Wednesday 27 May 2015

મહિલા ઓનું તપાસપંચ.

મહિલા ઓનું તપાસપંચ.          પલ્લવી જે. મિસ્ત્રી.
  
વિષય: આજના પુરુષો ઘરની રસોઇ છોડી હોટેલ તરફ શા માટે વળ્યા છે?

[આ વિષય પર તપાસ કરવા માટે મહિલાઓનું એક તપાસપંચ નીમવામા આવ્યું છે. આ પંચ મહિલાઓનું બનેલું હોવાથી તેનો અહેવાલ/પરિણામ આવે તેવી કોઇ શક્યતા દેખાતી નથી. માટે કામગીરીની ચર્ચા કરવા માટે મળેલી મીટિંગનો અહેવાલ રજૂ કરીને અમે આનંદ અને સંતોષ વ્યક્ત કરી રહ્યા છીએ.]

વીણાબહેન: શાંતિ, શાંતિ! વાચાળ વનિતા મંડળની  મંત્રી તરીકે હું વીણાબહેન, આપ સૌ બહેનોનું તપાસ સમિતિમાં સ્વાગત કરું છું.
હેમાબહેન: પણ મંડળના પ્રમુખ રીટાબહેન હજી કેમ આવ્યાં નથી?
વીણાબહેન: એમનો સંદેશ હમણા જ મારા મોબાઇલ પર આવ્યો છે. તેઓ ટ્રાફિકજામમા ફસાયા છે, તેથી   થોડા લેઈટ આવશે.
લતાબહેન: ટ્રાફિકજામ? આવી બળબળતી બપોરે? અને તેય ૧૩૨ ફૂટના પહોળા રોડ ઉપર? કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના. ગધેડાને તાવ આવે તેવી વાત છે.
આશાબહેન: દોસ્તો, જુવોને, અમારા એમને ગઈકાલનો તાવ છે, છતાં હું સમયસર આવી જ ને?
અંગનાબહેન: ટ્રાફિકજામનું તો બહાનું. એ ગયા હશે બ્યુટીપાર્લરમા. કેમ કે, વીધાઊટ મેકઅપ શી લૂક્સ લાઇક એ હીરોઇન ઓફ હોરર ફિલ્મ.

ગીતાબહેન: અર્ધા કલાક્થી આપણે ખોટી થઈએ છીએ.એટલામા તો સાડીની એક બ્લાઉઝ સ્ટીચ થઈ જાય.
વીણાબહેન: એ...ય. તમે લોકો અંદરોઅંદર વાતો બંધ કરો તો હું તપાસપંચની આજની કાર્યવાહી શરુ કરું.
લતા-આશા:  વીણાબહેન, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.
હેમાબહેન: અરે વાહ! આ તો કોઇ હિંદી ફિલ્મના નામ જેવું લાગે છે, જેનો હીરો....
આશાબહેન: સલમાન ખાન? કે ઋત્વિક રોશન?
અંગનાબહેન: સલમાન હોય કે  ઋત્વિક, આપણને શો ફરક પડે?
આશાબહેન: નિર્માતાને તો પડે ને? સલ્લુમિયાં  હીરો હોય તો શર્ટ નો ખર્ચ બચી જાય ને?
ગીતાબહેન: શર્ટનો તો  વળી કેટલો ખર્ચ? લીંકીંગ રોડ પર જઈ સસ્તા ભાવે શર્ટ પીસ લાવી દેવાના.મને આપે તો હું કલાક્મા સ્ટીચ કરી આપું.
અંગનાબહેન: ગીતાબહેન, તમે વાતવાતમાં સ્ટીચ સ્ટીચ કરીને અમારાં માથાં ન ટીચો. હં.. ખર્ચ ઉપરથી મને ખાસ યાદ આવ્યું. મારે ગઈ મિટીંગ વખતનો નાસ્તાનો ખર્ચ રીટાબહેન પાસે લેવાનો છે. પણ રીટાબહેન કોણ જાણે ક્યારે આવશે?
વીણાબહેન: સાયલન્સ પ્લીઈઈઈ..ઝ. તમે લોકો આડી અવળી વાતો બંધ કરો અને તપાસપંચના વિષય ઉપર આવો.

ગીતાબહેન: આ તપાસપંચ નો વિષય શું છે, આશાબહેન?
અંગનાબહેન: લ્યો! આ તો સીતાનું હરણ થયું પછી હરણની સીતા થઈ કે નહી?’ જેવી વાત થઈ.
ગીતાબહેન: મેં તમને પૂછ્યું  છે કંઇ?  તમે શાંત રહો.
અંગનાબહેન:  ભારતદેશમાં વાણીસ્વાતંત્ર્યનો હક્ક સૌને છે, સમજ્યાં?
વીણાબહેન: જુવો, તમે આ રીતે ઝઘડો જ કરવાના હો તો બેટરછે કે આપણે આ મિટીંગ અહીં જ બરખાસ્ત કરીએ.
અંગનાબહેન:અરે! તો પછી આપણે તૈયાર કરાવેલા નાસ્તા-પાણી નું શું?
આશ-લતા-ગીતા: વીણાબહેન, તમે મિટીંગની કાર્યવાહી શરુ કરો.

વીણાબહેન: હા. તો સાંભળો. તપાસપંચ નો વિષય છે.: આજકાલ પુરુષો ઘરની રસોઇ પડતી મૂકીને હોટેલની રસોઇ ઝાપટવા જવા માંડ્યા છે.  પોતાની સ્ત્રીઓની સલાહ તેઓ ગણકારતાં નથી.આમ કરીને તેઓ સ્ત્રીઓની લાગણીનું અપમાન કરી રહ્યાં છે. તેથી  આ વિવાદાસ્પદ મામલાએ સ્ત્રી-જગતમા ખળભળાટ મચાવી મૂક્યો છે. પુરુષોના આવા અન્યાયી વલણથી સ્ત્રી-વર્તુળમા ભારે ઉહાપોહ જાગ્યો છે. ઘરમા બગડેલી રસોઇ અને તે તૈયાર કરવામા પડતી મહેનત, જે નકામી જાય છે, તે બદલ વળતર ચૂકવવાની માંગ પણ ઊઠવા પામી છે. કેટલાક પુરુષો બહાર જતી વખતે બાળકોને લઈ જાય છે અને સ્ત્રીઓને તો પૂછતાં સુધ્ધાં નથી, એવી ચોંકાવનારી આશ્ચર્યજનક વિગતો પણ બહાર આવવા પામી છે.

આમ પુરુષોએ વહાલાં-દવલાંની નીતિ અપનાવી છે. સ્ત્રીઓ સાથે વિશ્વાસઘાત કર્યાની લાગણી પણ કેટલીક વનિતાઓમા વિસ્તરવા પામી છે. કેટલીક ભાર્યાઓએ લેખિત ફરિયાદ દ્વારા આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવાની માંગ મૂકી છે. સ્ત્રીઓની આવી તાકીદને  કારણે આપણું આ તપાસપંચ નીમવાની જરુરિયાત ઊભી થઇ છે. અને એ મુજબ આપણે આ તપાસપંચ નીમ્યું છે. કમિટીની મેમ્બર બહેનોએ જાતે તપાસ કરી છે. આ ઊંડી સઘન તપાસનો અહેવાલ આપણે આપણા પ્રમુખ રીટા બહેન ને આપવાનો છે.

: એ પહેલા એ તપાસ તો કરો કે રીટાબહેન છે ક્યાં?
વીણાબહેન: તેઓ અહીં પધારે તે પહેલા આપણે આપણા સૌના હેવાલ પર એક સર્વગ્રાહી નજર ફેરવી લઈએ. ચર્ચાનો મુદ્દો એ છે કે આજકાલ પુરુષો ઘરની રસોઇ છોડીને  રેસ્ટોરન્ટની રસોઇ તરફ ઢળ્યાં છે તે-

અંગનાબહેન: ઢળ્યાં નહી, વળ્યાં છે તે-
લતાબહેન: એ બધું એક નુ એક જ ને?
ગીતાબહેન: એક નુ એક શાનું? કચ્છી ટાંકો અને રબારી ટાંકો, બે માં કશો જ ફરક નહી?
હેમાબહેન: ઓહ ગીતાબહેન! તમને સીવણ-ભરત સિવાય બીજુ કશું આવડતું જ નથી?
ગીતાબહેન: આવડે છે ને, કટિંગ કરતાં. સીવણ માટે કટિંગ બહુ અગત્યનું છે.
અંગનાબહેન: ઓહ યૂ ગીતાબહેન, વીલ યૂ શટ અપ?
ગીતાબહેન: થોડીવાર પહેલા તમે જ તો કહ્યું કે વાણી સ્વાતંત્ર્યનો સૌને હક્ક છે.
વીણાબહેન: તમે સૌ શાંતિ રાખો, પ્લીઇ ઇ... ઝ.
આશાબહેન: મને તો લાગે છે કે પુરુષોને સારી-નરસી રસોઇની કોઇ પરખ જ નથી.

હેમાબહેન: એવું કંઇ નથી. અમારા ને તો ઘરના બારણામા દાખલ થાય, એટલે સુગંધ પરથી ખબર પડી જાય કે દાળ-ઢોકળી બનાવી છે કે પછી ખીચડી-કઢી. રસોઇ બગડી હોય તો સૌથી પહેલી ખબર એમને જ પડે.એકવાર તો પોલીથીન બેગમાથી હું દૂધ તપેલીમા રેડતી હતી, ત્યારે એમણે સૂંઘીને કહ્યું, આજનું દૂધ તાજું નથી. અને બોલો, દૂધ ગરમ કરતાં જ બગડી ગયું. એકવાર તો ગુવારર્શીંગના શાકની સુગંધ પરથી એમણે કહ્યું,’ શાકમાં મીઠું ઓછું છે. અને બરાબર એ જ દિવસે હું મૂઇ શાકમાં મીઠું નાંખવાનું જ ભૂલી ગયેલી.
અંગનાબહેન: [ધીમેથી] ગયા જનમમા એ ચોક્કસ કૂતરા તરીકે જન્મ્યા હશે.
વીણાબહેન: હાઉ ગ્રેટ! આ બાબતે આપણે એમને મંડળમાંથી એવોર્ડ આપવાનું વિચારીશું. પણ લતાબહેન, તમે શું તપાસ કરી લાવ્યા છો?
લતાબહેન: મેં પણ આડકતરી રીતે અમારા ની ઊલટ-તપાસ કરી હતી. એમાં એવી હકીકત બહાર આવી છે કે-  ઘરમા તો જે રસોઇ બનતી હોય તે [ફિક્સ મેનુ] ખાવી પડે, બીજી કોઇ ચોઇસ ના મળે. પણ રેસ્ટોરંટમા તો જે મનપસંદ હોય તે ઓર્ડર કરીને મંગાવીને ખાઇ શકાય. એટલું જ નહી, વઈટર હસીને, બે પાંચ ધક્કા ખાઇને પીરસે  આથી પુરુષો ઘરમા ખાવાને બદલે બહાર ખાવાનુ પ્રીફર કરવા માંડ્યા છે.

ગીતાબહેન: વેઈટર હસીને પાંચ ધક્કા ખાઇને પીરસે તે એને મળતી તગડી ટીપ ના લીધે. અને આપણને આપણી મહેનતના બદલામા શું મળે?--- ડિંગો?--- ઠેંગો?   અમારા તો કહે છે, રેસ્ટોરંટમા કેવું સરસ મ્યૂઝિક વાગતું હોય, ફ્લાવરવાઝમાં કેવાં સરસ ફૂલો સજાવ્યા હોય, વેઇટરના કપડા કેવા સુઘડ હોય. અને તમે બૈરાંઓ? ચઢેલું મોં અને કપડાંમાંથી આવતી હિંગ-મરચાંની વાસ !
અંગનાબહેન: સ્ટુપીડ પુરુષો! કીચનમા કામ કરવાનુ હોય તો કપડામાથી હિંગ-મરચાંની વાસ જ આવે ને? પોતે તો જાણે પરફ્યુમની પબ મા જઈને આવતા હશે. જો કે મારા મિસ્ટરની વાત કંઈ જુદી જ છે. એ કહે છે કે, તારા હાથની તાજી, ગરમ, સ્વાદિષ્ટ રસોઇ મારાથી વધારે ખવાઇ જાય છે, તેનાથી આફરો ચઢે છે અને ઓફિસમા ઝોકા આવે છે ને બોસ મારા ઉપર બગડે છે, તેથી હું સવારે ઘરમા જમતો નથી.`
ગીતાબહેન: લ્યો, આ વળી નવું કૌતુક! પાડાના વાંકે પખાલીને ડામ! પોતાની જીભ પર કાબૂ નહી અને સ્ત્રીઓને કરે બદનામ!

હેમા, આશા : આ પુરુષોને તો આ બાબતે સીધાદોર કરી નાંખવાં જોઇએ.
વીણાબહેન: એ પણ કરીશું, રીટાબહેનને આવી જવા દો. અમારાવાળાનુ કહેવું એવું છે કે, ઘરમા જમતી વખતે શાંતિથી વાંચી શકાતું નથી.એક તરફ ટી.વી. સિરિયલોની એ જ વર્ષો જૂની રોકકળ અને બીજી  બાજુ છોકરાંઓનો કકળાટ. એના કરતાં રેસ્ટોરંટમા જમતી વખતે આરામથી  વીસ-પચ્ચીસ પાના વંચાઇ જાય છે. એટલે તેઓ ઘરના બદલે બહાર જમવાનું પસંદ કરે છે. હું તો એમના વાંચનના શોખથી કંટાળી ગઈ છું. સૂતાં-જાગતાં, ઉઠતાં-બેસતાં , અરે, હવે તો ટોઇલેટમાં પણ ચોપડાં વગર જતા નથી. ઘરમા જ્યાં જુવો ત્યાં ચોપાનીયાં જ પડ્યા હોય. હું તો ઘરની વ્યવસ્થા જાળવતા થાકી જાઉં છું. કોઇક વાર તો મને થાય છે કે તેઓ વાંચવા માટે જ ખાય છે અને જીવે છે.
અંગનાબહેન: વેરી ઈંટ્રેસ્ટિંગ. ખાતે ખાતે પઢના શીખો, પઢતે પઢતે ખાના......
વીણાબહેન: લ્યો, રીટાબહેન આવી ગયાં. આવો આવો રીટાબહેન, વેલકમ.
રીટાબહેન: સોરી બહેનો, હું જરા ટ્રાફિકજામને લીધે લેઇટ પડી ગઈ. પણ વીણાબહેનને કહ્યુ હતું કે તપાસપંચની કામગીરી જારી રાખે.
વીણાબહેન: અમે પ્રાથમિક ચર્ચા કરી લીધી છે. બસ, તમારો હેવાલ જ બાકી છે.

રીટાબહેન: વેરી ગુડ! મારે પણ અમારા એમની સાથે ડિસ્કશન થયું. એમનું કહેવું તો એવું છે કે, હકીકતમા પુરુષો નહી, સ્ત્રીઓ જ ઘરના બદલે હોટેલમા ખાવા જવાનું વધુ પ્રીફર કરે છે. કદાચ ઘરે રસોઇ બનાવવાની આળસ હોય કે પછી ઘરની રસોઇ બહારની રસોઇની સરખામણીમા ફિક્કી લગતી હોય. પણ આ બાબતમા પુરુષો કરતાં  સ્ત્રીઓ જ વધુ જવાબદાર હોય છે.
હેમા-અંગના-ગીતા-આશા-વીણા:  જુઠ્ઠું, તદ્દન જુઠ્ઠું. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે? સ્ત્રીઓ તરફથી કોઇ દિવસ બહાર જમવા જવાની ઓફર આવે જ નહી.
રીટાબહેન: આજે હવે ઘણું મોડું  થઈ  ગયું છે, એટલે મને લાગે છે કે, ચર્ચા કરવા માટે આપણે ફરી મળવું પડશે. મેં તો ઘરે રસોઇની કોઇ તૈયારી પણ કરી નથી. એટલે આજે સાંજનુ તો બહાર જ ગોઠવવું પડશે. એમને ફોન કરીને જણાવી દઉં,  કે  ડાયરેક્ટ   હેવમોર   રેસ્ટોરંટ પર જ મળીએ.
હેમાબહેન: મને લાગે છે કે હું પણ એવું જ કંઇ ગોઠવું. ઘણા સમયથી અને સંકલ્પ રેસ્ટોરંન્ટ  ગયા નથી.
લતા-આશા: મોડુ તો ઘણું જ થઈ ગયું છે, હવે ઘરે જઈને શું રાંધે? એ કરતાં બહાર જ સારું.
ગીતાબહેન: અમારે તો આમ પણ આજે એક ફંકશનમા જમવા જવાનું જ છે.
રીટાબહેન: અચ્છા! તો પછી ફોનથી નક્કી કરીને ફરી મળીશું.
વીણાબહેન: ફરી મળીએ ત્યારે   આ તપાસપંચના અહેવાલનું પતાવી દઈએ, હોં.
લતાબહેન: હા, નેક્સ્ટ ટાઇમ તો પતાવી જ દઈએ. વારંવાર મોડું થાય અને પછી હોટલમા જવું પડે તે ના પરવડે.
રીટાબહેન: સ્યોર.સ્યોર.  ચાલો, બાય બાય.

આજની જોક:
પત્ની: કેવો થયો છે આજનો પુલાવ?
પતિ: વેરી ટેસ્ટી. ક્યાંથી મંગાવ્યો?











    


Thursday 21 May 2015

દિકરો તો પારકી થાપણ કહેવાય.

દિકરો  તો પારકી થાપણ કહેવાય.    પલ્લવી જે. મિસ્ત્રી.

ભારત દેશનું પાટનગર એવું દિલ્હી શહેર. સન ૨૦૧૨ નો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાની એક કમનસીબ રાત્રી. ૨૩ વર્ષની એક વિધાર્થીની એના પુરુષ મિત્ર સાથે એક બસમા ચઢી. ચાલુ બસે ૫-૬ નરાધમો એ એના મિત્રને માર મારીને બસની બહાર ફેંકી દીધો અને એ છોકરી  પર વારાફરતી પાશવી બળાત્કાર ગુજારીને માર મારીને એને પણ બસની બહાર ફેંકી દીધી. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી આ યુવતીને હોસ્પીટલમાં દાખલ કરવામા આવી. આ બાબતે  પ્રજામાં પેલા બળાત્કારીઓ પ્રત્યે ગુસ્સો, ક્રોધ, નફરતની આગ પ્રજ્વળી ઊઠી. ઠેર ઠેર રેલીઓ યોજાઇ, દેખાવો થયા, સુત્રો પોકારાયા, ભાષણો થયા. ન્યૂઝ પેપર્સમાં  પણ આ સમાચારો ખૂબ છપાયા અને ચર્ચાયા. ટી.વી. પર પણ ખૂબ ચર્ચાઓ થઈ. બળાત્કારને લગતા કાયદાઓ કડક બનાવવાની અને બળાત્કારીઓને ફાંસીની સજા કરવાની માંગ ઊઠી. નેતાઓ અને સરકાર પણ આ બાબતે સફાળી જાગી ઊઠી અને લોકોની માંગણી પ્રત્યે ધ્યાન આપવાનું વચન આપ્યું.

આ બધું જોઇને, વાંચીને, સાંભળીને અને વિચારીને મને  બળાત્કારીઓ પ્રત્યે  ગુસ્સો, ક્રોધ, નફરતની
લાગણી જન્મી. પિડિતા પ્રત્યે દિલમા સહાનુભૂતિ, અનુકંપાની લાગણી જન્મી. મારી લાચારી એ આ લાગણીઓને કલ્પનામા ફેરવી. વિચાર આવ્યો. જો ભારત દેશનાં સામાજીક માળખામાં આમૂળ પરિવર્તન થાય, રાજકીય ક્ષેત્રે કાયદામાં ધર-મૂળથી ફેરફાર થાય તો.....જે નવો કાયદો બને તે મારી કલ્પના પ્રમાણે નીચે મુજબનો  હોય.

દિકરી ને જેમ ઘરકામ શીખવીને, દહેજ આપીને સાસરે મોકલવામા આવતી હતી. અદ્દલો અદ્દલ તેમ જ  હવે છોકરાઓ ને ઘરકામ શીખવાડીને, દહેજ આપીને સાસરે મોકલવામા આવશે.

હવે નવા કાયદા પ્રમાણે જે દ્રશ્યો રચાશે, તે નીચે મુજબના હશે. .......
દ્રશ્ય:૧:
ડૉક્ટર: [પરિણીત યુગલને]: બોલો, કેમ આવવું થયું?
પતિ: ડૉક્ટર સાહેબ, મારી વાઇફ પ્રેગનન્ટ છે, એટલે તપાસ  કરાવવા આવ્યાં છીએ.
ડૉક્ટર:[તપાસ કર્યા પછી] : એવરીથીંગ ઇઝ ઓલરાઇટ. બધું નોર્મલ છે.
પતિ: સાહેબ, સોનોગ્રાફિ કરીને કહો ને કે બાળક છોકરો છે કે છોકરી.
ડૉક્ટર: સોરી.  જાતિ પરીક્ષણ  એ કાયદાકીય રીતે ગુનો છે.
પતિ: સાહેબ, પ્લીઝ. અમારે બે છોકરાં તો ઓલરેડી છે જ. જો આ ત્રીજો પણ છોકરો જ હોય તો એ અમને       પોસાય તેમ નથી.
ડૉક્ટર: એટલે?  ત્રીજો છોકરો હોય તો તમે એબોર્શન કરાવશો?
પતિ: સાહેબ, છૂટકો જ નથી. આજના મોંઘવારીના જમાનામાં ત્રણ ત્રણ પથરા એટલે કે છોકરા કોને પોસાય? હા, દીકરી હોય તો વળી જુદી વાત. સાહેબ, જોઇ આપોને પ્લીઝ. તમે કહો એટલા રુપિયા આપવા તૈયાર છું.
ડૉક્ટર:નહી. જાતિ પરીક્ષણ કરી આપવું એટલે રુપિયા ૫૦ હજારનો દંડ અને ૬ માસની કેદની સજા. અને એબોર્શન કરી આપવું એટલે રુપિયા ૧ લાખનો દંડ અને ૧ વર્ષની પાકી કેદની સજા. મારું મેડીકલ સર્ટિફિકેટ પણ ઝૂંટવાઇ જાય. હું એવાં કામ કરતો નથી, સોરી.

તમે જોયું દોસ્તો? કાયદો કડક થાય અને બદલાઇને  દિકરાને બદલે દિકરીના તરફેણમા થઈ જાય તો શું પરિણામ આવે? કેવો હશે એ દિવસ જ્યારે દિકરીના બદલે દિકરો સાસરે જતો હશે? પછી તો જમ જેવો જમાઇને  બદલે દારોગા જેવી દિકરી બોલાતું થાય. જમાઇ દસમો ગ્રહ ના બદલે દિકરી દસમો ગ્રહ કહેવાતું  થાય. દિકરીની મા રાણી ને ઘડપણમાં  ભરે પાણી કહેવતના બદલે, દિકરાનો બાપ દાસ અને કાયમ રહે ઉદાસ એવુ એવુ કહેવાતું થાય. અને જો આમ થાય તો.....
દિકરો: પપ્પા, હું બી.કોમ. મા ફર્સ્ટ ક્લાસ પાસ થયો.
પપ્પા: વાહ મારા દિકરા. હવે તારા માટે છોકરી જોવા માંડવું પડશે.
દિકરો: પપ્પા, મારે આગળ ભણવું છે. માસ્ટર્સ કરવું છે.
પપ્પા: બેટા, છોકરાની જાતને વળી વધારે ભણવાનું શું? છેવટે તો તારે સાસરે જઈને ઘર જ સંભાળવાનું છે ને? એના કરતાં હવે તું ઘરકામ- કચરા-પોતાં-વાસણ- કપડાં અને રસોઇ બનાવતા બરાબર શીખી જા. જેથી મારે તારા સાસરીયાઓ તરફ્થી સાંભળવું ના પડે કે. આના પપ્પાએ એને કંઇ જ શીખવાડ્યું નથી.

જો ભારત દેશનો સિનારીયો બદલાય અને સમાજ પુરુષ-પ્રધાન ના બદલે સ્ત્રી-પ્રધાન બને તો સમાચારો કંઇ આવા પ્રસારીત થાય...
પુરુષો માટે દિલ્હી-મુંબઈ-ચૈન્નઈ  જેવા શહેરો સલામત રહ્યાં નથી. લેઈટ નાઇટ ક્લબોમાં પાર્ટી કરીને કે લાસ્ટ શો મા ફિલ્મ જોઇને નીડરતાથી ઘરે આવતા પુરુષો હવે રાત્રે ૧૦ વાગ્યા પછી એકલાં નીકળવાની હિમ્મત કરી શકતાં નથી.  ૨૦ થી ૩૫ વર્ષના પુરુષો સ્ત્રીઓના શિકાર બની રહ્યા છે. પુરુષોની છેડતી, વિનયભંગના કિસ્સા વધી રહ્યા છે. બળાત્કાર, હત્યા વગેરેના ગુનામાં જેના પર કેસ ચાલે છે, એમાંના માત્ર ૧૦% ગુનેગારોને જ સજા થાય છે. બાકીના ૯૦% તો અપૂરતી પોલીસ તપાસ અને પુરાવાના અભાવને લીધે છૂટી જાય છે.  ગયા વર્ષે   ૧૩૦૩૧ સ્ત્રીઓની પુરુષોના બળાત્કાર, વિનયભંગ, શારીરિક છેડતી અને હત્યાના આરોપસર  ધરપકડ થઈ છે. પણ એ શું કામનું? જે સાક્ષીઓ પોલીસ સ્ટેશનમાં બયાન આપે છે તે ડરના લીધે કોર્ટમા ફરી જાય છે, અને ગુનેગારો છૂટી જાય છે. આવા બયાનો સીધાં કોર્ટમા જ લેવાવાં જોઇએ અને આવા કેસનો ફાસ્ટ ટ્રેક કોર્ટમા જ નીકાલ લાવવો જોઇએ. તો જ પુરુષો પર થતા અત્યાચાર ઘટશે.

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની સંખ્યા ઘણી ઓછી હોવાને લીધે ગુનાઓ તો બનવાના જ. પણ આ બાબતે સમાજ અને ખુદ પુરુષો જાગ્રુત થશે તો જ ગુનાઓ ઓછા થશે. પુરુષોએ સ્વરક્ષણના પાઠ શીખવા પડશે. પુરુષોએ, સ્ત્રીઓની મનોવ્રુત્તિ બહેકાવે એવા ટુંકા-ફેશનેબલ-સેક્સી વસ્ત્રો પહેરવાનાં બંધ કરવા જોઇએ. અને મોડી રાત્રે એકલા બહાર નીકળવાનું ટાળવું જોઇએ.

રમેશ: હાય સુરેશ! મઝામાં?
સુરેશ: મઝામાં નહીં યાર, સજામાં છું.
રમેશ: કેમ કેમ? શું થયું?
સુરેશ: મારે બે દિકરાં તો હતા જ. અને દિકરીની આશામાંને આશામાં આ ત્રીજો પથરો પાક્યો. એટલે કે ત્રીજો દિકરો જન્મ્યો. હું તો બરબાદ થઈ ગયો યાર.
રમેશ: અરરર! બહુ ખરાબ થયું આ તો. ચાલ હવે, ભગવાનને જે ગમ્યું તે ખરું.
સુરેશ: પણ મારા સાસરીઆઓ ને આ બિલકુલ ના ગમ્યું.  બે દિકરા તો પહેલેથી જ હતા એટલે આમ પણ તેઓ મારાથી નારાજ હતા. હવે તો કડવી કારેલી અને લીમડે ચઢી.
રમેશ: ઘેર ઘેર માટીના ચુલા  બધાંને ત્યાં આ જ રામાયણ છે દોસ્ત.
સુરેશ: ઓફિસનું કામ, ઘરનું કામ, બહારનાં કામકાજ.હું તો હવે ખરેખર થાકી ગયો છું યાર.
રમેશ: સંસાર છે, ચાલ્યા કરે એ તો.
સુરેશ: એ સમજીને જ આ બધાં ઢસરડા કર્યે જાઉ છું. અત્યાર સુધીમા મારો પૂરો પગાર, બોનસ બધું એમને આપ્યું. પિયરથીય  વારંવાર પૈસા લાવ્યો છું, પણ એ લોકો ધરાતાં જ નથી.
રમેશ: મન પર ના લે યાર, સૌ સારાં વાના થશે.
સુરેશ: યાર, આ ત્રીજા દિકરાને બદલે દિકરી આવી હોત ને તો સારું થાત. છોકરી ના જન્મ, ઉછેર, ભણતર, લગ્ન, ડીલીવરી...  આ તમામ ખર્ચા સરકાર આપે છે. નોકરીમાં પણ છોકરીને વધારે તક મળે છે. વળી છોકરી પરણે ત્યારે જમાઇ દહેજ લાવે એનો કેટલો મોટો આધાર રહે.
રમેશ: વાત તો તારી સાચી છે, યાર. આપણા પુરુષોનો તો કંઇ જન્મારો છે. કેટલાંય પુરુષોએ સાસરીયાઓની દહેજની માંગણીથી તંગ આવી જઈ ને આપઘાત કર્યા છે. કેટલાય કોડીલા કુંવરો આ દહેજ નામના ખપ્પરમા હોમાઇ ગયા છે. આમ ને આમ ચાલતું રહેશે તો આપણું પુરુષોનું તો આવી બન્યુ સમજો.
સુરેશ: ગામડાંઓમા તો શહેર કરતાં પણ બદતર સ્થિતિ છે. ત્યાં તો દિકરાને જન્મતા વેંત દૂધપીતા’[દૂધ ભરેલા વાસણમા ડૂબાડીને મારી નાખવામાં આવે]  કરી દેવામા આવે છે. કાશ! મને પણ મારા મા-બાપે દૂધપીતો કરી દીધો   હોત તો મારે આ દિવસ તો ના જોવો પડત.
રમેશ: હિંમતથી કામ લે યાર. જો. આપણે સૌ ભેગાં થઇએ અને સરકાર ને આવેદન પત્ર આપીએ. જરુર પડી તો ઊપવાસ પર ઊતરીએ, સત્યાગ્રહ કરીએ, અહિંસક આંદોલન કરીએ. દિકરો બચાઓ ઝુંબેશ કરીએ.
ચાલ, આપણે એ માટે નરેશ અને મહેશને મળીએ.
સુરેશ: હમણા તો મારે બજારમાંથી શાકભાજી  અને કરીયાણું લઈને સીધા ઘરે જવું પડશે. ઘરનું બધું જ કામ કાજ બાકી છે. આમે ય વાઇફ અને સાસુ-સસરા મારા પર ચીઢાયેલાં રહે છે. મોડો પહોંચીશ તો મારા માથે માછલાં ધોશે. પછી કોઇક વાર ટાઇમ હશે તો મળીશું. બાય.
છોકરો પરણીને સાસરે જતો હશે ત્યારે એની બહેન વિદાય ગીત ગાશે:
‘‘ભઈલા રે... સાસરીએ જાતાં જોજે પાંપણ ના ભીંજાય...દિકરો તો પારકી થાપણ કહેવાય.’’

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Wednesday 13 May 2015

ભગવાન બચાવે આવાં...


ભગવાન બચાવે આવાં...    પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
-નીલુ, આપણે આ રવિવારે હાર્દિકના ઘરે જમવા જવાનું છે.
-કોણ હાર્દિક?
-હાર્દિક વળી કેટલા છે? મારો ફ્રેંડ હાર્દિક, હાર્દિક ચતુર્વેદી.
-તારી કંઈ ભૂલ થતી લાગે છે, અમર.
-હાર્દિકના ઉચ્ચારમાં ભૂલ થાય છે કે ચતુર્વેદીના?
-બન્નેના ઉચ્ચાર બરાબર છે.
-તો ઠીક. મને થયું કે ઉચ્ચારની ભૂલની બાબતમાં તું ઘણીવાર છોકરાંઓને પણ ધમકાવે છે, તેથી..
-ગુજરાતી થઈને માતૃભાષાના ઉચ્ચારો જ ખોટાં કરે, એનું ભવિષ્ય શું?
-એનું એટલે કોનું? બાબાનું કે ગુજરાતી ભાષાનું?
-બન્નેનું. પણ મને હજી હાર્દિકભાઇએ જમવા બોલાવ્યાં એ વાત પર વિશ્વાસ નથી બેસતો.
-નથી બેસતો તો ઊભો રહેવા દે, એમાં શું?
-એમણે અમસ્તાં પણ આપણને કદી ઘરે બોલાવ્યાં નથી.
-અમસ્તાં બોલાવે ક્યાંથી? મોનાભાભીએ હાર્દિકને કહી રાખ્યું છે, કે તારા આલતુ-ફાલતુ મુફલિસ મિત્રોને ઘરે બોલાવવા નહીં.
-હાય હાય. એ મોનાડીએ આપણે માટે એવું કહ્યું?
-જેવું લાગ્યું એવું કહ્યું. એમાં આપણે શું?
-એ મોનાડીએ આપણને ચા-પાણી માટે પણ કદી બોલાવ્યાં નથી.
-તો બોલાવ્યા વિના જવાનું, એમાં શું?
-જાય મારી બલારાત, હુ તો એનાં ઘરનાં પગથિયા પણ ના ચઢું.
-હા, હોં. આમ પણ તને પગથિયાં ચઢવાની તકલીફ તો છે જ ને?
-એવું વળી તને કોણે કહ્યું?
-કેમ, તે દિવસે મારાં મોટાબેન તને બોલાવવા આવ્યા, ત્યારે તેં જ તો કહ્યું હતું.
-હે મારા ભોળાશંકર, એ તો એમની સાથે ન જવાનું બહાનું હતું. કહો તો આઠ માળ પણ હું એકીશ્વાસે ચઢી જાઉં. હજી મારી ઉંમર વળી કેટલી?
-કેટલી? બસ, સોળ વર્ષ, નહીં?
-બે-પાંચ આમ કે તેમ વળી.
-આવતાં વર્ષે આપણો અનુ બાર વર્ષનો થશે.
-લો, તું તો મારી ઉંમરના ગણિત ગણવા બેસી ગયો. પણ હું કહેતી હતી કે આ મોનાડી આપણને એમ ને એમ તો જમવા ન જ બોલાવે.
-તો આપણે એમ ને એમ જમવા નહીં જઈએ. કંઇક ભેટ લઈને જઈશું.
-એય અમર, તને શું લાગે છે?
-દિવસ.
-એ તો મને પણ દેખાય છે.
-ત્યારે તને શું દેખાતું નથી?
-મને એ સમજાતું નથી કે મોનાડીએ આપણને જમવા શા માટે બોલાવ્યા હશે
?
-ગઈ કાલની ઘણી રસોઇ વધી હશે, તો એને થયું હશે કે ફેંકી દેવી એ કરતાં..
-મજાક ન કર, અમર. જરુર એની પાછળ કંઇ કારણ હોવું જોઇએ.
-કંઇ કારણ-બારણ નથી. ખોટી શંકા ન કર.
-એય અમર. હાર્દિકભાઇએ હમણાં હમણાં કંઇ ખરીધું છે? ટી.વી., ફ્રીજ, વી.સી.આર, વોશિંગ મશીન કે...સોનાનો સેટ?
- ના જી ના. એણે એવું કંઇ જ ખરીધું નથી. હા એક કૂતરો લીધો છે.
-જોયું? જોયું? હું નહોતી કહેતી કે આપણને જમવા બોલાવે છે તો એની પાછળ જરુર કંઇ કારણ હોવું જ જોઇએ.
-અરે! કૂતરો લીધો એ તે કંઇ જમવા બોલાવવાનું  કારણ હોય?
-કેમ નહીં? એ મોનાડી અમસ્તી તો આપણને પાણીના પવાલાનુંય પૂછે એવી નથી. તમને ખબર નથી અમર, પેલાં સમીર-સલોનીને ત્યાં કૂતરો આવ્યો ત્યારની મોનાડી જલી ગઈ હતી. આખરે એ જિદ્દિ અને ઘમંડી બાઇએ હાર્દિકભાઇ પાસે કૂતરો લેવડાવ્યો ત્યારે જ જંપી.
-હશે. ભેંસનાં શિંગડા ભેંસને ભારી. આપણને શું?
-બોલ્યા આપણને શું? આપણને જમવા બોલાવીને એ મોનાડી આપણી આગળ એનાં કૂતરાનાં ભરપેટ વખાણ કરશે ને આપણું નીચાજોણું કરશે.
-લે, એમાં વળી આપણું નીચાજોણું ક્યાં થયું?
-કેમ નહીં, તારા બધાં મિત્રોના ઘરે કૂતરાં આવી ગયાં. અરે આ મુફલિસ મોનાડીને ઘરે પણ કૂતરો અને આપણે ત્યાં જ નહીં? અમર આપણે આજે જ એક કૂતરું ખરીદી લઈએ.
-શું???
-હ, અમર, મારે કૂતરો જોઇએ, જોઇએ અને જોઇએ જ.
-અરે, એમ કંઇ કૂતરાં પળાતાં હશે? કેટ કેટલી સંભાળ લેવી પડે.
-હું લઈશ. પણ કૂતરો લાવો.
-ખોટી જીદ ના કર, નીલુ. તારી પાસે કૂતરાંની પળોજણ કરવાનો સમય જ ક્યાં છે?
-તો નોકર રાખી લઇશું, પણ મારે કૂતરો તો જોઇએ જ.
-કૂતરા માટે નોકર? તારું મગજ ઠેકાણે તો છે ને? મને કૂતરાંથી ભયંકર સૂગ છે.
-તો થોડા સમય પછી આપણે કૂતરો વેચી દઈશું.
-હું કૂતરો નથી લાવવાનો, સમજી?
-સમજી. તને હવે મારાં માટે પહેલા જેવો પ્રેમ જ નથી રહ્યો. મને મારાં પિયર મૂકી આવ.
-હે ભગવાન, મારા ભોગ લાગ્યા તે મેં તને કૂતરાની વાત કરી.
-એ મોનાડી સમજે છે શું? એ એકલી જ કૂતરો વસાવી શકે છે? આપણે પણ કંઇ કમ નથી અમર. રવિવાર પહેલાં આપણે ત્યાં પણ કૂતરો આવી જવો જોઇએ, સમજ્યો?
-સમજી ગયો મેડમ, ભગવાન બચાવે આવાં...
-કૂતરાથી?
-ના, બૈરાંથી.