Tuesday 10 January 2017

અતિથિ દેવો ભવ.

અતિથિ દેવો ભવ.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ગુન્દરીયા મહેમાનને ભગાડવાના આશયથી માંદા હોવાનો ઢોંગ કરીને માથે મોઢે ઓઢીને સૂતેલા પતિએ પગ દબાવતી પત્નીને દસ મિનીટ પછી ધીરેથી પૂછ્યું:
-બલા ગઈ કે?
-ના, એ તો તમારા પગે વળગી છે.(પગ  દબાવી રહી છે.) ભાભીને તો મેં ચા બનાવવા મોકલ્યા છે.  મહેમાને હસતા હસતા કહ્યું.

ભારત દેશમાં ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે, અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે. સ્વર્ગમાં રહેતા દેવોએ કેવા નિયમો પાળવાના હશે તે તો તેઓ જ જાણે, પણ આ પૃથ્વી પર રહેતા અને અતિથિ  બનવા માગતા મનુષ્યોએ પાળવા  જેવા નિયમો વિશે સાહિત્યકારોએ એટલું બધું લખ્યું છે કે એ બધું જો અતિથિ બનનાર વ્યક્તિ વાંચે, વિચારે અને અનુસરે તો ભવિષ્યમાં એ અતિથિ બનવાનું જ માંડી વાળે.

પણ મેં અતિથિ બનવાની ઈચ્છા ધરાવનાર સર્વ વ્યક્તિ પ્રત્યે દયાભાવથી પ્રેરાઈને આ લેખ લખ્યો છે, જે વાંચીને, વિચારીને અને અનુસરીને અતિથિ નામના દેવો જરૂર પ્રસન્ન થશે એવી મને આશા છે.

સાહિત્યકારો લખે છે કે  અતિથિ એ યજમાનના ઘરે અચાનક ન જતાં અગાઉથી જાણ કરીને જ જવું. હું આ વિધાન સાથે એટલા માટે  સહમત નથી, કેમ કે ‘અતિથિ’ નો તો અર્થ જ એ થાય છે કે ‘જેના આવવાની તિથિ નક્કી નથી એ’ એટલે  જતા પહેલા યજમાનને જાણ કરવાનો તો સવાલ જ ઉભો નથી થતો. એમ કરવાથી તો ‘અતિથિ’ શબ્દનો આખેઆખો ‘ચાર્મ’ મતલબ જ ખલાસ થઇ જાય છે.

અચાનક તમારા મિલનથી યજમાનના મુખ પર છવાયેલા મૂંઝવણના ભાવો જોવાનો લહાવો અનેરો હોય છે. તમે અગાઉથી કાગળ લખીને જણાવીને યજમાનના ઘરે જશો તો ક્યારેક એના બારણે ‘ખંભાતી’ તાળું લટકતું જોવા મળશે. ઉપરથી પડોશીઓ કહેશે, ‘એ લોકો તો આજે સવારે જ બે દિવસ માટે બહારગામ ગયા છે.’ આમ તમે લખેલ પોસ્ટના પૈસા અને ટીકીટ ભાડાના પૈસા નકામા જશે.

 પછી ક્યારેક  ન્યાતના મેળાવડામાં યજમાન તમને કહેશે, ‘તમારો કાગળ બહારગામથી આવ્યા પછી મળેલો, સોરી હોં, તમને ધક્કો થયો’ ત્યારે  તમારે એને ધક્કો મારવાની ઈચ્છાને દબાવીને  ‘Benefit  of Doubt’ (શકનો લાભ) આપીને છોડી મૂકવો જ પડે. અને અત્યારના જમાના પ્રમાણે ફોન કરીને યજમાનના ઘરે જવાની વાત મૂકો તો એ નિખાલસપણે અને સવિનય પોતાની પ્રતિકૂળતા વિશે જણાવી દે છે, એટલે તમારા પ્રોગ્રામની તો વાટ જ લાગી જાય ને? સાહિત્યકારો કહે છે કે  તમે  કેટલા દિવસ રોકાવાના છો તેની જાણ તમારા યજમાનને અગાઉથી કરી દો. ભલા માણસ, આવું કરવાથી યજમાનની ક્ષણેક્ષણ ની  જીજ્ઞાસા, ‘આ ક્યારે જશે? ક્યારે જશે?’ જ ખતમ થઇ જાય કે નહીં?  સાહિત્યકારો કહે છે કે તમે યજમાનના ઘરે જાઓ ત્યારે યજમાનના બાળકો માટે બિસ્કીટ, ચોકલેટ,મીઠાઈ કે એવી કોઈ ખાવાની ચીજ ભેટ તરીકે લેતાં જાઓ. પણ આ વાત યોગ્ય નથી, કેમ કે આવું ખાવાથી બાળકોના દાંત, પેટ અને આદત ખરાબ થાય છે. પછી મહેમાનો ન હોય ત્યારે બાળકો આવી ચીજો મા-બાપ પાસે માગે છે, એટલે સરવાળે નુકસાન યજમાનને જ થાય છે.

અતિથિએ યજમાનની પત્નીની રસોઈના વખાણ કદી કરવા નહિ, પછી ભલેને સાહિત્યકારો એ વિશે સલાહ આપી ગયા હોય. જો તમે એવું કરશો તો યજમાન અને એની પત્ની વચ્ચે ઝઘડાનું નિમિત્ત બનશો.  યજમાનપત્ની કહેશે, ‘જોયું, ફલાણાભાઈ મારી રસોઈના કેવા વખાણ કરતા હતા, અને એક તમે છો જેને મારી રસોઈમાં કાયમ વાંધા પડે છે.’
યજમાન એની પત્નીને કહેશે, ‘મહેમાનને તો ઠીક છે, બે દિવસ તારા હાથનું ખાવાનું આવે એટલે એ વખાણે, કાયમ તારા હાથની રસોઈ જમે તો બેટમજીને એની પાચનશક્તિ વિશે ખબર પડે.’ અહી મને એક મસ્ત જોક યાદ આવે છે:
પત્ની: જલ્દી જાઓ, રસોડામાં ચોર ઘુસ્યો લાગે  છે, અને ફ્રીઝમાંથી મારી રસોઈ ઝાપટી રહ્યો લાગે છે.
પતિ: ખાવા દે એને, એ એ જ લાગનો છે.

અતિથિ થવાના નિયમોમા એક નિયમ યજમાનની સગવડ સાચવવાનો પણ સાહિત્યકારો બતાવી ગયા છે. હવે તમે જ કહો મિત્રો, સગવડ તો યજમાને મહેમાનની સાચવવાની હોય કે નહીં? ‘મહેમાનોએ પોતાના ટુથબ્રશ, કાંસકો, ટુવાલ, દાઢીનો સામાન, વગેરે પોતાના ઘરેથી લઇ જવું,’ એવું નાદાન સાહિત્યકારો લખી ગયા છે. પણ એમ કરવું એ  શું યજમાનનું અપમાન નથી?  એને એવું નહીં લાગે કે, ‘શું આવી ક્ષુલ્લક ચીજો હું પૂરી પાડવા સક્ષમ નથી?’

યજમાનના ઘરે ટી.વી., વિડીયો,, ટેપરેકોર્ડર, રેડિયો વગેરે વાપરવા માટે યજમાનની રજા લેવી જોઈએ.(સાહિત્યકારો એવું કહે છે.) એ નિયમ થોડો હાસ્યાસ્પદ નથી લાગતો? અતિથિ જેમ યજમાનના ઘરને પોતાનું સમજે તેમ ઘરની ચીજોને પણ પોતાની જ સમજવી જોઈએ ને? પોતાની ચીજો વાપરવા વળી પરમીશન કોની લેવાની?

અતિથિ યજમાનના શહેરથી અજાણ હોઈ યજમાનની ફરજ બની રહે છે, કે એ મહેમાનાનને શહેરમાં બધે ફેરવીને જોવાલાયક સ્થળો બતાવે. બનવાજોગ છે કે એને આ માટે કપાતે પગારે રજા લેવી પડે, પણ એમ કરતા એને રૂટીન  લાઈફમાં ચેન્જ મળે તે જેવોતેવો ફાયદો થોડો છે?

અતિથિ યજમાનના ઘરેથી વિદાય લે ત્યારે અતિથિએ યજમાનનો નહીં પણ યજમાને અતિથિનો આભાર માનવો જોઈએ, કારણ કે એ યજમાનને જવાબદારીમાંથી મુક્ત કરીને જઈ રહ્યો છે. વિદાય લેતી વખતે અતિથિએ યજમાનને પોતાના ઘરે આમંત્રણ આપવાની જરાપણ જરૂર નથી. કારણ કે મહેમાનનો આવવાનો, રહેવાનો કે જવાનો આધાર યજમાનની ઈચ્છા પર આધારિત નથી. તેથી ‘હું આમંત્રણ આપીશ તો જ આ મારા ઘરે આવશે’ એવો મિથ્યા ગર્વ અતિથિએ યજમાનના ઘરેથી વિદાય લેતી વખતે ધરવાની જરૂર નથી. વિદાય લેતી વખતે અતિથિએ યજમાનના બાળકોના હાથમાં પૈસા મૂકવાની જરાપણ જરૂર નથી, કેમ કે પૈસો તો હાથનો મેલ છે.

ઘરે પહોંચ્યા પછી અતિથિએ પત્ર (હવે તો મેસેજ કે ફોન) દ્વારા પોતાની ખાતરદારી  માટે યજમાનનો આભાર માની, આપણે એની સાથે વિતાવેલા સમયની યાદ દેવડાવી એના ઘા પર નમક  ભભરાવવાની જરા પણ જરૂર નથી.
ઉપર જણાવેલી મારી આટલી ટીપ્સ અતિથિ યાદ રાખશે તો એને અતિથિ બનવાની ખરેખર મજા આવશે. આ લેખ વાંચીને કોઈના મનમાં જો અતિથિ બનવાની અદમ્ય ઈચ્છા જાગે તો કોઈને પણ (અમારા સિવાય) યજમાન બનાવવાની છૂટ છે. કેમ કે અમે તો ‘યજમાન બનવાની કળા’ ના બધા નિયમો વાંચીને આત્મસાત કરી નાખ્યા છે,(જે અમારા હિત ખાતર અપ્રગટ રાખ્યા છે.)

 

    

No comments:

Post a Comment