Tuesday 28 June 2016

પ્રોસેસ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ધેન પ્રોડક્ટ.

પ્રોસેસ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ધેન પ્રોડક્ટ.        પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

પ્રાણીશાસ્ત્ર નાં પ્રખર અભ્યાસુ એવા એક વિદ્વાન મનુષ્યે કહ્યું છે, ‘પ્રાણીઓ સવારથી સાંજ સુધી કામ કરે છે, અને તેઓ  શારીરિક થાક અનુભવે છે, ત્યારે જ આરામ કરે છે.’  પરંતુ  ઘણા બધાં પ્રાણીઓનું નિરીક્ષણ કર્યા બાદ મને જણાયું છે કે –‘મોટેભાગે ના પ્રાણીઓ દિવસનો (અને કદાચ રાત નો પણ) મોટો ભાગ આરામમાં ગાળે છે, અને કોઈ (આ કોઈ એટલે મનુષ્ય અથવા ભૂખ) એમની પાસે પરાણે કામ ન કરાવે, ત્યાં  સુધી તેઓ કામમાં પ્રવૃત્ત થતાં નથી.’  આ વાત હું એમ ને એમ નથી કહેતી, પરંતુ એના અનેક ઉદાહરણો આપીને કહું છું.

અમારે ત્યાં બિલાડી નું એક બચ્ચું છે. એને રોટલી બતાવીએ તો પણ એ જલદીથી ઊઠીને રોટલી ખાવા આવતું નથી. હા, એ બેઠું હોય ત્યાં રોટલીનો ટુકડો મૂકીએ તો થોડીવાર રોટલી ની સામે જોઈ રહે, પછી જરા આળસ મરડે, અને પછી જાણે આપણા પર ઉપકાર કરતુ હોય એમ રોટલી ખાય. દિવસનો મોટો ભાગ એ ઊંઘ્યા કરે છે. કોઈ રસોડામાં જાય તો ‘મ્યાઉ – મ્યાઉં’ કરીને ખાવાનું માંગે. આખા દિવસની પ્રવૃત્તિ માં ફક્ત ક્યારેક ક્યારેક પોતાના શરીરને ચાટીને ચોખ્ખું કરવાનું કામ કરે, બસ.અમારા પડોશીનો કૂતરો પણ ભસવા કે પૂંછડી પટપટાવવા  સિવાય ખાસ કશું કામ કરતો નથી. અમારા દૂધવાળા રબારીની ભેંસ પણ ખાવા અને વાગોળવા સિવાય કશું કામ કરતી નથી. મે જોયું છે કે – ગધેડાઓ પણ ડફણા નો માર પડે તો જ કામ કરવા તૈયાર થાય છે.

આ બધા ઉદાહરણો જોતાં, ઉપરનું વિદ્વતા પૂર્ણ વિધાન, ‘પ્રાણીઓ સવારથી સાંજ સુધી કામ કરે છે, અને તેઓ  શારીરિક થાક અનુભવે છે, ત્યારે જ આરામ કરે છે.’ એ સાચું જણાતું નથી. માણસને વારંવાર આ વિધાન કહીને, પ્રાણીઓના ખોટા દાખલા આપીને, એને કામ કરવા પ્રેરિત કરવાનું, કોઈ વિદ્વાન માણસનું આ કાવતરું હોય એવું મને તો જણાય છે. 
બાકી સ્વાનુભવે મને તો જણાયું છે કે, - મનુષ્ય જ એક એવું પ્રાણી છે, જે સવારથી સાંજ સુધી કામ કરે છે, એટલું જ નહિ પરંતુ ક્યારેક તો રાત્રે પણ કામ કરે છે.  અરે, દિવસો ના દિવસો સુધી અને રાતોની રાતો સુધી એ કામ કરે છે. ઘણીવાર તો શારીરિક થાક અનુભવે છતાં આરામ કરતો નથી, તો પછી માનસિક થાક તો ગણતરીમાં લેવાનો સવાલ જ ઊઠતો નથી. આપણા લાડીલા નેતા જવાહરલાલ નહેરુ જ આપણને સૂત્ર આપતા ગયા છે, ‘આરામ હરામ હૈ.’ જ્યારે મનુષ્ય સિવાયના પ્રાણીઓ ‘આરામ હમારા રામ હૈ’ નું સૂત્ર પાળી રહ્યા છે.

કેટલાંક પ્રાણીવીદ તો એમ પણ કહે છે, ‘ પ્રાણીઓ ક્યારે ય થાક કે કંટાળો અનુભવતાં નથી.’ પણ મને તો લાગે છે કે, પ્રાણીઓ જ વધુમાં વધુ થાક કે કંટાળો અનુભવે છે. તેથી જ સ્તો તેઓ દિવસનો મોટો ભાગ નિષ્ક્રિય થઈને પડી રહે છે. નથી તો તેઓ ગઈકાલ નો વિચાર (અફસોસ) કરતાં કે નથી તો તેઓ આવતી કાલનો વિચાર ( ચિંતા) કરતાં. વિદ્વાનો કહે છે કે, ‘માણસો થાકીને કે  કંટાળીને કામ કરવાનું છોડી દે છે જ્યારે પ્રાણીઓ તેમ નથી કરતાં.’ તો તેનું એક કારણ એવું ય છે કે, પ્રાણીઓ કામ જ નથી કરતા.

આ વાત પેલી જોક જેવી છે:

જજ : (વકીલને) તમારા અસીલના છુટાછેડા લેવા પાછળનું કારણ શું છે?
વકીલ: ‘લગ્ન’ નામદાર.
જે માણસે લગ્ન કર્યા હોય એને જ છુટાછેડાની લમણાઝીંક કરાવી પડે, વાંઢાને વળી આવી બધી શી પંચાત? અને એટલે જ જે પ્રાણી ( એટલે કે માણસ) કામ કરે એને થાક પણ લાગે જ અને કંટાળો પણ આવે જ.
પ્રાણીશાસ્ત્ર નાં અભ્યાસનું એક તારણ એવું ય છે કે – ‘પ્રાણીઓ રાત્રે આરામથી ઊંઘી જાય છે, જ્યારે માણસને રાત્રે ઊંઘ આવતી નથી અને સવારે ઊંઘમાંથી જાગવાનું મન થતું નથી.’ આ તારણ માત્ર એક જ હકીકત નું બયાન કરે છે, કે – પ્રાણીઓને કોઈ ચોઈસ – બોઈસ જેવું કંઈ છે નહીં. ‘રાત પડી, અંધારું થયું, સુઈ જાવ. સવાર થઇ, અજવાળું થયું, જાગી જાવ’

જ્યારે માણસની સામે તો રમણીય રાત્રીના કેટકેટલાં આકર્ષણો પડેલાં છે. રાત્રે નાઈટ ક્લબ માં જઈને ડ્રીંક, ડીનર અને ડાન્સ કરવાનું, બમ્પર ઇનામો વાળી હાઉસી અને તીનપત્તી રમવી, જોવા જેવી (કે પછી ન જોવા જેવી) લેઇટ નાઈટ ફિલ્મો જોવી, બે નંબરના અઢળક નાણા ગણીને (કે ગણ્યા વિના)  સુટકેસમાં ભરી એને માળીયે ચઢાવવી. રાત્રે ૧૨ થી ૮ દરમ્યાન ફ્રી મળતા ઈન્ટરનેટ નાં કલાકો વાપરવા, મિત્રો સાથે ગપ્પા મારવા, અને બીજું ઘણું બધું.

 આવા અગણિત આકર્ષણો જેની સામે બાહો ફેલાવીને પડ્યા હોય, તે રાત્રે વહેલો સુઈ જ શી રીતે શકે? અને જે રાત્રે વહેલો સુઈ ન શકે એ સવારે વહેલો ઊઠી શી રીતે શકે?  ‘રાત્રે વહેલો સુઈ જે વહેલો ઊઠે વીર, બળ બુધ્ધિ  ને ધન વધે  સુખમાં રહે શરીર.’ એ પંક્તિ પણ કોઈ પ્રાણીવીદે પ્રાણીઓની ફેવર કરીને જ લખી છે, મનુષ્યને ભલા એની સાથે શી લેવા દેવા?
પશુ પક્ષકારો કહે છે કે –‘કુદરતે પોતાનો ખજાનો જે પ્રાણીઓ સામે ખુલ્લો મૂક્યો છે, તે જ ખજાનો મનુષ્ય સામે પણ ખુલ્લો મૂક્યો છે. રંગ બેરંગી ફૂલો, ખળ ખળ વહેતી નદીઓ, ઘટાઓ. રમણીય પર્વતો, વગેરે વગેરે.. પણ પ્રાણીઓ આ ખજાના નો ભરપૂર આનંદ માણે છે, જ્યારે મનુષ્ય એનો જોઈએ તેટલો આંનદ માની શકતો નથી.’

આની પાછળનું કારણ વિચારતા મને લાગે છે કે, મનુષ્ય વિચારશીલ પ્રાણી છે. એ નજીકના અને દૂરના ભવિષ્ય વિશે વિચારી શકે છે. (માત્ર લગ્ન કરતી વખતે જ આ વિચાર શક્તિ કુંઠિત થઇ જાય છે) એને ખબર છે કે, રંગ બેરંગી ફૂલો મૂરઝાઇ જવાના છે, ખળ ખળ વહેતી નદી સૂકાઈ જવાની છે, ઘટાઓ વિખેરાઈ જવાની છે, અને ડુંગરા તો દુરથી જ રળિયામણા છે.

આવી સમજની પ્રતીતિ જ એના આનંદ ને ઉડાડી મૂકે છે. પ્રાણીઓ નહાય છે, ખાય છે, પીએ છે ત્યારે બધી પ્રક્રિયાઓ એમને આનંદ આપનારી છે, જ્યારે માણસ ખાતી વખતે વિચારે છે, ‘આજે ઉઘરાણીના રૂપિયા ન આવ્યા તો ઝેર ખાવાનો વખત આવશે.’ અથવા ‘આજે કામવાળી ન આવી તો વાસણ જાતે ઘસવા પડશે’

પાણી પીતી વખતે માણસ વિચારે છે, ‘આ વખતે પાણીનો બોર ઊંડો કરાવવા ખર્ચની જોગવાઈ કરવી પડશે’ માણસ નહાતી વખતે વિચારે છે, ‘સાલું, જ્યારથી ગીઝર મૂકાવ્યું છે, ત્યારથી લાઈટ બીલ જાલિમ આવે છે, ઈલેક્ટ્રીસીટી વાળા બેફામ ટેક્સ લઈને વગર પાણીએ નવડાવી નાખે છે’

આવા આવા વિચારોને લીધે જ માણસ પ્રક્રિયાનો આંનદ લઇ શકતો નથી. માણસે જ કહેવત કરી છે કે – Process is more Important than Product.’  અન્ય કહેવતોની જેમ આ કહેવત પણ  એણે માત્ર કહેવા માટે જ કરી છે,  અનુસરવા માટે નહી. એ જે હોય તે, પણ એક વાત અહીં નિર્વિવાદ સાબિત થાય છે કે – ‘પ્રભુએ માણસને વિચારશક્તિ આપીને ભારે અન્યાય કર્યો છે.’

મારી એક ફ્રેન્ડ આ સાંભળીને કહે છે, ‘ભગવાને માણસને હસવાનું વરદાન આપ્યું છે, જ્યારે પ્રાણીઓ હસી શકતા નથી.’ વાત એની એક રીતે સાચી છે, પરંતુ હસવાની તક મળે ત્યારે પણ માણસ વિચારમાં પડે છે, ‘હું હસું? કે નાં હસું? હસવાથી મને શું ફાયદો થશે?’  અને  માણસ આવું વિચારવામાં હસવાનું પણ ચૂકી જાય છે. અમે ‘હાસ્યલેખો’ લખી લખીને માણસને હસવાનું યાદ કરાવીએ છીએ, એ વાંચીને પણ એને હસવું ન આવે તો તો પછી- ‘જેવા જેના નસીબ’

માણસ સિગારેટ, તમાકુ, દારુ જેવા વ્યસનોનું સેવન  કરે છે. નાટક – ચેટક કે ફિલ્મો જોવા જાય છે. નાચ – ગાનનો જલસો ગોઠવે છે. તે કઈ આનંદ મેળવવા માટે નથી કરતો,  પરંતુ થાક અને કંટાળો દૂર કરવા માટે કરે છે, અને એમાં ક્યારેક સફળ પણ થાય છે. જેમણે ‘વીજળીના બલ્બ’ ની શોધ કરી, એ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ‘થોમસ આલ્વા એડીશન’ જેવા કેટલાક કામને જ આનંદ ગણતાં અને કામમાં પોતાની જાતને પણ ભૂલી જતા મનુષ્યો ની વાત જુદી છે. એકવાર એમની પત્નીને તેઓ ફરવા લઇ જવા તૈયાર થયા. પત્નીએ ભૂલથી એમને કહ્યું, ‘તમારી મનપસંદ જગ્યાએ ફરવા લઇ જાવ’ તો એડીશન પત્નીને પોતાની સદા પ્રિય એવી જગ્યા  પ્રયોગ શાળામાં ફરવા લઇ ગયા.

એડીશન જેવા મહાન માણસો કામથી થાક કે કંટાળો ન અનુભવે તે વાત જુદી છે. પરંતુ બધા માણસો કંઈ થોમસ આલ્વા એડીશન નથી હોતાં.  



Tuesday 21 June 2016

આપણે જીવીએ છીએ શાના માટે?

આપણે જીવીએ છીએ શાના માટે?   પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

પતિ: હજી સુધી જમવાનું તૈયાર નથી થયું? હવે રહેવા દે, હું બહાર જમી લઈશ.
પત્ની: પાંચ મિનિટ રાહ જુવો.
પતિ: કેમ, પાંચ મિનિટ માં જમવાનું તૈયાર થઇ જશે?
પત્ની: ના, પાંચ મિનિટમા હું તૈયાર થઇ જઈશ. હું પણ આજે તમારી સાથે હોટલમાં જ જમી લઈશ.

પતિ પત્ની વચ્ચેનો આ સંવાદ બતાવે છે કે હોટલના એટલે કે રેસ્ટોરાં ના ખાણાની મજા જ કંઈ અનેરી હોય છે. બાળકો પણ ‘આજે તો હોટલમાં ખાવા જવાનું છે’ એમ સાભળે તો અતિ આનંદ માં આવી જાય છે. પત્ની કલાક બે કલાક ની મહેનત બાદ રસોઈ તૈયાર કરે છે, અને પતિ ઓફીસ જવાની હાય વોય મા પાંચ કે દસ મિનિટ મા રસોઈ ઝાપટીને ઊભો થઇ જાય છે.  જો કે એ જ ગૃહસ્થ કોઈ  હોટલમાં જમવા જાય છે ત્યારે ખુબ જ શાંતિ પૂર્વક અર્ધો કલાક કે એક કલાક જમવામાં ગાળે છે.

ઘરમાં પત્નીને રસોઈ બનાવતા પાંચ દસ મિનિટ મોડું થઇ જાય તો પગ પછાડતો, સ્વસ્તિવચનો  સંભળાવતો કે જમ્યા વિના ઓફેસે જતા રહેવાની ધમકી આપતો પતિ , રજાના દિવસોમાં હોટલની લાંબી લાઈનમાં ઊભા રહી,  કે કલાક વેઈટીગ રૂમમાં બેસીને વારો આવવાની રાહ જોતો, શાંતિથી જમવા તૈયાર થાય છે. આના પરથી પણ અનુમાન કરી શકાય છે કે ઘરનાં   ખાવાનાં   કરતા હોટલનું ખાવાનું કેટલું સ્વાદિષ્ટ, ચટાકેદાર અને લિજ્જતદાર  હોય છે. આમ હોટલ જ એક એવી સંસ્થા છે કે જે એક ‘ગૃહસ્થ’ ને  ‘સદ ગૃહસ્થ’ બનાવે છે
.
ઘરમાં તો પત્ની એ જે દિવસે, જે વેળાએ, જે કંઈ બનાવ્યું હોય તે ખાવું પડે છે, એમાં પસંદગીને કોઈ અવકાશ નથી. જ્યારે હોટલમાં મેનુ માથી મનપસંદ વાનગીઓ મંગાવવાનો અવકાશ હોય છે. એનાથી  સ્વાદેન્દ્રિય વધુ તીવ્ર થાય છે અને  પાચેન્દ્રીય વધુ કાર્યરત થાય છે. વાનગીઓમાં જરા પણ  કંઈ ગરબડ લાગી તો પૂરા વટથી એને બદલાવી શકાય છે. જ્યારે ઘરમાં? વધુ પડતા નમક કે મરચાની વાત કરી તો શ્રીમતીજી ને મરચા લાગી જાય છે, અને એ એકતરફી ચર્ચા થી  શ્રીમાનના આંખમાં પાણી લાવીને જ જંપે છે. પછી તો પતિ પણ આવા સ્વાદભર્યા (??) ભોજનથી ટેવાઈ જાય છે,  અને ‘આ તો રોજ નું થયું’ એમ મનમાં બબડી ચુપચાપ જમીને ઊભો થઇ જાય છે.

એવું કહેવાય છે કે, ‘વાનગી બનાવનાર અને પીરસનારના મૂડ ની અસર જમનારના પાચનતંત્ર પર થતી હોય છે. હિંગ – હળદરની વાસ અને ડાઘ વાળા કપડા પહેરેલી, અસ્ત વ્યસ્ત વાળ વાળી  અને ચઢેલા મોં અને બગડેલા મૂડ વાળી વાઈફ રોટલી  પીરસે તે કરતાં સુઘડ યુનિફોર્મ વાળો વેઈટર, સસ્મિત વદને રોટલી પીરસે તો માણસને બે રોટલી વધારે ખાવાનું મન થાય એ સમજી શકાય એવી વાત છે. (છેવટે પૈસા તો બન્ને જગ્યાએ ચૂકવવાના છે) 

ઘરમાં જમવા બેઠા હોય ત્યારે ક્યાં તો છોકરાઓ કકળાટ કરતા હોય, અથવા તો ટીવી પર કાવાદાવા વાળી કે ઢીશુમ-ઢીશુમ બ્રાંડ સીરીયલો કે મૂવી ચાલી રહ્યા હોય, યા તો પડોશમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હોય. ત્યારે તમે જ કહો ભલા, કોઈ માણસ શાંતિથી જમી જ કઈ રીતે શકે? જ્યારે હોટલમાં તો  મંદ મંદ પ્રકાશ વેરતી લાઈટ્સ હોય, ટેબલ પર ફ્લાવર વાઝમાં સરસ મજાના ફૂલો મૂક્યા હોય, સુમધુર સ્વરે સંગીત રેલાતું હોય ત્યારે? અહાહાહા! જમવાની જે લિજ્જત આવે છે તે હોટલમાં જમ્યા હોય તે જ જાણે.

ઘરમાં તો એનુ એ જ રસોડું, એ ના એ  જ ટેબલ-ખુરશી, એ ની એ જ રસોઈ, એ ના એ જ છોકરાં, એ ની એ જ વાઈફ...ઉફ! જ્યારે જુદી જુદી હોટલમાં, જુદા જુદા વાતાવરણમા અને ભાગ્યમાં હોય તો જુદી જુદી કંપનીમાં,  જમવાનું જેના નસીબમાં લખાયેલું હોય એ જ ભોગવી શકે. ન ભોગવી શકનારા ઈર્ષ્યા વશ કહે છે, ‘હોટલનું ખાણું વાસી, તળેલું અને વધુ પડતું મસાલેદાર હોઈ, આરોગ્યને નુકસાન કરે છે, ગઈ કાલના ગાંઠીયા આજ ની ચટણી હોય છે.’  તો એમને એટલું જ કહેવાનું કે ચટણી ચટાકેદાર હોય છે અને એની જ માંગ વધુ હોય છે. 

મારું તો એ કહેવું છે કે, ક્યારેય હોટલમાં નહિ ખાનારા, ફક્ત ઘરમાં જ ખાનારા ક્યારેય માંદા નથી પડતા શું?  મેં તો ‘આરો’  નું પાણી પીનારા ને જ કિડનીના રોગ નાં ભોગ બનતા વધુ જોયા છે.(આ તો માત્ર મારું અવલોકન અને મારો અભિપ્રાય છે) બાકી આ  પેટનું તો પેલી પટલાણી જેવું છે, જેમ પાળો એમ પળે.

એક સરપંચ પટેલને ત્યાં એક ખેલ કરનારો આવ્યો. એણે મોટી વજનદાર ભેંસ ને ખભા પર ઊંચકી બતાવી. પટેલે ખુશ થઈને એને એક સો એક  રૂપિયા ઇનામ આપ્યું. એ જોઈ પટલાણી બોલ્યા, ‘એમાં શું નવાઈ? આ તો કોઈ પણ કરી શકે.’ પટેલે કહ્યું, ‘તમે કરી બતાવો તો તમને પાંચ સો એક રૂપિયા આપું.’ પટલાણી એ છ મહિનાની મુદત માંગી. છ મહિના પછી પટલાણીએ પણ મોટી વજનદાર ભેંસ ઊંચકી બતાવી. પટેલે પાંચ સો એક રૂપિયા આપતા પૂછ્યું, ‘પટલાણી, આવું શી રીતે બન્યું?’ પટલાણી બોલ્યા,’ પ્રેકટીસથી, આપણી ભેંસને પાડી જન્મી તે દિવસથી મે રોજ એને ઊંચકવાની પ્રેકટીસ કરી, પાડીની ભેંસ બની ત્યા સુધી રોજ એને ઊંચકવાની પ્રેકટીસ થી ભેંસ ઊંચકી શકી.’

  પ્રેકટીસથી  માણસ શું ન કરી શકે? પથરા પણ પચાવી શકે. અમે દર ઉનાળે શેરડીનો રસ અઠવાડિયા માં ત્રણ દિવસ પીએ છીએ. અમારા પાડોશીએ દેખાદેખીમાં એક ઉનાળે શેરડીનો રસ આખી સિઝનમાં  માત્ર ત્રણ વખત પીધો, એમાં એમને કમળો અને કમળામાં થી મીસીસ કમળો (કમળી)  થઇ ગઈ,  નસીબની બલિહારી બીજું શું?

ઘણા કહે છે કે, હોટલમાં જે વાસણોમાં રાંધવામાં આવે છે તે બરાબર સાફ નથી હોતા. ઘરમાં પણ કામવાળા ન આવે ત્યારે એવું જ હોય છે ને? કેટલાક કહે છે કે, હોટલમાં ગ્લાસમાં ગ્રાહકોએ વધારેલા એંઠા પાણીમાં જ બીજું પાણી ઉમેરીને બીજા ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. પોઝીટીવલી  વિચારીએ તો એ રીતે ‘પાણીનો બચાવ’ જ થાય છે ને? પાણીનો બચાવ કરવું કેટલું જરૂરી છે. તમે જ કહો, એઠું ખાવું બિન આરોગ્યપ્રદ હોત તો ભગવાન શ્રી રામ શબરીના એંઠા બોર ખાત ખરા?

એક હોટલમાં અમે ચા પીવા ગયા ત્યારે વેઈટરે પૂછ્યું, ‘મેમસાબ કઈ ચા લાવું? બાદશાહી કે જનતા?’ અમે પૂછ્યું, ‘એ બે માં શું ફેર છે?’ એણે કહ્યું, ‘બાદશાહી ચા પીધા પછી ગ્રાહકોએ  કપમાં વધારેલી ચા ગરમ કરીને જનતાને આપીએ એ જનતા ચા.’  બાદશાહો (નેતાઓ) અને જનતા (પ્રજા) વચ્ચેનો આવો મીઠો સંબન્ધ આજે પણ સચવાઈ રહ્યો છે.
આજકાલ આરોગ્ય ખાતાના અધિકારીઓ હોટલો પર ત્રાટકીને બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરે છે. પણ જે લોકો નિયમિત પણે હપ્તા ચૂકવે છે એમને આવી પ્રક્રિયા માંથી પસાર થવું પડતું નથી. નિયમિત હપ્તા ભરનારી હોટલોમાં તો કાયમ આરોગ્યપ્રદ ખાવાનું જ મળે છે.

સંતાત્માઓ કહે છે, ‘કેટલું ક્ષણ ભંગુર છે આપણું  જીવન!’ આવા નાનકડા જીવનમાં જે થોડી ઘણી વેળાએ હોટલમાં જમવા જઈએ ત્યારે આરોગ્ય –બિન આરોગ્ય ની કડાકૂટ માં પડ્યા વગર આનંદથી ભોજન લેવું. આખરે આપણે જીવીએ શેના માટે? (ખાવા માટે જ ને?)



Tuesday 14 June 2016

અપના ઘર.

અપના ઘર.     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

પુરાણ કાળમાં મહમ્મદ તઘલખે ભારતની રાજધાની માટે જેમ, ‘દિલ્હીથી દોલતાબાદ’ કરેલું,  એમ અમે મારા પતિદેવની નોકરી અર્થે ‘અમદાવાદ થી અતુલ’ અને ફરીથી  ‘અતુલથી અમદાવાદ’ કર્યું. દિલ્હીથી દોલતાબાદ કરવામાં જેમ અનેક ઘરડા માણસો ઉપર સિધાવી ગયા હતા, એમ અમારા અતુલથી અમદાવાદના કાર્યક્રમમાં ઘણા જુના ફર્નિચરના હાજાં ગગડી ગયા.

વેચવા કાઢ્યું તો લોકોએ મફતના ભાવે માગ્યું. અને રીપેર કરવા ધાર્યું તો સુથારોએ સ્પેશીયાલીસ્ટની કન્સલ્ટીંગ ફી જેવો ધરખમ ચાર્જ માંગ્યો. છેવટે  એ ફર્નિચરને ‘માથે પડેલા ઘર જમાઈ’ ની જેમ ઘરના સ્ટોર રૂમના એક ખૂણામાં નાખી, એના પર જૂની ચાદર ઓઢાડી દીધી. ‘દેખવું ય નહિ ને દાઝવું ય નહિ’ 
 
ભુતકાળમાં અમદાવાદમાં જ અમે ભાડાના પાંચ ઘર બદલ્યા હતા. ‘માણસ આજે સજ્જન લાગે છે, પણ આવતી કાલે એ જ ગુંડો ન થઇ જાય એની શી ખાતરી?’ એમ વિચારીને મકાન માલિકો ૧૧ મહિનાનો દસ્તાવેજ કરીને જ ઘર ભાડે આપતા. ‘અલક ચલાણી, પેલે ઘેર ધાણી’ ની રમત રમતા રમતા અમે ખુબ કંટાળી ગયા હતા. ‘કાશ! હમારા અપના એક ઘર હોતા, છોટા હી સહી પર અપના હોતા’ એ સ્વપ્ન હતું.

લગ્નની દસમી વર્ષગાંઠ પર સવાર સવારમાં પતિદેવે મને એક કીચેન ભેટ આપી.

-આને હું શું કરું?  મે મૂળભૂત સવાલ કર્યો.
-એમાં ચાવીઓ ભેરવજે. એમણે પ્રેમથી કહ્યું.
-ચાવીઓ? શેની ચાવીઓ?  
-ઘરની ચાવીઓ, આપણા ઘરની ચાવીઓ.
-હેં? તમે ઘર લીધું? આપણું ઘર? ક્યારે? ક્યાં? મે એકસામટા સવાલોની ઝડી વરસાવી.
એમણે મને ઘરની ચાવીઓની સાથે સાથે ઘરની ડીટેલ્સ પણ આપી. પછી તો અમારા પડોશીઓ, સગા વહાલાઓ, ઓફીસના લોકો અને મિત્રોએ અમારા નવા ઘરની વાત જાણી. બધાએ અમને વધાઈ આપી અને સવાલો પુછવા લાગ્યા. 
-હેં? તમે નવું ઘર લીધું? ક્યાં લીધું? કેટલામાં લીધું? ક્યારે રહેવા જવાના?
-બસ, પઝેશન મળે કે તરત.
-પઝેશન ક્યારે મળવાનું?
-અમે બધા પૈસા ચૂકવી દઈએ કે તરત.
-લગભગ ક્યારે રહેવા જશો?
-નક્કી નથી.

છેવટે બધા પૈસા ભરાઈ ગયા, પઝેશન મળી ગયું, એટલે  એક દિવસ નક્કી થઇ ગયું કે નવા ઘરમાં ક્યારે રહેવા જવું. મેં અમારો સામાન પેક કરવા માંડ્યો. જ્યારે પેક થયેલો સામાન ટ્રકમાં ચઢાવ્યો ત્યારે થયું, ‘અધધધ! આટલો બધો સામાન? અને તે પણ આટલા નાનકડા ઘરમાં હતો? અને આટલો સામાન હતો તો અમે આ ઘરમાં કેવી રીતે સમાયા? વળી મહેમાનો શી રીતે સમાયા?

નવા ઘરમાં મજુરોએ ટ્રકમાંથી ધડાધડ સામાન ઉતારવા માંડ્યો. મે કહ્યું,’જરા ધીમેથી, સંભાળીને - સાચવીને સામાન ઉતારો.’ તો મજુરો કહે, ‘કોઈ ચિંતા ન કરો, બેન. તમારા સામાનને કઈ નહિ થાય.’ જેમ કોઈ બાળક માં થી વિખૂટું પડી જાય એમ અમારા ફ્રિજનું ઉપરનું બારણું ફ્રીઝથી છુટું પડી ગયું. લાકડાના કબાટના બારણાનાં મિજાગરા છુટા પડી ગયા.સ્ટીલની પવાલી (મોટી ઉંચી તપેલી) માં મોટો ગોબો પડી ગયો.

ટીવી ની બે સ્વીચ મરડાઈ ગઈ. કાચના ત્રણ ગ્લાસ શહીદ થઈ ગયા. સ્ટીલની મોટી તિજોરીએ  પોતાની ભારેખમ કાયાને લઈને દાદર ચઢવાની નાં પાડી દીધી. એને દોરડેથી બાંધી ઉપરના રૂમની બાલ્કનીમાંથી ઉપર ખેંચી. આ ક્રિયા એને અરુચિકર લાગતા રિસાઈને એણે પોતાના અરીસાના સેંકડો ભાગ કરી, એ ભાગો  વેરવિખેર  કરી નાખીને રીસ પ્રગટ કરી. ગેલેરીની રેલીંગ તિજોરીનો ભાર ખામી ન શકી એટલે એક જગ્યાએથી બેવડ વળી ગઈ. મજુરોના કહેવા પ્રમાણે – ‘બસ, આટલું જ થયું, બીજું કઈ નો થ્યું.’

ફટાફટ સામાન ઉતરાવી, પૈસા લઇ ટ્રક વાળો મજુરો સાથે વિદાય થયો. પતિદેવ પણ સમય થતા ઓફિસે સિધાવ્યા. અને ‘કોઈ મહારાણી પોતાના ભૂતકાળના વૈભવી પરંતુ વર્તમાન કાળના ખંડિત સામ્રાજ્યના ખંડહરમાં બેસીને નિસાસા નાખે,’  એવી હું મારા ઘરના અવ્યવસ્થિત એવા સામાનના ઢગલા પર બેસી, ‘ક્યાંથી શરું કરું?’ એવું વિચારતી હતી. ત્યાંજ યાદ આવ્યું કે ફ્રીજ અને કબાટોની ચાવીઓ તો પતિદેવ ઓફીસ લઇ ગયા એ બેગમાં જ રહી ગઈ હતી. હવે?

મેં ઓફિસે એમને ફોન કર્યો તો એમને મને કહ્યું, ‘તું સામાન છૂટો પાડવા માંડ, હું કલાકેક માં આવું છું.’ મેં  સામાન છૂટો પાડવા માંડ્યો. ત્રણ કલાક પછી તેઓ આવ્યા. અને મને ઘરના સામાનના ઢગલા વચ્ચે બેઠેલી જોઇને હેબતાઈ ગયા.

-અ...આ... આ... બધું શું છે? માંડ માંડ એ અવાજ કાઢી શક્યા.
-આ આપણા ઘરનો સામાન છે.  મેં નિર્દોષતા પૂર્વક કહ્યું.
-એ તો મને પણ દેખાય છે, પણ એ બધો ફેલાવ્યો છે કેમ?
-લો, તમે જ તો ફોન પર કહ્યું હતું કે સામાન કાઢતી થા, હું આવું છું.
-માય ગોડ, આટલો બધો સામાન ક્યારે ગોઠવાશે? એમ કર, તું નીચે રસોડામાં સામાન ગોઠવતી થા, હું ઉપર બેડરુમનો સામાન ગોઠવી નાખું, બરાબર?  

મેં નીચે રસોડામાં સામાન ગોઠવવા માંડ્યો. પાડોશી આવીને જમવાનું આપી ગયા. હું એમને ‘હવે આપણે જમી લઈએ?’ એમ કહેવા ઉપર ગઈ. જઈને જોયું તો પતિદેવ ગાદલાના ઢગલા ઉપર ઘસઘસાટ ઊંઘતા હતા.
     


Sunday 5 June 2016

માણસ ધારે એ કરી શકે?

માણસ ધારે એ કરી શકે?       પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મેં ઘણીવાર સાંભળ્યું છે કે, ‘મનુષ્ય ધારે એ કરી શકે.’ વાચક મિત્રો, શું આ વાત તમને સાચી લાગે છે? મને તો એ વાત ક્યારેય સાચી નથી લાગી. બહુ ભાગ્યે જ આપણે આપણુ ધારેલું કરી શકીએ છીએ. મોટે ભાગે તો આપણે બીજાનું ધારેલું જ કરવું પડતું હોય છે.
ધીરુભાઈ અંબાણીનું એક સરસ વાક્ય અહી યાદ આવે છે, ‘If you Don’t build your Dream, Someone else will hire you to help them build theirs’  મતલબ કે તમે પોતે તમારા સ્વપ્ના ચણશો નહિ તો બીજા એમના સ્વપ્ના ચણવામાં તમને નોકરીએ રાખી લેશે.’ એટલે ભલે ધારેલું કરી શકીએ કે નહિ, ધારવું તો જોઈએ જ. હવે વાત કરીએ ધારેલું કરી શકીએ કે નહિ એ વિશે.

શિક્ષક: રાહુલ, તારા પપ્પા શું કરે છે?
રાહુલ: મારી મમ્મી જે કહે તે.  

ખેર! આ તો એક જોક થઇ. પરંતુ ઘણા લેખકો લખે છે કે ‘સ્ત્રી જ્યારે પિયરમાં  હોય છે ત્યારે એણે એના પિતાજીનું કહ્યું કરવું પડે છે, પરણે ત્યારે પતિનું કહેલું કરવું પડે છે, અને માતા બન્યા પછી દિકરો કહે તેમ કરવું પડતું હોય છે.’
મને લાગે છે કે, નસીબ જોગે  કોઈક વખતે ભલે આપણે આપણું ધારેલું કરી શકતા હોઈશું, પણ મોટેભાગે તો આપણે જે કાર્યો ન કરવા ધાર્યા હોય તે જ કરવા પડતા હોય છે. આપણે સાવ આવડા અમથા (અંગુઠા જેવડા?) નાના નાના હોઈએ ત્યારથી આ નિયમ લાગુ પડે છે.
આપણો જન્મ થાય અને આપણને રમાડવા આવનાર કોક બહેન આપણી મમ્મીને કહે, ‘લ્યો, આ વખતે તો અમને એમ હતું કે તમને બાબો જ આવશે, પણ તમે તો બેબલીને લઇ આવ્યાં.’ કેમ જાણે આપણા માતા પિતા એમની ઈચ્છાનો અનાદર કરીને આપણને બજારમાંથી વેચાતા ન લઇ આવ્યા હોય!

આપણે ધારીએ કે ઘરમાં હવે કોઈ મહેમાન નથી તો શાંતિથી એક ઊંઘ ખેંચી કાઢીએ. પણ ત્યા જ કોઈ રમાડવા આવનાર ટપકી પડે અને આપણને પરાણે આપણા પ્રિય એવા ઘોડીયામાંથી બહાર ખેંચી કાઢી  રમાડવા લાગે. પછી આપણે જોર જોરથી ભેંકડો તાણીને વિરોધ નોંધાવીએ ત્યારે જરાક છોભીલા પડીને આપણને પાછા  ઘોડિયામાં મુકે.
આપણે જરાક મોટા થઈને ઘૂટણીયા કરતા હોઈએ ત્યારે કેટકેટલી મનમોહક અને આકર્ષક ચીજ વસ્તુઓ આપણી આજુબાજુ પડી હોય. જેને જોવાનું અને લેવાનું આપણને કુતૂહલ થાય. પણ જેવા આપણે એ ચીજ કે વસ્તુ લેવા જઈએ એટલે કોઈ પણ વડીલ , ‘ના બેટા, તારાથી એ ન લેવાય હોં ’ કરતા આવીને ક્યાં તો આપણને ઊંચકી લેશે અથવા તો પેલી ચીજ લઈને આપણો હાથ ન પહોંચે એમ ઊચે મૂકી દેશે.

અરે, સાવ મફતમાં મળતી ચીજો, જેવી કે – ઈંટ, ચૂનો, માટી, રેતી, ચોક..વગેરે પણ આપણે લેવા કે ખાવા ધારીએ તો વડીલોની જોહુકમી સામે ખાઈ શકીએ છીએ ખરા? અને કદાચ ક્યારેક એમની નજર ચુકવીને ખાઈ પણ લઈએ તો એ લોકો ઈર્ષાવશ આપણને ફટકારવાના જ. ખેર, માવતર કમાવતર થાય, આપણાથી ઓછું કઈ એવું થવાય?
નવાઈ તો ત્યારે લાગે છે કે જ્યારે આપણને સ્કૂલમાં દાખલ થવાનો જરાય ઉત્સાહ ન હોય. તો પણ એ લોકો કેટકેટલી દોડધામ કરીને, ધમાચકડી મચાવીને આપણને સ્કૂલમાં દાખલ કરે ત્યારે જ જંપે. એટલું તો ઠીક, જાણે સમજ્યા, એ લોકો એ લોકોની ફરજ બજાવે, ને આપણે પણ એમનું માન  અને મન રાખવા સ્કુલે જઈએ.
પણ રોજે રોજ? કોઈ વાર તો આપણું ધારેલું પણ થવું જોઈએ કે નહિ? આપણે પણ પછી તો સ્કુલે ન જવા માટે ‘પેટમાં દુખે છે કે માથું દુખે છે.’ નું બહાનું કાઢીએ પણ જાલિમ વડીલો આપણું એક પણ બહાનું ચલાવી ન લે અને દવા પીવડાવીને પણ આપણને સ્કુલમાં ધકેલે ત્યારે જ જંપે.

આપણા ટીચર ધારે તો  હોમવર્ક ન આપીને કે ઓછું આપીને આપણને રમવાનો સમય ફાળવી શકે. પણ ના – ‘ખેલકૂદ થી તન્દુરસ્તી વધે.’ એ તો ફક્ત સાંભળવાનું જ. હોમવર્ક આપવામાં તો ટીચર ‘વેરીને પણ વહાલા’ કહેવડાવે એવું વર્તન કરે છે. પણ આપણે એમની સામે કઈ પગલા લઇ શકીએ છીએ? હોમવર્ક તો પતાવ્ય જ છૂટકો.
લેસન માંડમાંડ  પતાવીને આપણે રમવા છટક્યા હોઈએ અને ધાર્યું હોય કે , ‘આજે તો મદનીયાને પચ્ચી- પચ્ચા લાખોટીથી હરાવીએ ત્યારે જ સાચા’ પણ માંડ દસ બાર લખોટી જીત્યા હોઈએ ત્યા જ મમ્મીની જમવા માટે બુમ પડે. થોડીવાર તો એ બુમને આપણે ગણકારીએ નહિ, પણ છેવટે મમ્મી આવીને આપણને કાન ખેંચીને ઘરે લઇ જાય ત્યારે આપણી ધારણાનું તો કસમયે મૃત્યુ જ થાય ને?

જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણું ધારવાનું વધતું જાય, અને તેથી ધારેલું ન કરી શકવાની શક્યતાઓ પણ વધતી જાય. ઉનાળાની ગરમી માં આપણે રોજ બરફનો ગોળો, છીણ કે આઇસક્રીમ ખાવા ધારીએ. પણ મમ્મી કહેશે, ‘ન ખવાય, ગળું બગડી જાય’ કે પછી ‘શરદી થઇ જાય’ નાના ભાઈને પારણામાં સૂતેલો જોઇને આપણને પણ ક્યારેક પારણામાં સુવાની ઈચ્છા થઇ જાય. પણ એમ કઈ મમ્મી સુવા દેવાની છે?
અરે! નાના હોઈએ ત્યારની વાત તો છોડો, મોટા થઈને ય આપણે આપણું ધારેલું કરી શકીએ છીએ ખરા? કોક દિવસ આપણે ધારીએ કે , ‘આજે તો મસ્ત મજાનું ભોજન જમીને સુઈ જ જવું છે.’ છતાં પણ ઓફિસે જવું જ પડે છે ને? રજાના દિવસે આરામ કરવાનું ધાર્યું હોય ત્યારે જ મહેમાનો આવી ચઢે છે, અને એમને લઈને એમના કામે જવું જ પડે છે ને?

જે સગાંઓને ‘વહાલા’ કરીને રાખવાનું મન હોય તે જ નાની અમથી વાતમાં વાંકુ પાડીને દૂર થઇ જાય ત્યારે આપણી ધારણા તો વરાળ જ થઇ જાય ને? આવી તો કેટકેટલી ધારણાઓની વરાળ દિલમાં ધરબીને આપણે જીવીએ છીએ, તે છતાં પણ જીવન મધુરું લાગે છે ને? વાચક મિત્રો , તમે તમારું ધારેલું કરી શકો એ માટે શુભકામના!