Tuesday 7 February 2017

ચોકસાઈ.

ચોકસાઈ.        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. 
  
-તરલા જરા નીચે જઈને જોઈ આવને કે મેં બારણાને લોક લગાડ્યું છે કે નહીં?
-લગાડ્યું જ હશે.
-એમ ‘હશે’ એવું ન ચાલે. તું નીચે જઈને ચેક કરી આવ અને પછી મને કહે.
-તમેય તે ભાઈસા’બ, રોજ જાતે બારણાને લોક લગાડી આવો છો, ને રોજ મને  ચેક કરવા મોકલો છો, તે કરતાં તમે જ્યારે લોક લગાડો ત્યારે જ ચેક કરીને ઉપર આવતા હો, તો મારે રોજનો નીચેનો ધક્કો બચે ને?
-હું તેમ નહીં કરતો હોઉં એવું તું શા ઉપરથી ધારી લે છે?
-તો પછી મને રોજ  ચેક કરવાને માટે  કેમ મોકલો છો?
-એવું છે ને તરલા, કે રોજ તો હું બારણાને લોક લગાડું જ છું. પણ કદાચ આજે જ હું એ કામ ભૂલી ગયો હોઉં.
-હે ભગવાન ! મને ઊઠાડ્યા વિના તમને ચેન નહીં પડે, ખરું ને?
-એવું નથી તરલા. સાચી વાત તો એ છે કે તું લોક ચેક કરીને આવે નહીં ત્યાં સુધી મને ચેન ન પડે.
-કાલથી તો બારણાને લોક હું જ લગાડવાની છું.
-ભલે, અને રાત્રે સુતા પહેલાં ચેક કરવા પણ તું જ જજે, બસ?
-ઓહ ગોડ ! આમને તો હવે મારે શું કહેવું?
-તારી મમ્મી તો મને ‘સનતકુમાર’ કહે છે, પણ તું મને માત્ર ‘સનત’ કહેશે તો ચાલશે. ‘સનત’ ના બદલે ‘સનમ’ કહીશ તો ય મને ગમશે.
-એના કરતા ‘ભૂલેશ’ કે ‘ભુલાભાઈ’ કહું તો?
-તો ન ચાલે, કેમ કે હું તારો ભાઈ નથી પતિ છું.
-કહો, પતિદેવ શી આજ્ઞા છે?
-નીચે જઈને બારણાનું લોક જોઈ આવો અર્ધાંગીની ! તમે સાંભળ્યું તો હશે જ કે, ‘ચેતતો નર સદા સુખી.’
-હા, પણ તમે તો બધી બાબતમાં એટલા બધા ચેતતા રહો છો, કે પછી સુખી થવા માટેનો સમય જ ફાળવી શકતા નથી.
-હવે તમારી લેક્ચરબાજી બંધ કરો દેવી અને નીચે સિધાવો !
-મને એક વાત કહેશો, આપણે જ્યારે નીચેથી ઉપર આવતા હોઈએ ત્યારે તમે મને લોક ચેક કરવાનું યાદ કેમ નથી કરાવતા?  
-ખરેખર તો મને પણ ઉપર આવ્યા પછી, સુતી વખતે પથારીમાં પડ્યા બાદ જ યાદ આવે છે.
-એ ય ન આવતું હોત તો સારું થાત.
-તને આળસ ચડતી હોય તો રહેવા દે, હું જઈ આવું.
-તમે જશો? અરે વાહ! જાઓ, કવચિત જ કામ કરવા તૈયાર થનારા, તમને હું ના શી રીતે પાડું?
-તો હા પણ શી રીતે પાડી શકે? જો એક વાત તો તદ્દન સાચી  છે કે મારા કરતાં તારું કામ વધુ ચોક્કસ હોય છે. એટલે તને કહું છું, બાકી મને તો જવામાં જરાય આળસ જેવું ન મળે.જા જઈ આવ એટલે વાત પતે.
-મને ખાતરી હતી કે તમે મને જ આ કામમાં આગળ કરવાના છો.
(તરલા નીચે જઈને લોક ચેક કરીને પાછી ઉપર આવે છે.)
-બરાબર બંધ કરેલું હતું કે?
-હા..જી. બરા..બર બંધ કરેલું હતું. હવે તો શાંતિ થઈને?
- હા, થેન્ક્સ. ગુડનાઈટ.
- ગુડનાઈટ, હવે નિરાંતે સુઈ જાવ, સવારે ૭ વાગ્યે ઉઠાડજો.
 (થોડી વાર પછી...)
-તરલા...એ તરલા..
-શું? આટલા જલ્દી સાત વાગી ગયા?
-ના, આ તો એમ પૂછું છું કે મેં સાંજે ઘરના મંદિરમાં દીવો કર્યો હતો કે નહીં?
-મોટે ભાગે કરેલો.
-એમ મોટેભાગે નહીં, ચોક્કસ ખબર હોય તો કહે, કર્યો હતો કે નહીં?
-હં... ચોક્કસ, કર્યો હતો.
-એ કદાચ ગઈકાલે કર્યો હશે, આજે નહીં.
-તમે તમારા કામમાં એટલા ચોક્કસ છો કે આજે પણ કર્યો જ હશે.
-અને ધારો કે આજે ન કર્યો હોય તો?
-તો શું? એક દિવસ દીવો નહીં કરો તો ભગવાન તમારાથી રિસાઈ નહીં જાય, કે આભ તૂટી નહીં પડે.
-પણ મારો રોજનો નિયમ તો તૂટે ને?
-તો હવે? તમે ઉપલા માળેથી, ગ્રાઉન્ડ ફ્લોર થઈને છેક બેઝમેન્ટ ફ્લોર સુધી દીવો કરવા જશો? અહીંથી જ બે વાર વધુ ભગવાનને યાદ કરી લો તો ન ચાલે?
-એમ બધું ચલાવી લઈએ છીએ એટલે જ તો ભારત દેશ ઉંચે નથી આવતો.
-ભારત દેશની વાત છોડો, તમારી આ વધુ પડતી ચોકસાઈના કારણે હું કામમાંથી ઊંચી નથી આવતી.
-હું દીવો કરી આવું?
-ઊભા રહો, મને યાદ આવ્યું, તમે દીવો કરવા ગયેલા ત્યારે જ સુરેશભાઈનો ફોન આવ્યો’તો.
-હા, બરાબર.. ને હું દીવો કર્યા વિના જ ફોન એટેન્ડ કરવા ડ્રોઈંગરૂમમાં આવી ગયેલો, તેથી દીવો કરવાનો રહી જ ગયો.
-મારી પૂરી વાત સાંભળો, ફોન પર વાત પતાવીને તમે પાછા બેઝમેન્ટમાં ગયેલા અને દીવો કરીને આવ્યા પછી જ આપણે જમવા બેઠા હતા, યાદ આવ્યું?
-ઓહ યસ ! યુ આર રાઈટ, યાદ આવ્યું, મેં દીવો કર્યો હતો.  
-ચાલો, તો હવે સુઈ જાવ.
-હવે આજના દિવસનું કઈ કામ કરવાનું રહી તો નથી જતું ને?
-તમે એક કામ કેમ નથી કરતા, એક ડાયરી રાખો. એમાં સવારે ઊઠીને કયા કયા કામો કરવાના છે, તે લખી લેવાનું. કામ પતતા જાય એમ એની સામે ટીક કરતા જવાનું, સુતી  વખતે જોઈ લેવાનું કે બધા કામો પતી ગયા છે કે નહીં.
-ઠીક યાદ અપાવ્યું તેં, મેં ડાયરી બનાવી જ છે, આપને મારા શર્ટ ના ખીસામાંથી.
-શર્ટ ના ખીસામાં તો ડાયરી નથી.
-તો પેન્ટના ખીસામાં હશે.
-ત્યાં પણ નથી.
-તો ટેબલ પર જો, બેગમાં જો.
-ત્યાં પણ નથી. હવે કાલે જોજો, અત્યારે સુઈ જાવ.
-એવું ન ચાલે તરલા. આજનું કામ કાલ પર ન છોડાય. તેં સાંભળ્યું છે ને કે, ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.’
-ના, મેં તો સાંભળ્યું છે, ‘આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, પરસો ભી ક્યા કરના જબ જીના હૈ બરસો?’
-તરલા, મને લાગે છે કે તને ઊંઘ આવી રહી છે. તું સુઈ જા. હું જરા નીચે જઈને જોઈ આવું કે ડાયરી ત્યાં તો નથી રહી ગઈ ને?
-હા, પણ તમે પાછા ત્યાં ન રહી જતા.
-હા, હવે. મારી ચોકસાઈ પર શક ન કર.
-ઓકે, ગુડ નાઈટ.
-ગુડનાઈટ. 



  

No comments:

Post a Comment