Sunday 29 November 2015

સ્મરણશક્તિ:

સ્મરણશક્તિ:      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-મીતા, આજે તને અનિલ મળ્યો હતો?
-અનિલ? કોણ અનિલ?
-અરે, અનિલ મહેતા, યાર.
-અનિલ મહેતા? એ વળી કોણ?
-અનિલ મહેતાને નથી ઓળખતી? ઊંચો, પહોળો, વાંકળિયા વાળ, ભૂરી આંખો. મારો કોલેજીયન ફ્રેન્ડ, અનિલ મહેતા, યાદ આવ્યું? કે હજી બીજી ટીપ્સ આપું?
અરે હા, રીતેષ. હું આજે ન્યૂઝ પેપર પ્રેસની ઓફિસે ગઈ હતી. ત્યાં રિસેપ્શન કાઉન્ટર પર તેં હમણા જેનું વર્ણન કર્યું એવા દેખાતા એક ભાઈ મને મળ્યા હતા ખરા.
-તો તેં એને બોલાવ્યો કેમ નહીં?
-સાંભળ તો ખરો. એમનો ચહેરો જોતાં મને લાગ્યું ખરું કે, આ ભાઈને મેં ક્યાંક જોયાં છે ખરાં. મેં એમનું નામ યાદ કરવા બહુ પ્રયત્નો કર્યા પણ એમનું નામ યાદ જ ન આવ્યું.
-હદ કરે છે, મીતા તું તો. તને યાદ હોય તો તારા હાસ્યલેખો છપાવવાની બાબતે જ આપણે એને મળ્યા હતાં. યાદ આવ્યું?
-હા, હા. હવે યાદ આવ્યું. આપણે એમને મળ્યા હતાં ખરાં, પણ એ વાતને તો ખાસા સાડા ત્રણ – ચાર વર્ષ થઈ ગયાં.
-તો શું થયું? ચાર વર્ષ પહેલાં જોયેલો ચહેરો યાદ ન રહે?
-આમ તો યાદ રહેવો જોઈએ. પણ મારો જરા એ બાબતે પ્રોબ્લેમ છે. મને નથી યાદ રહેતો. પણ હવે જ્યારે તેં યાદ કરાવ્યું ત્યારે મને યાદ આવ્યું, બરાબર યાદ આવ્યું. એમણે મારાં બે હાસ્યલેખો એમના છાપામાં છાપ્યા હતાં પણ એનો પુરસ્કાર નહોતો આપ્યો.
-ભૂલી જા હવે એ પુરસ્કારને.
-તું ય ખરો છે રીતેષ, પુરસ્કાર ને ભૂલી જવાનું અને પુરસ્કાર ન આપનારને યાદ રાખવાનું કહે છે.
-અરે ! તારે તો એ માટે એનો આભાર માનવો જોઈએ. તારા લેખો એના છાપામાં છાપ્યા એ જ ઘણું નથી?
-એટલે તું કહેવા શુ માંગે છે?
-હુંએટલું જ કહેવા માંગુ છું કે તું હવે તારી સ્મરણશક્તિ સુધાર, નહિતર એવું પણ થાય કે કાલે ઊઠીને અરીસા માં જોઈને તને થાય કે  આમને મેં ક્યાંક જોયાં લાગે છે.
-હા હા..બેડ જોક ! પણ તું ચિંતા ના કર, એવું ક્યારેય નહીં થાય.
-તું એટલી ખાતરીથી કેવી રીતે કહી શકે કે એવું નહીં જ થાય?
-ધાર કે કદાચ એવું થાય તો પણ વાંધો નહીં આવે, કેમ કે મેં મારો ફોટો ત્યાં ડ્રેસિંગ ટેબલ પર જ મૂક્યો છે.
-હા, પણ એ ફોટામાં કંઈ તારું નામ થોડું જ લખ્યું છે? ફોટામાંનો ચહેરો જોઈને પણ તને તારું નામ યાદ ન આવે તો? તું તને જ ભુલી જાય તો પછી મારું શું થાય?
-તું તો રીતસર નો મારી પાછળ જ પડી ગયો, રીતેષ.
-તારી પાછળ હું આજકાલ નો થોડો જ પડ્યો છું? એ વાતને તો વર્ષો થઈ ગયાં.
-હા, એ વાત તો ખરી. એ વાતને તો પૂરા બાર વર્ષ થઈ ગયાં.
-જો, એ કેવું યાદ રહ્યું?
-એવી વાત તો યાદ રહે જ ને? અનિલભાઈને ન ઓળખી શકી એ બદલ સોરી, યાર.
-ઈટ્સ ઓકે. પણ તેં અનિલને ન બોલાવ્યો એ વાતનું એને ઘણું જ ખોટું લાગ્યું છે. એ કહેતો હતો કે, ભાભી તો અમને ભૂલી જ ગયાં ને? હવે શું કામ યાદ રાખે? ગરજ સરી કે વૈધ વેરી.
-હજી ગરજ ક્યાં સરી છે? (લેખ ના પૈસા લેવાના તો બાકી જ છે.) પણ તે છતાં પણ એમને એવું લાગ્યું હોય તો હું ફોન કરીને સ્પષ્ટતા કરી લઈશ. તું મને એમનો ફોન નંબર આપજે.
-ભલે, પણ યાદ રાખીને એને ફોન જરૂર કરી દેજે.
આ વાત થઈ મારી નબળી સ્મરણશક્તિ ની. એ માટેની એક બહુ જ પ્રચલિત જોક છે, જે તમે સૌએ જરૂર સાંભળી જ હશે. પોતાના ભુલકણાપણા માટે પ્રખ્યાત(બદનામ) થયેલા એક પ્રોફેસરે જ્યારે એક દિવસ એમની પત્ની બજારમાં મળી ગઈ ત્યારે એને પૂછ્યું, બહેન, આપનો ચહેરો મને પરિચિત લાગે છે, મેં આપને ક્યાંક જોયાં હોય એમ લાગે છે.
મારી યાદશક્તિ એટલી બધી ખરાબ નથી, પણ વર્ષો પહેલા જોયેલા ચહેરા કે નામ મને સહેલાઈથી યાદ નથી આવતાં, અથવા તો મોડે મોડેથી યાદ આવે છે, એટલે કે વ્યક્તિ મળીને ચાલી જાય પછી યાદ આવે છે. અમુક વ્યક્તિનું નામ વાતોમાં આવે ત્યારે હું એના ચહેરાને યાદ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન પણ કરુ છું, પણ એમાં ભાગ્યે જ સફળ થાઉં છું. કોઈવાર ટેલિફોન કરનાર, બોલો, હું કોણ છું?’ કે પછી, મને ઓળખ્યો / ઓળખી કે નહીં?’ એવું ઉખાણું પૂછે છે ત્યારે હું ખરેખર મૂંઝાઈ જાઉં છું.
આમાં સામેની વ્યક્તિનું અપમાન કરવાનો મારો બિલકુલ ઈરાદો નથી હોતો.મારી સ્મરણશક્તિ નબળી છે એટલું જ. સાચુ કહું છું, મારો વિશ્વાસ કરો. મેં તો મારી આ ટેવને સાવ સ્વાભાવિકતાથી સ્વીકારી લીધી છે. પરંતુ મારા પતિદેવનું કહેવું છે કે, નબળી સ્મરણશક્તિને પ્રયત્ન પૂર્વક સુધારી શકાય છે.
એમની વાત સાચી છે. યાદશક્તિ વધારવાના કે કેળવવાના અમુક તમુક ક્લાસીસ ની, સો ટકાની ગેરંટી વાળી આકર્ષક જાહેરાતો રોજે રોજ ન્યૂઝપેપરમાં રેડિયો ઉપર, ટી.વી. પર કે મેગેઝીન્સમાં આવતી જ રહે છે. પણ સચ્ચાઈ પૂર્વક કે સરળતાથી  કહું તો સાડી, ડ્રેસ, પર્સ, ચપ્પલ, કોસ્મેટીક્સ કે ઘરેણાંની જાહેરાતો, ગેરંટી વગરની હોવા છતાં મને જેટલી આકર્ષે છે, તેટલી સ્મરણશક્તિ વધારવાની જાહેરાત આકર્ષતી નથી.
એક પ્રસિધ્ધ હાસ્યલેખક ને એમની સંગીત ક્લબનાં ૯૦% મેમ્બર્સના નામ ચહેરા સહિત યાદ રહે છે. પરંતુ એમના પત્નીનું કહેવું છે કે, એમને એમના લગ્નની તારીખ યાદ નથી રહેતી.(દુ:ખના દિવસને કોણ યાદ રાખે?) અમારા એક સંબંધીને લગભગ ૭૦% સગા- વહાલા- મિત્રોના ટેલિફોન નંબરો યાદ રહે છે. જે ૩૦% નંબરો યાદ નથી રહેતા તે એમના લેણદારોના હશે એવું મારું માનવું છે. પણ એમની પત્નીની ફરિયાદ છે કે, એક ની એક સાડી પાંચમી વાર પહેરી હોય તો પણ તેઓ પત્નીને પૂછે, આ સાડી નવી લીધી?’ કદાચ પત્નીને નવી સાડી અપાવવી ન પડે એટલા માટે તેઓ આવું નાટક કરતાં હશે?
પણ સ્મરણશક્તિ નું તો એવું ભાઈ. ઘણા  લોકો એવું પણ કહે છે કે, જે બાબતમાં તમને રસ હોય તે બાબત યાદ રહે છે. મને આ વાત એટલા માટે સાચી નથી લાગતી, કેમ કે મને કપડાં, ઘરેણાં તેમ જ કોસ્મેટીક્સમાં ઘણો રસ છે, છતાં મારા પતિદેવે એ બધું મને છેલ્લે ક્યારે અપાવેલું તે યાદ નથી.
મારા પતિનું આ બાબતે એવું કહેવું છે કે, સ્ત્રીઓને આ બધું અપાવવું નથી પડતું. જ્યારે જરૂરિયાત પડે ત્યારે, એની જાતે જઈને આ બધું એ ખરીદી લેતી હોય છે.અને એક મહત્વની વાત, એની પાસે આ બધું જ ગમે તેટલું પડ્યું હોય એને હંમેશાં નવું ખરીદવાની જરૂરિયાત પડતી જ રહેતી હોય છે.
પતિ ભલે પત્નીની ઘણી બધી વાતો, ખાસ કરીને એની વર્ષગાંઠ કે લગ્ન તારીખ ભૂલી જતો હોય, પત્નીને તો એની તમામ વાતો, ખાસ કરીને લગ્ન પહેલાં આપેલાં તમામ વચનો કાયમ યાદ રહેતાં હોય છે. અને એટલે જ પત્ની પતિને કહેતી હોય છે, લગ્ન પહેલાં તો આકાશમાંથી ચાંદ તારા તોડી લાવીને આપવાનું કહેતા હતા, હવે શું થયું? હવે તો ગેસની દુકાને થી એક સિલિન્ડર પણ  લાવી આપતા નથી.  પતિ પણ ચબરાક હોય તો વળતો જવાબ આ રીતે આપે છે, તેં કોઈ માછીમારને જાળમાં ફસાયેલી માછલીને ખોરાક આપતા જોયો છે?’





Sunday 22 November 2015

પુસ્તક અને પુરુષ.

પુસ્તક અને પુરુષ.      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પત્ની: તમે પુરુષો!  કોઇ પણ સુંદર સ્ત્રીને જુઓ છો ત્યારે ભુલી જાઓ છો, કે તમે પરણેલાં છો.
પતિ: તારી ગેરસમજ થાય છે, પ્રિયે. ઊલટાનું ત્યારે જ તો અમને ખાસ યાદ આવે છે, કે અમે પરણેલાં છીએ.
પુસ્તક અને પુરુષ! આ બન્નેની સરખામણી કરતી વખતે આ જોક એટલા માટે યાદ આવી કે, પુરુષનું મુખારવિંદ જોઇને આપણે એ અનુમાન નથી કરી શકતાં કે એના મનમાં કયા વિચારો ચાલી રહ્યાં છે. જ્યારે પુસ્તકનું મુખપ્રુષ્ઠ જોઇને આપણે સમજી શકીએ છીએ કે એમાં શેના વિશે માહિતી આપી હશે. દાખલા તરીકે-  મુખપ્રુષ્ઠ એટલે કે પૂંઠા ઉપર નકશા દોર્યા હોય તો એમાં ભૂગોળ એટલે કે દેશવિદેશની  માહિતી હોય અને પૂંઠા ઉપર આંકડા આલેખ્યા હોય તો એમાં ગણિત વિશે માહિતી હોય.

આમ સરખામણીની દ્રષ્ટિએ જોઇએ તો પુરુષ કરતાં પુસ્તક વધુ સરળ અને સમજી શકાય એવું હોય છે.
પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટ જો આ વાંચીને એમ કહે કે, આ વાત હમેશા સાચી નથી હોતી.  એક પુસ્તક- રેતીની રોટલી.- નું મુખપ્રુષ્ઠ જોઇને જો તમને એમ થાય કે આમાંથી રેતીની રોટલી બનાવવાની રેસીપી મળશે તો તમે ખોટાં પડશો. એ –પાકશાસ્ત્ર- નું નહીં,  પરંતુ- હાસ્યલેખો-નું પુસ્તક છે.  પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેનું આ પુસ્તક વિનોદભાઇને હાસ્યવિભાગના બદલે લાઇબ્રેરીના પાકશાસ્ત્રના વિભાગમાંથી મળી આવ્યું હતું. આ બધી વાત સાચી, પણ કેટલાંક અપવાદોને બાદ કરતાં તમે વિચારશો તો મોટા ભાગના કેસોમાં તમને મારી વાત સાચી લાગશે.

પુસ્તક અને પુરુષ’,  બંનેમાં સંખ્યાની દ્રષ્ટિએ સરખા અક્ષરો છે. જો કોઇ ભાષાજ્ઞાની આ વાત વાંચીને એવી દલીલ કરે કે ખોટું, પુરુષ શબ્દમાં ત્રણ અક્ષર છે, જ્યારે પુસ્તક શબ્દમાં સાડાત્રણ. માત્ર સ્વીકારવા ખાતર કે સામી દલીલ ન કરવા ખાતર આપણે એમની વાત સ્વીકારી લઈએ. પણ જરાક ઊંડાણપૂર્વક વિચારતાં માલૂમ પડશે કે સ્ત્રીપુરુષની અર્ધાંગિની છે. [ આમાં પણ અપવાદ રૂપ કેટલીક સ્ત્રીઓ અર્ધાંગિની ના બદલે બમણાંગિની હોય છે.]  એ હિસાબે પુરુષ સ્ત્રી વગર અધૂરો છે. એટલા ખાતર જ પુરુષ શબ્દમાં પુસ્તક શબ્દની સરખામણીએ અડધો અક્ષર ઓછો છે.

પુસ્તક અને પુરુષ, બંને શબ્દનો આરંભ ઉકારથી અને અંત ‘’અકારથી થાય છે. પરંતુ આકારની દ્રષ્ટિએ જોઇએ તો પુસ્તકમાં વિવિધતા અને પુરુષમાં વિચિત્રતા જોવા મળે છે. બંનેની આવ્રુત્તિ બહાર પડે ત્યારે નવાંનકોર, મજબૂત, સુગઠિત, સુંદર અને જોવાં ગમે તેવાં હોય છે. પરંતુ કાળક્રમે ઘસાઇને તેઓ નબળાં, ઢીલાં અને ફિક્કાં પડી જાય છે. પુસ્તક પાસે ભાર અને પુરુષ પાસે કાર હોય ત્યારે લોકો એમને માનની દ્રષ્ટિએ જુએ છે.

પુસ્તક અને પુરુષ, બંનેની સામે કોઇ ચાહકવર્ગ દ્રષ્ટિ માંડે નહિ ત્યાં સુધી બંને મૂલ્યવિહીન હોય છે. બંનેને સાચા કદરદાનની જરુર હોય છે. પુસ્તક ખરીદાયું ના હોય અને પુરુષ પરણ્યો ન હોય, ત્યાં સુધી બંનેનું મૂલ્ય અકબંધ રહે છે. એ પછી બંનેની કિંમત અડધી કે ક્યારેક નહિવત પણ થઈ જાય છે.
પસ્તીવાળો: બહેન, કોઇ ભંગાર-બંગાર આપવાનો છે?
બહેન: અમારા ઓફિસે ગયા છે, ઘરે આવે પછી આવજે.

આ તો એક જોક છે. પણ હકીકત એ છે કે, પુસ્તકને તો પસ્તીમાં આપીને એની થોડીઘણી કિંમત પણ ઉપજાવી શકાય છે, જ્યારે પુરુષને?
પુસ્તક અને પુરુષ, બંને પાસે ઘણું જ્ઞાન અને જાણકારી હોય છે. પરંતુ તે મેળવવા કે કઢાવવા આપણે ઘણા પ્રયત્નો કરવાં પડે છે. અનેક પ્રયત્નો બાદ પણ પૂરેપૂરી સફળતા નથી મળતી. જો કે પુસ્તક ન સમજાય તો એને સમજવા માટે ગાઇડ ઉપલબ્ધ હોય છે, જ્યારે પુરુષને સમજવા? તોબા! તોબા! આમ તો પુરુષો જ કહેતાં ફરે છે કે સ્ત્રીને સમજવી અઘરી છે. પણ એક સ્ત્રી તરીકે મને હમેશાં લાગ્યું છે, કે પુરુષોને સમજવા અઘરાં, ના, ના. અઘરાં નહિ, લગભગ અશક્ય જ છે. 
દાખલા તરીકે-
આપણે એને નજીકની દુકાનેથી ઘર માટે કંઇક ચીજ ખરીદવા માટે મોકલવા માંગીએ ત્યારે એ, થાકી ગયો છું નું બહાનું બતાવી, ખુરશીમાં બેસી ટી.વી. ઉપર ફાલતુ પ્રોગ્રામ્સ જોયા કરશે. પણ બે જ મિનિટ પછી જો આપણી સુંદર પડોશણ એને ઘણે દૂરની દુકાનેથી કશુંક લાવી આપવા કહેશે તો એનામાં શક્તિનો અજબ સંચાર થઈ જશે, અને ટી.વી. પર પ્રોગ્રામ જોવાનું છોડીને તરત જ જઈને કામ પતાવી આપશે.

પુસ્તક અને પુરુષ, એમાં પુસ્તકની સમ્રુદ્ધિ વધે ત્યારે એનાં પેજની સંખ્યામાં વધારો થાય છે. અને પુરુષની સમ્રુદ્ધિ વધે છે ત્યારે એના પેટના ઘેરાવામાં વધારો થાય છે. પુસ્તક જ્ઞાન આપે છે અને પુરુષ પગાર આપે છે. એકવાર મેળવેલું જ્ઞાન મોટેભાગે નાશ પામતું નથી. જ્યારે એકવાર મેળવેલો પગાર મહિનાના અંતે પૂરો થઈ જાય છે. કેટલીક વાર પગાર પહેલો પૂરો થાય છે અને મહિનો પછી. આવી પરિસ્થિતિમાં પુરુષ પાસે પગાર ઉપરાંતની કમાણી પણ માંગવી પડે છે. મોટા ભાગનાં પુરુષો આ બાબતમાં ઉદાર હોય છે, અને સ્ત્રીઓને તેઓ પગાર ઉપરાંતની કમાણી પણ આપી દે છે. પરંતુ કેટલાંક પુરુષો અતિ ઉદાર હોવાને કારણે શ્રી જ્યોતિંદ્ર દવેની ભાષામાં કહીએ તો સ્ત્રીઓને પગાર ઉપરાંત પ્રહાર પણ આપે છે.

પુસ્તકોને વ્યવસ્થિત રીતે ગોઠવીને કબાટમાં સરખાં મૂકી શકાય છે. જ્યારે જંગલમાં આડેધડ ઉગી નીકળેલાં ઝાડવાં જેવાં અસ્તવ્યસ્ત પુરુષોને ક્યાંય પણ ગોઠવીને રાખવાં અત્યંત અઘરાં છે. પુસ્તકો પર લાગેલી ધૂળને કપડાંથી ઝાપટીને સાફ કરી શકાય છે. પણ પુરુષોને લાગેલી ખરાબ ટેવો – વ્યસનોરુપી –ધૂળને કશાયથી ઝાપટીને સાફ કરી શકાતી નથી.
પુસ્તકો આપણી સાથે વાતચીત કરી શકતાં નથી. પુરુષો સાથે પણ લગભગ એવું જ હોય છે. તફાવત હોય તો માત્ર એટલો કે, વાતચીત દરમિયાન પુસ્તક પાસે આપણે નકામા હોંકારાની આશા પણ રાખતાં નથી.
અને અંતમાં એટલું જ કહેવાનું કે-
પુસ્તકો આપણે ધારીએ એટલાં વસાવી શકાય છે.


Sunday 8 November 2015

સુકેતુની દિવાળી.

સુકેતુની દિવાળી.                          પલ્લવી જે. મિસ્ત્રી.

-છે કોઇનો કાગળ? ઓફિસથી આવીને કપડાં બદલતા સુકેતુએ સ્નેહાને પૂછ્યું.
-હા, તમારા મોટા બહેન સુલુબહેન નો કાગળ છે.
-અચ્છા, શું લખે છે?
-પૂછાવ્યું છે કે આ વખતે દિવાળી મા તમારો શું પ્રોગ્રામ છે?
-લખી દેજે, અમારો મઠીયા ખાવાનો પ્રોગ્રામ છે.
-ડોન્ટ બી સીલી કેતુ, દિવાળી મા બધા મઠીયા જ ખાય.
-કોણે કહ્યું? કોઇ ઘુઘરા પણ ખાય અને કોઇ સુંવાળી પણ ખાય.
-વાત ને આડે પાટે ના ચઢાવ કેતુ, અને પ્લીઝ, મજાક બંધ કર.
-ઓ. કે. મેડમ. તો પછી તમારા હાથની એક ગરમાગરમ ચાય થઈ જાય?
-હં, એ વગર તારી ગાડી પાટે નહી ચઢે, ખરું?
-ઘણી સમજદાર છે તું સ્નેહા. અરે હા, તને કહેવાનું તો ભુલી જ ગયો કે આજે મારી ઓફિસ મા અમિત અને દીપક મળવા આવ્યા હતા.
-અરે વાહ! એ લોકો ઘણા દિવસે ભુલા પડ્યા ને કંઈ?
-હા. દિવાળીમા આબુ જવાનો પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે એ બન્ને જણ. આપણને પણ સાથે લઈ જવા માંગે છે. –તેં એમને શું જવાબ આપ્યો, કેતુ?
-મેં કહ્યું કે રાત્રે ઘરે આવો. અમારા હોમ મિનિસ્ટર સાથે ચર્ચા વિચારણા કરીને  નિર્ણય લઈશું.
-આપણે કેવી રીતે જઈએ? રજામા તો સુલુબેન અહીં આવવાના છે ને?
-એમને લખી દેવાનુ કે આ રજામા અમે બહારગામ જવાના છીએ, તમે નાતાલની રજામા આવજો.
-તો તો એમને ખોટું જ લાગી જાય, મોટા નણંદ ખરાંને પાછા.
-મોટાં એટલા જ ખોટાં છે. એમના વનેચર જેવા બન્ને છોકરાંઓને જરા પણ સારી ટ્રેનિંગ નથી આપી.ઘરમા આવતાંવેંત જ એવો આતંક ફેલાવે છે કે—તોબા! તોબા!.
-તારી વાત તો સાચી છે, કેતુ. ગયા વર્ષે આવેલા ત્યારે કેટલું બધું નુકસાન કરી ગયેલા. મારો તો જીવ પણ બહુ બળેલો. પણ શું કરીએ, એ આપણા સગા જો રહ્યા. જીજાજી નો ધાક ખરો, પણ એ તો સાથે આવે જ નહીં ને?
-ના જ આવે ને. જે થોડા ઘણા દિવસ એમને આ જંગલીઓથી છુટ્ટી મળે એટલા દિવસ એમને ત્યાં શાંતિ.
[સ્નેહા-સુકેતુ જમીને પરવારે છે અને અમિત-દીપક ઘરના દ્વારે દેખા દે છે.]
-દીપક: નમસ્તે ભાભીજી, ઘરમા આવું કે?
-સુકેતુ: અલ્યા, એ ના પાડે તો તું ઘરમા નહી આવે?
-દીપક: અરે, પણ ભાભી ના પાડે જ શું કામ? મારા જેવો સારો દિયર એમને ક્યાં મળશે?
-સુકેતુ: હવે વધુ આત્મપ્રશંસા કર્યા વિના ઘરમા પધારો જનાબ.
-દીપક: ભાભી, એક સરસ મજાની ચા થઈ જાય.
-અમિત: અલ્યા દીપુ, હમણાં જ તો તું મારા ઘરેથી ચા પીને આવ્યો. તો ય પછો ચા-ચા કરવા માંડ્યો?
-દીપક: જ્યાં સુધી આ સુકેતુ મને ચાચા કહેનાર કોઇને લાવે નહી, ત્યાં સુધી મારે જ ચા ચા કરવુ રહ્યું.
-સુકેતુ: હું તો ક્યારનો સ્નેહાને એ જ સમજાવી રહ્યો છું, કે કંઈ નહી તો આ દીપકીયાનો તો તુ ખ્યાલ કર, એના કાન ક્યારના ચાચા સાંભળવા તલસી રહ્યા છે.
-સ્નેહા: [શરમાઇને] હું તમારા લોકો માટે ચા બનાવી લાવું છું.
[સ્નેહા અંદરથી ચા લઈને આવે છે  અને બધાં ચા પીતા પીતા વાતો કરે છે.]
-અમિત: ભાભી, આ વખતે ક્યાં જવાનો પ્રોગ્રામ છે?
-સ્નેહા: શાક માર્કેટમા. આ તમારા ભાઇબંધને ભીંડા ખાવા છે.
-અમિત: જોયું, સુકેતુ ની સાથે રહી રહી ને ભાભી પણ  મજાક કરતાં શીખી ગયાં છે.
-દીપક: એ તો ગધેડા સાથે ગાય ને બાંધીએ, તો એ ભૂંકતા નહી તો ઉંચું ડોકું કરતાં તો શીખી જ જાય ને? 
-સુકેતુ: અલ્યા, દીપડા. તું મને ગધેડો કહે છે? માર ખાવાનો થયો લાગે છે.
-દીપક: હોતું હશે યાર? એવું હોય તો પણ મારાથી એ કેમ કહેવાય?
-સુકેતુ: તો ઠીક છે, નહીતર...........
-અમિત: અરે યાર, તમારા લોકોની રકઝકમા મૂળ પ્રશ્ન તો રહી જ ગયો. બોલો, દિવાળીની રજાઓમા આબુ જવું છે, ને?
-સ્નેહા: સોરી, અમિતભાઇ. અમારાથી અવાશે નહી. મારા મોટા નણંદ આવવાના છે.
-અમિત-દીપક: વ્હોટ? સુલુબેન આવવાના છે? ઓહ નો! મારી નાંખ્યા યાર.
-સુકેતુ: અલ્યાઓ, એ મારા ઘરે આવવાના છે, તમારા ઘરે નહી.
-દીપક: એમની હિંમ્મત છે કે એ મારા ઘરે પગ પણ મૂકે? હું તો બે કલાકમા જ એમને વળતી ટ્રેઇન પકડાવી દંઊ.
-સ્નેહા: એવું ના બોલાય, દીપકભાઇ. એ સુકેતુના મોટા બેન છે.
-દીપક: હા, અને મોટા એટલા જ ખોટા પણ છે. સોરી, ભાભી. પણ તમે લોકો જો અમારી સાથે આબુ ના આવવાના હોય તો અમને પણ મજા નહી આવે. આબુનો પ્રોગ્રામ કેન્સલ જ કરીએ.
 -અમિત: હા, ફરી કોઇ વાર જઈશું.
[ધનતેરસના દિવસે એક રિક્ષા સુકેતુના ઘર પાસે ઉભી રહે છે. એમાથી સુલુબહેન અને એમના બે બાળકો મોન્ટુ અને મીકી ઉતરે છે. સ્નેહા એમને આવકારે છે.]
-કેટલા રુપિયા થયા? ---સુલુબહેન રિક્ષાવાળાને પૂછે છે.
-બાણું રુપિયા.-- રિક્ષાવાળો કહે છે
-અલ્યા એટલા બધા? લૂંટવા જ બેઠો છે કે? –સુલુબહેન.
-ના માનતા હોય તો જુઓ,  આ કાર્ડ, બહેન.
-ઠીક છે, ઠીક છે. સ્નેહા, આને પૈસા આપી દે. મારી પાસે છુટ્ટા નથી.
-મારી પાસે છુટ્ટા છે, આપું બહેન? --- રિક્ષાવાળો પૂછે છે.
[સુલુબહેન કંઈ બોલે તે પહેલા સ્નેહા રિક્ષા ભાડાના પૈસા ચૂકવે છે. મોન્ટુ- મીકી ઘરમા દાખલ થાય છે. બન્ને  ટી.વી. ની સ્વીચ મરોડવા માંડે છે. સ્નેહા જલદી જલદી આવીને એમને ટી.વી. ચાલુ કરી આપે છે. બન્ને બૂટ-સેંડલ સહિત સોફા પર ચઢી જાય છે. સુલુબહેન ચીઢાઇને એમને બૂટ-સેંડલ કાઢવા કહે છે. બન્ને જણ બૂટ-સેંડલ કાઢીને આમતેમ ફેંકે છે. એક સેંડલ સ્નેહાને અને એક બૂટ સુલુબહેનને વાગે છે. સુલુબહેન ગુસ્સાથી  મીકીનો કાન આમળે છે. મીકી જોરથી   ભેંકડો તાણે છે.]
-સુલુબહેન: સ્નેહા, સુકેતુ ક્યાં છે? મને એમ કે અમને લેવા સ્ટેશન પર આવશે.
-મોન્ટુ: મમ્મી, તુ તો ટ્રેઇનમા કહેતી હતી ને કે, એ કુંભકર્ણનો અવતાર ઊઠશે તો લેવા આવશે ને.
-સુલુબહેન: વળી વચમા બોલ્યો? ચાંપલો. [મોન્ટુને એક ધોલ મારે છે.]
[મોન્ટુ-મીકી નુ કોરસમા રડવાનું ચાલે છે.સુકેતુ બહારથી ઘરમા આવે છે.]
-સુકેતુ: અરે, મોટીબહેન, હું તમને લેવા સ્ટેશન પર ગયો અને તમે ઘરે પણ પહોંચી ગયા? જીજાજી ના આવ્યા તમારી સાથે?
-સુલુબહેન: ના, એમને ઓફિસમાં ઘણુ કામ છે.
-મોન્ટુ: કામ બામ કશું નથી. પપ્પાએ તો મમ્મીને પણ અહીં આવવાની ના પાડી હતી. કહેતા હતા, સુકેતુ-સ્નેહાને પણ બહારગામ જવાનુ હોય કે નહી?’ તો મમ્મી કહે, કેતુડા અને સ્નેહાડી ને જવું હશે તો તેઓ નાતાલની રજામા જશે, પણ હમણા તો હું જવાની જ.
સુલુબહેન: પાછો વચમા બોલ્યો, વાંદરા? ડબડબ કર્યા વિના અંદર જા અને તારા કપડાં બદલ. સ્નેહા, મને ઘરમા પહેરવા તારી એક સારામાની સાડી આપ તો.
[મોન્ટુ કપડા બદલ્યા વિના જ ટેબલનુ ડ્રોઅર ખોલી, સુકેતુનુ કેલ્ક્યુલેટર કાઢી રમવા માંડે છે. મીકી કેલ્ક્યુલેટર ઝૂંટવવા જાય છે, સુકેતુ કંઈ કહે તે પહેલા કેલ્ક્યુલેટર મોન્ટુના હાથમાથી પડી જાય છે અને ટૂટી જાય છે. મીકી રેફ્રિજરેટર ખોલી, એમાં ઢાંકેલી તપેલી ઉઘાડી એમાં આંગળી બોળીને એમાંથી શ્રીખંડ ચાટે છે, અને હાથ ડ્રોઇંગ રુમના પરદાથી લુછે છે. જમ્યા બાદ મોન્ટુ એની બેગમાથી બોલ કાઢે છે અને બાથરુમમાથી કપડા ધોવાનો ધોકો લાવીને ક્રિકેટ રમવાનું ચાલુ કરે છે. કોઇ એને રોકે તે પહેલા તો એ સિક્સર મારે છે. બોલ શો-કેસના અધખુલા કાચમાથી અંદર પ્રવેશી જાય છે અને ડીનરસેટના બે બાઉલ ધડાકા સાથે જમીન પર પડીને આઘાત ના સહેવાતા ટુકડે ટુકડા થઈ જાય છે. મોંઘામાના ડીનરસેટની અવદશા નિહાળીને સ્નેહાની આંખોમા પાણી ઊભરાય છે, ગળે ડૂમો બાઝે છે. સુકેતુને મોન્ટુ પર ખુન્નસ ચઢે છે. સુલુબહેન ધોકાથી મોન્ટુની ધોલાઇ કરે છે. મોન્ટુ જોરથી ભેંકડો તાણે છે. આમ આખો દિવસ અશાંતિ અને ગમગીનીથી પસાર થાય છે.
કાળી ચૌદસના દિવસે સવારે  સ્નેહાના નામનો ટેલિગ્રામ (જ્યારે ટેલિગ્રામ આવતા હતા તે વખતની આ વાત છે.)  આવે છે. મધર ઇઝ   સિરિયસ, પ્લીઝ,કમ સુન.
સ્નેહા રડવા લાગે છે, સુકેતુ એને શાંત પાડવાની કોશિશ કરે છે. એટલામા દીપક ઘરે આવે છે.
-દીપક: અલ્યા કેતુડા, સપ્પરમા દિવસે ભાભીને કેમ રડાવ્યા?
-સુકેતુ: એના મધર સિરિયસ છે, હમણા જ ટેલિગ્રામ આવ્યો.
-દીપક: તો જોયા શુ કરે છે? જા, હમણાં જ જઈને ભાભીને પિયર મૂકી આવ.
-સુકેતુ: પણ સુલુબહેન?
-દીપક: એમની ચિંતા શું કામ કરે છે? હું બેઠો છું ને. સ્નેહાભાભી, તમે તમારે નચિંત મને જાઓ. રસોઇ માટેનો બધો સામાન, મીઠું-મરી-હળદર-  બધું હું સુલુબહેનને બતાવી દઈશ. બે દાદર ઉતરીને પીવાનુ પાણી નળમાંથી લાવવાનુ છે તે પણ સમજાવી દઈશ. હા,હા, મને ખબર છે કે કામવાળી કાલથી નથી આવવાની. પણ તમે ચિંતા ના કરો, સુલુબહેનને ઝાડુ-પોતા કરવાની બકેટ,સાબુ-બ્રશ  બધું જ બતાવીશ. સુલુબહેન, તમે જરા ય ચિંતાના કરતા, મને આ ઘરમા બધું જ ખબર છે. સુકેતુ, તુ જલદીથી તારી બેગ તૈયાર કર અને સ્નેહાભાભીને એમના ઘરે મૂકી આવ.
-સુલુબહેન: સુકેતુ, મને લાગે છે કે હું પણ આજે જ નીકળું. એક કામ કર. મને બસમા બેસાડી દે, ને પછી તું સ્નેહા ને લઈને જા.
-સુકેતુ: તમે રહોને મોટીબહેન, હું તો સ્નેહાને મૂકીને બે દિવસમા પાછો આવી જઈશ.
-સુલુબહેન: ના, સુકેતુ. મને ઘરના આવા બધા કામો જાતે કરવાના નહી ફાવે, હું તો આજે જ જતી રહીશ.
-દીપક: ચાલો સુલુબહેન, તમારો સામાન પેક કરી લ્યો. હું મારી ગાડી લઈને જ આવ્યો છું. તમને બસમા બેસાડીને હું આ લોકોની ટ્રેઇનની ટિકિટ લઈને પાછો આવુ છું. ત્યાં સુધીમા તમે લોકો તમારી બેગો તૈયાર રાખો ભાભી.
[સુલુબહેનને બસ મા બેસાડીને દીપક થોડીવારમા પાછો આવે છે, ત્યાં સુધીમા સુકેતુ-સ્નેહા એમની બેગ તૈયાર કરે છે.]
-સ્નેહા: દીપકભાઇ, કઈ ટ્રેઇનમા રીઝર્વેશન મળ્યું?
-દીપક: ટ્રેઇનને મારો ગોળી, ભાભી. આપણે તો કારમા જઈયે છીયે.
-સુકેતુ: અલ્યા, પાગલ થઈ ગયો છે, તું? મુંબઈ સુધી કારમા? અને તું પણ અમારી સાથે આવે છે?
-દીપક: ફક્ત હું જ નહી, અમિત પણ આવે છે. આપણે મુંબઈ નહી પણ આબુ જઈ રહ્યા છીયે.
-સ્નેહા: ના, દીપકભાઇ, મારી મમ્મી માંદી છે, તો હું તો મુંબઈ જ જઇશ.
-દીપક: માંદા પડે તમારા દુશ્મન, ભાભી. કોઇ માંદુ નથી. કોઇ સિરિયસ નથી. મેં તો સુલુબહેનને અહીંથી ભગાડવા માટે જ આ ટેલિગ્રામનું નાટક કર્યું હતું. ખાતરી ના થતી હોય તો ફોન કરીને મમ્મી સાથે વાત કરી લ્યો. પછી આપણે આબુ જવા નીકળીયે.
-સુકેતુ-સ્નેહા: હેં??
-દીપક: હેં નહી હા. દર વખતે સુલુબહેન દિવાળી વેકેશનમા એમના બે વનેચરોને લઈને આવે અને તમને હેરાન કરે તે મારાથી સહન ના થયું અને મેં.....
-સ્નેહા: તમે તો ખરા છો, દીપકભાઇ. સુલુબહેનને ભગાડવાની આબાદ યુક્તિ કરી.
-સુકેતુ: થેંક્સ, દીપક, પહેલીવાર તેં કોઇ સારું સમજદારીનુ કામ કર્યું.
-દીપક: હા, પણ ચાલો હવે, આપણે નીકળીએ. અમિતિઓ એના ઘરે આપણી રાહ જોતો હશે. 

Sunday 1 November 2015

અમારું શોલે ફેમિલી.

અમારું શોલે ફેમિલી.      પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

( ભારત ભરમાં થીયેટરોમાં ધૂમ મચાવીને જ્યારે  શોલે  ફિલ્મ  ટી.વી. પર પણ ધૂમ મચાવી રહી હતી તે ૧૯૯૬ ના સમયની આ વાત છે)

-બહુત મલાઈ હૈ ઈસ બોર્નવીટા મેં, અમ્મીજાન.  યે બોર્નવીટા વાપસ લઈ લે.
મારા દિકરા સાકેતે બોર્નવીટાનો ગ્લાસ મને પાછો આપતાં કહ્યું.
-સાકુ, આજકાલ તારા નખરાં બહુ વધી ગયાં છે. ઘરમાં તારા સિવાય બોર્નવીટા કોઈ પીતું નથી. હવે આ બોર્નવીટાનું હું શું કરીશ?
-તુ ઇસમેં સે મલાઈ નીકાલ કર મુજે ગ્લાસ વાપસ દે દે, માં કસમ અમ્મીજાન, મેં તેરા યે સારા બોર્નવીટા પી જાઉંગા.
-હં, ધર્મેદ્રનો અવતાર ન જોયો હોય તો ! વારંવાર નાટક કરે છે.
અમારો વાર્તાલાપ સાંભળી રહેલી અમારી કામવાળી સીતાએ મને ધીમેથી પૂછ્યું,
-બુન, બાબ્ભાઈ (બાબાભાઈ-સાકેત) પર કોઈ સાયા (છાયા) પડી હોય ઈમ લાગે સે.
-હા સીતા, તારી વાત સાચી છે. અત્યારે એના પર ફિલ્મ શોલે ના ધર્મેંદ્ર (વીરુ) ની  છાયા પડી છે. ક્યારેક એનામાં અમજદખાન (ગબ્બરસીંગ) નો આત્મા પ્રવેશી જાય છે.  ક્યારેક એનામાં અમિતાભ (જય) તો ક્યારેક સંજીવકુમાર (ઠાકુરસાબ) નું ભૂત પ્રવેશે છે. અરે ! ક્યારેક તો હેમામાલિની (બસંતી) પણ એનામાં પ્રવેશે છે.
-હેં ?પણ આ બધું થીયું કેમ કરીને? એણે ચિંતાથી પૂછ્યું.
-જ્યારથી ટી.વી. ચેનલવાળાઓ એ ચેનલ પર ફિલ્મ શોલે બતાવવા માંડી છે, ત્યારથી સાકેતનામાં સલીમ-જાવેદ આવવા માંડ્યા છે.
-એ ભાઈ કુણ વળી?
-કોણ સલીમ-જાવેદ? એ તો શોલે ફિલ્મના ફેમસ ડાયલોગ રાઈટર. શું સુપર્બ ડાયલોગ લખ્યા છે એમણે આ ફિલ્મમાં. આજેય લોકોની જીભ પર એ ડાયલોગ્સ રમી રહ્યાં છે.
-હં, સાયા લાગે સે તો બહુ ભારી. અમારે ગામડે ઈક ચમત્કારી બાબા આઈવા સે. ભલભલાં ભૂતને ઈ ચપટી વગાડતામાં ભગાડે સે. બાબ્ભાઈને ઈમને દેખાડવું સે?
-એ પછી વિચારીશું. હમણા તું જા. તારું કામ પતાવ નહીં તો તને મોડું થઈ જશે.
જ્યારથી ટી.વી. ચેનલ પર શોલે બતાવવા માંડ્યું છે, ત્યારથી અમારા ઘરનું વાતાવરણ શોલેમય બની ગયું છે. અમે બે જણ પતિ-પત્ની અને અમારાં બે બાળકો જીગર અને સાકેત, ચારે જણ જાણે અમદાવાદનાં જોધપુર ગામમાં નહીં, પણ ઠાકુરસાબના રામગઢ ગામમાંરહેતાં હોઈએ એમ લાગે છે.
-સાકેત, આ વખતની ટેસ્ટમાં તારા કેટલા માર્ક્સ આવ્યા? મેં પૂછ્યું.
-હિંદીમાં સાઠ, ઈંગ્લીશમાં ચાલીશ, બી.એ. માં પચાસ.
-કેમ આટલા ઓછા માર્ક્સ? તારા ટીચરને કહેવું પડશે કે તને આખું વર્ષ બરાબર ભણાવે.
-મેરે સ્કુલકે કીસી ભી ટીચરમેં ઇતના દમ નહીં, જો સાકેતકો તીનસો પૈંસઠ દિન પઢા શકે, અન્ડરસ્ટેંડ મોમ?
-બુન, બાબ્ભાઈ હું કે સે? સીતાએ પૂછ્યું.
-સીતા, તેં ગબ્બરસીંગનો આ ડાયલોગ સાંભળ્યો છે? દુનિયાકી કિસી ભી જેલકી દિવાર ઈતની પક્કી નહીં હૈ,  જો ગબ્બરકો બીસ બરસ તક કૈદમેં રખ શકે.
-બઈરું મને તો કંઇ હમજાતું જ નથ. તમારું આ ડા..ડા..ડાય..
-ડાયલોગ.  સીતા. કંઈ વાંધો નહીં. તું જા, કપડાં ધોઈ નાંખ.
-કિતને સવાલ થે તેરે પેપરમેં સાકેત? એક્ઝામ આપીને આવેલા સાકેતને એના પપ્પા જીતુએ પૂછ્યું.
-સાત,  સરદાર. સોરી પપ્પા, સાત સવાલ.  
-હં સવાલ થે સાત, ઔર તૂને લીખે કીતને?
-પૂરે તીઈઈ..ન પાપા.
-સવાલ થે સાત, ઔર તૂને લીખે તીન. ફિર ભી વાપસ આ ગયા? ક્યા સોચકર આયા? પાપા ખુશ હોંગે? શાબાશી દેંગે? અરે એય પલ્લવી, કૈસા ઔર કિતના નામ હૈ એજ્યુકેશન ફિલ્ડમેં હમાર?
-બહુત બડા નામ હૈ  સી..એ. ફિલ્ડમેં આપકા, સરદાર.  મેં કહ્યું.
-સુના? ઔર વો ઇસ લીયે કી પચાસ- પચાસ કોસ દૂર તક જબ કોઈ બચ્ચા એકાઉન્ટ્સમેં ફેલ હોતા હૈ તો ઉસકી માં કહેતી હૈ, બેટે, અચ્છે માર્ક્સ લાને હો તો જીતુ અંકલસે પઢ, વરના ફેલ હી ફેલ હોતા રહેગા. ઔર આજ તૂને હમાર પૂરા નામ મિટ્ટીમેં મિલાઈ દિયા. ઐસી બેકાર માર્કશીટ લેકર આ ગયા. અરે એઈ જીગર, બતા તો કિતની  રોટીયાં હૈ ઉસ ડિબ્બે કે અંદર? 
-પૂરી પંદ્રહ, પાપા. જીગરે કહ્યું.
-સાકુ, આજ તુઝે ઇસમેં સે એક રોટી ભી નહીં મિલેગી. જીતુએ કહ્યું
-સાકુ, આજ અગર તુઝે પાપાસે કોઈ બચા શકતા હૈ તો વો સિર્ફ એક હી આદમી, આઈમીન એક હી ઔરત હૈ, મમ્મી. જીગરેકહ્યું.
-આજ મૈં કિસીકી ભી સુનને વાલા નહીં હું. જીતુએ કહ્યું.
-અબ તેરા ક્યા હોગા, સાકા? જીગરે કહ્યું.
-મૈને આપકા નમક ખાયા હૈ પાપા, સાકેતે કહ્યું.
-અચ્છા? ફિર ઠીક હૈ, લે અબ રોટી ખા. જીતુએ કહ્યું.
-અરે ! તું તો બચ ગયા, સામ્ભા. જીગરે કહ્યું.
-જો ડર ગયા વો મર ગયા, હે હે હે હે. સાકેતે કહ્યું.

સીતાએ પોતું મારતાં મારતાં જોયું કે આ તો ફક્ત બાબ્ભાઈમાં જ નહીં, પણ ઘરનાં તમામ સભ્યોમાં શોલે ના પાત્રોના ભૂત પ્રવેશવા માંડ્યા છે. પછી તો એ પણ ખુબ એ રસપૂર્વક અમારા ડાયલોગ સાંભળતી. ટી.વી. પર શોલે ફિલ્મ ચાલતી હોય ત્યારે તમામ કામ બાજુ પર મૂકી ખુબ ધ્યાનથી એ જોતી અને સાંભળતી. એટલું જ નહીં, શોલે જોવા એના ઘરવાળાને કહીને ક્યાંકથી સેકન્ડ હેન્ડ ટી.વી. પણ પોતાના ઘરે વસાવી લીધું અને અમને એના ગોળ ધાણા પણ ખવડાવ્યા.

સાકેતને લખવાની પ્રેકટિસ થાય એટલા માટે મેં એકવાર એને હિંદીનું પેપર લખવા બેસાડ્યો. એણે અધવચ્ચેથી ઉઠીને ટેપરેકોર્ડર પર કેસેટ મૂકીને ચાલુ કરી.
કેસેટ બંધ કર અને ધ્યાનથી પેપર લખ, સાકેત
-મમ્મી, જબ તક યે ટેપરેકોર્ડરમેં કેસેટ બજેગી તબ તક સાકેત કી પેન પેપર પર ચલેગી. જબ યે કેસેટ રુકેગી, સાકેતકી પેન રુકેગી. 
-મમ્મી, તુ યે સામ્ભાકી બાતમેં મત આના. જીગરે કહ્યું.
-માં કસમ જીગર, મૈં તેરા ખૂન પી જાઉંગા. સાકેતે કહ્યું.
-ધર્મેંદ્ર જેવી ડ્રેક્યુલાગીરીન દેખાડ, સાકા. પાણી પીવાના તો ઠેકાણા નથી અને ભાઈસાહેબને ખૂન પીવા છે. 
જો આ એક મસ્ત જોક સાંભળ:
એક મુસાફર જંગલમાંથી પસાર થતો હતો, ત્યાં સામે એને સિંહ મળ્યો. સિંહે એને કહ્યું, અબે એય, ઊભો રહે મારે તારું લોહી પીવું છે. મુસાફરે કહ્યું, મહારાજ, તમે બીજા કોઈ જનાવર નું લોહી કેમ પીતાં નથી? મારુ લોહી તો ઠંડુ છે. સિંહે શાંતિથી કહ્યું, આજે મારે કોલ્ડ્રિંક પીવું છે.  જીગરે જોક પૂરો કર્યો.
-હે હે હે. કંઈ હસવું ના આવ્યું. સાકેતે કહ્યું.
-અચ્છા? તેરા નામ ક્યા હૈ સાકેત?
-મુઝે યું તો ફિઝુલ કી બાતેં કરનેકી આદત તો હૈ નહીં, પર ક્યું કી તૂમને પૂછા હૈ તો મૈં બતાઈ દેતા હૂં, કિ મેરા નામ સાકેત હૈ.
-અચ્છા? પહેલી બાર સુના. જીગરે કહ્યું.
-જીગર- સાકેત, જમવા ચાલો. મેં રસોડામાંથી બૂમ પાડી.
-આજે સબ્જી શું બનાવી છે, મમ્મી? જીગરેપૂછ્યું.
-તારા ફેવરીટ મગ બનાવ્યા છે, બેટા.
-તુમ્હારી સબ્જીકી કસમ ખાકર કહેતા હૂં અમ્મીજાન, એક એક મૂંગકો ચુનચુન કર ખા જાઉંગા. મૈં આ રહા હું. સકેતે કહ્યું.
-મમ્મી, આ સામ્ભો બધા મગ ઝાપટી જાય તે પહેલાં મારા માટે થોડા જુદા કાઢી રાખજે, હું પ્રણવને આ બુક આપીને હમણાં આવું છું. જીગરે કહ્યું.
-અગર કિસીને મેરે મૂંગ પે હાથ ડાલનેકી કોશિશ કિ તો મૈં ઉસે ભૂનકર રખ દૂંગા.
-ભૂનકર બાદમેં રખના, સાકેત. પહેલાં પાણીની આ બોટલ ભરીને ફ્રીઝમાં મૂકી દે.
-એ કામ મારું નથી, મમ્મી.એ તો છોકરીઓનું એટલે કે તારું કામ છે.
-હું જો છોકરી થઈને કાર ડ્રાઈવ કરી શકું, તો તું છોકરો થઈને પાણી કેમ ન ભરી શકે?
-પોઈંટ ટુ બી નોટેડ મિ. લૉર્ડ. જબ ધન્નો ઘોડી હોકર ટાંગા ખીચ શકતી હૈ, બસંતી લડકી હોકર ટાંગા ચલા શકતી હૈ તો સાકેત લડકા હોકર પાની ક્યું નહીં ભર શકતા? માં, મૈં અભી પાની ભર દેતા હું.
બહુત પ્યારી બાતેં કરતા હૈ રે તૂ સાકેત. જીગરે કહ્યું.
-ઔર બહુત સારી બાતેં ભી કરતા હૈ, તુ ક્યારે સુધરશે સાકેત? મેં કહ્યું.
-બસ, આ જગ્ગુ સુધરશે ત્યારે. હે હે.. જીગર, તું ક્યારે સુધરશે? સાકેતે કહ્યું.
-તું ચિંતા ન કર. પપ્પા સુધરી જશે એટલે હું ય સુધરી જઈશ.
-પલ્લવી, તને લાગે છે કે તું અમને બધાંને સુધારી શકીશ? જીતુએ હસીને પૂછ્યું.
-જુવો, તમે બધાં એક જોક સાંભળો:
પતિ: (પત્નીને) ઊંહ! આવા જંગલી કૂતરાને તું કંઈ શીખવાડી શકીશ એવું તને કેમ લાગે છે?
પત્ની: કેમ, મેં તમને પણ તો કેટલું બધું શીખવાડ્યું જ છે ને?
-ગુડ જોક. લેકિન હમ અંગ્રેજકે જમાને કે જેલર હૈ. હમ નહીં સુધરેંગે.
-ભલે, પણ તમે ત્રણે હવે બહાર જાઓ તો મહેરબાની. મારે રસોડું સાફ કરવાનું છે.
-એય, ચલો સિપાઈઓ, આધે દાંઈને જાઓ, આધે બાંઈને જાઓ, બાકીકે મેરે પીછે આઓ- એક દો તીન એક-   સાકેતે કહ્યું.
-સાકેત, એક્ઝામને હવે એક વીક જ રહ્યું છે. તેં મને વાયદો કર્યો હતો, વાંચવા બેસ.
-મમ્મી, યે વાદા અગર જીગરને કીયા હોતા તો મૈં જરૂર તોડ દેતા. પર ક્યું કિ યે વાદા મૈને કિયા હૈ તો મૈં પઢને બૈઠતા હૂં. મૈં હિંદી પઢું,  માં?
-હિંદીની ટેક્સ્ટબુક વાંચ, સાકેત. એમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે.
-હિંદીકી કિતાબ નહીં ગાઈડ પઢી જાતી હૈ, વહી કાફી હૈ, અમ્મીજાન.
-ઓ.કે. તું હવે ચુપચાપ વાંચ. મરે પણ આ મેગેઝીનનો આર્ટિકલ વાંચવો છે.
-મમ્મી, તું મને ચોકલેટ આપવાની હતી.
-મને આ આર્ટિકલ વાંચી લેવા દે, પછી આપું.
-ક્યા આજ તેરા મેગેઝીન પઢના મુજે ચોકલેટ દેનેસે ભી જ્યાદા ઇમ્પોર્ટંટ હો ગયા? કિ આજ તેરે દિલમેં અપને બેટે કે લિયે વો પ્યાર નહીં રહા, અમ્મીજાન?
-ચાલ હવે, શોલે ના વીરુનું નાટક બંધ કર, વાંચવા દે સાકુ.
-મુઝે ચોકલેટ દે દે માં, વરના મૈં સુસાઈડ કરુંગા. ઈસ સ્ટુલસે કૂદકર મૈં અપની જાન દે દૂંગા.
-અબે એ ય નૌટંકી! તારું નાટક બંધ કર. મોમ, તું ફિકર મત કર. આરામસે આર્ટિકલ પઢ લે. જબ ઉસકે સર સે વીરુકા ભૂત ઉતરેગા તબ યે ભી સ્ટુલસે નીચે ઉતર આયેગા. જીગરે કહ્યું.
-યે શરબત કા પ્યાલા હમે દઈ દે જીગર. સાકેતે રસોડામાં જઈને જીગરના હાથમાંથી શરબતનું ગ્લાસ ખેંચતા કહ્યું.
-નહીં.
–દઈ દે.
-નહીં.
-દઈ દે.
બન્નેની ખેંચતાણમાં ગ્લાસ છટકીને નીચે પડે છે, અને ફૂટી જાય છે.
-હે હે. ફૂટ ગયા પ્યાલા, સામ્ભા.
-બહુત શરબત થા ઇસ પ્યાલે મેં, જીગર. જબ પચાસ પચાસ કોસ દૂર તક કોઈ બચ્ચા રોતા હૈ તો માં કહેતી હૈ, બેટે ચુપ હો જા, વરના ગબ્બરસીંગ આ જાયેગા. ઔર જબ કીચનમેં કોઈ બર્તન ફૂટતા તો મૈં કહેતા હૂં, જીગર ભાગ જા, વરના મમ્મી આ જાયેગી. હે ઇ, ભાગો, મમ્મી આવી.
એકવાર કોઈ અજાણી કંપનીનો શિખાઉ સેલ્સમેન એક મીની ઘરઘંટીના ડીસપ્લે માટે ઘરે આવ્યો, અને મને પૂછ્યું, મેડમ, આપ કૌન સી ચક્કીકા આટા ખાતે હૈં?’ ત્યાં ડ્રોઈંગરૂમમાં ફર્નિચર સાફ કરી રહેલી સીતાએ એને કહ્યું, રામગઢ વાલે કોઈ પણ ચક્કીકા આટા ભલે ખાતા હોય, અમી મૌલીક વીલા વાલે તો અમારે ઘર કી ચક્કી કા આટા જ ખાતા હૈ, સમજીયા?’ 
હું આ સાંભળીનેબોલી ઊઠી:
વાહ સીતા વાહ!  આજ તો તૂને ગબ્બરસીંગ કા નામ પૂ...રા આસમાન પે ચઢાઈ દીયા !