Wednesday 25 March 2015

સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન.

સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન.     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પૂછુ છું તમને, કે આજે સાંજે હું શું રાંધું?
આવા અઘરા સવાલો તારે મને પૂછવા નહીં.
સહેલા સવાલોના જવાબો પણ તમને ક્યાં સુઝે છે?
તો પછી તારે મને પ્રશ્નો જ પૂછવા નહીં.
પ્રોફેસર સાહેબ, ક્લાસમાં વિધાર્થીઓ તમને પ્રશ્નો નથી પૂછતા કે?
પૂછે છે ને. પણ તે સર્વ પ્રશ્નો બુદ્ધિગમ્ય હોય છે.
એટલે? હું બુદ્ધિ વગરના- મૂર્ખતાપૂર્ણ પ્રશ્નો પૂછું છું?
એવું હોય તો પણ મારાથી તે કેમ કહેવાય?
હું જાણું છું, હું તમારા જેટલું ભણી નથી એટલે તમે મને ટોણો મારો છો. મારે નથી રહેવું અહીં, હું પિયર જતી રહીશ.
પાંચ મિનિટ થોભ.
અરે, પણ તમે ક્યાં ચાલ્યા? 
કારની ચાવી લઈ આવું, તારે પિયર જવું છે ને?
હવે તમે મને વધુ ચીઢવશો તો...તો...હું..
રિલેક્સ, માલુ. બોલ. તને ખુશ કરવા હું તારા બધા જ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.
તો કહો મને. આજે સાંજે હું શું રાંધુ?
કંઇ પણ રાંધ. તારા હાથનું તો ઝેર પણ હું હસતાં-હસતાં ખાઇ જઈશ.
પણ મને ઝેર રાંધતાં નથી આવડતું.
તું રસોઇ બનાવે છે તે કંઇ [ઝેર થી] કમ છે?
એટલે?
એટલે એમ કે કંઇ પણ રાંધી નાંખ.
દાળ-ઢોકળી બનાવું?
દાળ-ઢોકળી? એ કંઇ ખાવાની ચીજ છે કે?
ના. સુંઘવાની ચીજ છે. ખીચડી-કઢી બનાવું?
સપરમા દિવસે તે ખીચડી કોઇ ખાતું હશે?
તમે અપરમા દિવસે પણ ક્યાં ખીચડી ખાવ છે? આટલા સરસ ખીચડી-કઢી તમને કેમ ભાવતાં નથી તે જ મને તો સમજાતુ નથી.
એ તને બીજી કોઇવાર રેગ્યુલર ક્લાસમા સમજાવીશ.
તો અત્યારે શું  છે?
અત્યારે તો મારી ટેસ્ટ ચાલી રહી છે.  આગળ પૂછ.
દૂધી-ચણાની દાળનું શાક અને રોટલી બનાવું?
છી! એ તો માંદા માણસો ખાય.
તમે માંદા હો છો ત્યારે પણ એ નથી ખાતાં.  રગડા-પેટિસ બનાવું?
પ્લીઝ માલુ, એવો જુલમ ના કરીશ. વટાણા મારા પેટમાં પેસીને લાતમલાત કરે છે.
સવારનું ટીંડોળાનું  શાક પડ્યું છે. રોટલી ને કઢી-ભાત કરી નાંખું?
ઓહ! એ ટીંડોળાનું શાક હતું? હું તો સમજ્યો કે પરવળ હશે.
હે ભગવાન! તમે પણ પેલા કવિ જેવા જ છો ને.
કયા કવિ જેવા?
એક કવિ બગીચામા ટહેલતાં ટહેલતાં એક વ્રુક્ષ પાસે અટકીને બોલ્યા, હે આંબાના મનમોહક વૃક્ષ! તને પણ જો મારી જેમ વાચા હોત તો તું મને શું કહેત?’ આ ધન્ય ક્ષણે ત્યાંથી પસાર થઈ રહેલ એક વ્યક્તિએ કહ્યું, તો એ વ્રુક્ષ એમ કહેત- માફ કરજો, મહાશય. હું આંબાનું નહી આસોપાલવનું વ્રુક્ષ છું.
મને એ મહાન કવિ સાથે સરખવવા બદલ આભાર, સખી.
તો સખા! કહો હવે, આજે ભોજનમાં શું લેશો તમે?
તેં ગણાવી એટલીજ વાનગીઓ તને રાંધતાં આવડે છે?
મને તો હજાર વાનગીઓ આવડે છે. પણ તમને તો આ ભાવે અને તે ના ભાવે, આ પચે અને તે ના પચે, આ તો માંદા માણસો ખાય અને આ તો ભિખારીઓ ખાય, આ તો જોવાની ના ગમે અને આ તો પેટમા ઉછળે. હું તો થાકી તમારી આ રીતથી.  તમારા અપચાનો કોઇ ઇલાજ કરાવો જનાબ.
ઇલાજ તો છે જ ને.
અચ્છા, શું ઇલાજ છે?
ઉપવાસ.
બોલ્યા ઉપવાસ. એક ટંક તો ભૂખ્યા રહેવાતું નથી. જરાક મોડું થાય તો જમવા માટે બૂમાબૂમ કરી મૂકો છો.
એ તો મને એવી ટેવ. તારે ધ્યાન પર ના લેવું.
અરે હું તો કંઇ પ્રોફેસર છું તે સામેવાળાની વાત ધ્યાન પર ના લઉં?
મારી સાથે રહીને તું પણ સ્માર્ટ બનતી જાય છે, માલુ.
તો પણ મને સમજાતું નથી કે સાંજે શું બનાવવું. એના કરતાં તો કોઇ ટિફિનવાળાને બાંધી દીધો હોય તે સારું. તે જે લાવે તે જમી લેવાનું.
મારા માટે તો હાલ પણ એવું જ છે ને?
જુવો, હવે હદ થાય છે. હવે તમે મને વધુ ચીઢવશો તો હું..
પિયર જતી રહીશ?
ન. હું રડી પડીશ.
પ્લીઝ, માલુ, હમણા તું રડતી નહીં. ટુવાલ ધોવા નાંખ્યો છે અને નેપકીન તને નાનો પડશે.
તો પછી જલદીથી કહી દો કે શું રાંધું?
વળી પાછો એ કઠીન સવાલ? એનો કોઇ ઉપાય નથી શું?
છે ને ઉપાય.
તો બોલ ને જલદીથી.
આપણે આજે બહાર જમવા જઇએ.
હં. હવે સમજ્યો.
શું સમજ્યા?
સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન અને એનો સ્ત્રીઓ દ્વારા જડતો સરળ ઉપાય.

      

Friday 20 March 2015

ટંડુરંગ ટકટક [બાળ વાર્તા]

ટંડુરંગ ટકટક  [બાળ વાર્તા]  પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી. . [દાદાજીની વાતો પર આધારીત]

એક નાનકડી નદીને કિનારે એક મજાનું જંગલ હતું. એની બાજુમા એક નાનકડું ગામ હતું. આ ગામમા મોહન અને સોહન નામના  બે  મિત્રો રહેતા હતા. બન્ને સાથે રમે, સાથે હરે-ફરે  અને સાથે જ નિશાળે જાય. સોહનના પિતાની કપડાંની દુકાન હતી.  મોહનના પિતા જંગલમા જઈ લાકડાં કાપી લાવે. એ લાકડાં બાજુના શહેરમા વેચવા જાય. એમાથી  જે પૈસા આવે એનાથી ચોખા, દાળ, લોટ વગેરે લઈ આવે. જે દિવસે વધારે પૈસા મળે એ દિવસે મીઠાઇ લાવે. મોહનની સાથે સાથે સોહનને પણ મીઠાઇ આપે. મીઠાઇ ખાવા મળે એ દિવસે બન્ને મિત્રો ખુબ ખુશ થાય.દિવાળીના દિવસોમા સોહનના પિતા મોહન અને એના માતા-પિતાને નવા કપડાંની ભેટ આપે. બન્ને કુટુંબ વચ્ચે ખુબ મન મેળ હતો. 

એક દિવસ મોહનના પિતા જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે એમને ઝેરી સાપ કરડી ગયો. એમને શહેરમા ડોક્ટરના દવાખાને લઈ ગયા.પણ ત્યાં સુધીમા ઝેરના કારણે મોહનના પિતાનું અવસાન થયું. મોહન અને એની માતા દુ:ખી થઈને  ખુબ રડ્યા. થોડા દિવસ મોહન નિશાળે પણ નહી ગયો. ઘરમા ખાવાનું પણ ખુટી ગયું. થોડા દિવસ સોહનના ઘરેથી મોહનના ઘરે ખાવાનુ આવ્યું.  પણ પછી મોહનની માતાએ કહ્યું, હું લોકોના ઘરના કામકાજ કરીને પૈસા કમાઇ લાવીશ. મોહને એની માતાને કહ્યું, હવે મારા પિતાજી રહ્યા નથી એટલે પૈસા કમાવાની જવાબદારી મારી ગણાય. હું જંગલમા જઈને લાકડાં કાપી લાવીશ. શહેરમા લાકડાં વેચીને પૈસા કમાઇ લાવીશ. અને આપણા માટે ખાવાનું લઈ આવીશ.

મોહનની માતા આ સાંભળીને બોલી, બેટા, તું હજી નાનો છે. જંગલમા હિંસક પ્રાણીઓ હોય. હું તને જંગલમા નહી જવા દઉં. મોહને કહ્યું, હું બહાદુર છોકરો છું. જંગલના પ્રાણીઓથી ડરું એવો નથી. મા, તું મને આશીર્વાદ આપ. મોહનની માતાએ એને આશીર્વાદ આપ્યા, મારા બહાદુર બેટા, ભગવાન હમેશા તારું રક્ષણ  કરે. પણ તારે મારી એક વાત માનવી પડશે. રાત પડે અને અંધારું થાય એ પહેલાં  તારે ઘરે આવી જવાનું. મોહન હસીને બોલ્યો, મા, તારી વાત મને મંજુર છે. હું રાત પડે તે પહેલા ઘરે પાછો આવી જઈશ.’

અને આમ મોહને ઘરની જવાબદારી ઉપાડી લીધી. એણે નિશાળ જવાનું છોડીને જંગલમા લાકડાં કાપવા જવાનું શરુ કર્યું. એક તો મોહન હજી નાનો હતો. અને એને આ કામનો અનુભવ નહોતો. એટલે પહેલે દિવસે બહુ થોડા લાકડાં એ કાપી શક્યો. એમાથી માત્ર લોટ જ આવ્યો. માંએ  આ  લોટમાથી રાબ બનાવી અને બન્ને જણે ખુબ જ આનંદથી રાબ પીધી.

બીજે દિવસે મોહન થોડા વધુ લાકડાં કાપી શક્યો. એ દિવસે એને વધારે પૈસા મળ્યા. દાળ અને ચોખા બન્ને આવી શક્યા. મા એ ખીચડી બનાવી. મોહનને ખીચડી ખુબ ભાવે. મોહન નિશાળે નહી જઇ શકે એનુ દુ:ખ મોહન અને એની માતાને હતું. મોહન ને રાત્રે સમય મળે ત્યારે સોહનના પુસ્તકો લઈને વાંચતો. આમ દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ મોહન જંગલમા લાકડાં કાપવા ગયો હતો. ત્યાં દૂરથી એને સિંહની ગર્જના સંભળાઇ. મોહન ડરીને એક ઝાડ પર ચઢી ગયો.  સિંહ ઝાડ નીચે થોડીવાર  આંટા મારીને પછી જંગલમા દૂર દૂર જતો રહ્યો.

મોહન ઝાડ પરથી નીચે ઉતરવા જતો હતો. ત્યાં એને દૂરથી ઘોડાઓના પગલાનો અવાજ સંભળાયો. મોહન પાછો ઝાડ પર છુપાઇને બેસી ગયો. ત્રણ ઘોડેસવાર લોકો ઝાડ નીચે આવીને ઘોડા પરથી નીચે ઉતર્યા. એમની પાસે ત્રણ નાના પોટલા હતા. એ પોટલામા સોનુ, ચાંદી અને હીરાના ઘરેણાં અને રુપિયા હતાં. એ લોકો ચોર હતા અને એમની પાસે ચોરીનો માલ હતો. ત્રણે ચોર ઝાડ નીચે બેઠા. એમાનો એક ચોર બોલ્યો, બહુ ભુખ લાગી છે. પહેલા આપણે કંઇ ખાઇ લઈએ. પછી ચોરીના માલના ભાગ પાડીએ. બીજા ચોર પાસે એક જાદૂઇ લાકડી હતી. એણે લાકડી જમીન પર ત્રણ વાર પછાડી અને કહ્યું, ટંડુરંગ  ટકટક, અમારા માટે જલેબી આવી જાય. એના બોલવાની સાથે જ ત્યાં એક મોટી ડીશ ભરીને જલેબી આવી ગઇ.

મોહન તો આ જોઇને નવાઇ પામી ગયો. જલેબી ખાઇ લીધા પછી ચોરોએ જાદૂઇ લાકડી પાસે સમોસા મંગાવ્યા. મોહનના મોઢામાં પાણી આવી ગયું. એને પણ ખુબ ભુખ લાગી હતી. એ અખરોટના ઝાડ પર હતો. એણે ધીરેથી એક અખરોટ તોડી અને દાંત વચ્ચે દબાવીને તોડી.  અખરોટ તૂટવાથી કડ ડ ડ એવો અવાજ આવ્યો. અવાજ સાંભળીને ચોરો ખુબ ઘભરાયા. એમને લાગ્યું કે નક્કી આ ઝાડ પર ભુત રહે છે. ભુત આપણને ખાઇ જશે,’ એમ બોલીને ત્રણે ચોરો માલ સામાન મૂકીને ઘોડા પર બેસીને ભાગી ગયા.

ચોર ગયા એટલે મોહન ઝાડ પરથી નીચે આવ્યો. એ બધો સામાન અને જાદૂઇ લાકડી  લઇને ઘર તરફ આવવા નીકળ્યો. મોડી રાત હતી, અંધારું હતું,  ડર તો લાગતો હતો, પણ મોહન બહાદુર છોકરો હતો. એ ભગવાન રામનું નામ બોલતા બોલતા ઘરે આવી ગયો. મોહનની માતા ઘરના દરવાજે મોહનની રાહ જોતી ઉભી હતી. મોહનને આવતો જોઈને એ દોડીને મોહનને વળગી પડી. બોલી, બેટા, કેટલુ મોડું કર્યું તેં આવવામા? હું તો રાહ જોઇ જોઇ ને થાકી ગઈ. મને તારી કેટલી ચિંતા થતી હતી. હવે હું તને જંગલમા નહી જવા દઉં.

મોહન પણ માતાને વળગીને વહાલ કરતો બોલ્યો, મા, મને માફ કર. મેં તને બહુ રાહ જોવડાવી.  મા બોલી, પણ તને આટલુ બધુ મોડું કેમ થયું? અને તારા હાથમા લાકડાં ને બદલે આ બધું શું છે?’  મોહને ઘરમા જઇને માને જંગલમા શું બન્યું એ બધી વાત કરી. માને પણ મોહનની વાત સાંભળીને ખુબ નવાઇ લાગી. મોહને માતાને પુછ્યું, મા, ખરેખર ભુત હોય છે ખરું?’ મોહનની માતા બોલી, ના, બેટા. . ભુત એ તો આપણા મનનો વહેમ જ છે. આ દુનિયામાં ભુત જેવું કશું જ હોતું નથી. તારે કદિ પણ ભુતથી ડરવું નહી. અને ડર લાગે તો ભગવાન રામનું નામ લેવું

મા એ મોહનને કહ્યું, બેટા તને ભુખ લાગી હશે, પણ આજે તો ઘરમા રાબ સિવાય કંઇ ખાવાનું નથી. મોહન હસીને બોલ્યો, મા, હવે તુ મારો જાદૂ જો. મોહને જાદૂઇ લાકડી ત્રણ વાર   જમીન પર પછાડીને કહ્યું, ટંડુરંગ ટકટક,એક ડીશ જલેબી અને એક ડીશ સમોસા લાવી દે. અને આમ બોલતાં જ ત્યાં જલેબી અને સમોસા આવી ગયા. બન્ને એ આરામથી અને મજાથી  ખાધું. પછી મોહને પાછી જાદૂઇ લાકડીને જમીન પર પછાડીને કહ્યું, ટંડુરંગ ટકટક, આ ઝૂંપડીની જગ્યાએ સરસ  મજાનું ઘર બની જાય. અને તરત જ ઝુંપડીની જગ્યાએ એક સરસ મજાનું ઘર બની ગયું. મોહન અને માતા બન્ને જણ એ રાત્રે આરામથી સુઇ ગયા.
બીજે દિવસે મોહન તૈયાર થઈને નિશાળે જવા નીકળ્યો. સોહન એને રસ્તામા જ મળ્યો. એ પણ નિશાળે જવા જ નીકળ્યો હતો. સોહને મોહનને પુછ્યું, મોહન,તારી પાસે નવા કપડાં, નવું દફતર અને નવું ઘર કઈ રીતે આવ્યું?’ મોહન ખુબ સીધો સાદો છોકરો હતો. એણે સોહનને જંગલમાં શું બન્યું હતું તે બધી જ વાત કરી.  આથી સોહને પણ મનમાં નક્કી કર્યું કે એ પણ મોહનની જેમ જંગલમાં લાકડાં કાપવા જશે, અને ચોરો પાસેથી માલસામાન અને જાદૂઇ લાકડી લઈ આવશે.

સાંજે નિશાળેથી ઘરે આવીને સોહન તો તરત જ જંગલમા જવા નીકળી ગયો. માતા-પિતાને કહ્યું કે એ મોહનના ઘરે ભણવા માટે જાય છે. પણ એ દિવસે કોઇ ચોર આવ્યા જ નહી. બીજે દિવસે અને ત્રીજે દિવસે પણ સોહન જંગલમાં ગયો, પણ ચોર આવ્યા નહી. સોહને નક્કી કર્યું કે ચોર આવે નહીં ત્યાં સુધી રોજ એ જંગલમા જશે. ચોથા દિવસે સોહન જંગલમા ગયો. અખરોટના ઝાડ પર ચઢીને બેઠો. રાત પડી અને દૂરથી ઘોડાના પગલાના અવાજો સંભળાયા. સોહન ખુબ ડરી ગયો પણ ચુપચાપ ઝાડ પર બેસી રહ્યો.

ચોર આવ્યા, માલસામાન બાજુ પર મૂક્યો. જાદૂની લાકડી લીધી જમીન પર ત્રણ વાર પછડીને બોલ્યા, ટંડુરંગ ટકટક, જલેબી અને સમોસા લાવો. સોહનને પણ ભુખ લાગી હતી.ખાવાનુ જોઇને  એના મોઢામા પાણી આવ્યું. એણે ઝાડ પરથી અખરોટ તોડી. પણ અખરોટ ખાવા જતાં ડરના માર્યા એના હાથમાંથી અખરોટ નીચે પડી. ચોરોએ ઉપર જોયું તો સોહન દેખાયો. ચોર લોકોએ સોહનને ઝાડ પરથી નીચે આવવા કહ્યું. સોહને ડરના માર્યા નીચે આવવાની ના પાડી. ચોરોએ સોહનને ધમકી આપી,’ જો તું નીચે નહી આવે તો અમે તને આ જાદૂઇ લાકડીથી કાગડો બનાવી દઈશું.

સોહન આ સાંભળીને  ઝાડ પરથી નીચે આવ્યો અને ડરનો માર્યો ચુપચાપ ઉભો રહ્યો. એક ચોર બોલ્યો, તો તું છે અમારો માલસામાન અને જાદૂઇ લાકડીનો ચોર. સોહન હાથ જોડીને બોલ્યો, તમારો માલસામાન અને જાદૂઇ લાકડી મેં નથી લીધા. એ તો મારો મિત્ર અને પડોશી મોહન લઈ ગયો છે. ચોરો સોહનની વાત સાચી માનવા તૈયાર નહોતા. જુઠું બોલે છે, કેમ? તને એની સજા જરુર મળશે. ચાલ તારું મોઢું ખોલ. સોહને મોઢું ખોલ્યું. એક ચોરે જાદૂઈ લાકડી એના તરફ કરીને કહ્યું, ટંડુરંગ ટકટક, આ છોકરાની જીભ વીસ ફુટ જેટલી લાંબી થઈ જાય. અને સોહનની જીભ વીસ ફુટ જેટલી લાંબી થઈ ગઈ.

ચોર લોકો તો પોતાનો માલસામાન લઈને જંગલમા જતા રહ્યા. સોહન રડતો રડતો નદી કિનારે આવ્યો. આટલી લાંબી જીભને લઈને હવે ઘરે કેવી રીતે જાઉં?’ એવું વિચારતો બેઠો. એને જીભમા ખંજવાળ આવી એટલે એણે જીભ લાંબી કરી તો નદી પર જીભનો પુલ બની ગયો. નદીની સામે કિનારે એક ભરવાડ બકરીઓ ચરાવતો હતો.એને આ નવો પુલ જોઈને નવાઇ લાગી. નદીના સામેના કિનારેથી પુલ પરથી આ બાજુના કિનારે આવવા લાગ્યો. એના હાથમા સળગતી બીડી હતી. બીડી પીને છેલ્લો વધેલો સળગતો ભાગ એણે પુલ પર એટલે કે સોહનની જીભ પર નાંખ્યો. સોહન ગરમ બીડીથી જીભે દાઝ્યો. એણે જીભ હલાવી એટલે ભરવાડ નદીમા પડી ગયો.

ભરવાડ કિનારે આવીને સોહનને મારે તે પહેલા સોહન પોતાના ઘર તરફ ભાગ્યો. ઘરે આવેલા સોહનની લાંબી જીભ જોઇને એના માતા-પિતા નવાઇ પામ્યા. સોહનથી એની લાંબી જીભના કારણે બોલી નહોતુ શકાતુ. એટલે  એણે કાગળ અને પેન લઈ લખીને માતા-પિતાને બધી વાત કરી. સોહનની વાત  વાંચીને એના માતા-પિતા એના પર નારાજ થયા. એને જુઠું બોલવા બદલ, લાલચ કરવા બદલ અને મોહનની નકલ કરવા બદલ ઠપકો અને શિખામણ આપી. સોહને પણ પોતની ભુલ કબુલ કરી અને હવે આવી ભુલ કદી નહી કરે એમ લખીને જણાવ્યું. સોહનની માતા મોહનના ઘરે ગઇ. મોહનને બધી વાત કરી અને સોહનની જીભ હતી એવી કરી આપવા કહ્યું. મોહન તરત જ પોતાના મિત્રને મદદ કરવા તૈયાર થયો.


મોહન જાદૂઇ લાકડી લઈને સોહનના ઘરે આવ્યો. જમીન પર ત્રણ વાર લાકડી પછાડીને એણે કહ્યું, ટંડુરંગ ટકટક, સોહનની જીભ પહેલા હતી એવી પાછી થઈ જાય. સોહનની જીભ પાછી હતી એવી થઈ ગઇ. સોહને અને એના માતા-પિતાએ મોહનનો ખુબ ખુબ આભાર માન્યો. મોહને સોહનનું ઘર પણ જાદૂઇ લાકડીથી પોતાના ઘર જેવું સરસ બનાવી આપ્યું. સોહનના માતા-પિતાએ મોહનને આશિર્વાદ આપ્યા, બેટા, ખુબ સુખી થજે અને ઘણું ઘણું ભણજે. મોહને જાદૂઇ લાકડીથી ગામમાં નિશાળ અને દવાખાનું બનાવ્યા.ગામના લોકો આ જોઇને ખુબ ખુશ થયા અને  બધા આનંદથી રહેવા લાગ્યા.

Wednesday 18 March 2015

ધોબીને પત્ર .

ધોબીને પત્ર .        પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

શ્રીમાન વસ્ત્રપ્રક્ષાલનકાર મહાશય મહાનુભાવ ધોબીશ્રી ભગવાનજીભાઇ,
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી ઠે..ઠ  થલતેજ ટેકરાના અંતર જેટલું લાંબુ સંબોધન તને અમસ્તું નથી કર્યું ભગવાનજીભાઇ, પણ તને ઇસ્ત્રી કરવા આપેલા કપડાં તું કેટલા લાંબા સમય ગાળા પછી પાછા આપી જાય છે તે તને સમજાવવા માટે થઈને જ કર્યું છે. તને એ વાંચતાં જેટલો કંટાળો આવશે એનાથી ડબલ કંટાળો તને ઇસ્ત્રી કરવા આપેલા કપડાં તું પાછા ક્યારે આપ જાય છે તેની રાહ જોવામા અમને આવે છે.

પહેલાં તો મને તારા આ પ્રલંબ વિલંબનું રહસ્ય સમજાયું નહોતું. પણ એકવાર તારી ઘરવાળીને મારો પંજાબી ડ્રેસ પહેરીને બસસ્ટોપ પર ઉભેલી જોઇ ત્યારથી મને એ વાત સમજાઇ ગઈ છે. પણ એ તો હમેશા સાડી જ પહેરતી હતી ને? હવે પંજાબી ડ્રેસ પહેરવા જેટલી મોડર્ન થઇ ગઇ? વળી એક દિવસ તારા ટેણિયાને મારા નાના દિકરાનું હાફપેન્ટ અને ટીશર્ટ પહેરીને ગામમા રમતાં જોયો ત્યારે મને ખ્યાલ આવી ગયો કે તને આમારાં કપડાં ઇસ્ત્રી કરીને લાવતાં આટલી વાર કેમ થાય છે. ખેર! કપડે કપડે પર લીખા હૈ પહનનેવાલે કા નામ. 
તને યાદ છે તેં એકવાર મારા પતિનું રેમન્ડ્સ નું પેન્ટ વારંવાર યાદ કરાવ્યા પછી બરાબર એક મહિના પછી પાછું આપ્યું હતું? એ બદલ હું જાહેરમા તારો આભાર માનું છું. કેમ કે મારા ભાઇઓએ મને બળેવ પર ભેટ આપેલો સરસ મજાનો પંજાબી ડ્રેસ તો તેં બે મહિને પણ પાછો  આપ્યો નથી.  જો કે થોડા જુના, ઓછાં કિમતી, થોડા ઘસાયેલા કપડાં તું નિયમિત પણે આપી જાય છે, એ બદલ પણ મારે તારો આભાર માનવો ઘટે. કેમ કે તારા થકી તો અમે આ સમાજમાં ઊજળાં રહ્યાં છીએ.
તારાં ઇસ્ત્રી કરેલાં કપડાં જોઇને અમને તારા મુડનો ખ્યાલ આવી જાય છે. બેંકવાળા જે રીતે અમુક સમયમાં અમારા નાણાંને ડબલ કરી આપે છે, એ રીતે તું અમારા કપડાંમાં જ્યારે ડબલ સળ પાડી લાવે છે, ત્યારે અમે જાણી જઈએ છીએ કે તું કંઇ મૂંઝવણમા છે. જે દિવસે તું કપડાંની કરચલીઓ ઓછી કરવાને બદલે વધારીને લઈ આવે છે, ત્યારે અમને ખબર પડી જાય છે કે તું તારી બૈરી સાથે ઝઘડ્યો છે. ખેર! સંસાર છે, ચાલ્યા કરે એ તો.

પણ રોજ મારા પતિ ઓફિસ જતી વખતે કપડાં જોઇ ગુસ્સે થાય એટલે હું હાથ પર લીધેલું કામ પડતું મૂકીને દોડું. એમના શર્ટની બાંયો, કોલરને ફરીથી ઇસ્ત્રી ફેરવી આપું. મને તો કંઇ વાંધો નથી, કામ તો ચાલતું રહે, પણ એમને ઓફિસ જવાનું મોડું થઈ જાય એટલે મને કહે,’ મારા બોસ મને નોકરીમાંથી કાઢી મૂકે તે પહેલાં તું આને [એટલે કે તને- ધોબીને] આપણી સેવામાંથી મુક્ત કર. એમની આ તાકીદ મેં તને ઘણીવાર પાસ ઓન કરી છે, પણ એ બધું તો પથ્થર ઉપર પાણી. એક ધોબીના કહેવાથી પ્રભુ રામે સીતામાતાને જંગલમાં કાઢી મૂકેલા. તું જો તારું કામ નહીં સુધારે તો મારે મારા પતિના કહેવાથી એક ધોબીને [તને] કામમાંથી કાઢી મૂકવો પડશે.

ખરાબ ઇસ્ત્રી માટે તું હમેશા તારા આસિસ્ટન્ટની બેકાળજીને જવાબદાર ઠરાવે છે, પણ હું તો જ્યારે તારા ઘર પાસેથી પસાર થાઉં છું ત્યારે મને તારા અને તારી ઘરવાળી સિવાય તારો કોઇ આસિસ્ટન્ટ દેખાતો નથી. શું એ મી. ઇંડીયાની જેમ અદ્રશ્ય રહીને કામ કરે છે? દવાખાને જવાના બહાને તું દર શુક્રવારે ઘરે ઘરે થી એડવાન્સ  રૂપિયા ઉઘરાવે છે, પણ મને ખબર છે કે દર શુક્રવારે તું થિયેટરમા ફિલ્મ જોવા જાય છે. છોકરાંઓની બુક્સ અને યુનિફોર્મ લવવાના પૈસા નથી અને ભાઇ સાહેબને દર અઠવાડિએ થીયેટરમા જઈ ફિલ્મ જોવી પોસાય છે.  એ તો ઠીક, પણ સાવ કચરા છાપ ફિલ્મો જોઇને તું જોકર જેવાં કપડાં પહેરે અને વિચિત્ર હેરસ્ટાઇલ કરે છે ત્યારે સાવ હાસ્યાસ્પદ લાગે છે. ઘરમા ખાવાના સાંસા છે અને ભાઇસાહેબને લોન પર સ્કુટર લઈ સવારી કરવી છે, તે એના હપ્તા કોણ ભરશે તે કંઇ વિચાર્યું છે કે? એ માટે જો હવે એડવાન્સ પૈસા માંગ્યા છે ને તો તારી ખેર નથી. આ તો તારાં બૈરી-છોકરાંઓની દયા આવે છે તેથી કોઇવાર એડવાન્સ રૂપિયા આપું છું, સમજ્યો?

એક દિવસ તારી બૈરી મને રસ્તામા મળી તો કહે, બહેન, અમારા એ ને તમે જરા સમજાવોને. દર રવિવારે ગુજરીમાંથી સાવ મુડદાલ જેવો સામાન ઉઠાવી લાવે છે. દૂધ કે શાકભાજીનાં પૈસા માંગું તો આપતાં જોર આવે છે. કેટલી કાકલુદી કરું ત્યારે માંગ્યા હોય એનાથી અડધા પૈસા માંડમાંડ  આપે. અને તે પણ હજારો સવાલ પૂછ્યા બાદ.  મેં એને કહ્યું, તારે જોઇતા હોય એનાથી ડબલ પૈસા માંગવાના.  તો એ હસીને બોલી, એમ જ કરું છું બહેન, ત્યારે જ તો ઘર ચાલે છે ને.

જો ભગવાન, તું છે હરતીફરતી પોસ્ટઓફિસ જેવો. કે પછી રોજના ન્યૂઝપેપર જેવો. સોસાયટીમા કોના ઘરમાં, કોની વચ્ચે અને કઈ બાબતે તકરાર થઈ એ વાત તું બધાંને મીઠું મરચું ભભરાવીને મસાલેદાર આઇટમના રુપમા ઘરે ઘરે પીરસી આવે  છે. આ સોસાયટીમાં કોણ અતિ કંજુસ અને કોણ અતિ ઉડાઉ એ વાત તું બાજુની સોસાયટીમાં જઈને કહે છે અને એમની વાતો અહીં આવીને કહે છે. આ તારી ટેવ સારી નથી. તું હવે મોટો થયો, હવે તો તારા આ નારદવેડા છોડ. કાલે તેં કોઇ રિટાયર્ડ જજના આલ્સેશિયન કૂતરાને સોસાયટીમા છોડીને બાળકોને ભગાવ્યા એમા એક છોકરાને પગે મોચ આવી ગઈ એનું તને ભાન છે? તું આવો સેડેસ્ટિક પ્લેઝર [પાશવી આનંદ] લેતો ક્યારથી  થઈ ગયો?

તને આ પત્ર દ્વારા હું તાકીદ કરું છું કે તું બોલવાનું અને રખડવાનું ઓછું કર, અને તારું કામ સુધાર. [બાતેં કમ કર કામ જ્યાદા ભગા.] અને બની શકે તો તારું નામ ભગવાન છે તે બદલીને બીજું કંઇ રાખ. વારંવાર ભગવાનને [એટલેકે તને] ધમકાવવાનું મને સારું નથી લાગતું. [મને GUILT ફીલ થાય છે.] હું સમાજ સુધારક હરગીજ નથી, તો પણ તને કહું છું, હે ભગા, હે ભગવાનજીભાઇ , મારા બાપ, હવે તો તું થોડો સુધર, હવે તો  જરા માણસ બન.


                           લિ. વ્યક્તિસુધારણા નહીં તો કમ સે કમ કાર્યસુધારણા ના મનોરથ સેવતી                                                                                  એક આશાવાદી ગ્રાહક.

Wednesday 11 March 2015

એક અનોખો શોખ.

એક અનોખો શોખ.                     પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

શોખ એટલે અમુક વસ્તુ કે વિષય પરત્વે વિશિષ્ટ અભિરુચિ. આ શોખ વિશે હું કંઇ કહું તે પહેલાં પંડિતો એ વિશે શું કહે છે તે વાત સમજી લઈએ. પંડિતો કહે છે કે ઉચ્ચ અને કલાપોષક અભિરુચિ માનવીના જીવનને ઉર્ધ્વગામી બનાવે છે, જ્યારે દીન વસ્તુઓ કે વિષયોની અભિરુચિ માનવીને પતનના માર્ગે ધકેલે છે. એમની આ વાત સાથે હું આંશિક રીતે સહમત થાઉં પણ સંપૂર્ણ રીતે સહમત થઈ શકતી નથી અને એનું કારણ છે, મારો એક અનુભવ.

હું નાની હતી ત્યારે સોસાયટીમાં રમતાં રમતાં અમે પાંચ દોસ્તો થોડે દૂર આવેલી આંબાવાડીમાં ઘૂસી ગયા. આંબા પર કેરીઓ જોઇને મન લલચાયું અને લાલચને વશ થઈને કેરીઓ તોડી લીધી. ત્યાં જ વાડીના માલિકની બૂમ સંભળાઇ એટલે રસ્તામા કેરીઓ ફેંકી દઈ અમે ભાગ્યા. ઘરે આવી અમે ઉપલા માળે સંતાઇ ગયાં. વાડીના માલિકની વાત સાંભળી અમારા વડીલોએ અમને ઠપકો આપ્યો અને એને એની નુકસાનીના પૈસા આપ્યા. [કેરીઓ પણ ગઇ ને પૈસા પણ ગયા.] આમ તો ચોરી કરવી એ અધમ ક્રુત્ય ગણાય ને એ પતનને માર્ગે લઈ જાય. પણ એ જ ક્રુત્યએ અમને ઉર્ધ્વગામી [ઉપલા માળે જવા પ્રેર્યા] બનાવ્યા.

મને તો દોસ્તોના રબર, પેન્સીલ, કંપાસ, ફૂટપટ્ટી વગેરે ચોરી લેવાનું ઘણું ગમતું.  પણ વડીલોએ આજ પછી હું કદી ચોરી કરીશ નહી એવા સોગંદ લેવડાવ્યા એટલે બાળપણમાં વિકસું-વિકસું થઈ રહેલો મારો આ શોખ બાળમરણને વર્યો. પણ એ પછી વિકસેલો મારો શોખ- અન્યની નિંદા કરવી અને અન્યની નિંદા સાંભળવી  ઘણો લાંબો ટક્યો અને હજીય ટકી રહ્યો છે જે વિશે આજે હું તમને વિસ્તારથી સમજાવીશ.
તમને એ જાણીને નવાઇ લાગશે કે,  નિંદા કરવાનો મારો આ શોખ બચપણથી નહોતો. એ તો હું ઘણી મોટી ઉંમરે—લગભગ લગ્ન કર્યા પછી શીખી. જો કે એ વિશે મેં કોઇ ક્લાસીસમાં જઇને પધ્ધતિસરની તાલીમ લીધી નથી. એને તો મેં ઓટલા પરિષદમાં જઈ જઈને મારી આત્મસૂઝથી વિકસાવ્યો છે. આ શોખે ફક્ત મારા દિમાગનો જ કબજો નથી લીધો, એણે મારાં દિલનેય જીતી લીધું છે. એટલે જો પૂરતાં સ્ટુડન્ટ મળી રહે તો એના ક્લાસીસ શરુ કરવાની મારી મહેચ્છા છે.

મારો આ અનોખો શોખ મને પ્રાણથીય અધિક પ્રિય છે. જો કે મારે હજી સુધી આમા પ્રાણ આપવાનો પ્રસંગ જ પેદા નથી થયો, અને પેદા થશે પણ નહીં એનો મને વિશ્વાસ છે. કેમ કે આ શોખ એ રીતે જરા પણ જોખમી નથી. બસ, થોડી કાળજી એ રાખવી પડે. અને તે એ  કે જે વ્યક્તિ ગેરહાજર હોય એ આપણું લક્ષ્ય. એની ભરપૂર નિંદા કરી શકાય. વ્યક્તિની ગેરહાજરીના લીધે માર પડવાની સંભાવના જ નહીં. તમને પ્રશ્ન થશે કે કોઇ ત્રાહિત વ્યક્તિ ગદ્દાર પાકે અને નિંદિત વ્યક્તિને માહિતી પહોંચાડે તો? અરે, એમ થાય તો આપણા નેતાઓની જેમ વચનફેર કરી દેવાનુ. પણ હું તો હવે આમા એટલી બધી એક્ષપર્ટ થઇ ગઈ છું કે ખુદ ગદ્દાર વ્યક્તિને જ ફસાવી દઉં. એટલે હવે મારી સાથે કોઇ ગદ્દારી કરવાનું સાહસ કરતું જ નથી.

નિંદારસનો મારો આ શોખ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી. કેટલાય અનુભવોની ચક્કીમા પીસાઇને એ તૈયાર થયો છે. રમીલાકાકી મારા ગુરુ છે અને નીમા, વીણા અને સીમા મારાં સાથીદારો છે. રમીલાકાકીને મેં મંથરા નું બિરુદ આપ્યું છે, તો નીમા-કાળિકા, વીણા-ચંડિકા અને સીમા-દુર્ગા છે. મારું નામ અહીં અપ્રગટ રાખવાનો હું  આગ્રહ રાખું છું.  કાળિકા એની સાસુની, ચંડિકા એના વરની અને દુર્ગા એની નણંદની નિંદા કરવામાં એક્સપર્ટ ગણાય છે. જ્યારે હું તો મારા ગુરુજી [મંથરા] ની જેમ કોઇની પણ નિંદા ખૂબ જ સરળતાથી અને કુશળતાપૂર્વક કરી શકું છું. મારી આ પ્રસિધ્ધિથી પ્રેરાઇને એક્વાર તો એક પત્રકારે મારો ઇન્ટરવ્યુ પણ લીધો હતો, જે તમારી મજા ખાતર અહીં પ્રસ્તુત કરું છું.

પત્રકાર: સાંભળ્યું છે કે તમે નિંદા કરવામાં એક્ષપર્ટ છો?
હું: મેં પણ સાંભળ્યું છે, કે તમે પત્રકારો પણ આ કળામાં ઘણા માહેર છો, છો કે નહીં?
પત્રકાર: થોડું ઘણું એવું ખરું, પણ સાવ એવું નહીં.
હું: હું એમ જ એવું નથી કહેતી. સાંભળો, ઘણી જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મારી એક ટી. વી. આર્ટિસ્ટ ફ્રેન્ડનો ઇન્ટરવ્યુ લેવા આવનનારો પત્રકાર પરણેલો હોવા છતાં એક કરોડપતિ બાપની એકની એક કુંવારી છોકરી સાથે લફરામાં હતો. જો કે એ કુંવારિકા પણ કંઇ કમ નહોતી. આ પત્રકાર જેવા તો કંઇ કેટલાંય બકરાઓને એ ફસાવી ચૂકી હતી. એના એક એક કારનામાની....
પત્રકાર:બસ, બસ, બસ. નિંદા કરવાની તમારી કુશળતા વિશે મને હવે લેશમાત્ર પણ શંકા નથી. ફક્ત એટલું કહો કે એ કરવા પાછળ તમારો આશય શું હોય છે?
હું:એક આશય તો સરળ અને સ્પષ્ટ છે. નિજાનંદ. અન્ય વ્યક્તિની નિંદા કરવાથી જે આનંદ આવે છે તે અનેરો છે. જે માણે તે જ જાણે.
પત્રકાર: અને બીજો આશય?
હું:બીજો આશય શુભ છે. કોઇક સંતે કહ્યું છે,
નિંદક નિયરે રાખીએ, આંગન કુટિર છવાય,
બિન પાની બિન સાબુના નિર્મલ કરે સુભાય.
નિંદા કરનારને નજીક રાખવાથી સાબુ અને પાણી વગર સ્વભાવ નિર્મળ થતો હોય તો, આજના મોંઘવારીના જમાનામાં આનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે? એટલે સંતજનની પ્રેરકવાણીની અસરથી જ મેં નિંદારસ વિકસાવ્યો છે.
પત્રકાર: તમારા સાથીદારોમાં કોઇ પુરુષ સભ્ય નથી.
હું: ના. પુરુષો આ બાબતમાં કાચા પડે. અમારા ની જ વાત લઈ લો. હું જરા સરખી કોઇની વાત માંડું ત્યાં જ એ કહે, કોઇ પણ વ્યક્તિ વિશે વાત કરવી એ હીન કક્ષાનું કામ છે. કોઇ પ્રસંગની વાત કરવી એ મધ્યમ કક્ષાનું કામ છે. અને કોઇ સારા વિચારોની વાત કરવી એ ઉત્તમ કક્ષાનું કામ છે. હશે, આ એમની માન્યતા છે. એ લોકો વેલ્યુઝ, બિલીફસીસ્ટમ, રીસ્પોંસીબીલીટી, કમિટમેન્ટ..એવી બધી વાતો કરે એ ઉચ્ચ કક્ષા. અને આપણે સાસુ- નણંદ.. એવી વાતો કરીએ તે અધમ કક્ષા?
પત્રકાર: તમારી કોઇ નિંદા કરે તો તમને કેવી લાગણી થાય?
હું: ગુસ્સાની અને ક્રોધની.
પત્રકાર:તમે બીજાની નિંદા કરતાં આનંદ અનુભવો અને બીજા તમારી નિંદા કરે ત્યારે તમે ગુસ્સો અનુભવો, એવું કેમ?
હું: ગુસ્સો મને કોઇ મારી નિંદા કરે એ વાત પર નથી આવતો. ગુસ્સો એમની નિંદા કરવાની અણ- આવડત પર આવે છે. નિંદા કરતાં બરાબર ન આવડતું હોય તો અમારા જેવા અનુભવી પાસે શીખવામાં વળી  નાનમ શી?
પત્રકાર: વાત તો તમારી ગળે ઉતરે એવી છે.
હું તમારે શીખવું છે?
પત્રકાર: નિંદા કરવાનું? સોરી. હમણા તો મારે બીજી જગ્યાએ ઇંટરવ્યુ લેવા જવાનું છે, એટલે બીજી કોઇ વાર વાત. તમારો આ શોખ ખુબ વિકસે એવી શુભેચ્છા! આવજો.

પત્રકારે ભલે મને મારા શોખને વિકસાવવા માટે શુભેચ્છા આપી. પણ આ શોખ તો કોઇની શુભેચ્છા વિના વિકસે એવો સરળ અને સહજ છે. મારા આ સિવાયના અન્ય શોખો મર્યાદિત છે. દા.ત. ચિત્રકામ, વાંચન, લેખન, સંગીત-શ્રવણ...વગેરે. જેમાં કલાક- બે કલાક ગાળ્યા પછી કંટાળો આવવા માંડે છે.ત્યારે નિંદા કરવાના શોખમાં તો કલાકો ના કલાકો, દિવસો ના દિવસો, મહિનાઓ ના મહિનાઓ..અરે, વર્ષોના વર્ષો આનંદમાં પસાર થાય છે. કોઇને મારો હાસ્યલેખ સંભળાવું તો તે પંદર મિનિટમાં બગાસું ખાવા માંડે છે, પણ જેવી કોઇની કૂથલી માંડું કે એની ઊંઘ-સુસ્તી આપોઆપ ઊડી જાય છે. કેટલો પણ સમય જાય તો પણ એની આંખોમાં, હજી વધુ કહોને ની આજીજી ડોકાય છે. એ હોંશે હોંશે હોંકારો પુરાવે છે, એટલું જ નહીં પણ પોતાના તરફથી પણ શક્ય એટલી માહિતી પૂરી પાડે છે.

આ નિંદા કરવાનો મારો શોખ એ મારા માટે માત્ર ફૂરસદની પળો પસાર કરવાનું સાધન નથી,પણ એક ગંભીર છતાં મનોરંજક પ્રવ્રુત્તિ છે. આ ક્ષેત્રમાં મેં ઘણી પ્રગતિ કરી છે. મેં મારાં મિત્રોની નિંદા કરી છે, પડોશીઓની નિંદા કરી છે, કુંટુંબીજનોને પણ નથી છોડ્યા. અરે! મારાં ગુરુજનોની નિંદા પણ મેં ખુબ જ આનંદપૂર્વક કરી છે. નેતાઓ અને અભિનેતાઓની નિંદા કરી છે. ચાંદ, તારા અને સૂરજની નિંદા કરી છે. ફૂલ, પાંદડી અને પતંગિયાઓની કૂથલી કરી છે. નિંદા કરવાની બાબતમાં મેં ઈશ્વરને પણ નથી છોડ્યા.[જે અમારા મકાન માલિક છે.]  સાચું કહું તો મેં મારી જાત સિવાયના તમામ જનોની નિંદા ખુબ પ્રેમપૂર્વક કરી છે.

મેં સવારે, બપોરે અને સાંજે નિંદા કરી છે. અરે! ક્યારેક તો મેં રાત્રે ઊંઘતાં અને સપનામાંય નિંદા કરી છે. મેં સૂતાં-જાગતાં-ઊઠતાં-બેસતાં-લખતાં-વાંચતાં અને ગાતાંય કોઇ કોઇની નિંદા કરી છે. મેં ઘરમાં, બહાર, બગીચામાં, થીયેટરમાં અને ક્યારેક તો મંદિરમાં પણ નિંદારસનું પાન કર્યું છે.  નિંદા કરવા માટે મને ક્યારેય વય, સ્થિતિ, વ્યક્તિ, સ્થળ કે કાળનાં બંધન નડ્યાં નથી. મારા આવા અનોખા શોખની અનેરી સિધ્ધિથી મને પરમ આનંદ અને અપ્રતિમ સંતોષની અનુભૂતિ થાય છે.

Wednesday 4 March 2015

વિશુના લગ્ન અને વિશ્વના ધનાઢ્યો.

વિશુના લગ્ન અને વિશ્વના ધનાઢ્યો.            પલ્લવી જિતેંદ્ર  મિસ્ત્રી.

-પછી વિશુના લગ્નની તૈયારી વિશે કંઇ વિચાર્યું કે?
-તેં મને કંઇ કહ્યું?
-પહેલા તમારું આ ટી.વી. ઓલવી નાખો, પછી કહું.
-મારું ટી.વી. તને ક્યાં નડ્યું?
-એ તમને નહી સમજાય. ટી.વી. ચાલુ હોય છે ત્યારે તમારું અડધું ધ્યાન એમા અને અડધું ધ્યાન આપણી વાતોમા હોય છે.
-તને જો એવો ભ્રમ હોય કે ટી.વી. બંધ કરવાથી મારું પુરું ધ્યાન આપણી વાતોમા આવશે, તો ભલે, લે. આ તારા સંતોષ ખાતર ટી.વી. ઓલવી નાખ્યું, બસ? બોલ, હવે, તું શું કહેતી હતી?
-હું એમ કહેતી હતી, કે આપણી વિશુ [વિશાખા] ના લગ્નની તૈયારી હવે કરવી પડશે ને?
-હા. તે કર ને, કોણ ના પાડે છે?
-ફક્ત તમારી  હા  કહેવાથી બધા કામો થઈ જવાના છે?
-તો તું મારી પાસેથી શું ઈચ્છે છે?
-તમે કંઇ જ મદદ નહીં કરાવો?
-એ જ  તો તકલીફ છે ને? તેં પેલું ગીત નથી સાંભળ્યું..... હસીનોસે એહ દિલ વફા ચાહતે હો, બડે નાસમજ
હો, યે ક્યા ચાહતે હો, બડે નાસમજ હો....  તું મને આટલાં વર્ષોથી ઓળખતી હોવા છતાં મારી પાસેથી મદદની અપેક્ષા રાખી રહી છે?
-મને ખબર છે કે તમારી પાસેથી મદદ લેવી એટલે વેકેશનમા રેલ્વે સ્ટેશનની ટિકિટ વીન્ડોની લાઇનમા ઊભા રહીને ટ્રેઇનની ટિકિટ લાવવા જેવું કઠીન કામ છે. પણ આપણા અભૂતપૂર્વ એવા ભૂતપૂર્વ   મુખ્યમંત્રી શ્રીમતિ ઇંદિરા ગાંધી કહી ગયાં હતાં કે, કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.
-જો વ્હાલી, વ્યક્તિ ગઈ એની સાથે ઊક્તિ પણ ગઈ.  અને માણસો ગયા એમની સાથે માન્યતાઓ પણ ગઈ.  Now, best thing is that..કે તું મારી પાસેથી મદદની અપેક્ષા રાખે તે કરતાં કોઇ યોગ્ય બીજી વ્યક્તિ  શોધી લે, કે જે તને કામમા મદદ કરાવે.
-એ ના ભૂલો કે છોકરી જેટલી મારી છે, એટલી જ તમારી છે.
-તારા સમ ડિયર, હું એ વાત કદી ભૂલ્યો નથી, અને કદી  ભૂલીશ પણ નહિ. વિશુ જેટલી તને વહાલી છે, એટલી જ મને પણ વહાલી છે.
-હં. તો પછી એના લગ્નની તૈયારીમા મદદ કરો.
-જેવી તારી મરજી. ચાલ, સગાં-વહાલાંઓના લિસ્ટથી શરુઆત કરીએ. લાવ, એક પેન અને એક ફુલસ્કેપ બુક.
-એ વળી પાછાં મારે તમને આપવાના?
-તારે મારી પાસે કામ કઢાવવું હોય તો એટલું તો કરવું જ પડે ને?
-ભલે લ્યો. આ પેન અને આ નોટબુક. શ્રી ગણેશાય નમ: લખીને શરુઆત કરો.
-જો આમા તો બહુ સમય લાગી જાય. મારી પાસે એટલો ટાઇમ ક્યાં છે? તું એક કામ કર. પ્રાયમરી લિસ્ટ તું બનાવી રાખ. પછી ફાઇનલ લિસ્ટ આપણે સાથે મળીને કરીશું.
-હે ભગવાન! આમની પાસેથી કામ લેવું એટલે લોઢાના ચણા ચાવવા. જેવું અઘરું કામ છે. પણ હું ઓળખું ને તમને. મેં પ્રાયમરી લિસ્ટ તૈયાર જ રાખ્યું છે. લ્યો, એમાથી   ફાઇનલ  યાદી તૈયાર કરો હવે.
-ગુડ ગર્લ. લાવ ચાલ, સાથે બેસીને મહેમાનો ની યાદી બનાવી લઈએ.
-હં. ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ ગયું. હવે બહારગામના મહેમાનોને ઉતારો આપવા માટે કઈ હોટેલ પસંદ કરવી તે જોઇએ.
-હોટેલમા શા માટે? એ તો બહુ મોંઘું પડે. તને ખબર છે, વિપ્રો જેવી મોટી કંપનીના માલિક અઝીમ પ્રેમજી જેવા મોટા માણસો બહારગામ જાય કે મોટાં શહેરોમા રોકાય, ત્યારે ફાઇવ સ્ટાર હોટેલમા કે મોટી ક્લબમા ઉતરવાના બદલે કંપનીના ગેસ્ટ હાઉસમા રહે છે?
-તે આપણે ક્યાંક બહારગામ જવાનું થશે ત્યારે આપણે પણ એમ કરીશું, બસ? પણ દીકરીના સાસરિયાંઓને એમ કંઇ ગેસ્ટ હાઉસ કે ધરમશાળામાં ઉતારો ના અપાય.
-ઓ.કે. મેડમ, સમજી ગયો. બોલો બીજો કંઇ હુકમ?
-નાટક છોડો હવે. મહેમાનોને હોટેલથી મેરેજના હૉલ સુધી લાવવા-લઈ જવા માટે થોડી સારામાંની ગાડીઓની વ્યવસ્થા કરવી પડશે.
-તને ખબર છે, પ્રિયે? ૧૨.૭ બિલિયન ડોલર સંપત્તિના માલિક અઝીમ પ્રેમજી એમની સાદી ગાડી ટોયેટા કોરોલોમા જ-
-અરે! તમારા એ અઝીમ પ્રેમજીને મૂકોને તડકે. દીકરીના લગ્નમાં સાસરિયાઓ માટે જેવી-તેવી ખખડધજ ટેક્સીઓ ના ચાલે, મસ્ત લક્ઝુરિયસ કાર જોઇએ.
-જેવી તમારી આજ્ઞા મહારાણીજી. ઔર કોઇ હુકુમ ઇસ નાચીઝ કે લીયે?
-હં... કેટરર્સ તરીકે કોને બોલાવીશું? આઇ થીંક, આર.કે. બેસ્ટ છે આપણા શહેરમા. મસ્ત ખાવાનું અને તે ય જર્મન સિલ્વરના ડિનર સેટમાં.
-અરે! એ તો બહુ મોંઘા પડે. યાર, ખુદ અઝીમ પ્રેમજીએ એમના દિકરાના  લગ્નમા જમણ વખતે મહેમાનોને કાગળની પ્લેટમા જમવાનુ આપેલું.
-વળી પાછા તમે તમારા એ અઝીમ પ્રેમજી ને વચ્ચે લાવ્યા? મને તો એ બહુ જ કંજૂસ માણસ લાગે છે.
-કંજૂસ નહિ, સાદા અને સરળ માણસ કહેવાય. માણસે જીવનમા આ રીતે પૈસા વેડફવા ન જોઇએ.
-માણસે જરૂર પડ્યે પૈસા વાપરતા પણ શીખવું જોઇએ. તમે એક એવા છો કે- કેટલા વખતથી કહું છું કે આ ૨૫ વર્ષ જૂનો ઐતિહાસિક ફ્લેટ કાઢી નાંખો અને એક નાનકડું મજાનું ટેનામેન્ટ લઈ લ્યો. પણ મારું સાંભળે છે જ કોણ?
-તને ખબર છે વ્હાલી, દુનિયાની સૌથી ધનિક ગણાતી વ્યક્તિ કે જે ૬૨ બિલિયન ડોલરના માલિક છે, તે વોરેન બુફે અત્યાર સુધી પોતાના ૫૦ વર્ષ જૂના, માત્ર ૩૧,૫૦૦ ડોલરમા ખરીદેલા સાદા ઘરમા રહેતા હતા.
-તમારો ઇરાદો બીજાં ૨૫ વર્ષ આજ ખખડધજ ફ્લેટમા રહેવાનો હોય તો ભલે, મને કોઇ વાંધો નથી.પણ મારી પણ એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. વિશુના લગ્ન પહેલાં આ આખા ફ્લેટને હું રીનોવેટ કરાવવાની છું અને તે પણ ફર્નિચર  સહિત.પછી તમે કંઇ પણ કહેશો તે હું સાંભળવાની નથી.
-પછી કે પહેલાં, તું ક્યાં કશું મારું કહેલું સાંભળે જ છે? હવે જ્યારે તું મારા માથે ટાલ પાડવાનું નક્કી કરીને જ બેઠી છે, પછી તને શું કહું?
-તમે ભલે ને કશું ના કહો. લ્યો ને, છાપા તો હું ય વાંચું છું. તો હું જ તમને કંઇક કહું. દુનિયાના અતિ ધનાઢ્યોમાના એક ગણાતા   જહોન કોડવેલ કે જે ૨.૩ બિલિયન ડોલરના માલિક છે, તે પોતાના વાળ જાતે કાપે છે,  અને તમને તો દાઢી જાતે કરવી પડે છે તે ય કંટાળો આવે છે. જહોન કોડવેલ બ્રિટનની કપડાં વેચનારી કંપનીના સેલમાંથી ખરીદી લાવેલાં કપડાં  પહેરે છે,  અને તમને તો બ્રાન્ડેડ સિવાયના કપડાં ગમતાં જ નથી.
-ઓ.કે.  ઓ.કે. જનાબ. તું જીતી અને  હું હાર્યો.
-હં, હવે આવ્યાને ઠેકાણે?
-છૂટકો છે, કંઇ? તેં પેલું વાક્ય તો સાંભળ્યું જ હશે કે-----
‘‘Marriage is a Relationship in which, one person is always right, and another is Husband.’’’