Wednesday 31 May 2017

નાક.

નાક.                   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

ભગવાને દરેક મનુષ્યને જન્મથી જ એક નાક ભેટ આપેલું હોય છે. એક કવિએ નાક પર મજાની પંક્તિ લખી છે, ‘ભાઈનું નાક નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે.’ ફક્ત નાક જ શા માટે, ભગવાને માણસને શરીરના જે બધા અંગો આપ્યા છે, તેની કામગીરી જોઇને - જાણીને તો ખાતરી થયા વગર રહે નહીં કે આખું શરીર જ અજબ જેવી જ વાત છે.
બાળક નાનું હોય ત્યારે એના નાકના આકારની કાળજી એની મમ્મી લે છે. બાળકને માલિશ કરવા આવનાર બાઈને કહેશે, ‘જશુ, બાબાનું નાક જરા બરાબર ઘસજે જેથી એ અણીયાળું બને.’ જો કે  ‘નાકથી કોઈ લડાઈ નથી લડવાની, કે કોઈ શાક નથી કાપવાનું તો પછી એને અણીયાળું બનાવીને શું ફાયદો ?’ જવા દો એ વાત, એ  તો બાબાની મમ્મી જ જાણે, આપણે શું ?
બાબાને રમાડવા આવનાર બહેનોમાંથી કોઈનું ધ્યાન નાક પર જાય અને કહે પણ ખરી, ‘અરે, જુઓ તો ખરા, બાબાનું નાક એકઝેટ એની મમ્મી જેવું જ છે.’ તો બીજી કહેશે, ‘ના રે ના, એનું નાક તો અદ્દલ એની દાદી જેવું છે, એ ચોક્કસ દાદી જેવો નાકવાળો થશે.’
‘ચહેરા હૈ ય ચાંદ ખીલા હૈ...’ આમ ચહેરાને ચાંદ સાથે સરખાવનારા કવિઓ, શાયરો કે લેખકો ચહેરાની સાથે સાથે વાળ, હોઠ, આંખ વગેરેના વખાણ કરતા હોય  છે. પણ તેઓ નાકના ખાસ વખાણ કરતા જોવા મળતા નથી, પણ  એનો અર્થ એવો નથી કે નાક સાવ નકામું અંગ છે, બલકે એ તો શ્વાસ લેવાનું મહત્વનું કામ કરે છે, એટલે એની અગત્યતા ખુબ વધી જાય છે.
નબળી આંખોને જોવામાં મદદ કરવાનું કામ નાક જ તો કાનની મદદથી કરે છે, કેમ કે ચશ્માની ફ્રેમ નાકની દાંડીએ ટેકવાય  છે. ‘એનો ગુસ્સો તો એની નાકની દાંડીએ ટેકવાયેલો છે.’  એવું મારા દાદાજી મારા પપ્પાજી માટે કહેતા. હું દોડીને પપ્પાજીના ખોળામાં ચઢી જતી અને ધ્યાનથી એમના નાક પર ટેકવાયેલો ગુસ્સો જોવાનો પ્રયત્ન કરતી, પણ મને તો એ ક્યાંય દેખાતો નહીં. ‘દાદાજી કદી ખોટું ન બોલે’ એવો મને વિશ્વાસ એટલે હું મનોમન મૂંઝાતી.
‘આટલું મોટું નાક રાખવાથી કોઈ રોટલો રળાવાનો નથી, જરા નમતાં શીખો નમતાં’ એમ મારા દાદાજી મારા કાકાને કહેતા, ત્યારે પણ મને તો કાકાનું નાક મોટું છે, એવું લાગતું નહિ, એ તો મારા પપ્પાજીના નાક જેવડું જ હતું. ‘મોટા લોકોની મોટી વાતો, આપણને સમજાય નહી’ માનીને હું એ સમજવાની ટ્રાય માંડી વાળતી.
દાદાજી મારી ઉપર કોઈ વાતે ગુસ્સે થાય (જો કે એવું જવલ્લે જ બનતું), ત્યારે હું રિસાઈ જતી અને એ બોલાવે તો પણ હું બોલતી નહીં. ત્યારે દાદાજી કહેતા, ‘આવડી અમથી નખ જેવડી છોકરીના નખરા તો જુઓ. ગુસ્સો તો બાપના વારેનો છે, નાક પર માખ બેસવા દેતી નથી.’ માખને તે કદી નાક પર બેસવા દેવાતી હશે ?  અરે, ખુદ દાદાજી પણ ક્યાં બેસવા દેતા હતા ? પણ મોટાની તો બધી વાતો જ મોઘમ, મોટા થઈએ ત્યારે જ સમજાય.
અમારી પડોશમાં રહેતા ધનાકાકા એક દિવસ મારા પપ્પાને કહેતા હતા, ‘મારા સગા દીકરાએ મારી વિરુદ્ધ કોર્ટે ચઢીને મારું નાક કપાવ્યું.’ એક તરફ તો એમના દીકરાએ મિલકતમાં ભાગ માંગીને નાક કાપ્યું, અને બીજી બાજુથી એમની દીકરી એમણે પસંદ કરેલા બીજવરને પડતો મુકીને બાજુમાં રહેતા કોક રંગીલા કુંવારા જુવાનીયા સાથે ભાગી ગઈ અને લગ્ન કરી લઈને નાક કાપ્યું. (એક નાક બે વાર કપાય ?) ખાતર પર દીવેલ જેવું થયું, જ્યારે એમણે વકીલને ભારી ફી આપવી પડી. 
જો કે પાછળથી એમની પત્ની લક્ષ્મીકાકીએ દીકરી-જમાઈને  બોલાવીને પોંખ્યા, સમાધાન કર્યું. એનાથી કાકાનું કપાયેલું નાક સંધાયું કે નહીં તે ખબર ન પડી. માણસનું નાક પણ ગજબ છે, ક્યારે કપાય અને ક્યારે પાછુ સંધાય તે ખબર જ ન પડે. એક વાત મેં નોધી કે ‘ખાનગીમાં કશું ખરાબ થાય તો નાકને ખાસ વાંધો નથી આવતો, પણ જાહેરમાં ફિયાસ્કો થાય તો માણસનું નાક કપાય જાય છે.’
નાકનું કામ શ્વાસ લેવાનું છે, અને આ કામ એ જીવનભર વફાદારીપૂર્વક નિભાવે પણ છે. પણ કેટલાકને શુદ્ધ ઘી પચતું નથી, તેમ ઘણાને શુદ્ધ હવા માફક આવતી નથી. પેટ્રોલ – કેરોસીનના ધુમાડાવાળી હવા આપણને સદી ગઈ છે. એટલું ઓછું હોય તેમ માણસ સિગારેટ-બીડીનો ધુમાડો એમાં ઉમેરે છે. કેટલાક ફેક્ટરીનો ધુમાડો ઉમેરે તો કેટલાક થીયેટરની બંધિયાર હવામાં ત્રણ કલાક ગાળી આવે છે.
નાકનું બીજું કામ સુંઘવાનું છે,  અત્તર – ફૂલ –ધૂપસળી ઓછા પડે તો લોકો છીંકણી – બજર એવું સૂંઘે છે. પાડોશીના ઘરમાં ચટાકેદાર વાનગી કે ઘીની કોઈ મીઠાઈ બની રહી હોય તો નાક તરત જ એની ચાડી ખાય છે. પૂછતાં પાડોશણ ભલે કહે કે, ‘મહિનાથી મીઠાઈ બનાવી જ છે કોણે ? આ તો માખણ પડ્યું’તું, તે ઘી કરી કાઢ્યું.’  આપણને ખબર પડી જાય કે હવે એ આપણને બનાવી રહી છે, મગજ બનાવવા માટે શેકાતા ચણાના લોટની સુગંધ કોનાથી છુપાયેલી રહે ? પડોશણ મગજ બનાવે કે આપણી સઘન પૃચ્છાથી મગજ ગુમાવે આપણને શું ?
કોઈ પાસે માફી માગવામાં પણ નાક કામ લાગી શકે છે, એ વાત ‘નાકલીટી તાણવી’ નો અર્થ સમજીએ તો સમજાય. એકવાર કરફ્યુભંગ  કરનાર માણસને પોલીસે ઊભો રાખ્યો, એની પાસે રસ્તા પર ચોકથી લીટો કરાવ્યો, પછી નાક વડે એ લીટાને સાફ કરવા જણાવ્યું.  ત્યારે પહેલીવાર ‘નાકલીટી તાણવી (ભુસવી)’ શબ્દનો ખરો અર્થ સમજાયો. આમ કરફ્યુભંગ ની સજા નિર્દોષ નાકને મળી.
છોકરો પરણવા જાય ત્યારે એની સાસુ એનું નાક મંડપમાં જ ખેંચે છે. આ ક્રિયા દ્વારા કદાચ એ કહેવા માંગતી હોય કે –‘હજીય સમય છે, સમજવું હોય તો સમજી જાઓ જમાઈરાજા. હજી તમે મુસીબતનો હાથ નથી પકડ્યો, તમારે ભાગવું હોય તો ભાગી શકો છો.’
પણ હાય રે કિસ્મત, માણસ પરણવા જાય ત્યારે જ એની બુધ્ધિ બહેર મારી જાય છે, એ નાક ખેંચાવીને પણ પરણી જાય છે, અને પછી જીવનભર સાસુ સસરાને કે પોતાની કિસ્મતને કોસતો રહે છે. તમે જ કહો,  આમાં એ તમામનો શું વાંક ?
કોકવાર આપણે અજાણ્યા ગામમાં રસ્તો પુછતા હોઈએ તો રાહબર કહેશે, ‘સીધા નાકની દાંડીએ ચાલ્યા જાઓ.’ આપણે ચાલવાનું તો ‘પગની પાનીએ’ જ છે, પણ આડાઅવળા ગયા વગર સીધા જવાનું છે. એકવાર મારી નાની બહેનનો બાબો બોલ્યો, ‘મમ્મી, મમ્મી. નાક આવ્યું.’ એની મમ્મીએ રૂમાલથી એનું નાક સાફ કર્યું અને એ રમવા ચાલ્યો ગયો. આમ ભગવાને આપેલું નાક શરદી થવાથી વારંવાર આવતું હોય છે.

એક પતિએ પત્નીને કડીયાકામે જવાનું કહ્યું અને એ ખેતરમાં તુવેર વણવા ગઈ. પતિને કદાચ તુવેર નહિ ભાવતી હોય, એટલે પત્નીનું આ કામ માફક ન આવતા એણે ખરેખર જ એનું નાક કાપી નાખ્યું. પછી આગળ શું થયું તે ખબર નથી. એકવાર એક  બેવફા પત્નીનું નાક પતિએ કાપી લીધુ. આવા  સમાચાર જાણીને થાય છે કે –‘એમ નાક કાપવાથી વફાદારી આવતી હોત તો તમામ બેવફા અપરાધીને આ સજા કોર્ટે જ ન ફરમાવી હોત? ’ ખેર, વાચક મિત્રો, તમારું નાક સદા સલામત રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું. 

Wednesday 24 May 2017

ટેમ્પરરી ટીચર.

ટેમ્પરરી ટીચર.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

થોડા દિવસ પહેલાં જ ન્યુઝ પેપરમાં વાંચ્યું, ‘સ્કુલમાં ટીચર્સના અભાવે અભ્યાસ ક્રમ પૂરો ન કરી શકાતા વિધાર્થીઓની પરીક્ષા લંબાવાઈ.’ એ વાંચીને મને મારી એક જૂની વાત યાદ આવી ગઈ.

૧૯૯૨ ની સાલની આ વાત છે. હું ત્રીજા  ધોરણમાં ભણતા મારા નાના દીકરા સાકેતને પૂછું છું :

-સાકેત, આજે તારા મેથ્સના ટીચર સ્કુલમાં નહોતા આવ્યા ?
-ના, નહોતા આવ્યા, મમ્મી. એ હોમવર્ક કરતા કરતા જવાબ આપે છે.
-તું ગઈકાલે જે હોમવર્ક કરીને ગયેલો તે તારા ક્લાસના મોનીટરે ચેક કર્યું હતું ?
-ના મમ્મી, કાલે  મોનીટર નહોતો આવ્યો.
-જો ને કેટલી બધી ભૂલો છે. ૭ ગુણીયા ૮ = ૫૪, ૯ ગુણીયા ૫ =  ૩૬, ૧૫ +૫ +૫ =૨૮ લખ્યું છે, છતાં બધું સાચું આપ્યું છે, આવું  કેમ ?
-મમ્મી, એ અમારાં નવા ટીચરે તપાસ્યું છે.
-તમારા જુના ટીચર ક્યાં ગયા છે ?
-એમને પગમાં ફ્રેકચર થયું છે, એટલે સ્કુલે નથી આવતાં.
-પણ આવું તમે લોકો ખોટું ખોટું શીખશો તો સાચા દાખલા કેવી રીતે આવડશે ?
-મમ્મી, ડોન્ટ વરી, મને ખબર છે કે -   ૭ ગુણીયા ૮ = ૫૬, ૯ ગુણીયા ૫ =  ૪૫ અને  ૧૫ +૫ +૫ =૨૫ થાય છે.
-સાચું આવડતું હોય તો પછી જાણી જોઇને ખોટું લખવાનું કારણ શું ?
-કારણ તો... એ તો છે ને મમ્મી...એ તો... તું મને મારશે તો નહીં ને ?
-હું તને નહીં મારું, સાચું બોલ જોઈએ.
-મમ્મી, અમે ખોટું લખીએ એટલે મોનીટરને ચેક કરીને કરેક્ટ કરતાં વાર લાગે ને.
-પણ એમાં તમને શું ફાયદો ?
-અમને વધારે સમય કોમિક્સ વાંચવા મળે ને ?
-ઓહ ! તો તારા ટીચર શું કરે ?
-એ તો સ્વેટર ગૂંથે અથવા લેટર લખે કે પછી ઊંઘી જાય.
-તો પછી તમને ભણાવે ક્યારે ?
-જ્યારે એમને બીજું કોઈ કામ ન હોય ત્યારે.
-માય ગોડ ! ઇટ્સ ટેરીફિક.
હજી તો હું ભગવાનને યાદ કરતી હતી ત્યાં જ ફોનની રીંગ વાગી.
-હલ્લો, હું રીના, અખિલ (સાકેતનો ફ્રેન્ડ) ની મમ્મી બોલું છું.
-બોલો, રીનાબેન, હું પલ્લવી (સાકેતની મમ્મી) બોલું છું.
-આ બધું શું ચાલી રહ્યું છે ?
-તમે શાની – અનામત આંદોલનની વાત કરી રહ્યા છો ? જનરલી તો એ માર્ચ – અપ્રીલમાં – પરીક્ષા શરુ થવાની હોય ત્યારે, આ આંદોલન શરુ થાય છે, પણ આ વખતે જરા વહેલું શરુ થઇ ગયું નહીં ?
-લ્યો, તમને વળી અત્યારે અનામત ક્યાંથી યાદ આવ્યું ?
-ત્યારે ? તમે અયોધ્યાકાંડ ની વાત કરો છો ? જવા દો ને રીનાબેન, આ બધામાં પડવા જેવું નથી. એના કરતા ઘરમાં બેસીને બે ચાર ‘રામનામ’ ની માળા જપી લેવી સારી. હવે તો સ્વયં રામ પણ અવતાર લઈને આવે તો આ બધું જોઇને મૂંઝાઈને પાછા જતા રહે, શું કહો છો ?
-તમે તો અયોધ્યાનો અધ્યાય માંડીને બેઠા, અને હું બાળકોના  ટીચરની વાત કહી રહી છું.
-શું થયું ટીચરોનું ? એમણે હડતાળ પાડી ?
-પાડી હોત તો સારું થાત, આપણા છોકરાઓ ખોટું શિક્ષણ મેળવવામાંથી તો ઉગરી ગયા હોત. છેલ્લા એક અઠવાડીયાથી અખિલની નોટ એના ટીચરે સાચી રીતે તપાસી નથી. ભૂલને પણ સાચી આપી દે છે. આવું જો લાંબા સમય સુધી ચાલશે તો આપણા બાળકોનું ભવિષ્ય શું ?
-અહીં તો વર્તમાનના ઠેકાણા નથી અને તમે ભવિષ્યમાં પહોંચી ગયા ?
-આપણા છોકરાને સ્કુલમાં એડમિશન આપવાનું હોય ત્યારે તો મેડમ પ્રિન્સીપાલ હજાર સવાલો પૂછશે, ‘વોટ્સ યોર નેમ ? વોટ્સ યોર ફાધર’સ નેમ ? વિચ કલર ડુ યુ લાઈક મોસ્ટ ? વોટ્સ યોર હોબી ?’ ધૂળ અને પથરા ! આટલા ટીચુકડા ત્રણ વર્ષના છોકરાને એની હોબી પૂછે છે, માય ફૂટ !
-અરે, અરે ! તમે તો બહુ ગુસ્સે થઇ ગયા, પ્લીઝ રીલેક્સ !
- રીલેક્સ કેવી રીતે થવાય ? અનામતના નામે બેકવર્ડ ક્લાસના યુઝ્લેસ ટીચર્સને દાખલ કર્યા છે. ‘છ’  ના બદલે ‘સ’ બોલે છે. ‘તમારો સોકરો કયા ક્લાસમાં સે ?’ બીજા જે બે –ચાર સારા ટીચર્સ છે, એમને કહીએ તો કહેશે, ‘અખિલને અમારું ટ્યુશન રખાવી દો, પાસ કરવાની જવાબદારી અમારી.’
-તમારી વાત સાંભળીને મને એક મજાની જોક યાદ આવી, સાંભળો –
પ્રાયમરી સ્કુલના બે ટીચર પ્રખ્યાત ઉદ્યોગપતિ બિરલાના મકાન પાસેથી પસાર થતા હતા. ત્યારે એકે કહ્યું:
-આ બિરલાની ફેક્ટરી મને મળી જાય તો હું એના કરતા વધારે કમાઉં.
-ફેંકમફેંક ન કર, યાર. તું એનાથી વધારે કઈ રીતે કમાય ? 
-કેમ, ફેક્ટરી ઉપરાંત હું ટ્યુશન કરું તેની આવક થાય કે નહીં ?
-તમે ખરા છો, પલ્લવીબેન. આવી પરિસ્થિતિમાં તમને જોક સુઝે છે ?
-ત્યારે બીજું કરી પણ શું શકાય ?
-મેડમને મળીને વાત કરી શકાય.
-કરી શકાય. પણ અસલમાં વાત એવી છે કે, સ્કુલના એક ટીચર ડીલીવરી માટે ગયા છે, અને બીજા એક ટીચરને પગે ફ્રેકચર થયું છે. એમની જગ્યાએ નવા બે ટેમ્પરરી ટીચર આવ્યા છે તેમાંથી એક પ્રિન્સીપાલ મેડમના ભત્રીજી અને બીજા કઝીન છે.
-ઓહ  ગોડ ! શું કરવું આ ટેમ્પરરી  ટીચર્સ નું ?




Wednesday 17 May 2017

એડમિશન -૨

એડમિશન -૨   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

-ભાભીજી, કામ પડે ત્યારે અવાજ કરજો, બંદા અડધી રાત્રે ય ઉઠીને તમારું કામ પતાવી આવે એવા છે.

(વચનેશું કીમ દરીદ્રતામ ?- બોલવામાં આપણા બાપાનું શું જાય છે ?), આવું કહેનારા પતિના મિત્ર,  આપણા અવાજ કરવાથી અડધી રાત્રે ઉઠી તો જાય, પણ એમની પત્નીના અવાજ (ઝઘડો) કરવાથી પાછા બીજી મીનીટે સુઈ પણ જાય  તે શું કામનું ?

-અરે સાહેબ ! બોલોને – તમે કહો તો તમારા માટે તો જાન પણ હાજર છે.

આવું કહેનારા વિરલાઓ કોક  મળી આવે છે ખરા. પણ આપણા મોંઘા ભાવના ગાદલા કાતરી ગયેલો ઉંદર પિંજરામાં પુરાયેલો મળે, તો પણ એનો જીવ લેતા આપણો જીવ ન ચાલે, તો પછી આપણા માટે જાન હાજર કરનારા ભલા માણસનો જીવ લેવાય જ શી રીતે ? ભલે ને પછી તે લાખ રીતે હાજર કરે.

કહેવાય છે કે કસોટી વિના સોનાની સાચી પરખ થઇ શકતી નથી, એવું જ માણસનું પણ છે. કામ પડ્યા વગર એ ‘કામનો છે કે નકામો છે,’ તેની આપણને ખબર પડતી નથી. કસોટીમાંથી પાર ઉતારેલા માણસો, કે જે ખરેખર આપણા માટે  કશું કરી કરી શકવા સમર્થ છે, એવાઓના નામ અણીના સમયે યાદ નથી આવતા, અને ખોટા માણસને મદદ માટે કહેવાય જાય છે. આપણે જ ખોટા નંબરની બસમાં ચઢી ગયા હોઈએ પછી ડ્રાઈવર કે કંડકટરને દોષ આપવાથી શું વળે ?

મારા પતિના એક પ્રોફેસર મિત્ર, નામ સમીર લોખંડવાલા. અમને મદદ કરવા સદા તત્પર. પણ  મદદ મેળવવામાં પણ બુદ્ધિ, લાયકાત અને આવડત જોઈએ. અમારામાં આ બધી બાબતોનો, સાચું કહું તો મદદ મેળવવાની ઈચ્છાનો જ અભાવ. જેથી અમારા બંને બારકસોને એમની મદદ વિના જ સ્કુલમાં એડમિશન અપાવેલું. જેનું એમને અતિશય ખોટું લાગેલું. (એમના કહેવાથી જ અમને આ વાતની અમને ખબર પડેલી.)

-ભાભી, બસ આવું જ ને? છેવટે તમે મને પારકો જ ગણ્યો ને ?
-એવું નથી સમીરભાઈ, તમે તો તમારા ભાઈબંધને ઓળખો જ છો ને ? એમને કોઈનું ઓબ્લીગેશન લેવું ગમે નહીં.
-એટલે તમે મને ‘કોઈ’ ગણો છો, બીજાની વાત જવા દો, પણ મારી મદદ લેતા અચકાવ એ તે કેવું ? મને ન ગમ્યું.
-હવે જરૂર પડશે ત્યારે તમને ચોક્કસ જ કહીશ, બસ ?
-હું એ દિવસની ઉત્સુકતા પૂર્વક રાહ જોઇશ, મારા માટે એ અહોભાગ્યનો દિવસ હશે.

મારી ફ્રેન્ડ હેમાના દીકરા દીપુને  સ્કુલમાં K.G. મા એડમિશન અપાવવાની વાત આવી, ત્યારે મને સમીર લોખંડવાલા યાદ આવ્યા. મેં ઉત્સાહપૂર્વક મારા પતિ જીતુને વાત કરી, પણ એમણે એમના સ્વભાવ મુજબ આ બાબતમાં મદદ લેવાની તૈયારી કે ઉત્સાહ બતાવ્યા નહીં.

પણ હેમાના આગ્રહથી અને પ્રોફેસરના ‘અહોભાગ્ય’ વાળા વિધાનની યાદથી હું અને હેમા સમીરભાઈને મળવા ગયા. ભગવાનના દર્શનથી ભક્ત કૃતકૃત્ય થાય એવા ભાવ અમને જોઇને એમના ચહેરા પર પથરાયા. ખુબ જ ઉમળકાભેર એમણે અમને આવકાર્યા, બેસાડ્યા, અમારી ખુબ આનાકાની છતાં ચા-પાણી કરાવ્યા.

-બોલો ભાભી, તમારી શી સેવા કરું ?
-સમીરભાઈ, આ મારી ખાસ ફ્રેન્ડ હેમા છે. એના દીકરા દીપુને ઈંગ્લીશ મીડીયમમાં K.G. મા એડમિશન જોઈએ છે.
-મળી જશે.
-મળી જશે ? જે સરળતાથી એમણે અમને ‘મળી જશે’ કહ્યું, તેનાથી અમે બંને અહોભાવથી એમને જોઈ રહ્યા.
-સવાલ જ નથી, કોઈપણ સ્કુલમાં ફોર્મ ભરો, એનો ઈન્ટરવ્યુ આવે ત્યારે મને જરા ફોન કરી વિગત જણાવી દેજો.
-ઓહ ! થેન્ક્યુ... થેન્ક્યુ...  સમીરભાઈ. 
-એ શું બોલ્યા ? તમારો અને અમારો સંબંધ એવો છે કે તમારે મને થેંક્યુ કહેવાનું હોય જ નહિ. તમે મને સેવાનો મોકો આપ્યો એ બદલ હું ખુશ છું, તમને મદદ કરવી એ મારી ફરજ છે.
-ઓકે, તો હવે અમે રજા લઈએ ?
-ખુશીથી, ફરી જરૂર પધારજો.

હેમાએ દીપુ માટે એના ઘરની નજીકની એક સારી સ્કુલનું ફોર્મ ભર્યું, ઈન્ટરવ્યુ આવ્યો ત્યારે અમે સમીરભાઈને ફોન કર્યો. એમણે અમારી પાસેથી સ્કુલની વિગતો લઇ લીધી.

-સમીરભાઈ, દીપુને આ સ્કુલમાં એડમિશન મળી તો જશે ને? મેં કન્ફર્મ કરવા સમીરભાઈને ફોન પર પૂછ્યું.
-કોઈની દેન છે કે દીપુને એડમિશન ન આપે ? તમતમારે નચિંત થઈને ઈન્ટરવ્યુ આપી આવો, હું બેઠો છું ને ચિંતા કરવાવાળો બાર વરસનો.
‘તમે બાર વરસના કઈ રીતે?’ એવો સવાલ પૂછવાની મારી જિજ્ઞાસાને મેં માંડ માંડ કાબુમાં રાખી. પ્રોફેસરો તો આમેય ધૂની હોય છે,  છંછેડાય ગયા તો ગયા કામથી. દીપુનો ઈન્ટરવ્યુ સરસ ગયો. સમીરભાઈને ફરીથી ફોન કરી જણાવી દીધું, ફરીથી એમણે અમને શબ્દોથી નચિંત કર્યા. પણ રે માનવી તારું મન! રીઝલ્ટ આવ્યા વિના એમ નચિંત થાય?

અને જેની બહુ ઇન્તેજારી હતી એ રીઝલ્ટ આવ્યું, પણ અમારી ધારણાથી વિપરીત આવ્યું. એમાં દીપુનો નંબર નહોતો. અમે પહેલા તો સ્કુલમાં જ પૂછ્યું, સંચાલકોએ  કહ્યું, ‘ઈન્ટરવ્યુ સારો ગયો તો શું થયું ? ૧૨૦ સીટની સામે ૨૦૦૦ અરજી આવી હોય તો અમે કોને લઈએ અને કોને નહિ ?’ અમને આઘાત લાગ્યો, મેં પ્રોફેસર સમીરભાઈને ફોન કર્યો,

-હલ્લો, સમીરભાઈ.
-બોલો, ભાભી સાહેબા.
-તમે કહ્યું હતું પણ દીપુને તો એડમિશન ન મળ્યું.
-દીપુ ? કોણ દીપુ?
-મારી ફ્રેન્ડ હેમાનો દીકરો દીપુ, જેના એડમિશન વિષે અમે તમને મળવા આવ્યા હતા, અને ઈન્ટરવ્યુ વખતે સ્કુલની વિગતો લખાવી હતી.
-અરે હા હા. હું કહું અને એડમિશન ન મળે એવું બને જ નહિ. હું તપાસ કરીને તમને કાલે જણાવું.
-ભલે.

હેમાએ આ દરમ્યાન બીજી ચાર પાંચ સ્કુલમાં તપાસ કરી, પણ બધે જ એડમિશન ફૂલ થઇ ગયેલા, એ તો રડવા જેવી થઇ ગઈ. સમીરભાઈ સાથે વાત થયા બાદ બે દિવસ સુધી એમનો ફોન ન આવતા મેં ફરી ફોન કર્યો, તો એમણે કહ્યું,

-સોરી ભાભી, આ વખતે ઈંગ્લીશ મીડીયમમાં K.G. મા ખુબ જ ધસારો છે. બધાને પોતાના છોકરાઓને સ્માર્ટ બનાવવા છે. મા બાપના પોતાના ઇન્ગ્લીશના  ઠેકાણા નથી ને છોકરાઓને અંગ્રેજ બનાવવા નીકળ્યા છે.
-‘ધેટ ઈઝ નન ઓફ યોર બીઝનેસ’ એવું કહી દેવાની મારી તીવ્ર ઈચ્છાને મેં રોકીને એટલું જ પૂછ્યું,
-તો હવે અમારે શું કરવું?
-તમે કહેતા હો તો ગુજરાતી મીડીયમમાં એડમિશન અપાવી દઉં ?
-નો થેન્ક્સ સમીરભાઈ, અમે નાહકના તમને હેરાન કર્યા. મેં કટાક્ષમાં કહ્યું.
-ઇટ્સ ઓકે. ચાલ્યા કરે. બોલો મારે લાયક બીજું કોઈ કામ ?
-ના રે ના. (મારા ભોગ લાગ્યા તે મેં તમને આ કામ પણ સોંપ્યું.)

પછી તો મારા પતિ જીતુના એક ક્લાયન્ટની મદદથી દીપુને એક સારી સ્કુલમાં  એડમિશન મળી ગયું અને અમે પ્રોફેસર સમીર લોખન્ડવાલા ને ભૂલી પણ ગયા. પરંતુ થોડા સમય પછી અમારા એક કોમન ફ્રેન્ડ રસ્તામાં મળી ગયા, એમણે મારા પતિને કહ્યું, ‘યાર, શું કામ તું એ ‘લોખંડ’ ની મદદ લેવા ગયો ? તારા વિષે એ એલફેલ બોલતો હતો. કહેતો હતો -  ‘હાલતા ને ચાલતા લોક એડમિશન લેવા દોડી આવે છે, તે એડમિશન કઈ રસ્તામાં પડ્યા છે? મફતિયા લોકો સમજતા જ નથી કે દરેક કામના રૂપિયા લાગે છે અહીં.’

પતિદેવે મારી સામે માર્મિક દ્રષ્ટિથી જોયું, અને મેં મારા કાન પકડવાની અદા બતાવીને એમની માફી માંગી. અમને સમીરભાઈની મદદ ન મળી એનું જરાય દુઃખ નથી, એમના નસીબમાં અમને મદદ કરવાનું લખાયું નહીં હોય બીજું તો શું ? પણ વસવસો હોય તો એક જ વાતનો કે – અમને મદદ કરવાની ઉત્સુકતા પૂર્વક  તેઓ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા, તે ‘અહોભાગ્ય’ નો  દિવસ  એમના જીવનમાં હવે  ક્યારેય નહિ આવે.









Wednesday 10 May 2017

એડમિશન -૧

એડમિશન -૧                                પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

જેમણે ‘મરક-મરક’, ‘આનંદલોક’,  જેવા અનેક મજાના હાસ્યને લગતા પુસ્તકો લખ્યા છે, અને જેમના પુસ્તક ‘એન્જોયગ્રાફી’ ને સાહિત્ય અકાદમી તરફથી પુરષ્કાર મળ્યો છે, એવા લોકોમાં જાણીતા અને માનીતા હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે ૧૯૯૧ ની સાલમાં નવા વર્ષની સંધ્યાએ ‘સલાહ ન આપવાનો’ સંકલ્પ ટી વી પર રજૂ કર્યો.

ત્યારે જ મેં મનોમન નક્કી કરી લીધું હતું, કે એમના આ સંકલ્પથી લોકોને પડેલી સલાહકારની ખોટ મારે પૂરવી અને એમના આ ભગીરથ કાર્યને મારે આગળ ધપાવવું. આમ તો કોઈની રોજી રોટી છીનવી લેવી એ નૈતિક ગુનો છે. પણ એમણે ’સલાહ ન આપવાનો’ સંકલ્પ સ્વૈચ્છિક રીતે કર્યો હતો તેથી એ ધંધો હું શરુ કરું તો પણ હું ગુનેગાર ગણાઉં નહીં.

વળી સલાહ આપવાના ધંધામાં વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર જેવા કન્સલ્ટન્ટ ને આવક થતી હશે, બાકી અમારા જેવા હાસ્યલેખકોને કોઈને સલાહ આપવાના કોઈ પૈસા મળતા નથી, લોકો, સલાહ અને સલાહકાર – બંનેને હસવામાં કાઢી  નાખે છે.   
રતિલાલ ભાઈ  પાસે તો રાજ્યના વડા, દેશના વડા, સમગ્ર વિશ્વના વડા, ભલભલા મહારથીઓ અને ઈશ્વર સુધ્ધાને આપવા માટે સલાહો છે. પરંતુ મારું ગજું ઓછું હોવાથી મેં ફક્ત પતિને, પુત્રોને, મિત્રોને  અને સગા સંબંધીઓને જ સલાહ આપવાનું નક્કી કરેલું અને એ જાહેર પણ કરેલું.

એક દિવસ મારી પ્રિય સખી હેમા મને મળવા આવી, એ ચિંતામગ્ન હતી એ જોઇને હું ખુશ થઇ. ચિંતામગ્ન લોકોની ગાફેલિયતનો  લાભ લઇ એમને સહેલાઈથી સલાહ આપાવાનો મોકો લઇ  શકાય છે, એવો મારો સ્વાનુભવ હતો. આવા લોકોની ચિંતાનું કારણ પૂછ્યા બાદ એમની ચિંતા  દૂર કરવાના ઉપાયો હું વિચારું છું, અને ઉપાય જડી આવતા એનો અમલ કરવાની સલાહ હું એમને આપુ છું. કોઈવાર એવું પણ બને કે એમની ચિંતાનો ઉપાય મને ન જડે તો ખુદ મને જ ચિંતા થઇ આવે, પણ એવું તો જવલ્લે જ બને. મારા જેવા જ્ઞાનીઓ પાસે બીજાની ચિંતા દૂર કરવાના અપ્રતિમ ઉપાયો હોય છે
-તારી દ્રષ્ટિએ કઈ સ્કુલ સારી ગણાય ? હેમાએ મને પૂછ્યું.

-જે સ્કૂલમાંથી મારા જેવી પ્રખર મેઘાવી હાસ્યલેખિકા ભણીને પાર ઉતરી હોય એનાથી વધુ સારી સ્કુલ બીજી કઈ હોઈ શકે ?  મેં ગર્વથી એને કહ્યું.
-તારી વાત જવા દે યાર, હું તો મારા દીપુ માટે પૂછું છું.

‘તારી વાત જવા દે’,  હેમાના  વાક્યના  આ પૂર્વાર્ધથી મારા અંતરને કારમો આઘાત લાગ્યો, મને એની વાતથી બહુ ખોટું લાગ્યું. પણ.. નાદાન અને નાસમજ લોકોની આવી મૂર્ખતાપૂર્ણ વાતોથી જ્ઞાનીજનો કદી ખોટું લગાડે?  મેં મનોમન એને  માફી બક્ષી.

ભવિષ્યમાં જ્યારે મારું નામ પ્રખ્યાત હાસ્યલેખિકા અને પ્રખર સલાહકાર તરીકે ગાજતું હશે, લોકો સલાહ લેવા મારા ઘરના (કે પછી ઓફીસના ) દ્વારે લાઈન લગાવતા હશે, એપોઇન્ટમેન્ટ લેવા માટે ફોન પર રીક્વેસ્ટ કરતા હશે, મારી સલાહ બદલ મોંઘીદાટ ફી ચુકવતા હશે, ત્યારે મારી આ જ મિત્ર હેમા, કે જે આજે મને  ‘તારી વાત જવા દે’  કહે છે એ મને મારી વાત જવા ન દેવા માટે કાકલૂદી કરતી હશે, ખેર !

-એ ય, શું વિચારમાં પડી ? એણે મને વિચારભંગ  કરી.
-કંઈ  નહીં.
-તો પછી બોલને, દીપુ માટે કઈ સ્કુલ સારી ?
-પહેલા તો તું એ નક્કી કર કે એને ગુજરાતી મીડીયમ મા ભણાવવો છે કે ઈંગ્લીશ મીડીયમમા ?
મારો પ્રશ્ન એણે બુદ્ધિગમ્ય લાગ્યો હશે, એટલે એ થોડી ઘણી પ્રભાવિત થઇ હોય એમ મને લાગ્યું.
-યાર એ જ નથી સમજાતું. મનીષ (એનો હસબંડ)  કહે છે કે ગુજરાતીમાં ભણાવીશ તો મજૂર જેવો ડમ્બ થશે, અને ઈંગ્લીશમાં ભણાવીશ તો ઓફિસર જેવો સ્માર્ટ દેખાશે.  
-અને તેં શું વિચાર્યું ? 
-મેં વિચાર્યું કે હું ગુજરાતીમાં ભણી, મનીષ પણ ગુજરાતીમાં ભણ્યા, હવે દીપુને ઈંગ્લીશ મીડીયમમાં મૂકીએ તો એને ભણાવે કોણ ?
-એમાં શું યાર, ટ્યુશન રાખી લેવાનું. મેં મારી આદત મુજબ એને સલાહ આપી.
-સ્કુલની ફી, રિક્ષાભાડું, બુક્સ, યુનિફોર્મ... એ બધાનો ખર્ચ અને ઉપરથી ટ્યુશન ફી ? આજકાલ તો આ બધા ખર્ચા ચીરી નાખે એવા જાલિમ લાગે છે. ખાવા પીવાનું માંડી વાળીએ તો આ બધા ખર્ચા પોસાય. એ નિરાશ થઈને બોલી.
-એક કામ થઇ શકે.   
-જલ્દી બોલને યાર.
-તું ચાર – પાંચ ગુજરાતી મીડીયમના છોકરાઓનું ટ્યુશન કર, અને એમાંથી જે કમાણી થાય એમાંથી દીપુનું ટ્યુશન રાખી લે.
-હં... તારી આ વાત વિચારવા લાયક છે ખરી.
મારી ટ્યુશન કરવાની સલાહ  એને ગળેતો  ઉતરી, પણ કમળ પાંદડી પર પાણીના ટીપાં પડે છતાં એ ભીંજાય નહિ, એમ હેમાના ચહેરા પરથી ચિંતાના વાદળો દૂર થયા નહીં.    
-લે, હવે તું શું વિચારી રહી છે ?
-એ જ કે દીપુને કોઈ સારી સ્કુલમાં એડમિશન મળશે કે નહિ ?
જો આજકાલ ભારતમાં વસ્તી વધારાને કારણે સારી સ્કુલમાં એડમિશન લેવું ડિફીકલ્ટ છે, એટલે ઘર નજીકની જે સ્કુલમાં એડમિશન મળે એમાં લઇ લેવાનું. પછી કોઈ સારા ટીચરનું પ્રાયવેટ ટ્યુશન રાખી લેવાનું. ઈન્ટરવ્યુ લેવાના નાટકમાં સ્કુલવાળા નાના છોકરાઓને પણ હજારો સવાલ પૂછે છે, ‘વોટ્સ યોર નેમ ?’ ‘વોટ્સ યોર ફાધર’સ નેમ ?’ ‘વિચ કલર ડુ યુ લાઈક મોસ્ટ ?’ ‘વિચ ગેમ ડુ યુ પ્લે ?’ ‘ડુ યુ હેવ એસી એટ યોર હોમ ?’ વગેરે વગેરે...
ઉપરથી એમના મા બાપનો ઈન્ટરવ્યુ લેવાય. ‘નોકરી કરો છો કે બીઝનેસ ?’ ‘મંથલી ઇન્કમ કેટલી છે ?’ ( ઓછી હોય તો તમે ઘર ચલાવવા પૈસા આપવાના છો ? નહીં ને ? તો તમારે શી પંચાત ? ) ઘરમાં ટીવી, મ્યુઝીક સીસ્ટમ, વોશિંગ મશીન, કાર છે ? અમારી સ્કુલમાં જ કેમ તમારા બાળકને દાખલ કરવા માંગો છો ? (બીજી કોઈ સારી સ્કુલમાં એડમિશન ન મળ્યું તો બીજું શું કરીએ ?) તમે તમારા બાળકને ઘરે ભણાવી શકશો ? ( અલ્યા ભાઈ, એને અમારે ઘરે જ ભણાવવું પડવાનું હોય તો તમારી સ્કુલમાં દાખલ કરવાનો અર્થ શું ?)
તમે જ કહો વાચકમિત્રો, આ બધા પ્રશ્નો સાંભળીને મા બાપને એના જવાબો આપવાને બદલે  સંચાલકના માથામાં પેપરવેટ છુટ્ટું મારવાનું મન થાય કે નહીં ? પણ શું થાય, મા બાપે ‘ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે છે.‘
-બસ કર હવે, તું તો નેતાઓની જેમ ભાષણ આપવા બેસી ગઈ.
-મારી પાસે આપવા માટે ભાષણ અને સલાહ બે જ ચીજ હાથવગી છે.
-હવે દીપુના એડમિશન માટે તારે કોઈની ઓળખાણ હોય તો કહે, નહિ તો હું ઘરે જાઉં.
-અરે હા, યાદ આવ્યું. એક કોલેજના પ્રોફેસર સાથે અમારે ઓળખાણ છે.
-પણ દીપુને કોલેજમાં નહીં સ્કુલમાં એડમિશન અપાવવાનું છે.
-એટલી તો મનેય ખબર છે, એ પ્રોફેસર દીપુને સ્કુલમાં, K.G. માં એડમિશન અપાવશે.
-એમ ? તો તો આપણે એમને મળીએ.
-સારુ, જિતુ (મારા હસબંડ)  આવે એટલે ફોનથી એ પ્રોફેસરની એપોઇન્ટમેન્ટ લઇને તને કહું.
-ઓકે, પણ જરા જલદી કરજે, એવું ન બને કે એમની સ્કુલમાં એડમીશન ફૂલ થઇ જાય અને દીપુ બીજી કોઈ સ્કુલમાં જવાથી પણ લટકી પડે.
-ચિંતા ન કર, એવું નહિ થાય. 

‘ચિંતા ન કર’ એવું મારા કહેવા છતાં ચિંતાયુક્ત ચહેરો લઈને એ ગઈ. 

Wednesday 3 May 2017

હું કો’ છો ?

હું કો’ છો ?        પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

એકવાર મારે ટ્રેનમાં અમદાવાદથી સુરત જવાનું થયું. લાંબી મુસાફરી કંટાળાજનક ન બની જાય એટલા માટે હું મારા મનગમતા પુસ્તકમાં મોં ખોસીને બેઠી હતી.
-કઈ બાજુ જવાના ? અચાનક મારા કાને એક ગામડિયા ટાઈપ અવાજ સંભળાયો.
એકવાર ચૂંટાઇ ગયા પછી નેતાઓ પોતાના અંગત સ્વાર્થભર્યા કામમાં વ્યસ્ત થઇ જાય છે, ત્યારે એમના બહેરા કાને લોકોના એટલે કે પ્રજાના પ્રશ્નો અથડાઈને પાછા વળી જાય છે.  ઠીક એમ જ મારી રીઝર્વ સીટ પર આરામથી ગોઠવાઈને પુસ્તક વાંચતી હું, મારા કાને સહપ્રવાસી બહેનનો પ્રશ્ન અથડાઈને પાછો વળી ગયો.
-હુરત જવાના કે ? પ્રશ્ન પૂછનાર બહેનની તાલાવેલી ગજબની હતી, એણે મારો હાથ દબાવીને પ્રશ્ન કર્યો.
સાવ અચાનક થયેલા પાકિસ્તાની હુમલાથી અજાણ ભારતીય સૈનિક ઊંઘતા ઝડપાઈ જાય, એમ ટ્રેનના આ પડોશી બહેનના હુમલાથી અજાણ હું, મારા હાથમાંથી પુસ્તક નીચે પડી ગયું. મેં સહેજ ગુસ્સો અને થોડી ચીડથી પ્રશ્ન પૂછનારની સામે જોયું અને પછી નીચા નમી પુસ્તક લઇ પાછું વાંચવા માંડ્યું.
-હુરત જવાના કે ? કોઈ અડીયલ અને જીદ્દી બાળકના કુતુહલથી એણે મને ફરી પ્રશ્ન પૂછ્યો.
આ વખતે એણે મારા હાથને ધીરેથી એનો હાથ અડાડીને સવાલ કર્યો. મેં પણ સચેત રહીને પુસ્તક બરાબર પકડી રાખ્યું હતું. મને નવાઈ  લાગી, જાડી ચામડીના રાજકારણીઓ જેમને પ્રજાના પ્રતિભાવની કોઈ અસર ન થાય, એવા જ આ બહેન મારા અણગમાની અસર ન થાય એવા જાડી બુદ્ધિના છે કે શું ?
-હા, સુરત જ જવાની છું.  મેં લપ ટાળવાના ઈરાદાથી મારી સામે એકટક જોઈ રહેલી એ સ્ત્રીને જવાબ આપ્યો.
-હું નામ ? મારી ગાફેલીયત નો લાભ ઉઠાવીને એણે બીજો પ્રશ્ન ફેંક્યો.
-પૃથ્વીવલ્લભ. મેં જવાબ આપ્યો.
-હેં ? એણે નવાઈથી મારી સામે જોયું, એટલે મેં પુસ્તકનું પૂઠું બતાવ્યું.
-ચોપડીનું નંઈ, મેં તમારું નામ પુઈછું.  એણે મારી સામે હસીને કહ્યું.  
-કોઈ હારું જ નામ ઓહે.  મેં જવાબ ન આપ્યો છતાં એણે કેડો ન છોડ્યો.
-પૃથ્વીવલ્લભ, સરસ નામ છે, નહીં ? કનૈયાલાલ મુન્શીએ લખ્યું છે. મેં ટીખળ કરતા કહ્યું. 
-પરણેલાં ?
-હા.
-કેટલા છોકરાં ?
-એ ખબર નથી.
-હેં ? એવું તે હોય ? તમારા કેટલા છોકરા તે તમને ખબર નંઈ ? 
-ઓહ ! મને તો એમ કે તમે કનૈયાલાલ મુનશી વિષે પૂછો છો.
-એના વિષે જાણીને મને હું ફાયદો ?  
-ત્યારે મારા વિષે જાણીને પણ તમને શું ફાયદો?
-હા, ઈ વાત તો હાચી. આ તો જરા ટેમ પાસ થાય, બીજું તો હું ? હુરતમાં કાં જવાના?
-અઠવા લાઈન્સ. મેં બગાસું ખાઈને કંટાળા સાથે કહ્યું.
-અરે વાહ ! મારે હો એ બાજુ જ જવાનું છે. આપણે રીક્શામાં હાથે જહું. એના અવાજમાં ઉત્સાહ હતો.
-ભલે, હવે જો તમને વાંધો ન હોય તો હું મારી બુક વાંચું ? મેં દયામણા અવાજે પૂછ્યું.
-હોવ્વે. વાંચોને તમતમારે, મેં કીયારે ના પાઈડી ?
મેં બુક વાંચવાની શરુ કરી ત્યાં જ એની બાજુમાં બેઠેલી એની દીકરી ટહુકી:
-મમ્મી, મારે બારી પાસે બેસવું છે. છોકરી શુદ્ધ  બોલી બોલતી હતી, સ્કુલમાં જતી હશે, હોંશિયાર લાગી.
-તારાથી તાં નીં બેહાય, આપણી જગા આંઈ છે. અભણ માએ એને વારી.
-કેમ ન બેસાય, પેલા અંકલ તો બેઠા છે ને ?
-હારાં છોકરાં જીદ ન કરે, ચલ બેહી જા અંઈ.
મા દીકરી નો સંવાદ સાંભળી રહેલા, બારી પાસે બેઠેલા એ સજ્જને દીકરીને બોલાવીને જરા ખસીને બારી પાસે એને બેસવાની જગ્યા કરી આપી. દીકરી ત્યાં દોડી ગઈ, પણ માને એ ગમ્યું નહીં, એણે નારાજગી દર્શાવી.
-જુઓ જુઓ અંકલ, આ ઝાડ કેવાં દોડે છે ? દીકરી વાચાળ હતી, એણે અંકલ સાથે વાત શરુ કરી દીધી.
-તું એટલું ફાસ્ટ દોડી શકે ?
-હા, અંકલ. વાર્ષિક દિને સ્કુલમાં હું દોડમાં પહેલ્લી આવી હતી. દોડી બતાવું ?
-ના, ના. બેસી જા.
-અંકલ, તમને ખબર છે, બે વત્તા બે ચાર ક્યારે નહીં થાય ?
-બેટા, બે વત્તા બે ચાર જ થાય, હંમેશા.
-ના અંકલ, તમે દાખલો ખોટો ગણો ત્યારે નહિ થાય.
-નોટી ગર્લ, તારું નામ શું છે?
-નેહા, ને અંકલ તમારું નામ ?
-નેહા, અંઈ આવ તો. એની મમ્મીએ એને પોતાની પાસે બોલાવી.
-મમ્મી, મારે અહી જ બેસવું છે. દસેક વર્ષની નેહાએ જીદ કરી.
-તારે તાં નથી બેહવાનું, કીધું ને એકવાર. તને ઘેરે હું કેયલું ?
નેહાને એની મમ્મીએ ખબર નહિ ઘરે શું કહ્યું હશે, પણ એ તરત ઉતરેલે ચહેરે બારી પાસેથી ઊઠીને એની મમ્મી પાસે આવી ગઈ. સુરત સ્ટેશને ઉતરીને જેવી હું રીક્ષામાં બેસવા ગઈ કે તરત એ બહેને મને પકડી પાડી. રીક્ષામાં બેઠા પછી મેં એમને જીજ્ઞાસાવશ પૂછ્યું,
‘તમે નેહાને બારી પાસે કેમ ન બેસવા દીધી ? તમે એને ઘરે શું કહેલું ?’
-તમે છાપા નથી વાંચતા કે ? એણે મને પ્રતિપ્રશ્ન કર્યો.
-રોજ વાંચું છું, પણ આમાં છાપા ક્યા વચ્ચે આવ્યા ?
-છાપામાં રોજ કેવાં હમાચાર આવે છે, મુઆ રાખ્ખસ  જેવા પુરુષો ! આઠ દહ વરહની છોકરીને પણ કેવા પીંખી નાખે છે. મારી નેહાડી તો મૂઈ છે હો રૂપાળી, શરીરે કાઠી ને બોલાવે ચાલવે ચબરાક. એને જો હાચવું નીં તો મારે છાને છાને રોવાના દી’ આવે. તેથી જ એને ચેતવી મેલી છે કે મુઆ પુરુષોથી દૂર જ રેવું ને એ લોકો હારે ઝાઝી લપ કરવી નંઈ.
-અરે ! આવું કહેવાથી તો એના કોમળ મગજમાં પુરુષો માટે ઝેર અને બીક ભરાઈ જાય.
-તમે હાચું કો’ છો બેન. પણ જુઓ છો ને કે જમાનો કેવો ખરાબ છે તે ?
-પણ સો માંથી માંડ દસ કે બાર પુરુષો એવા ખરાબ હોય છે.
-બરાબર છે, પણ એ દહ બારને તમે ઓળખો કઈ રીતે ?
-ભગવાને સ્ત્રીઓને એવી કુદરતી શક્તિ આપી છે, એ એની છઠ્ઠી ઈન્દ્રીય દ્વારા  - પુરુષોની આંખ પરથી જ સમજી જાય.
-મારી નેહાડી જેવી દહ વરહની છોકરી એમાં હું હમજવાની ? એને તો બારી પાહે બેહવા મળે કે ખાવા ચોકલેટ મળે તો હો  ભોળવાઈ જાય. છાપામાં રોજે રોજ આવડી  અમથી છોકરીઓને પીંખી નાખનારા ગુંડાઓની વાત સાંભળું છું ને હું ફફડી ઉઠું છું, એ તો કોઈ છોકરીની મા હોય ઈ જ આ વાત જાણે.
(મને એની વાત સાંભળીને ‘નિર્ભયા કેસ’ ની યાદ આવી ગઈ.)
-આવા કૂકરમ કરનારને તો હો વરહ જેલમાં જ નાખવા જોઈએ અથવા ઉભી બજારે હો હો કોરડા મારવા જોઈએ, તો એ લોકો કદાચ હુધરે તો હુધરે,  હું કો’ છો તમે ?  એણે મને સવાલ કર્યો.
-હું શું કહું ?
વાચક મિત્રો, તમે શું કહો છો ?