું નિરીક્ષણ કરે છે. ઘણી હિમ્મતવાન બહેનો તો, “ આ ક્યાંથી લીધું? કેટલામાં લીધું? “ વગેરે પ્રશ્નોથી વાતચીત પણ શરુ કરી દે છે. અને સામે હોંશિલી બહેન હોય તો જાણે વર્ષો જુના બહેનપણા હોય એટલી આત્મિયતાપૂર્વક વાતોએ વળગે છે.  તો વળી કેટલાંક વાચક જીવો બસમાં બેઠા ત્યારથી ચોપડીમાં માથું ઘાલે તે એમનું ઊતરવાનું સ્ટોપ આવે ત્યારે જ માથું બહાર કાઢે, કેમ ન જાણે આવતી કાલે જ એમની પરીક્ષા ન હોય. આજકાલ તો લોકો ચોપડીને બદલે મોબાઈલની દુનિયામાં એવા ખોવાઈ જાય છે કે જાણે એમના સિવાય બીજા કોઈનું આ દુનિયામાં અસ્તિત્વ જ નથી.  જ્યારથી અમદાવાદમાં બી.આર. ટી.એસ. ની બસો શરુ થઈ છે, ત્યારથી એ.એમ.ટી.એસ.ની બસોનું મહત્વ થોડું ઘટ્યું છે. આમ છતાં બસ-યાત્રા બીજી બધી મુસાફરી કરતાં અનોખી હોય છે, જેમણે એ કરી હોય તે જ જાણે. 
પંચલાઈન:  જો બસ કંડક્ટર ચાલુ બસે સૂઇ જાય તો કોઇ પેસેંજરની ટિકીટ નહીં ફાટે, અને જો બસ ડ્રાઈવર ચાલુ બસે સૂઈ જાય તો બધા પેસેંજરોની ટિકીટ ફાટી જાય.